શ્રી કૃષ્ણનું ખરું સ્વરૂપ
આપણે બધા શ્રી કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપની પૂજા-ભક્તિ કરીએ છીએ તો શ્રી કૃષ્ણનું ખરું સ્વરૂપ જાણવા માટે આ વીડિયો નિહાળો.
શ્રીકૃષ્ણ એટલે નરમાંથી નારાયણ થયા તે! શ્રીકૃષ્ણ તો ગજબના પુરુષ થઈ ગયા. તેઓ વાસુદેવ હતા. વાસુદેવ એટલે બધી ચીજોના ભોક્તા, પણ મોક્ષના અધિકારી હોય. તેમને સોળ હજાર રાણીઓ હોવા છતાં તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. શ્રીકૃષ્ણ ભગવાન ભવિષ્યમાં તીર્થંકર થશે ત્યારે કરોડો લોકો તેમના નિમિત્તે આત્માનું જ્ઞાન પામીને મોક્ષમાર્ગે દોરાશે.
હજારો વર્ષો પહેલા થઈ ગયેલા ભગવાન શ્રીકૃષ્ણને આજે પણ લોકો ખૂબ ભક્તિથી ભજે છે, તેમને પૂજે છે. તેમણે બોધેલા ગીતાજ્ઞાનને સમજવા અને જીવનમાં અપનાવવા આખી દુનિયાના લોકો પ્રયત્નો કરે છે!
કેટલાક લોકો શ્રીકૃષ્ણ ભગવાનને પારણામાં ઝૂલતા લાલજી તરીકે, તો કેટલાક રાધા અને ગોપીઓ સાથે રાસલીલા કરતા નટખટ નંદલાલ તરીકે ભજે છે. કેટલાક વાંસળીવાળા ગોપાલ તરીકે તો કેટલાક કુરુક્ષેત્રમાં અર્જુનના સારથિ તરીકે આરાધે છે. બાળકૃષ્ણ, યોગેશ્વર શ્રીકૃષ્ણ, શ્રીનાથજી, તિરુપતિ બાલાજી આ સર્વે સ્વરૂપોમાં શ્રીકૃષ્ણ ભગવાનનું સાચું સ્વરૂપ કયું? તો ચાલો, આપણે શ્રીકૃષ્ણ ભગવાનના સાચા સ્વરૂપને ઓળખીએ.
ૐ નમો ભગવતે વાસુદેવાય!
શ્રીકૃષ્ણ ભગવાન તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે ત્રેસઠ શલાકા(શ્રેષ્ઠ) પુરુષોમાંથી એક! દરેક કાળમાં એવા ત્રેસઠ ઉત્તમ પુરુષો થાય છે, જેમને મોક્ષમાર્ગનો સિક્કો વાગી ગયો હોય છે.
ત્રેસઠ શલાકા પુરુષોમાં ચોવીસ તીર્થંકર ભગવંતો હોય, જેમણે ક્રોધ-માન-માયા-લોભ ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. પછી બાર ચક્રવર્તી રાજાઓ હોય જેઓ આખી પૃથ્વીના, છ ખંડના અધિપતિ કહેવાય છે. પછી નવ વાસુદેવ અને તેમના વિરુદ્ધમાં નવ પ્રતિવાસુદેવ હોય. કુદરતી રીતે બંને વચ્ચે યુદ્ધ થાય અને વાસુદેવના નિમિત્તે પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય પછી વાસુદેવ આખી દુનિયાના માલિક થાય. આ સિવાય નવ બળદેવ હોય. વાસુદેવ અને બળદેવ બંને ભાઈઓ હોય અને તેમની વચ્ચે અત્યંત રાગ હોય. શ્રીકૃષ્ણ ભગવાન વાસુદેવ કહેવાય અને તેમના ભાઈ બળરામ હતા, એ બળદેવ કહેવાય. આ બધા પુરુષો દેહધારી રૂપે ભગવાન કહેવાય છે, કારણ કે તેમની અંદર સંપૂર્ણ ભગવાન પ્રગટ થયા છે.
વાસુદેવ પદ અલૌકિક પદ છે. વાસુદેવ તરીકે જેમનો જન્મ થાય તેના કેટલાય અવતારો પહેલાંથી તેમનો પ્રભાવ ગજબનો હોય. તેમની આંખ દેખીને જ માણસો ભડકી જાય એવો તેમનો પ્રતાપ હોય. તેઓ ચાલે તો જાણે ધરતી ખખડે. તેમની હાજરીથી જ લોકો આઘા પાછા થઈ જાય. તેમના લક્ષણો જુદી જ જાતનાં હોય.
શ્રીકૃષ્ણ ભગવાનને ગોપીઓ અને રાધા સાથે રાસલીલા કરતા વર્ણવવામાં આવે છે. કેટલાક લોકો તેમના ચારિત્રને દુશ્ચારિત્ર કહીને વગોવે છે. પણ વાસ્તવિકતામાં શ્રીકૃષ્ણ ભગવાન તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. જેમના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય! શ્રીકૃષ્ણ ભગવાનને સોળ હજાર રાણીઓ હતી, ઉદયમાં અબ્રહ્મચર્ય હતું, છતાં ભાવમાં સતત બ્રહ્મચર્ય પ્રત્યે નિષ્ઠા હતી તેથી નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા.
જેમ કોઈ માણસ સંજોગવશાત્ ચોરી કરે છે પણ તેના ભાવમાં નિરંતર એમ રહે છે કે, “ચોરી ન કરવી જોઈએ” તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય. એક માણસ બહાર દેખીતી રીતે તો દાન આપે છે, પણ તેના મનમાં એમ હોય કે, “આ લોકોનું આમ પડાવી લઉં” તો તે દાન ગણાતું નથી. તેમ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય તેવી ક્રિયાની અપેક્ષાએ અંદર પોતાની નિષ્ઠા ક્યાં વર્તે છે તે મહત્ત્વનું છે. એક વખત ગોપીઓને યમુના નદી પાર કરીને સામે કાંઠે દુર્વાસા મુનિ માટે ભોજન લઈને જવાનું હતું. પણ નદીના ધસમસતા પાણીમાંથી પસાર થવું અશક્ય હતું. ત્યારે ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યુ કે હવે શું કરવું? શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે “જાઓ, યમુના નદીને કહો કે, જો શ્રીકૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય તો માર્ગ કરી આપે!” ગોપીઓએ યમુના નદીને એમ કહ્યું અને યમુનાએ માર્ગ કરી પણ આપ્યો. તેવી જ રીતે પાછા ફરતી વખતે દુર્વાસા મુનિએ કહ્યું, “જો દુર્વાસા મુનિ આજીવન ઉપવાસી હોય તો યમુના નદી માર્ગ કરી આપે” અને એમ જ થયું. આમ આહાર લેવા છતાં દુર્વાસા મુનિ કાયમ નિરાહારી હતા અને ભગવાન શ્રીકૃષ્ણ હજારો રાણીઓ હોવા છતાં નૈષ્ઠિક બ્રહ્મચારી હતા.
વાસ્તવમાં ગોપી એટલે કોઈ સ્ત્રી નથી. શ્રીકૃષ્ણ ભગવાનના સમયમાં ગાયોનું પાલન કરનારા લોકોને ‘ગોપ’ કહેતા, જેનો અર્થ છે ગોપાલન કરનાર વ્યક્તિ. તેના પરથી ગોપી નામ પડ્યું છે. જ્ઞાની પુરુષની ભક્તિમાં પુરુષો પણ ગોપીઓ જ ગણાતા હતા અને ગોપી થઈને ભક્તિ કરે તો જ કલ્યાણ થાય. તેવી જ રીતે, રાધા શબ્દ “રાધ” ઉપરથી પડ્યો છે. તદ્રુપ થવાનો પ્રયત્ન એને રાધ કહે છે, જેનો અર્થ થાય આરાધના. જ્યાં પ્રભુની આરાધના હોય, એટલે કે ‘રાધા’ હોય ત્યાં ‘કૃષ્ણ’ હોય જ! રાધા સાથેનો શ્રીકૃષ્ણ ભગવાનનો સંબંધ એ ભક્તની પ્રભુ પ્રત્યેની આરાધનાનું પ્રતિક છે.
શ્રીકૃષ્ણ ભગવાન પોતે નૈષ્ઠિક બ્રહ્મચારી તો હતા. એટલું જ નહીં, તેમને બધા જ બ્રહ્મચારીઓ અને ત્યાગીઓ માટે ખૂબ અહોભાવ હતો! તેમણે નેમિનાથ ભગવાનને કહ્યું હતું કે હું દીક્ષાધર્મ અંગીકાર કરવા સમર્થ નથી, પણ મારા રાજ્યમાં જેમને જેમને દીક્ષા લેવી હોય તે બધાને હું દત્તક લેવા તૈયાર છું. તેમનો આખો જીવનનિર્વાહ, તેમની અને તેમના આખા કુટુંબની જવાબદારી અને સંરક્ષણ સુધીનું બધું જ હું સાચવીશ. શ્રીકૃષ્ણ ભગવાનની આવી જબરજસ્ત અનુમોદના હતી. તેમના કારણે કેટલાય લોકો નિશ્ચિંત થઈને નેમિનાથ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી શક્યા અને આત્મકલ્યાણ સાધી શક્યા.
ત્યાગીઓ પ્રત્યે તેમને એટલો અહોભાવ હતો કે તેમણે ઉત્કૃષ્ટ ભાવથી અસંખ્ય સાધુઓને વંદન કર્યું હતું! શ્રીકૃષ્ણ ભગવાનને નેમિનાથ ભગવાન પાસેથી ક્ષાયક સમકિત પ્રાપ્ત થયું હતું અને તે જ ભવમાં તેમણે તીર્થંકર ગોત્ર પણ બાંધ્યું! એટલે કે, આવતી ચોવીસીમાં શ્રીકૃષ્ણ ભગવાન તીર્થંકર ભગવાન થશે!
સુદર્શન એટલે એક ચક્ર, જે ભગવાન શ્રીકૃષ્ણના જમણા હાથની તર્જની આંગળી પર ગોળ ફરતું હથિયાર છે, આવું સામાન્ય રીતે મનાય છે. પણ આ ચક્ર ખરેખર શું સૂચવે છે?
સુદર્શન ચક્ર એ કોઈ શસ્ત્ર નહોતું. સુદર્શન એટલે સમ્યક્ દર્શન. નેમિનાથ ભગવાન એટલે કે શ્રીકૃષ્ણ ભગવાનના પિત્તરાઈ ભાઈ જેઓ તીર્થંકર હતા, તેમની પાસેથી શ્રીકૃષ્ણ ભગવાનને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું હતું. દર્શન એટલે દૃષ્ટિ અને સુદર્શન એટલે સમ્યક્ દૃષ્ટિ. “હું આત્મા છું” એ સમ્યક્ દૃષ્ટિ છે. અજ્ઞાનતાથી જગતના જીવો આ નામધારી, દેહધારી હું છું તેવી ભ્રાંતિમાં જીવે છે. જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાનતાના આવરણો ભેદાય છે અને 'સુદર્શન' અર્થાત્ સમ્યક્ સમજણ પ્રગટ થાય છે. સર્વ ભ્રાંત માન્યતા તૂટતાં “હું આત્મા છું” એવી રાઈટ બિલીફ બેસે, એ જ સમ્યક્ દર્શન.
આ દૃષ્ટિને કારણે શ્રીકૃષ્ણ ભગવાન ભવ્ય રાજપાટ, હજારો રાણીઓ અને અપાર સમૃદ્ધિ હોવા છતાં સંસારની તમામ માયાજાળથી નિર્લેપ રહેતા હતા. શ્રીકૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રની વચ્ચે અર્જુનને એ જ સમ્યક્ દર્શન આપ્યું હતું.
કાલિયદમન
શ્રીકૃષ્ણ ભગવાનની જીવનલીલાઓમાં સૌથી પ્રચલિત લીલા છે કાલિય નાગનું દમન. કહેવાય છે કે શ્રીકૃષ્ણ ભગવાન નાનપણમાં મિત્રો સાથે રમતા હતા, ત્યારે દડો યમુના નદીમાં પડી ગયો. એ નદીમાં અત્યંત ઝેરી કાળીનાગ રહેતો હતો. શ્રીકૃષ્ણ ભગવાને દડો લેવા નદીમાં ડૂબકી લગાવી અને એ નાગને નાથીને એની ફણા ઉપર નૃત્ય કર્યું.
પરમ પૂજ્ય દાદાશ્રી આ કથા પાછળની વાસ્તવિકતા સમજાવે છે. કાલિયદમનમાં નાગ એ ક્રોધનું રૂપક છે. આપણા સૌની અંદર ક્રોધરૂપી નાગ રહેલો છે જે સામી વ્યક્તિને ફેણ મારીને સંબંધોમાં કડવાશ રૂપી ઝેર ફેલાવે છે.
શ્રીકૃષ્ણ ભગવાને ક્રોધરૂપી નાગને વશ કર્યો, એટલે તેઓ કૃષ્ણ કહેવાયા. કર્મને કૃષ કરે તે કૃષ્ણ! બાળજીવોને આ વાત સમજાવવાના આશયથી આવા રૂપક સાથે કાલિયદમનની કથા કહેવામાં આવી. પણ સમય જતાં મૂળ આશય વિસરાઈ ગયો!
એક આંગળી પર ગોવર્ધન
શ્રીકૃષ્ણ ભગવાનની એક પ્રચલિત લીલામાં તેઓ સાંબેલાધાર વરસાદમાં ગામના લોકો અને પશુ-પક્ષીઓને રક્ષણ આપવા ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો, એવું કહેવાય છે. વાસ્તવિકતામાં ગોવર્ધન એ કોઈ પર્વત નથી. અહીં ગોવર્ધનનો સાચો અર્થ ગો-વર્ધન એટલે કે ગાયોનું વર્ધન છે.
શ્રીકૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. ભારતમાં ગાયોને પવિત્ર ગણવામાં આવે છે, પણ તે સમયમાં ગાયોની હિંસા કરીને તેનું માંસ ખાવાનું શરૂ થયું હતું. એટલે શ્રીકૃષ્ણ ભગવાને શું કર્યું? ગોવર્ધન અને ગોરક્ષા શરૂ કરાવ્યા. ગોરક્ષાથી ગાયોની હિંસા અટકી, તેમજ ગોવર્ધનથી ગાયોની વસ્તી વધારવાના પ્રયત્નો શરૂ થયા. શ્રીકૃષ્ણ ભગવાને આ બહુ ઊંચું કામ કર્યું હતું.
સમય જતા, ગોવર્ધન પર્વત આંગળી પર ઊંચક્યો, એ શબ્દ સ્થૂળમાં રહ્યો, પણ એની સૂક્ષ્મ ભાષા ભૂંસાઈ ગઈ. તાર્કિક પ્રશ્ન થાય કે ગોવર્ધન પર્વત ઊંચક્યો તો હિમાલય કેમ નહીં? અને આટલા સમર્થ ભગવાન હતા તો પગમાં તીર વાગવાથી મૃત્યુ કેમ થયું?
વાસ્તવિકતામાં, શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધનના પ્રયોજન તરફ આંગળી ચીંધી હતી. તેમની આગેવાની હેઠળ ઠેર ઠેર ગોશાળાઓ સ્થપાઈ હતી, જેમાં હજારો ગાયોનું પોષણ થાય તેવી વ્યવસ્થા કરી હતી. ગોવર્ધન અને ગોરક્ષા બંને થવાથી ઠેર ઠેર દૂધ-ઘીનું ઉત્પાદન વધ્યું હતું. આ પ્રયોજનમાં તેમની સાથે ગોવર્ધન કરનારા ગોપાલકો ગોપ અને ગોપી કહેવાયા!
આમ ગોવર્ધન એ શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા થયેલી અહિંસાના પ્રચારનું પ્રતિક છે. તેમના જીવનના આ પ્રસંગથી આપણને શીખવા મળે છે કે મનુષ્યના જીવનમાં હિંસકભાવ ન જ હોવો જોઈએ. આપણું જીવન અહિંસા માટે ખર્ચાઈ જાય તેનું નામ અહિંસકભાવ કહેવાય.
શ્રીકૃષ્ણ ભગવાન હજારો વર્ષો પૂવે થઈ ગયા. તેમના વખતમાં વૈષ્ણવ નામનો કોઈ ધર્મ નહોતો. ભગવાને તો આત્મધર્મને સ્વધર્મ કહ્યો હતો. શ્રીકૃષ્ણ ભગવાનના ગયા પછી વૈષ્ણવ સંપ્રદાય ઊભો થયો. જ્યારે પુષ્ટિમાર્ગ તો શ્રી વલ્લભાચાર્ય દ્વારા પાંચસો વર્ષ પહેલા જ સ્થાપ્યો હતો.
પાંચસો વર્ષ પહેલા મુસ્લિમ રાજાઓનો હિન્દુસ્તાનમાં બહુ કેર વર્તાતો હતો. સ્ત્રીઓને ઘરની બહાર કે મંદિર જવામાં પણ ભય રહેતો હતો, એટલે કોઈ ઘરની બહાર પગ નહોતું મૂકતું. હિંદુ ધર્મ ખલાસ થઈ જવાની અણી ઉપર હતો. ત્યારે શ્રી વલ્લભાચાર્યે કાળને અનુરૂપ એવા ધર્મને પુષ્ટિ આપી, જેમાં ઘરે બેઠા ભક્તિ કરી શકાય તેવો રસ્તો દર્શાવ્યો. આ ભક્તિમાર્ગ એ પુષ્ટિમાર્ગ કહેવાયો.
પુષ્ટિમાર્ગમાં શ્રીકૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપ એટલે કે ઠાકોરજીની પૂજા, સેવા અને ભક્તિ કરવામાં આવે છે. જેમાં ભક્તો ઠાકોરજીને નવડાવે, જમાડે, પોઢાડે, તેમની બધી જ સેવા કરે. ચુસ્ત વૈષ્ણવો પોતે જ્યાં જાય ત્યાં ઠાકોરજીને સાથે લઈ જાય અને ઘરનો સાત્ત્વિક આહાર જ જમે. આખો દિવસ ચિત્ત ભગવાનમાં જ રહ્યા કરે તેના માટે આ ભક્તિમાર્ગ એ ઊંચો માર્ગ છે. હવે જ્ઞાની પુરુષની હાજરીમાં આત્મધર્મ પ્રકાશમાં આવ્યો છે!
શ્રીકૃષ્ણ ભગવાન આગલા અવતારમાં વણિક હતા. ત્યારે તેમને જ્યાં ને ત્યાંથી જબરજસ્ત તિરસ્કાર મળ્યો હતો. પછી તેઓ સાધુ થયા હતા અને જબરજસ્ત તપ, ત્યાગનો આચાર લીધો. કઠોર તપથી બંધાયેલું બધું પુણ્ય ખર્ચાવા માટે તેમણે નિયાણું કર્યું હતું કે, આખું જગત મને પૂજે. નિયાણું એટલે પુણ્યની બધી મૂડી કોઈ એક વસ્તુ પ્રાપ્ત કરવામાં ખર્ચવી તે. આ નિયાણાનું પરિણામ એ આવ્યું કે શ્રીકૃષ્ણ ભગવાનના અવતારમાં તો તેઓ પૂજ્ય પદને પામ્યા, પણ આજેય લોકોમાં શ્રીકૃષ્ણ ભગવાન અત્યંત પૂજનીય છે!
શ્રીકૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કેવો હોય? આપણે એક બાજુ કહીએ કે, “જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.” અને બીજી બાજુ દિવસ-રાત ચિંતા-ઉપાધિમાં ગાળીએ તો એ શ્રીકૃષ્ણ ભગવાનની સાચી ભક્તિ કઈ રીતે કહેવાય? એક વખત “શ્રી કૃષ્ણઃ શરણં મમ” કહીને આપણે શ્રીકૃષ્ણ ભગવાનનું શરણું લીધું, તો પછી ચિંતા શેની? પરમ પૂજ્ય દાદાશ્રી શ્રીકૃષ્ણ ભગવાનની સાચી ભક્તિની રીત બતાવતા કહે છે, “તમારે રોજ સવારમાં પાંચ વખત કૃષ્ણ ભગવાનના ફોટા આગળ બે હાથ જોડીને કહેવું કે, 'હે ભગવાન, તમે કહ્યું છે કે એક પણ ચિંતા તું ના કરીશ. કારણ કે, કરવું-કરાવવું બધું આપના હાથમાં છે, છતાં મારાથી ચિંતા થઈ જાય છે તો શું કરવું? મારી તો દ્રઢ ઈચ્છા છે કે એક પણ ચિંતા ના કરાય. માટે હે ભગવાન, એવી કંઈક કૃપા કરો, એવી શક્તિ આપો કે ચિંતા ફરીથી ના થાય.' આમ છતાંય જો ફરી ચિંતા થાય તો ફરીથી ભગવાનને આમ વિનંતિ કરજો. આમ કર્યે જ જાવ, પછી કશી જ ચિંતા નહીં થાય, આ આપણે કૃષ્ણને દોરડું બાંધ્યું!”
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હતું કે, “જગત ભૌતિકમાં જાગે છે, ત્યાં કૃષ્ણ ઊંઘે છે ને જગત ઊંઘે છે, ત્યાં કૃષ્ણ ભગવાન જાગે છે.” એટલે કે, જગત સંસારમાં જાગે છે, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન અધ્યાત્મમાં જાગે છે. છેવટે અધ્યાત્મની જાગૃતિમાં આવવું પડશે, કારણ કે સંસારી જાગૃતિ એ અહંકારી જાગૃતિ છે, ને નિર્અહંકારી જાગૃતિથી મોક્ષ છે.
શ્રીકૃષ્ણ ભગવાનના સાચા સ્વરૂપને ઓળખીને તેમની ભક્તિ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ભક્તિ છે. મૂર્ત સ્વરૂપની ભક્તિમાં ભક્ત અને ભગવાન જુદા રહે છે. ખરા શ્રીકૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર એક જ્ઞાની પુરુષ જ કરાવી શકે. પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આપણને મહીં જ આત્માનો સાક્ષાત્કાર થાય છે અને તે જ સાચા શ્રીકૃષ્ણ છે. પોતે સ્વરૂપમાં રમણતા કરે પછી “આત્મવત્ સર્વભૂતેષુ” એટલે કે જીવમાત્ર આત્મસ્વરૂપે દેખાય. ત્યારે ભક્ત અને ભગવાન એક થાય છે.
કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર અર્જુન પોતાના સગાં-સ્નેહીઓ અને વડીલો સામે યુદ્ધ લડવાના વિચારથી વિષાદમાં ડૂબી ગયા હતા. ત્યારે અર્જુનનો મોહ દૂર થાય અને તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર થાય તે અર્થે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું. તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાયું.
મહાભારતના મહાયુદ્ધ પહેલા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું મારા સાચા સ્વરૂપને ઓળખી શક્યો નથી. આ દેહ હું નથી, હું તો આત્મા સ્વરૂપ છું. શસ્ત્રો મને ભેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી તેવો શુદ્ધ આત્મા છું. હે અર્જુન! તું પણ તે જ આત્મા સ્વરૂપ છે. જેની સાથે તું યુદ્ધ કરવાની ના પાડે છે તેઓ સૌ આત્મા સ્વરૂપે છે. આત્મા જન્મતો નથી કે મરતો નથી. આ ઘડીએ યુદ્ધ કરવું એ તારો ક્ષત્રિય ધર્મ છે, તું એને બજાવ. શ્રીકૃષ્ણ ભગવાન પાસેથી મળેલા આત્મજ્ઞાન થકી અર્જુનનો વિષાદ દૂર થયો. મહાભારતનું ભીષણ યુદ્ધ કરવા છતાં અર્જુનને એકપણ કર્મ બંધાયું નહીં અને છેવટે શ્રી નેમિનાથ પ્રભુના શરણે જઈને તેઓ મોક્ષે પણ ગયા!
ભગવાન કૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું તે જ જ્ઞાન અક્રમ વિજ્ઞાન થકી જ્ઞાની પુરુષ આપણને પ્રાપ્ત કરાવે છે. જેનાથી સંસારની તમામ ફરજો બજાવવા છતાં એક પણ કર્મ ના બંધાય તેવી દૃષ્ટિ મળે છે.
ભગવદ્ ગીતાની વિસ્તૃત સમજણ ભગવદ્ ગીતાની યથાર્થ સમજ પર ઉપલબ્ધ છે.
subscribe your email for our latest news and events