છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ ભગવાન

તીર્થંકર શ્રી પદ્મપ્રભુ ભગવાન વર્તમાન કાળચક્રના છઠ્ઠા તીર્થંકર હતા. તેમનું દેહપ્રમાણ ૨૫૦ ધનુષનું હતું.

શ્રી પદ્મપ્રભુ ભગવાનનું લાંછન પદ્મ એટલે કે કમળ છે. કુસુમ યક્ષદેવ અને અચ્યુતા યક્ષિણીદેવી તેમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે પદ્મપ્રભુના જન્મ પહેલાંના બે ભવો વિશે અને તેમનું તીર્થંકર જીવનચરિત્ર વાંચીએ.

Padmaprabhu

શ્રી પદ્મપ્રભુ ભગવાન - પૂર્વભવો

શ્રી પદ્મપ્રભુ ભગવાન પૂર્વભવમાં ઘાતકીખંડ દ્વીપમાં પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં વત્સવિજયમાં આવેલી સુસિમા નગરીના રાજા અપરાજિત હતા. અપરાજિત એટલે કે તેઓ ક્યારેય કોઈનાથી પરાજય પામ્યા ન હતા. ગમે તેવા દુશ્મન સામે તેઓ ક્રોધ નહોતા કરતા. ખૂબ સરળ, શીલવાન અને સત્યવાદી હતા. રાજા પોતે જ ધર્મસ્વરૂપ હતા; લોકો તેમને જોઈને ધર્મ પામતા.

રાજા પોતાનો સંસાર અનાસક્તપણે ભોગવતા. તેઓ લક્ષ્મી, રાજપાટ કશામાં પણ આસક્ત નહોતા. ઘણો સમય રાજ કર્યા પછી એમને તીર્થંકર ભગવાનની દેશના સાંભળીને સંસાર અસાર લાગતાં વૈરાગ્ય આવ્યો. તેમને દીક્ષા લીધા પછી ખૂબ આરાધના કરીને તીર્થંકર ગોત્ર બંધાયું.

રાજા અપરાજિતના દેહવિલય બાદ તેમનો નવમા દેવલોકમાં જન્મ થયો.

શ્રી પદ્મપ્રભુ ભગવાન - જન્મ, કેવળજ્ઞાન, દેશના

નવમા દેવલોકનું આયુષ્ય પૂરું થયા બાદ, પદ્મપ્રભુ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની કૌશામ્બી નગરીમાં ધર રાજા અને સુસિમા રાણીને ત્યાં થયો. ભગવાને ખૂબ જ જગતકલ્યાણની ભાવના સાથે જન્મ લીધો.

તીર્થંકર ગોત્ર બંધાવાનું મોટામાં મોટું કારણ એ છે કે એમનું આખું જીવન લોકકલ્યાણ માટે જ હોય; પોતાની જાત માટેનો એક પણ વિચાર ન હોય. કોઈ પણ વસ્તુ પોતાના માટે એમને ન હોય. કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, કેમ કરીને લોકો પરમપદ પામે, મોક્ષ પામે એ જ ભાવના એમના હૃદયમાં હોય. એ ભાવના નિરંતર રહે ત્યારે તીર્થંકર ગોત્ર બંધાય છે.

Padmaprabhu

જ્યારે ભગવાન ગર્ભમાં હતા, ત્યારે સુસિમા રાણીને પદ્મશૈયા પર સૂવાની ઈચ્છા થઈ હતી. ભગવાનનું મુખારવિંદ પણ કમળ જેવું ખૂબ જ સુંદર અને કાંતિવાન હતું. એટલે પ્રભુનું નામ પદ્મપ્રભુ રાખવામાં આવ્યું.

સમય જતાં ભગવાનના લગ્ન થયા. એમને રાજગાદી પર બેસાડવામાં આવ્યા. ત્યાર પછી, પ્રભુએ દીક્ષા લીધી. દીક્ષા લીધાના છ મહિના બાદ પ્રભુને કેવળજ્ઞાન થયું.

કેવળજ્ઞાન થયા પછી દેવોએ સમોવસરણની રચના કરી. પ્રભુએ દેશનામાં ચાર ગતિના દુઃખોનું વર્ણન કર્યું. આ વર્ણન સાંભળતાં જ માણસને જબરજસ્ત વૈરાગ્ય આવે; એને ચાર ગતિમાંથી કેમ કરીને છૂટાય અને પાંચમી ગતિ, મોક્ષગતિ, કેમ કરીને પમાય એની તાલાવેલી શરૂ થઈ જાય.

ચાર ગતિઓ આ પ્રમાણે છે:

  • તિર્યંચગતિ
  • મનુષ્યગતિ
  • દેવગતિ
  • નર્કગતિ

આપણું બ્રહ્માંડ મનુષ્ય આકારનું છે જે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે:

  • ઉપરના ભાગમાં દેવગતિ છે.
  • વચ્ચેના ભાગમાં એટલે કે મધ્યલોકમાં તિર્યંચગતિ એટલે કે જાનવરગતિ અને મનુષ્યગતિ છે, જે આપણે બધા જોઈ અને અનુભવી શકીએ છીએ.
  • નીચેના ભાગમાં નર્કગતિ છે.

તિર્યંચગતિના દુઃખો

એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી મનુષ્ય સિવાયના બધા જીવોને તિર્યંચ કહેવામાં આવે છે.

tiryanch gati

ઝાડ-પાન, વનસ્પતિ, લીલ-શેવાળ વગેરે એકેન્દ્રિય જીવો છે; જ્યાં એક જ ઈન્દ્રિય ડેવલપ થઈ છે, એ છે સ્પર્શેન્દ્રિય. એકેન્દ્રિયમાં ભયંકર દુઃખ ભોગવવાના આવે છે. ટાઢ, તડકો, વરસાદ, ગરમી બધું એમને સહન કરવું પડતું હોય છે. આ જીવો પાસે અભિવ્યક્ત કરવાનું કોઈ સાધન નથી એટલે એકેન્દ્રિય જીવોને અંદરને અંદર ભયંકર ભોગવટો અને મૂંઝામણ હોય.

જીવ એકેન્દ્રિયમાંથી બેન્દ્રિયમાં જાય પછી ત્રણેન્દ્રિયમાં, ચારેન્દ્રિયમાં અને પછી પંચેન્દ્રિયમાં આવે. જાનવરો, માછલાં, દરિયાના બધા જીવો પંચેન્દ્રિય જીવો કહેવાય. એમને ભયંકર ભોગવટો હોય. જાનવરોને, મૂંગા પ્રાણીઓને ભૂખ-તરસ લાગે તો ન કહેવાય, ન સહેવાય. એ લોકોને ખોરાક માટે આખો વખત સવારથી રાત ક્યાંથી ખાવાનું મળે એ જ મગજમાં ચાલ્યા કરે. આખો વખત ભય રહ્યા કરે. મોટા માછલાં નાના માછલાંને ખાઈ જાય, એટલે નાના માછલાં હંમેશા મોટા માછલાંથી ડરતા હોય. મોટા માછલાં એનાથી મોટા મગરમચ્છથી ડરતા હોય. એમના જીવનમાં નિરંતર ભય જ હોય; એમને ભયનો ભયંકર ભોગવટો હોય.

મનુષ્યગતિના દુઃખો

મનુષ્ય ૮૪ લાખ યોનિમાં ભટકતો-ભટકતો આવીને છેલ્લે પંચેન્દ્રિય પૂર્ણ ડેવલપ થાય છે ત્યારે એને મનુષ્યગતિ મળે છે. મનુષ્યગતિમાં ઉત્ક્રાંતિ થોડી વધારે થયેલી હોય છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ આ બધું મનુષ્યમાં વ્યક્ત થાય છે. બીજે બધે નિષ્ક્રિય અવસ્થામાં, બહુ ઓછા પ્રમાણમાં હોય છે.

મનુષ્યમાં કર્તાભાવ ઊભો થાય છે. “હું કરું છું” એવો ભાવ થાય છે, એટલે એને કર્મ બંધાય છે અને ભયંકર ભોગવટો આવે છે. ભયંકર કર્મો બાંધવાની અને છોડવાની આ ઘટમાળ ચાલ્યા જ કરતી હોય છે.

manushya gati

મનુષ્યને ગર્ભમાં નવ મહિના રહેવું પડે અંધારી કાળી કોટડીમાં સજાની જેમ; ત્યાં કોઈ જાતની અભિવ્યક્તિ નથી હોતી. ભૂખ-તરસ ગમે તે થાય પણ કોને કહે? માતાના ગર્ભમાં જીવને જે ભયંકર વેદનાનો અનુભવ થાય છે, તે ગમે તેટલું કરો, પણ એને છૂટકારો ન થાય. એ ભોગવટો તો આવ્યા જ કરે. જ્યાં સુધી જન્મ ન થાય ત્યાં સુધી એ ભોગવટાનો અંત આવે જ નહીં. એટલું જ નહીં, પણ માતા તીખું ખાય કે પછી મસાલાવાળું ખાય તો બાળકને અંદર એટલી બળતરા થાય અને ખૂબ ભોગવટો આવે. એનો કોઈ ઉપાય જ નથી એની પાસે. કહેવાય નહીં, સહેવાય નહીં; કશું જ થાય નહીં.

જન્મ વખતે પણ બાળકને ભયંકર વેદના હોય છે. એ ભોગવટામાંથી એ કોઈ રીતે બચી ન શકે. જો આ જન્મ-મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો એક જ ઉપાય છે કે પાંચમી ગતિ, મોક્ષગતિ પામો. મોક્ષગતિ ન મળે ત્યાં સુધી કશું વળે નહીં; આ ચક્કર ચાલ્યા જ કરે. મનુષ્યગતિમાં જન્મ્યા પછી ફરી એકડે એકથી ભણવાનું, ફરી મરી જવાનું, પાછો એનો એ જ સંસાર, એનું એ જ જીવન, રોજ ખાવાનું, રોજ ઊંઘવાનું, રોજ ઊઠવાનું આ ઘટમાળ રોજિંદી છે; એનો અંત જ નથી. આ ઉત્ક્રાંતિ થતાં થતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય મનુષ્ય સુધી ૮૪ લાખ યોનિમાંથી પસાર થવું પડે છે. જીવજંતુ, જીવડાં, કીડાં, મંકોડા, ઈયળ, મૂંગા પ્રાણીઓ, જંગલના જીવોસિંહ, વાઘ, વરુ, આ બધામાંથી પસાર થવું પડે છે. પ્રાણીઓના જીવનમાં ખૂબ વેદના હોય છે. એ બધું કર્યા પછી પણ ચક્કર તો ચાલુ ને ચાલુ જ રહે છે; એમાંથી છૂટકારો તો નથી જ મળતો.

છૂટકારો મેળવવા માટે જ તીર્થંકર ભગવંતોએ સુંદર માર્ગ બતાડ્યો છે કે આ બધામાંથી છૂટો; પોતાના સ્વરૂપને જાણો. મનુષ્યમાં આવશો ત્યારે જ આ વસ્તુનો તમને ઉઘાડ થઈ શકશે અને તમે મોક્ષે જવાને લાયક થઈ શકશો. કારણ કે મોક્ષે મનુષ્યમાંથી જ જવાય છે. એટલે, જ્યારે મનુષ્યભવ મળે છે ત્યારે એ બહુ જ કિંમતી હોય છે. ૮૪ લાખ યોનિમાંથી જીવ પસાર થઈને કરોડો અવતાર પસાર કરે, ત્યાર પછી મનુષ્યભવ મળે જેની કિંમત પુષ્કળ છે. માણસોને આની કિંમત ખબર નથી. બધી જ ગતિમાં કિંમતીમાં કિંમતી મનુષ્યગતિ છે કે જે ગતિમાંથી મોક્ષપદ પામી શકાય છે; આત્મા પ્રાપ્ત કરી શકાય છે; જ્ઞાની મળી શકે છે.

જ્ઞાની મનુષ્યમાં જ હોય છે અને મનુષ્યને જ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનીની, તીર્થંકરોની દેશના સાંભળવા માટે દેવો પણ મનુષ્યભવ ઝંખતા હોય છે. એવો આ મહામૂલો મનુષ્યભવ આપણને મળ્યો તો છે; હવે એને સમજીને સાર્થક કરવો એ આપણો પુરુષાર્થ છે.

દેવગતિના દુઃખો

દેવગતિમાં અપાર સુખ હોય છે; ઈચ્છા કરતાં જ બધું હાજર થઈ જાય; સંકલ્પની સાથે જ સિદ્ધિ થઈ જાય. એમને બધું સુખ હોય. સુગંધીદાર વાતાવરણ હોય અપ્સરાના નૃત્યો હોય, સંગીત હોય. આખો વખત એમને સુખ જ ભોગવવાનું હોય. પુણ્યની કમાણી ભોગવવા માટે દેવગતિ છે. તેમને બાહ્ય સુખ ખૂબ હોય છે પરંતુ અંદર કષાયના દુઃખ ભરપટ્ટે હોય. એમને ઈર્ષ્યા, અદેખાઈ, મારા-તારી, વેરઝેર ખૂબ જ હોય.

dev gati

દેવગતિમાં માતાના પેટે જન્મવાનું કે ઘરડા થઈને મરવાનું નથી હોતું. જન્મે ત્યારે અને મરણ પામે ત્યારે યુવાનાવસ્થા જ હોય; સળંગ એ જ અવસ્થા હોય. જ્યારે એમનો મરણકાળ નજીક આવે, ત્યારે છ મહિના પહેલાં જ એમને સંકેત આવી જાય. એમના ગળામાં જે પુષ્પની માળા હોય એ કરમાઈ જાય. એટલે એમને ભયંકર દુઃખ શરૂ થઈ જાય. એમને અવધિજ્ઞાનથી દેખાય કે પોતે ક્યાંથી આવ્યા હતા અને એમનો જન્મ ક્યાં થશે. બધું મૂકીને જવાનું અને આગલો ભવ જોઈને વધારે ભોગવટો આવે. અંદરના કષાયના ભોગવટા બહુ હોય. બહાર તો પુષ્કળ સાહેબી હોય.

દેવગતિનું સુખ હોવા છતાં પણ એમને કષાયોનું દુઃખ તો હોય જ. કષાયના દુઃખોની મુક્તિ જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાંથી શરૂઆત થાય છે અને કેવળજ્ઞાન થઈને મોક્ષે જાય ત્યારે પૂર્ણાહુતિ થાય છે; ત્યાં કાયમ માટે પરમાનંદની અનુભૂતિ હોય છે.

નર્કગતિના દુઃખો

નર્કગતિનું યથાર્થ વર્ણન શબ્દોથી થઈ શકે એમ નથી. એવું કહેવાય છે કે તીર્થંકરો કે જ્ઞાનીઓ એ વર્ણન કરે તો કેટલાક ત્યાં ને ત્યાં જ મૂર્છા ખાઈને મરી જાય. નર્ક બે પ્રકારની છે: ઉષ્ણ અને શીત. બંનેમાં અનુક્રમે અતિશય ગરમી અને અતિશય ઠંડી હોય છે. આ ભોગવતાં ભોગવતાં, પછી એને એમ થાય કે આમાંથી છટકી જઉં, તો કોઈ રીતે આમાંથી છૂટાય એમ નથી. એનો દેહ પણ પારા જેવો હોય. ગમે એવું કાપે, ટુકડા કરે તો પણ ભોગવવું જ પડે. પારાના જેવા ટુકડા થાય તો એ પાછું ભેગું થઈ જાય. નારકી જીવોનો દેહ એવો હોય કે એ કપાય નહીં, એનો અંત આવે જ નહીં.

મનુષ્યભવમાં જે પાપકર્મો બાંધેલા હોય છે એ ભોગવવા માટે નર્કે જવું પડે છે. કોઈ વ્યભિચાર કરતો હોય, પરસ્ત્રીગમન કરતો હોય તો એને નર્કગતિ મળે છે. એને સજારૂપે ધગધગતી લોખંડની સ્ત્રીને આલિંગન આપવાનું. એ દઝાય અને પૂર્વકર્મો યાદ આવે. જેને દારૂની લત હોય એનું પણ એને ભયંકર ભોગવવાનું આવે. ધગધગતું લોખંડ પ્રવાહી કરીને એને પીવડાવવામાં આવે. એને અંદર લ્હાય લ્હાય બળે.

Narak gati

કાંટા ઉપર ચાલવાનું આવે, શરીરને કપડાંની જેમ ઢીબવામાં આવે, કરવતની જેમ કાપવામાં આવે અને તલ કે મગફળીની માફક પીલવામાં આવે. આ બધી વેદના એટલી જ થાય, છતાં શરીરનો અંત ન આવે, શરીર કપાય નહીં, એમાંથી છૂટાય નહીં અને ભોગવટો એટલો જ આવે. એટલી બધી ભયંકર નરકની વેદના છે.

મનુષ્યને પણ ભોગવવાનું આવે છે કેમ કે ભોગવટો માત્ર અહંકારને છે. તમામ દુઃખો અણસમજણથી ઊભા થયેલાં છે; ભ્રાંતિથી ઊભા થયેલાં છે. પોતે છીએ નહીં તેને હું છું માને છે એનું નામ ભ્રાંતિ. એટલે જે કંઈ આવે તે બધું મને જ થાય છે એવું એને મહીં ભાસ્યા કરે. પરિણામે, જે કંઈ દેહને થાય છે એ એને એમ થાય કે મને જ થાય છે. એ ભ્રાંતિથી બધા દુઃખો એને ભોગવવાના આવે છે. જ્યારે આ ભ્રાંતિ જાય છે, ત્યારે એને ભાન થાય છે કે હું દેહસ્વરૂપે છું જ નહીં; હું નામસ્વરૂપે, વાણીસ્વરૂપે, મનસ્વરૂપે હું છું જ નહીં, પણ હું તો આત્માસ્વરૂપે છું. આત્માસ્વરૂપનો અનુભવ થાય ત્યારે પોતાનો આનંદ ગુણ પ્રગટ થાય છે. મનુષ્યગતિમાં કોઈ જ્ઞાની પુરુષ મળે, આત્માનું ભાન કરાવે, ત્યારે આ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી અનંત અવતારથી લાખો-કરોડો વખત દેવગતિમાં ગયા, નર્કગતિમાં ગયા, મનુષ્યમાં અને તિર્યંચમાં ગયા તોય એનો પાર ન આવ્યો. દેવગતિ અને નર્કગતિનું આયુષ્ય તો લાખો વર્ષોનું છે; એનો પાર આવે એવું નથી.

આવા ભયંકર જન્મ-મરણના ચક્કરમાં આપણે કેટલાય અવતારોથી, કેટલાય કાળથી ભટકીએ છીએ. પણ એનો આરો નથી આવતો અને આરો લાવવા માટે આ મનુષ્યભવ આપણને મળ્યો છે, કિંમતીમાં કિંમતી છે. એની કિંમત સમજે તો માણસને પોતાના જીવન માટે ધન્ય ધન્ય લાગે.

શ્રી પદ્મપ્રભુ ભગવાન - નિર્વાણ

શ્રી પદ્મપ્રભુ ભગવાનની દેશનામાં ચાર ગતિના દુઃખોનું વર્ણન સાંભળીને કેટલાય લોકોને વૈરાગ્ય આવ્યો અને એમણે દીક્ષા ગ્રહણ કરી. તેમને ૧૦૭ ગણધરો, ૩,૩૦,૦૦૦ સાધુઓ, ૪,૨૦,૦૦૦ સાધ્વીઓ, ૧૨,૦૦૦ કેવળજ્ઞાનીઓ, ૨,૭૬,૦૦૦ શ્રાવકો અને ૫,૦૫,૦૦૦ શ્રાવિકાઓ હતા. ભગવાન સમ્મેદ શિખરજી પર્વત પરથી નિર્વાણ પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા.

તીર્થંકરોનું જીવન જ પારકા માટે હોય છે; એમને પોતાના માટે હોતું નથી. તેઓ ગર્ભમાંથી જ શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન લઈને આવેલા હોય છે. એમને જન્મથી જ જબરજસ્ત વૈરાગ્ય અને આત્મજ્ઞાનની ખૂબ ઊંડી સમજણ હોય છે. દીક્ષા પછી, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, આ બે જ જ્ઞાન પ્રાપ્ત કરવાના રહે છે. એ પ્રાપ્ત કર્યા પછી તેઓ આખા જગતમાં દેશના આપવા વિહાર કરે છે; તેઓ ગામેગામ ચાલીને વિચરતા હોય છે. લોકોને આત્માનો બોધ આપે છે અને મોક્ષે જવાનો જ માર્ગ ખુલ્લો કરી આપે છે. એવા તીર્થંકર ભગવાનને આપણા કોટિ કોટિ નમસ્કાર!

×
Share on