મહાવીર સ્વામીની કથા : વર્ધમાન મહાવીરના ૨૭ ભવોની કથા

શ્રી મહાવીર સ્વામી આ કાળચક્રના અંતિમ અને ૨૪મા તીર્થંકર હતા. તેમનું પ્રતિક (લાંછન) સિંહ છે. ૨૪ તીર્થંકરોમાંથી, તેમને સૌથી વધુ ઉપસર્ગો આવ્યા હતા. તેમને ઘણા કપરા કર્મોનો સામનો કરવો પડ્યો. સામાન્ય રીતે, બધાં જ તીર્થંકરોને ભગવાન મહાવીરે જેવા કર્મોનો સામનો કર્યો તેટલા ભારે કર્મો હોતા નથી. જો કે, તેઓ હંમેશા સ્થિર રહ્યા અને પ્રત્યેક કર્મને સમભાવથી પુરા કર્યા. એમના પુરુષાર્થની તુલના થવી અજોડ હતી અને તેથી તેઓ, ‘મહાવીર’ કહેવાયા.

તેમના શાસન દરમિયાન વિશ્વના ઘણા આશ્ચર્યો સર્જાયા હતા. જ્યારે તેમનું નિર્વાણ થયું, ત્યારે વર્તમાન કાળચક્રનો ૪થો આરો પૂર્ણ થવામાં હતો અને ૫માં આરાની શરૂઆત થવાની હતી.

mahavir bhagwan

ભગવાન મહાવીર અને તેમના પૂર્વજન્મોમાંથી આપણે ઘણું શીખી શકીએ તેમ છીએ. તેથી, ચાલો આપણે શુધ્ધ હ્રદયથી મહાવીર સ્વામીની જીવન વાર્તાઓને સાંભળીએ.

શાસ્ત્રોમાં મહાવીર સ્વામીના ૨૭ જન્મોનું વર્ણન થયું છે. એમનો પ્રથમ ભવ નયસાર તરીકેનો હતો જેમાં એમને સમ્યક દ્રષ્ટિ (આત્મજ્ઞાનની) પ્રાપ્ત થઈ હતી. આ ભવથી એમની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે, જે ૨૭માં ભવ પછી પૂર્ણ થાય છે.

પહેલો ભવ નયસાર તરીકે

નયસાર કઠિયારો હતો. તે ખૂબ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતો. તે જંગલમાં ખૂબ પરિશ્રમ કરતો, લાકડા કાપતો અને તે રાજાને રાજ્યના ઉપયોગ માટે આપતો. તે ખૂબ ગરીબ હતો, પણ દિલનો ઉદાર હતો. તેને જે કોઇ પણ મળે તે બધાની તે દિલથી મદદ કરતો. જમતા પહેલા, દરરોજ તે જેને ખોરાકની જરૂર હોય તેમને શોધતો. તેવી વ્યક્તિને જમાડ્યા પછી જ, તે પોતે ખાતો.

એક વખત, એવું બન્યું કે જ્યારે તે જંગલમાં લાકડા કાપી રહ્યો હતો ત્યારે, તેણે સાધુઓનું ટોળું પસાર થતું જોયું. સાધુ એટલે જેઓ આત્મજ્ઞાન સહીત હોય. એ પંચ પરમેષ્ઠી ભગવંતોમાંનું એક સર્વોત્તમ પદ છે જેમને આપણે નવકાર મંત્ર દ્વારા રોજ યાદ કરીએ છીએ.

mahavir swami

સાધુઓ તેમનો રસ્તો જંગલમાં ભૂલી ગયા હતા. ત્યારે જમવાનો સમય થયો હતો. તેથી, નયસાર તેઓ પાસે ગયો અને તેઓને જમવા માટે આગ્રહ કર્યો. તેણે સાધુને ખૂબ જ પ્રેમથી અને ભક્તિભાવથી જમાડ્યા. બદલામાં, સાધુઓએ તેને સાચા ધર્મનો ઉપદેશ આપ્યો. તેના ઉમદા ગુણો જેમકે, અન્ય લોકો પ્રત્યેનો આદરભાવ અને ભૂખ્યા માણસોને પ્રેમથી જમાડવાના કારણે તથા સાધુઓની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરવાને કારણે, નયસારને સમકિત પ્રાપ્ત થયું, જે સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. તેને અનુભવમાં આવ્યું કે, “હું શાશ્વત આત્મા છું અને મન, વચન અને કાયા એ વિનાશી છે.” તેની આંતરિક દ્રષ્ટિ બદલાય છે, તેનામાં સાચી સમજણ પ્રસ્થાપિત થાય છે જેનાથી તે નાશવંતને નાશવંત તરીકે અને શાશ્વત વસ્તુઓને શાશ્વત તરીકે જોઇ શકે છે.

એ જ ક્ષણથી, વ્યક્તિના સાંસારિક જીવનનો અંત આવે છે અને મોક્ષ માર્ગની યાત્રાનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી આ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી વ્યક્તિ ગમે એટલા મંત્રજપ કરે, ઉપવાસ કરે કે ધ્યાન કરે છે, તેનો કોઇ અર્થ નથી, વ્યક્તિ જન્મ અને મરણના આ જટિલ ચક્રમાં કર્મ બંધનથી ફસાયા જ કરે છે. આત્મજ્ઞાન ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઇ આત્મજ્ઞાની મળી જાય છે, માટે વ્યક્તિએ હંમેશા જ્ઞાનીને શોધવા જોઇએ. પછી, એક દિવસ, નયસારની જેમ, આપણે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીશું.

બીજો ભવ દેવલોકમાં

તેના સારા કર્મોને કારણે, નયસાર, તેના પછીના ભવમાં, દેવગતિમાં જન્મ લે છે.

mahavir swami

ત્રીજો ભવ મરિચિ તરીકે અને એ પછીના બીજા બાર ભવો

ત્યારપછી, તેઓ વર્તમાન કાળચક્રના પ્રથમ તીર્થંકરના પૌત્ર મરિચિ તરીકે જન્મ લે છે. તેઓ ભરત રાજાના પુત્ર હતા. જ્યારે ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી, ત્યારે તેમનું અનુસરણ કરીને, મરિચિએ પણ ઋષભદેવ ભગવાન પાસેથી દીક્ષા લીધી. જો કે, સાધુઓ માટે નિર્ધારિત થયેલા કડક નીતિ નિયમો, આકરી તપશ્ચર્યા વગેરેને સહન કરી શક્યા નહિ. માટે, ત્રિદંડી નામનો અલગ પંથ સ્થાપ્યો જે સાધુઓ દ્વારા નિર્ધારિત કરેલ નિયમોની અપેક્ષાએ સરળ હતો. તેઓ અલગ પંથને અનુસરતા હોવા છતાં પણ ઋષભદેવ ભગવાન સાથે વિહાર અવશ્ય કરતાં હતા.

mahavir swami

એક વખત રાજા ભરતે ભગવાન ઋષભદેવને પૂછ્યું કે આપણા કુટુંબમાંથી બીજી કઇ વ્યક્તિ તીર્થંકર બનશે. ભગવાન કેવળજ્ઞાની હતા; માટે, તેઓ સર્વ જ્ઞાનસહિત હતાં. તેથી, તેમણે ઉત્તર આપ્યો કે કુટંબમાંથી તમારો પુત્ર મરિચિ આ ચોવીસીના છેલ્લા તીર્થંકર બનશે. વધુમાં વધુ, તીર્થંકર બનતા પહેલા, તેઓ આ કાળના પ્રથમ વાસુદેવ બનશે અને ચક્રવર્તી પણ બનશે. આ સાંભળીને, રાજા ભરત અત્યંત પ્રસન્ન થયા. તેઓ મરિચિ પાસે ગયા, તેમને નમીને કહ્યું, “હું તમને એટલે વંદન નથી કરતો કે તમે આ સંસારનો ત્યાગ કર્યો છે. પરંતુ હું તમને એટલે વંદન કરૂ છું કે તમે ભવિષ્યના છેલ્લા તીર્થંકર બનવાના છો, અને તમે પહેલા વાસુદેવ અને ચક્રવર્તી પણ બનશો.” આ સાંભળીને, મરિચિને ખૂબ જ ગર્વ થાય છે કે, “હું એવા મહાન કુટુંબમાં જન્મ્યો જ્યાં મારા દાદા પહેલા તીર્થંકર છે, મારા પિતા ચક્રવર્તી તરીકે શાસન ચલાવે છે, અને હું ભવિષ્યનો તીર્થંકર બનવાનો છું.” આના કારણે, તેમને કર્મ બંધન થાય છે.

mahavir swami

ત્રિદંડી, સંપ્રદાયમાં હોવા છતાં, તેઓએ ભગવાન ઋષભદેવ દ્વારા વર્ણવેલા ધર્મનો ઉપદેશ આપતા હતાં. જેઓને મરિચિ પાસેથી દીક્ષા લેવાની ઇચ્છા થાય, તો બધાને તેઓ ભગવાન ઋષભદેવ પાસે મોકલતાં અને ભગવાન પાસેથી દીક્ષા લેવાનું સૂચન કરતાં. ભગવાન ઋષભદેવના નિર્વાણ પછી, તેમના શિષ્ય થવા ઇચ્છતા કોઇ વ્યક્તિએ પૂછ્યું, “ભગવાન ઋષભદેવ અને તમારા ઉપદેશ વચ્ચે શું તફાવત છે?” મરિચિએ એક શિષ્ય મળવાના લાલચથી તેને જવાબ આપ્યો કે, “ત્યાં જે ધર્મ છે તે જ ધર્મ અહીં પણ છે.” આ ખોટા વાક્યને કારણે, તેમને કર્મ બંધાય છે અને તેના કારણે ઘણા જન્મો લેવા પડે છે, બ્રાહ્મણ તરીકેના જન્મ અને દેવગતિમાં દેવ તરીકેના જન્મ લેવા પડે છે. આ ચક્ર ઘણા સમય સુધી ચાલુ રહ્યું.

mahavir swami

સોળમો ભવ વિશ્વભૂતિનો અને સત્તરમો ભવ દેવગતિમાં

રાજગૃહી નગરીમાં તેમનો રાજ કુંવર વિશ્વભૂતિ નામે જન્મ થયો હતો. વિશાખાનંદી તેમના પિતરાઈ ભાઈ હતા, જેમના પિતાશ્રી રાજા હતા. બંને ભાઈઓને એકબીજા સાથે બહુ લગાવ નહોતો; બંનેમાં વિશ્વભૂતિ બહુ જ શક્તિશાળી હતો.

mahavir swami

એકવાર વિશ્વભૂતિ, પોતાની રાણીઓ સાથે એક પ્રખ્યાત ઉદ્યાનમાં ગયો, કે જે તેમની મનપસંદ જગ્યા હતી. થોડા સમય પછી ત્યાં વિશાખાનંદી પોતાની રાણીઓ સાથે ગયો. હવે, તેમના પરિવારની પરંપરા મુજબ, એક રાજ કુંવર જો બગીચામાં હોય તો, બીજાને ત્યાં અંદર જવાની પરવાનગી ના મળે. તેથી, વિશાખાનંદીને બહાર પોતાના વારાની રાહ જોવામાં કશો વાંધો નહોતો. જોકે, એક દાસીએ જ્યારે વિશાખાનંદીને બહાર રાહ જોતા જોયા, એટલે તે વિશાખાનંદીના માતાશ્રી પાસે ગઈ અને તેમની કાનભંભેરણી કરી. દાસીએ કહ્યું કે, તમે પોતે રાણી હોવા છતાં તેમના પુત્રને બહાર પોતાનો વારો આવવાની રાહ જોવી પડી. આ સાંભળીને રાણી તો ખુબ ક્રોધિત થયા. તેણે પોતાના પતિને તુરંત જ વિશ્વભૂતિને ઉદ્યાનની વિદાય લેવા માટે કહ્યું.

રાણીની ઈચ્છા પૂરી કરવા માટે, રાજાએ વિશ્વભૂતિ  સાથે મેલી રમત રમી. તેમણે વિશ્વભૂતિને કહ્યું કે તેમના એક ખંડયા રાજાએ બળવો કરીને તેમને રાજા તરીકે સ્વીકારવાની ના પાડી દીધી છે. તેથી, તેની સાથે યુદ્ધ કરીને તેને સીધો કરવો પડશે. વિશ્વભૂતિએ તેના કાકાને કહ્યું કે તમે આરામ કરો અને તેમના બદલે પોતે ખંડયા રાજા સાથે યુદ્ધ કરવા જશે તેવો પ્રસ્તાવ મૂક્યો. રાજા સહમત થઈ ગયો. તેથી વિશ્વભૂતિ તો બળવાખોર રાજાની સામે યુદ્ધની બધી તૈયારી કરવા માટે ત્યાંથી ગયો.

જોકે, તેના આશ્ચર્યની સીમા ના રહી જ્યારે, ખંડણી રાજાએ તેનું ખૂબ ભાવભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે તેના તરફથી બળવો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. વિશ્વભૂતિ પાછો ફર્યો અને રાજાની પાસે આ બધુ વર્ણન કર્યું. પછી, જ્યારે પાછો તે પોતાના મનપસંદ ઉદ્યાનમાં ક્રીડા માટે ગયો તો તેને જોયું કે તેનો પિતરાઈ ત્યાં પોતાની રાણીઓ સાથે છે. તેથી પરિવારની પરંપરા મુજબ તે અંદર ના જઈ શક્યો. તે આખી રમત સમજી ગયો, કે રાજાએ તેની સાથે શું રમત રમી હતી. આ બધાથી તે ક્રોધિત થયો. તેણે ત્યાં રહેલા વૃક્ષ પર ખૂબ ક્રોધ સાથે એક મૂકકો માર્યો અને કહ્યું કે, “તમે મારા પોતાના નજીકના સગા-સંબંધી છો, નહિતર હું તમને બધાને આની જેમ જ કચડી નાખું.”

mahavir swami

તેને સાંસારિક જીવન પર વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તુરંત જ આ સાંસારિક જીવનનો ત્યાગ કર્યો. તે જંગલમાં ગયો અને ત્યાં ખૂબ તપ કર્યા. ઘણા વર્ષો પછી તે એવી જગ્યાએથી પસાર થયો કે જ્યાં વિશાખાનંદી પોતાના પિત્રાઈના લગ્ન પ્રસંગ માણવા માટે આવ્યો હતો. બંને એ એકબીજાને જોયા પરંતુ ત્યાં જ એક ગાયે વિશ્વભૂતિ ને માર્યુ ને તે ત્યાં જ પડી ગયો. વિશાખાનંદીએ તેને ટોણો મારીને કડવા વેણ સંભણાવ્યાં કે,“તું તો એટલો બધો શક્તિશાળી છે કે, અમને બધાને કચડી (તોડી) નાખું અને એક ગાયે તને પાડી નાખ્યો, તો ક્યાં ગઈ તારી શક્તિ?” તેથી ત્યાં હાજર બધા તેની સામે હસવા લાગ્યા. આ ટોણાએ  વિશ્વભૂતિ ને ખૂબ ક્રોધિત કરી દીધો. તે પોતાના બધુ તપ-ત્યાગને ભૂલી ગયો અને ગાયને પકડીને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા તેને પછાડીને તોડી (કચડી) નાખી.  પછી, તે ત્યાંથી જતો રહ્યો પણ તે પોતાના ભાઈ વિશાખાનંદી તરફથી આવેલા ટોણાંને ભૂલી ના શક્યો. અને તેથી, તેને પોતાના આવતા ભાવમાં વિશાખાનંદીની સામે ભયંકર વેર લેવાનું (નિયાણું કર્યું) નિશ્ચય કર્યો. પોતાની ઘોર તપશ્ચર્યાના કારણે તે પછીનો તેમનો ભવ દેવગતિમાં થયો.

અઢારમો ભવ ત્રિપુષ્ઠ વાસુદેવનો

દેવગતિનું આયુષ્યકર્મ પૂરું કરીને વિશ્વભૂતિનો જન્મ, ત્રિપુષ્ઠ વાસુદેવ તરીકે ભરતક્ષેત્રમાં થયો.

એકવાર રાજા પ્રજાપતિનાં પત્ની, રાણી ભદ્રાને ચાર સ્વપ્નો આવ્યા જે તેમનો પુત્ર બળદેવ તરીકે જન્મશે તેવો સંકેત આપતા હતા, એમનું નામ તેમણે અચલકુમાર રાખ્યું. પછી રાજા પ્રજાપતિના બીજા પત્ની મૃગાવતીને સાત સ્વપ્નો આવ્યા કે જેના દ્વારા તેમનો પુત્ર વાસુદેવ જે ખુબજ શક્તિશાળી રાજા બનશે તેનો સંકેત આપતા હતા. માતાપિતાએ તેનું નામ ત્રિપુષ્ઠ પાડ્યું. નિયમ મુજબ બળદેવ અને વાસુદેવ હંમેશા ઓરમાઈ ભાઈઓ જ હોય (સાવકીમાંના સંતાનો) અને બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ આ જગતમાં અજોડ હોય. એવી જ રીતે રાજકુમાર અચલકુમાર અને રાજકુમાર ત્રિપુષ્ઠને પણ એકબીજા માટે ખૂબ જ પ્રેમ હતો. બંને ખૂબ જ જલ્દી બહુ નાની ઉમરમાં જ જુદી જુદી વિદ્યા-કળાઓ શીખી ગયા.

બીજી બાજુ વિશાખાનંદીએ પ્રતિવાસુદેવ તરીકે જન્મ લીધો. તેમનું નામ અશ્વગ્રીવ હતું અને એ ખૂબ જ પાવરફૂલ (શક્તિશાળી) રાજા હતો. તેમની નીચે ૧૬૦૦૦ ખંડણી રાજાઓ હતા. એકવાર, એક વિકરાળ સિંહ કે જેનું નામ કેસરી હતું તેણે રાજ્યમાં ખૂબ હિંસા ફેલાવી હતી તેથી તેમણે જાહેરાત કરાવી કે, બધા ખંડયા રાજાઓને એક પછી એક, વારા ફરતી વારા એ વિકરાળ સિંહથી પોતાનું રક્ષણ કરવાની જવાબદારી સોંપી. 

mahavir swami

આ સાંભળીને રાજકુમાર ત્રિપુષ્ઠએ પિતા પાસે સિંહ સામે લડવા માટે પોતાને પ્રતિનિધિ તરીકે જવાની પરવાનગી માંગી. આમ તેઓ ગયા અને સિંહના માથાને ક્ષણવારમાં ફાડી નાખ્યું. સિંહ ખૂબ જ વેદનામાં હતો અને ત્રિપુષ્ઠ પર ક્રોધિત હતો. જો કે ત્રિપુષ્ઠના સારથિએ સિંહને શાતા આપી અને તેનું શાંતિથી મૃત્યુ થાય તે માટે મદદ કરી. આ સારથિ પછીના અનેક ભવો પછી તેમને ગૌતમ સ્વામી તરીકે જન્મ લીધો કે, જેઓ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર હતા.

અશ્વગ્રીવને એ ભવિષ્યવાણીની ખબર પડી કે ત્રિપુષ્ઠના હસ્તે તેનું મૃત્યુ થશે. તેથી, અશ્વગ્રીવે ત્રિપુષ્ઠની સામે તેને પહેલા જ તેનો નાશ કરી નાખવા તેની સામે યુદ્ધ છેડી દીધું.  જોકે, તે જ યુદ્ધમાં તેનું ત્રિપુષ્ઠના હસ્તે મૃત્યુ થયું. પછી ત્રિપુષ્ઠ અડધી પૃથ્વીનો રાજા થયો.

ત્રિપુષ્ઠ વાસુદેવને સંગીત ખૂબ જ પ્રિય હતું. જો કે તેમણે દરવાનને સૂચના આપી રાખી હતી કે જ્યારે તેઓ પોતે નિંદ્રાધીન થાય ત્યારે સંગીત બંધ કરી દેવું. એક દિવસ એવું બન્યું કે એક ખૂબ જ સરસ સંગીતકારોનું સમૂહ જુદા જુદા વાદ્ય-યંત્રો વગાડતું હતું. થોડા સમય પછી રાજાને ઊંઘ આવી ગઈ, પરંતુ, દરવાન સંગીતકારોને સંગીત બંધ કરવાનું સુચના આપવાનું ભૂલી ગયો. જ્યારે રાજા જાગ્યો ત્યારે, હજુ પણ સંગીત ચાલુ છે તે જોઈને ખૂબ જ ગુસ્સે થયો. તેણે દરવાનને  તેના કાનમાં સીસું રેડાવીને પોતાનો આદેશનું પાલન ના કરવાની સજા આપી. આ ઘટનાને લીધે દરવાનનું ખૂબ જ દર્દ અને ભોગવટામાં મૃત્યુ થયું. આમ, ત્રિપુષ્ઠએ ખૂબ જ પાપ કર્મો બાંધ્યા, જેના પીડાદાયક ફળ તેમને તીર્થંકર મહાવીરના અવતારમાં આવ્યા. ભગવાન જ્યારે વનમાં પોતાની સાધના કરતાં હતા ત્યારે આ દરવાન, ગોવાળના સ્વરૂપમાં આવ્યો અને તેમના કાનમાં મોટા બરું ખોસ્યા અને આમ આ ‘નિકાચિત કર્મ’ ને ચૂકવવા પડ્યા. આ દર્દ તેમણે છ મહિના સહન કરવું પડ્યું.

mahavir swami

પછીના અમુક ભવો

ત્રિપુષ્ઠનો પછીનો જન્મ સાતમી નર્કમાં થયો, કે જ્યાં તેમણે કલ્પનામાં ન આવે તેવા પોતાના ખરાબ કર્મોનો હિસાબ સખત વેદનાઓ ચૂકવીને પૂરો કરવો પડ્યો. આવા ભયાનક નર્કમાં અત્યંત લાંબુ આયુષ્ય પૂરું કરીને પણ તેમણે અનેક જન્મો પશુ અને જીવજંતુ તરીકેના લેવા પડ્યા.

ત્યારબાદ, તેઓ એક ખૂબ જ વિકરાળ અને શક્તિશાળી સિંહ તરીકે જન્મ્યા. જે પણ તેની સામે આવતું તેને તે પોતાની શક્તિથી ખૂબ જ હેરાન (મુશ્કેલીમાં મૂકતો) કરતો. કોઈપણ જંગલમાં જઈ શકતું નહીં અને જે પણ જાય તેને સિંહ મારી નાખતો. એકવાર, બે દેવો પૃથ્વી પર આવ્યા અને સિંહ ને સલાહ આપી કે, ‘શું તું જાણે છે કે તું કોણ છે? તમે તમારા પૂર્વ જન્મોમાં પ્રથમ તીર્થંકરના પૌત્ર હતા; તમે આ કાળ ચક્રના પ્રથમ વાસુદેવ હતા; અને આગળ જતાં તમે ચક્રવર્તી થવાના છો અને છેલ્લા તીર્થંકર પણ થવાના છો! તેથી બીજાને તમારી આ દુઃખ આપવાની આ ટેવમાંથી બહાર નીકળો અને આ સાચી સમજણને સ્વીકારો.’ આ સાંભળીને સિંહ શાંત થઈ ગયો અને બંને દેવોને માટે ખૂબ જ આભાર અને કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરી. તેણે નક્કી કર્યું કે હવે તે હિંસા નહિ કરે અને સંપૂર્ણ અહિંસાના માર્ગ પર જ ચાલશે. તેણે ખોરાક પાણી લેવાનું બંધ કર્યું, મૃતદેહની જેમ પડી રહી ને ખૂબ જ ભારે તપ એક મહીના સુધી કર્યું. તેણે પોતાના ખરાબ કર્મો યાદ કરીને, તેના માટે હૃદયપૂર્વક પ્રતિક્રમણ કર્યા. તે શુધ્ધ થયો.

mahavir swami

ભગવાન આ બધા જ દુઃખ અને ભોગવટામાં સ્થિર રહ્યા. અને આમ તેઓ, સમતામાં રહીને બધા કર્મોથી મુક્ત થયા. તેથી જ લોકો મોક્ષમાર્ગમાં પ્રતિકૂળ ભોગવટાને અપનાવે છે, કારણકે તે લોકોને ઉપર ચઢાવે છે. પરમ પૂજ્ય દાદાશ્રી હમેંશા કહેતા કે, “પ્રતિકૂળ સંયોગો એ આત્માનું વિટામીન છે અને અનૂકૂલ સંયોગો એ દેહનું ફૂડ છે.”  તેથી, જ્યારે પણ પ્રતિકૂળ સંયોગો ઊભા થાય તો, આપણે તેને મોક્ષના માર્ગ પર પ્રગતિ થવા માટે વિટામિન તરીકે હિતકારી ગણવા જોઈએ. આવું છે કારણ કે, મોક્ષનો માર્ગ છે શૂરાનો નહીં કાયરનું કામ રે!

જો આપણે મુશ્કેલીથી તો તે અનેકગણી આવીને ઊભી રહેશે. આપણે આપણાં કર્મો પૂરા કરવા જ પડે છે, તે આંખમાં આંસુ સાથે કે પછી મુખ પર હાસ્ય સાથે; કોઈપણ તેમાંથી છટકી શકતું નથી. તો પછી મુખ પર હાસ્ય સાથે તેનો સામનો શા માટે ના કરીએ ?  આ યુગ પાંચમો આરો, દૂષમ કાળ છે અને તેથી જ દુઃખો આવ્યા જ કરવાના. જોકે, આપણે હવે આપણાં માર્ગમાં આવતી અગ્નિપરિક્ષાઓ માંથી બહાર નીકળીને મહાવિદેહ ક્ષેત્રની ઈચ્છા રાખીએ છીએ કે જ્યાંથી આપણે મોક્ષે જઈ શકીએ! તેના માટે, ‘હું કોણ છું!’, તે જાણવું તે આપણાં મનુષ્ય જન્મનો મુખ્ય ધ્યેય હોવો જોઈએ.

અત્યંત કઠોર તપના કારણે આખરે સિંહનો જન્મ ફરી મનુષ્ય ગતિમાં થયો. તેમણે ખૂબ જ ભકિત આરાધના કરી અને પછીના જન્મમાં તેઓ ચક્રવર્તી પ્રિયમિત્ર થયા. તેમણે ખૂબજ શાંતિથી રાજ્ય સંભાળ્યું અને ખૂબ જ સારા કાર્યો કર્યા. તેમણે દીક્ષા લીધી અને અતિ ગુહ્ય સાધનામાં લીન થઈ ગયા. તેના પરિણામે, તેમનો આવતો જન્મ દેવગતિમાં થયો.

ત્યારબાદ, તેમનો જન્મ રાજા નંદન તરીકે થયો કે જે ભગવાન મહાવીરનો પચ્ચીસમો ભવ હતો. આ જન્મમાં તેમણે વીસ સ્થાનકોના ખૂબ જ કઠોર તપ કર્યા અને તીર્થંકર નામકર્મ બાંધ્યું તેના પરિણામે તેમનો સત્યાવીસમો જન્મ તીર્થંકર તરીકે થયો.

રાજા નંદનનો પછીનો જન્મ દેવગતિમાં થયો અને પછી તેમણે તીર્થંકર તરીકે જન્મ લીધો. તીર્થંકરનું પદ આ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે! તે મહાન પદ છે, તેઓ માત્ર પોતે મોક્ષ જ નથી પામતા પરંતુ કરોડો લોકોને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આપણે તીર્થંકરોના ચરણે અસંખ્ય વાર દર્શન કરવાથી, તેમની મહિમાના ગુણો ભજીને એમના જીવન ચરિત્રોને યાદ કરવાથી તથા અગણિત વાર તેમને નમસ્કાર કરવાથી, આપણામાં પણ આ પ્રકારની આત્મશક્તિ પ્રગટ થશે.

વર્ધમાન મહાવીર કે તીર્થંકર મહાવીર તરીકેનો ૨૭મો જન્મ

મહાવીર સ્વામી ભગવાનનો આત્મા દેવનંદા, બ્રાહ્મણ ઋષભદત્તની પત્નીના કુખે જન્મ લે છે. આ ઇતિહાસમાં ૧૦ આશ્ચર્યોમાંનુ એક છે, કારણ કે બધા તીર્થંકર સામાન્ય રીતે ક્ષત્રિય કુટુંબમાં જન્મ લેતા હોય છે. જો કે, અપવાદ તરીકે, તેઓ બ્રાહ્મણ સ્ત્રીના ગર્ભમાં જન્મ લે છે. આની પાછળનું કારણ એ હતું કે, તેમનો પાછલો ભવ, મરિચિ તરીકેમાં, તેઓએ ઉચ્ચ કુળના હોવા તરીકેનો ગર્વ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, ત્રિદાંડી તરીકે, તેઓ પોતે જાતે બ્રાહ્મણ હોય તેવું વર્તન કરતા હતા, અને તે જન્મ પછી, તેઓએ ઘણા જન્મ બ્રાહ્મણ તરીકેના લીધા.

ગર્ભધારણના ૮૨ દિવસ પછી ઇન્દ્રદેવનું સિંહાસન હલી ગયું. તેઓએ જાણ્યુ કે તીર્થંકર ક્ષત્રિય નહિ પણ બ્રાહ્મણના ગર્ભમાં જન્મ લેવાના છે. તેથી, દેવોએ દેવનાનંદાના ગર્ભમાંથી ત્રિશલા રાણી, જે સિધ્ધાર્થ રાજાના પત્ની હતા, તેમના ગર્ભમાં ભગવાનને પ્રસ્થાપિત કર્યા. પછી રાણી ત્રિશલાએ અતિ પવિત્ર મનાતા ૧૪ સ્વપ્નો જોયા જે તીર્થંકરના જન્મ માટેના સંકેતો સ્વરૂપે હતા. જ્યારે રાણીએ જાણ્યુ કે તેઓ તીર્થંકરને જન્મ આપશે ત્યારે તેણે અતિ આનંદિત થઇ ગયા.

મહાવીર સ્વામી જયારે એમની માતાના ગર્ભમાં હતા તે સમયથી જ તેઓ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન સહિત હતા. તેમની માતાને કિંચિતમાત્ર પણ દુઃખ ન આપવાના હેતુથી, તેઓએ ગર્ભની અંદર જરા પણ હલનચલન કર્યું નહિ. જો કે, આનાથી તેમના માતા પિતા ચિંતિત થઈ ગયા.અવધિ જ્ઞાન દ્વારા ભગવાને જોયું કે તેમના માતા પિતા તેમના માટે ચિંતિત હતા. તેથી, તેમણે તેમનો અંગુઠો ચલાવીને થોડી હલનચલનની ક્રિયા દર્શાવી. આ હલનચલન અનુભવવાથી, તેમના માતા પિતાએ નિરાંત અનુભવી. તેમના માતાપિતાનો તેમના પ્રત્યેનો આ લગાવ જોઇને, મહાવીરે ગર્ભમાં જ નક્કી કરી લીધુ કે જ્યારે તેમના માતા પિતાના અસ્તિત્વની ગેરહાજરીમાં જ તેઓ દીક્ષા લેશે.

આપણે પણ આ પ્રસંગમાંથી શીખી શકીએ. આપણે ઓછામાં ઓછું એવું તો નક્કી કરવું જ જોઇએ કે આપણે માતા પિતાને દુ:ખી કરીશું નહિ. લગ્ન પછી, આપણા સાસુ સસરા, પણ, આપણા માતા પિતા જ છે. માટે, આપણે આપણા માતા પિતા જેવી જ સારી સંભાળ સાસુ સસરાની પણ રાખવી જોઇએ.

પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે, જેઓએ તેમને એક ચાના કપ માટે ઓફર કરી હોય એવી વ્યક્તિનો ઉપકાર તેઓ ક્યારેય ભૂલ્યા નથી, તો પછી આપણે પણ આપણા માતા પિતાએ આપણા માટે કરેલા અગણિત ઉપકારોને કઇ રીતે ભૂલી શકીએ?! મહાન લોકોની કથા વાંચવા કે સાંભળવાનો અર્થ એ જ હોય છે એમના વર્તનની લાક્ષણિકતાઓ જોઇને આપણે પણ પોતાનો આચાર સુધારી શકીએ.

જ્યાં સુધી ભગવાનનો જન્મ થયો નહિ ત્યાં સુધી દેવ લોકોએ માતા ત્રિશલાની ખૂબ જ સારી સંભાળ રાખીને સેવા કરી. તેઓ હંમેશા માતાને ખુશ રાખતા. ત્રિશલા માતા દેવીઓ સાથી આધ્યાત્મિક વાતો કરવા માટે ટેવાયેલ હતા. તેમણે પૂછેલા કેટલાક પ્રશ્નો અને દેવીઓએ આપેલા ઉત્તરો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

  1. આ સંસારમાં સૌથી સુંદર વસ્તુ કઈ છે?
    શુદ્ધાત્મા
  2. આત્માનું લક્ષણો શું છે?
    ચૈતન્યભાવ
  3. પછી માતાએ પૂછ્યું, આત્માનું સ્વરૂપ શું છે?
    આત્મા પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, તે કેવળજ્ઞાન સ્વરૂપ છે.
  4. ધર્મ કોને કહેવાય?
    વસ્તુ પોતાના સ્વ ગુણધર્મમાં પરિણમે એને ધર્મ કહેવાય. જેમ કે, કેરી તેના ગુણધર્મો જેવા કે સ્વાદ અને રંગ દ્વારા ઓળખાય છે. તે જ પ્રમાણે, જ્યારે આત્મા પોતાના આત્મા સ્વભાવમાં આવે છે, તેને આત્મધર્મ કહેવાય છે.
  5. ઉત્તમ સદાચાર કયો?
    દેવીઓએ ઉત્તર આપ્યો કે, વીતરાગતા એ જ ઉત્તમ સદાચાર છે. કિંચિતમાત્ર પણ રાગ નહી અને કિંચિતમાત્ર માત્ર પણ દ્વેષ નહિ, એને વીતરાગ કહેવાય.
  6. આ જગતમાં પાપી કોણ?
    જે બીજાને દુ:ખ આપે તે પાપી છે! કોઇનો પણ એટલે કે કોઇ પણ દેવ, ધર્મ અને ગુરુની નિંદા કરે એ સૌથી વધારે પાપી છે!
  7. આ જગતમાં સંતોષી કોણ?
    જે સ્વમાં (આત્મામાં) તૃપ્ત રહે તે!
  8. પુણ્ય અને પાપ જેનામાં ન હોય એ જીવ ક્યાં જાય?
    એ જીવ મોક્ષમાં જાય.
  9. આ જગતમાં વિવેકી કોણ?
    સંસારમાં સાર અને અસાર એનું જેને ભાન હોય, તે વિવેકી કહેવાય!
  10. આ દુનિયામાં ખરો બહાદુર કોણ?
    જે શત્રુને પણ ક્ષમા કરે તે અને ક્ષમા તેને કરવી ના પડે સહજ ક્ષમા હોય!
  11. આ દુનિયામાં મૂરખમાં મૂરખ કોણ?
    જે મનુષ્ય દેહ પામ્યા છતાં આત્મા જગાડી શક્યો નથી!
  12. વીર કોને કહેવાય?
    ક્રોધ-માન-માયા-લોભ રૂપી તમામ અંતર શત્રુઓ રૂપી કર્મોને હણી નાખે, એ ખરો વીર કહેવાય!
  13. જિન કોણ કહેવાય છે?
    જે બધા મોહને જીતી લે એ જિન કહેવાય!
  14. સૌથી ઉત્તમ કોણ?
    સૌથી ઉત્તમ એ કે, જે સર્વ તત્ત્વોને જાણે!
  15. ‘મુમુક્ષુ’ કોને કહેવાય?
    ખરો મુમુક્ષુ એ કે જેને રાત-દિવસ મોક્ષે જવાની જ કામના હોય.

આમ, જ્યારે ભગવાન મહાવીર માતા ત્રિશલાના ગર્ભમાં હોય છે, ત્યારે માતાને દેવ દેવીઓ પાસેથી સુંદર જવાબો મળે છે. આના પરથી આપણને જીવનનો મહત્વનો બોધ મળી રહે છે!

પરમ પૂજ્ય દાદા ભગવાનને , પણ, કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબો આ પ્રમાણે છે:

  1. આ જગતમાં ત્યજવા જેવી વસ્તુ કઈ છે?
    વિનાશી ચીજ બધી જ ત્યજવા જેવી છે!
  2. . આ સંસારમાં બંધાયેલો કોણ છે?
    આ બધી વિનાશી ચીજોને પકડી રાખે છે તે!
  3. આ જગતમાં મુક્ત કોણ?
    જેણે વિનાશી ચીજોને છોડી દીધી છે તે!
  4. ઘોર નર્ક કયું?
    સર્વ જીવોને દુઃખ આપવાનો પ્રયત્ન કરવો તે!
  5. આ દેહમાં સૌથી ઉત્તમ વસ્તુ કઈ?
    શુદ્ધાત્મા
  6. સ્વર્ગમાં જવા માટેનું પગથિયું કયું?
    બીજાને સુખ આપવાથી પુણ્ય બંધાય છે અને પુણ્ય એ દેવગતિમાં (સ્વર્ગ) લઇ જાય છે.
  7. આ જગતમાં વધુમાં વધુ દરિદ્ર કોણ કહેવાય?
    જે રેસકોર્સમાં પડે તે! અર્થાત સ્પર્ધામાં ઉતરે તે!
  8. આ સંસારમાં સૌથી વધારેમાં વધારે શ્રીમંત કોણ?
    જેને સંપૂર્ણ સંતોષ વર્તે છે એ ખરો શ્રીમંત છે!
  9. આ શરીરમાં મોટામાં મોટો રોગ ક્યો?
    આપણે અનંતકાળથી સંસાર રોગમાં જ પીડાઈએ છીએ, એ મોટામાં મોટો રોગ છે!
  10. આ સંસાર રોગ દુર કરવાનું કયું ઔષધ છે?
    આત્માના જ્ઞાની હોય તે! જ્ઞાની જ આ સંસારના તમામ રોગોમાંથી મુક્ત કરાવી શકે.
  11. આ સંસાર છુટે ક્યારે?
    જયારે કોઈનો પણ દોષ ન દેખાય, આખું જગત નિર્દોષ દેખાય!
  12. આ જગતમાં સિન્સીયર કોને કહેવાય?
    જે પોતાની જાતને સિન્સીયર રહ્યો છે તે ખરો સિન્સીયર કહેવાય.
  13. આ દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ સેવા કઈ?
    મૂંગે મોઢે કોઈને પણ ખબર ન પડે એવી રીતે સેવા કર્યા કરે એ!
  14. આ દુનિયામાં સારામાં સારું પુણ્ય કયું બાંધ્યું કહેવાય?
    જે માં-બાપ અને ગુરુની સેવા કરે તે!

મહાવીરનો જન્મ (જન્મ કલ્યાણક)

હિંદુ મહિનાઓ પ્રમાણે ચૈત્ર મહિનાની સુદ તેરશના રોજ, મહાવીર સ્વામીનો જયારે જન્મ થયો, ત્યારે તેઓ સુવર્ણ વાન ધરાવતા હતા. તે અનહદ સુંદર લાવણ્ય ધરાવતા હતા કે, તેમને જોતા જ કોઇપણ વ્યક્તિ તેમના પ્રત્યે આકર્ષિત થઇ જાય. દેવો ભગવાનને શુધ્ધ જળથી અભિષેક કરાવવા નીચે (ધરતી પર) આવે છે. દેવો એમને અતિ પવિત્ર એવા મેરૂ પર્વત પર લઇ જાય છે. સર્વ દેવો ભગવાન ઉપર જળનો અભિષેક કરે છે, જે દેવના ખોળામાં બાળ સ્વરૂપ ભગવાન બિરાજમાન હતા તેઓ ચિંતિત થયા કે આટલું નાનું બાળક કઈ રીતે આટલા બધા જળના અભિષેકને સહન કરી શકશે. મહાવીર ભગવાનને આ ચિંતા અંગે ખ્યાલ આવી ગયો. આ ચિંતાને દૂર કરવા માટે, તેઓ તેમના નાના અંગૂઠા વડે પર્વતને ધ્રુજાવે છે. દેવને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ બાળ સામાન્ય નથી; તેઓ તો તીર્થંકર છે! પછી તેઓ ભગવાનની પ્રશંસારૂપી સ્તવન કરે છે. ત્યાં હાજર બધા દેવતાઓ ખૂબ પ્રેમથી અને આનંદપૂર્વક આ પ્રસંગની ઉજવણી કરે છે. જેવો પ્રસંગ પૂર્ણ થાય છે તેવું, તેઓ બાળ ભગવાનને પાછા ઘરે લાવે છે અને તેમની માતા પાસે મૂકી આવે છે.

સમગ્ર વાતાવરણ ખૂબ જ આનંદપૂર્ણ અને ઉત્સવમય બની ગયું. જ્યારે ભગવાન મહાવીર ૧૨ દિવસના થયા ત્યારે, એમના પિતાશ્રીએ તેમનું નામ વર્ધમાન રાખ્યું. આવું એટલા માટે કે જ્યારથી ભગવાન ત્રિશલા રાણીના ગર્ભમાં પ્રવેશ્યા હતા ત્યારથી, તેમની રાજધાનીમાં અનાજ, કઠોળ, ધન અને સંપત્તિમાં પુષ્કળ વિકાસ થયો હતો.

માતા ત્રિશલા રાજકુમાર વર્ધમાનને ખૂબ જ પ્રેમથી ઉછેરે છે. જ્યારે રાજકુમાર ૮ વર્ષના થયા ત્યારે, તેમના પિતાએ તેમને અભ્યાસ માટે મોકલ્યા. સમય જતાં, જ્યારે તેઓ યુવાન થયા ત્યારે તેમના માતા પિતાએ તેમના વિવાહ કરવાનું વિચાર્યું. વર્ધમાને અસ્વીકાર કર્યો, પરંતુ જ્યારે તેઓએ જોયું કે તેમના માતા પિતા આ નિર્ણયથી ખુશ નથી ત્યારે, તેઓએ વિવાહ માટે સંમતિ આપી. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા, ત્યારબાદ તેમને એક પુત્રી જન્મી, જેનું નામ પ્રિયદર્શના રાખ્યું.

દીક્ષા (સંસારત્યાગ)

mahavira-diksha

જ્યારે ભગવાન મહાવીર ૨૮ વર્ષના થયા, ત્યારે તેમના માતા પિતા અવસાન પામ્યા. તેના પરિણામે, તેમના મોટા ભાઇ નંદિવર્ધન ભાંગી પડ્યા. નંદિવર્ધને પોતાના નાના ભાઈ (ભગવાનને) વિનંતિ કરી કે તેઓ રાજગાદી સંભાળી લે. જો કે, વર્ધમાને આ પ્રસ્તાવનો સ્પષ્ટપણે અસ્વીકાર કર્યો અને તેમના માતા-પિતા અવસાન પામ્યા હોવાથી એમણે દીક્ષા ગ્રહણની ઇચ્છા વ્યક્ત કરી. રાજકુમાર નંદિવર્ધન આ બધા માટે જરા પણ તૈયાર ન હતા; માતા પિતાના અવસાનનો શોક અને આવી દુઃખદ પરિસ્થિતિના સમયે તેમના ભાઇનો વિરહ તેમના માટે અસ્વીકાર્ય હતો. ભગવાન મહાવીર તેમના ભાઇને શોકમય સ્થિતિમાં દુ:ખ ન આપવા ઇચ્છતા હોવાથી, તેઓએ દીક્ષા લેવાનું બે વર્ષ સુધી મોકૂફ રાખ્યું. પછી, ૩૦ વર્ષની ઉંમરે, તેમની બધી જ સંપતિને નિરંતર એક વર્ષ સુધી દાનમાં (વર્ષીદાન) આપ્યા પછી, છેવટે તેમણે ગૃહત્યાગ કર્યો અને સાધુ તરીકેનું જીવન અપનાવી આગળ પ્રયાણ કર્યું. દીક્ષા લીધા પછી, તેઓને મન:પર્યાય જ્ઞાન પ્રાપ્ત થયું.

mahavira-diksha-daan

ત્યારબાદ, એક દેવર્ષિ નામનો બ્રાહ્મણ તેમની પાસે પૈસાની માંગણી કરવા આવે છે અને કારણ બતાવતા કહે છે કે, જ્યારે ભગવાન વર્ષી દાન કરી રહ્યા હતા ત્યારે તે ત્યાં હાજર ન હતો. જો કે, ભગવાન પાસે તેને આપવા જરા પણ પૈસા ન હતા. માટે, ભગવાને તેમના શરીર ઉપર રહેલું અડધું વસ્ત્ર તેને દાનમાં આપ્યું. બ્રાહ્મણે જોયું કે તે વસ્ત્ર ખૂબ જ કિંમતી હતું. તેથી, તે ભગવાન પાસે બાકી રહેલું અડધું વસ્ત્ર લેવા માટે તેમની પાછળ પાછળ જાય છે. થોડુક અંતર કાપ્યા પછી, ભગવાનનું બાકી રહેલ વસ્ત્ર એક જાળીમાં ફસાય ગયું. મહાવીર સ્વામી તે બ્રાહ્મણના મનમાં જે ચાલતું હતું તે જાણી ગયા. તેથી, તેઓએ તે વસ્ત્રને કાઢવાનો જરા પણ પ્રયત્ન ન કર્યો તેમજ પાછું વાળીને પણ ન જોયું. તેઓ બ્રાહ્મણ, જે તેમની પાછળ તે વસ્ત્ર મેળવવાના લોભથી ફરતો હતો તેની માટે તે મૂકતા ગયા.

આ રીતે, આપણે પણ જેનાથી કર્મબંધન થતું હોય એવા કર્મોથી મુક્તિ થઇ મોક્ષના માર્ગ ઉપર આગળ વધવું જોઇએ, નહિતર તો, આપણે જન્મ-જન્માન્તરના ફેરા ફર્યા જ કરીશું. મહાવીર સ્વામી ભગવાનના જીવનનો આ પ્રસંગ આપણને તેમના જેવા બનવાની પ્રેરણા આપે છે કે, જેઓ કશું જ ભેગું કરવા ન ઉભા રહ્યા નહિ કે, એમના દેહ પરના અડધા વસ્ત્ર માટે પણ નહિ. આ જગતમાં એમને કંઈ પણ બંધનરૂપ નથી.

મહાવીર સ્વામી જંગલમાં વિહાર કરે છે અને શક્ય હોય એટલું આત્મજ્ઞાનમાં જ નિરંતર એકાકાર રહે છે, અજ્ઞાની લોકો, કે જેઓ ભગવાનને અને તેમની મહાનતાને ન ઓળખી શકવાને કારણે, તેમના ઉપર ઘણા ઉપસર્ગો કરે છે. આ જોઇને, ઇન્‍દ્ર દેવ પૃથ્વી ઉપર આવે છે અને ભગવાનને મદદ કરવા માટેની ઇચ્છા વ્યક્ત કરે છે. જો કે, ભગવાન મહાવીરે મદદ માટેનો અસ્વીકાર કરતા કહ્યું કે, પ્રત્યેક તીર્થંકર તેમના કર્મો સામે વિજય મેળવતા હોય છે અને મોક્ષે જાય છે; આ બધા કર્મોથી તેઓ ભયભીત થતાં નથી.

mahavirabhagwan jungal vihar.jpg

જેવા ભગવાન એક સ્થળેથી બીજા સ્થળે વિચરે છે, ત્યારે તેઓએ કેટલાક સિધ્ધાંતો જાણ્યા, જે નીચે મુજબ છે :

  1. જ્યાં લોકોને તમે ગમતા ન હોવ તે સ્થળે ન રહેવું જોઇએ.
  2. કાયોત્સર્ગ કરવું, એટલે કે, મોક્ષ હેતુ માટે તમારા દેહ દ્વારા તપશ્ચર્યા કરવી.
  3. તમારા બે હાથમાં જેટલો સમાય શકે તેટલો જ ખોરાક ગ્રહણ કરો.
  4. . મૌન પાળો. જ્યાં જરૂરી હોય ત્યાં જ બોલો.
  5. લોકોને આદર આપવા સરળતા અને વિવેક અપનાવો.

ચંડકૌશિક સાપ

અહીં ભગવાન મહાવીરની જીવન કથા પૈકી એક કથા પ્રસ્તુત થાય છે કે, જેમાં ભગવાને કઈ રીતે ચંડકૌશિક નામના ભયાવહ સાપને આશીર્વાદ આપ્યા એનું સુંદર વર્ણન કર્યું છે. તેના ગત ભવમાં, ચંડકૌશિક એક ઋષિ હતા જેમણે ખૂબ જ તપશ્ચર્યા કરી હતી. આ તપશ્ચર્યાના કારણે, તેને ખૂબ જ અહંકારી અને અતિ ક્રોધિત સ્વભાવનો થઇ ગયો. એક દિવસ, તપશ્ચર્યા કર્યા બાદ જંગલમાંથી પાછા ફરતી વખતે, તેના પગ નીચે દેડકો આવ્યો અને તે મૃત્યુ પામ્યો. તેની સાથે રહેતા શિષ્યએ તેને સલાહ આપી કે આ પાપ કર્યા બદલના તે પસ્તાવો લે જેથી દેડકાને મારવાના પાપમાંથી તે મુક્ત થઈ શકે. ઋષિએ તેની વાતને ગણકાર્યું નહિ.

નિયમ મુજબ, જ્યારે દિવસ પૂરો થાય, ત્યારે પ્રત્યેક જણ આખા દિવસ દરમિયાન થયેલા બધા ગુનાઓ માટે પસ્તાવો લેતા અને ભગવાન પાસે માફી માંગતા જેથી પાપ ભેગા ન થાય અને વ્યક્તિ હળવાશ અનુભવે. આ ખૂબ જ સારી પ્રથા છે જેનું આપણે દરેકે અનુસરણ કરવું જોઇએ. દરરોજ સૂતા પહેલા, ફક્ત ૧૦ મિનિટ માટે પણ, આપણે દિવસના બધા પ્રસંગો કે જેમાં આપણા ક્રોધ, માન, માયા અને લોભના કારણે કોઇપણ જીવને દુ:ખ પહોંચાડ્યું હોય તો તે પ્રસંગોને યાદ કરવા જોઇએ. પછી દરેક પ્રસંગ માટે, તે જીવની અંદર રહેલા શુધ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું જોઇએ, હ્રદયપૂર્વક પશ્ચાતાપ લેવો જોઇએ અને એવી પ્રાર્થના કરીને દ્રઢ નિશ્ચ્ય કરવો જોઇએ કે, “આ મારી ભૂલ હતી. હવે ફરી આવી ભૂલ નહિ કરું.” આ આપણને મોક્ષના માર્ગ ઉપર પ્રગતિ કરવા માટે મદદરૂપ થશે અને આપણા જીવનમાં શાંતિ પણ વધશે.

તેથી, સાંજે, એક વખત ફરીથી સહાધ્યાયી શિષ્યએ સાધુને દેડકાને મારવા બદલનો પસ્તાવો લેવાનું કહ્યું. તેનાથી સાધુ ક્રોધિત થયા અને લાકડી વડે તેને મારવા તેની પાછળ દોડ્યા. ત્યારે તે થાંભલા સાથે અથડાય છે અને ક્રોધમાં ને ક્રોધમાં જ ત્યાં મૃત્યુ પામે છે. તેના પછીના ભાવમાં, કઠોર તપશ્ચર્યાને કારણે, તે દેવગતિને પામે છે. ત્યાર પછી, તે મુનિ થયો અને તેની માલિકીના વિશાળ ખેતરમાં રહેવા લાગ્યો. તેને તેના સુંદર ખેતર પ્રત્યે ખૂબ જ લગાવ હતો જ્યાં તેણે ફળ અને ફૂલો પુષ્કળ પ્રમાણમાં ઉગાડ્યા હતા. કોઇપણ તેના ખેતરમાં આવે અને નાનકડી ડાળી પણ તોડે તો પણ તે ખૂબ જ ઉશ્કેરાય જતો. એકવખત, જ્યારે તે તપશ્ચર્યા કરી રહ્યો હતો, ત્યારે કેટલાક નાના છોકરાઓ ખેતરમાં રમવા માટે આવ્યા અને ફૂલોને ચૂંટીને આનંદ માણી રહ્યા હતા, પથ્થર ફેંકીને ફળો તોડી રહ્યા હતા. મુનિને આ સમાચાર મળ્યા કે તરત જ હાથમાં કૂહાડી લઈને તે છોકરાઓને પકડવા અને તેમને શિક્ષા કરવા દોડ્યા. જો કે, રસ્તામાં, તે પડી ગયો અને તેની પોતાની જ કૂહાડીએ તેનું માથુ વાઢી નાખ્યું. તે ભયંકર યાતનામાં મૃત્યુ પામ્યો અને પરિણામ સ્વરૂપ, તે ભયંકર સાપ રૂપે જન્મ લીધો. એવો સાપ જે કોઇને પણ તેના ઝેરીપણાને કારણે જે તે સ્થળ ઉપર તરત જ મારી નાખતો!

એક દિવસ, વિહાર (એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા ચાલવું) કરતી વખતે, મહાવીર સ્વામીને આ ગાઢ જંગલમાંથી પસાર થવાનું આવ્યું, જ્યાં ચંડકૌશિક સાપ રહેતો હતો. રસ્તામાં, ગામના લોકોએ ભગવાનનો રસ્તો રોકી લીધો અને આગળ ન જવા માટે વિનંતિ કરી, કારણ કે સાપ તેના રસ્તે આવનાર કોઇને પણ છોડતો નથી. જો કે, ભગવાને તે જ રસ્તે વિહાર શરૂ રાખ્યું કારણ કે તેઓ જાણી ગયા હતા કે હવે સાપનું કલ્યાણ કરવાનો સમય આવી ગયો છે.

ભગવાન જંગલમાં સાપની નજીક ગયા અને ત્યારે સાપ ખૂબ જ ક્રોધિત હતો. તે જોરથી ફેણ માંડીને ભગવાનને વારંવાર ડરાવવા અને ધમકાવવા લાગ્યો. જયારે ભગવાન મહાવીર તેની સામે અડગ અને ભયભીત થયા વગર ઊભા રહ્યા ત્યારે તે આશ્ચર્ય પામ્યો! ચંડકૌશિક આ સહન કરી શક્યો નહિ. અંતે તેણે ભગવાનના પગના અંગૂઠામાં ડંખ દીધો જ્યાંથી લાલ લોહીને બદલે સફેદ લોહી બહાર આવ્યું. ઝેર શિકારને તે જ સ્થળે મારી નાખે, એની જગ્યાએ મહાવીર સ્વામીને શાંત અને સ્થિર, જરા પણ ક્રિયામાં હલચલ થયા વિના, ઊભા હતા તે જોઇને સાપ ચોંકી ગયો. તીર્થંકરની શાંત અવસ્થા ખરેખર અજોડ હોય છે. હિંસક પ્રાણીઓ પણ તેમની સામે સ્થિર અને શાંત થઈ જતા હોય છે. તીર્થંકરના લોહીનો રંગ હંમેશા સફેદ હોય છે. ચંડકૌશિકને આશ્ચર્ય થયું કે આ કોણ મહાન વ્યક્તિ છે.

chandkaushik-nag

આંખોમાં અત્યંત કરૂણા અને પ્રેમથી, ભગવાને તેને કહ્યું, “જાગ, જાગ ચંડકૌશિક!! તું શું કરી રહ્યો છે તે અંગે વિચાર!” આ શબ્દો સાંભળીને, ચંડકૌશિક સાપને તરત જ પાછલા બે ભવ યાદ આવી ગયા અને ખ્યાલ આવ્યો કે પાછલા ભવમાં તેના ક્રોધ અને અહંકારને કારણે શું થયું હતું. તે તરત જ શાંત થઈ ગયો અને હૃદયમાં શરણાગતિ અને પસ્તાવાની લાગણી સાથે તે ભગવાનના ચરણોમાં નમ્યો. તેણે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે, “હું કોઇપણ જીવને કિંચિતમાત્ર પણ દુ:ખ પહોંચાડીશ નહિ” અને આ ભવ સુધીમાં જે કંઇ પણ ભૂલો થઇ હોય તે બધાના પ્રતિક્રમણ કરવામાં સંપૂર્ણ રીતે લીન થઇ ગયો.

આ પ્રસંગ આપણા હ્રદયમાં એવી જાગૃતિ લાવવામાં મદદ કરે છે કે આપણા જીવનનો ખરો હેતુ મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો છે, નહી કે આપણા ક્રોધિત શબ્દો અને ક્રિયાઓ દ્વારા લોકોના હ્રદયમાં ભય અને આતંક મચાવીએ.

ત્યાંથી ભગવાનના ગયા બાદ, ચંડકૌશિક સાપ જમીન પર જ ઊંડા ધ્યાનમાં બેસે છે. કેટલાક લોકો આવ્યા અને તેના ઉપર પથ્થર ફેંક્યા, કેટલાક લોકોએ લોહીથી ખરડાયેલ સાપને લાકડીથી માર્યો, કારણ કે તેઓને યાદ હતું કે આ સર્પે તેઓના સ્વજનોનો જીવ લીધો હતો. બીજી તરફ ઘણાંએ, તેની પૂજા કરી અને તેને પીવા માટે દૂધ આપ્યું અને ખાવા માટે ખોરાક આપ્યો. લોહી, દૂધ, ઘી અને ખોરાકને કારણે ઘણી બધી કીડીઓ ત્યાં આવી અને તેના શરીરને કરડવા લાગી. જો કે, સર્પે કોઇ વ્યક્તિ કે વસ્તુ તરફ જરા પણ પ્રતિક્રિયા ન દર્શાવી. તેણે ધીરજપૂર્વક અને શાંતિથી સમતા રાખીને બધા પાપ કર્મોનો (જેનાથી કદાચ તેને નર્કગતિ થાત) નાશ કર્યો અને મૃત્યુ પછી, દેવગતિને પામ્યો. આ કથા દ્વારા આપણને એ બોધ મળે છે કે, આપણો ક્રોધ ગમે તેવો ભયંકર કેમ ન હોય, તે છતાં પણ હ્રદયપૂર્વકના પ્રતિક્રમણથી તેમાંથી બહાર નીકળવું શક્ય છે.

ગોશાળો

ભગવાન મહાવીરે તેમનો વિહાર શરૂ કર્યો. એક દિવસ, ગોશાળા નામની વ્યક્તિ, જેની કૌટુંબિક પરંપરા જ ખોરાક વગેરે માટે ઘરે ઘરે ભિક્ષા માંગવાની હતી, તેણે મહાવીર સ્વામીને જોયા. તેણે દૂરથી ઘણા દિવસો સુધી ભગવાનનું નિરીક્ષણ કર્યું અને તારણ કાઢ્યું કે, જો તે ભગવાનની સાથે રહેશે તો તેને પણ ખોરાક વગેરેની ભિક્ષા માટેનો લાભ પ્રાપ્ત થઈ શકશે. તેથી, તે સ્વયં જ ઘોષિત થયેલ ભગવાનનો શિષ્ય બની ગયો અને તેમની પાછળ પડછાયાની જેમ પોતાના લાભ ખાતર ફરવા લાગે છે.

તેનું ચારિત્ર્ય ભગવાનથી તદન વિરૂધ્ધ હતું. તે નાનકડી વાત ઉપર પણ લોકો સાથે ઝઘડવા લાગતો અને આસપાસના લોકો માટે કોઇને કોઇ સમસ્યા ઊભી કરી દેતો. ભગવાન મહાવીરને તેના ગુરૂ સમજીને, લોકો ભગવાનને ફરિયાદ કરવા આવતા, અને કેટલાક ગોશાળાની ભૂલને કારણે ભગવાનને પણ દંડિત કરતા. જો કે, ભગવાન હંમેશા મૌન અને શાંત રહેતા કારણ કે તેઓ જાણતા હતા કે, આ તેમનું પૂર્વ કર્મનું ફળ આવી રહ્યું છે; લોકો તેમને દંડિત કરી રહ્યા છે તે માત્ર નિમિત્ત જ છે.

ભગવાનના અનુયાયીઓ તરીકે આપણે આ બધા પરથી કંઇક શીખવું જોઈએ કે, “મારા કર્મોને કારણે આ વ્યક્તિ મારા સાથે આવો વ્યવહાર કરે છે.” આવી જાગૃતિ નિરંતર રાખવી જોઇએ. રાત દિવસ બીજાના દોષો જોવા એ જ આપણો આખા દિવસ દરમ્યાનનો સૌથી મોટો દોષ છે, દરરોજ 10 મિનિટ, સૂતા પહેલા, આપણે દિવસ દરમિયાન જેમના દોષ જોયા હોય તેમને યાદ કરીને દરેક ભૂલ માટે પ્રતિક્રમણ કરવું જોઇએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ કે, “હે ભગવાન, બીજાના દોષ જોવાની મેં ભૂલ કરી છે. મને ક્ષમા કરો! અને બીજાના દોષો ફરી ક્યારેય ન જોઉં એ માટે મને પરમ શક્તિ આપો.” મોક્ષ પ્રાપ્તિ માટેની આ સરળ ચાવી છે.

એક વખત ગોશાળાએ એવું કૃત્ય કર્યું કે, જેના કારણે રાજાના સૈનિકો ગુરૂ અને શિષ્ય બંનેની ધરપકડ કરે છે. જો કે, તે રાજ્યના રાજાએ રાજા સિધ્ધાર્થ, જે મહાવીર સ્વામીના પિતા હતા, તેમની હકૂમતમાં કામ કર્યું હતું અને માટે, તે તરત જ ભગવાન મહાવીરને ઓળખી જાય છે. રાજા બંનેને મુક્ત કરી દે છે અને પછી, દરેક પ્રસંગે, ભગવાનની સારી કાળજી રાખે છે.

તેમના કર્મો ખપાવવા માટે, ભગવાન પછી ‘અનાર્ય દેશ’માં જવાનું નક્કી કરે છે, એવો પ્રદેશ કે જ્યાં વ્યક્તિને કપરા સંજોગોનો સામનો કરવો પડે. તેઓ જાણતા હતા કે, આ પ્રકારના નિર્ણયથી લેવાથી, સામે આવતી વિષમ પરિસ્થિતિઓ જ એમની આધ્યાત્મિક જાગૃતિને વધારશે. ત્યાંના લોકો અલ્પ વિકસિત હતા અને તેથી, ભગવાનની દશાને સમજી શકે એવા સમર્થ ન હતા.

ભગવાનને ત્યાં ખોરાક પણ મળતો ન હતો; આનાથી વિપરીત, લોકો પાસેથી તેમને ઘણું બધું અપમાન અને કલેશ મળતા હતા. પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે, “અનુકૂળતા એ ‘ફૂડ’ છે અને પ્રતિકૂળતા એ જ્ઞાનીની દ્રષ્ટિએ ‘વિટામિન’ છે. સામાન્ય રીતે, જ્યારે કોઇ વઢે તે લોકોને ગમતું હોતું નથી. અરે, શા માટે તેને વિટામિન ન ગણી લઈએ? વિટામિન ગણી લો તો તમારું કામ થઈ જશે!”

અનેકાંતવાદ

એક દિવસ, વિહાર સમયે, મહાવીર સ્વામી અને ગોશાળો ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એક જગ્યાએ એકમાત્ર તલનો નાનો છોડવો ઊગેલો હતો. આ છોડને જોઇને, ગોશાલાએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, “શું આ છોડમાં તલ ઊગશે ખરા? જો હા, તો તલના કેટલા બીજ તે ઉત્પન્ન કરી શકશે?”

ભગવાન, જે સામાન્ય રીતે મૌન રહેતા હોય છે, તેઓએ જવાબ આપ્યો, “તલના સાત બીજ ઊગશે.” ગોશાલા, ભગવાન મહાવીરની પાછળ ચાલતા ચાલતા, ભગવાનના વાક્યને ખોટું પાડવા માટે ઉત્સુક હતો. ત્યારબાદ, તેણે છોડને ઉખેડી નાખ્યો. થોડા દિવસો પછી, જ્યારે તેઓ ફરી તે જગ્યાએ પરત આવ્યા, ત્યારે તેણે ભગવાનને વેરાન ધરતી બતાવી અને કહ્યું, “જૂઓ ભગવાન, છોડ દેખાતો નથી. આનો અર્થ એમ ને કે તમારા શબ્દો ખોટા પડ્યા?” ભગવાન હસ્યા અને કહ્યું કે, “જે છોડને તે ઉખેડી નાખ્યો તે પેલી જમીન ઉપર ખૂણામાં પડ્યો હતો. આપણે અહીંથી ગયા ત્યાર પછી, પવનથી તે બીજ ફુંકાઈને અહી આવ્યા. પછી, વરસાદ આવ્યો. તેનાથી ભૂમિ ભેજવાળી બની. એટલામાં જ ગાય આ રસ્તા ઉપર ચાલતા ચાલતા આવી અને ફળદ્રુપ ભૂમિમાં નાનો છોડ ફરીથી દટાય ગયો. છોડ ઊગવા લાગ્યો અને અત્યારે, તેના ઉપર સાત તલના બીજ રહેલા છે.”

આ જોઇને, ગોશાળાએ મનમાં એવી માનસિકતા થઇ કે, “જે કંઇ પણ બનવાનું હોય છે, તેને બનતા કોઇ અટકાવી શકતું નથી. જે નહિ બનવાનું હોય તે નહિ બને; તેને કોઇ શક્ય બનાવી શકશે નહિ! આને ‘નિયતિવાદ’ કહેવાય છે.

જો કે, તીર્થંકર મહાવીરે ‘અનેકાંતવાદ’નો ઉપદેશ આપ્યો, જેનો અર્થ એવો થાય છે કે એક જ દ્રષ્ટિકોણથી કશુ નિયત થઈ શકતું નથી. કોઇ પણ વસ્તુ ઘણા બધા દ્રષ્ટિકોણથી જોઇ શકાય છે; ત્યાર પછી જ સત્ય સમજી શકાય છે. માટે, આ પ્રસંગમાં પણ, વસ્તુને એક જ દ્રષ્ટીકોણથી જોવી કે માત્ર ‘નિયતિવાદ’ થી જ સમજવી એ યોગ્ય નથી. આ ગેરમાર્ગે દોરી શકે છે, કારણ કે કંઇ પણ બનવા માટે પાંચ શાશ્વત કારણોનું ભેગું થવું આવશ્યક છે. નિયતિ આમાંથી જ એક છે.

પાંચ સમવાય કારણ

કોઇ પણ ઘટના બનવા માટે પાંચ શાશ્વત કારણોનું ભેગું થવું આવશ્યક છે. જે નીચે મુજબ છે :

  1. સ્વભાવ,
  2. પુરૂષાર્થ,
  3. નિયતિ,
  4. કાળ, અને
  5. પ્રારબ્ધ.

ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ.

ચાલો એક આંબાના વૃક્ષનું ઉદાહરણ લઈએ. દરેકનો પોતાનો સ્વભાવ હોય છે. આંબાના વૃક્ષનો, મુખ્યત્વે તેના બીજનો, સ્વભાવ કેરીઓ આપવાનો છે. કેરીનું ફળ ચોક્કસપણે બીજા કોઇ વૃક્ષ પર ઊગશે નહિ. તે જ રીતે, આ વૃક્ષ કેરી સિવાય અન્ય કોઇ ફળ આપશે નહિ.

પછી, પુરુષાર્થ આવે છે. આપણે કેરીનું બીજ વાવીશું, તેને પાણી પાઇશું અને પોષણ આપીશું. આ પુરૂષાર્થ જરૂરી છે, તેના વિના કેરીના ફળ આવી શકશે નહિ.

ત્યાર બાદ, નિયતિ આવે છે. છોડને પોષણ આપ્યા પછી, જો સખત પવન ફૂંકાય અને કેરીના બીજનો નાશ કરી નાખે, તો કેરી ઊગશે નહિ. એવો પ્રવાહ જે કુદરતના નિયંત્રણમાં છે તેને નિયતિ કહેવાય છે.

ઉપરાંત, કાળ પણ એટલું જ મહત્વ ધરાવે છે. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, તો પણ શિયાળામાં આપણે મીઠા ફળ મેળવી શકીશું નહિ. વૈશાખ (એપ્રિલ) મહિનામાં જ, કેરીઓ ઊગશે. એ જ રીતે, જેવું બીજ વાવીએ તેવું તરત જ રાતો રાત આપણને ફળ જોઇતું હોય તો તેવું પણ નહિ બને. કેરીઓ ઊગવા માટે ચોક્કસ સમય જરૂરી છે. એ કાળનું પરિબળ છે.

અંતે, સુંદર પાકી કેરીઓ કદાચ વૃક્ષ ઉપર ઉગશે, પરંતુ તે એટલી ઊંચી હશે કે તમે ત્યાં `પહોંચી શકશો નહિ. જો કે ચાર કારણો આવી ગયેલ છે, તો પણ તમે કેરી પ્રાપ્ત કરી શકશો નહિ. એટલામાં જ એક નાનો છોકરો તેના હાથમાં મોટી લાકડી લઈને આવે છે, ફળ નીચે પાડે છે, અને તમે તે લઈને તેને ખાઓ છો. આ પ્રારબ્ધ છે; હવે અંત આવે છે! આ અંત અથવા પ્રારબ્ધ હંમેશા સાચો જ હોય છે.

માટે, આપણા જીવનમાં કોઇ પણ ઘટના બને છે, તેની પાછળ આ પાંચ શાશ્વત કારણો રહેલા છે. ભગવાને સંસારને આ સુક્ષ્મ શાશ્વત જ્ઞાન આપ્યું! જો આપણે તેને બરાબર રીતે સમજીએ, તો પછી આપણા જીવનમાં કંઇ પણ બનશે તેનો ફરક પડશે નહિ, આપણે દુ:ખના કે સુખના ભોગવટામાં જઈશું નહિ. જો કે, જો આપણે માત્ર એક જ દ્રષ્ટિકોણ કે એક જ શાશ્વત કારણથી વિચારીશું, જેવું ગોશાળાએ કર્યું, તો આપણે ગેરમાર્ગે દોરવાઇ જઇશું.

  • પરમ પૂજ્ય દાદા ભગવાન આ પાંચ કારણોને ‘વ્યવસ્થિત શક્તિ’ તરીકે ઓળખાવે છે;
  • ‘વ્યવસ્થિત શક્તિના પુરાવા’ દ્વારા જે પરિણામ આવે છે તેને પરમ પૂજ્ય દાદા ભગવાન ‘વ્યવસ્થિત’ તરીકે ઓળખાવે છે.

તેથી, આપણે નિયતિવાદ ઉપર આધારિત રહીને બેસી રહેવું ન જોઇએ. આપણે આપણી ફરજ બજાવવી જ જોઇએ; તે એક પુરાવા સ્વરૂપે જ છે. ત્યારપછી, જે કંઇ પરિણામ આવે; તે આપણા હાથમાં નથી; તે વ્યવસ્થિત છે. દાખલા તરીકે, જો કોઇ પ્યાલો પડવાનો હોય, તો આપણે તેને બચાવવા માટે તમામ બનતા પ્રયાસો કરવા જોઇએ. જો કે, તે કોઇ રીતે તૂટી જાય, તો આ પરિણામ, ‘પ્યાલો તૂટવાનું’, વ્યવસ્થિત કહેવાય છે. આપણે કોઇ પણ સુખ કે દુઃખ વિના તેને સ્વીકારવું જોઇએ.

માટે, પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આ જગત એ બીજું કંઇ નહિ પરંતુ સાયન્ટીફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પાંચ ઇન્‍દ્રિય દ્વારા વ્યક્તિ જે કંઇ જૂએ છે તે પરિણામ છે, તે બધું વ્યવસ્થિત છે.”

આ વ્યવસ્થિતનું જ્ઞાન આપણને શાંતિપૂર્ણ સંસારી જીવન જીવવામાં મદદ કરે તેટલું જ નહિ, પરંતુ તે મોક્ષ મેળવવામાં પણ મદદરૂપ થાય છે. એવું એટલા માટે કે આ જ્ઞાન દ્વારા, નવા કર્મો બંધાતા નથી. માત્ર જ્ઞાની પુરૂષ પાસે પોતાનો આત્મા જગાડવાની જ જરૂર છે! ત્યારપછી, જ્યારે વ્યક્તિ વ્યવસ્થિત નું જ્ઞાન સમજે છે, ત્યારે તે કોઇ પણ વસ્તુનો કર્તા થતો નથી.

આ જગતમાં જે કંઇ બની રહ્યું છે તે સાયન્ટીફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ઉપર આધારિત છે; માટે, આ જગતમાં કોઇ સ્વતંત્ર કર્તા નથી. આપણે દરેક શુદ્ધાત્મા જ છીએ, જે બધી પરિસ્થિતિઓને જૂએ અને જાણે છે. જોવું અને જાણવું એ સાચો પુરૂષાર્થ છે; બાકી બધો ભ્રાંત પુરૂષાર્થ છે જેનાથી આ જગતમાં કર્મો બંધાય છે.

માટે, દીક્ષા લીધા બાદ, મહાવીર સ્વામીએ કહ્યું,

“એગો મે શાષઓ અપ્પા, જ્ઞાન દંશ્શણ સંજૂઓ; શેષા મે બાહિરાભાવા, સવ્વે સંજોગ લખ્ખણા, સંજોગ મૂલા જીવેણ, પત્તા દુ:ખ પરંપરા; તમ્હા સંજોગ સંબંધમ, સવ્વં તિવિહેણ વિસિરામિ.”

જેનો અર્થ...

હું એક શાશ્વત આત્મા છું, જ્ઞાન-દર્શનવાળો એવો શાશ્વત શુદ્ધાત્મા છું, હું સનાતન છું, સત્ એકલો જ છું; જે શેષ રહ્યા એ બધા બાહ્ય ભાવો છે. એ ભાવોનાં લક્ષણ શાં છે ? એ સંયોગ લક્ષણવાળા છે. આ બધાના લક્ષણો સંયોગ સ્વરૂપે છે. જેનો વિયોગ થવાનો એ બધા સંયોગ. સંજોગો એ સંસારી જીવનનું મૂળ છે, અને ત્યારપછી, દુ:ખોની પરંપરા શરૂ થાય છે. માટે, હું બધા સંજોગોને મારા મન, વચન અને કાયા દ્વારા સમર્પિત કરી દઉં છું.

તેથી, આ જગતમાં, બીજું કંઇ નહિ, પરંતુ ‘શુદ્ધાત્મા’ અને ‘સંજોગો’ જ છે. આ સંજોગો એવા છે કે જે સતત બદલાયા કરે છે. સંજોગો ઊભા થાય છે અને જતા રહે છે. મારો સ્વભાવ આ સંજોગોને જોવા અને જાણવાનો જ છે. જે આ જ્ઞાન સમજે છે તે બધા પ્રકારની ચિંતા, તણાવ અને ટેન્‍શનમાંથી મુક્ત થઈ જાય છે.

સંગમદેવ

ભગવાન મહાવીરની કર્મો સામે લડવાની શક્તિ અને દ્રઢતા અસાધારણ હતી. તેથી, દેવોએ તેમનું નામ ‘મહાવીર’ રાખ્યું. ચાલો આ વિશેની એક કથા વાંચીએ.

mahavira upsarg

એક દિવસ, મહાવીર સ્વામી ઉદ્યાનમાં ધ્યાન કરતા હતા. ભગવાનને ધ્યાનની ઉચ્ચ સ્થિતિમાં જોઇને, ઇન્‍દ્રદેવે ખૂબ આશ્ચર્યચકિત થઈ કહ્યું કે, “તમે વીર પ્રભુ વર્ધમાન છો! આજે, આ ત્રણેય લોકમાંથી તમને કોઇ ચલિત કરી શકે તેમ નથી. તમારા જેટલા શોર્યવાન, શાંત, અને સમતા ભાવી આ જગતમાં કોઇ નથી. તમે મહાવીર છો!” અન્ય દેવતાઓ જે ઇન્‍દ્રદેવની સભામાં હાજર હતા તેઓ પણ ભગવાનની વીરતાના વખાણ કરવા લાગ્યા. તેઓ બધા પણ ઇન્‍દ્રદેવ દ્વારા અપાયેલ ‘મહાવીર’ (વીરોના વીર) નામ જ ઉચિત હોવા બાબતે સંમત થઈ ગયા.

જ્યારે બધા ભગવાનની પ્રશંસામાં વ્યસ્ત હતા, ત્યારે એક દેવતા જેમનું નામ સંગમદેવ હતું તેમને ભગવાનની પ્રશંસા સાંભળીને ઇર્ષાં થવા લાગી. તેમણે ભગવાનને અપાયેલ ઉપનામ સામે પડકાર ફેંક્યો અને કહ્યું, “જો દેવરાજ વચ્ચે ન આવે તો હું પળમાં જ મહાવીરના ધ્યાનનો ભંગ કરાવી દવ અને તમને ખોટા પાડું.” ઇન્‍દ્રદેવની ઇચ્છા ન હોવા છતાં મૌન રહ્યા.

ઇન્‍દ્રદેવની સંમતિ હોવાનું સમજીને, સંગમદેવે ૨૦ મોટા ઉપસર્ગો તીર્થંકર મહાવીરના ધ્યાનનો ભંગ કરવા માટે કર્યા.

  • તેણે ધ્યાનભંગ માટેના પોતાની પ્રથમ યોજનાના અમલ માટે, ભગવાન ઉપર એટલી બધી ધૂળની રજકણો ઉડાડી કે ભગવાન ધૂળના ઢગલા વચ્ચે સંપૂર્ણપણે દટાઇ ગયા. તેઓ શ્વાસ પણ લઇ શકતા ન હતા. જો કે, તેમનું ધ્યાન તો પણ અવિરતપણે અડગ જ રહ્યું!
  • ત્યારપછી, તેણે કીડીઓનો રાફડો ભગવાનના આખા શરીર ઉપર દોડાવ્યો, તો પણ ભગવાનને કશો ફરક પડ્યો નહિ.
  • આ પછી, અસંખ્ય મચ્છરોએ ભગવાનને અસહ્ય રીતે ડંખ મારવાનું શરૂ કર્યું જેથી ભગવાનને લોહી નીકળવા લાગ્યું. જો કે, ભગવાન મહાવીરે પ્રત્યેક ઉપસર્ગોનો પૂર્ણ સમતાથી સામનો કર્યો અને તેમના ધ્યાનમાં સ્થિર રહ્યા.
  • પછી મોટી સફેદ કીડીઓના લશ્કરે ભગવાનના શરીર ઉપર જાણે મોટો પર્વત હોય તે રીતે કબજો જમાવ્યો.
  • પછી, કાળા વીંછીઓ મોકલ્યા, જેણે તેમના શરીર ઉપર ફરી વળ્યા અને સાથો સાથ ખૂબ ઝેરી ડંખ માર્યા. છતાં પણ, ભગવાન એ જ રીતે સ્થિર રહ્યા!
  • તેના છઠ્ઠા પ્રયત્નમાં, સંગમ દેવે મોટા દાંતવાળા નોળિયાને ફેંક્યા જેણે ભગવાનને બચકા ભર્યા અને તેમના માંસને જૂદુ કરવા લાગ્યા. તેઓ છતાં પણ સ્થિર જ રહ્યા.
  • ત્યાર પછી, મોટો કોબ્રાઓનો (એક પ્રકારના સર્પની જાતિ) તેની મોટી પૂંછડી સાથે ભગવાન ઉપર ઉપસર્ગ કરાવ્યા જેના થકી ભગવાનને અસહ્ય પીડા થઇ. જ્યારે સર્પોએ જોયું કે ભગવાનની દ્રઢતામાં કોઇ ફેર પડતો નથી, ત્યારે તેઓએ ભગવાનના આખા શરીર ઉપર ખૂબ જ ડંખ દીધા.
  • પછી, સંગમ દેવે મોટા રાક્ષસી ઉંદરો નાખ્યા જેઓએ ભગવાનના શરીર ઉપર મોટા દાંત વડે કરડવાનું શરૂ કર્યું અને ભગવાનની ચામડી પણ બળવા લાગી.
  • આ બધા પછી, ભગવાન મહાવીરની સામે મોટા સફેદ હાથીઓ લાવવામાં આવ્યા, તેઓએ ભગવાનની છાતી ઉપર મોટી સૂંઢ વડે લાતો મારવાનું શરૂ કર્યું. જો કે, ભગવાન ઊંડા ધ્યાનમાં મગ્ન રહ્યા. હાથીએ પછી ભગવાનને ઉઠાવ્યા, તેઓને હવામાં ઉછાળ્યા, અને પછી નીચે પછાડ્યા. જ્યારે ભગવાન જમીન ઉપર પડ્યા ત્યારે, હાથીએ તેઓને પગ વડે કચડી નાખ્યા. હાથીએ આવું ઘણી વખત કર્યું, ભગવાનના શરીરને ઉછાળ્યું અને નીચે પછાડ્યું. મહાવીર ભગવાન પાસે, તીર્થંકર તરીકે, ચરમ શરીર હતું. માટે, જ્યાં સુધી તેમના કર્મો પૂરા ન થાય ત્યાં સુધી, તેઓનું મૃત્યુ ન થાય! જો કે, ભગવાનની સર્વોચ્ચ સમાધિની સ્થિતિ આવા સખત ઉપસર્ગો વચ્ચે પણ અકબંધ જ રહી. તેમની સ્થિરતાને સંગમ દેવ ચલિત કરી શક્યો નહિ.
  • ત્યાર પછી ભયંકર દેખાતા ભૂત દ્વારા હુમલો કરાવવામાં આવ્યો.
  • આટલું જાણે પૂરતું ન હોય તેમ, મોટા વાઘે ભગવાન ઉપર હુમલો કર્યો અને ભગવાનને તેના અણીદાર નખ અને પંજા ખૂંચાડવા લાગ્યો. જો કે, મહાવીર સ્વામીને તેની કોઇ અસર ન થઈ!
  • સંગમ દેવે ભગવાનને ઘણી બધી રીતે હેરાન કરવાનું શરૂ જ રાખ્યું.  તેણે ભગવાનનો બધા ખોરાક બગાડી નાખ્યો, અને તેથી, તેઓ કશું ખાઇ શક્યા નહિ.
  • તેણે ભગવાનને ઊંડી રેતીમાં લાંબા અંતર સુધી ચલાવવા મજબૂર કર્યા. તેણે ભગવાન સાથે ૫૦૦ માણસોને વળગાડ્યા અને તેમના હાડકા તોડી નખાવ્યા.
  • હવે, નિરાશ થયેલ સંગમદેવે તેની રીત બદલાવી. તેણે એવી ભ્રમણા ઊભી કરી જાણે કે રાજા સિધ્ધાર્થ અને માતા ત્રિશલા (ભગવાનના માતા પિતા) રડી રહ્યા હોય અને ખૂબ જ પીડા ભોગવતા હોય. જો કે, આનાથી પણ ભગવાન ચલિત થયા નહિ. તેઓ સારી રીતે જાણતા હતા કે તેમના માતાપિતા હવે રહ્યા નથી અને આ માત્ર ભ્રમણા છે!
  • સંગમદેવે પછી ભગવાનના બે પગ વચ્ચે અગ્નિ સળગાવ્યો અને ભાત રાંધવાનું શરૂ કર્યું. ભગવાનની આસપાસ સળગી રહેલી જવાળાઓથી ભગવાનનું મોટાભાગનું શરીર દાઝી ગયું. જો કે, આનાથી પણ મહાવીર ભગવાનના ધ્યાનમાં કશી ખલેલ ન પહોંચી.
  • આ પછી, સંગમ દેવે વેશ પલટો કર્યો અને શિકારી બન્યો અને ઘણા બધા પાંજરા ભગવાનના ખભા, ગળા, કાન, નાક, અને હાથ પર લટકાવ્યા. પક્ષીઓએ પાંજરા વચ્ચેની જગ્યાઓમાંથી ભગવાનના શરીર ઉપર ખૂબ ચાંચો મારી, તેમનું માંસ ખાવા લાગ્યા અને તેમના નવા જખમોમાંથી લોહી વહેવા લાગ્યું.
  • સંગમ દેવે પછી પવન ફૂંક્યો, ગર્જના સાથે વરસાદ વરસાવ્યો અને વાવાઝોડું ફૂંકાવ્યું. જો કે, ભગવાન તેવા જ સ્થિર રહ્યા.
  • ત્યારપછી, તેણે એક પછી એક એવા મોટા મોટા લોખંડના ચક્રો ફેંકવા લાગ્યા, તો પણ તે મહાવીર સ્વામીની કઠિન ધ્યાનસ્થ અવસ્થાને ખલેલ પહોંચાડી શક્યા નહિ.
  • નિરાશ થયેલ સંગમદેવે મોટી ગદા ઊંચકી અને ભગવાન તરફ ફેંકી. તે એટલી બધી જોરથી ફેંકી કે ભગવાનના ઘૂંટણથી ભગવાનને જમીનમાં દાટી દે. તો પણ ભગવાનનું ધ્યાન જરા પણ તે તરફ ખેંચાયું નહિ. સંગમદેવને ખ્યાલ આવ્યો કે આ રીતથી કામ થતું નથી. તેથી, તે તેના દેવસ્વરૂપમાં આવ્યો અને તેમની પ્રશંસા કરવા લાગ્યો કે, “અરે! હું તમારાથી ખૂબ જ પ્રસન્ન થયો છું. હું તમને તમારા આ નાશવંત શરીર સહિત દેવલોકમાં લઈ જઈ શકું તેમ છું. જો તમારી તેવી ઇચ્છા હોય, તો હું તમને મોક્ષે પણ લઈ જઇશ.” તે ભગવાનને મૂર્ખ બનાવવા લાગ્યો. જો કે, મહાવીર ભગવાન, જે વીરોના પણ વીર છે – એ તીર્થંકર અને તેઓ જાણતા હતા કે, “કોઇ કોઇને મોક્ષે લઈ જઈ શકે નહિ. ફક્ત પોતાના જ પુરુષાર્થથી મોક્ષ મેળવી શકાય એમ છે; આમાં બીજું કોઇ કશું કરી શકે નહિ!” આ એવી વ્યક્તિઓ માટે બોધપાઠ સમાન છે જે એવું વિચારે છે કે, પોતે કશું કર્યા વિના કોઇ તેના વતી કામ કરી આપશે. આ કથા આપણને શીખવે છે કે લોભ ત્યજી દેવો અને વાસ્તવિક્તાને સ્વીકારી ખુમારી સાથે જીવવું, “કોઇ મને કશું આપી શકશે નહિ; જે કંઇ આવે છે તે મારા જ કર્મોનું પરિણામ છે; કોઇ વ્યક્તિ કોઇમાં માટે કશું કરી શકતો નથી; આપણે પોતે ખરો પુરૂષાર્થ કરીએ તો જ આપણે મોક્ષે જઈ શકીએ એમ છે.”
  • અંતે, સંગમદેવે એવું વાસનાયુક્ત વાતાવરણ ઊભું કર્યું જેમાં સુંદર આકર્ષક વસ્ત્રોવાળી અને મોહક રૂપ ધરાવતી દેવીઓ ભગવાનને આકર્ષે તે રીતે એમની આજુબાજુમાં વીંટળાઇ ગઈ. જો કે, ભગવાન જરા પણ ચલિત થયા નહિ.

આ રીતે, સંગમદેવે, છ મહિના સુધી, તેના ક્રૂર અને ઘાતકી હુમલાઓથી, દર્દજનક ક્રિયાઓથી અને ત્રાસદાયક કૃત્યો દ્વારા, ભગવાનના ધ્યાનભંગ માટે પૂરતા તમામ પ્રયત્નો કર્યા. જો કે, તે તેના દરેક પ્રયત્નોમાં નિષ્ફળ ગયો. કોઇ બીજા અન્ય તીર્થંકર ઉપર કે અન્ય કોઈ વ્યક્તિ પર ઇતિહાસમાં ક્યારેય પણ આવા ઘોર ઉપસર્ગો થયા નથી. જો કે, ભગવાને તે તમામને સમભાવ રાખીને પસાર કર્યા!!! તેમના શરીરને અસહ્ય વેદના હોવા છતાં, તેઓ પોતાના આત્મના શાશ્વત સુખમાં જ લીન રહ્યા. માટે, તેમને સંગમદેવ તરફ જરા પણ અભાવ થયો નહિ. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, ભગવાનને તેમના કર્મોના હિસાબો સમતાભાવથી પુરા કરવામાં જ રુચિ હતી માટે તેઓ કેવળજ્ઞાનની શ્રેણીઓ સુધી પહોંચી શક્યા.

સંગમદેવને પોતાના કૃત્યો ઉપર ખૂબ જ લજ્જા ઉત્પન્ન થઇ. તેને તેની ભૂલ સમજાણી. તેથી, તે ભગવાનને સમર્પિત થયો, અને તેના હ્રદયમાં ખૂબ જ પસ્તાવો થયો, ભગવાન પાસે માફી માંગી. સંગમ દેવ દ્વારા કરેલા પાપ તરફ ભગવાને અત્યંત કરૂણા દર્શાવતા, તેમના પર ગાલ અશ્રુઓ વહેવા લાગ્યા.

ભાવ વિરૂધ્ધ દ્રવ્યની સમજણ

એક વખત મહાવીર સ્વામી વિહાર કરી રહ્યા હતા અને ત્યારે તેઓ ચાર મહિનાના ઉપવાસ પર હતા. ત્યાં એક જિનદત્ત શેઠ નામનો વેપારી હતો જે ભગવાન પ્રત્યે અદમ્ય ભક્તિ ભાવના ધરાવતો હતો. તેમને એવી અદમ્ય ભાવના હતી કે, ભગવાન એમના ઘરે પધારે અને પારણું કરીને એમના ઉપવાસ પૂર્ણ કરે. પરંતુ થયું એવું કે, ભગવાન નવીન શેઠના ઘરે પધાર્યા કે, જેને જિનદત્ત શેઠ જેવી ભગવાન પ્રત્યે ઉત્કૃષ્ટ ભાવના ન હતી. તેમણે ભગવાનને એક સામાન્ય સાધુ સમજીને, તેની દાસીને અન્ન આપવા માટે હુકમ કર્યો. આ રીતે, મહાવીર ભગવાને તેમનો ઉપવાસ તોડ્યો. દેવોએ નવીન શેઠના ઘર ઉપર પુષ્પોનો, હીરા, મોતી અને રત્નોનો વરસાદ વરસાવ્યો. કારણકે, આ એ ઘર હતું જ્યાંથી ભગવાને પારણું કરીને પોતાના ઉપવાસ પુરા કર્યા.

ત્યારબાદ ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ ભગવાન પાસેથી દીક્ષા પામેલા કેવળી શિષ્યો ત્યાં પધાર્યા. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર વચ્ચે ફક્ત ૨૫૦ વર્ષનો સમયગાળો હતો, તેથી ભગવાન મહાવીરના કાળમાં પાર્શ્વનાથ ભગવાનના પણ શિષ્યો હાજર હતા. લોકોએ તેઓને આ પ્રસંગ કહી સંભળાવ્યો અને સાધુઓને એક પ્રશ્ન પૂછ્યો : શ્રેષ્ઠ કર્મો કોણે બાંધ્યા જિનદત્ત શેઠ કે નવીન શેઠ? પહેલી વ્યક્તિને ભગવાનના ઉપવાસના પારણા કરાવવા માટેની તક મેળવી શકાય તે માટેનો ખુબ જ પૂજ્યભાવ હતો, જ્યારે બીજી વ્યક્તિએ અન્ન તો આપ્યું પરંતુ તેનો એવો કોઇ ભાવ ન હતો. લોકોએ જોયું કે, નવીન શેઠ ઉપર તેના સારા કાર્યો માટે કેવી રીતે કૃપાનો વરસાદ વરસ્યો. જો કે, એ જ સમયે, લોકો એ જાણવા પણ આતુર હતા કે જિનદત્ત શેઠના શુભ ભાવ બદલ કુદરત તરફથી શું પ્રતિભાવ મળે છે.

સાધુઓ જે કેવળી હતા, તેઓએ આ વિશે સમજાવ્યું કે કર્મનો સિધ્ધાંત વ્યક્તિના ભાવના આધારે કામ કરે છે. નવીન શેઠે અજાણતામાં સારૂ કામ કર્યું અને તેનું ફળ પણ તેને ખૂબ સારૂ મળશે. આના જ પરિણામ સ્વરૂપ એમના ઘર ઉપર ફૂલો અને કિંમતી રત્નોની વર્ષા થઇ અને દેવોની કૃપા ઉતરી. જો કે, જિનદત્ત શેઠ જેને ઉત્કૃષ્ટ ભાવ હતા, એમને આવતા ભવ માટે અચ્યુત નામના ઊંચા દેવલોકનું આયુ બંધાય છે. તેથી, ભાવનું ખૂબ જ મહત્વ રહેલું છે. ભાવના આધારે જ કર્મ બંધાય છે, અને પછી, આ ભાવના આધારે જ વ્યક્તિ કુદરતી રીતે ક્રિયાઓને અનુસરે છે.

વધારામાં, જો ભગવાન માટેના ભાવ હોય, તો એ સારા ભાવોને કારણે તે વ્યક્તિ પુણ્ય કર્મો બાંધે છે અને જો તે ભાવ ખરાબ હોય તો પાપ કર્મો બાંધે છે. સારા ભાવો આપણને ઊંચી ગતિમાં લઇ જાય છે અને પછી તે પુણ્ય કર્મો તરીકે પરિણમે છે જેનું અલગથી સારૂ ફળ મળે છે. જો આપણા જીવનમાં ક્યારેય પણ આપણે ખરાબ ભાવનું નિરીક્ષણ કરીએ અથવા કોઇ ખરાબ કર્મ કરીએ, તો તીર્થંકર ભગવાને આપણને આ ભાવ ઉપર તરત જ પસ્તાવો લેવાનું શીખવ્યું છે. આપણા પસ્તાવાની તીવ્રતાને આધારે, આપણા ખરાબ ભાવ પરિવર્તિત થાય છે. આને ‘ભાવ પ્રતિક્રમણ’  કહેવાય છે. આજના કળિયુગમાં, વ્યક્તિના ભાવ કે નિશ્ચય બગડતા જરા પણ વાર લાગતી નથી. તેથી, આપણે દરરોજ ‘ભાવ પ્રતિક્રમણ’ કરવાની ટેવ રાખવી જોઇએ; જેથી આપણે પણ, ભગવાનના મહાવીરના અનુયાયીઓ તરીકે, મોક્ષ માર્ગ પર પ્રગતિ કરી શકીએ.

ભાવ પ્રતિક્રમણમાં, આપણે તે વ્યક્તિની અંદર રહેલા શુદ્ધાત્માને યાદ કરવા જોઇએ અને જે વ્યક્તિ તરફ આપણે ક્રોધ, અસત્ય, માન, કપટ, લોભ, ઇર્ષા કે અન્ય નકારાત્મક ભાવો કર્યા હોય, અને હ્રદયપૂર્વક માફી માગવી જોઇએ કે, “હે પ્રભુ, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. હું તમારી હ્રદયપૂર્વક માફી માગુ છું. આવી ભૂલ ફરી ન થાય તેવો નિશ્ચય કરૂ છું.” આ રીતે આપણે આંતરિક રીતે જ, આપણા ભાવ દ્વારા આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરી શકીએ છીએ.

ચંદનબાળા

એક વખત મહાવીર સ્વામીએ કડક અભિગ્રહ લીધો. અભિગ્રહ એટલે મનમાં ચોક્કસ રીતે પૂર્વ નિર્ધારિત કરેલી અમુક બાબતો, જેમ કે, “‘જો આ બધી બાબતો પરિપૂર્ણ થશે, તો જ હું અન્નગ્રહણ (પારણું) કરીશ; અન્યથા નહિ.’ એવું દ્રઢ નિશ્ચયપણું હોય છે.

આ વખતે નીચે દર્શાવેલ અતિ કઠિન એવી અમુક બાબતો ભગવાને નિયત કરેલ હતી:

  1. ભગવાનને જે વ્હોરાવે તે રાજકુંવરી સતી હોવી જોઇએ અને સાથે દાસીપણાને પામેલી હોવી જોઈએ.
  2. તે બંદીવાન હોય અને તેના પગમાં લોખંડની બેડી હોય.
  3. માથું મુંડેલુ હોય.
  4. ભૂખી હોય અને સાથે રડતી હોય.
  5. તેનો એક પગ ઉંબરા પર હોય અને એક પગ ઘરમાં હોય.
  6. એના હાથમાં સુપડામાં અડદના બાકળા હોવા જોઇએ.

chandanbala

ચાર મહિના પસાર થઈ ગયા અને ભગવાને એમનો ઉપવાસ શરૂ જ રાખ્યો. તેથી, રાજાએ પછી તેના રાજ્યમાં જાહેરાત કરી કે, દરેકે તેમના ઘરમાં તમામ શરતો અનુસરીને શ્રેષ્ઠ ખોરાક બનાવવો જેથી કરીને ભગવાન તેમને અનુરૂપ પારણું કરી શકે. સદભાગ્યે, એ ચંદનબાળા હતી જે ભગવાનના અતિ કઠિન અભિગ્રહોને પરિપૂર્ણ કરીને તેમનો ઉપવાસ તોડાવી શકી. માટે, ચાલો પહેલા આપણે ચંદનબાળા વિશે જાણીએ.

પૂર્વે, ચંપા શહેરમાં, વસુમતી નામની નાની રાજકુંવરી રહેતી હતી. તે રાજા દધિવાહન અને રાણી ધારિણીની પુત્રી હતી. એક વખત, પડોશી રાજાએ તેના પિતા ઉપર ચડાઇ કરી. રાજા દધિવાહન યુધ્ધમાં હારી ગયા, અને આવા સંજોગોમાં કુંટુંબ પણ વિખરાઈ ગયું. એક ઊંટ ચાલક માણસે વસુમતીનું અપહરણ કર્યું. તેણે વસુમતીને પૈસાની લાલચના હેતુથી કૌશાંબી નગરીમાં વેચી દેવાનું નક્કી કર્યું. ધનાવર શેઠ નામના વેપારીએ વસુમતીને જોઇ અને મનમાં વિચાર્યું કે, “આ નાની છોકરી કોઇ ખાનદાન પરિવારની હોય તેવું લાગે છે. કદાચ તે તેના પરિવારથી વિખુટી પડી ગઈ હોય એવું લાગે છે. જો આ સાચું હોય અને તે ગુલામ તરીકે વેચાઇ જાય, તો પછી આગળ જઈને એનું ભવિષ્ય શું?” તેથી, અત્યંત કરુણાથી, તે વસુમતીને ખરીદે છે અને ઘરે લઈ આવે છે. ઘરે જતા રસ્તામાં, તે વસુમતીને તેની ઓળખ અંગેના પ્રશ્નો પૂછે છે પરંતુ વસુમતી પોતાની ઓળખાણ ગુપ્ત રાખે છે.

જ્યારે શેઠ ઘરે આવે છે, ત્યારે તેની પત્ની, મૂલાને વસુમતીનું આખું વર્ણન કહી સંભળાવે છે અને એક પુત્રીની જેમ તેની કાળજી રાખવા માટે વિનંતી કરે છે. તેઓ તેનું નામ ચંદના રાખે છે. ચંદના તેમના ઘરમાં પુત્રીની જેમ રહે છે. આ જોઇને, ધનાવર શેઠ ખૂબ જ આનંદિત થાય છે. જો કે, તેમની પત્ની મૂલાને ખૂબ શંકા હોય છે કે કદાચ તેના પતિ ચંદના સાથે તેની અત્યંત સુંદરતાને કારણે લગ્ન કરી લેશે.

એક દિવસ, શેઠ તેમના કામ પરથી ઘરે પાછો ફરે છે. તેનો નોકર જે સામાન્ય રીતે તેના પગ ધોતો હતો, તે હાજર ન હતો. તેથી, ચંદના આવી અને શેઠના પગ ધોવા લાગી. ત્યારે તેના લાંબા વાળ બકલમાંથી છૂટી જાય છે. તેના વાળ બગડે નહિ તે માટે, ધનાવર શેઠ તેને પકડે છે અને પાછા બાંધી લે છે. મૂલા આ જૂએ છે અને તેને ખાતરી થાય છે કે તેની શંકા સાચી છે. જયારે, થોડાક દિવસો પછી, જ્યારે તેનો પતિ બહારગામ જાય છે, ત્યારે મૂલા ચંદનાના વાળ કાપવા માટે વાળંદને બોલાવે છે. મૂલા ચંદનાનું મુંડન કરાવે છે, તેણીના પગ ભારે સાંકળથી બાંધી દે છે, તેણીને ભોંયરામાં પૂરી દે છે અને પોતે પિયર ચાલી જાય છે.

ત્રણ દિવસ પછી, જ્યારે શેઠ ઘરે પાછા આવે છે, ત્યારે તે મૂલા કે ચંદનામાંથી કોઇને દેખાતું નથી. ચિંતાતુર થઈને, તે જુદા જુદા ઓરડામાં તેઓને શોધે છે. એટલામાં, પાડોશની એક વૃધ્ધ સ્ત્રી આવે છે અને તેની ગેરહાજરીમાં મૂલાએ જે કંઇ ચંદના સાથે કર્યું તે વર્ણવે છે.

વેપારી તરત જ ભોંયરામાં દોડ્યા. ચંદનાને આવી પરિસ્થિતિમાં જોઇને તે ચોંકી ઉઠ્યા. તેમનું હ્રદય કરૂણાથી દ્રવી ઊઠયું. તે રસોઈઘરમાં ગયા પરંતુ ત્યાં માત્ર તેમણે કેટલાક અડદના બાકળા જ જોયા. તેમણે આ ચંદનાને આપ્યા અને કહ્યું, “મારી પુત્રી, તે છેલ્લા ત્રણ દિવસથી કશું ખાધું નથી. આ ખાઇ લે. એટલીવારમાં, હું લુહારને લઈ આવું જે આ મોટી સાંકળને તોડી નાખશે.”

ચંદના પોતે એ આહાર પોતે આરોગે તે પહેલા કોઇને વહોરાવવા ઇચ્છતી હતી. એટલામાં જ તેણે ભગવાન મહાવીરને તેના ઘર તરફ આવતા જોયા. ખૂબ ખુશ થઇને, તે દરવાજા તરફ દોડી. તેના પગ બાંધેલા હતા, એક પગ ઘરના ઉંબરાની બહાર હતો ને એક પગ ઉંબરાની અંદર હતો. જો કે, એટલામાં, મહાવીર સ્વામી પાછા વળી ગયા, કારણ કે એમનો એક અભિગ્રહ કે, ‘આંખોમાં આંસુ હશે’ તે પરિપૂર્ણ થયો ન હતો. ભગવાનને પાછા જતા જોઇને ચંદના મૂંઝવણમાં મૂકાઇ ગઈ. ભગવાનને વ્હોરાવી ન શકવાના કારણે અત્યંત શોકમય ભાવનાથી, તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલામાં જ ભગવાન થોડા પાછા ફર્યા અને તેના આંસુ જોયા. આ કારણથી જ ભગવાન પાછા ફર્યા, અડદના બાકળાના પારણા કર્યા અને એમના ૫ મહિના અને ૨૫ દિવસના ઉપવાસ પૂર્ણ થયા.

બીજી બાજુ, દેવો પણ આનંદમાં આવીને ચંદનબાળાને લોખંડની સાંકળથી મુક્ત કરે છે અને તેના પગને સોનાના ઝાંઝરથી, સુંદર ઘરેણાંઓ અને રાજકુંવરી જેવા વસ્ત્રોથી શુસોભિત કરે છે અને આ સાથે તેના પહેલાની જેમ લાંબા કેશ પણ પરત આવી જાય છે. અચાનકથી આટલા બધા બદલાવ આવતા ચંદના પણ આશ્ચર્ય પામે છે. અંતે તે હૃદયપૂર્વક ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે.

જયારે રાજાને આ બધા સમાચાર પ્રાપ્ત થાય છે ત્યારે તરત જ તે પોતાનું રાજકુટુંબ અને મંત્રીઓ સહીત તે સ્થળે પહોંચી જાય છે. એમાંના એક મંત્રી ચંદનાને ઓળખી જાય છે અને રાજાને તેની સાચી ઓળખ વિષે માહિતગાર કરે છે અને કહે છે કે,”આ વસુમતી છે, જે ચંપાનગરીની રાજકુંવરી, રાજા દધિવાહન અને રાણી ધારિણીની પુત્રી છે.” રાજા શૈતાનીક અને રાણી મૃગાવતી ચંદનાને પોતાની સાથે લઇ જાય છે અને જ્યાં સુધી તે ભગવાનની પાસે દીક્ષા લેવા સક્ષમ ન થાય તેટલો કાળ ચંદનાને પોતાની સાથે મહેલમાં કાળજીપૂર્વક રાખે છે.

ભગવાનના કાનમાં બરુ નાખતો ગોવાળ

mahavira story

એક દિવસ, ભગવાન મહાવીર કાયોત્સર્ગ કરી રહ્યા હતા. કાયોત્સર્ગ એટલે પોતાના પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મન-વચન-કાયાથી પોતે જુદા થઈને દૈહિક ક્રિયાઓનું નિરીક્ષણ કરવું. એટલામાં જ, એક ગોવાળિયો ત્યાંથી પસાર થયો. ભગવાનને જોતાં જ, તેણે થોડોક સમય ગાયોનું ધ્યાન રાખવા માટેની વિનંતિ કરી કે જેથી તે પોતાનું બીજું કામ પતાવી શકે. ભગવાન તેમના ઊંડા ધ્યાનમાં મગ્ન હોવાને કારણે, ગોવાળિયાએ જે કંઈ પણ કીધું તે સાંભળ્યું નહિ. આ જાણમાં લીધા વિના, ગોવાળિયો ગાયોને ભગવાન પાસે મૂકી અને તેનું કામ કરવા માટે ગયો. પાછા ફરીને, તેણે જોયું કે તેની એક પણ ગાયો જોવા મળી નહિ. આનાથી તે ખુબ જ ક્રોધિત થયો. તે ભગવાન તરફ અતિ ક્રોધિત થઈને બોલ્યો કે, “મારી ગાયો ક્યાં છે?” પરંતુ કશું વળ્યું નહિ. વર્ધમાન મહાવીર તો ધ્યાનમાં જ હતા, તેથી ભગવાને કંઈ જ ઉત્તર ન આપ્યો.”

ગોવાળીયાને તેની આસપાસ ગાયોની શોધ કરતાં છતાં ક્યાંય પણ ગાયો ન દેખાતા, તેણે ભગવાનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેણે ભગવાનના કાનમાં એ રીતે જંગલી બરુ ઠોક્યા કે તેમના બે બાજુના કાનમાંથી બરુ અંદર એકબીજાને મળી જાય અને કાનની બહાર જે બરુનો બાહ્ય ભાગ દેખાય એ કાપી નાખ્યો, જેથી કરીને લોકોને બરુ ન દેખાય અને એ ખ્યાલ જ ન આવે કે ભગવાનના કાનમાં બરુ છે.

જો કે, આ બધાથી મહાવીર ભગવાન જરા પણ ચલિત ન થયા અને તેઓ આત્મધ્યાનમાં જ સદા લીન રહ્યા. ભગવાન મહાવીર જાણતા હતા કે, વાસુદેવ ત્રિપુષ્ટ તરીકેના ભવમાં તેઓએ દ્વારપાળના કાનમાં ગરમ સીસું રેડ્યું હતું એ પાપ કર્મના પરિણામ સ્વરૂપ આ સર્વ બની રહ્યું છે. આ પ્રકારની જાગૃતિના કારણે, ભગવાનને અસહ્ય પીડા હોવા છતાં, તેમને ગોવાળિયા પ્રત્યે કોઇ પ્રકારનો ક્રોધ કે ખરાબ ભાવના ન હતી.

kanma baru

છ મહિના માટે, તેઓના કાનમાં બરુ ભરાયેલા જ રહ્યા. એક દિવસ, તેઓ એક ગામમાં આવ્યા જ્યાં વૈધે ભગવાનને જોયા. ભગવાનનું મુખ જોઇને, વૈધને ખ્યાલ આવ્યો કે એવું કંઇક છે કે, જેનાથી ભગવાન મહાવીરના દેહને વેદના (પીડા) પહોંચી છે. વૈધ હોવાને લીધે, તેમણે ભગવાનની શારિરીક તપાસ કરી અને જાણ્યું કે તેમના કાનમાં તો બરુ ખૂંચેલા છે. તેમણે કાળજીપૂર્વક તે ભગવાનના કાનમાંથી ખેંચી કાઢ્યા. જો કે, જ્યારે વૈદે બરુ કાઢ્યા, ત્યારે ભગવાને જોરથી ત્રાડ (અવાજ) નાખી અને તેમની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. આ પરથી સમજાય છે કે એ વેદના અતિશય તીવ્ર હતી; છતાં પણ ભગવાન સંપૂર્ણપણે સમતામાં રહ્યા. તેમને એ બાબતની સંપૂર્ણ જાગૃતિ હતી કે, વેદના દેહને છે અને મને (આત્માને) નહિ. વૈધે તેમનો ઔષધિ દ્વારા ઇલાજ કર્યો, અને થોડા સમયમાં ભગવાન સ્વસ્થ પણ થઇ ગયા.

કેવળજ્ઞાન

ત્યારબાદ ભગવાન મહાવીર એક ગામમાં પહોંચ્યા. ત્યારે તેમની આયુ ૪૩ વર્ષની હતી. તેમની અત્યંત કઠોર તપશ્ચર્યાના ૧૨ વર્ષ બાદ અને એમના દીક્ષા કાળ દરમ્યાન જ ભગવાન ઋજુવાલિકાનદીના કિનારે સાલ વૃક્ષની નીચે ગૌ-દોહન મુદ્રામાં ધ્યાનસ્થ હતા. અને આખરે એ પવિત્ર ઘડી આવી ગઈ. ભગવાનના ચાર મુખ્ય કર્મો જેમ કે, ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મનો સંપૂર્ણપણે નાશ થયો અને એમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ.

mahavira kevalgnan

આ સમય દરમ્યાન, બ્રહ્માંડના પ્રત્યેક જીવને આંતરિક શાંતિ અનુભવાય છે. કેવળજ્ઞાન કલ્યાણકના પ્રસંગે, દેવલોકો અત્યંત હર્ષોલ્લાસમાં હોય છે. તેઓ અત્યંત ધૂમધામથી ઉજવણી કરે છે. પૃથ્વી પરના લોકો, જે ભગવાનનું શરણું પ્રાપ્ત કરવા ઝંખે છે, તેઓ પણ આ અદ્ભુત ક્ષણને અત્યંત ભક્તિભાવથી ઊજવે છે, કારણ કે તેઓ હવે સંસારનો ત્યાગ કરવા સમર્થ થઈ અને ભગવાનની દેશના (તીર્થંકરની વાણી)  નિરંતરાયપણે સાંભળી શકશે.

ગૌતમ સ્વામી અને અન્ય ૧૦ ગણધરો

મગધ રાજ્યના ગોબરગાવ નામના શહેરમાં, ત્રણ બ્રાહ્મણ ભાઇઓ – ઇન્‍દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ રહેતા હતા, જેઓ અત્યંત વિદ્વાન હતા. એક દિવસ, ૧૧ બ્રાહ્મણોનું ટોળું અને તેમના હજારો શિષ્યો સહીત મહા યજ્ઞ કરવા માટે એકત્રિત થયું. અચાનક, તેઓએ જોયું કે ઘણા બધા દેવો આકાશમાંથી પૃથ્વી તરફ આવી રહ્યા હતા. તેઓ આ દ્રશ્ય જોઇને અત્યંત આનંદિત થઇ ગયા કારણ કે, તેમણે એવું વિચાર્યું  કે દેવો તેમના યજ્ઞમાં આશીર્વાદ વરસાવવા આવી રહ્યા છે. જો કે, થોડી વારમાં તો, દેવોએ તે બ્રાહ્મણોની જગ્યામાંથી પસાર થઇને આગળની દિશા તરફ પ્રયાણ કર્યું.

ત્યારબાદ તુરંત જ તેમને સમાચાર મળ્યા કે, દેવો તીર્થંકર મહાવીરના સમોવસરણમાં જઈ રહ્યા છે. યજ્ઞમાં ઉપસ્થિત સર્વે ‘મહાવીર’નું નામ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ઊઠ્યા. ઇન્‍દ્રભૂતિને આશ્ચર્ય થયું કે, “આ મહાવીર કોણ છે?” તેનો મહાન વિદ્વાન હોવાનો અહંકાર સામે એક પડકાર આવ્યો હોય એવું લાગ્યું! પોતે ભગવાનથી પણ શ્રેષ્ઠ છે એવું આખા જગત સામે સાબિત કરવા તે ભગવાન મહાવીર પાસે તરત જ પહોંચે છે.

સમોવસરણમાં પહોંચતા જ, ભગવાન ઇન્‍દ્રભૂતિને એમના નામ સહિત આદરપૂર્વક બોલાવે છે. ઇન્‍દ્રભૂતિને ત્યારે ખૂબ જ આશ્ચર્ય થાય છે. ત્યારબાદ તેમને તરત જ એવું લાગે છે કે, “મને કોણ નથી ઓળખતું? તેઓને મારું નામ ખબર હોય એમાં કશી નવાઇ નથી.” બીજી જ ક્ષણે ભગવાન બોલ્યા, “ઇન્‍દ્રભૂતિ, જીવ છે કે નહિ એ અંગેનો તમને સંશય છે. આત્માને જ્ઞાન અને દર્શનના ગુણ દ્વારા અનુભવી શકાય છે. તે જ સાચું સ્વરૂપ છે. એકવાર આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી તમામ દુ:ખોનો અંત આવે છે.” આ સમયે, ઇન્‍દ્રભૂતિ અચંબામાં મૂકાય ગયા કારણ કે આત્માના અસ્તિત્વ વિશેનો સંશય તેમને હંમેશા મુંઝવતો રહેતો હતો.” ગૌતમ સ્વામીને ખ્યાલ આવી ગયો કે, ભગવાન જાણે છે કે તેમનાં મનમાં શું ચાલી રહ્યું છે.” તેમનું હ્રદય ભગવાન પ્રત્યે અત્યંત પૂજ્યભાવથી ભરાઇ ઊઠયું કારણ કે ભગવાન સતત ઇન્‍દ્રભૂતિના સંશયોના સચોટ ફોડ પડી રહ્યા હતાં. અંતે, તે બ્રાહ્મણ ભગવાનના ચરણકમળમાં સમર્પિત થઈ ગયા અને તેમના પ્રથમ ગણધર (મુખ્ય શિષ્ય) બન્યા!!! ત્યાર પછીથી, ઇન્‍દ્રભુતિ એ ગૌતમ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા.

ત્યાર પછી, તેમના ભાઇ, અગ્નિભૂતિ, ઇન્‍દ્રભૂતિની શોધમાં ભગવાનના સમોવસરણમાં આવે છે. ભગવાન મહાવીર તેમને સારી રીતે આવકારે છે, “પધારો અગ્નિભૂતિ! તમારો સંશયએ છે કે, શું કર્મોનું અસ્તિત્વ છે? કર્મોનું અસ્તિત્વ છે. એવું એટલા માટે કે કર્મો જ છે જેના લીધે આપણે જીવનમાં દુ:ખ અને ભોગવટા આવે છે. ક્યારેક આપણે કશું જ ન કર્યું હોય છતાં પણ દુઃખ અનુભવીએ છીએ અને ક્યારેક એવું પણ બને છે કે, કશું જ ન કર્યું હોય છતાં પણ મહી આનંદનો અનુભવ થાય છે. શા માટે એક સુખ મેળવે છે અને બીજું તેનાથી વંચિત રહે છે? આવું વ્યક્તિના પૂર્વ કર્મોના આધારે જ બને છે. કર્મોને કારણે, આપણો જન્મ થાય છે. પૂર્વભવમાં બાંધેલ કર્મ એ કારણ છે અને કર્મોનું પરિણામ એ અસર છે. આપણે અસરને જોઇ શકીએ છીએ, પરંતુ આપણે કારણને જોઇ શકતા નથી.” આ સાંભળીને, અગ્નિભૂતિને ખૂબ સંતોષ થયો. તેઓ, તેમના શિષ્યો સહીત, ભગવાનના ચરણોમાં સમર્પિત થઇ ગયા અને દીક્ષા લીધી.

ત્યારપછી, વાયુભૂતિ, બીજા ભાઇ, ત્યાં આવે છે અને ભગવાન તેમને પણ આવકારે છે. ભગવાને કહ્યું, “વાયુભૂતિ, તમને મનમાં એવો સંશય છે કે શું જીવ (આત્મા) અને દેહ એક છે કે બે છે. તે બન્ને ભિન્ન છે. આપણે આત્મા છીએ અને દેહ તેનાથી જૂદો છે. જ્યારે આત્મા દેહ છોડે છે, ત્યારે દેહને બાળી નખાય છે. જ્યાં સુધી આત્મા દેહમાં હોય ત્યાં સુધી જ, શરીર જીવંત છે. જો આંખો ન હોય તો પણ, આપણે કઈ રીતે દ્રશ્ય અનુભવી શકીએ છીએ? તેવું આત્માના દર્શંનથી જ શક્ય બને છે.”

ત્યારપછી, ભગવાન ચોથા બ્રાહ્મણપુત્ર, વ્યક્તના, સંશયને દુર કરીને કહે છે કે, “તમને એ સંશય છે કે શું પંચ મહાભૂત છે ખરા? હા, પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ અને વાયુ અસ્તિત્વ ધરાવે છે અને તેઓને જોઇ પણ શકાય છે.” તેમનો સંશય દૂર થાય છે ત્યારપછી તેઓ પણ, તેના શિષ્યો સાથે, દીક્ષા લે છે.

ત્યારપછી, સુધર્મા નામના બ્રાહ્મણપુત્ર આવ્યા. મહાવીર સ્વામીએ તેમને આવકાર્યા અને કહ્યું, “તમને એવો સંશય છે કે શું પુનર્જન્મ છે ખરો? અને અગર જો છે, તો શું હંમેશા માનવમાંથી માનવ જ જન્મ લે છે અને પ્રાણમાંથી પ્રાણી જ જન્મે એવું છે? વાસ્તવિકતા એ છે કે જો આપણે ઘઉંના બીજ વાવીએ તો ઘઉંના છોડ જ ઊગશે. જો કે, નવા બીજમાં જે જીવ હોય છે એ જુદો હોય છે. જો એક અનાજના દાણામાંથી, ૨૫૦૦૦ અનાજના દાણા ઊગે છે, ત્યારે દરેક અનાજના દાણામાં પોતાનો સ્વતંત્ર જુદો આત્મા હોય છે. નવા દાણામાં રહેલો આત્મા જે દાણાને બીજ તરીકે વાવવામાં આવેલ તેના કરતાં જૂદો હોય છે. મનુષ્ય મનુષ્યને જ જન્મ આપે છે. પરંતુ, જે નવો મનુષ્ય જન્મે છે તેનો જીવ જૂદો હોય છે. જો મનુષ્ય્યના ભાવો પ્રાણીઓ જેવા હોય તો, પછીના જન્મમાં, તે પ્રાણી તરીકે જન્મે છે, મનુષ્ય તરીકે નહિ. જીવ જે પ્રકારના કર્મો બાંધે છે, તે પ્રમાણે જીવ પુનર્જન્મ પામે છે.” સંતોષકારક નિવારણ પ્રાપ્ત થવાથી, સુધર્મા બ્રાહ્મણ પણ તેમના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લે છે.

ત્યારપછી, મંડિક નામના બ્રાહ્મણપુત્ર આવે છે. ભગવાને કહ્યું, “પધારો મંડિક. તમને મનમાં એવો પ્રશ્ન છે કે બંધન અને મોક્ષ શું છે? અજ્ઞાનતાથી, જીવ કર્મ બાંધે છે. જયારે જીવ બધા બંધનોમાંથી મુક્ત થાય છે, ત્યારે તે મોક્ષ પામે છે. પહેલા તબક્કાનો મોક્ષ અહીં જ અનુભવી શકાય છે, જીવતાં જ, વ્યક્તિને કોઇ દુ:ખ અડતું જ નથી. અત્યંત દુ:ખ અને ભોગવટામાં હોવા છતાં, વ્યક્તિને એ ભોગવટો અસર કરતો નથી. જ્યારે બધા કર્મોનો ક્ષય થઈ જાય છે અને આત્મા ઉપર એક પણ પરમાણુનું આવરણ રહેતું નથી ત્યારે અંતિમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવો આત્મા સિધ્ધક્ષેત્રમાં જાય છે. એક વખત મોક્ષના પ્રથમ પગથિયાનો અનુભવ થયા પછી બીજું અને અંતિમ મોક્ષનું પગથિયું ચોક્કસપણે આવે જ છે.” આ રીતે, મંડિક પણ, મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને તેમના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લે છે.

ત્યારપછી, સાતમાં બ્રાહ્મણપુત્ર, મૌર્ય, ભગવાન મહાવીર પાસે આવ્યા. ભગવાને તેમને નામ સહિત આવકાર્યા અને કહ્યું, “તમને એવો સંશય છે કે દેવલોકો શા માટે પૃથ્વી ઉપર આવતા નથી? દેવલોકોની આસપાસનું વાતાવરણ અત્યંત સુંદર અને સુગંધિત હોય છે. એટલે, તેઓ પૃથ્વી ઉપર આવવાનું પસંદ કરતાં નથી. જો કે, જ્યારે પણ તીર્થંકર ભગવાનના પાંચ કલ્યાણકનો ઉત્સવ ઉજવાય છે, ત્યારે તેઓ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક આવે છે.” મૌર્ય ભગવાનનો જવાબ સાંભળીને ખૂબ સંતુષ્ટ થયા અને તેઓ પણ, તેમના શિષ્યો સાથે, ભગવાન પાસેથી દીક્ષા લે છે.

હવે, આઠમા બ્રાહ્મણપુત્ર, અકંપિત, સમોસરણમાં પહોંચ્યા. મહાવીર ભગવાને કહ્યું, “તમને એવો સંશય છે કે શું નારકીય જીવોનું અસ્તિત્વ છે ખરૂ, અને જો અસ્તિત્વ છે, તો આપણે તેઓને કેમ જોઇ શકતા નથી? સત્ય એ છે કે એ જીવો નર્કમાં છે. જો કે, જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે ફક્ત તેઓ આ જીવોને પોતાના જ્ઞાનમાં જોઈ શકે છે. બીજા કોઇ જીવ તેઓને જોઇ શકે નહિ. જેમણે નર્કના કર્મોના હિસાબો બાંધ્યા હોય તેવા જીવ જ ત્યાં જાય છે. બીજા કોઇ ત્યાં જોવા માટે પણ જઈ શકે નહિ.” આ સાંભળીને, અકંપિત પણ તેમના શિષ્યો સહીત સમર્પિત થઇ ગયા.

થોડાક સમયમાં, નવમા બ્રાહ્મણપુત્ર , અચલભ્રાતા, તે જગ્યાએ આવ્યો. તેને પણ નામ દ્વારા સંબોધીને, ભગવાને કહ્યું, “હે અચલભ્રાતા! તને એવો સંશય છે કે શું પાપ અને પુણ્યનું આસ્તિત્વ છે કે નહિ? જો છે, તો તે કેવી રીતે? પાપ અને પુણ્ય ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે, તેના વિના સુખ અને દુ:ખના પરિણામોનો અનુભવ થઇ શકે નહિ. ઘણા બધા લોકો જન્મથી જ વિકલાંગ કે ગરીબ જન્મે છે. આવું શા આધારે બને છે? જે પુણ્ય બાંધે છે તે સુખનો અનુભવ કરે છે, અને જે પાપ બાંધે છે તે દુ:ખ અનુભવે છે. જ્યારે આપણે બીજાને સુખ આપીએ છીએ ત્યારે પુણ્ય બંધાય છે અને જ્યારે આપણે બીજાને દુ:ખ પહોંચાડીએ છીએ ત્યારે પાપ બંધાય છે. અજ્ઞાનતાને કારણે પુણ્ય અને પાપ કર્મ બંધાય છે. આ કુદરતી છે; આ બધું સંભાળવા માટે કોઇ ભગવાન નથી. આપણો અંદરનો શુદ્ધાત્મા જ પોતે ભગવાન છે. જ્યારે પુણ્ય કે પાપ બન્નેમાંથી કશું ભોગવવાનું રહેતું નથી, ત્યારે મોક્ષ થાય છે!” આ સાંભળીને, અચલભ્રાતા મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને તેમના ૩૦૦ શિષ્યો સાથે દીક્ષા લે છે.

ત્યાર પછી, બ્રાહ્મણપુત્ર મેતાર્ય નું સ્વાગત કરવામાં આવે છે અને ભગવાને કહ્યું, “તમારા મનમાં, એવો સંશય છે કે શું પૂર્વભવ હોય છે કે નહિ. હા, પૂર્વભવ ચોક્કસપણે હોય છે જ. માટે આ જન્મોમાં સંચિત કરેલા કર્મોના હિસાબો ચુકવવા માટે, બીજો જન્મ થવો જરૂરી છે. જે ભવમાં આપણને આત્મજ્ઞાન થાય છે, ત્યારથી જન્મજન્માંતરના ચક્કરમાંથી છુટવા સક્ષમ થઈએ છીએ અને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ.” તેઓ, પણ, મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને તેમના ૩૦૦ શિષ્યો સાથે દીક્ષા લે છે.

મહાવીર સ્વામી પછી પ્રભાસ બ્રાહ્મણપુત્રને આવકારે છે અને તે કહે છે, “ તમારા મનમાં, એવો સંશય છે કે બંધન શું છે. માત્ર એ તપાસ કરો કે સવારથી રાત સુધીમાં – સમગ્ર દિવસ દરમિયાન કેટલી બધી વસ્તુઓ પર આપણે નિર્ભર છીએ. કઈ ક્ષણે, આપણે નિર્ભર નથી હોતા? આ નિર્ભરતા, આ અવલંબન પોતે જ એક બંધન છે અને મોક્ષ એ મુક્તિ છે. મોક્ષ માટે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય, અને સમ્યક તપ જરૂરી છે.”

જ્યારે જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્યારે પોતાની જાતનું ભાન થાય છે; ત્યારે ખરેખર તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન  છે અનુક્રમે. ત્યારપછી, જ્યારે વ્યક્તિ જ્ઞાતા-દ્રષ્ટામાં રહે છે, આંતરિક નબળાઇઓ ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ પૂરા થતા જાય છે. તેને સમ્યક ચારિત્ર્ય કહેવાય છે. જ્યારે કોઇ આપણું અપમાન કરે છે, અપમાનથી આપણને અંદર જે અસર થાય છે તેને સમતાભાવથી જોવું અને કઈ રીતે આ સંચિત કર્મોના પરમાણુઓની નિર્જરા થાય છે તે જાણવું, એ સમ્યક તપ કહેવાય છે. માટે, આત્મજ્ઞાન પછી, નવા કર્મો બંધાતા નથી; અને ટૂંક સમયમાં, જેવા બધા જૂના કર્મો પૂરા થાય છે, તો બધા કર્મોનું બેલેન્‍સ શૂન્ય થઈ જાય છે. પછી, આવરણ રહિત આત્મ રહે છે; તે મુક્ત હોય છે અને શાશ્વત આનંદમાં રહે છે!

11-gandhar

આ સાથે, બધા ૧૧ બ્રાહ્મણપુત્રો ભગવાન મહાવીરના ગણધર બને છે. ચંદના પણ ભગવાન પાસેથી દીક્ષા લે છે, અને માટે, તેઓ ભગવાનને સમર્પિત થઈ પ્રથમ સ્ત્રી સાધ્વી બને છે. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, જેમાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો (ગૃહસ્થ પુરૂષ જે આધ્યાત્મિક જિજ્ઞાસા ધરાવતો હોય) અને શ્રાવિકાઓથી (ગૃહસ્થ સ્ત્રી જે આધ્યાત્મિક જિજ્ઞાસા ધરાવતી હોય) સહિત હોય છે.

દેશના

તીર્થંકર ભગવાન મહાવીરે, એમની દેશનામાં બ્રહ્માંડમાં રહેલા છ શાશ્વત તત્વો વિશે સમજાવ્યું.

  1. આત્મ તત્વ
  2. જડ તત્વ
  3. ધર્માસ્તિકાય
  4. અધર્માસ્તિકાય
  5. આકાશ તત્વ
  6. કાળ તત્વ

આ દરેક શાશ્વત તત્વો આ પ્રમાણે છે:

  • દ્રવ્ય એટલે તત્વમાં રહેલો પદાર્થ.
  • ગુણ એટલે ગુણધર્મો જે શાશ્વત હોય છે.
  • પર્યાય એટલે સંજોગો, જે ઊભા થાય છે, થોડોક સમય રહે છે અને પછી પસાર થાય છે.

સૈધ્ધાંતિક રીતે, આ બધા તત્વો સ્વભાવથી જ શુધ્ધ છે અને તેમના દરેકના દ્રવ્ય, ગુણ અને પર્યાય પણ હોય છે! આ તત્વો, ગમે તેટલા નજીક હોય તો પણ, તેલ અને પાણીની જેમ જૂદા જ રહે છે અને તેમની શુધ્ધતા ગુમાવતા નથી. માટે, આત્મા હંમેશા શુધ્ધ જ રહે છે, જૂદી જૂદી ગતિમાં અસંખ્ય જન્મો થવા છતાં પણ તે શુધ્ધ જ રહે છે. તે એવો હતો, એવો છે અને હંમેશા એવો જ શુધ્ધ રહેશે! ભગવાન મહાવીર લોકોને તેમની દેશના દ્વારા આ જ્ઞાન સમજાવે છે.

જ્યાં તીર્થંકર ભગવાન દેશના આપતા હોય ત્યાં સમગ્ર વાતાવરણમાં શાંતિ અને સંવાદિતા ફેલાય જાય છે. પ્રાણી હોય કે મનુષ્ય, દરેક જીવ તેમને સાંભળવા આવે છે. તેમની વાણી સાંભળવા માટે કોઈ પણ જીવને તેની ભાષા બાધારૂપ થતી નથી. તેથી, દરેક લોકો તેમને સમજી શકે છે. તેમની વાણીમાં એવી શક્તિ હોય છે કે તે વ્યક્તિમાં માત્ર અસામાન્ય ફેરફારો લાવે છે એટલું જ નહિ, પરંતુ આધ્યાત્મમાં વિકસિત ઘણા આત્માઓને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે તે રીતે તૈયાર પણ કરી દે છે. ચાલો, આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે, સમોસરણમાં, તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા જલ્દીથી જઇ શકીએ!

પાંચ મહાવ્રતો

મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા જે દરેક આધ્યાત્મિક વ્યક્તિએ પાળવા જરૂરી છે. તેમણે આ પાંચ મહાવ્રતોની સંપૂર્ણપણે સ્થાપના કરી. આ વ્રતો આ મુજબ છે:

૧. અહિંસા, તેનો અર્થ છે કે હિંસા ન કરવી.

૨. સત્ય, ‘સત’ એટલે શાશ્વત સત્ય. આ બ્રહ્માંડમાં છ શાશ્વત તત્વો આવેલા છે. જો કે, આત્મા એ આપણું પોતાનું ખરું સ્વરૂપ છે. માટે, તે સૌથી મહત્વનું તત્વ છે, અને તેથી, ‘આત્મા’ એ જ માત્ર ‘સત’ તત્વ છે. જે બીજા પર આધારિત હોય છે, તે બધા સાપેક્ષ સત્ય છે. આપણા માતાપિતાના આધારે ‘હું બાળક છું’, એ સાપેક્ષ સત્ય છે. પત્નીના આધારે, ‘હું બાળક છું’ એ સત્ય નથી, ખરું ને? સાપેક્ષ સત્ય હિત, પ્રિય, મીત અને સામી વ્યક્તિ માટે હિતકારી હોવું જોઇએ. આપણે હંમેશા એવું લક્ષમાં રાખવું જોઇએ કે સાપેક્ષ સત્ય હંમેશા બદલાયા કરે છે. માટે, કોઇ પણ વ્યવહારિક સત્ય માટે કોઇ આગ્રહ રાખવો જોઇએ નહિ.

૩. અચૌર્ય, એટેલે એવું વ્રત કે જેમાં વિચાર, ભાવ, ક્રિયા અને વાણીથી જરા પણ ચોરી ન કરવી.

૪. અપરિગ્રહ, જેનો અર્થ કશાનો માલીકીભાવ ન રાખવો.આપણું શરીર, મન અને વાણી એ આપણો પ્રાથમિક પરિગ્રહ છે. ત્યારપછી, આપણી પત્ની, બાળકો, કુટુંબ, ઘર, ફર્નિચર, સંબંધો, નામ, પ્રતિષ્ઠા, અપમાન, વગેરે બધા આપણા પરિગ્રહો છે. પરિગ્રહ એટલે એવું કંઇ કે, જેના પર આપણું ખેંચાઈ જાય છે. આપણે જયારે આ વ્રતનું સાચા અર્થમાં પાલન કરશું ત્યારે દેહાધ્યાસ, એટલે કે, ‘હું , પોતે જ, શરીર છું’, એની માન્યતા જતી રહેશે. આધ્યાત્મિકતામાં, બાહ્ય પરિગ્રહોનો ત્યાગ કરવો, એનું કોઇ મહત્વ હોતું નથી, પરંતુ આ બાહ્ય પરિગ્રહોમાં રહેલ રાગ (મોહ)ને કાઢી નાખવો એ જ લક્ષમાં રાખવામાં આવે છે. જ્યારે આપણને કોઇ ચિંતા ન થાય ત્યારે જ, ‘અપરિગ્રહ’ની સ્થિતિ ગણાય!

૫. બ્રહ્મચર્ય, ભગવાન પાર્શ્વનાથે માત્ર ચાર મહાવ્રતો જ (બ્રહ્મચર્ય સિવાયના) આપ્યા હતા કારણ કે બ્રહ્મચર્ય તો અપરિગ્રહમાં સમાવિષ્ટ જ છે. જો કે, ભગવાન મહાવીરે પાંચમું વ્રત બ્રહ્મચર્યનું ઉમેર્યું. આ એટલા માટે કે તેઓ જાણતા હતા કે, આવનારા સમયના સામાન્ય માણસો અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વચ્ચેના તફાવતને સમજી શકશે નહિ. માટે, તેઓ એવું કહીને ગેરમાર્ગે દોરવાશે કે ભગવાને બ્રહ્મચર્યના સંદર્ભમાં તો કશું કહ્યું નથી. આ ગેરઉપયોગને રોકવા માટે, ભગવાને પાંચમું વ્રત ઉમેર્યું.

રોહિણીયા ચોર

રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

Rohineya-thief story

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.

રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.

અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.

તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.

હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.

તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.

મહાવીર સ્વામીના પ્રથમ માતાપિતા

એક દિવસ, વર્ધમાન મહાવીર ઋષભદત્ત ગામમાં આવ્યા અને માતા દેવાનંદા મળ્યા જેમણે પહેલા ભગવાન મહાવીરનો ગર્ભ ધારણ કર્યો હતો. સમોસરણની રચના થઈ અને તેઓ સજોડે ભગવાનનો ઉપદેશ સાંભળવા માટે ત્યાં આવે છે. તેઓ જાણતા ન હતા કે અગાઉ ગર્ભધારણ વખતે ભગવાન તેમના પુત્રરૂપે હતા, આ વાતની જાણ થયા બાદ તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાને દેશના આપી જેમાં તેમણે કહ્યું, “આ સંસારમાં, સુખ અને દુ:ખ બન્ને નાશવંત છે. શાશ્વત સુખ માત્ર આપણા આત્મામાં જ પ્રાપ્ત થાય છે. માટે, આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હોવો જોઇએ.” આ દેશના સાંભળીને, તેમના માતા પિતાને સમકિત (સમ્યક દર્શન)ની પ્રાપ્તિ થઇ!

તેમના જમાઇ,જમાલી અને તેમની દીકરી, પ્રિયદર્શના

મહાવીર સ્વામી ભગવાન વિહાર કરતાં કરતાં એક વખત તેમના જન્મસ્થાન, ક્ષત્રિયકુંડમાં પધાર્યા. તેમના ભાઇ નંદીવર્ધને ભગવાનની દીકરી પ્રિયદર્શના અને જમાઇ જમાલી સાથે ભગવાનની મુલાકાત લીધી. તેમનો ઉપદેશ શ્રાવકોને સંસારનો ત્યાગ કરવા પ્રેરણા આપતો અને ત્યારબાદ તેઓ ભગવાન પાસેથી દીક્ષા લેતા હતાં. થોડાક વર્ષો પછી, જમાલી આવ્યો અને ભગવાનને પૂછ્યું કે શું તે પણ તેના શિષ્યોની સાથે, જુદાજુદા સ્થળોએ વિહાર કરી શકે અને સાધના કરી શકે. જો કે, ભગવાન શાંત રહ્યા. તેમના મૌનને સંમતિરૂપે સમજીને, જમાલી તેના સંઘ સાથે નીકળી પડ્યો.

એક વખત જમાલીને મેલેરિયા થઈ ગયો. તેને ખૂબ જ નબળાઇ લાગી રહી હતી. તેથી, તેણે તેના શિષ્યોને પથારી તૈયાર કરવાની સૂચના આપી. થોડાક સમય પછી, તે તેના શિષ્યોની તપાસ કરવા ગયો કે પથારી તૈયાર છે કે નહિ. શિષ્યોએ કહ્યું, “હા, પથારી તૈયાર છે.” જ્યારે જમાલી ગયો અને જોયું તો પથારી હજુ તૈયાર થઈ રહી હતી. તેથી, તેણે શિષ્યોને પૂછ્યું કે શા માટે તેઓ જૂઠું બોલ્યા. શિષ્યોએ કહ્યું કે ભગવાન મહાવીરે એવું શીખવ્યું છે કે કોઇ કાર્ય થઈ રહ્યું હોય, એને થઈ ગયેલું જ કહેવાય.

જમાલી ભગવાન પાસે ગયો અને આ બાબત અંગે સ્પષ્ટતા પૂછી. ભગવાને સ્પષ્ટતા કરી કે ‘કાર્ય-કારણ’ના સિધ્ધાંત મુજબ, કંઇ પણ થઈ રહ્યું હોય, તો તેને થયેલું જ માનવામાં આવે છે; તે જૂઠું કહી શકાય નહિ. દાખલા તરીકે, જો કોઈ મુંબઈથી ટેક્સીમાં બેસીને અમદાવાદના જઈ રહ્યો હોય અને અન્ય કોઇ વ્યક્તિ એના વિશે પૂછે, તો તેની પત્ની કહેશે, “અરે, એ તો અમદાવાદ ગયા છે”, ખરૂ ને! તે અમદાવાદ ન પહોંચ્યા હોવા છતાં, એવું કહેવાય કે તે અમદાવાદ ગયા છે કારણ કે અમદાવાદ જવાની ક્રિયા જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી શરૂ થઈ ચૂકી હોય છે.

જો કે, જમાલી ભગવાનના જવાબથી સંતુષ્ટ ન થયો. તેણે એવો આગ્રહ રાખ્યો કે ભગવાનનો દ્રષ્ટિકોણ ખોટો છે અને તેનો સાચો છે. માટે, તેણે ભગવાનની અવજ્ઞા કરી અને તેમને છોડીને જતો રહ્યો. કોઇ પણ વ્યક્તિએ ક્યારેય પણ ભગવાનના શબ્દો ઉપર શંકા કરવી જોઇએ નહિ. આ પ્રસંગ એનું સુંદર ઉદાહરણ છે કે કઈ રીતે વ્યક્તિ મોક્ષના માર્ગથી ચલિત થઈ જતી હોય છે. ભલેને ગમે તેટલી સારી ક્રિયાઓ કરી હોય અને ખૂબ તપશ્ચર્યા કરી હોય, તો પણ જો તે ભગવાન ઉપર વિશ્વાસ રાખી શકે નહિતો પછી મોક્ષ માટે તે બધું વ્યર્થ છે.

તેથી, પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહે છે, “જે સીડીઓ દ્વારા, તમે ઉપર ચઢ્યા છો તે સીઢીને ક્યારેય કાપવી ન જોઇએ. “ જે વ્યક્તિ પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું છે અને વિકાસ થયો છે (તે આપણા ગુરૂ, જ્ઞાની કે તીર્થંકર ભગવાન હોય શકે), આપણે તેમના ક્યારેય પણ દોષ ન જોવા જોઇએ. આપણે જેની પાસેથી જ્ઞાન મેળવ્યું તેમના પણ દોષ જોવા લાગીએ, તો આપણે એવા અજ્ઞાનતા ઘોર અંધકારમાં ફસાઇ જઈશું કે આપણે સમ્યક દર્શન ગુમાવી દઈશું. જે વ્યક્તિ મોક્ષે જવા ઇચ્છતી હોય અને બધા કર્મોમાંથી તો છુટવું હોય તો કોઇના પણ, પછી ભલે બહારની કોઇ અજાણી વ્યક્તિના પણ, ક્યારેય દોષ ન જોવા જોઇએ. જેના થકી આપણા જીવનમાં પ્રગતિ થઈ હોય અને ખરેખર અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો તેના દોષ તો કઈ રીતે જોઇ શકાય?”હા, આપણને પ્રશ્ન પૂછવાનો અને આપણા સંશયોને દૂર કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એવું પણ બને કે આપણને કોઇ વસ્તુ સમજવામાં વધુ સમય લાગે. પરંતુ જ્ઞાનીની અવજ્ઞા કરીને આપણી પોતાની સમજ પર ચાલવું તે ખરેખર, તો સ્વચ્છંદ છે. જ્યાં સ્વચ્છંદ છે, ત્યાં કોઇ મોક્ષે જઈ જ ન શકે. આજ્ઞા સાચી રીતે અને નિષ્ઠાપૂર્વક પાળવાથી સ્વચ્છંદ જતો રહે છે.

જમાલીની પત્ની અને ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના પણ તેના પતિના પંથે ચાલવા લાગી. જો કે, થોડા વર્ષ પછી, એકવાર એવું બન્યું કે પ્રિયદર્શના એક કુંભારને ત્યાં ગઈ, જે જાણતો હતો કે કઈ રીતે તેણે પિતાને છોડી દીધા, કુંભારે તેની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો કે, જેથી તે મહાવીર સ્વામીની શરણમાં ફરીથી જતી રહે. તેણે ધીરેથી એક સળગતો કોલસો તેની સાડી ઉપર મૂકી દીધો. થોડી ક્ષણોમાં, જ્યારે પ્રિયદર્શનાએ જોયું કે તેના કપડા સળગી રહ્યા છે, તે બૂમો પાડવા લાગી કે, “અરે, હું સળગી રહી છું, હું સળગી રહી છું.” ત્યાં રહેલા લોકોએ તે આગને બુઝાવી દીધી. પછી, કુંભારે પ્રિયદર્શનાને પૂછ્યું, “તમે અને તમારા પતિ એવું માની રહ્યા છો કે જ્યારે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે જ તે થયેલું કહેવાય છે. તો પછી તમે અગાઉથી કેમ ચીસો નાખી કે, “હું સળગી ગઈ, હું દાઝી ગઈ.?”તમે જ્યારે સંપૂર્ણપણે સળગી જાવ ત્યારે જ તમારે એવું કહેવું જોઇએ. જે કંઇ બની રહ્યું છે, તેને તમે કઈ રીતે કહી શકો કે આ થઈ ગયું છે – આ તારો સિધ્ધાંત છે, ખરું ને?”

પ્રિયદર્શનાને તેની ભૂલનો ખ્યાલ આવ્યો, તે ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે અને પોતાની ભૂલોની કબૂલાત કરે છે. આ બધાના પરિણામે, આવતા ભવમાં તેને દેવગતિ પ્રાપ્ત થાય છે.

તેજોલેશ્યા

એક દિવસ, ભગવાન મહાવીર શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા. તેમના શિષ્ય, આનંદ મુનિ, ભગવાનને મળવા જવાના રસ્તામાં, હલાહલ નામના કુંભારની દુકાન નજીકથી પસાર થયા, જ્યાં ગોશાળો (જેનો ઉલ્લેખ અગાઉ પણ આવ્યો હતો) રહેતો હતો. અહંકારી ગોશાળાએ અત્યારે પણ પોતાની જાતને ૨૪મા તીર્થંકર તરીકે ઘોષિત કરવાનું શરૂ કરી દીધું. આનંદ મુનિ સામે તેણે એવી બડાઇ મારવાનું શરૂ કરી દીધુ કે, તેની પાસે એવી મહાન શક્તિ છે કે જેના દ્વારા ક્ષણમાં જ કોઇને પણ ભસ્મીભૂત કરી શકે છે.

આનંદ મુનિએ આ વાત ભગવાનને કહી અને ગોશાળો જે કહી રહ્યો હતો તે સાચું છે કે કેમ તેની પૂછપરછ કરી. ભગવાને એવું કહ્યું કે તેની પાસે તેજોલેશ્યાનું જ્ઞાન છે જેના દ્વારા તે કોઇને પણ ભસ્મ કરી શકે છે. જો કે, તે તીર્થંકરને નષ્ટ ન કરી શકે, એટલે કે; ભગવાન મહાવીરને! ભગવાને આનંદ મુનિ અને તેમના અન્ય શિષ્યોને ચેતવ્યા કે ગોશાળાથી દૂર રહેવું કારણ કે તે તેની શક્તિનો દુરૂપયોગ ગમે તે સમયે કરી શકે છે. તેમણે તેઓને સલાહ આપી કે તેની સાથે કોઇ પણ પ્રકારની દલીલોમાં પડવું નહિ.

બીજી તરફ, શ્રાવસ્તી નગરીમાં, બે વ્યક્તિ પોતાની જાતને તીર્થંકર ઘોષિત કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બની ગયો. આ બન્નેમાંથી જે લોકો જે ગુરૂને સ્વીકારતા હોય તે લોકો સામાન્યપણે જ પોતપોતાના ગુરૂની પક્ષમાં જ હોય. તેથી, જે લોકો મહાવીર ભગવાનને માનતા હતા તેમને ખાતરી હતી કે, તેઓ જ સાચા તીર્થંકર છે. જો કે, ઘણા જિજ્ઞાસુ લોકો ગોશાળા દ્વારા દર્શાવાતા ચમત્કારિક શક્તિ પ્રયોગોથી પ્રભાવિત થઈ ગયા અને તેને તીર્થંકર તરીકે માની બેઠા.

એક દિવસ, ગોશાળો આવ્યો અને ભગવાનને બધી જ રીતે અપશબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કરી દીધું! ભગવાન સ્થિર જ રહ્યા અને ગોશાળો જે કંઇ કહી રહ્યો હતો તેને ધીરજપૂર્વક સાંભળવા લાગ્યા. જો કે, તેમના શિષ્યો, જે લોકો ભગવાન તરફ પૂજ્યભાવ ધરાવતા હતા અને હ્રદયપૂર્વક ભગવાનની ભજતા હતા, તેઓ ભગવાન માટેના આ ખરાબ શબ્દો સહન કરી શક્યા નહિ. તેઓ વળતો પ્રહાર કરતા હતા જેના કારણે ગોશાળો ખૂબ જ ક્રોધિત થયો. તેણે તરત જ તેલોલેશ્યાનો પ્રયોગ કર્યો અને બે શિષ્યોને બાળી નાખ્યા. તે બન્ને ભગવાન મહાવીરના ચરણ કમળમાં સમર્પિત થયા અને મૃત્યુ પછી, દેવલોક પામ્યા.

આ દ્રશ્યના સાક્ષી બનેલા અન્ય શિષ્યો, ગોશાળાની ક્રૂરતા જોઇને આઘાત પામ્યા, ભગવાનને તે બે શિષ્યોનો જીવ પાછો આવી જાય તે માટે વિનંતિ કરવા લાગ્યા. ભગવાને તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, કારણ કે તેઓ મોક્ષદાતા છે, જીવનદાતા નથી.

જન્મ અને મૃત્યુ એ આપણા કર્મોનું જ પરિણામ છે. ભગવાન ક્યારેય આમાં વચ્ચે પડતા નથી. વધુમાં, આપણે દરેક અસંખ્ય જન્મો અન મૃત્યુમાંથી પસાર થયા છીએ. મોક્ષનમાર્ગે પ્રગતિ કરવા માટે આની શી કિંમત છે? બે શિષ્યો જેને આપણે મૃત્યુ પામેલા કહીએ છીએ તે હકીકતમાં તો ભગવાનનું શરણ પામ્યા છે અને મોક્ષ પંથેપામ્યા છે. તે જ ખરેખર મહત્વનું છે!

tejoleshya

ગોશાળો, જો કે, આટલું બનવા છતાં પણ જરા પણ સંતુષ્ટ થયો ન હતો. તેણે તેજોલેશ્યા ભગવાન ઉપર પણ ફેંકી. પરંતુ આ વખતે, તેજોલેશ્યા ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાને જ વાગી, કારણ કે વર્ધમાન મહાવીર તીર્થંકર અને ચરમ શરીરી હતા. તીર્થંકર ભગવાનનું કોઈ દિવસ અકાળે મરણ થાય નહિ. ગોશાળાનું આખું શરીર સળગવા લાગ્યું. ભગવાને તેને કહ્યું, “સાવચેત રહેજે, સાતમા દિવસે, તારું મ્રુત્યુ થશે.” આ સાંભળીને, ગોશાળાને તેના ખોટા કર્મોનો ખ્યાલ આવ્યો અને તેના પર તે નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. તે પીડામાં રડવા લાગ્યો, “આ ભયંકર પીડા એ મારા પાપ કર્મનું જ ફળ છે.” તેણે તેના બધા શિષ્યોને એકઠા કર્યા અને સ્વીકાર્યું કે: “હું ખોટો હતો અને ભગવાન મહાવીર સાચા હતા. તમે બધા તેમની પાસે જાઓ. તેઓને ભગવાન તરીકે સ્વીકારો! હું મોટો પાપી છું. મહેરબાની કરીને મને માફ કરો.” તેણે અત્યંત પસ્તાવો કર્યો. તેનું શું પરિણામ આવ્યું? તેના મૃત્યુ પછી, ભગવાને જાહેર કર્યું કે, “ગોશાળો, તેના પ્રતિક્રમણને કારણે, દેવગતિને પામ્યો છે. છેલ્લા દિવસે, તેણે ખૂબ જ પસ્તાવો કર્યો જેના કારણે તેણે તેની જાતને પાપોથી મુક્ત કરી દીધી. તેથી, તે ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરશે. “તેથી, તમે જુઓ, સાચી આલોચના અને પશ્ચાતાપમાં અત્યંત શક્તિ રહેલી છે. જો હ્રદયપૂર્વક કરવામાં આવે, તો ખરાબમાં ખરાબ પાપો પણ બળી શકે છે!

તેજોલેશ્યા મહાવીરને તાકીને ફેંકવામાં આવી હોવા છતાં પણ ભગવાનને મારી શકી નહિ, પરંતુ તેનાથી ભગવાનને ખરાબ અસરો જરૂરથી થઈ. તેનાથી ભગવાનને મરડો થઈ ગયો, જેના કારણે, ભગવાનનું ઘણું બધું વજન ઘટી ગયું. જો કે, ભગવાનને અંદર શાંતિ જ હતી. તેમના શિષ્યો ખૂબ જ ચિંતિત થઇ ગયા; ખાસ કરીને, સિંહ નામનો એક શિષ્ય ભગવાનની પીડા જોઇને ખૂબ રડવા લાગ્યો. ભગવાને તેને શાંત કર્યો અને કહ્યું, “ચિંતા ન કર. મને કશું થવાનું નથી. હું હજુ બીજા ચૌદ વર્ષ જીવવાનો છું.” સિંહે આગ્રહ કર્યો કે ભગવાને કેટલીક દવા લેવી જોઇએ, જેમાં ભગવાન સંમત થયા. ભગવાને તેને રેવતી પાસે જવા માટે સૂચન કર્યું, જે ભગવાન માટે અત્યંત ભક્તિથી, ભગવાન માટે કેટલીક વાનગીઓ બનાવી રહી હતી. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે એવી સુચના આપી કે તે અમુક વાનગી ન લઈ આવે, પરંતુ તેના બદલે તે બીજી વાનગી બીજોરાની કે જે રેવતીએ ઘેર બનાવી હોય તે લઈ આવે.

Revati-mahasati

સિંહ રેવતી પાસે ગયો. તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ઊઠી અને વધુમાં તેણીએ સાંભળ્યું કે ભગવાને તેને ખાસ કરીને અમુક વાનગી બનાવવાનું કહ્યું છે તો તેણી ખૂબ જ રોમાંચિત અને આનંદિત થઇ ઊઠી. તેણે ખૂબ જ આનંદ સાથે બીજોરાની વાનગી સિંહને આપી, જે પ્રમાણે ભગવાને સૂચના આપી હતી! મહાવીર સ્વામીએ તે ખાધી અને તેમનો ઇલાજ થઇ ગયો. આમ, રેવતી તીર્થંકર તરીકેનું ગોત્ર બાંધે છે. આવતી ચોવીસીમાં રેવતી ૧૭મા તીર્થંકર તરીકે થશે.

ગૌતમ સ્વામીનો પરમ વિનય

ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.

gautam-swami

ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.

એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!

હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.

સુલસા શ્રાવિકા

તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.

જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

Sulsa Shravika

જીવતા તીર્થંકર

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્‍દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્‍દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

simandhar-swami

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.

મહાવીર નિર્વાણ

મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.

અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

nirvan

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!

પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

gautam-swami

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!

×
Share on