પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાન

તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાન વર્તમાન કાળચક્રના પંદરમા તીર્થંકર હતા. એમનું દેહપ્રમાણ ૪૫ ધનુષનું હતું અને કાયા સુવર્ણવર્ણી હતી.

શ્રી ધર્મનાથ ભગવાનનું લાંછન વજ્ર છે. કિન્નર યક્ષદેવ અને કંદર્પા યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે. દરેક તીર્થંકર ભગવાનને રક્ષક દેવ-દેવી હોય જ, જે શાસન દેવ-દેવી તરીકે ઘણા લાંબા કાળ સુધી શાસનનું રક્ષણ કરતા હોય છે. તીર્થંકર ભગવાન નિર્વાણ પામે તેમ છતાં પણ બીજા તીર્થંકર આવે ત્યાં સુધી શાસન દેવ-દેવીઓ એ તીર્થંકરનું શાસન ખૂબ પ્રભાવના કરીને આગળ વધારે છે.

Dharmanath bhagwan

ચાલો, હવે ધર્મનાથ ભગવાનનું જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.

શ્રી ધર્મનાથ ભગવાન - પૂર્વભવો

ઘાતકીખંડ દ્વીપના, મહાવિદેહ ક્ષેત્રમાં આવેલ ભરત વિજયની ભદ્દિલ નગરીમાં દ્રઢરથ રાજા બહુ જ ધાર્મિક રાજા હતા, તેઓ ખૂબ જ સાત્વિકતાથી રાજ કરતા હતા. જેમ પોતાના જ ઘરે પોતે અતિથિ તરીકે રહે, એમ વિરક્ત ભાવે દ્રઢરથ રાજા રાજ કરતા હતા. અમુક સમય રાજ કર્યા પછી એમણે દીક્ષા લીધી અને તીર્થંકરો ભગવંતોની ખૂબ જ ભક્તિ-આરાધના કરીને એમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું.

પોતાનો આયુષ્યકાળ પૂરો કરીને એમનો જન્મ દેવલોકમાં વૈજયંત મહાવિમાનમાં થયો.

જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન

Dharmanath bhagwan

દેવગતિમાં લાંબું આયુષ્ય પૂરું કર્યા પછી દ્રઢરથ રાજાનો જન્મ ભરતક્ષેત્રના રત્નપુર નગરમાં ભાનુ રાજા અને સુવ્રતા રાણીને ત્યાં થયો. જ્યારે બાળક ગર્ભમાં હતું, તે સમયે સુવ્રતા રાણી ખૂબ જ ધર્મમાં પ્રવૃત્ત હતાં, તેમને ખૂબ ધાર્મિક ઈચ્છાઓ થતી હતી અને એમનો ધર્મ પ્રત્યેનો ભાવ વધી જવાથી, પુત્રના જન્મ પછી તેનું નામ ‘ધર્મનાથ’ રાખવામાં આવ્યું.

Dharmanath bhagwan

ધર્મનાથ ભગવાનનું બાળપણ બધી વિદ્યાઓ શીખવામાં પસાર થયું. પછી યુવાવસ્થામાં તેમના લગ્ન થયા અને રાજ્યાભિષેક થયો. દેવોની વિનંતીથી ભગવાને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછીના બે વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં વિચર્યા પછી ધર્મનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું.

દેશના - ચાર કષાય

કેવળજ્ઞાન થયા પછી દેવોએ સમોવસરણ રચ્યું અને પ્રભુએ ત્યાં બિરાજીને સુંદર દેશના આપી. તીર્થંકરોની દેશના સાંભળવા હજારો ગામોથી લોકો દોડી દોડીને સાંભળવા આવે છે. ભગવાન જ્યારે દેશના આપે ત્યારે લોકોના બધા જ કષાયો કપાઈ જાય, અંત:કરણ સ્થિર થઈ જાય અને સેંકડો લોકોને સમકિત થઈ જાય છે.

ધર્મનાથ ભગવાનના સમયમાં પાંચમા વાસુદેવ પુરુષસિંહ, પાંચમા બળદેવ સુદર્શન અને પાંચમા પ્રતિ વાસુદેવ નિશુંભ થઈ ગયા. હંમેશા નિયમ એવો છે કે, વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે યુદ્ધ થાય. એમાં વાસુદેવના ચક્રથી પ્રતિવાસુદેવનું મસ્તક છેદાય. નવેનવ વાસુદેવની આ વાત એકસરખી છે. પાંચમા વાસુદેવ પુરુષસિંહ અડધી પૃથ્વીના રાજા બન્યા અને એમણે ખૂબ લાંબા સમય સુધી રાજ કર્યું.

એક વખત ધર્મનાથ ભગવાન વિહાર કરતા કરતા, ગામેગામ ફરતા ફરતા જ્યાં પુરુષસિંહ વાસુદેવ હતા ત્યાં આવ્યા. વાસુદેવ પુરુષસિંહ ભગવાનની પર્ષદામાં ગયા અને સમોવસરણમાં એમની દેશના સાંભળી. ભગવાનની દેશના સાંભળીને એમને અંદર ખૂબ જ વૈરાગ્યના ભાવ જાગ્યા અને તેઓ સમકિત પામ્યા. પછી બળદેવ સુદર્શને પણ શ્રાવક ધર્મ અંગીકાર કરીને ખૂબ જ ભક્તિભાવથી આરાધના કરીને અંતે મોક્ષ પામ્યા.

ધર્મનાથ ભગવાને ચાર કષાય પર બહુ જ સુંદર દેશના આપી. તીર્થંકરોની વાતમાં કષાયો પર ખૂબ ભાર અપાયો છે. જો મોક્ષે જવું હોય તો, કાં તો આત્માને જાણવો પડશે અથવા કષાય રહિત થવું પડશે. દ્વેષમાં ક્રોધ અને માન આવે છે, અને રાગમાં, માયા અને લોભ આવે છે. જો આત્મજ્ઞાન થકી સ્વરૂપની અજ્ઞાનતા દૂર થાય, તો રાગ અને દ્વેષ બંને જતા રહે છે, અને આમ કષાયો જતાં રહે છે. આ કષાયો જ કર્મો બાંધે છે. તે કારણ સ્વરૂપે રહેલા છે. જ્યાં કષાય નથી ત્યાં આત્મા છે. જ્યાં સુધી કષાયો છે, ત્યાં સુધી કેવળજ્ઞાનનો અનુભવ શક્ય નથી. નીચે દર્શાવ્યા મુજબ કષાયો ચાર પ્રકારના છે.

૧. અનંતાનુબંધી કષાયો:

અનંતાનુબંધી કષાયો કોને કહેવાય? દાખલા તરીકે, પિતાને પુત્ર પર પૈસા અને મિલકતની બાબતમાં એવો ક્રોધ આવે અને પુત્ર સાથે જોરથી બોલાચાલી થયા પછી પિતા ક્રોધમાં કહે છે, કે “જા, હું હવે તારું મોઢું નહીં જોઉં. તું મારાથી દૂર થઈ જા. મારા ઘરમાં આવીશ નહીં.” આને ભયંકર ક્રોધ કહેવાય. એ અનંતાનુબંધી અનંત અવતારના બંધ પાડી દે છે. આનાથી અનંત અવતારો સુધી રખડવું પડે. આનું ફળ શું આવશે એનું આપણને ભાન જ નથી! અજ્ઞાન દશામાં આપણે આ જ બધું કરતા આવ્યા છીએ. અજ્ઞાનતાને કારણે આખી જિંદગી એ વ્યક્તિ સાથે બોલીએ નહીં. પછી સામાનું મન તૂટી જાય અને સાથે પોતાનું મન પણ તૂટી જાય. એ તૂટ્યા પછી સંધાય જ નહીં આખી જિંદગી.

૨. અપ્રત્યાખ્યાની કષાયો:

આ બધામાંથી જ્યારે પોતે પાછો વળે અને અંદર એવું થાય કે આ બધું ખોટું થયું અને પશ્ચાત્તાપ થાય, સાથે પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરે, તો અનંતાનુબંધી કષાયમાંથી હલકો થઈને અપ્રત્યાખાની કષાયમાં આવે છે. એક વર્ષની અંદર આ બધું થઈ જવું જોઈએ, તો જ એ અપ્રત્યાખાનીમાં આવ્યો કહેવાય. જો વર્ષની ઉપર ગયો તો એ પાછો અનંતાનુબંધીમાં આવ્યો કહેવાય અને પાછો વાળવો મુશ્કેલ છે. એક વર્ષની અંદર જો એ પાછો વળી જાય, પ્રતિક્રમણ-પ્રત્યાખાન કર્યું તો એ પછી અનંતાનુબંધીમાંથી બચી જાય છે.

૩. પ્રત્યાખ્યાની કષાયો:

જો પંદર દહાડામાં એ પાછો ફરે તો એ પ્રત્યાખાની કષાય કહેવાય છે. એનો જલ્દી ઉકેલ આવી ગયો. પ્રત્યાખ્યાની ક્રોધ-મન-માયા-લોભ બીજાને ખબર ના પડે, પોતે એકલો જ જાણે. પોતાને ખબર પડે અને પોતે અંદર જ સમાવી શકે, બહાર ના આવી જાય.

૪. સંજ્વલન કષાયો:

સંજ્વલનમાં કષાય એક સમયે ઊભો થાય, એક સમય ટકે અને ત્રીજા સમયે ખલાસ થઈ જાય.

આ ચાર પ્રકારના કષાયોને સમજાવતો એક સરસ દાખલો અહીં દર્શાવ્યો છે. દાખલા તરીકે, જો તમને ક્રોધ થયો તો એ ક્રોધ એટલો બધો ભારે હોય જાણે કે, એક મોટો પહાડ અને તેની વચ્ચે એક મોટી તિરાડ પડી જાય, એક કે બે ફૂટની તો પછી ગમે તે થાય પણ શું એ તિરાડ સંધાય? એ સંધાય જ નહીં. એ ગમે તે કરે તોય અનંત અવતાર સુધી એ ના સંધાય. એને અનંતાનુબધી કષાય કહ્યું છે. અપ્રત્યાખાની કષાયમાં જેમ, એક ખેતર હોય એની માટીમાં તાપ-તડકાથી બહુ બધી તિરાડો પડી ગઈ હોય, ફાટ પડી હોય અને પાછું વરસાદ કે પાણી પડે, તો એ સંધાઈ જાય, એકાકાર થઈ જાય. માટીમાં પડેલી તિરાડને અપ્રત્યાખાની કહ્યું છે અને પ્રત્યાખાની કષાય એટલે જેમ રેતીમાં જરાક ગાડું ચાલે તો કેવી વચ્ચે તિરાડ પડી જાય, પણ પાછું થોડી વારમાં જ એક પવનનું જોકું આવે કે તરત બધું સરખું થઈ જાય, પૂરાઈ જાય, પેલી તિરાડ ન રહે. સંજ્વલન કષાયમાં જેમ પાણીમાં લીસોટા પાડતા જઈએ તો શું થાય? એ કેટલી વાર ટકે? એક બાજુ આપણે પાડતા જઈએ અને બીજી બાજુ ભૂંસાતું જાય. એટલે એ ટકે જ નહીં, એને સંજ્વલન કષાય કહ્યા છે.

કષાયોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? જડ અને ચેતન, બે શાશ્વત તત્ત્વો પાસે પાસે આવવાથી, તે બંનેના મિશ્રણથી તીસરું ભાસ્યમાન પરિણામ ઉત્પન્ન થાય છે. જેમ તાંબા અને સોનાના મિશ્રણથી તીસરી જ ધાતુ ઉત્પન્ન થતી લાગે છે. જડ અને ચેતનના મિશ્રણથી જે ત્રીજું અસ્તિત્વ દેખાય છે, તેને અહમ્ અથવા અહંકાર કહેવામાં આવે છે. અહમ્ એટલે ‘હું’પણું. આત્મા અને જડ બંનેના મિશ્રણથી ઊભું થયેલું છે તેને મિશ્રચેતન કહ્યું છે. જે ક્રિયાઓ જડમાં થઈ રહી છે એને “હું” કરું છું એવું માને છે અને એ કર્તા થાય છે. ક્રોધ-માન-માયા-લોભની બધી ગ્રંથિઓ ઊભી થાય છે. અનંત અવતાર સુધી આ બધું ચાર્જ અને ડિસ્ચાર્જ ચાલ્યા જ કરે છે. આત્મજ્ઞાન થયા પછી ક્રોધ-માન-માયા-લોભના ડિસ્ચાર્જ વખતે જ્ઞાન જાગૃતિથી ક્રોધ-માન-માયા-લોભ ખરી પડે છે. જયારે વ્યક્તિને “હવે હું ડિસ્ચાર્જમાં છું જ નહીં” એવી અડગ સમજણ રહે તો કષાયો ખરતા જાય અને આત્મભાવ વ્યક્ત થતો જાય, આત્મા પ્રકાશમાં આવતો જાય. જેમ જેમ આત્મા વધારે વ્યક્ત થતો જાય એમ એમ એના ગુણસ્થાનકો આગળ ને આગળ વધતાં જાય છે. તીર્થંકરોએ વ્યાખ્યાયિત કર્યા મુજબ, આ આધ્યાત્મિક પ્રગતિના ૧૪ ગુણસ્થાનક છે. કષાય અને ગુણસ્થાનક વચ્ચે સીધો સહસંબંધ છે.

ચૌદ ગુણસ્થાનકોની ઝાંખી

૧. મિથ્યાત્વ: આ ગુણસ્થાનક, એટલે જીવ અજ્ઞાન દશામાં છે, તે ફક્ત એટલું જાણે છે કે તીર્થંકરો મોક્ષને પમાડનારા માર્ગમાં છે અને મને મોક્ષ પ્રાપ્ત કરવા તીર્થંકરોને જ ભજવા પડશે. જો આટલી સમજણ પણ ના હોય, તો જીવ સંપૂર્ણ અજ્ઞાન અવસ્થામાં, સંપૂર્ણ અંધકારમાં છે. અહીંથી જીવ સીધો ચોથા ગુણસ્થાનકે પહોંચે છે.

૨. સાસ્વાદન: આ ગુણસ્થાનક પહેલા ગુણસ્થાનકથી ચડતા ક્રમે નહીં, પરંતુ ૧૧મા ગુણસ્થાનકેથી પડતા ક્રમે આવે છે. આ એક પસાર થવાનું ગુણસ્થાનક છે.

૩. મિશ્ર મોહનીય: આ ગુણસ્થાનક પણ ચડતા ક્રમે નહીં, પરંતુ ૧૧મા ગુણસ્થાનકથી પડતા ક્રમે આવે છે. આ ગુણસ્થાનકમાં જીવ સમ્યક્ દૃષ્ટિ અને મિથ્યા દૃષ્ટિ વચ્ચે ઝઝૂમે છે.

૪. અવિરતિ સમ્યક્ દૃષ્ટિ: જીવ પહેલા ગુણસ્થાનકેથી સીધો આ ગુણસ્થાનક પર આવે છે. અહીંથી સમકિત શરૂ થાય છે અને અનંતાનુંબંધી કષાયો સંપૂર્ણ રીતે જાય છે.

૫. દેશવિરતિ: આ ગુણસ્થાનક અપ્રત્યાખ્યાની કષાયોની હાજરી જણાવે છે. જો જીવ કષાયોના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે તો અનંતાનુંબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં આવે છે અને અહીંથી આગળના ગુણસ્થાનકે પહોંચે છે.

૬. સર્વવિરતિ અથવા પ્રમત્ત: આ ગુણસ્થાનક પ્રત્યાખ્યાની કષાયોની હાજરી સૂચવે છે, એટલે કે ક્રોધ, માન, માયા, લોભના દોષો કે જેના માટે પ્રત્યાખ્યાન ચાલુ છે. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા છતાં પણ આ દોષો થયા કરે છે, જેને પ્રત્યાખ્યાન આવરણ કષાય કહેવાય છે. આવું એટલા માટે થાય છે, કેમ કે આ કષાયોના લાખ લાખ પડ હોય છે. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કર્યું હોય તો પણ પડ રહ્યાં હોય એટલે ફરી ફરી દોષ થયા કરે. પ્રતિક્રમણ કર્યું છે, પણ એ વ્યવસ્થિત પદ્ધતિસર નથી કર્યું. પછી એક એક પડનું જ્ઞાનથી જોઈને ચોક્કસ પ્રતિક્રમણ થાય ત્યારે પ્રત્યાખ્યાન આવરણ દૂર થાય છે. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થાય એટલા પડો જતાં જાય છે. એકવાર પ્રત્યાખ્યાન આવરણો દૂર થઈ જાય પછી માત્ર સંજ્વલન કષાય જ રહે છે.

૭. અપ્રમત્ત: આ ગુણસ્થાનકમાં જીવ ફક્ત એક કલાક અથવા વધારેમાં વધારે પંદર દિવસમાં પોતાના કષાયો દૂર કરી શકે છે.

૮. અપૂર્વકરણ: અપૂર્વકરણ એટલે પૂર્વે ક્યારેય ના જોયેલું હોય એવું. અહીં જબરજસ્ત આનંદની અનુભૂતિ થાય છે. આ ગુણસ્થાનકે જીવ સૂક્ષ્મ વિષયની ગાંઠ તોડે છે. છઠ્ઠા ગુણસ્થાનકે સ્થૂળ વિષયની ગાંઠ છેદાયેલી હોય છે, પરંતુ સૂક્ષ્મ વિષયની ગાંઠ રહેલી હોય છે. જ્યારે વિષયની ગાંઠ સંપૂર્ણપણે છેદાઈ જાય, ત્યારે જીવ નવમું ગુણસ્થાનક એટલે કે અનિવૃત્તિ બાદર ઓળંગીને સીધો દસમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે.

૯. અનિવૃત્તિ બાદર: અહીં જીવ વિષયથી સંપૂર્ણ રીતે મુક્ત છે; વિષયનું એક પણ પરમાણુ નથી, વિષયનો એક પણ વિચાર આવતો નથી કે આકર્ષણ થતું નથી.

૧૦. નિવૃત્તિ બાદર: આ ગુણસ્થાનકમાં સૂક્ષ્મ લોભ રહેલો છે.

૧૧. ઉપશાંત મોહ: આ ગુણસ્થાનકમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ લોભ રહેલો છે. એવું દેખાય કે લોભ જતો રહ્યો છે, પરંતુ લોભ ઉપશાંત થયેલો હોય છે. દબાયેલા લોભને લીધે એવું જ લાગે છે કે પોતે ભગવાન સ્વરૂપ થઈ ગયેલો છે, એટલે તે પછડાય છે. અહીંથી પછડાઈને તે સીધો પહેલા ગુણસ્થાનકે પડે છે. આ ગુણસ્થાનકેથી લગભગ દરેક પડે જ. માટે જ જ્ઞાનીઓ દસમા ગુણસ્થાનકેથી સીધા બારમા ગુણસ્થાનકે કૂદી જાય, આ ગુણસ્થાનકને અડે જ નહીં.

૧૨. ક્ષીણમોહ: આ ગુણસ્થાનકમાં બધા જ કષાયો ક્ષીણ થઈ ગયેલા હોય છે. ફક્ત સંજ્વલન જેવું રહે છે. જ્યારે સંજ્વલન ખાલી થઈ જાય, ત્યારે જીવ આગલા ગુણસ્થાનકે પહોંચે છે.

૧૩. સયોગી કેવળી: આ એ ગુણસ્થાનક છે, કે જ્યાં કેવળજ્ઞાન થાય છે. અહીં સંજ્વલન પણ ખલાસ થઈ જાય છે.

૧૪. અયોગી કેવળી: કેવળજ્ઞાન થઈને મોક્ષે જવા માટે ફક્ત એક સમય જેટલો જ ભાગ જીવ આ ગુણસ્થાનકે રહે છે. શૈલેષીકરણ ક્રિયા કરીને એક સમયમાં જ આત્મા મોક્ષે જતો રહે છે.

શ્રી ધર્મનાથ ભગવાન - નિર્વાણ

ધર્મનાથ ભગવાનને ૪૩ ગણધરો હતા. ભગવાનને લાખો સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ હતા, જે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. ધર્મનાથ ભગવાન સમ્મેત શિખર પધારી ૧૦૮ મુનિઓ સાથે મોક્ષે ગયા.

એકેએક તીર્થંકરો તીર્થને સ્થાપનારા હોય છે. તીર્થંકરોની ભાવના કેટલાય અવતારોથી લોકોને કેમ કરીને મોક્ષે લઈ જવાય, કેમ કરીને પોતાના મન-વચન-કાયા, પોતાનું સર્વસ્વ પારકા માટે ખર્ચાય; પારકાના ભૌતિક ઉત્થાન માટે નહીં પણ એમના આત્મકલ્યાણ માટે, મોક્ષપ્રાપ્તિ માટે, કેમ કરીને જગતના જીવો આગળ વધે, એ જ એમની અંદર રાત-દિન ઝંખના હોય છે. એ જ હેતુ હોય છે અને એ જ રીતે એમના મન-વચન-કાયા એ ખર્ચતા હોય છે. આ હિસાબે તીર્થંકર ભગવાનનો છેલ્લો ભવ તીર્થંકરના પોતાના કર્મો ખપાવવાનો હોય છે અને તેઓ કરોડોને મોક્ષે લઈ જવાના પરમ નિમિત્ત બને છે.

×
Share on