પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન (ઋષભદેવ ભગવાન)

તીર્થંકર ઋષભદેવ ભગવાન, કે જેઓ આદિનાથ ભગવાન તરીકે પણ ઓળખાય છે, તેઓ વર્તમાન કાળચક્રના ત્રીજા આરાના પ્રથમ તીર્થંકર હતા અને પ્રથમ રાજા પણ હતા. ભગવાનનું લાંછન વૃષભ એટલે કે બળદ છે. ગૌમુખ યક્ષદેવ અને ચક્રેશ્વરી યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે.

ભગવાનના તીર્થંકર તરીકેના જન્મ પહેલાં ૧૨ ભવો થયા હતા. તેમનો જન્મ યુગલિક કાળમાં અંતિમ કુલકર નાભિ અને મરુદેવીના પુત્ર તરીકે થયો હોવાને કારણે તેઓ માતા મરુદેવીના નંદ તરીકે ઓળખાયા. તેમના લગ્ન સુનંદા અને સુમંગલા સાથે થયા હતા અને તેમને ૧૦૦ પુત્રો અને ૨ પુત્રીઓ હતા. ભગવાને કેવળજ્ઞાન થતાં જ હજારો મુમુક્ષુઓને દેશના આપી.

તો ચાલો, હવે ભગવાનના ૧૨ પૂર્વભવોની અને ત્યારબાદ તીર્થંકર ભગવાન તરીકેની જીવનકથાઓ વાંચીએ.

શ્રી આદિનાથ ભગવાન - પહેલો ભવ, બીજો ભવ, અને ત્રીજો ભવ

તેમનો પહેલો ભવ મહાવિદેહ ક્ષેત્રમાં રાજા પ્રસન્નચંદ્રના રાજ્યમાં ધન સાર્થવાહ શેઠ તરીકે થયો. ધન સાર્થવાહ શેઠ એ ખૂબ જ શ્રીમંત વેપારી હતા. તેઓ સાધુઓને દાન આપતા અને એમની ઘણી સેવા પણ કરતા.

એક વખત ધન સાર્થવાહ શેઠ વેપારના હેતુ માટે વસંતપુર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેટલાક જૈન મુનિઓએ તેમને પોતાના વિહાર માટે વિનંતી કરી. ધન સાર્થવાહ શેઠે વેપારી સંઘ સાથે જૈન મુનિઓને વિહાર કરાવ્યો અને રસ્તામાં બધી જ રીતે મુનિઓની ખૂબ જ કાળજીપૂર્વક અને હૃદયપૂર્વક સેવા કરી. મુનિઓ માટે યોગ્ય સ્થાને આશ્રમ જેવું બનાવી આપીને, શેઠ પોતે વેપાર હેતુ માટે બહાર ગયા. ત્યારબાદ શેઠ ધંધામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે તે મુનિઓ વિશે સાવ જ ભૂલી ગયા. અચાનક જ તેમને યાદ આવ્યું કે પોતે જૈન મુનિઓને સાથે લઈ આવ્યા હતા.

adinath

યાદ આવતા તુરંત જ ધન સાર્થવાહ શેઠ જૈન મુનિઓ પાસે ગયા અને તેમણે પોતાની ભૂલ ઉપર ખૂબ પસ્તાવો લીધો. પછી ધન સાર્થવાહ શેઠે મુનિઓની હૃદયપૂર્વક સેવા કરી. આ સમય દરમ્યાન, ધન સાર્થવાહ શેઠને સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થઈ, કે જે કેવળજ્ઞાનનું પ્રથમ પગથિયું છે. ત્યાર પછી, શ્રાવક ધર્મ અંગીકાર કરીને તેમણે સંપૂર્ણ જીવન ધર્મમાં પસાર કર્યું. બાકી રહેલું આયુષ્ય, તેમણે લોકસેવામાં અને ખૂબ જ તપ-સાધનામાં વ્યતીત કર્યું.

પછીના ભવમાં તેમણે ભરતક્ષેત્રમાં, ત્રીજા આરામાં યુગલિક તરીકે જન્મ લીધો.

ભરતક્ષેત્રમાં વર્તમાન કાળચક્રના પ્રથમ આરાથી ત્રીજા આરાના અર્ધભાગ સુધીનો સમય યુગલિયા કાળ તરીકે ઓળખાય છે. યુગલિક સમયમાં, મનુષ્ય જોડિયા જ જન્મે, એક પુરૂષ અને એક સ્ત્રી. દરેક યુગલ પોતાનું આખું આયુષ્ય એકસાથે પસાર કરે. પછી એ જોડિયા બાળકો એકસાથે મોટા થઈ, યુવાન થાય અને સમય થતાં પરણે. તેઓ સુખી અને સંતુષ્ટ જીવન જીવે અને કુદરતી રીતે સાથે જ મૃત્યુ પામે. એ કાળ દરમિયાન, કોઈને તણાવ ન હોય, કોઈ દુઃખ ન હોય અને ખાવા માટે પણ ચિંતા ન હોય. 

પ્રભુ ઋષભદેવનો યુગલિક કાળમાં જન્મ થયો હતો. ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાનનો ત્રીજો ભવ સૌધર્મ દેવલોકમાં થયો.

શ્રી આદિનાથ ભગવાન - ચોથો ભવ અને પાંચમો ભવ

સૌધર્મ દેવલોકમાં અત્યંત સુખ અને વૈભવ ભોગવીને ભગવાન ઋષભદેવનો ચોથો ભવ મનુષ્ય તરીકે થયો. તેઓ રાજા શતબળ અને રાણી સ્વયંપ્રભાને ત્યાં મહાબળ નામના પુત્ર તરીકે જનમ્યા. ઘણી બધી વિદ્યાઓમાં નિપુણ હોવાને કારણે તેઓ વિદ્યાધર તરીકે પણ ઓળખાતા હતા. સમય જતા માતા-પિતાને વૈરાગ્ય આવતાં તેમણે પોતાના પુત્ર મહાબળને રાજગાદી સોંપીને દીક્ષા ગ્રહણ કરી.

તેમના રાજ દરબારમાં મોટાભાગના મંત્રીઓ કુસંગી અને ભોગ-વિલાસી જીવન જીવતા હતા. પરંતુ, તેમાંના એક મંત્રી સ્વયંબુદ્ધને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયેલું હતું. તેમનું જીવન અત્યંત સાત્વિક, ધર્મ પારાયણ અને મોક્ષના હેતુ સહિતનું હતું. રાજ્યના ભોગવિલાસમાં ડૂબેલા રહેતા અન્ય મંત્રીઓનો રાજા મહાબળ પર સારો એવો પ્રભાવ હોવાને કારણે રાજા પોતે પણ કુસંગમાં લીન થઈ ગયા. રાજા મહાબળની બેદરકારીને લઈને આખા રાજ્યમાં અંધાધૂંધી થઈ ગઈ. આ બધું જોઈને સ્વયંબુદ્ધ મંત્રીનું હૃદય કકળી ઊઠ્યું.

એક વખત સ્વયંબુદ્ધ મંત્રીએ ખૂબ જ હિંમત કરી રાજ દરબારમાં રાજાને કહ્યું કે, “તમે જે કંઈ કરી રહ્યા છો તે યોગ્ય નથી. આપણે જીવન આ રીતે વ્યર્થ ન કરવું જોઈએ. આ બધું નાશવંત છે.” રાજા મહાબળે કહ્યું કે, “હજુ તો હું યુવાન છું અને મારે જીવનના સર્વ ભોગવિલાસનો આનંદ માણવો જ જોઈએ.”

હવે આગલા દિવસે જ એક જૈન મુનિ, કે જેઓ અવધિજ્ઞાન સહિત હતા, તેમણે સ્વયંબુદ્ધ મંત્રીને કહ્યું કે તેઓ મહાબળ વિશે ચિંતા ન કરે કારણ કે ભવિષ્યમાં જ મહાબળ રાજાનું હૃદય પરિવર્તન થશે અને તેઓ ખૂબ ઉચ્ચકોટિના જીવ થશે. પરંતુ અત્યારે તેમની પાસે પોતાના આયુષ્યમાંથી માત્ર એક જ મહિનાનો સમય બાકી હતો. પછી આ વાતની જાણ સ્વયંબુદ્ધ મંત્રીએ મહાબળ રાજાને કરી. સ્વયંબુદ્ધ મંત્રીની સલાહને લીધે મહાબળ રાજાનું સંપૂર્ણ હૃદય પરિવર્તન થયું. અંત સમય નજીક આવતા ખૂબ જ ભક્તિ-આરાધના કરીને પોતાના બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યું. આમ, અંત સમય ભક્તિ-આરાધનામાં પસાર થતાં, મૃત્યુ પામીને તેમનો જન્મ પાંચમા દેવલોકમાં થયો.

ઋષભદેવ ભગવાનનો પાંચમો ભવ દેવગતિમાં લલિતાંગ દેવ તરીકે થયો. ત્યાં ભગવાને દેવગતિના અપાર સુખો ભોગવ્યા. તેમણે સ્વયંપ્રભા દેવી સાથે અત્યંત રાગમાં આયુષ્યકાળ પસાર કર્યો. છેવટે લલિતાંગ દેવને અવધિજ્ઞાનથી જાણ થઈ કે એમનું દેવલોકનું આયુષ્ય હવે પૂરું થશે.

adinath

શ્રી આદિનાથ ભગવાન - છઠ્ઠો ભવ અને અન્ય બે ભવો

ભગવાનનો છઠ્ઠો ભવ દેવગતિમાંથી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં રાજા સુવર્ણજંગ અને રાણી લક્ષ્મીદેવીના રાજકુંવર વજ્રજંગ તરીકે થયો. આ જ સમય દરમ્યાન, શ્રીમતી, કે જે પૂર્વભવમાં સ્વયંપ્રભા દેવી હતી, તેણે ચક્રવર્તી રાજા વજ્રસેન અને રાણી ગુણવંતીને ત્યાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં જ જન્મ લીધો.

શ્રીમતી ચક્રવર્તી રાજાની પુત્રી હોવાને કારણે ખૂબ જ લાડ-કોડથી ઉછરી હતી. એક વખત શ્રીમતી એક ઉદ્યાનમાં જ્યાં મુનિઓને કેવળજ્ઞાન થયું હતું ત્યાં એમના દર્શન માટે તેની સખીઓ સાથે ગઈ. આ કેવળજ્ઞાની મુનિઓને જોતાવેંત જ તેને મૂર્છા થઈ અને જાતિસ્મરણ જ્ઞાન થયું. શ્રીમતીને જાતિસ્મરણ જ્ઞાનથી દેખાયું કે પૂર્વભવે દેવલોકમાં લલિતાંગ દેવ સાથે સ્વયંપ્રભા દેવી તરીકે પોતે ખૂબ જ રાગમાં લાંબો કાળ પસાર કર્યો હતો. આ બધું જાણતાં જ શ્રીમતીને લલિતાંગ દેવ પ્રત્યે ખૂબ જ વિરહ ઉત્પન્ન થયો. આ ભવમાં પણ એ જ પતિ તરીકે મળે એવું એમણે દ્રઢપણે નક્કી કર્યું.

પછી શ્રીમતીએ શ્રેષ્ઠ ચિત્રકારોને બોલાવીને દેવ-દેવીના ભવમાં જેટલા દેવ સાથેના વિશેષ પ્રસંગો હતા એ બધાથી ચિત્રકારોને માહિતગાર કર્યા. પછી લલિતાંગ દેવ સાથે પોતાના ગતભવના પ્રસંગોને આબેહૂબ ચિત્રરૂપે તૈયાર કરવાનું કહ્યું અને તેનું એક મોટું પ્રદર્શન ગોઠવ્યું. જે પણ વ્યક્તિ એ પ્રદર્શનને જુએ એ અત્યંત અહોભાવ વ્યક્ત કરી રહી હતી. વજ્રજંગ એટલે કે લલિતાંગ દેવ, જે શ્રીમતીના ગતભવના પતિ હતા, તે પણ પ્રદર્શન જોવા આવ્યા.

પ્રદર્શન જોઈને વજ્રજંગને પણ મૂર્છા આવી અને પોતાના પાછલા ભવો દેખાયા. પ્રદર્શનના ચિત્રોને જોતાં જ સ્વયંપ્રભા દેવી સાથેનો ગતભવ યાદ આવ્યો અને તેમની સાથે ભેટો થાય એવી ઈચ્છા ઊભી થઈ. આ બાજુ, શ્રીમતીએ એવી તૈયારી રાખી હતી કે આ પ્રદર્શનને જોતાં કોઈને કંઈ પણ થાય તો તેને તરત જ જાણ કરવામાં આવે. આમ, મૂર્છાની પૂછા કરતાં જ વજ્રજંગ રાજાએ સાચું કારણ કહ્યું અને એમને ચક્રવર્તી રાજા વજ્રસેન પાસે લઈ જવામાં આવ્યા. ત્યાં શ્રીમતી અને વજ્રજંગ રાજાની બધી જ વાતો સરખી આવી. ચક્રવર્તી રાજા વજ્રસેને પોતાની પુત્રી શ્રીમતી અને વજ્રજંગ રાજાના લગ્ન કરાવ્યા. પછી, રાજા વજ્રસેન પોતાનો રાજપાટ જમાઈ વજ્રજંગને સોંપીને દીક્ષા ગ્રહણ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જંગલ વાટે ગયા. વજ્રજંગ અને શ્રીમતી એક બીજા સાથે ખૂબ જ સુખપૂર્વક રહેતા હતા અને રાજ્યને ખૂબ સારી રીતે ચલાવતા હતા.

વજ્રજંગ રાજાને ત્યાં મુનિઓ આવ્યા અને રાજાને તેમનો ઉપદેશ સાંભળીને દીક્ષા લેવાનો વિચાર આવ્યો અને તેમણે પોતાનું પાછલું જીવન ધર્મમાં વ્યતીત કરવા ઇચ્છ્યું. એક રાત્રિએ, વજ્રજંગ રાજાએ નક્કી કર્યું કે બીજે દિવસે દીક્ષા ગ્રહણ કરીને પોતાનું રાજ્ય પુત્રને સોંપી દેવું. તે દરમ્યાન જ તેમના પુત્રને એવો વિચાર આવ્યો કે પિતા તેને રાજગાદી સોંપતા નથી અને પોતાને રાજપાટ મળતું નથી. આ વાતનો બદલો લેવા તેણે તે જ રાત્રિએ પોતાના માતા-પિતા જ્યારે ગાઢ નિદ્રામાં હતા ત્યારે તેમને વિષમય વાયુ છોડી મારી નાખ્યા. આમ, વજ્રજંગ રાજા અને શ્રીમતી રાણીનું એકસાથે મૃત્યુ થયું.

ત્યારબાદ, સાતમા ભવમાં, શ્રીમતી રાણી અને વજ્રજંગ રાજા બન્ને યુગલિક તરીકે જનમ્યા, સાથે જીવ્યા અને મૃત્યુ પણ સાથે પામ્યા.

ત્યાર પછી, તેમનો આઠમો ભવ દેવગતિમાં દેવ તરીકે થયો. ત્યાં દેવગતિમાં તેમણે અપાર સુખ વૈભવ ભોગવ્યા.

શ્રી આદિનાથ ભગવાન - નવમો ભવ અને દસમો ભવ

દેવગતિમાં આયુષ્ય પૂર્ણ કરીને ભગવાન ઋષભદેવનો નવમો ભવ મનુષ્ય તરીકે વૈદ્ય કુટુંબમાં થયો. તેમનું નામ જીવાનંદ હતું. તેઓ બધી વૈદ્યકીય વિદ્યાઓ પોતાના પિતા પાસેથી શીખ્યા. એક વખત જીવાનંદને એક મુનિ કે જેમનું શરીર આકરી તપશ્ચર્યાને કારણે ખૂબ કૃષકાય અને અનેક રોગોથી પીડાતું, કોઢયુક્ત થઈ ગયું હતું એમને જોઈને વૈદ્યકીય સેવા કરવાના ભાવ થયા. પછી મુનિ પાસે વિનંતી કરીને જીવાનંદે એમની ખૂબ સેવા કરી અને એમને બધી જ ઔષધિઓ પૂરી પાડી. આમ, જીવાનંદે તે મુનિને બધા જ રોગોથી મુક્ત કર્યા.

vaid

અત્યંત ભાવપૂર્વક સાધુઓની સેવા કરવાથી જીવાનંદનો આવતો ભવ દેવગતિમાં થયો. આ ભગવાનનો દસમો ભવ હતો.

શ્રી આદિનાથ ભગવાન - અગિયારમો ભવ અને બારમો ભવ

ભગવાન ઋષભદેવનો અગિયારમો ભવ મહાવિદેહ ક્ષેત્રમાં, પુષ્પકલાવતી વિજયની (ક્ષેત્રની) પુંડરિકગિરી નગરીમાં, વજ્રનાભ નામના એક ચક્રવર્તી રાજા તરીકે થયો. પૂર્વભવમાં જે સ્વયંપ્રભા રાણીનો જીવ હતો તેણે વજ્રનાભ ચક્રવર્તીના ભાઈ કેશવ તરીકે જન્મ લીધો. કેટલાય ભવોથી આ જીવો સાથે ને સાથે જનમ્યા. બધા ભાઈઓને એકબીજા પ્રત્યે અત્યંત રાગ હતો. રાજા વજ્રનાભ તરીકે તેઓ ગરીબ અને અનાથ લોકોને મદદ કરતા.

તેમના પિતાએ પછી રાજ્યનો ત્યાગ કર્યો અને રાજગાદી વજ્રનાભને સોંપી. થોડા જ સમયમાં તેઓ છ ખંડના અધિપતિ થયા. આ રીતે તેઓ ચક્રવર્તી થયા. પછી તેમણે જુદા જુદા દેશો પોતાના મિત્રોને સોંપ્યા અને કેશવને પોતાના સારથી તરીકે રાખ્યા. ઘણાં વર્ષો સુધી ચક્રવર્તી તરીકે રાજ કર્યા બાદ વજ્રનાભે પણ ધર્મધ્યાન કરીને દીક્ષા ગ્રહણ કરી. તેમના મિત્રો અને તેમના સારથીએ પણ દીક્ષા ગ્રહણ કરી.

adinath

તેમણે ખૂબ સાધના, શાસ્ત્રોનો અભ્યાસ, તપ અને સંયમ કરીને ધર્મધ્યાનને પ્રાપ્ત કર્યું. વજ્રનાભને પણ જબરજસ્ત સંયમ, આરાધના, ત્યાગ અને તપ કરતાં કરતાં ખૂબ લબ્ધિઓ પ્રાપ્ત થઈ અને તેમણે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું. કેમ કરીને લોકો મોક્ષમાર્ગને પામે, કેમ કરીને લોકોને દુઃખોથી મુક્તિ થાય એવી ભાવના દિન-રાત નિરંતર થવાથી તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાય છે. આ ભાવના આધારે વીસ સ્થાનકોમાંથી કોઈપણ એક સ્થાનકની પ્રાપ્તિ થાય, તો એ વ્યક્તિને તીર્થંકર ગોત્ર બંધાય છે. વીસ સ્થાનકો જેવા કે, અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, ઉપાધ્યાય, આચાર્ય ભગવંત વગેરે જેવા પાંચ પરમેષ્ટિ ભગવંતોની આરાધના કરવાથી, જ્ઞાન-દર્શન-ચારિત્રને અંગીકાર કરવાથી, અને ખૂબ જ તપ, સંયમ પાળવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે.

આ પવિત્ર ભાવોને કારણે ભગવાનનો બારમો ભવ દેવગતિમાં સર્વાર્થસિદ્ધિ અનુત્તર વિમાનમાં દેવ તરીકે થયો. આ પૃથ્વી ઉપરના પહેલા તીર્થંકર થતાં પૂર્વેનો તેમનો બારમો ભવ હતો.

તીર્થંકર આદિનાથ ભગવાન તરીકેનો તેરમો ભવ

આયુષ્ય પૂર્ણ થતાં સર્વાર્થસિદ્ધિ અનુત્તર વિમાનમાંથી ચ્યવીને ભગવાન ઋષભદેવનો જન્મ ભરતક્ષેત્રની અયોધ્યા નગરીમાં રાજા નાભિ અને રાણી મરુદેવીને ત્યાં થયો. તેમના પિતા રાજા નાભિ કુલકર તરીકે ઓળખાતા હતા. મરુદેવી માતાને ૧૪ દિવ્ય સપના આવેલા. હંમેશાં નિયમ એવો હોય છે કે તીર્થંકર જન્મ લે એના પહેલા તેમની માતાને ૧૪ સપના આવે. દેવોએ નાભિ કુલકરને જણાવ્યું હતું કે મરુદેવી માતા તીર્થંકરને જન્મ આપશે.

adinath-born

બધા દેવો ખૂબ જ ખુશ હતા અને માતાની ભક્તિભાવથી સેવા કરવા એમની પાસે રહેતા. દેવીઓએ જુદા જુદા વિષયો પર નીચે પ્રમાણેના ઘણા આધ્યાત્મિક પ્રશ્નો મરુદેવીને પૂછ્યા.

  • આ જગતમાં ઉત્તમ રત્ન કયું?
    સમ્યક્ દર્શન એ ઉત્તમ રત્ન છે.
  • જીવનમાં બધા અવતારોમાં સફળ અવતાર કયો ગણાય?
    જે અવતારમાં આત્મદશા સાધે એ સફળ કહેવાય.
  • કઈ સ્ત્રી ઉત્તમ ગણાય?
    જે સ્ત્રીના કુખે તીર્થંકર જન્મે એ ઉત્તમ ગણાય.
  • બહેરો કોને કહેવો?
    જે જિનવચનને સાંભળતો નથી.
  • જલ્દીમાં જલ્દી કરવા જેવું કાર્ય કયુ?
    મોહનો જલ્દીમાં જલ્દી ત્યાગ કરવા જેવો છે.
  • ઉપાસના કોની કરવી જોઈએ?
    પંચ પરમેષ્ટિ ભગવંતોની અને પોતાના શુદ્ધાત્માની.
  • કયો મનુષ્ય પશુ સમાન કહેવાય?
    જે સમ્યક્ દર્શનને પ્રાપ્ત કરતો નથી.
  • અત્યારે આપના ગર્ભમાં કોણ બિરાજે છે?
    જગતગુરુ ઋષભદેવ ભગવાન, જે પ્રથમ તીર્થંકર છે.

મરુદેવી માતા દ્વારા આ બધા પ્રશ્નોના ઉત્તર અપાવાનું મૂળ કારણ એમના ગર્ભમાં તીર્થંકર ભગવાન બિરાજેલા હતા એ હતું.

જન્મ અને બાળપણ

ભગવાન ઋષભદેવના જન્મ કલ્યાણકના સમયે બધા જ ઇન્દ્રો હર્ષોલ્લાસપૂર્વક પોતાના વિમાનોમાં ભગવાનનો જન્મોત્સવ ઊજવવા આવ્યા. દેવોએ ભગવાનને નમસ્કાર કર્યા અને ત્યાર બાદ મેરુ પર્વત પર એમનો જન્માભિષેક કરવા, માતા પાસે આબેહૂબ ભગવાન જેવું એક પ્રતિબિંબ રાખ્યું. પછી મેરુ પર્વત પર ભગવાનનો અભિષેક કર્યો. જગતમાં અજોડ એવો આ પ્રસંગ તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણક તરીકે ઓળખાય છે! ભગવાનનો બાલ્યકાળ એમના પિતા નાભિ કુલકર પાસે અત્યંત પ્રેમપૂર્વક અને જાહોજલાલી સાથે પસાર થયો.

વિવાહ અને રાજપાઠ

adinath story

ભગવાન તીર્થંકર હોવાથી જન્મથી જ મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાન ધરાવતા હતા. તેથી, તેમને કોઈ નવી વિદ્યા શીખવા માટે જરા પણ સમય લાગતો ન હતો. ભગવાન ઋષભદેવ, તેમના બાલ્યકાળ દરમ્યાન, બધી જ કળાઓ શીખ્યા. યોગ્ય વય થતાં તેમના પિતાએ એમને લગ્ન માટેની વિનંતી કરી. ભગવાનને જરા પણ રસ નહોતો પણ પિતાની ઈચ્છાનું માન રાખવા માટે તેઓ સહમત થયા.

ભગવાન ઋષભદેવના લગ્ન સુમંગલા અને સુનંદા સાથે નક્કી થયા. દેવો દ્વારા યોજાયેલ લગ્નવિધિમાં ભગવાન ઋષભદેવના સુમંગલા અને સુનંદા સાથે લગ્ન થયા. સમય જતાં રાણી સુમંગલાએ પુત્ર ભરત અને પુત્રી બ્રાહ્મી એમ જોડિયા બાળકોને જન્મ આપ્યો. ત્યાર પછી, સુમંગલાને બીજા ૯૮ પુત્રો જનમ્યા. જ્યારે બીજી બાજુ, રાણી સુનંદાએ પણ પુત્ર બાહુબલી અને પુત્રી સુંદરી એમ જોડિયા બાળકોને જન્મ આપ્યો. પુત્ર ભરતના જન્મ પહેલાં, રાણી સુમંગલાએ ૧૪ અસ્પષ્ટ સપના જોયાં. આ સંકેત હતો કે હવે એમના થકી જન્મ થનારું બાળક ચક્રવર્તી બનશે.

ત્યારે યુગલિક કાળ હોવાને કારણે લોકો સરળ અને ભદ્રિક જીવન જીવતા હતા. તે સમયે રાજ્ય અને રાજાની જરૂરિયાત ન હતી. જો કે ધીમે ધીમે ત્રીજા આરાના બીજા ભાગમાં લોકોમાં એકબીજાની ભૂલો જોવાની શરૂઆત થઈ અને કષાય થવાના શરૂ થઈ ગયા. આથી હવે મતભેદોનું સમાધાન આપી શકે તેવા રાજાની આવશ્યકતા ઊભી થઈ. નાભિ કુલકરની વિનંતીથી ઋષભદેવ ત્રીજા આરામાં પ્રથમ રાજા બન્યા.

સમય જતાં ધીમે ધીમે કલ્પવૃક્ષો ઓછા થવા લાગ્યા અને ફળો અને શાકભાજીની અછત થવા લાગી જેના કારણે લોકોએ કાચા ઘઉં અને ચોખા જેવા અનાજ ખાવાનું શરૂ કર્યું. તેઓ અનાજ રાંધવાની પ્રક્રિયાને જાણતા ન હતા. કાચા ખોરાકની તેમના સ્વાસ્થ્ય ઉપર અસર થવા લાગી. માટે, તેઓ ઋષભદેવ ભગવાન પાસે મદદ માટે ગયા. પછી તેમણે લોકોને અગ્નિદેવતાનો ઉપયોગ કરીને ખોરાક રાંધતા શીખવ્યું. તેમણે લોકોને બીજી કળાઓ જેવી કે, ખેતી અને વિવિધ ધંધાઓ શીખવ્યા.

adinath

સમય જતાં લોકોમાં મનોયુદ્ધ, વાક્ યુદ્ધ અને કાયયુદ્ધ શરૂ થતાં, આ બધા ગુનાઓને રોકવા માટે કાયદા અને નિયમોનું માળખું સ્થાપીને રાજા ઋષભદેવે દંડની વ્યવસ્થા સ્થાપી. પ્રજા સંસારી ક્રિયાઓમાં સ્વાવલંબી બની શકે તેવું આયોજન તૈયાર કર્યું. લોકોના કલ્યાણ માટે, તેમણે લોકો માટે અસિ (શસ્ત્રો), મસિ (વ્યાપાર) અને કૃષિની (ખેતી) સ્થાપના કરી. ભગવાને લોકોને વિવિધ પ્રકારના કૌશલ્યોનું જ્ઞાન પણ શીખવ્યું.

ધીમે ધીમે લોકો શિષ્ટતાથી જીવન જીવવા લાગ્યા. ત્યાર પછી, તેમણે રાજ્ય સરળતાથી ચાલી શકે તે માટે ગોઠવણી કરી. તેમણે સ્ત્રી શિક્ષણની પણ શરૂઆત કરી. ભગવાને અક્ષરજ્ઞાન અને ગણિત તેમની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને શીખવ્યું, જેઓ અત્યંત બુધ્ધિશાળી અને સમર્થ હતા.

adinath

ભગવાન ઋષભદેવે હજારો વર્ષો સુધી જ્ઞાન આપવાનું ચાલુ જ રાખ્યું. આ જોઈને દેવોને ચિંતા થવા લાગી. તેઓ ઇચ્છતા હતા કે ભગવાનનું ધ્યાન આ બધામાંથી બહાર નીકળે અને લોકોને મોક્ષ તરફ વાળે.

દીક્ષા

એક વખત, ઇન્દ્રદેવે કળા કરી અને ભગવાનની સભામાં નૃત્ય માટે એવી દેવીને ગોઠવી કે જેનું આયુષ્ય ટૂંક સમયમાં પૂરું થવાનું હતું. પછી જ્યારે ભગવાન નૃત્ય જોઈ રહ્યા હતા, ત્યારે તે દેવી અચાનક જ અદ્રશ્ય થઈ ગયા. ઋષભદેવ ભગવાન તો મતિ-શ્રુતિ અને અવધિજ્ઞાન સહિત હતા. એમણે પોતાના જ્ઞાનમાં જોયું તો ખ્યાલ આવ્યો કે એ નૃત્ય સમયે તે દેવીનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. આ જોતાં જ એમને જબરજસ્ત વૈરાગ્ય આવ્યો અને તેમને થયું કે આ બધું ક્ષણિક છે; આ જગતમાં કોઈ વસ્તુ શાશ્વત નથી.

અંતે, ભગવાનને મોક્ષે જઈ અને પોતાની સાથે કરોડો લોકોને મોક્ષે લઈ જવાનો ધ્યેય જાગ્રત થયો. ત્યારબાદ, પોતાની બધી જ જવાબદારીઓ પોતાના પુત્રોને સોંપીને પોતે દીક્ષા લેવાનું નક્કી કર્યું. આમ કેવળજ્ઞાનની અવસ્થાને પામવાની અને સાથે સાથે લોકોને પણ શિસ્તબદ્ધ જીવન અને આધ્યાત્મિક અભ્યાસનો માર્ગ દર્શાવવાની ભગવાનની ભાવના હતી.

paranu

ઋષભદેવ ભગવાને તેમના પુત્રો વચ્ચે રાજ્યની વહેંચણી કરવા ભાગ કર્યા. ભરત રાજાને મુખ્ય રાજગાદી સોંપી અને બાહુબલીજીને પણ બીજું મોટું રાજ્ય આપવામાં આવ્યું. તેમના બીજા ૯૮ પુત્રો અને તેમના રાજ્યના ૪૦૦૦ ખંડણી રાજાઓએ પણ ઋષભદેવ ભગવાન પાસેથી દીક્ષા લીધી. આમાંથી ભગવાનના એક પુત્ર ગણધર થયા. દીક્ષા લીધા બાદ ભગવાને પોતાના સંઘ સાથે કોઈ પણ પ્રકારના અન્ન કે પાણી ગ્રહણ કર્યા વિના જંગલમાં વિહાર કરવાનું શરૂ કર્યું અને કઠિન તપ કર્યા.

ભગવાનનું બીજું તપ મૌન હતું. દીક્ષા દરમ્યાન મોટાભાગનો સમય ભગવાન મૌન જ રહ્યા. જ્યારે ભગવાનના શિષ્યોને કંઈપણ અડચણ આવતી ત્યારે તે વિશે ભગવાનને પૂછતા, પણ ભગવાન મૌન હોવાને કારણે એમના તરફથી ઉત્તર આવતો ન હતો. ઋષભદેવ ભગવાને દીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી તપ કર્યું, એને વર્ષીતપ કહેવાય છે. એ કાળના લોકોને પારણા વિશે કશું જ્ઞાન ન હતું. એમાં બાહુબલીજીના પૌત્ર શ્રેયાંસ, ધાર્મિક વૃત્તિવાળા અને ચતુર હતા. એમને ખ્યાલ આવ્યો કે ભગવાન ઋષભદેવ અન્ન અને જળ વિના એક વર્ષ રહ્યા. તેથી તેમણે ભગવાન ઋષભદેવને વર્ષીતપના પારણા કરાવવા માટે શેરડીનો રસ ધર્યો. આ રીતે વર્ષીતપનું પારણું થયા બાદ ભગવાનનું મૌન પૂરું થયું.

તીર્થંકર આદિનાથ ભગવાનને કેવળજ્ઞાન

જ્યારે ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયું, ત્યારે આખા વિશ્વમાં એક ક્ષણ માટે પરમ સુખની શાંતિ ફેલાઈ ગઈ. અસંખ્ય દેવ-દેવીઓ તીર્થંકર ભગવાનને વંદન કરવા આવ્યા. દેવોએ ભવ્ય સમોવસરણની રચના કરી.

ઋષભદેવ ભગવાને કેવળજ્ઞાન થયા બાદ દેશના આપી. દેવો સમોવસરણમાં એવી રચના કરે કે લોકોને ચારે બાજુએથી ભગવાનનું મુખ દેખાય. બધી જાતના લોકો જેવા કે ગરીબ, સમૃધ્ધ, રાજા અને પ્રજા, બધા જ ભગવાનના સમોવસરણમાં બેસે.

ભગવાનનું સમોવસરણ જ્યાં રચાયું હોય, ત્યાં ૫૦૦ યોજન સુધી દુકાળ અને રોગચાળો ન હોય એટલો પ્રભાવ હોય છે. સિંહ, બિલાડી અને બકરી જેવા પ્રાણીઓ પોતાનો હિંસક ભાવ ભૂલી સમોવસરણમાં કોઈ પણ ભય વિના સાથે બેસે. બધા જ તિર્યંચ જીવો નિર્ભય થઈને બેસે અને ભગવાનની વાણી પોતપોતાની ભાષામાં સમજી જાય. ભગવાન ઋષભદેવની વાણીનો આ પ્રભાવ હતો. કેવળજ્ઞાન થયા બાદ ભગવાનની દેશનાથી લોકોના હૃદય પરિવર્તન થાય છે. કેટલાકને ભગવાનની વાણી તો કેટલાકને ભગવાનના દર્શનમાત્રથી જ કેવળજ્ઞાન થાય.

marudevi

આ બાજુ, ભરત રાજાને ચક્રરત્નની પ્રાપ્તિ થઈ અને સાથે સાથે તેમને પોતાના પિતા તીર્થંકર ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્તિના સમાચાર મળ્યા. ત્યારે રાજા ભરત ચક્રવર્તી સમાચાર મળતાની સાથે જ ભગવાનના માતા મરુદેવી, પોતાના પરિવાર અને પ્રજા સહિત ભગવાનને વંદન કરવા ગયા. મરુદેવી માતાએ પોતાના પુત્રના વિરહમાં દૃષ્ટિ ગુમાવી હતી. તેમના પૌત્ર રાજા ભરત ચક્રવર્તી અને દેવોએ મરુદેવી માતાને ઋષભદેવના તીર્થંકર પદનું વર્ણન કર્યું. માતાને આ બધું સાંભળીને ભગવાન પ્રત્યે એકદમ અહોભાવ થયો અને તેમની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યાં.

મરુદેવી માતા જેમ જેમ ભગવાનની પાસે આવ્યાં, એમ વીતરાગ વાણી સાંભળતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મરુદેવી માતાનો અંધાપો દૂર થઈ એમને ભગવાનના દર્શન થયાં. મરુદેવી માતાનો જીવ હળવા કર્મને કારણે નિગોદમાંથી તેમનો જન્મ તીર્થંકરની માતા તરીકે થયો. એમને ભગવાનના દર્શન થયાં અને તેઓ સીધા મોક્ષે ગયાં. તેમને વચ્ચે બીજા કોઈ ભવો ન થયાં. જૈન શાસ્ત્રો પ્રમાણે, મરુદેવી માતા સ્ત્રી દેહ હોવા છતાં મોક્ષે ગયાં; એ દસ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય ગણાય છે. ત્રીજા આરાના મોક્ષે જનારાઓમાં મરુદેવીનું પ્રથમ સ્થાન છે.

દેશનામાં ભગવાન ઋષભદેવે છ તત્ત્વો, મોક્ષનું મહત્ત્વ, આત્મા શું છે અને કેવો છે, આ બધાનું વર્ણન કર્યું. ભગવાનની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ પણ દીક્ષા લીધી હતી. ભગવાને માત્ર રાજા બાહુબલીજી અને રાજા ભરત ચક્રવર્તીને રાજ ચલાવવાનું સોંપ્યું હતું. આ બધું જોતા ભરત ચક્રવર્તીને પણ અંદરથી દીક્ષા લેવાના ભાવ જાગ્યા. પણ, ભગવાને એમને શ્રાવક ધર્મ અનુસરીને ચક્રવર્તી પદની જવાબદારી પૂર્ણ કરવાનું કહ્યું. ભગવાને રાજા ભરત ચક્રવર્તીને એવું જ્ઞાન આપ્યું કે એ પછી સંસારની બધી જવાબદારી સાથે રાજપાટ ચલાવતાની સાથે મોક્ષે જઈ શકે. આમ, ભગવાનના શબ્દથી એમને સમ્યક્ દૃષ્ટિ થઈને અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું. રાજા ભરત ચક્રવર્તીએ સમ્યક્ દૃષ્ટિ સહિત પોતાને આવી પડેલો વ્યવહાર પૂરો કર્યો.

રાજા ભરત ચક્રવર્તીને અરીસા ભવનમાં કેવળજ્ઞાન

Bharat-Chakravarti-arisabhavan

એક વખત, ભરત ચક્રવર્તી અરીસા ભવનમાં બેઠેલા હતા. એવામાં એક સમયે એમના હાથમાંથી વીંટી નીકળીને નીચે ખરી પડી. પછી ભરત રાજાએ પોતાના હાથ સામે જોયું, તો એમને પોતાની આંગળીઓ વીંટી વગર જોવામાં જરાય સારી ન લાગી. પછી એમણે એક પછી એક પોતાના બીજા આભૂષણો જેવા કે, મુગટ, કુંડલ અને હાર પહેરેલા ઉતારી દીધા. એમને ખ્યાલ આવ્યો કે આ બધા આભૂષણો અને શણગારના આધારે રૂપ છે. આમ, પોતાનું મિથ્યાજ્ઞાન દૂર થતા, અજ્ઞાનના અને દેહાધ્યાસના આવરણો ખસ્યા અને અરીસા ભવનમાં તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું.

અક્રમ વિજ્ઞાનમાં કેવળજ્ઞાન થવાનો આ એક મોટો ઇતિહાસ છે. ભરત રાજાને ભગવાને સમ્યક્ દૃષ્ટિ આપી હતી, ત્યારથી લઈને કેવળજ્ઞાન થયું ત્યાર સુધી તેઓ અત્યંત જાગ્રત હતા. આ જાગૃતિ ટકી રહે એટલે ભરત રાજાએ પોતાના આસપાસના દ્વારપાળને કહી રાખ્યું હતું કે થોડા થોડા સમયના અંતરે એમને કહેતા રહે કે “ભરત સાવધ રહો. ભરત ચેત, ચેતજે.” અંતે પોતાનો ગૃહસ્થકાળ પૂર્ણ કરી રાજા ભરત ચક્રવર્તી એ જ ભવે મોક્ષે ગયા.

ભગવાન બાહુબલીજીને કેવળજ્ઞાન

ભરત ચક્રવર્તીના જ સમયમાં એમના ભાઈ બાહુબલીજીનો એક સુંદર પ્રસંગ છે. ઋષભદેવ ભગવાનના કુળમાં રત્નો જેવા ગુણમયી મનુષ્યો જનમ્યા હતા. બાહુબલી એમના નામ પ્રમાણે અત્યંત બળવાન હતા. તેમના બાહુનું બળ એટલું જબરજસ્ત હતું કે કોઈપણ એમને યુદ્ધમાં હરાવી શકતું ન હતું.

ભરત ચક્રવર્તી પ્રથમ પુત્ર અને બાહુબલી એમના પછી બીજા ક્રમે હતા. આમ, પ્રથમ પુત્ર હોવાને કારણે ઋષભદેવ ભગવાને રાજ્યની મુખ્ય જવાબદારી ભરત રાજાને આપી અને બાહુબલીજીને નાનું રાજ્ય સોંપીને પોતે દીક્ષા લઈને જંગલમાં વિહાર માટે નીકળ્યા. ભરત રાજા ચક્રવર્તી હોવાને કારણે તેઓ છ ખંડ જીતી ગયા અને બધા રાજાઓને પોતાના ખંડણી રાજા બનાવ્યા.

એમાં માત્ર એક બાહુબલીજી એમને તાબે થવામાં રાજી ન થયા. ભરત ચક્રવર્તી અને બાહુબલીજી વચ્ચે અહંકારને કારણે સામસામે મતભેદ થયા. પરિણામે બંને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં ઘણો સંહાર થશે એવું જાણીને દેવોએ એમને વિનંતી કરી કે સૈનિકો સાથે યુદ્ધ ન કરતા, માત્ર ભરત ચક્રવર્તી અને બાહુબલીજી, આ બે જણ યુદ્ધ કરે. પછી બંને વચ્ચે કાયયુદ્ધમાં (કુસ્તીમાં) જે જીતે તેને ચક્રવર્તી તરીકેનું રાજ્ય મળે એવું નક્કી થયું. બાહુબલીજી બધા જ પ્રકારના દાવમાં ભરત રાજા સામે જીતી ગયા.

bharat-bahubali

અંતે, બાહુબલીજીએ અત્યંત ક્રોધાવેશમાં આવી ભરત રાજાને મારવા માટે પોતાની મુઠ્ઠી ઉગામી. મુઠ્ઠી ઉગામી મારવા જતા બાહુબલીજીને અંદર અચાનક જ એવો વિચાર આવ્યો કે, “અરેરે, આ હું શું કરું છું? એટલું મોટું અધમ પાપ! મારા પોતાના જ ભાઈને મારવા જઈ રહ્યો છું?” બાહુબલીજીની મુઠ્ઠીમાં એટલું બળ હતું કે જો કોઈને એ વાગે તો એનું એ જ ક્ષણે મૃત્યુ થાય. બાહુબલીજીને જ્યારે એ ભાન થયું કે ચક્રવર્તી તરીકેનો રાજપાટ બધું વિનાશી છે અને એક આત્મા જ અવિનાશી છે, તેમને એ ઘડીએ જબરજસ્ત વૈરાગ્ય આવ્યો અને જ્ઞાન પ્રગટ થયું. પરંતુ, કેવળજ્ઞાન બાકી હોવાના કારણે મહીં થોડો અહંકાર હતો; એથી એમણે પોતાની મુઠ્ઠી પાછી એમ ને એમ તો ન ખેંચે. એટલે એમને મુઠ્ઠી પાછી વાળતા પોતાના જ કેશનો લોચ કર્યો. તેઓ વૈરાગ્ય લઈને પ્રભુના બધા જ વચનો ધારણ કરીને જંગલ તરફ નીકળ્યા.

bharat-bahubali

ભગવાન ઋષભદેવ પાસે જઈ દીક્ષા લેવામાં બાહુબલીજીને પોતાના માન કષાયના આધારે અહંકાર નડ્યો. કારણ કે ક્રમિક માર્ગમાં નિયમ છે કે દીક્ષા લીધા બાદ પોતાનાથી પદમાં મોટા હોય એવા બધા જ સાધુજનોને વંદન કરવા પડે. આ રીતે બાહુબલીજીને પોતાના ૯૮ નાના ભાઈઓને વંદન કરવા પડે એમ હતા. બાહુબલીજીએ નક્કી કર્યું કે જ્યારે એમને કેવળજ્ઞાન થશે એ પછી જ પોતે ભગવાન પાસે જશે. ત્યાં સુધી તેઓ પોતે અંતરતપ કરી જાતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. એમણે એટલી આકરી તપશ્ચર્યા કરી કે એમના દેહની આસપાસ વેલો ઊગવા લાગી, રાફડા ફાટ્યા. ફક્ત એમની આંખો અને નાક બાકી હતું શ્વાસ લેવા માટે; બાકી બધું ઢંકાઈ ગયું હતું.

bahubali

ઋષભદેવ ભગવાનને પોતાના કેવળજ્ઞાનમાં જોઈને જાણ્યું કે બાહુબલીને પોતાના ખોટા મદના કારણે કેવળજ્ઞાન થશે નહીં. કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્તિ માટે ગમે તેટલા તપ કરે છતાં કશું વળે નહીં; એના માટે તો આત્મજ્ઞાનને પ્રાપ્ત થયેલા પૂર્ણ પુરુષની કૃપા જ જોઈએ. બાહુબલીજીનો મદ ઉતારવા અને એમને બોધ આપવા ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરીને ઉપદેશ આપવા મોકલ્યા. પછી, બ્રાહ્મી અને સુંદરી બાહુબલીજી પાસે ગયાં અને ખૂબ જ નમ્રતાથી કહ્યું, “વીરા! ગજથી ઊતરો.” પછી, બાહુબલીજીને વિચારોનું મંથન શરૂ થયું, “આ જંગલમાં તો કોઈ હાથી નથી અને હું તો આ જમીન પર ઊભો છું.” પછી, વિચારણામાં ઊંડા ઊતરતા એમને પોતાની છેલ્લી ભૂલ દેખાઈ, “હું અહંકારરૂપી હાથી પર બેઠો છું. માન કષાયના હાથી પર બેઠો છું અને આ જ અહંકાર મને ભગવાન પાસે જતા રોકે છે.” આમ, સાચી સમજણ પ્રાપ્ત થતાં જેવા બાહુબલીજી ભગવાન પાસે જવા પોતાના કદમ ઉઠાવ્યા, એવું જ એમને કેવળજ્ઞાન પ્રગટ થયું. આમ, માત્ર અંદરની સમજણ ફેરવવાથી એમને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું.

તીર્થંકર આદિનાથ ભગવાનનું નિર્વાણ

ઋષભદેવ ભગવાને તેમનો આયુષ્યકાળ પૂરો કરીને ઘણા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ સાથે અષ્ટાપદ પર્વત પરથી નિર્વાણ પ્રાપ્ત કર્યું.

×
Share on