સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી શાંતિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી હતા. શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાનની જેમ તેમને પણ એક જ ભવમાં તીર્થંકર અને ચક્રવર્તી એમ બે પદવીઓ પ્રાપ્ત થયેલ હતી. ભગવાનની કાયા કનકવર્ણી અને તેમનું દેહપ્રમાણ ૪૦ ધનુષનું હતું.

શ્રી શાંતિનાથ ભગવાનનું લાંછન મૃગ છે. ગરૂડ યક્ષદેવ અને નિર્વાણી યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના પૂર્વભવો વિશે વાંચીએ.

શ્રી શાંતિનાથ ભગવાન - પહેલો ભવ, બીજો ભવ અને ત્રીજો ભવ

શ્રી શાંતિનાથ ભગવાનનો પ્રથમ ભવ રાજા શ્રીષેણ તરીકેનો હતો. એમને બે રાણીઓ હતી, અભિનંદિતા અને શિખિનંદિતા. એમને બે પુત્રો પણ હતા; તેઓ ખૂબ જ પ્રતાપી હતા.

જ્યારે બે પુત્રો યુવાન થયા ત્યારે રાજા શ્રીષેણે બંને પુત્રોના લગ્ન રાજકુમારીઓ સાથે ગોઠવ્યા. જ્યારે રાજકુમારીઓ લગ્ન માટે તેમના રાજ્યમાં આવી, ત્યારે તેમની સાથે એક નર્તકી પણ આવી હતી, જે અત્યંત સ્વરૂપવાન હતી. બંને રાજકુમારો નર્તકીને જોઈ તેના પર મોહી પડ્યા. છેવટે રાજકુમારી સાથે પરણવાનું તો બાજુ પર રહ્યું, પણ બન્ને ભાઈઓ તે નર્તકી પર મોહી પડીને એકબીજા સાથે લડવા લાગ્યા અને તેમની વચ્ચે યુદ્ધ પણ થયું.

રાજા શ્રીષેણ દ્વારા પણ ખૂબ જ સમજાવ્યા બાદ પણ મોહાંધ અને વિષયાંધ થયેલા એમના બે પુત્રો સમજ્યા નહીં. આ બધું જોઈને રાજા શ્રીષેણ બહુ જ દુઃખી થયા. છેવટે બીજો કોઈ રસ્તો ન દેખાતા રાજા શ્રીષેણે આપઘાત કર્યો. આ જોઈને તેમની રાણીઓ અભિનંદિતા અને શિખિનંદિતાએ પણ વિષ ગ્રહણ કરીને આત્મહત્યા કરી લીધી. બીજી તરફ રાજા શ્રીષેણની માનેલી બહેન સત્યભામાએ પણ આત્મહત્યા કરી લીધી.

જો આત્મહત્યા કરવામાં આવે તો પછીના ભવમાં વ્યક્તિનો સારો જન્મ થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. પણ રાજા શ્રીષેણ તો શાંતિનાથ ભગવાનનો પૂર્વભવ હતો અને તેમની પત્નીઓ તથા બહેન સત્યભામાએ પણ ભક્તિ અને ધર્મપરાયણ સહિત જીવન વ્યતીત કર્યું હતું; તેના પરિણામસ્વરૂપ આત્મહત્યા કરવા છતાં તેમનો આવતો ભવ બગડ્યો નહીં.

રાજા શ્રીષેણ અને રાણી અભિનંદિતાનો બીજો ભવ યુગલિક તરીકે થયો. આયુષ્ય પૂરું થયા બાદ એમનો ત્રીજો ભવ દેવગતિમાં થયો અને ત્યાં લાંબા કાળ સુધી એમણે દેવગતિના સુખો ભોગવ્યાં.

શ્રી શાંતિનાથ ભગવાન - ચોથો ભવ અને પાંચમો ભવ

દેવગતિમાં લાંબો કાળ વીતાવ્યા બાદ, શાંતિનાથ ભગવાનનો ચોથો ભવ વિદ્યાધર અમિતતેજ તરીકે થયો. તેમની બહેનનું નામ સુતારા (પૂર્વભવે સત્યભામા) હતું. સુતારાના લગ્ન શ્રીવિજય (પૂર્વભવે રાણી અભિનંદિતા) નામના રાજકુંવર સાથે થયા હતા. શ્રીવિજય એ ત્રિપુષ્ટ વાસુદેવના (મહાવીર સ્વામીનો એક પૂર્વભવ) પુત્ર હતા. આ રીતે વર્તમાન કાળચક્રના બે તીર્થંકરો પૂર્વભવમાં એકબીજા સાથે ભેગા થઈ ગયા હતા.

રાજકુંવર શ્રીવિજયની બહેન, જ્યોતિપ્રભા (પૂર્વભવે રાણી શિખિનંદિતા), રાજા અમિતતેજના પત્ની હતી. વિદ્યાધર અશનિઘોષે (પૂર્વભવે સત્યભામાનો પતિ) વિદ્યાધર અમિતતેજની બહેન સુતારાનું અપહરણ કર્યું. સુતારાના અપહરણ બાદ અશનિઘોષ અને શ્રીવિજય વચ્ચે મોટું યુદ્ધ થયું. યુદ્ધમાં અશનિઘોષ વિદ્યાધર હોવાને કારણે અનેક વિદ્યા અને માયાથી છળ-કપટ કરીને યુદ્ધ કરતો હતો. એવામાં જ વિદ્યાધર અમિતતેજ ત્યાં આવ્યા અને એમણે પણ કુશળ વિદ્યાના બળથી વિદ્યાધર અશનિઘોષને મરણતુલ્ય કરી દીધા અને વિજયી થયા. યુદ્ધમાંથી ભાગીને વિદ્યાધર અશનિઘોષ એક મુનિ મહારાજના શરણે ગયા અને દીક્ષા ગ્રહણ કરી. બીજી બાજુ વિદ્યાધર અમિતતેજે પણ મુનિ મહારાજ પાસે આવીને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો; પોતે કરેલા પાપોનું હૃદયપૂર્વક પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ કર્યું અને પોતાનું રાજ્ય શાંતિપૂર્ણ રીતે ચલાવવા લાગ્યા.

પછી, એક દિવસ રાજા અમિતતેજ મુનિ મહારાજ પાસે ગયા અને પૂછ્યું, ”હવે, મારું કેટલા વર્ષનું આયુષ્ય બાકી રહ્યું છે?” ત્યારે મુનિ મહારાજે કહ્યું, ”હવે તમારા આયુષ્યના માત્ર ૨૬ દિવસ જ બાકી રહ્યા છે.” આ સાંભળીને રાજા અમિતતેજને જબરજસ્ત વૈરાગ્ય આવ્યો અને એમનો બધો મોહ ખરી પડ્યો. મૃત્યુ હવે નજીક છે એમ જાણ થતાં જ રાજા અમિતતેજે મુનિ પાસે દીક્ષા લીધી અને ખૂબ ભક્તિ-આરાધનામાં સમય વિતાવ્યો.

diksha

આ જોઈને શ્રીવિજયને પણ દીક્ષા લઈને ભક્તિ-આરાધના કરવાના ભાવો થયા. રાજા શ્રીવિજયે પોતાના પિતા ત્રિપુષ્ટ વાસુદેવ જેવી જબરજસ્ત શક્તિ, વૈભવ અને બળવાનપણું પ્રાપ્ત થાય એવું નિયાણું બાંધીને જબરજસ્ત તપ કર્યું. નિયાણા મુજબ આવતા ભવે શ્રીવિજયને વાસુદેવ પદ પ્રાપ્ત થયું.

અંતે, શ્રીવિજય અને અમિતતેજનું મૃત્યુ થતાં એમનો પાંચમો ભવ દેવગતિમાં થયો.

શ્રી શાંતિનાથ ભગવાન - છઠ્ઠો ભવ અને સાતમો ભવ

છઠ્ઠા ભવે રાજા શ્રીષેણના જીવે અપરાજિત બળદેવ તરીકે જન્મ લીધો અને રાણી અભિનંદિતાના જીવે અનંતવીર્ય નામે વાસુદેવ તરીકે જન્મ લીધો. બાર ભવો સુધી રાજા શ્રીષેણ અને રાણી અભિનંદિતાના જીવે અલગ-અલગ સંબંધોના રૂપમાં એકસાથે જ જન્મ લીધા હતા. બળદેવ અપરાજિત અને વાસુદેવ અનંતવીર્યને એકબીજા પ્રત્યે અત્યંત સ્નેહ હતો.

જ્યારે બળદેવ અપરાજિત અને વાસુદેવ અનંતવીર્ય બંને યુવાવસ્થામાં આવ્યા, ત્યારે એક દિવસ બન્યું એવું કે તેઓ એક નર્તકીનું નાચગાન જોવામાં ખૂબ જ મશગુલ થઈ ગયા. એટલામાં નારદમુનિ એમના દરબારમાં આવ્યા પરંતુ બંને ભાઈઓ નૃત્ય જોવામાં એકાકાર હોવાને કારણે નારદજીને કોઈએ સરખો આવકાર ન આપ્યો અને એમને અપમાન લાગ્યું. નારદજીને બંને ભાઈઓ પ્રત્યે જબરજસ્ત વેર ઊભું થયું; અપમાનનો બદલો લેવા નારદજીએ પ્રતિવાસુદેવ દમિતારીને ઉશ્કેર્યા. અંતે, વાસુદેવ અનંતવીર્ય અને પ્રતિવાસુદેવ દમિતારી વચ્ચે મોટું યુદ્ધ થયું. નિયમ મુજબ પ્રતિવાસુદેવનું મૃત્યુ વાસુદેવના હાથે જ થાય. પ્રતિવાસુદેવ દમિતારીને હરાવીને વાસુદેવ અનંતવીર્યને અર્ધચક્રવર્તીનું પદ પ્રાપ્ત થયું.

બળદેવ અપરાજિત ખૂબ જ ભક્તિ-આરાધના કરીને સાતમા ભવે દેવગતિમાં જન્મ્યા.

શ્રી શાંતિનાથ ભગવાન - આઠમો ભવ અને નવમો ભવ

આઠમા ભવે શાંતિનાથ ભગવાનનો જીવ દેવગતિમાંથી ચ્યવીને વજ્રાયુધ ચક્રવર્તી તરીકે થયો. તેઓ ચક્રવર્તી એટલે આખી પૃથ્વીના અધિપતિ થયા. શ્રીષેણ રાજાની પ્રથમ ભવની પત્ની રાણી અભિનંદિતાનો જીવ આ ભવમાં વજ્રાયુધ ચક્રવર્તીના પુત્ર સહસ્ત્રાયુધ તરીકે આવ્યો.

વજ્રાયુધ ચક્રવર્તી તરીકેનું આયુષ્ય પૂરું થયા બાદ શાંતિનાથ ભગવાનનો નવમો ભવ દેવગતિમાં થયો.

શ્રી શાંતિનાથ ભગવાન - દસમો ભવ અને અગિયારમો ભવ

દેવગતિનું લાંબુ આયુષ્ય પૂરું થયા બાદ, શાંતિનાથ ભગવાનનો દસમો ભવ મેઘરથ રાજા તરીકે થયો. મેઘરથ રાજાના જીવનમાં એક ખૂબ જ સુંદર કરુણામય એવો પ્રસંગ બન્યો. એમની કરુણા આખા જગતને આફરીન કરી નાખે એવી હતી.

shantinath bhagwan

એક વખત મેઘરથ રાજા પોતાના મહેલમાં બેઠા હતા, ત્યારે અચાનક એક કબૂતર દૂરથી એકદમ ઊડતું-ફફડતું આવ્યું કારણ કે પાછળ બાજ પક્ષી એનો પીછો કરી રહ્યું હતું. એવામાં એકાએક એ કબૂતર મેઘરથ રાજાના ખોળામાં પડ્યું; તે તરત જ, જાણે મનુષ્યની ભાષામાં બોલતું હોય એમ ભયભીત અવાજે, વિનંતી કરી, ”મને તમે રક્ષણ આપો; આ બાજ પક્ષી મને મારી નાખવા માંગે છે.” ત્યારે મેઘરથ રાજા તો વીતરાગ ધર્મ પાળતા હોવાને કારણે એમની પાસે કરુણાનો ગુણ હતો પણ સાથે ક્ષત્રિય ગુણો પણ હતા. ક્ષત્રિયનો એ ગુણ બહુ જ ઊંચો હોય છે કે જો કોઈ એમના શરણમાં આવે તો એની માટે પોતાનું માથું પણ કાપી દે અને એને રક્ષણ આપે.

મેઘરથ રાજાએ કબૂતરને અભયદાન આપ્યું અને સાથે ખાતરી આપી, “હવે, કોઈ પણ સંજોગોમાં હું તને બચાવીશ.” બીજી બાજુ બાજ પક્ષી આવ્યું અને તેણે રાજાને કહ્યું, ”તમે મારું ભક્ષ્ય કેમ લઈ લીધું? હું તો ભૂખથી ટળવળું છું!” રાજાએ બાજ પક્ષીને ભક્ષ્ય તરીકે બીજો આહાર લેવાનું જણાવ્યું અને કહ્યું કે કોઈ જીવને મારવાથી નર્કગતિ સુધીનું પાપ બંધાય છે. સાથે રાજાએ એ પણ કહ્યું, “આ કબૂતર તારાથી ખૂબ જ ભયભીત છે. હું તને જે ખાવું હોય એ આપું, પરંતુ કોઈ જીવ ન ખાઈશ. એ મારે આશ્રિત આવેલું છે.”

મોટામાં મોટી અહિંસા એમાં છે કે કોઈ પણ જીવને ખવાય નહીં. એકેન્દ્રિય એકલાની જ છૂટ છે; એ સિવાય બે ઇન્દ્રિયથી ઉપર કોઈ પણ જીવને ન ખવાય. કારણ કે બે ઇન્દ્રિયથી ઉપરના બધા જીવો ત્રસ જીવો ગણાય છે. ત્રસ જીવો એટલે કે જે આપણને જોઈને ત્રાસ પામે અને નાસી જાય. મેઘરથ રાજાએ બાજ પક્ષીને સમજાવવાના અથાગ પ્રયત્નો કર્યા બાદ પણ તે માન્યો નહીં અને કહ્યું, ”હું તો માંસાહારનો જ ભોગી છું.” અંતે, મેઘરથ રાજાએ પ્રસ્તાવ મૂક્યો, “તને જો માંસ જ ખાવું હોય તો બદલામાં હું તને મારું માંસ આપું છું, પણ તું કબૂતરને ના મારીશ.” બાજ પક્ષીએ રાજાની આ વાત કબૂલ કરી.

મેઘરથ રાજાએ ત્રાજવું લીધું. એક તરફ તેમણે કબૂતરને મૂક્યું, અને બીજી તરફ તેઓ એટલા જ વજનનું માંસ પોતાના શરીરમાંથી કાપી કાપીને મૂકવા લાગ્યા. એક બાજુ રાજા માંસ મૂકતા ગયા, પણ પેલું કબૂતરવાળું ત્રાજવું ઊંચું ને ઊંચું જ રહ્યું; તે સમતોલ આવ્યું જ નહીં. અંતે, મેઘરથ રાજા પોતે જ ત્રાજવામાં બેસી ગયા.

shantinath bhagwan

આ જોઈ તેમના બધા પરિવારજનો અને મંત્રીઓમાં હાહાકાર મચી ગયો અને બધાને લાગ્યું કે બાજ એ નક્કી કોઈ માયાવી જીવ હતો. તેમણે રાજાને કહ્યું, “આ તમે શું કરો છો? આ એક માયાવી માટે તમે અમને બધાને દુઃખી કરો છો? તમારો ધર્મ રાજ્યનું રક્ષણ કરવાનો છે. એક કબૂતર માટે તમે મરવા બેઠા તો રાજ્યનું શું થશે?” પરંતુ રાજા પોતાના નિશ્ચયથી જરા પણ ચલિત થયા નહીં. અંતે, રાજા તો ત્રાજવા પર બેસીને પોતાનો જીવ અર્પણ કરવા તૈયાર થયા.

ત્યારે પક્ષીમાંથી દેવ બહાર આવ્યા અને તેમણે મેઘરથ રાજાને નમીને વંદન કર્યા. તે દેવે મેઘરથ રાજા પ્રત્યે ખૂબ જ અહોભાવ વ્યકત કર્યો. તેમણે મેઘરથ રાજાને નમસ્કાર કરીને કહ્યું, ”મને ક્ષમા કરો; મેં ભૂલ કરી છે. હું તો દેવ છું. જ્યારે આ બાજ પક્ષી તો પૂર્વભવના વેરથી કબૂતરને મારવા જતું હતું ત્યારે મેં માયાવી રૂપ ધારણ કરીને બંનેમાં પ્રવેશ કર્યો અને તમારી પાસે આવ્યો. જ્યારે દેવગતિમાં તમારી કરુણા અને જીવદયા માટે પ્રશંસા થતી હતી ત્યારે મને તમારી પ્રત્યે ઈર્ષ્યા ઊભી થઈ. દેવો કહેતા હતા કે તમારા જેવી જીવદયા આ પૃથ્વી પર કોઈની નથી. ત્યારે મેં તમારી પરીક્ષા કરવાનું નક્કી કર્યું. જેથી હું અહીં આવ્યો અને મારા લીધે તમે દુઃખી થયા. તમે મારી પરીક્ષામાંથી ઉત્કૃષ્ટ રીતે પાર થયા છો.” ત્યારબાદ, બંને પક્ષીઓ ઉડીને જતાં રહ્યા અને દેવ પણ મેઘરથ રાજાને વિનંતી કરી અને માફી માંગીને પ્રસ્થાન કર્યું. આપણા શાસ્ત્રમાં મેઘરથ રાજાની જીવદયાનું જબરજસ્ત ઉદાહરણ છે.

તીર્થંકરો, જ્ઞાનીઓ અને આચાર્યોએ જીવદયાને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. કોઈ પણ જીવને આપણા નિમિત્તે દુઃખ તો ન જ થવું જોઈએ અને હિંસા પણ ન થવી જોઈએ. દુઃખ એટલે સૂક્ષ્મ અને સ્થૂળ હિંસા પણ ન થવી જોઈએ. જેને મોક્ષે જવું હોય એનાથી આખા જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન થાય, ત્યારે એ મોક્ષને લાયક થયો કહેવાય અને મોક્ષ માટે એની પાત્રતા એનામાં આવી ગઈ કહેવાય.

પરમ પૂજ્ય દાદા ભગવાન પણ પોતાનાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન થાય એવું જીવન જીવી ગયા. તેઓશ્રી શીખવાડતા હતા કે આપણે દરરોજ સવારે સાચા દિલથી આપણા અંદરવાળા પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરવી અને બોલવું, ”પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુ:ખ ન હો, ન હો, ન હો.” આવું દિવસમાં દરરોજ પાંચ વખત સાચા દિલથી બોલવું જોઈએ. તેમ છતાં આપણાથી કોઈને દુઃખ થઈ જાય તો એના હૃદયપૂર્વક પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરીને દોષમાંથી છૂટી શકાય એમ છે. આમ કરવાથી આવતા ભવ માટે કર્મો બંધાતા નથી. માનવતા કોને કહેવાય કે કોઈ મને મારી નાખે તો મને કેવું થાય, તો એવું હું પણ કોઈને મારી નાખીશ તો એને કેવું થશે એવો અનુભવ થવો.

અંતે, મેઘરથ રાજાએ દીક્ષા લઈને ખૂબ જ તપ કરીને અને ઉચ્ચકોટિની જીવદયાને કારણે એમનો અગિયારમો ભવ દેવગતિમાં થયો.

શ્રી શાંતિનાથ ભગવાન - જન્મ

દેવગતિમાંથી ચ્યવીને શાંતિનાથ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની હસ્તિનાપુર નગરીમાં રાજા વિશ્વસેન અને રાણી અચિરા દેવીને ત્યાં થયો. રાજા વિશ્વસેન અને રાણી અચિરા દેવી સુંદર રીતે રાજપાઠ ચાલવતા હતાં; તેઓ ખૂબ જ સાત્વિક અને પ્રજાવત્સલ સ્વભાવના હતાં. રાણી અચિરા દેવીના ગર્ભમાં તીર્થંકર ભગવાનનું ચ્યવન થતાં જ દેવોમાં આનંદ-ઉલ્લાસ વ્યાપી ઊઠ્યો હતો. આખી પૃથ્વી પર આનંદનું વાતાવરણ વ્યાપી ગયું હતું.

શાંતિનાથ ભગવાનના જન્મ પહેલાં રાજા વિશ્વસેનના રાજ્યમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે રોગચાળા પર કોઈ રીતે નિયંત્રણ લાવી શકાય એમ નહોતું. જ્યારે તીર્થંકર ભગવાનનું ચ્યવન થાય ત્યારે સમગ્ર પૃથ્વી પર વાતાવરણ બદલાઈ જાય છે; ત્યારે ભયંકર રોગચાળા એની મેળે જ શાંત થઈ જાય છે.

શાંતિનાથ ભગવાનના જન્મ સમયે પણ આવું જ કંઈક બન્યું હતું. રાણી અચિરા દેવીના ગર્ભમાં શાંતિનાથ ભગવાનનું ચ્યવન થતાં જ એમના રાજ્યમાં ફેલાયેલો ભયંકર એવો રોગચાળો એકદમ શાંત થઈ ગયો. આ પરથી રાજા વિશ્વસેને ભગવાનનું નામ ‘શાંતિનાથ’ રાખ્યું.

બાળપણ, લગ્ન અને દીક્ષા

શ્રી શાંતિનાથ ભગવાનનું બાળપણ ખૂબ જ લાડકોડમાં ઊછર્યું હતું અને તેઓ બધા જ પ્રકારની વિદ્યા અને સંસ્કારોથી નિપુણ હતા. યુવાવસ્થામાં આવતા જ માતા-પિતાની વિનંતીથી એમના લગ્ન થયા. રાજકુમાર શાંતિનાથના લગ્ન રાજકુમારી યશોમતી સાથે થયા હતા. તેમને પુત્ર થયો જેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યું.

ચક્રાયુધ એ, એ જ જીવ હતો કે જે શાંતિનાથ ભગવાનના પ્રથમ ભવમાં રાજા શ્રીષેણની પત્ની અભિનંદિતાના રૂપે હતો. આ બંને જીવો છેલ્લા બાર ભવોથી સાથે ને સાથે જ હતા; અંતિમ ભવમાં એ જીવ ભગવાન શાંતિનાથના પુત્ર ચક્રાયુધ રૂપે જન્મ્યો હતો. આવી રીતે, આપણી આસપાસના સંબંધો પણ ઋણાનુબંધના હિસાબરૂપે જ આવેલા હોય છે.

અમુક કાળ વીત્યા બાદ રાજા વિશ્વસેને રાજકુમાર શાંતિનાથને રાજગાદી પર બેસાડ્યા. પછી રાજા શાંતિનાથે દુનિયાના એકેએક દેશોને જીતીને તેના પર વિજય મેળવ્યો. રાજા શાંતિનાથને ચૌદ રત્નોની પ્રાપ્તિ થઈ. ચક્રરત્નની પ્રાપ્તિથી આખી પૃથ્વી પર વિજય મેળવી રાજા શાંતિનાથ આ કાળના પાંચમા ચક્રવર્તી થયા.

શાંતિનાથ ભગવાન એ જ ભવે ચક્રવર્તી થયા અને સાથે સાથે તીર્થંકર પણ થયા. ચક્રવર્તી રાજાઓના યુદ્ધ પણ જબરજસ્ત હોય છે. શાંતિનાથ ભગવાન પણ એ જ ભવે ચક્રવર્તી થઈને યુદ્ધ લડ્યા, દીક્ષા લીધી અને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે પણ ગયા. એટલું જ નહીં પરંતુ તીર્થંકર થઈને કરોડો જીવોને પોતાની સાથે મોક્ષે લઈ ગયા.

ચક્રવર્તી તરીકે ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવ્યા બાદ દેવોની વિનંતીથી શાંતિનાથ ભગવાને દીક્ષા લીધી અને એક વર્ષ સુધી વર્ષીદાન કર્યું. દીક્ષા લીધાના એક વર્ષમાં જ શાંતિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું!

દેશના - ઇન્દ્રિયો ઉપર વિજય

શ્રી શાંતિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ દેવોએ સમોવસરણની રચના કરી અને ભગવાને એમાં બિરાજીને લોકોને દેશના આપી. શાંતિનાથ ભગવાને દેશનામાં ઇન્દ્રિયો પર વિજય મેળવવાની વાત કરી. બધી ઇન્દ્રિયો પર વિજય મેળવીને જિતેન્દ્રિય જિન કઈ રીતે થવાય એ વિશે ભગવાને દેશનામાં સમજાવ્યું.

deshna

અજ્ઞાન દશામાં ઇન્દ્રિયો આપણને જીતી લે છે; એટલે આપણે બધા જિતેન્દ્રિય જિનને બદલે જિતેન્દ્રિય જીવ થઈ ગયા. જિનનો અર્થ થાય આત્મજ્ઞાની. ઇન્દ્રિયોને જીતવા માટે બધા બહુ પ્રયાસ કરે છે, પણ એને જીતવું એટલું સરળ નથી. આપણે મુખ્યત્વે પાંચ જ્ઞાનેન્દ્રિયોને જીતવાની હોય છે; કર્મેન્દ્રિયોને જીતવાની જરૂર નથી. પાંચ જ્ઞાનેન્દ્રિયો જીતાઈ એટલે એમાં બધું જ જીતાઈ ગયું.

સ્વાદેન્‍દ્રિય

જમતી વખતે આપણે થાળીમાં આવેલી દરેક વસ્તુના સ્વાદ પ્રત્યે જાગ્રત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. થાળીમાં રહેલ વસ્તુનું વિગતવાર વિશ્લેષણ કરવાથી સ્વાદેન્‍દ્રિયને જીતી શકાશે.

આપણે વર્તમાનમાં રહીને પ્રાપ્તને ભોગવવું જોઈએ; અપ્રાપ્તની ચિંતા શા માટે કરવી? અત્યારે મોટે ભાગે લોકો પ્રાપ્તને ભોગવી શકતા નથી અને અપ્રાપ્ત માટે ભયંકર ભોગવટો લઈને બેસે છે. જ્યારે આનાથી વિરુદ્ધ જ્ઞાનીઓ હંમેશા વર્તમાનમાં જ રહે છે. જમતી વખતે જમે; કામના સમયે કામ કરે.

નિયમ એવો છે કે આપણી થાળીમાં જે કંઈપણ આવે છે તે ખાનારના હિસાબે આવે છે; બનાવનારા તો ભાવથી અને પ્રેમથી જ બનાવતા હોય છે. આપણે સ્વાદેન્‍દ્રિયોમાં જ્યાં તન્મયાકાર થઈ જઈએ છીએ તે બાબતે આપણે જાગ્રત રહેવાની જરૂર છે.

સ્પર્શેન્‍દ્રિય

સ્પર્શથી મનુષ્યને સુખ લાગે છે. ઠંડી-ગરમી આ બધું સ્પર્શેન્‍દ્રિયને લાગુ પડે છે. એમાં મનને કે સ્વાદને જરાય લાગતું-વળગતું નથી. ઠંડી કે ગરમી લાગવી એ માત્ર સ્પર્શથી માનસિક અસરોને ઉત્પન્ન કરનારું છે. ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે આપણે જેટલું વધુ એનું ધ્યાન રાખીશું, એટલી વધારે તે નિયંત્રણની બહાર જતી રહેશે.

વાસ્તવમાં આપણે આત્માનું સુખ છોડીને પુદ્ગલ સુખમાં અટવાયા છીએ. આત્મસુખમાં રહેવાથી ઇન્દ્રિય સુખો એની મેળે ખરી પડે એવા છે.

અહંકારે કરીને ઇન્દ્રિયો પર નિયંત્રણ લાવી શકાય એમ નથી; કારણ કે જેવો અહંકાર ભગ્ન થશે એમ બધી ઇન્દ્રિયો આપણા પર પાછી હાવી થઈ જશે. પુદ્ગલ સુખ એ અનાત્મ વિભાગનું સુખ છે. પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિયનું સુખ જો આપણે લેવા જઈશું, તો આજે નહીં તો કાલે આ પુદ્ગલ સુખનું રીપેમેન્ટ આપવું પડશે.

સૌથી વધુમાં વધુ જોખમી એવું વિષયસુખ સ્પર્શેન્દ્રિયને અડે છે; બાકી બીજી કોઈ ઇન્દ્રિયને વિષયસુખમાં રસ નથી. વિષય તો આંખોને જોવો ન ગમે, કાનને સાંભળવો ન ગમે, નાકને સૂંઘવો ગમે નહીં અને સ્વાદ તો એમાં છે જ નહીં. માત્ર એક સ્પર્શસુખને કારણે વિષયથી બહુ બધી હિંસા થાય છે.

નિયમ એવો છે કે જ્યાં સુધી પુદ્ગલમાં સુખ લાગશે ત્યાં સુધી આપણે આત્માના સુખ તરફ નહીં જઈ શકીએ. જેને ખરેખર આત્મસુખ પામવું હોય અથવા જે આત્મસુખ પામી ગયા હોય એને પુદ્ગલ સુખમાં રસ નથી હોતો. આ કાળમાં તો વિષયસુખને જ લોકોએ સર્વસ્વ માની લીધું છે. વિષયસુખ એ પણ ખોટી માન્યતાના આધારે છે; હકીકતમાં એમાં સુખ છે જ નહીં.

વિષયસુખથી સંસાર વધ્યા કરે છે. એક વાર વિષયમાં પડવાથી ક્રોધ-માન-માયા-લોભ બધા જ કષાયો ચડી બેસે છે. આત્મસુખ તરફ જવાની વૃત્તિઓ જ થતી નથી. જો આત્મસુખ ચાખવું હોય તો વિષયસુખમાંથી બહાર નીકળીને આત્મા તરફ આવવું પડે છે. જ્ઞાનીઓ નિરંતર આત્મસુખમાં જ હોય છે. પુદ્ગલ સુખ હોય કે ન હોય, જ્ઞાનીઓ તો એકધારા નિરંતર આત્મસુખમાં જ હોય છે. બહાર ભલે આકુળતા-વ્યાકુળતા હોય પણ જ્ઞાનીઓને અંદર કાયમ નિરાકુળતા હોય છે. જ્ઞાનીઓને આધિ-વ્યાધિ-ઉપાધિમાં પણ અંદર નિરંતર સમાધિ વર્તાતી હોય છે. આત્મસુખથી અંદર સમાધિ વર્તે છે.

જોવાની ઇન્‍દ્રિય

જ્યારે આંખો કોઈ સુંદર વસ્તુને જુએ છે, ત્યારે તરત જ તે આકર્ષાય છે. આંખોથી જેટલો દુરુપયોગ કર્યો હોય તેટલો જ મહીં વિકાર ઉત્પન્ન થાય છે. સામી વ્યક્તિમાં આત્મા જોવાના બદલે આપણે એનું રૂપ, દેહ જોઈએ છીએ અને એનાથી વિકાર ઉત્પન્ન થાય છે.

નિયમ એવો છે કે જે ઇન્દ્રિયનો દુરુપયોગ કર્યો એ ઇન્દ્રિય તમને દગો દેશે. આગળ જતાં એ ઇન્દ્રિયની ખોડખાંપણ ઊભી થશે; એની બીમારી ઊભી થશે. ઉદાહરણ તરીકે, વધુ પડતું ટીવી જોવું, મોબાઈલ અથવા ઈન્‍ટરનેટથી વ્યક્તિની આંખોના ચશ્માના નંબર પણ વધી જાય છે; વધુમાં વધુ ઘડપણમાં આંખોમાં મોતિયા આવે છે. આ બધાની પાછળ આપણે પૂર્વે કરેલા પાપ કર્મનું ફળ છે.

નિયમ એવો છે કે જેની જોડે આપણી દૃષ્ટિ બગડી હોય તેની જોડે એક ભવ હિસાબ કાઢવો પડે છે; એ વ્યક્તિ છોડશે નહીં આપણને. માટે જ્યાં જ્યાં આવી દૃષ્ટિ બગડી હોય તો એક કલાક બેસીને નાનપણથી અત્યાર સુધી જેની સાથે દૃષ્ટિ બગડી હોય એવી એક-એક વ્યક્તિને યાદ કરીને એના પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરવું પડે છે. આમ કરવાથી એ વ્યક્તિઓ સાથેનો આવતા ભવ માટેનો આપણો હિસાબ બંધાતો નથી.

માટે કહ્યું છે, “દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.” માટે દૃષ્ટિ પડતાંની સાથે જ આપણે ચેતી જઈએ તો એ દોષ થાય જ નહીં અને જો દૃષ્ટિ ચોંટી ગઈ તો એ આપણને છોડશે નહીં. પ્રતિકમણ કરવાથી દૃષ્ટિ નિર્મળ થશે.

ઘ્રાણેન્દ્રિય

નાકની ઇન્દ્રિય જેને ઘ્રાણેન્દ્રિય કહેવામાં આવે છે તેને સુગંધ દ્વારા અનુભવી શકાય છે. આપણને હંમેશા સુગંધ ગમતી હોય છે, દુર્ગંધ નહીં. જો આપણે સુગંધમાં વીતરાગ રહી શકીએ તો દુર્ગંધમાં પણ વીતરાગ રહી શકાય એવું છે.

આજકાલ લોકો સુગંધી અત્તર અને બીજા સૌંદર્યના સાધનોના ઉપાયો કરે છે. આ બધું બાહ્ય દેહ માટે જ કરીએ છીએ. વાસ્તવમાં તો સુગંધ અંદરની હોવી જોઈએ. ખરા શ્રેષ્ઠીની સુગંધ તો ૨૫-૨૫ માઈલો સુધી આવે છે. જ્યારે આપણને સુગંધ કે દુર્ગંધના પરિણામો જ ઊભા ન થાય ત્યારે ઘ્રાણેન્દ્રિય પર આપણને નિયંત્રણ આવ્યું એમ કહેવાય છે.

શ્રવણેન્દ્રિય

શ્રવણેન્દ્રિયનો ઉપયોગ બહુ બધી રીતે થતો હોય છે. ખરેખર તો આપણે સાંસારિક વ્યવહારો માટે મદદરૂપ થતું હોય તેટલું અને સત્ શાસ્ત્રોનું જ્યાં પઠન થતું હોય એ આપણે સાંભળીએ; જ્ઞાનીઓ, તીર્થંકરો અને મહાન પુરુષોના ચરિત્રો જ્યાં ગવાતા હોય તે સાંભળવા માટે આ કાનનો ઉપયોગ કરવા જેવો છે. આપણે જો શ્રવણેન્દ્રિયનો સારી રીતે ઉપયોગ કરીએ તો શુભ કર્મ એટલે કે પુણ્ય બંધાય છે અને જો આપણે આ ઇન્દ્રિયનો દુરુપયોગ કરીએ તો કાને બહેરાશ આવી જાય છે.

જ્યારે કોઈની સાચી વાત આપણે સાંભળીએ નહીં, એને નકારી દઈએ તો એ કર્મના ફળરૂપે બહેરાશ આવે છે. જે જે ઇન્દ્રિયનો દુરુપયોગ કરીએ એ ઇન્દ્રિયનું, કર્મનું ફળ આવ્યા વગર રહે નહીં. બીજી પ્રકારે દુરુપયોગ એ રીતે થતો હોય છે કે જ્યારે કોઈ આપણા વિશે વાતો કરે અથવા જ્યારે કોઈ સારું બોલે તો આપણે ખુશ થઈએ અને જો કોઈ વાંકું બોલે તો અપમાન લાગે. ક્યારેક આપણે માથાકૂટ કરીને બીજાની વાતો સંભાળવાનો પ્રયત્ન કરીએ, પછી ભલે આપણને ન સંભળાતું હોય તો પણ અંદર કુતૂહલવૃત્તિ રહે કે મારા વિશે આ લોકો શું બોલતા હશે! આવા પ્રકારે શંકા કરવાથી ભયંકર કર્મબંધન થાય છે.

આપણને પોતાના પર આત્મવિશ્વાસ હોવો જોઈએ, ”લોકોને જે કહેવું હોય તે કહે, મને ખબર છે કે હું પ્યૉર છું.” ઘણીવાર આપણને શંકા રહેતી હોય છે કે એ લોકો આપણી વાત કરે છે પણ આમ કરવાથી આપણે મોક્ષમાર્ગથી દૂર થઈ જઈએ છીએ.

ઘણાં મહાન પુરુષોના પણ વિરોધીઓ હતા જેમ કે ભગવાન મહાવીર સામે ગોશાળો અને કૃષ્ણ ભગવાન સામે શિશુપાલ વિરોધી થયેલા હતા. પરંતુ તેઓ આત્મસ્વરૂપે જ રહ્યા હતા; એમને કંઈ અડતું જ ન હતું. પ્યૉર વ્યક્તિને ભોગવટો ન હોય.

સામો જો આપણા વિશે નેગેટિવ બોલે તો સમજવું કે એ દેહને કહે છે; મન-વચન-કાયા તો મારું સાચું સ્વરૂપ જ નથી. “મારે તો કેવળ એક મોક્ષે જ જવું છે.” - ફક્ત આ જ એક કામના આપણને હોવી જોઈએ.

ઇન્‍દ્રિયો પર વિજય કેવી રીતે મેળવવો?

ઇન્દ્રિયોને નિયંત્રણ કરવાથી તે વશ થાય એમ નથી; એ સમજણથી જ્ઞાનપૂર્વક ખરી પડવી જોઈએ. પાંચ ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે જો આપણે એક પણ ઇન્દ્રિયને નિયંત્રણમાં લાવીશું, તો બીજી ઇન્દ્રિય આપણા પર હાવી થઈ જશે. ઉદાહરણ તરીકે, જો વિષયને જીત્યા તો માન હાવી થશે; લોભ જીત્યા તો સ્વાદેન્દ્રિય હાવી થશે.

આ બધામાંથી મુક્ત થવા માટે જ્ઞાનીની જરૂર છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી ઇન્દ્રિયોથી પર થવાય એમ છે. જેમ જેમ દેહથી જુદા રહેવાશે, તેમ તેમ એની મેળે ઇન્દ્રિયો વશ થઈ જશે.

જ્યારે આત્મજ્ઞાન થાય છે, ત્યારે પોતે જિતેન્દ્રિય જિન થાય છે. આત્મજ્ઞાન થયા પછી જેમ જેમ મોહ ખરતો જાય, એના બધા કર્મોમાંથી છૂટતો જાય ત્યારે એની પ્રગતિ થતી જાય તેમ તેમ જીતમોહ જિનનું પદ એને મળે છે. અને જ્યારે સંપૂર્ણ મોહ ખરી પડે છે ને કેવળ આત્મસ્વરૂપ થાય છે, એને ક્ષીણમોહ જિન કહેવાય છે; ત્યાં કેવળજ્ઞાન આવીને ઊભું રહે છે.

અજ્ઞાન દશામાં ઇન્દ્રિયો આપણા પર હાવી થાય છે અને આત્મજ્ઞાન થયા પછી આ બધી જ ઇન્દ્રિયો પર આપણે વિજય મેળવીએ છીએ. જ્યાં સુધી આપણે કર્તાપદમાં છીએ, ત્યાં સુધી બધી ઇન્દ્રિયો આપણા પર સવાર છે; વાસ્તવમાં કર્તા કોણ છે અને સંજોગો કોણ ચાલવે છે, એ જાણવાથી ઇન્દ્રિયો વશ થાય એમ છે.

નિર્વાણ

શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રાયુધ એમના પ્રથમ ગણધર હતા. ભગવાનને કુલ ૩૬ ગણધરો હતા. હજારો સાધુ-સાધ્વીઓ સાથે શાંતિનાથ ભગવાન સમેત શિખરજી પર્વત પરથી મોક્ષે પધાર્યા.

×
Share on