શ્રી નમિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના એકવીસમા તીર્થંકર હતા. તેમનો વર્ણ સુવર્ણ અને દેહપ્રમાણ ૧૫ ધનુષનું હતું.
ભગવાનનું લાંછન નીલકમળ છે. ભૃકુટી યક્ષદેવ અને ગાંધારી યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિષે વાંચીએ.
ભગવાન નમિનાથનો અંતિમ મનુષ્ય ભવ રાજા સિદ્ધાર્થ તરીકેનો હતો. રાજ્યાભિષેક થયા બાદ તેઓ ખૂબ જ શાંતિપૂર્ણ રાજ્ય ચલાવતા હતા. સમય જતાં વૈરાગ્ય આવતા તેમણે દીક્ષા ગ્રહણ કરી અને દીક્ષા લીધા બાદ ભક્તિ-આરાધના કરતા એમણે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું. રાજા તરીકેનું આયુષ્ય પૂર્ણ થતાં તેમનો જન્મ દેવગતિમાં થયો.
દેવગતિમાંથી ચ્યવીને ભગવાન નમિનાથનો જન્મ ભરતક્ષેત્રની મિથિલા નગરીમાં વિજય રાજા અને વપ્રા માતાને ત્યાં થયો હતો. પ્રત્યેક તીર્થંકરોની માતાની જેમ વપ્રા માતાને પણ ચૌદ સપનાં આવ્યાં હતાં જે દર્શાવતાં હતાં કે એમના ગર્ભમાંથી તીર્થંકર ભગવાનનો જીવ જન્મ લેશે.
એક વખત એવું બન્યું કે મિથિલા નગરી પર શત્રુરૂપી રાજાઓના સમૂહે આક્રમણ કર્યું, પણ માતાના ગર્ભમાં નમિનાથ ભગવાન તીર્થકર હોવાને કારણે બધા જ શત્રુઓ વિજય રાજા (નમિનાથ ભગવાનના પિતા) સામે નમી પડ્યા અને પોતાની હાર સ્વીકારી. આ પ્રસંગ પરથી ભગવાનનું નામ ‘નમિનાથ’ પાડવામાં આવ્યું. ભગવાન જન્મથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત હતા. યુવાન અવસ્થામાં આવ્યા પછી ભગવાનના લગ્ન થયા અને ત્યારબાદ તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
સમય જતાં ભગવાને યોગ્ય સમયે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધાના નવ માસ પછી ઘણાં ટૂંક સમયમાં નમિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી દેવોએ સમોવસરણની રચના કરી. નમિનાથ ભગવાને સમોવસરણમાં બિરાજી દેશના આપી. ભગવાનની દેશનાને સાંભળતાં જ આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને દુઃખમાં તરફડતા લોકો પરમ શાંતિ અનુભવીને સમકિત પામ્યા અને ભગવાને દર્શાવેલા મોક્ષમાર્ગે આગળ વધ્યા. દેશના સાંભળતાં જ કેટલાક લોકોએ દીક્ષા લીધી.
દેશનામાં ભગવાન ચાર પ્રકારના ધ્યાનની વિશેષ સમજણ આપી. મનુષ્યમાત્રને જીવનમાં ચાર પ્રકારના ધ્યાન વર્તે છે: રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આમાંથી પ્રથમ ત્રણ પ્રકારના ધ્યાન - રૌદ્રધ્યાન, આર્તધ્યાન અને ધર્મધ્યાન જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી વર્તે છે. જ્યારે શુક્લધ્યાન થાય છે, ત્યારે અહંકાર સંપૂર્ણ ખલાસ થઈને આત્મામાં આવે છે. શુક્લધ્યાનને જે પામે એ વ્યક્તિ મહાભાગ્યશાળી કહેવાય; એનો મોક્ષનો સિક્કો વાગી ગયો કહેવાય.
હવે, આપણે રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન વિશે ઊંડાણપૂર્વક સમજીએ.
શુક્લધ્યાનના ચાર પાયા છે. જેમાં પ્રથમ બે પાયામાં સમકિત થાય, પછી એ ગાઢ-અવગાઢ થઈને અસ્પષ્ટમાંથી સ્પષ્ટવેદનમાં આવે છે. પછી, ત્રીજા પાયામાં તેરમા ગુણસ્થાનકમાં આવી કેવળજ્ઞાન થાય છે અને ચોથો પાયો કે જેમાં ચૌદમા ગુણસ્થાનકમાં આવી મોક્ષે જાય છે.
આમ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને ધર્મધ્યાન જ્યાં સુહી રહે, ત્યાં સુધી મોક્ષ ન થાય અને શુક્લધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. શુક્લધ્યાનમાં તો સદેહે મુક્ત દશાનો અનુભવ થાય. જો આપણાથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન થઈ જાય, તો તરત જ હૃદયપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બંધાયેલા કર્મોમાંથી મુક્ત થઈ આપણે મોક્ષ તરફ જઈ શકીએ, એ માટે પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રતિક્રમણ કરવાની એક ઉત્તમ રીત દર્શાવી છે. આ પ્રતિક્રમણ હૃદયપૂર્વક અને પસ્તાવા સહિત થવા જોઈએ.
“હે અંતર્યામી પરમાત્મા, હું તમને નમસ્કાર કરું છું. મારાથી તમને જે અપશબ્દો બોલાયા તેની હું હૃદયપુર્વક માંફી માંગું છું, પશ્ચાત્તાપ કરું છું અને ફરી આવું ક્યારેય નહીં કરું એવું નક્કી કરું છું.”
આમ કરવાથી દોષો ત્યાં ને ત્યાં જ ધોવાઈ જાય છે. આ તત્ક્ષણે થાય એને ભાવ પ્રતિક્રમણ કહ્યું છે. ભાવ પ્રતિક્રમણ થકી જે ભારે કર્મો બંધાયા છે, એ હળવા થશે અને એમાંથી છૂટી શકાશે. પછી વ્યક્તિમાં ધર્મધ્યાનની દશા વર્તે છે.
ભગવાનના બતાવ્યા પ્રમાણે જો મૃત્યુ પહેલાની ૪૮ મિનિટમાં પણ આપણે પાછલી આખી જિંદગીના પાપોનું પ્રાયશ્ચિત ખરા દિલથી પશ્ચાત્તાપપૂર્વક કરીએ, તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાંથી ઉદ્ભવેલા પાપ કર્મોમાંથી મુક્ત થઈ શકાય એમ છે. ભગવાને પ્રતિક્રમણને કર્મોમાંથી મુક્ત થવાનું એકદમ શક્તિશાળી સાધન કહ્યું છે. આ રીતે, નમિનાથ ભગવાન દેશનામાં ચાર પ્રકારના ધ્યાનની સમજણ આપી.
અંતે, નમિનાથ ભગવાનને સમેત શિખરજી પર્વત પરથી હજારો સાધુ અને સાધ્વીઓ સાથે નિર્વાણ પ્રાપ્ત થયું.
subscribe your email for our latest news and events