તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના ઓગણીસમા તીર્થંકર હતા.
શ્રી મલ્લિનાથ ભગવાનનું લાંછન કુંભ છે. કુબેર યક્ષદેવ અને વૈરોટ્યા યક્ષિણીદેવી તેમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.
મહાબલ રાજા રાજ કરતા હતા. એમને છ મિત્રો હતા. છએ મિત્રોને અને સાતમા પોતાને ખૂબ જ ગાઢ મૈત્રી હતી. તેઓ નાનપણથી સાથે ઉછરેલા, સાથે ભણેલા. પછી છએ જ્યારે મોટા થયા ત્યારે રાજગાદી પર બેઠા. મહાબલ રાજાને જબરજસ્ત ભક્તિ અને ધર્મ પ્રત્યે ખેંચાણ થયું; તેમણે પુત્રને ગાદી પર બેસાડીને દીક્ષા લીધી.
બીજી બાજુ એમના છ મિત્રો ભેગા થયા ત્યારે મહાબલ રાજાએ કહ્યું, ”હવે તમારે શું કરવું છે? મેં તો દીક્ષા લઈ લીધી, તમે શું કરશો?” તો એમના મિત્રોએ કહ્યું, “અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું.” સાતેસાત મિત્રો દીક્ષા પર્યાયમાં સાથે ગયા અને પોતાના ગુરુ પાસે ભક્તિ-આરાધના કરવા લાગ્યા. શરૂઆતમાં જ સાતેસાત જણાએ એકબીજાને કોલ આપેલા કે, “આપણે સાતે જણા સાથે જ ભણીશું, એકસરખું જ ભણીશું; કોઈ વધારે કે ઓછું એમાં નહીં કરીએ; જે કંઈ પણ ક્રિયા કરીશું, તપ કરીશું એ બધાએ સરખું જ કરવાનું.” એટલી બધી એ લોકોની અભેદતા-એકતા હતી.
નક્કી કર્યા પ્રમાણે સાતેય જણા પોતાની પ્રગતિ કરવા મંડી પડ્યા. મહાબલ રાજા સૌથી વધારે હોશિયાર અને ચાલાક હતા. એમણે ભક્તિ-આરાધના અને તપ કરવામાં થોડું છલકપટ કરવા માંડ્યું. બધા તપ, ઉપવાસ કરે અને પારણાં કરે ત્યારે મહાબલ રાજા બધાને ખોટું બોલીને પોતાના પારણાં કરવાનું લંબાવે અને બીજા બધા કરતાં એકાદ-બે ઉપવાસ વધારે ખેંચી કાઢે. ત્યાં કપટ કરે કે, “આજે મને તો પેટમાં દુઃખે છે; આજે મારે ખાવું જ નથી; આજે તો મને બહુ માથું દુઃખે છે; મને તો ભૂખ જ નથી.” એટલે એક દિવસ લંબાવી કાઢે. આવું કપટ કરવાને કારણે એમને સ્ત્રીવેદ એટલે કે સ્ત્રીપર્યાય બંધાયો.
મહાબલ રાજાએ ધાર્મિક ક્રિયાઓ અને તપ કરવાથી તીર્થંકર ગોત્ર તો બાંધ્યું, પણ બીજી બાજુ પોતાના મિત્રો સાથે કપટ કરવાના આધારે એમને સ્ત્રીદેહ મળ્યો. સાધારણ રીતે, પુરુષ જ દેહથી તીર્થંકરો થતા હોય છે, પણ ઇતિહાસમાં આ એક અપવાદ છે. જૈન શાસ્ત્રમાં વર્ણવેલા ૧૦ આશ્ચર્યોમાંનું આ એક આશ્ચર્ય છે!
મહાબલ રાજા ખૂબ આરાધના-ભક્તિ કરીને પોતાનું આયુષ્ય કર્મ પૂરું કર્યા પછી દેવગતિમાં ગયા. સાથે સાથે એમના છએ મિત્રો પણ દેવગતિમાં ગયા.
દેવગતિમાંથી ચ્યવીને શ્રી મલ્લિનાથ ભગવાનનનો જન્મ ભરતક્ષેત્રની મિથિલા નગરીમાં કુંભ રાજા અને પ્રભાવતી રાણીને ત્યાં થયો. એમને બાળપણમાં ખૂબ જ લાડકોડથી ઉછેરવામાં આવ્યા. એમના રૂપનો પાર નહોતો.
ત્યાર પછી મલ્લિનાથ ભગવાન મોટા થતા ગયા. એમનું રૂપ, વાક્ચાતુર્ય અને બુદ્ધિમત્તા ઊંચી કક્ષાના હતા. ભગવાનનનો યૌવનકાળ આવતાં એમને પરણાવવા માટે એમના પિતા ખૂબ જ ચિંતિત રહેતા. આ બાજુ એમના છએ છ મિત્રો દેવગતિમાંથી આયુષ્ય પૂરું કર્યા બાદ જુદી જુદી જગ્યાએ રાજા થયેલા હતા અને બધા જુદી જુદી વયના હતા.
હવે, મલ્લિનાથ ભગવાન અને એમના પૂર્વભવના છએ મિત્રો આ ભવમાં કેવી રીતે એકબીજાના ઋણાનુબંધના હિસાબોથી મુક્ત થયા, એ વિશે વાંચીએ.
૧) છ રાજામાંના પહેલા રાજાની પત્નીને એક દિવસ ભગવાનની પૂજા-ભક્તિ કરવા માટે મંદિરમાં જવાની બહુ ઈચ્છા થઈ; રાજાએ એમને પરવાનગી આપી અને પોતે પણ સાથે ગયા. પુષ્પોથી શણગારેલી રાણી રૂપ રૂપનો અંબાર લાગતી હતી. એમને જોઈને રાજાને પણ અંદર ગર્વ થયો કે, ”ઓહો! મારી રાણી કેટલી રૂપાળી છે!”
પછી રાજાએ મંત્રીને કહ્યું, “જુઓ! આના જેવી રૂપાળી કોઈ પણ સ્ત્રી છે આ જગતમાં?” તો મંત્રીએ કહ્યું, “તમને હજી ખબર નથી; તમે પૂછો છો એટલે હું કહું છું કે મલ્લિકુમારી કરીને મિથિલાનગરીના રાજાની કુંવરી છે. આ દુનિયામાં એમના રૂપના તોલે કોઈ આવી શકે એમ નથી.” મલ્લિકુમારીના રૂપનું વર્ણન સાંભળીને રાજાને અંદર એમની સાથે પરણવાની લાલચ થઈ અને એમણે મિથિલાનરેશને ત્યાં માગું મોકલાવીને મલ્લિકુમારીનો હાથ માંગ્યો.
૨) છમાંથી બીજા રાજાની પુત્રી બહુ જ હોશિયાર અને સ્વરૂપવાન હતી. એમના જેટલું વૈભવી જીવન જીવવાવાળું કોઈ ન હતું. એટલે રાજાએ પોતાની પુત્રીની વૈભવી જીવનશૈલીની પ્રશંસા કરી અને બધા મંત્રીઓને પૂછ્યું, “મારી પુત્રી જેવું કોઈ છે?” એક સેવકે કહ્યું, “મલ્લિકુમારીને તમે જુઓ; એમના તોલે કોઈ આવી શકે એમ નથી. એમની વૈભવી જીવનશૈલી તો જબરજસ્ત છે.” મલ્લિકુમારીના રૂપ અને હોશિયારીનું વર્ણન સાંભળીને રાજાનું મન લલચાયું અને પૂર્વકર્મના ઋણાનુબંધથી મલ્લિકુમારી સાથે પરણવા માટે કુંભ રાજા પાસે માગું મોકલાવ્યું.
૩) મલ્લિકુમારીના પૂર્વભવના ત્રીજા મિત્રની વાત આવે છે કે જેઓ દેવગતિમાંથી આયુષ્ય પૂરું કરીને રાજા તરીકે જન્મ્યા. એમના રાજ્યમાં એવું બન્યું કે ખૂબ જ ભક્તિ-આરાધના કરવાથી એક શ્રાવક પર દેવ રીઝ્યા અને તેને કુંડળના બે જોડાં આપ્યા. એમાં શ્રાવકે કુંડળનું એક જોડું કુંભ રાજાને ત્યાં મલ્લિકુમારી માટે આપ્યું અને બીજું જોડું અન્ય દેશના રાજાને આપ્યું.
જ્યારે કુંડળનું જોડું અન્ય દેશના રાજાને આપ્યું ત્યારે રાજાએ પૂછ્યું, “તું આ કુંડળ ક્યાંથી લાવ્યો?” તો પછી એનું વર્ણન કરતા બધી વાત કરી, “આ બધું મને દેવોએ આપ્યું હતું. બેમાંના એક કુંડળનું જોડું મેં કુંભ રાજાને ત્યાં મલ્લિકુમારી માટે આપ્યું છે.” પછી વાતમાં ને વાતમાં મલ્લિકુમારીના રૂપનું વર્ણન કર્યું કે તે એટલી બધી સ્વરૂપવાન છે કે એકવાર જેણે એમના મુખાર્વિંદના દર્શન કર્યા હોય એના ચિત્તમાંથી એ જાય નહીં.” રાજાને મન થયું કે હવે આવી જ કન્યા જોઈએ. રાજાએ કુંભ રાજાને માગું મોકલ્યું.
૪) હવે ચોથા રાજાની વાત આવે છે. કુંભ રાજાના રાજ્યમાં એક ચિત્રકાર હતો. એ ચિત્રકાર પાસે ખૂબ જ સુંદર ચિત્ર કરવાની જબરજસ્ત કળા હતી. તે કોઈ પણ સ્ત્રીના અંગનો જરાક ભાગ જુએ તો એના પરથી એનું આખું ચિત્ર તદ્દન જેમ છે એમ ચીતરી શકતો. એક વખત તેને મલ્લિકુમારીના પગનો અંગુઠો જોવામાં આવ્યો અને એના પરથી આબેહૂબ મલ્લિકુમારી જીવતા જ હોય એ રીતનું ચિત્ર દોર્યું અને એક ઉદ્યાનમાં મલ્લિકુમારીના ચિત્રને મૂક્યું.
ત્યાં આગળ મલ્લિકુમારીનો ભાઈ મલ્લિકુમાર ત્યાં ક્રીડા કરવા ગયો. તેણે ચિત્ર જોઈને પોતાના મોટા બહેન મલ્લિકુમારીનું ત્યાં હોવાનું સમજીને ત્યાંથી ભાગી ગયો. પછી એને ખ્યાલ આવ્યો કે એ તો એના બહેનનું ચિત્ર માત્ર હતું, જ્યારે મલ્લિકુમારી તો મહેલમાં હતા. વાસ્તવિકતાની જાણ થતાં મલ્લિકુમારને પોતાને મૂર્ખ બનાવ્યા બદલ ચિત્રકાર પર ગુસ્સો આવ્યો અને એ ચિત્રકારનો હાથ કાપી નાખ્યો. પેલો ચિત્રકાર ખૂબ જ દુઃખી થઈને રાજ્યની બહાર જતો રહ્યો અને અન્ય રાજાને (ચોથા રાજાને) ત્યાં જઈને પોતાની વીતકથા કહી. એમાં વાત કરતા મલ્લિકુમારીનું વર્ણન કર્યું. પૂર્વના કર્મના હિસાબે એ રાજાને મલ્લિકુમારી પ્રત્યે આકર્ષણ થયું અને પોતે પરણવા માટે કુંભ રાજા પાસે માગું મોકલાવ્યું.
૫) હવે પાંચમા રાજાની વાત છે. મિથિલાનગરીમાં એક મોટી તપસ્વિની દાન ઉઘરાવવા આવી હતી અને એ દાનનો ઉપયોગ હિંસા અને મોહ વધારનારા કાર્યમાં થવાનો હતો. એટલે, મલ્લિકુમારીએ ત્યાં આગળ આવીને તપસ્વિનીને ધર્મ ઉપદેશમાં કહ્યું કે આ પ્રકારનું દાન યોગ્ય નથી. આ દાનથી પાપકર્મ બંધાશે. આ સાંભળી તપસ્વિની છંછેડાઈ ગઈ અને તેને ઈર્ષ્યાને કારણે મલ્લિકુમારી માટે બદલો લેવાની ભાવના જાગી. ત્યાર બાદ, તે તપસ્વિની એવા રાજા પાસે ગઈ જેમને ઘણી બધી રૂપાળી રાણીઓ હતી; એ રાજા પાસે જઈને તપસ્વિનીએ મલ્લિકુમારીના સુંદર રૂપનું વર્ણન કર્યું. રાજા પણ પછી મલ્લિકુમારીના રૂપનું વર્ણન સાંભળીને લલચાયા અને કુંભ રાજા પાસે માગું મોકલ્યું.
૬) છઠ્ઠા રાજાની વાત આવે છે. એક શ્રાવકે કુંભ રાજાને ત્યાં મલ્લિકુમારી માટે કુંડળ આપ્યા હતા. મલ્લિકુમારીથી એ કુંડળ તૂટી ગયા હતા માટે તે કુંડળ સાંધવા માટે સોનીઓને આપ્યા છતાં કોઈ એને સાંધી શક્યું ન હતું. એટલે રાજાએ ક્રોધમાં આવીને બધા સોનીઓને દેશવટો આપી દીધો. દેશવટો આપેલા સોનીઓ અન્ય રાજા (છઠ્ઠા રાજા) પાસે ગયા અને પોતાની આપવીતી કહી. ત્યાં વાત કરતાં કરતાં મલ્લિકુમારીના રૂપની પ્રશંસા કરી અને એ રાજા પણ મોહી પડ્યો અને મલ્લિકુમારી માટે કુંભ રાજા પાસે માંગું મોકલાવ્યું.
આવી રીતે છએ છ પૂર્વભવના મિત્રો, કોઈને કોઈ રીતે મલ્લિકુમારીના રૂપના સમાચાર પામ્યા અને પરણવા માટે લલચાયા, જેની પાછળ પૂર્વભવની મૈત્રી અને આકર્ષણે ભાગ ભજવ્યો. છેવટે છએ રાજાના માગાથી કુંભ રાજા પોતે અંદર ગૂંચાયા કે હવે શું કરવું? કારણ કે, આ બધા રાજાઓ એમના કરતા બળવાન હતા.
કુંભ રાજાએ વિચાર્યું, ”જો આ છ રાજામાંથી કોઈને ખોટું લાગ્યું તો મારી સાથે યુદ્ધ કરશે; મને હરાવી દેશે અને મારું બધું રાજ્ય છીનવી લેશે. છએ રાજાને ના કેવી રીતે પાડું? ના પાડું તો બધા લડવા માટે આવી જાય.” કારણ કે રાજાઓએ બધી તૈયારી રાખેલી જ હતી કે ગમે તેમ કરીને મલ્લિકુમારીને તો છેવટે જીતીને, હરણ કરીને, ગમે તે કરીને પણ મેળવવી. કુંભ રાજા ગૂંચાયા અને કોઈને જવાબ આપી શક્યા નહીં.
છએ રાજાઓ ચિડાયા અને કુંભ રાજા ઉપર યુદ્ધ લડવા આવ્યા. આ બાજુ રાજાને બહુ ચિંતાતુર જોઈને મલ્લિકુમારીએ કહ્યું, “પિતાજી, તમે જરાય ચિંતા કરશો નહીં; તમે છએ છ રાજાઓને આવવા દો; આમંત્રણ આપો; મહેલમાં બોલાવો અને મારી પાસે મોકલી દો. હું આ બધી જ સમસ્યાનો ઉકેલ લાવીશ; તમને જરાય મુશ્કેલી નહીં પડે.”
તીર્થંકરોને જન્મતાં પહેલાં પૂર્વભવના તીર્થંકર નામગોત્રના પુણ્યપ્રતાપે ગર્ભમાંથી જ શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે જ હોય. મલ્લિકુમારીને અવધિજ્ઞાનથી જાણ થઈ કે આ છ રાજાઓ અહીંયાં આવશે અને તેઓ છએ રાજાઓને પ્રતિબોધ પમાડીને દીક્ષાના માર્ગે લઈ જશે.
મલ્લિકુમારીમાં રૂપ હોવા ઉપરાંત તેઓ અત્યંત બુદ્ધિશાળી હતા. મલ્લિકુમારીએ બહુ જ સુંદર યોજના ઘડી હતી. મલ્લિકુમારીનો સુવર્ણ વર્ણ હોવાથી એમણે પોતાના જેવી જ આબેહૂબ સુવર્ણની પ્રતિમા બનાવડાવી; એમના પિતાનેય ખબર ના પડે કે આ બેમાંથી કઈ જીવતી અને કઈ પ્રતિમા છે! બીજી બાજુ, તેમણે છએ રાજાઓને પોતાના મહેલમાં બોલાવ્યા.
છએ આમંત્રિત રાજાઓને જુદા જુદા દ્વારથી પ્રવેશ આપીને અલગ અલગ ખંડમાં બેસાડ્યા અને છએ ખંડોની વચ્ચે એક દીવાલ આવતી હતી. મલ્લિકુમારીએ પોતાની મૂર્તિને એવી રીતે મૂકી કે છએ જણા મૂર્તિને જોઈ શકે પણ એકબીજાને ના જોઈ શકે.
આ યોજના ઘડતી વખતે મલ્લિકુમારીએ પોતાની મૂર્તિના માથા ઉપર કમળનું ઢાંકણું બનાવડાવ્યું અને એમાં રોજ પોતાનું ખાધેલું જે કંઈ બચે, એમાંથી એક-એક કોળિયો એમાં નાખતા ગયા. ઘણા દિવસો સુધી એમણે બનાવીને તૈયાર રાખ્યું અને પછી બધા રાજાઓને બોલાવ્યા. લાંબા સમય સુધી અંદર રાખેલો ખોરાક ગંધાઈને સડી ગયો હતો. છએ રાજાઓ મલ્લિકુમારીની પ્રતિમાનું રૂપ જોઈને મોહી પડ્યા.
આખા બ્રહ્માંડનું રૂપ એમનામાં હતું; કારણ કે, તીર્થંકર હોવાની સાથે કેટલું પુણ્ય કે આખા જગતના ઊંચામાં ઊંચા પરમાણુઓ હોય; રૂપ તો હોય પણ જોડે જોડે લાવણ્ય પણ હોય. રૂપ અને લાવણ્યમાં બહુ ફરક છે. રૂપ તો આકર્ષે પણ લાવણ્ય તો એને ઠારી દે; દિલને ઠારી દે. ત્યાંથી ખસવાનું મન ના થાય, એનું નામ લાવણ્ય. રૂપ ના હોય પણ લાવણ્ય હોય; એ જ્ઞાનનું તેજ હોય. તીર્થંકરોનું લાવણ્ય તો કંઈ અલગ જ પ્રકારનું હોય છે. મલ્લિકુમારીની પ્રતિમાના મુખાર્વિંદને જોતાં પેલા છ એ રાજાઓ મૂર્છિત થઈ ગયા અને એમની પાછળ દોટ મૂકી ત્યારે છએ છ રાજાઓ ભેગા થઈ ગયા અને અંદરો અંદર તલવાર કાઢીને લડવા માંડ્યા.
એટલામાં પ્રતિમા પાછળ સંતાયેલા સાચા મલ્લિકુમારી બહાર આવ્યા અને એમની પ્રતિમાના માથા ઉપરનું કમળનું ઢાંકણું ખોલ્યું. ખોલતાંની સાથે જ પહેલા એટલી બધી દુર્ગંધ ફેલાઈ. રાજાઓએ લડવાની તલવારો નાખી દઈને રૂમાલ લઈને પોતાનું મોઢું બંધ કર્યું અને એકદમ ભાગવા લાગ્યા.
ત્યાર પછી, મલ્લિકુમારી બહાર આવ્યા અને કહ્યું, “આ શું કરો છો? તમે જે રૂપ માટે લડતા હતા એની અંદર તો આ જ ગંદવાડો છે; આ જ દુર્ગંધ છે! બહારની રૂપાળી ચામડી છે સરસ, પણ અંદર તમે ચીરીને જુઓ તો મળમૂત્ર, માંસ-રુધિર, પરુ બધા કચરા છે. આ ચામડી કાઢી નાખો તો શું દેખાશે? તમે આ મોહમાં ક્યાં પડો છો? આવા મોહના માર્યા અંદરોઅંદર લડો છો અને એકબીજાને મારી નાખો છો. આનું ફળ શું આવશે? તમને નર્કે જવું પડશે! માટે બૂજો, બૂજો, બૂજો!”
પોતાની અંદરના બધા આવરણો ખસી જાય એવી મલ્લિનાથ ભગવાનની જબરજસ્ત શક્તિશાળી વાણી સાંભળીને છએ રાજાઓ એકદમ સ્તબ્ધ થઈ ગયા. મલ્લિનાથ ભગવાનની એવી ધારદાર વાણી નીકળી કે અંદરના બધા આવરણો ખસી ગયા.
પછી છએ રાજાઓને પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું અને બધું યાદ આવ્યું કે, મલ્લિકુમારી એ આપણા જ પરમ મિત્ર હતા અને આપણે સાતે જણાએ પૂર્વભવમાં દીક્ષા લઈને નક્કી કર્યું હતું કે આપણે તપ, ક્રિયા, ધ્યાન-ધર્મ બધું સાથે જ કરીશું. અંતે, છએ રાજાઓ મલ્લિકુમારીને શરણે આવ્યા અને એમની પાસે ખૂબ હૃદયથી પસ્તાવો કરીને પોતાની થયેલી ભૂલો બદલ માફી માંગી.
મલ્લિકુમારીને જબરજસ્ત વૈરાગ આવતાં સંસાર અસાર લાગ્યો અને દેવોએ પણ એમને લોકકલ્યાણ અને મોક્ષને કાજે જગતનો ઉદ્ધાર કરવા દીક્ષા લેવા માટે વિનંતી કરી. દીક્ષા લીધા બાદ મલ્લિનાથ ભગવાનને સવારે મનઃપર્યવજ્ઞાન અને સાંજે કેવળજ્ઞાન થયું. આ એક મોટું આશ્ચર્ય છે કે, દીક્ષા લીધાના માત્ર બાર કલાકની અંદર જ કેવળજ્ઞાન થયું હોય. ઘણો ઓછામાં ઓછો કાળ!
આ એક એવા તીર્થંકર હતા કે જેઓ બ્રહ્મચર્યમાં હતા, એમના લગ્ન નહોતા થયા. બાકીના ઘણા બધા તીર્થંકરોના લગ્ન થયા હતા. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન અને ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન બન્ને બાળબ્રહ્મચારી હતા. બ્રહ્મચર્ય સાથે તીર્થંકરપદ બહુ ઊંચું કહેવાય; લોકોને પણ વધારે સમય દેશના મળે. બાકી તો રાજપાટ અને રાણીઓને ભોગવવામાં કેટલાય વર્ષો જતાં રહે અને પછી લોકોના ભાગે આવે. મલ્લિનાથ ભગવાનને દીક્ષા પછી તરત જ કેવળજ્ઞાન પ્રગટ થયું.
ભગવાનને કેવળજ્ઞાન થતાં જ દેવોએ સમોવસરણ રચ્યું. મલ્લિનાથ ભગવાને દેશના આપી. દેશનામાં છએ રાજાઓ, જે એમના મિત્ર હતા, તેઓ એક પછી એક આવ્યા અને ભગવાનને નમસ્કાર કરીને દીક્ષા લીધી.
મલ્લિનાથ ભગવાનના સંઘમાં ૨૮ ગણધરો અને હજારો સાધુ-સાધ્વીઓ હતા. ભગવાને ખૂબ લાંબા કાળ સુધી લોકોને દેશના આપી. એમના છએ મિત્રો અને બીજા હજારો સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ સાથે એમનો અંતકાળ આવ્યો. ત્યારે સમ્મેત શિખર પર્વત પર પધાર્યા અને ત્યાંથી નિર્વાણ પામીને મોક્ષે ગયા.
મલ્લિનાથ ભગવાનનું સ્ત્રી દેહે તીર્થંકર હોવું એ ઇતિહાસમાં બહુ મોટી વસ્તુ બની છે. ખરેખર આવું ક્યારેક જ બને છે અને આવું બને ત્યારે સ્ત્રીઓના ઉદ્ધાર માટે બહુ મોટો આદર્શ બની રહે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે સ્ત્રીનો મોક્ષ શક્ય નથી. મલ્લિનાથ ભગવાનના જીવનચરિત્ર પરથી ખૂબ જ પ્રેરણા મળે છે કે આપણે પણ એમના જેવા થઈ શકીએ. ભલે એમના જેવું તીર્થંકર ગોત્ર આવે કે ના આવે, પણ આપણે મોક્ષે તો ચોક્કસ જઈ શકીએ એમ છે. કારણ કે, એટલી બધી સ્ત્રીઓ મોક્ષે ગઈ છે અને મલ્લિનાથ ભગવાને તો મોટું આદર્શ પૂરું પાડ્યું છે!
subscribe your email for our latest news and events