તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન વર્તમાન કાળચક્રના અગિયારમા તીર્થંકર હતા. ભગવાનની કાયા સુવર્ણવર્ણી અને તેમનું દેહપ્રમાણ ૮૦ ધનુષનું હતું.
શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું લાંછન ગેંડો છે. ઈશ્વર યક્ષદેવ અને માનવી યક્ષિણીદેવી તેમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.
તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનનો પ્રથમ ભવ પુષ્કરવર દ્વીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં કચ્છવિજયમાં આવેલી ક્ષેમા નગરીના નલિનીગુલ્મ રાજા તરીકેનો હતો. નલિનીગુલ્મ રાજા સેવાભાવી અને ધર્મપરાયણ હતા; તેમણે ખૂબ જ સુંદર રીતે પોતાનું રાજ્ય ચલાવ્યું. થોડા સમય બાદ નલિનીગુલ્મ રાજાએ દીક્ષા લઈને ખૂબ જ આરાધના કરી અને આરાધના કરતાં કરતાં એમને તીર્થંકર ગોત્ર બંધાયું. તેમનું આયુષ્ય પૂરું થતાં સાતમા દેવલોકમાં દેવ તરીકે જન્મ થયો.
સાતમા દેવલોકમાંથી ચ્યવીને શ્રી શ્રેયાંસનાથ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની સિંહપુર નગરીમાં વિષ્ણુરાજ રાજા અને વિષ્ણુદેવી રાણીને ત્યાં થયો. દેવોએ મેરુ પર્વત પર ભગવાનનું જન્મકલ્યાણક ઊજવ્યું. શ્રેયાંસનાથ ભગવાનનો જન્મ થતાં જ વિષ્ણુ રાજાના આખા રાજ્યનો ખૂબ જ શ્રેય થવા લાગ્યો. માટે આ પરથી ભગવાનનું નામ ‘શ્રેયાંસનાથ’ રાખવામાં આવ્યું.
સમય જતાં શ્રેયાંસનાથ ભગવાનના લગ્ન થયા અને ઘણા કાળ સુધી રાજ્ય ચલાવ્યા બાદ ભગવાને દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ ભગવાન મન:પર્યવજ્ઞાન પામ્યા અને ત્યારબાદ માત્ર બે મહિનામાં એમને કેવળજ્ઞાન પ્રગટ થયું. કેવળજ્ઞાન થયા બાદ ગામેગામ વિચરીને ભગવાને લોકોને દેશના આપી અને મોક્ષ તરફ વાળ્યા.
એક વખત શ્રેયાંસનાથ ભગવાન પોતનપુર નગરીમાં આવ્યા. એ જ પોતનપુર નગરીમાં આ ચોવીસીના પ્રથમ વાસુદેવ એટલે કે ત્રિપૃષ્ઠ (મહાવીર ભગવાનનો પૂર્વભવ) અડધી પૃથ્વીના અધિપતિ તરીકે રાજ કરતા હતા. ત્યાં કોઈએ ત્રિપૃષ્ઠ વાસુદેવને સમાચાર આપ્યા કે “શ્રેયાંસનાથ ભગવાન આપણી નગરીમાં પધાર્યા છે અને બધાને દેશના આપી રહ્યા છે.” આ સમાચાર સાંભળીને ત્રિપૃષ્ઠ વાસુદેવ અત્યંત આનંદ-ઉલ્લાસ પામ્યા. આવા શુભ સમાચાર આપનાર વ્યક્તિને તેમણે સાડા બાર કરોડ સોનૈયાનું દાન આપ્યું અને પોતે શ્રેયાંસનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા.
શ્રી શ્રેયાંસનાથ ભગવાને દેશના આપી. દેશનામાં ભગવાને નિર્જરા ભાવના પર બહુ સુંદર સમજણ આપી. નિર્જરા એટલે કર્મનું ડિસ્ચાર્જ થવું.
કર્મો ચાર્જ અને ડિસ્ચાર્જ એમ બે સ્ટેજમાં હોય છે. શાસ્ત્રીય ભાષામાં ડિસ્ચાર્જને નિર્જરા કહેવાય છે. ડિસ્ચાર્જ એટલે ખાલી થવું. કર્મો બે પ્રકારે ડિસ્ચાર્જ થયા કરતા હોય છે:
અજ્ઞાન દશામાં અકામ નિર્જરા હોય છે કે જેના ફળરૂપે નવા કર્મો ફરી ચાર્જ થયા જ કરે છે. જ્યારે સકામ નિર્જરા એટલે હેતુપૂર્વક જેનો નિકાલ થઈ જાય અને નવું કર્મ ન બંધાય; પૂરેપૂરી નિર્જરા થઈ જાય.
જ્ઞાનીઓની નિર્જરા સકામ નિર્જરા હોય છે. એમના જે કંઈ પણ કર્મો છે એ બધા ડિસ્ચાર્જ થતા હોય છે અને એમના ડિસ્ચાર્જ કર્મો નવું ચાર્જ થવા દેતા નથી; પોતે અંદરથી જ મુક્ત રહીને આ બધા જ નિર્જરતા કર્મોને જુદા રહીને જોયા અને જાણ્યા કરે છે. પોતે જ્ઞાન અને અજ્ઞાન બેયના સાંધા પર જાગૃત રહે, એમાં એકાકાર ન થાય, ત્યારે એ કર્મની પૂરેપૂરી નિર્જરા થાય છે એટલે કે ખરી પડે છે. માટે જ્ઞાનીઓ પાસેથી કર્મની નિર્જરા કેવી રીતે કરવી એ શીખવા જેવું છે.
ભગવાને દેશનામાં કહ્યું કે તપથી નિર્જરા થાય છે. તપ બે પ્રકારના છે:
બાહ્ય તપ અને અભ્યંતર તપ બંનેના છ-છ પ્રકાર છે. બાહ્ય તપ એ બહારની બધી ક્રિયાઓમાં આવે અને અભ્યંતર તપ એ ક્રિયાઓથી પર છે.
બાહ્ય તપના છ પ્રકાર નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
આજકાલ પાંચમા આરામાં બાહ્ય તપમાં અનશનને વધારે મહત્ત્વ અપાયું છે, જ્યારે બાકીના પાંચ તપ ગૌણ થઈ ગયા છે. અનશન એટલે ભૂખ્યા રહેવું; જેટલા ઉપવાસ થાય એટલા ઉપવાસ કરવા એને અનશન તપ કહેવામાં આવે છે. અનશન તપ એ દેખી શકાય એવું છે. આ કળિયુગના લક્ષણો શું છે કે, બાહ્ય રીતે જે બધું દેખાય એવું કરે, પરંતુ સૂક્ષ્મમાં જઈ શકે જ નહીં. બહુ જ પ્રખર જ્ઞાનીઓ જ આ સૂક્ષ્મ તપને ખુલ્લું કરી શકે છે અને લોકોને પણ સૂક્ષ્મ તપમાં લાવી શકે છે.
ઉણોદરી પણ એક મહાન તપ ગણાય છે. બધા જ જ્ઞાનીઓ જેમ કે, શ્રીમદ્ રાજચંદ્ર અને પરમ પૂજ્ય દાદા ભગવાન ઉણોદરી તપ કરતા હતા. આખી જિંદગી ઉણોદરી કરવી એ અઘરું છે. ઉણોદરી એટલે અડધું જ ખાવું; આપણા પેટને ઊણું રાખવું. ઉણોદરી તપમાં પેટને ૫૦% જેટલું ઊણું રાખવાનું હોય છે; એમાં ૫૦% અનાજ, ૨૫% પાણી અને ૨૫% હવાનું પ્રમાણ રાખવાનું હોય છે. પછી દરેક સમયે આપણે જ્યારે નાસ્તો કરીએ, જમીએ, ગમે ત્યારે જેટલી વાર ખાઈએ એટલી વાર અડધું જ ખાવાનું. પછી ભાવતું આવે તોય અડધું અને ના ભાવતું આવે તો પણ અડધું ખાવું. ભાવતું વધારે પ્રમાણમાં ખાવાથી બહુ પ્રમાદ આવે છે. એટલે જ જ્ઞાનીઓ કાયમ ઉણોદરી તપ કરે છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પણ કહેતા હતા, ”મેં મારી જિંદગીમાં ક્યારેય ઉપવાસ નથી કર્યો પણ ઉણોદરી તપ કાયમ કર્યું છે.”
ઉપરના બધા તપ બાહ્ય છે. આ તપને કાયમ કરવાથી આપણી બાહ્ય શુદ્ધિ, શરીર શુદ્ધિ, કોઠા શુદ્ધિ અને મન શુદ્ધિ થાય છે, પણ એનાથી આગળ આત્મા સુધી લઈ જવાનું કામ એનું નથી. આત્મા સુધી લઈ જવાનું કામ અભ્યંતર તપનું છે.
અભ્યંતર તપ નીચે દર્શાવ્યા પ્રમાણે છ પ્રકારના છે:
સાધુ-સાધ્વીઓનું વૈયાવૃત્ય કરવું, કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરવું, સ્વાધ્યાય એટલે નિરંતર પોતાના સ્વનો એટલે કે આત્માનો અધ્યાય કરવો, આત્માના મનન-ચિંતવનમાં જ રહેવું અને વિનય ધર્મમાં આવવું આ બધા અભ્યંતર તપ છે. અભ્યંતર તપથી ખરા અર્થમાં કર્મો ખરે છે. શુભધ્યાન કરતાં-કરતાં ખરેખર તો આત્મધ્યાન એટલે કે શુક્લધ્યાનમાં આવવાનું છે. માટે ધ્યેય તો શુક્લધ્યાનમાં જવાનો રાખવો જોઈએ.
પ્રાયશ્ચિત્ત-પ્રતિક્રમણ કરવાથી આપણા કરેલા પાપો ધોવાઈ જાય છે અને જો પ્રતિક્રમણ ન થાય તો પછી કર્મો બધા એમ ને એમ રહે છે. પડેલું બીજ ઉડાડી નાખવા માટે પ્રતિક્રમણ, પ્રત્યાખાન અને પ્રાયશ્ચિત્ત એ મોટામાં મોટી વસ્તુ છે. શબ્દોથી પ્રતિક્રમણ નથી કરવાના; હૃદયથી પશ્ચાત્તાપ કરીને પ્રત્યાખાન કરીએ તો જ એ કર્મ ખાલી થાય છે. એટલે જ્યારે પણ દોષ થાય ત્યારે તરત જ તેનું પ્રતિક્રમણ કરીને પ્રત્યાખાન કરીએ તો એ દોષ ધોવાઈ જાય છે. ગમે તેટલું કોઈ અપમાન કરે, ગાળો આપે ત્યારે તે ઘડીએ આપણે અંદર સમતામાં રહી અને ગાળો આપનારને નિર્દોષ જોઈએ. કારણ કે, સામી વ્યક્તિ એ આત્મા જ છે, પરમાત્મા જ છે; આ જે આપણું અપમાન કરે છે એ તો આપણા જ કર્મનો ઉદય છે. અપમાન કરનારો આપણને ઉપકારી લાગવો જોઈએ. “ધન્ય છે તને... તેં મારા પર મોટો ઉપકાર કર્યો અને મને આ કર્મમાંથી છોડાવ્યો.”, આવું જો આપણને અંદર રહ્યા કરે, તો જ એ કર્મમાંથી મુક્ત થવાય; નવું કર્મ બંધાય નહીં અને કર્મ પૂરું થઈ જાય છે.
અભ્યંતર તપ કરીને પોતાના તમામ કર્મોમાંથી મુક્ત થઈને કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયાના બહુ સુંદર દાખલા છે.
શાસ્ત્રોમાં અર્જુનમાળીનો દાખલો છે. આ વાત ભગવાન મહાવીરના સમયની છે. અર્જુનમાળી બહુ જ ધર્મપરાયણ હતો અને એની બંધુમતી નામની પત્ની બહુ જ રૂપાળી હતી. એક વખત એ ભક્તિ-ધ્યાનમાં લીન હતો ત્યારે છ પુરુષો એના ઉદ્યાનમાં આવ્યા અને તેની પત્ની બંધુમતી પર અત્યાચાર કરવા લાગ્યા. પણ તે છ પુરુષો પછી ભાગી ગયા હોવાથી અર્જુનમાળી કશું કરી શક્યો નહીં અને તેને ભયંકર ભોગવટો આવ્યો. પછી એક યક્ષદેવ ત્યાં આવ્યો; એને પણ અર્જુનમાળી પ્રત્યે અત્યંત વેર હતું. એ યક્ષ દેવે અર્જુનમાળીના દેહમાં પ્રવેશીને એને ખૂબ હેરાન કર્યો. અર્જુનમાળીના દેહમાં પ્રવેશીને એ યક્ષ લોકોને મારી નાખતો હતો; એ દરરોજના છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરતો હતો. યક્ષ દ્વારા અર્જુનમાળીના દેહમાં પ્રવેશીને લગભગ ૧૧૦૦થી વધુ લોકોને તેણે મારી નાખ્યા હતા.
પછી એક વખત ભગવાન મહાવીર જ્યારે એક ગામમાં દેશના આપતા હતા, ત્યારે અર્જુનમાળી ત્યાંથી પસાર થતો હતો અને પછી ભગવાનની દૃષ્ટિ એના પર પડતાં જ પેલો યક્ષદેવ જે અર્જુનમાળીના દેહમાં પ્રવેશેલો હતો એ દેહ છોડી નાસી ગયો. પછી મહાવીર ભગવાન પાસે અર્જુનમાળીએ દીક્ષા ગ્રહણ કરી અને ખૂબ જ અભ્યંતર તપ કર્યું. યક્ષે તેના દેહમાં આવીને જે જે વ્યક્તિઓને માર્યા હતા, એના કુટુંબીઓ પાસે જઈ અર્જુનમાળીએ ક્ષમા માંગી અને ખૂબ જ દિલથી પ્રાયશ્ચિત્ત કરતો હતો. જ્યારે અર્જુનમાળી એ કુટુંબીજનો પાસે જતો, ત્યારે લોકો તેને ખૂબ ઢોરમાર મારીને ત્રાસ આપતાં, છતાં પણ તે પોતાના કરેલા પાપના પ્રાયશ્ચિત્તરૂપે આ બધા કર્મોને ખમાવતો ખમાવતો; પ્રતિક્રમણ કરતો કરતો સમતામાં રહેતો હતો. જ્યારે લોકો તેને મારે, ત્યારે મનથી પણ તે લોકોનો પ્રતિકાર કરતો ન હતો અને ઉપરથી પ્રતિક્રમણ કરતો હતો. આ પ્રકારે પ્રાયશ્ચિત્ત-પ્રતિક્રમણ કરતાં કરતાં કેવળજ્ઞાન પામીને એ જ ભવે મોક્ષે ગયો.
બીજો પણ એક સુંદર દાખલો છે. એક રાજા હતા. તેઓ દીક્ષા લઈને મુનિ થયા હતા અને પોતાના સહાધ્યાયીઓ જોડે બધી ક્રિયાઓ જેમ કે જપ-તપ-ધ્યાન-ઉપવાસ આ બધું કરતા હતા. બધા જ સહાધ્યાયીઓ તો આ બધી જ ક્રિયાઓ કરતા હતા; પણ એ મુનિ મહારાજ ભૂખ્યા રહી શકતા ન હતા અને તેમનાથી આ બધી ક્રિયાઓ થઈ શકતી ન હતી. જ્યારે બધા પર્યુષણ પર્વ વખતે ઉપવાસ કરે, ત્યારે તે મુનિ એક ટંક જમતા હતા. આ પરથી એમના બીજા સહાધ્યાયીઓ એમના પર હસતા અને એમનો તિરસ્કાર કરતા હતા. સહાધ્યાયીઓએ તિરસ્કાર કરવામાં એટલી હદ વટાવી કે જ્યારે એ મુનિ જમવા બેસે ત્યારે તેઓ મુનિની થાળીમાં થૂંકીને જતા હતા. પણ એ મુનિએ બધા જ ઉપસર્ગોને સમતામાં રહીને પૂરા કર્યા. એમને પોતાને અંદર ખેદ થતો હતો, ”અરેરે, મારાથી ભૂખ્યું રહેવાતું નથી; મારી જ કેટલી ભૂલ છે. આ બધા મને ખરેખર જાગૃત કરે છે.” આવી ચિંતવના કરતાં કરતાં, સમતામાં રહેતાં એ મુનિને શુક્લધ્યાન ઉત્પન્ન થયું અને પછી તેઓ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
અભ્યંતર તપનું ફળ આત્મા પ્રાપ્ત કરવાનું છે. એ મોક્ષે લઈ જનારું છે. અભ્યંતર તપ એટલે જ્ઞાન અને અજ્ઞાનના સાંધામાં પોતે નિરંતર જાગૃત રહે. કોઈ અપમાન કરે અને ગાળો આપે ત્યારે હૃદય લાલચોળ થાય તો પણ પોતે સમતામાં રહી, શાંતભાવમાં રહી અને એમાં જરા પણ એકાકાર થાય નહીં, ત્યારે એ કર્મ સંપૂર્ણપણે નિર્જરી જાય છે અને પોતે શુદ્ધ થાય છે. અભ્યંતર તપની પ્રાપ્તિ કરવી ખૂબ જ આવશ્યક છે. ખરા અભ્યંતર તપ તો માત્ર જ્ઞાનીઓ જ શીખવી શકે. જ્ઞાનીઓ પાસેથી આ શીખીને જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જવા જેવું છે.
ખરેખર જ્યારે આપણે ઉપવાસ કે તપ કરીએ છીએ, ત્યારે આપણી અંદર સૂક્ષ્મમાં એક જાતનો અહંકાર આવી જાય છે. જો તપ ઇત્યાદિ બધું અહંકારે કરીને થાય, પછી તે અહંકાર વિકૃતિ પામીને પોતે જ બધાથી શ્રેષ્ઠ છે અને બીજા બધા પોતાનાથી નીચા છે એવું માની લે છે. આમ, પોતાના ધર્મનું પણ તે વ્યક્તિને ગુમાન આવી જાય અને બીજા માટે તિરસ્કાર થઈ જાય છે. બધા જ ભગવાનોએ આત્માને પામીને મોક્ષે જવાની જ મૂળ વાત કરી છે. આ બધા વાડા-સંપ્રદાયો તો પાછળથી ઊભા થયા છે. પ્રભુએ દરેક ધર્મને સ્વીકાર્યા છે. કોઈ ધર્મના પ્રમાણને એમણે દુભવ્યું નથી. ખરો ધર્મ એને કહેવાય કે જે બીજા અન્ય ધર્મોને પણ પોતાનાથી નીચા ન ગણે. આ બધામાંથી બહાર નીકળવા માટે પરમ પૂજ્ય દાદા ભગવાને નિષ્પક્ષપાતી અને સર્વ ધર્મને મહત્ત્વ આપ્યું છે. બધા ધર્મમાં આત્માને પામીને મોક્ષે જવાની જ વાત છે.
અત્યારે માત્ર બાહ્ય તપ જ જોવા મળે છે જે માત્ર ભૌતિક સુખ આપે છે. ભગવાને મોક્ષના ચાર પાયા કહ્યા છે – સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ તપ. એટલે સમકિત પછીનું તપ મોક્ષે લઈ જશે. સમકિત પહેલાનાં તપ અજ્ઞાન તપ કહેવાય છે જે અહંકારે કરીને કરે છે. સમ્યક્ તપમાં પોઝિટીવીટી હોય અને શુદ્ધતાને પામી શકાય એમ હોય છે. અત્યારે બાહ્ય તપમાં જો લોકો આપણી શાતા પૂછવા આવે તો એ કીર્તિમાં, માનમાં ગયું કહેવાય; એમાં માન કષાય ફરી વળે છે. માટે આ તપમાં આપણે કેટલા સફળ થઈએ છીએ એ આપણે આપણી જાતે વિચારીએ અને શોધી કાઢીએ કે આમા સાચું શું છે અને શું હોવું જોઈએ.
શ્રી શ્રેયાંસનાથ ભગવાનની દેશના સાંભળીને ઘણાં લોકોએ દીક્ષા ગ્રહણ કરી અને ભગવાન પાસેથી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ભગવાન બાકીનું આયુષ્ય પૂરું કરીને સમેત શિખરજી પર્વત પરથી અનેક સાધુઓ સહિત નિર્વાણ પામ્યા. ભગવાનના સંઘમાં ૭૬ ગણધરો અને લાખોની સંખ્યામાં સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ હતા. શ્રેયાંસનાથ ભગવાનનું જીવન ખૂબ જ ઊંચું હતું.
subscribe your email for our latest news and events