શ્રી નેમિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના બાવીસમા તીર્થંકર હતા. ભગવાનની કાયા શ્યામવર્ણી અને દેહપ્રમાણ ૧૦ ધનુષનું હતું. નેમિનાથ ભગવાનનું લાંછન શંખ છે. ગોમેધ યક્ષ દેવ અને અંબિકા દેવી ભગવાનના શાસન દેવ-દેવી છે.
નેમિનાથ ભગવાનના અંતિમ ભવમાં રાજકુમારી રાજુલ સાથે વિવાહ નક્કી થયા હતા અને છેલ્લા આઠ ભવોથી તેમણે એકસાથે જ પતિ-પત્ની તરીકે જીવન વ્યતીત કર્યું હતું. આ આધ્યાત્મિક ઇતિહાસમાં એક પ્રકારની અજોડ વાત છે. વાસ્તવમાં કર્મની ગતિ પ્રમાણે જ આપણો જન્મ થાય છે. પતિ અને પત્નીને પોતપોતાના કર્મના હિસાબે ગતિ મળતી હોય છે; એટલે, ભવોભવ સુધી સાથે જન્મ મળવો શક્ય નથી. નેમિનાથ ભગવાન અને રાજુલે ક્યારેય એકબીજાનો એક દોષ પણ જોયો ન હતો. આ જ કારણથી છેલ્લા આઠ ભવોથી તેમનો પતિ-પત્ની તરીકે જન્મ થતો હતો.
ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના આઠ પૂર્વભવો વિષે વાંચીએ.
તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનો પ્રથમ ભવ રાજા ધનપતિ તરીકેનો હતો. જ્યારે રાજા ધનપતિ તેમની માતાના ગર્ભમાં હતા, ત્યારે માતાને એક સપનું આવ્યું હતું. તે સપનામાં માતાએ આંબાનું એક જ વૃક્ષ નવ અલગ-અલગ જગ્યાએ રોપેલું જોયું હતું. જ્યારે માતાએ તેમના સપનાનો હેતુ અને પરિણામ વિષે પૂછ્યું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેમના ગર્ભમાં રહેલ બાળકના આ પછીના નવ ભવો એકથી એક ચડિયાતા હશે અને પ્રતાપી પુરુષ તરીકે જન્મ લેશે.
રાજકુમાર ધનપતિ યુવાનવયે ખૂબ જ રૂપવાન અને શૂરવીર હતા. બીજી તરફ, રાજુલ પ્રથમ ભવમાં એક સુંદર અને હોશિયાર ધનવતી નામની રાજકુમારી હતી. રાજકુમારી ધનવતીના પિતા માટે એની પુત્રીને યોગ્ય યુવક શોધવો અત્યંત કઠિન કાર્ય હતું. એક દિવસ, રાજકુમારી ધનવતી તેની સખીઓ સાથે બગીચામાં ગઈ હતી. ત્યાં તેણે જોયું કે એક ચિત્રકાર બહુ સુંદર એવા યુવકનું ચિત્ર દોરી રહ્યો હતો. તે ચિત્ર જોઈને રાજકુમારી ધનવતી સ્તબ્ધ થઈને એના પર મોહી પડી. જ્યારે ધનવતીએ ચિત્રકારને ચિત્રમાં રહેલ વ્યક્તિ વિશે પૂછ્યું, ત્યારે ચિત્રકારે જણાવ્યું કે તે ચિત્ર રાજકુમાર ધનપતિનું હતું. પરંતુ, તેઓ વાસ્તવમાં આ ચિત્ર કરતાં પણ વધુ સ્વરૂપવાન હતા.
રાજકુમારી ધનવતીએ તરત જ તેમને વરવાનો નિશ્ચય કરી લીધો. સદ્ભાગ્યે, તે બંનેના પિતા એકબીજાના પરસ્પર મિત્રો હતા. બંને રાજાઓએ તે બન્નેનો સંબંધ નક્કી કર્યો; અંતે બન્નેના લગ્ન થયા.
એક વખત એક મુનિ રાજકુમાર ધનપતિના રાજ્યમાં આવ્યા પણ બહુ જ માંદા હોવાને કારણે તેઓ બેભાન થઈ ગયા. રાજકુમાર ધનપતિ અને રાજકુમારી ધનવતીએ તે મુનિની ખૂબ જ કાળજી રાખી સેવા કરી. પછીથી, રાજકુમાર ધનપતિને ગાદી સોંપીને એમના પિતાએ મુનિ પાસેથી દીક્ષા ગ્રહણ કરી લીધી.
કેટલાક વર્ષો પછી તે જ મુનિ ફરીથી રાજા ધનપતિના રાજ્યમાં આવ્યા ત્યારે રાજા ધનપતિ અને રાણી ધનવતીએ પણ તે મુનિ પાસેથી દીક્ષા લીધી અને અત્યંત ભક્તિ-આરાધના કરીને એમનું આયુષ્ય પૂરું થયું.
બીજા ભવમાં, નેમિનાથ ભગવાને અને રાજુલે દેવ અને દેવી તરીકે જન્મ લીધો. ત્યાં પણ, બંનેએ એકબીજા સાથે સારો કાળ પસાર કર્યો.
ત્રીજા ભવમાં નેમિનાથ ભગવાને વિદ્યાધર ચિત્રગતિ તરીકે અને રાજુલે રાજકુમારી રત્નાવતી તરીકે જન્મ લીધો. રાજકુમારી રત્નાવતી અતિશય સ્વરૂપવાન અને બુદ્ધિમાન હતી.
રત્નાવતીનો જન્મ થયો ત્યારે એમના પિતાએ મુનિ મહારાજને પૂછ્યું હતું કે એમની પુત્રી કોને વરશે? ત્યારે મુનિ મહારાજે એમના પિતાને નીચે દર્શાવ્યા પ્રમાણે ત્રણ સંકેતો આપ્યા હતા; આ ત્રણ સંકેતો એકસાથે જે વ્યક્તિમાં દેખાશે એ જ વ્યક્તિ રત્નાવતીને વરવાને યોગ્ય કહેવાશે.
બીજી બાજુ સુમિત્ર નામે એક રાજકુમાર હતો. સુમિત્રની સાવકી માતાએ પોતાના પુત્રને રાજગાદી પર બેસાડવા માટે પોતાના સાવકા પુત્ર એટલે કે સુમિત્રને ઝેર આપ્યું હતું. ઝેરની અસરથી રાજકુમાર સુમિત્ર લાંબા કાળ સુધી બેભાન અવસ્થામાં હતો. તે સમયે ત્યાંથી પસાર થતાં વિદ્યાધર ચિત્રગતિને અમુક લોકોનું ટોળું શોકમગ્ન દેખાયું. વિદ્યાધરોને આકાશગમનની વિદ્યાઓ અને લબ્ધિઓ પ્રાપ્ત થયેલ હોય છે. ચિત્રગતિએ બેભાન થયેલા રાજકુમાર સુમિત્રને પોતાની વિદ્યાથી ઇલાજ કરીને સાજા કર્યા. રાજકુમાર સુમિત્ર અને વિદ્યાધર ચિત્રગતિ એકબીજાના ગાઢ મિત્ર થઈ ગયા.
એક વખત બન્યું એવું કે રાજકુમાર સુમિત્રની પરિણીત બહેનનું રાજકુમારી રત્નાવતીના ભાઈએ અપહરણ કર્યું. અપહરણના દુઃખદ સમાચાર મળતાં જ રાજકુમાર સુમિત્ર ખૂબ જ વ્યથિત થયા અને મદદ માટે પોતાના મિત્ર વિદ્યાધર ચિત્રગતિને બોલાવ્યા. પછી ચિત્રગતિ અને રત્નાવતીના ભાઈ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને એમાં ચિત્રગતિનો વિજય થયો.
યુદ્ધમાં વિદ્યાધર ચિત્રગતિએ રાજકુંવરી રત્નાવતીના પિતાનું ખડગ અંધારું કરીને છીનવ્યું અને સુમિત્રની બહેનનો બચાવ કર્યો. આથી રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું અને વિચારમાં પડ્યા કે તેમનું ખડગ કે જે કોઈ ઊંચકી ન શકે તે ચિત્રગતિએ વિના ડરે ઊંચકીને યુદ્ધમાં વિજય મેળવ્યો.
બીજી તરફ, ચિત્રગતિના મિત્ર રાજકુમાર સુમિત્રએ સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ એક વખત જ્યારે સુમિત્ર મુનિ ભક્તિ-આરાધના કરતા હતા, ત્યારે એમના સાવકા ભાઈએ તેમને જોયા અને વેરભાવથી સુમિત્ર મુનિને બાણથી માર્યું. જો કે સુમિત્ર મુનિને તેમના સાવકા ભાઈ પ્રત્યે જરા પણ દ્વેષભાવ ન થયો અને બાણથી જે ઘા વાગ્યો, એ પોતાના કર્મનો ઉદય છે એમ સમજીને એ સમતાભાવે કર્મ પૂરું કર્યું. સમતામાં રહીને દેહત્યાગ થવાથી તેઓ દેવગતિમાં જન્મ પામ્યા.
પોતાના મિત્રના મૃત્યુના સમાચાર સાંભળી વિદ્યાધર ચિત્રગતિ ખૂબ જ આઘાત પામ્યા, દુઃખી થયા અને જાત્રા કરવા નીકળી પડ્યા. જાત્રા દરમ્યાન તેઓ જિનમંદિરમાં ગયા અને ખૂબ ભક્તિ-આરાધના કરી. સુમિત્ર મુનિ જેઓ દેવગતિમાં દેવ હતા એમને પોતાના પરમમિત્ર વિદ્યાધર ચિત્રગતિને ભગવાનની ભક્તિ-આરાધનામાં એકાકાર થતાં જોઈ ખૂબ જ આનંદ થયો અને તેમણે ચિત્રગતિ પર હર્ષોલ્લાસ પામીને પુષ્પવૃષ્ટિ કરી. આ બધું જોતાં રત્નાવતીના પિતાને પોતાની પુત્રીના લગ્ન માટે અપાયેલ ત્રણમાંથી બે સંકેતો પૂરા થતા દેખાયા. અંતે તેઓ પોતાની પુત્રી રત્નાવતીને વિદ્યાધર ચિત્રગતિ પાસે લઈ ગયા અને તેમને જોતાં જ રત્નાવલી મોહિત થઈ ગઈ. ત્યારબાદ, વિદ્યાધર ચિત્રગતિ અને રાજકુમારી રત્નાવતીના લગ્ન થયા.
લાંબા કાળ સુધી ચિત્રગતિએ ખૂબ જ સુંદર રીતે રાજ ચલાવ્યું અને અમુક કાળ વીત્યા બાદ વિદ્યાધર ચિત્રગતિ અને રત્નાવતી બંનેએ દીક્ષા લીધી. તેમણે ખૂબ ભક્તિ-આરાધનાપૂર્વક આયુષ્ય પૂરું કર્યું.
નેમિનાથ ભગવાન અને રાજુલનો ચોથો ભવ અનુક્રમે દેવ અને દેવી તરીકે દેવગતિમાં થયો; ત્યાં લાંબો કાળ તેમણે એકબીજા સાથે પસાર કર્યો હતો.
નેમિનાથ ભગવાન અને રાજુલનો પાંચમો ભવ અનુક્રમે રાજા અપરાજિત અને રાણી પ્રીતિમતી તરીકે થયો.
રાણી પ્રીતિમતી, જ્યારે રાજકુંવરી હતા, ત્યારે તેમની સુંદરતાને કારણે બધા રાજાઓ તેમની સાથે લગ્ન કરવા ઇચ્છુક હતા. રાજકુમારી પ્રીતિમતી માટે સ્વયંવરનું આયોજન થયું અને બધા રાજાઓ તેમાં આમંત્રિત થયા. રાજકુમારીએ નક્કી કર્યું હતું કે, જે કોઈ એમના પ્રશ્નોના ઉત્તર યથાર્થ રીતે આપી શકશે, તેમની સાથે જ પોતે લગ્ન કરશે.
રાજકુમાર અપરાજિતે પણ તે સ્વયંવરમાં બેડોળરૂપ ધારણ કર્યું અને વેશપલટો કરીને હાજર હતા. જ્યારે બધા રાજાઓ રાજકુમારીના પ્રશ્નોના ઉત્તર આપી ન શક્યા, ત્યારે રાજકુમાર અપરાજિતએ બધા પ્રશ્નોના સચોટ ઉત્તર આપ્યા અને રાજકુમારીની બધી જ કસોટીમાંથી પાર ઊતર્યા. ત્યારબાદ, રાજકુમારી પ્રીતિમતીએ અપરાજિત રાજાના ગળામાં વરમાળા પહેરાવી.
જો કે, ત્યાં હાજર રહેલા રાજાઓને આ વાત પસંદ ન આવી કારણ કે તેમના મતે રાજકુમાર અપરાજિત તો બેડોળ દેખાતા હતા. પરતું એવામાં જ રાજકુમાર અપરાજિતે પોતાનું અસલ રૂપ જાહેર કર્યું અને એ રૂપ જોઈ બધા રાજાઓ ચકિત થઈ ગયા. પછી રાજકુમાર અપરાજિતે બધા રાજાઓ સામે લડાઈ કરી વિજય મેળવ્યો અને પ્રીતિમતી સાથે એમના લગ્ન થયા. લગ્ન પછી અમુક કાળ વીત્યા બાદ રાજા અપરાજિત અને રાણી પ્રીતિમતીએ દીક્ષા લીધી અને તેમનું આયુષ્ય પૂરું થયું.
છઠ્ઠા ભવમાં, નેમિનાથ ભગવાન અને રાજુલના જીવે અનુક્રમે દેવ અને દેવી તરીકે જન્મ લીધો અને સાથે લાંબો આયુષ્યકાળ પસાર કર્યો.
નેમિનાથ ભગવાન અને રાજુલનો સાતમો ભવ રાજા શંખ અને રાણી યશોમતી તરીકે થયો.
એક વખત રાજકુમાર શંખ તેમના મિત્રો સાથે ફરતા-ફરતા રાજ્યથી દૂર નીકળી ગયા અને રાત્રિનો સમય થયો, ત્યારે એક જગ્યાએ પોતાનો પડાવ નાખ્યો. ત્યાં જ શંખકુમારે એકાએક એક સ્ત્રીનો મોટેથી રડવાનો અવાજ સાંભળ્યો. તપાસ કરતા જણાયું કે એ અવાજ એક આધેડ વયની સ્ત્રીનો હતો. શંખકુમારે તે સ્ત્રીને રડવા માટેનું કારણ પૂછ્યું. તપાસ કરતા જાણ્યું કે તે વૃદ્ધા સાથે યશોમતી નામની એક રાજકુમારી પણ હતી, પણ કોઈએ રાજકુમારી યશોમતીનું અપહરણ કર્યું. જેણે અપહરણ કર્યું એ એવું કહેતો ગયો કે તે પોતે રાજકુમારી યશોમતી સાથે લગ્ન પણ કરશે. વૃદ્ધા સ્ત્રીએ રાજકુમારી યશોમતીને પાછા લાવવા રાજકુમાર પાસે મદદની માંગણી કરી.
હજુ આગળ તપાસ કરતાં રાજકુમાર શંખે જાણ્યું કે કોઈ વિદ્યાધર દ્વારા રાજકુમારી યશોમતીનું અપહરણ થયું હતું. અંતે, રાજકુમાર શંખે અપહરણ કરનાર સાથે લડાઈ કરી એના પર વિજય મેળવ્યો અને રાજકુમારી યશોમતીને બચાવી લીધી. રાજકુમારી યશોમતીએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે જે વ્યક્તિ પર એની દ્રષ્ટિ પડતા જ પસંદ આવશે એની સાથે પોતે લગ્ન કરશે. પછી રાજકુમાર શંખ સાથે યશોમતીના લગ્ન થયા. રાજા શંખ અને રાણી યશોમતીએ લગ્ન બાદ લાંબા સમય સુધી સારી રીતે રાજ કર્યા બાદ દીક્ષા લીધી.
ભગવાનની અત્યંત ભક્તિ અને વીસ સ્થાનકોની આરાધના કરતા શંખ રાજાને તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાયું.
આઠમા ભવમાં પણ, નેમિનાથ ભગવાન અને રાજુલના જીવે દેવ અને દેવી તરીકે જન્મ લીધો. ત્યાં પણ, બંનેએ એકબીજા સાથે લાંબો કાળ પસાર કર્યો.
આયુષ્ય પૂર્ણ થતાં દેવગતિમાંથી ચ્યવીને નેમિનાથ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની શોર્યપુર નગરીમાં રાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવીને ત્યાં થયો હતો. નેમિનાથ ભગવાન યાદવકુળના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. રાજા સમુદ્રવિજય દસ ભાઈઓમાં સૌથી મોટા ભાઈ હતા અને એમાં રાજા વાસુદેવ એ સૌથી નાના ભાઈ હતા, જેઓ ભગવાન શ્રી કૃષ્ણના પિતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાન એકબીજાના પિતરાઈ ભાઈ હતા.
રાણી શિવાદેવીને તીર્થંકર નેમિનાથ ભગવાનના જન્મ પહેલા ચૌદ સપના આવ્યા હતા. માતા-પિતાએ ભગવાનનું નામ અરિષ્ટનેમિ રાખ્યું. એમનું કુળ શ્યામવર્ણવાળું હતું. નેમિનાથ ભગવાનની તથા શ્રી કૃષ્ણ વાસુદેવની કાયા શ્યામવર્ણી હતી. હાલમાં પણ દેવાલયો અને મંદિરોમાં નેમિનાથ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ શ્યામ વર્ણની હોય છે.
નેમિનાથ ભગવાન જન્મથી જ અહિંસાપ્રેમી, દયા અને કરુણાવાળા હતા. જ્યારે ભગવાન બાળવસ્થામાં હતા, ત્યારે એક વાર રમતા-રમતા તેઓ આયુધશાળામાં પહોંચી ગયા અને ત્યાં મોટો પાંચજન્ય શંખ ફૂંક્યો. એ દ્રશ્ય જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. વાસ્તવિકતામાં એ શંખ વાસુદેવ વિના કોઈ ન ફૂંકી શકે, જ્યારે નેમિનાથ ભગવાને નાની વયે આ શંખ ફૂંકતા પોતાની શક્તિનો જબરજસ્ત પરચો આપ્યો.
નેમિનાથ ભગવાન રાજકુંવર હોવાથી યાદવકુળમાં યુદ્ધના સમયે એમને પણ જોડાવું પડતું હતું. ભગવાન બાણવિદ્યામાં અત્યંત નિપુણ હોવા છતાં પણ યુદ્ધના સમયે કોઈને બાણથી મારતા ન હતા; પણ, કોઈનું બાણ દ્વારા ધનુષ તોડતા, તો કોઈનો મુગટ પાડતા, કોઈના રથ પર બાણ મારતા, તો કોઈના બાણ જ ઉડાવી દેતા, કે જેથી કરીને સામેવાળો શત્રુ નિ:સહાય થઈ જતો હતો. નેમિનાથ ભગવાન કોઈની હિંસા કર્યા વિના કે નુકસાન પહોંચાડ્યા વિના યુદ્ધ કરતા હતા.
તીર્થંકર હોવાને લીધે નેમિનાથ ભગવાનનું બળ ચક્રવર્તી અને વાસુદેવ કરતા પણ અનેકગણું હતું, પણ ભગવાન પોતાનું બધું જ બળ આત્મા પ્રાપ્ત કરવામાં અને કષાયોને જીતવા માટે જ વાપરતા હતા, નહીં કે શત્રુઓને જીતવા માટે. જેમણે પોતાના કષાયો, ક્રોધ-માન-માયા-લોભને જીત્યા, તેઓ અરિહંત કહેવાયા. બધા જ તીર્થંકરો અરિહંત કહેવાય છે. તીર્થંકરો બધા જ ક્ષત્રિય અને અત્યંત શક્તિશાળી હોય. જે બહારના શત્રુઓને હણી શકે છે, એ જ પોતાના અંદરના શત્રુઓને પણ હણી શકે છે.
જ્યારે નેમિનાથ ભગવાનની યુવાવસ્થા આવી, ત્યારે પરિવારને તેમના લગ્ન માટેની ઇચ્છા હતી. પરંતુ, નેમિનાથ ભગવાન પહેલેથી જ વિરક્ત હતા; તેમને સંસારમાં કોઈ રસ જ ન હતો.
એક વખત, ભગવાન શ્રી કૃષ્ણની આઠ રાણીઓ નેમિકુમારને ઉદ્યાનમાં ક્રીડા માટે લઈ ગઈ. તેમણે નેમિકુમારને ખૂબ આનંદ કરાવ્યો. રાણીઓ નેમિકુમારને લગ્ન કરવા માટે ખૂબ મનાવી રહી હતી. પરંતુ નેમિકુમારે હા કે ના ન કીધી; તેઓ માત્ર હસ્યા. જેનો અર્થ રાણીઓએ લગ્ન માટે હા સમજી લીધો. ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા વડીલોએ તેમના લગ્ન રાણી સત્યભામાના નાના બહેન રાજકુમારી રાજીમતી (રાજુલ), કે જે ખૂબ જ સાત્વિક અને અત્યંત સુંદર હતાં, તેમની સાથે નક્કી કર્યાં.
રાજા ઉગ્રસેને પુત્રી રાજીમતીનાં લગ્ન માટે ખૂબ ધામધૂમથી આયોજન કર્યું. રાજુલ શણગાર સજીને લગ્ન માટે રાહ જોતાં હતાં અને બીજી બાજુ અરિષ્ટનેમિ મોટી જાન સાથે લગ્ન માટે જઈ રહ્યા હતા. ત્યાં અચાનક, નેમિકુમારને કાનમાં ક્રૂર અવાજ સંભળાયો. તેમને જાનવરોની ભયથી તરફડીને પોતાની જાન બચાવવા માટેની ચિચિયારીઓ સંભળાઈ. આ ભયંકર અવાજો સાંભળીને અરિષ્ટનેમિનું અહિંસાપ્રેમી અને કરુણામય હ્રદય હચમચી ગયું. તેમનાથી આ સહન ન થયું, તેમણે રથ રોકાવીને સારથિને પ્રાણીઓ વિષે તપાસ કરવા કહ્યું.
સારથિએ કહ્યું કે અવાજો જુદા-જુદા પ્રાણીઓના હતા. બધા પશુ-પક્ષીઓ જેમ કે મરઘી, બકરી, ગાય, વાછરડા, હરણ વગેરેને જાનૈયાઓના ભોજન માટે મારીને રાંધવામાં આવશે અને એનું જમણ પીરસાશે. પોતાના નિમિત્તે આટલી બધી હિંસા; એક લગ્નની મોજમજા માટે કારણ વગર આટલા બધા નિર્દોષ પશુ-પક્ષીઓ મરી જશે, એ જાણીને નેમિકુમારનું હ્રદય ખૂબ દ્રવી ગયું.
નેમિકુમારે લગ્ન ન કરવાનું નક્કી કર્યું અને સારથિને રથ પાછો વાળવા કહ્યું. રથ પાછો વળતો જોઈને મંત્રીઓ, ભગવાન શ્રી કૃષ્ણ, તેમની રાણીઓ, રાજા ઉગ્રસેન, રાણી શિવાદેવી અને તેમના બધા સંબંધીઓ તેમને લગ્ન કરવા અને પાછા વળવા ખૂબ સમજાવ્યા. તેમણે બધા પ્રાણીઓને છોડી દીધા, પરંતુ નેમિકુમાર મક્કમ હતા; તેમને જબરજસ્ત વૈરાગ્ય આવી ગયો હતો. બધાના ખૂબ સમજાવવા પર તેમણે કહ્યું, “પ્રાણીઓ તો છૂટ્યા, મારે તો ભવસાગરમાંથી છૂટી જવું છે. હવે હું ફરી ક્યારેય આ બાજુ નહીં જઉં.” તેમણે મક્કમપણે રથ પોતાના ઘર તરફ હંકાર્યો અને આખી જાન પાછી વળી.
જ્યારે રાજીમતીને આ બધી ખબર પડી, ત્યારે તેઓ બેભાન થઈ ગયાં અને ભાનમાં આવ્યા પછી મહિનાઓ સુધી તેમનું રુદન અટક્યું જ નહીં. તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો.
એક વર્ષ વર્ષીદાન કર્યા બાદ, નેમિકુમારે દેવોની વિનંતીથી દીક્ષા લીધી. હજારેક સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ, ભગવાનને મન:પર્યવજ્ઞાન થયું.
નેમિનાથ ભગવાનના મોટા ભાઈ રથનેમિને રાજુલ પ્રત્યે ખૂબ જ લાગણી થઈ. આશ્વાસન આપવા તેઓ થોડા થોડા સમયે રાજુલને ભેટ આપતા હતા. રથનેમિ રાજુલ પ્રત્યે આસક્ત થઈ ગયા હતા; પરંતુ, રાજુલને કંઈ પડી નહોતી. રાજુલ નેમિનાથ ભગવાનથી જુદા પડવાના કારણે ખૂબ જ વિરહ અને વેદનામાં હતાં. તેઓ બધી ભેટો બાજુ પર મૂકતાં જતાં હતાં.
રાજુલે બધી ભેટો સ્વીકારી લીધી. એનાથી રથનેમિને એવી ગેરસમજણ ઊભી થઈ કે રાજુલને પણ તેમના પ્રત્યે પ્રેમ હતો. તેથી રથનેમિ રાજુલને મહેલમાં મળવા ગયા અને વિવાહ માટે પ્રસ્તાવ મૂક્યો. રાજુલે તેમને પછી આવવાનું કહ્યું.
બીજા દિવસે, જ્યારે રથનેમિ રાજુલને મળવા ગયા, ત્યારે રાજુલે ખૂબ જ દૂધ પી લીધેલું હતું. રથનેમિના આવતાં જ, રાજુલે થાળીમાં ઊલટી કરી અને રથનેમિને પોતે બહાર કાઢેલું દૂધ પી જવાનું કહ્યું. રથનેમિએ વ્યાકુળ થઈને કહ્યું, “આ હું કઈ રીતે પી શકું?”
રાજુલે કહ્યું, “આ જ રીતે, હું પણ અરિષ્ટનેમિને વરેલી છું. તમે મને કેવી રીતે અપનાવી શકો? મારા મનથી અરિષ્ટનેમિ એ જ મારા પતિ છે, એમના સિવાય કોઈ મારા મનમાં આવી જ ન શકે.” આ સાંભળીને, રથનેમિને પોતાની ભૂલ સમજાઈ. તેઓ રાજુલની માફી માંગીને ત્યાંથી જતા રહ્યા. આ સાથે, રથનેમિ અને રાજુલને વૈરાગ્ય આવ્યો અને તેમણે દીક્ષા લઈ લીધી.
દીક્ષા બાદ, બંને પોતાની રીતે વિચરતા હતા અને પોતાના કર્મો ખપાવતા હતા.
એક વખત, એવું બન્યું કે જ્યારે રાજુલ સાધ્વી બીજા સાધ્વીઓ સાથે વિહાર કરતાં હતાં, ત્યારે અચાનક જ જોરદાર વરસાદ તૂટી પડ્યો. બધા લોકો આશ્રયની શોધમાં આમતેમ વિખરાઈ ગયા. રાજુલ સાધ્વી એકલા પડી ગયા. તેઓ આશરો શોધતાં શોધતાં એક ગુફામાં પેઠાં. અંધારું હોવાથી તેમને ખબર ન પડી કે એ જ ગુફામાં સાધુ રથનેમિ પણ બેઠેલા હતા.
રાજુલ સાધ્વી ગુફામાં એકલાં જ હતાં એમ માનીને પોતાના કપડાં સૂકવવા લાગ્યાં. આ જોઈને, રથનેમિને વિકાર ઊભો થયો. તેમણે રાજુલને કહ્યું, “આ દીક્ષા છોડી દઈએ અને સુખેથી ભોગ-વિલાસમાં જીવન વીતાવીએ.”
ત્યાં રાજુલ સાધ્વીએ ખૂબ જ કડક શબ્દોમાં સંભળાવ્યું, “દીક્ષા લીધા પછી ફરી પરણવાની વાત કરો છો? તમારી અને મારી શી ગતિ થશે? ક્ષત્રિય થઈને, નેમિનાથ જેવા તીર્થંકર ભગવાનના ભાઈ થઈને આવી કાયરતા? દીક્ષા લીધા પછી મોક્ષે જ પહોંચવાને બદલે વચ્ચેથી તૂટી જવાની ક્યાં વાત? આવું તો વિચારમાં પણ ન હોવું જોઈએ.”
રાજુલ સાધ્વીની ધારદાર વાણી સાંભળીને સાધુ રથનેમિને ખૂબ પસ્તાવો થયો. રાજુલે બરાબર લપસવાના સમયે એવી વાણી સંભળાવી કે જેથી રથનેમિ પાછા વળ્યા. રથનેમિ સવાર થતાં જ ભગવાન નેમિનાથ પાસે જઈને આલોચના કરીને બધા જ પાપો ધોઈને શુદ્ધ થઈ ગયા.
નેમિનાથ ભગવાનનું બ્રહ્મચર્ય જબરજસ્ત હતું. તેમના નિમિત્તે રાજુલ અને રથનેમિ બંનેને પણ બ્રહ્મચર્ય મળ્યું. ચોવીસ તીર્થંકરોમાંથી નેમિનાથ ભગવાન અને મલ્લિનાથ ભગવાનનું બ્રહ્મચર્ય વખણાય છે.
શ્રી કૃષ્ણ ભગવાનના નાના ભાઈ ગજસુકુમારના લગ્ન સોમદત્ત બ્રાહ્મણની પુત્રી સોમા સાથે નક્કી કરવામાં આવ્યા. ગજસુકુમાર નાનપણથી જ વૈરાગી હતા પરંતુ ભાઈઓના અને માતાના દબાણથી તેમણે લગ્ન કર્યા. તેમણે પત્ની સાથે નેમિનાથ ભગવાન પાસે જઈને દીક્ષા લઈ લીધી.
ગજસુકુમાર દીક્ષા લઈને બીજે દિવસે સ્મશાનમાં આત્માનું ધ્યાન કરવા ગયા. તે વખતે તેમના સસરા ત્યાંથી પસાર થતા હતા. ગજસુકુમારને જોઈને સસરાને ખૂબ જ ક્રોધ આવી ગયો. તેમને થયું કે આણે મારી પુત્રીને રખડાવી. સસરાએ ગુસ્સામાં ને ગુસ્સામાં ગજસુકુમારના માથા પર માટીનું કુલડું મૂકીને તેમાં ચિતાના ધગધગતા અંગારા મૂક્યા.
ગજસુકુમારને થયું કે મારા સસરાજી મને મોક્ષની પાઘડી પહેરાવી ગયા. તેમણે સસરાને નિર્દોષ જ જોયા. એ જ ધ્યાનમાં તેઓ શ્રેણીઓ ચડી ગયા અને તેમને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. આત્મા દેહથી તદ્દન ભિન્ન જ છે એવો કેવળજ્ઞાન અને અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ ગજસુકુમારને થયો અને તેઓ મોક્ષે પધાર્યા.
દીક્ષા લીધાના ૫૪ દિવસ પછી નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ તેમના માટે સમોવસરણની રચના કરી. તેમને અગિયાર ગણધરો હતા, જેમાંથી ત્રણ નવ ભવથી પ્રભુના ભાઈ, મિત્ર અથવા મંત્રી તરીકે સાથે ને સાથે જ હતા.
નેમિનાથ ભગવાન ૧૦૦૦ વર્ષ જીવ્યા. તેમણે ૩૦૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને પોતાના જીવનનો ૭૦% કાળ જગતકલ્યાણ પાછળ ખર્ચ્યો. તેઓ ગિરનાર પર્વત પરથી નિર્વાણ પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા.
subscribe your email for our latest news and events