આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાન

તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાન વર્તમાન કાળચક્રના આઠમા તીર્થંકર હતા.

શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું લાંછન ચંદ્ર છે. વિજય યક્ષદેવ અને ભ્રુકુટી યક્ષિણીદેવી તેમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ચંદ્રપ્રભુ પ્રભુના જન્મ પહેલાના બે ભવો અને તેમનું તીર્થંકર જીવનચરિત્ર વાંચીએ.

શ્રી ચંદ્રપ્રભુ ભગવાન - પૂર્વભવો

ઘાતકી ખંડમાં પ્રાગવિદેહ ક્ષેત્રમાં, મંગલાવતી વિજયમાં, રત્નસંચયા નગરીમાં પદ્મ રાજા હતા. તેઓ સંસારમાં લેપાયમાન થયા વગર રાજ કરતા હતા તથા ખૂબ જ ધર્મપરાયણ હતા. રાજા પોતાની પ્રજાને ખૂબ સુખ અને શાંતિ આપતા હતા. એવામાં એમને ખૂબ જ વૈરાગ આવ્યો અને એમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ જ સંયમ, તપ, નિયમ પાળીને, ધ્યાન-જપ કરીને તેમને તીર્થંકર ગોત્ર બંધાયું. પછી લાંબો કાળ સાધનામાં વ્યતીત કરીને તેઓ વૈજયંત વિમાનમાં દેવ તરીકે ચ્યવ્યા.

chandraprabhu

જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન

દેવલોકમાં લાંબું આયુષ્ય પૂરું કર્યા પછી પદ્મ રાજાનો જન્મ ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નગરીમાં મહાસેન રાજા અને લક્ષ્મણાદેવીને ત્યાં થયો. પ્રભુનો દેહ ચંદ્રવર્ણી હોવાથી અને લાંછન ચંદ્ર જેવું હોવાથી તેમનું નામ ’ચંદ્રપ્રભુ’ રાખવામાં આવ્યું. પ્રભુ ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાનનાં ધણી હતા.

યુવાવસ્થા આવતા પ્રભુના લગ્ન થયા અને એમને રાજગાદી સોંપવામાં આવી. ઘણો કાળ રાજ ભોગવ્યા પછી, દેવોની વિનંતીથી તેમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને પ્રભુ મનઃપર્યવજ્ઞાન પામ્યા. ત્યાર પછી, ત્રણ જ મહિનાનાં ટૂંકા ગાળામાં બાકીના કર્મો ખપાવતા ખપાવતા તેઓ કેવળજ્ઞાન પામ્યા.

દેશના - અશુચિ ભાવના

શ્રી ચંદ્રપ્રભુ ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ દેવોએ સમવોસરણની રચના કરી. સમવોસરણમાં બિરાજેલા તીર્થંકર ભગવાન કરોડો લોકોને દેશના આપે અને મોક્ષમાર્ગ તરફ વાળે. તીર્થંકરોની દેશનાનું મહત્ત્વ જ એ છે કે તે સંસારમાં ભટકતી ચિત્તવૃત્તિને વાળે છે અને આત્મા ભણી કરીને મોક્ષ તરફ લઈ જાય છે.

આપણી ચિત્તવૃત્તિઓ એવી છે કે જે નિરંતર સંસાર તરફ જ ભટકતી હોય છે. સુખ ખોળવું એ ચિત્તનો સ્વભાવ છે. જ્યાં જુઓ ત્યાં એ છાંદા જ મારતું હોય, સુખ પ્રાપ્ત કરવા માટે જ મથતું હોય. એ સુખ ખોળવા માટે બધે ભટકતા ભટકતા, એને ક્યાંય સુખ મળતું નથી. કારણ કે, જ્યાં માન્યતા પ્રમાણે બુદ્ધિ એને દેખાડે છે કે “આમાં સુખ છે; ખાવા-પીવામાં, પૈસામાં, પત્નીમાં, વિષયમાં, છોકરાંઓમાં, મોટરગાડીમાં, બંગલામાં સુખ છે.”, એ પ્રમાણે જેવી માન્યતા હોય છે, એ પ્રમાણે ચિત્ત ત્યાં સુખ ખોળે છે. પછી મન-વચન-કાયાથી તેમાંથી સુખ પ્રાપ્ત કરવામાં એની પાછળ મંડી પડે છે. પણ આ બધા જ સુખ વિનાશી છે. કારણ કે જે વસ્તુમાંથી સુખ લેવામાં આવે છે, એ વસ્તુ પોતે જ વિનાશી છે; અને પોતે શાશ્વત, કાયમનો છે. આ વસ્તુનો અંત આવે છે, પણ પોતાનો તો અંત આવતો જ નથી. આ દેહનોય અંત આવે છે, પણ પોતાનો ક્યાં અંત આવે છે! પોતે પાછો બીજા જન્મમાં જાય છે. એટલે, આ ચક્કરમાંથી તો એને છૂટાતું નથી અને ક્યાંય એને શાશ્વત સુખ મળતું નથી.

જો એક જ વાર શાશ્વત સુખ મળી જાય, તો પછી એને બીજે ક્યાંય ભટકવું ના પડે. પણ એ શાશ્વત સુખ મળે ક્યાંથી? એ તો આ જ બધી વિનાશી વસ્તુઓમાં અટવાઈ જાય છે; એમાં જ સુખ શોધે છે. કારણ કે લોકસંજ્ઞાથી એને આ જ બધું મગજમાં ઘુસાડવામાં આવે છે કે ભૌતિક વસ્તુઓમાં સુખ છે. નાનપણથી જ એને અજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. ક્યારેક, કોટિ જન્મોની પુણ્યાનુંબંધી પુણ્યૈ ભેગી થાય ત્યારે તેને અંદર આ એક દૃષ્ટિ ખુલે કે આ બધું જ વિનાશી છે; આમાં ક્યાંય સુખ નથી; નર્યો બધો ગંદવાડો જ છે. ખરું સુખ તો શાશ્વત વસ્તુ કે જે હું પોતે જ છું; ’પોતાનું સ્વરૂપ આત્મસ્વરૂપ છે’, એમાં જ છે. એવું એને જ્યારે અંદર ક્લિક થાય, ત્યાર પછી એની વૃત્તિઓ બહાર જવાને બદલે નિજઘરમાં આવે છે. અને એકવાર એ પોતાનું સુખ ચાખે એટલે પછી વૃત્તિ બીજે ક્યાંય જાય નહીં.

“વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત”

પછી વૃત્તિ પોતાના જ સ્વસ્વરૂપમાં, આત્મામાં જ રહ્યા કરે. ક્યાંય બહાર ટકે નહીં; જરાક જાય તોય એને ત્યાં સુખ ન લાગે. કારણ કે એણે સાચું સુખ, શાશ્વત સુખ, આત્માનું સુખ ચાખ્યું છે. અને એ આત્માનું સુખ ચાખવું હોય, તો એ આત્માના સુખમાં જ જે નિરંતર વર્ત્યા કરે છે, એની પાસેથી આ પ્રાપ્ત થાય એવું છે. બધે જ સુખ ખોળતા ખોળતા જ્યારે થાકે છે, ત્યારે પોતે આત્મા તરફ વળે છે.

જ્યારે જ્યારે પણ તીર્થંકરો દેશના આપતા હોય છે, ત્યારે આ સંસારના ખરા સ્વરૂપનું ભાન કરાવે છે કે આ સંસારમાં ક્યાં સુખ છે? ક્યાં આ સાચું છે? બધો નર્યો ગંદવાડો, ગંદવાડો ને ગંદવાડો જ છે! આ શરીર એટલે શું છે? ચામડી ઉતરડી નાખે તો અંદર શું છે? લોહી, પરુ, હાડમાંસ એ જ છે ને? આ ચામડી એ ચાદર જેવી જ છે ને? આ ચાદર ખસેડી નાખે, પેટ ચીરી નાખે તો બધો નર્યો ગંદવાડો જ છે! જો ભાન આવે કે અંદર તો આવું જ છે તો ક્યાંય મોહ ન થાય; ક્યાંય આપણે અટવાઈએ નહીં. અંદર નર્યો રોગ, રોગ ને રોગ જ છે. આપણા શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે. આ એક-એક રોમે પોણા બે રોગ છે. આપણું આ શરીર રોગોથી જ ભરેલું છે. પણ આપણને જ્યાં સુધી મોટી બીમારી ના આવે, કંઈ અટકે નહીં, ત્યાં સુધી આ રોગનું ભાન નથી થતું. આ અશુચિનું એટલે કે ગંદવાડાનું કારખાનું છે એવું ભાન નથી થતું.

જેનો બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ નિશ્ચય હોય, તેણે પોસ્ટમોર્ટમ જોવાનો પ્રયોગ કરવો. એમાં, જ્યારે રૂપાળી દેખાતી ચામડી કાઢી નાખે તો કેવો ગંદવાડો લાગે! જરાક ફોડલો થયો હોય ને ફૂટી ગયો હોય તો મોઢું જોવાનુંય ના ગમે. કોઢ થયો હોય, ચામડીનું એક જ પડ ખસી ગયું હોય તો કેટલું કદરૂપું દેખાય! જોવાનું ના ગમે. ખરેખર અંદર આ જ છે. બહારની દૃષ્ટિ કાઢીએ અને અંદર શું શું છે એ દૃષ્ટિથી જોઈએ તો ગંદવાડો જ છે. ચામડી ઉતરડીએ તો કેવું ભયંકર સ્વરૂપ લાગે! પેટ ચીરે અને અંદર જુએ તો નર્યું મળમૂત્રથી જ ભરેલું છે. ગંધાય; જરાય સહન ના થાય!

આ બધું પોસ્ટમોર્ટમમાં દેખાય ત્યારે અંદર જબરજસ્ત વૈરાગ આવે. પોસ્ટમોર્ટમમાં આંખોના ડોળા, ખોપરી માણસ જુએ તો એની દૃષ્ટિ જ બગડે નહીં; ક્યાંય વિકાર ઊભો જ ના થાય. આ દૃષ્ટિ અંદર સેટ કરી નાખવાની હોય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાને ૩ વિઝન આપ્યા છે:

  • પહેલા વિઝનમાં, કપડાંથી બધું રૂપાળું દેખાય છે, એ ના હોય તો કેવું દેખાય?
  • બીજા વિઝનમાં, ચામડી કાઢી નાખીએ તો કેવું દેખાય?
  • ત્રીજા વિઝનમાં, પેટ ચીરીને અંદર જુએ તો બધું કેવું દેખાય?

બહાર બધું રૂપાળું દેખાય છે પણ અંદર જુએ તો નર્યો ગંદવાડો ને ગંદવાડો જ છે. એકવાર કોઈ પોસ્ટમોર્ટમ જુએ ને, ત્યારે પછી એને ખરેખર એનો અનુભવ થાય છે.

સનતકુમાર ચક્રવર્તીની વાર્તા

સનતકુમાર ચક્રવર્તી રાજા હતા. ચક્રવર્તી રાજા એટલે કે આખી પૃથ્વીના રાજા; બધા જ રાજાઓ એમના હસ્તક હોય. એમનું એટલું બધું બળ હોય કે એમની સામે કોઈ જીતી જ ના શકે. રાજા ખૂબ રૂપાળા હતા. તેમના લાવણ્ય અને રૂપની ચર્ચા દેવલોકમાં થવા લાગી. બે દેવોએ રાજાનું રૂપ જોવાનું નક્કી કર્યું. તેઓ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રાજાના મહેલે પહોંચ્યા. તે વખતે રાજા દાસ પાસેથી તેલ માલિશ કરાવતા હતા. દેવો રાજાને આ અવસ્થામાં જોઈને “ધન્ય ધન્ય!” કહી ઊઠ્યા. રાજાને પોતાના રૂપના વખાણ સાંભળીને ગર્વ થયો. તેમણે બ્રાહ્મણોને રાજદરબારમાં શૃંગાર સજેલું રૂપ જોવા આમંત્ર્યા.

sanath-kumar

શણગાર સજીને સિંહાસન પર બેઠેલા સનતકુમાર રાજાને જોઈને તેમના વખાણ કરવાને બદલે બંને બ્રાહ્મણોના મોઢા પડી ગયા. રાજાએ કારણ પૂછતા બ્રાહ્મણોએ કહ્યું, “તમારા શરીરમાં ભયંકર રોગ છે. તમારું શરીર વિષમય થઈ ગયું છે.” બ્રાહ્મણોના કહેવાથી રાજા થૂંક્યા, જેની પર માખી બેઠી અને તત્ક્ષણ મરી ગઈ. રાજાને પોતાના શરીરમાં આટલું બધું વિષ જોઈને જબરજસ્ત વૈરાગ આવ્યો. એમને થયું, “આટલું બધું વિષ છે મારા શરીરમાં? આટલો બધો રોગ છે મારા દેહમાં? આ તો ખોટું કહેવાય. આ શરીરનો ભરોસો જ ના કહેવાય. હું તો આના કેટલા મદમાં હતો!”

ચક્રવર્તી રાજાને વૈરાગ આવે એ વાત જ જુદી હોય. જે આખી દુનિયાને જીતી શકે, એ પોતાના ક્રોધ-માન-માયા-લોભને કેમ ના જીતી શકે! એ જીતવા માટે સનતકુમાર રાજા નીકળી પડ્યા. એમને થયું, “આ દેહ તો અશુચિમાં છે. આમાં ક્યાંય મોહ કરવા જેવો છે જ નહીં. આ તો નર્યો ગંદવાડો છે, નર્યું વિષ છે.” તેમણે રાજપાઠ ત્યજીને મોક્ષની પ્રાપ્તિ માટે દીક્ષા લઈ લીધી.

સનત મુનિ ખૂબ આરાધના, તપશ્ચર્યા કરતા હતા ત્યાં બન્ને દેવો વૈદ્યનું રૂપ લઈને આવ્યા અને મુનિનો ઉપાય કરવા કહ્યું. મુનિને ખૂબ વૈરાગ હતો, પોતે દેહભાવમાં હતા જ નહીં. તેમણે વૈદ્યોને કહ્યું કે થઈ શકે તો કરો, નહીં તો વાંધો નથી. દેવોએ પોતાની થૂંક મુનિના શરીરે લગાડતા, તત્ક્ષણ જ, મુનિ નિરોગી થઈ ગયા. મુનિ આયુષ્ય પૂરું કરીને મોક્ષપંથે આગળ વધ્યા.

શ્રી ચંદ્રપ્રભુ ભગવાન - નિર્વાણ

chandraprabhu-bhagwan

તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની દેશનાથી લાખો લોકોએ દીક્ષા ગ્રહણ કરી, એમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ તરફ પ્રયાણ કર્યું.

ભગવાનના સંઘમાં ૯૩ ગણધરો, લાખો સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ હતા. સમેત શિખર પર્વત પરથી પ્રભુ મોક્ષે પધાર્યા.

આ રીતે, ભગવાન પોતાનું અનંત કાળનું સુખ પામીને અનંત સમાધિમાં રહે છે!

×
Share on