તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન વર્તમાન કાળચક્રના દસમા તીર્થંકર હતા. ભગવાનની કાયા સુવર્ણવર્ણી અને તેમનું દેહપ્રમાણ ૯૦ ધનુષનું હતું.
શ્રી શીતલનાથ ભગવાનનું લાંછન શ્રીવત્સ છે. બ્રહ્મ યક્ષદેવ અને અશોકા યક્ષિણીદેવી તેમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.
તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાનનો પ્રથમ ભવ પુષ્કરવર દ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં વજ્રવિજયમાં આવેલી સુસિમા નગરીના પદ્મોત્તર રાજા તરીકેનો હતો.
પદ્મોત્તર રાજા ખૂબ જ દયા અને કરુણાવાળા હતા. તેઓ ખૂબ જ ધર્મ અને આરાધનામાં સમય વિતાવતા હતા અને નિરંતર એ જ જાગૃતિમાં રહેતા હતા કે ક્યારે એમના સંસાર ત્યાગનો ઉદય આવે અને ક્યારે આ સંસારમાંથી છૂટે. રાત-દિવસ એમની ચિંતવનામાં એ જ ચાલતું રહેતું હતું કે, “મારે આ સંસારના બંધનોમાંથી છૂટવું છે.” એમને સંસાર બંધનયુક્ત લાગતો હતો. એમને કાયમ “હું ક્યારે છૂટું, ક્યારે દીક્ષા લઉં, ક્યારે મોક્ષે જઉં!” એ જ ભાવના નિરંતર રહેતી હતી.
સંસાર એક બંધન છે એવું અનુભવમાં આવે એ એક બહુ મોટી જાગૃતિ થઈ કહેવાય. સામાન્યપણે, આપણે જોઈએ તો આ સંસાર એક બંધન છે એનું ભાન જ નથી થતું. મોહના આવરણને લઈને મૂર્છિતપણે બધુ ગમતું જ હોય છે. ખરેખર, કોઈ વસ્તુ આપણને કાયમી સુખ આપી શકતી નથી. સંસાર એ એક બંધન છે એવી જાગૃતિ ઉત્પન્ન થાય, ત્યાર પછી જ મોક્ષ માટેનું ઉપાદાન(આધ્યાત્મિક તૈયારી) તૈયાર થયું કહેવાય અને ત્યારે જ સંસારથી છૂટવા માટેની તલપ લાગી કહેવાય.
પદ્મોત્તર રાજાએ બધાની પરવાનગી લઈને દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ ખૂબ જ ભક્તિ-આરાધના કરી. વીસ સ્થાનકોની આરાધના કરીને એમને તીર્થંકર ગોત્ર બંધાયું.
પદ્મોત્તર રાજાનું આયુષ્ય કર્મ પૂરું થતાં એમનો આવતો ભવ દસમા દેવલોકમાં થયો. દેવગતિમાં અત્યંત સુખ-વૈભવ હોવા છતાં પદ્મોત્તર રાજાનો જીવ સમકિત સહિત હોવાને કારણે તેઓ ભૌતિક સુખોમાં જરાય તન્મયાકાર થતા ન હતા. સમકિતી દેવો બાહ્ય રીતે સુખ ભોગવતા હોય પરંતુ અંદર પોતે એ સુખોને માણે નહીં; તેનાથી વિરક્ત રહે છે. તેઓ કાયમ આત્માના સુખમાં જ હોય.
દસમા દેવલોકમાંથી ચ્યવીને શ્રી શીતલનાથ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રના ભારત દેશમાં ભદ્દિલપુર નગરીના દ્રઢરથ રાજા અને નંદા રાણીને ત્યાં થયો હતો.
શીતલનાથ ભગવાન જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે એમના પિતા દ્રઢરથ રાજાને ભયંકર તાવ આવ્યો હતો. જીવ નીકળી જાય એટલી હદે એમનું શરીર તપી ગયું હતું. તાવના કારણે એમને ભયંકર વેદના થતી હતી; એમના આખા શરીરે, આંખોમાં, માથામાં, પેટમાં બધે લ્હાય-લ્હાય થતી હતી. એવામાં નંદા રાણી જેમના ગર્ભમાં તીર્થંકર ભગવાન બિરાજમાન હતા તેમણે પોતાના હાથે દ્રઢરથ રાજાને સ્પર્શ કર્યો અને એ સ્પર્શથી રાજાના શરીરનો બધો જ જ્વર જતો રહ્યો. એમનું આખું શરીર એકદમ શીતળ અને ઠંડુંગાર થઈ ગયું. આ પ્રસંગ પરથી જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે એમનું નામ ‘શીતલનાથ’ રાખવામાં આવ્યું.
સમય જતાં શીતલનાથ ભગવાનના લગ્ન થયા, પછી એમણે દીક્ષા લીધી અને કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન થયા બાદ ભગવાને દેશના આપવાનું શરૂ કર્યું અને એમની દેશના સાંભળીને ઘણા લોકોએ દીક્ષા લીધી. જુદા જુદા દેશ અને કાળને આધીન તીર્થંકર ભગવાનની દેશના નીકળે છે.
શ્રી શીતલનાથ ભગવાનની સંવર ભાવના પર દેશના ખૂબ જ સુંદર વખણાય છે.
સંવર એટલે નવા કર્મો બંધાય ત્યાં આગળ આપણે એને દાટા મારી દઈએ, બંધ કરી દઈએ. કર્મ બંધાવા ન દે એવી જાગૃતિમાં આવી જાય ત્યાં આગળ સંવર થાય છે. સંવર બે પ્રકારના હોય છે:
દ્રવ્ય એટલે સ્થૂળમાં અને ભાવ એટલે સૂક્ષ્મમાં. બાહ્ય કોઈ પણ ક્રિયાઓ કરવી પડે ત્યાં આગળ અહંકાર હોય છે. ક્રિયા કરવામાં પણ અહંકાર છે અને ન કરવામાં પણ અહંકાર છે.
દાખલા તરીકે, “મારે આ નથી કરવું”, ત્યાં આગળ પણ અહંકાર છે અને “મારે આ કરવું જ છે”, ત્યાં આગળ પણ અહંકાર આવે છે. બંનેમાં અહંકાર છે પણ એક અશુભ અહંકારની સામે શુભ અહંકારને ઊભો કરી અશુભમાંથી છૂટીને શુભમાં આવવાનું હોય છે. એટલે અશુભ કર્મોને અટકાવવા અને શુભ કર્મો બાંધવા! આ પ્રકારે ક્રમિક માર્ગમાં ક્રમે ક્રમે આવી રીતે આગળ વધાય છે. પછી આમ આગળ વધતાં અંદરની આત્મજાગૃતિ આવે છે; ત્યાં આગળ ભાવ સંવર ઊભો થાય છે. ભાવ સંવર એટલે કર્મો બંધાવા જ ન દે; અંદરથી જ અટકી જાય.
દ્રવ્ય સંવર અને ભાવ સંવરને ક્રોધ-માન-માયા-લોભના એક દાખલા દ્વારા સમજીએ.
શ્રી શીતલનાથ ભગવાનને ૮૧ ગણધરો હતા. લાખો સાધુ-સાધ્વીઓએ ભગવાન પાસેથી દીક્ષા ગ્રહણ કરી. સમેત શિખરજી પર્વત પરથી શીતલનાથ ભગવાનનું નિર્વાણ થયું.
subscribe your email for our latest news and events