તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાન વર્તમાન કાળચક્રના ચૌદમા તીર્થંકર હતા. ભગવાનનું દેહપ્રમાણ ૫૦ ધનુષનું હતું.
શ્રી અનંતનાથ ભગવાનનું લાંછન બાજ પક્ષી છે. પાતાળ યક્ષદેવ અને અંકુશા યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.
ઘાતકીખંડના પ્રાગવિદેહ ક્ષેત્રમાં ઐરાવત વિજયની અરિષ્ટા નગરીમાં પદ્મરથ રાજા હતા. તેમણે સંસારમાં રાજગાદી ભોગવીને દીક્ષા લીધી. ખૂબ ભક્તિ-આરાધના કરીને, તીર્થંકર ગોત્ર બાંધીને તેઓ દેવલોકમાં ગયા.
દેવલોકનું આયુષ્ય પૂરું કર્યા પછી તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનનો જન્મ, ભરતક્ષેત્રની અયોધ્યા નગરીમાં સિંહસેન રાજા અને સુયશા રાણીને ત્યાં થયો. તે વખતે સિંહસેન રાજાએ શત્રુઓના અનંત બળને જીતી લીધેલા એટલે ભગવાનનું નામ ‘અનંતનાથ’ રાખવામાં આવ્યું.
યુવાનકાળે તેમના લગ્ન થયા અને રાજ્યાભિષેક થયો. પછી અમુક કાળ વીત્યા બાદ દેવોની વિનંતીને સ્વીકારીને અનંતનાથ પ્રભુએ દીક્ષા લીધી.
અનંતનાથ ભગવાનના સમયમાં થયેલા ચોથા વાસુદેવ પુરુષોત્તમ રાજા, ચોથા બળદેવ સુપ્રભ રાજા અને ચોથા પ્રતિવાસુદેવ મધુ રાજા વિશે વાંચીએ.
મલયભૂમિના ચંડશાસન રાજા અને સમુદ્રદત્ત રાજા, એ બંને ખૂબ જ જીગરી દોસ્ત હતા. એક વખત ચંડશાસન રાજા મલયભૂમિમાંથી નીકળીને સમુદ્રદત્ત રાજાને ત્યાં મહેમાન તરીકે આવ્યા. સમુદ્રદત્ત રાજાએ એમનું સ્વાગત કરીને ખૂબ સુંદર રીતે મહેમાનગતિ કરી. ચંડશાસન રાજાની સેવામાં સમુદ્રદત્ત રાજા અને નંદા રાણી હાજર હતા. નંદા રાણી ખૂબ જ સુંદર હોવાને કારણે ચંડશાસન રાજાને એમના પર મોહ ઉત્પન્ન થયો અને તેમણે નંદા રાણીનું હરણ કર્યું. ત્યાં સમુદ્રદત્ત રાજાને અપમાનનો, પત્નીના વિરહનો અંદર ખૂબ જ ભોગવટો આવ્યો. પોતે ચંડશાસન રાજાની સામે કશું કરી શકવા માટે સમર્થ ન હતા એટલે પોતે અંદર ખૂબ જ અપમાનિત થઈને, ભોગવટા ભોગવીને છેવટે વૈરાગ આવતાં દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તપ કરીને આવતા ભવમાં જરૂરથી ચંડશાસનનો બદલો લેવાનું નિયાણું બાંધ્યું. એક સ્ત્રીમાંથી કેટલું બધું વેર ઊભું થયું! સમુદ્રદત્ત રાજા પોતાનું આયુષ્ય કર્મ પૂરું કરીને દેવલોકમાં દેવ થયા.
ચંડશાસન રાજા અનેક ભવો ભટકી ભટકીને પાછા પૃથ્વી પર આવીને વિલાસ રાજા અને ગુણવંતી રાણીના પુત્ર, ચોથા પ્રતિવાસુદેવ મધુ તરીકે જન્મ લીધો. ચોથા વાસુદેવનો જન્મ પણ એ જ કાળમાં દ્વારકા નગરીમાં સોમ રાજાને ત્યાં થયો. સોમ રાજાને બે પત્નીઓ હતી: સુદર્શના અને સીતા. રાણી સુદર્શનાને કૂખે ચોથા બળદેવ સુપ્રભ જન્મ્યા અને રાણી સીતાને કૂખેથી ચોથા વાસુદેવ પુરુષોત્તમ (સમુદ્રદત્ત રાજા) જન્મ્યા. નિયમ પ્રમાણે વાસુદેવ બહુ જ બળવાન, બુદ્ધિમાન અને જબરજસ્ત અહંકાર લઈને આવ્યા હોય છે. આખી દુનિયામાં ક્યાંય કોઈનો અહંકાર ના જોવા મળે, એટલો બધો સર્વોચ્ચ અહંકાર વાસુદેવનો હોય છે અને એના બળે એમનામાં જબરજસ્ત શક્તિ હોય છે. અડધી દુનિયાને હલાવી નાખે એટલી બધી શક્તિ હોય છે.
વાસુદેવ પુરુષોત્તમ નાની વયમાં પણ ખૂબ જ બળવાન હતા. વાસુદેવ પુરુષોત્તમ અને બળદેવ સુપ્રભ, બંનેમાં જિગરી એકતા, અભેદતા હતી. બંને સાવકા ભાઈઓ હોવા છતાં સગા ભાઈ કરતા પણ વિશેષ એકતા એમનામાં હતી. જ્યારે વાસુદેવ પુરુષોત્તમ અને બળદેવ સુપ્રભ બંને કુમારાવસ્થામાં હતા, ત્યારે પ્રતિવાસુદેવ મધુ રાજા અડધી પૃથ્વીના રાજા હતા.
એક વખત નારદ મુનિ પ્રતિવાસુદેવ મધુ રાજાની રાજસભામાં ગયા અને ત્યારે મધુ રાજાએ પોતે જ પોતાના વખાણ કર્યા,”અડધી દુનિયાનો હું રાજા છું. આ બધા રાજાઓ મારી સેવામાં છે; બધા મને રોજ સલામ ભરે છે અને જબરજસ્ત ખંડણી આપે છે.” આવી વાતો સાંભળીને નારદ મુનિએ સળી કરી. જેવા નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ હોય છે એમ જોડે જોડે નવ નારદ પણ હોય છે. નારદ મુનિએ મધુ રાજાને કહ્યું કે, ”તમે અડધી પૃથ્વીના રાજા છો. બધા રાજાઓ તમને સલામ ભરે છે એમ તમે માનો છો પણ સોમ રાજાના બે પુત્રો – પુરુષોત્તમ અને સુપ્રભ, તેઓ જબરજસ્ત બળવાન છે. આખી દુનિયામાં ના જોવા મળે એવું એમનું બળ છે. તમારો તો કંઈ હિસાબ નથી એમની આગળ. આખો મેરુ પર્વત હલાવી નાખે એટલું તો એમનામાં બળ છે.”
વાસુદેવની શક્તિની પ્રશંસા સાંભળીને મધુ રાજા ક્રોધમાં આવીને લ્હાય લ્હાય થઈ ગયા. મધુ રાજાને અંદર વેર અને સ્પર્ધા ઊભી થઈ. હંમેશા રાજા-રાજાઓ વચ્ચે સ્પર્ધા હોય જ. ત્યાર બાદ, મધુ રાજાએ સોમ રાજાને ત્યાં પોતાના દૂતને મોકલ્યો અને પોતે ઉપરી રાજા હોવાથી ખંડણી વસૂલ કરવાની માંગણી કરી. દૂત દ્વારા ખંડણીની બધી રકમરૂપે બધા રત્નો, દાગીનાઓ, હાથી-ઘોડા-રથ બધું મોકલી આપવા કહ્યું. ત્યાં સોમ રાજા પહેલાંની જેમ ખંડણી મોકલતા હતા એમ તૈયાર થઈ ગયા. પરંતુ, આ બાબત માટે એમના બે પુત્રો સુપ્રભ અને પુરુષોત્તમ ન માન્યા કારણ કે, વાસુદેવ પુરુષોત્તમ અને બળદેવ સુપ્રભ જબરજસ્ત શક્તિવાળા હતા. તેમણે કહ્યું, ”ના પિતાજી! હવે અમે છીએ. અમે હવે યુવાન થઈ ગયા છીએ અને બધી રીતે તૈયાર છીએ. અમે યુદ્ધ કરીશું પણ મધુ રાજાના ખંડણી તો નહીં જ થઈએ.” આમ દૂતને અપમાનિત કરીને મધુ રાજા પાસે પરત મોકલાવી દીધો. દૂત પાસેથી બધું વર્ણન સાંભળીને મધુ રાજા ખૂબ જ કોપાયમાન થયા. “આ કુમારો મારું શું કરશે!”, એમ કરીને મોટું લશ્કર લઈને લડવા નીકળ્યા. સામે સોમ રાજા પણ એમના બે પુત્રો સુપ્રભ અને પુરુષોત્તમને લઈને એમના પાસે જેટલું લશ્કર હતું એ લઈને નીકળ્યા. લશ્કરો સામસામે આવ્યા અને બહુ મોટું યુદ્ધ થયું. યુદ્ધમાં અંતે નિયમ પ્રમાણે વાસુદેવના હાથે પ્રતિવાસુદેવનું મૃત્યુ થયું. ચક્રથી પ્રતિવાસુદેવનું ગળું હણાઈ ગયું. બીજી બાજુ, વાસુદેવ પુરુષોત્તમ રાજાનો રાજ્યાભિષેક થયો. તેમણે રાજ કર્યું અને સત્તા માટે બધા ખંડણી રાજાઓને પાછા પોતાના તાબામાં લાવી દીધા હતા.
આયુષ્ય પૂરું થતા વાસુદેવ પુરુષોત્તમ રાજા કાળધર્મ પામ્યા. ત્યાર બાદ, બળદેવ સુપ્રભને ખૂબ જ વૈરાગ આવ્યો કારણ કે તેમને પોતાના ભાઈ પ્રત્યે અત્યંત લાગણી હતી. પછી બળદેવ સુપ્રભ રાજાએ દીક્ષા લઈ લીધી. ખૂબ ભક્તિ-આરાધના કરતાં કરતાં એમનો દેહવિલય થયો અને તેઓ દેવગતિમાં જન્મ્યા.
શ્રી અનંતનાથ ભગવાન ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં ગામેગામ વિચરતા હતા. દીક્ષા લીધાના ત્રણ વર્ષ પછી ભગવાનને કેવળજ્ઞાન થયું. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી દેવોએ સમવોસરણની રચના કરી અને પ્રભુએ એમાં બિરાજીને દેશના આપી. ભગવાનની દેશના પ્રમાણે મોક્ષ બે પ્રકારે છે:
અનંતનાથ ભગવાનની દેશના સાંભળતા જ લોકોનું હૃદય પરિવર્તન થઈ ગયું. ભગવાનની વાણી એટલે બધા જ આવરણોને ભેદીને સોંસરવી આરપાર ઊતરી જાય. એ વાણી સાંભળીને કેટલાંય જીવો તરી ગયા છે. એ સ્યાદ્વાદ વાણી, એ દેશના આ જગતમાં બીજે ક્યાંય જોવા ન મળે.
દેશના આપતાં આપતાં શ્રી અનંતનાથ ભગવાનનો બાકીનો આયુષ્યકાળ પૂરો થયો. એમના સંઘમાં ૫૦ ગણધરો હતા. લાખો સાધુ-સાધ્વીઓએ ભગવાનની વાણીનો લાભ લીધો અને કેટલાંય લોકોએ દીક્ષા લઈને મોક્ષ પંથ તરફ આગળ પ્રયાણ કર્યું. અનંતનાથ ભગવાનની પાસે પુરુષોત્તમ વાસુદેવ અને સુપ્રભ બળદેવ પણ ગયા અને એમની જબરજસ્ત વાણી સાંભળીને દીક્ષા લઈને સમકિત પામ્યા. પુરુષોત્તમ વાસુદેવ પોતાનું બાકીનું આયુષ્ય કર્મ ખપાવીને મૃત્યુ પામ્યા. સુપ્રભ બળદેવ શ્રાવક થઈને પોતાના બધા જ કર્મો ખપાવીને મોક્ષે ગયા. અનંતનાથ ભગવાન સમ્મેત શિખરથી હજારો સાધુ-સાધ્વીઓ અને કેવળીઓ સાથે મોક્ષે ગયા.
subscribe your email for our latest news and events