પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાન

શ્રી સુમતિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના પાંચમા તીર્થંકર હતા. ભગવાનનું દેહપ્રમાણ ૩૦૦ ધનુષપ્રમાણનું હતું.

સુમતિનાથ ભગવાનનું લાંછન કૌંચ પક્ષી છે. તુંબરુ યક્ષદેવ અને મહાકાળી યક્ષિણીદેવી ભગવાનના શાસન દેવ-દેવી છે. ચાલો, આપણે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.

શ્રી સુમતિનાથ ભગવાન - પૂર્વભવો

જંબુદ્વીપમાં પુષ્પકલાવતી વિજયમાં શંખપુર નગરમાં વિજયસેન રાજા અને સુદર્શના રાણી રાજ કરતાં હતાં. રાજા ખૂબ જ સુંદર રીતે રાજ ચલાવતા હતા અને રાણી ખૂબ જ ગુણિયલ અને પતિપરાયણ હતાં.

એક વખત, સુદર્શના રાણી હાથી ઉપર બેસીને નગરમાં વિહાર કરી રહ્યાં હતાં. ત્યાં તેમણે ઉદ્યાનમાં સુંદર શણગારેલા હાથી ઉપર બિરાજમાન એક ખૂબ જ સુંદર સ્ત્રીને જોઈ. એટલું જ નહીં, પણ અન્ય ૮ યુવાન સ્ત્રીઓ એ સ્ત્રીની સેવામાં હતી. આ જોઈને સુદર્શના રાણી જાણવા આતુર બન્યા કે આવી ભાગ્યશાળી સ્ત્રી અને આઠ યુવતીઓ કોણ હતી! રાણીએ દાસીને આ વિશે બધી માહિતી મેળવવા મોકલી. દાસીએ કહ્યું કે તે સ્ત્રી નગરશેઠ નંદિષેણની પત્ની સુલક્ષણા હતી અને એની સેવામાં ૮ પુત્રવધુઓ હતી.

સુદર્શના રાણીને કોઈ બાળક ન હતું. સુલક્ષણાને જોઈને રાણીને ખૂબ વિષાદ થયો; તેમને થયું કે સંતાન વિનાનું જીવન વ્યર્થ છે. રાણીએ બધી વાત રાજાને કરી. રાજાએ એમના કુળદેવતાની ખૂબ ઉપાસના કરી અને અન્ન-જળનો ત્યાગ કર્યો. છઠ્ઠે દિવસે કુળદેવતા પ્રસન્ન થતાં રાજાને પુત્રપ્રાપ્તિના આશીર્વાદ મળ્યા.

ત્યારબાદ, સુદર્શના રાણીને ગર્ભધારણ થયો અને રાત્રિએ તેમણે સપનામાં સિંહને પોતાના મુખમાં પ્રવેશતા જોયો. જેનો નિષ્કર્ષ એ હતો કે રાણીની કૂખે કોઈ તેજસ્વી પુરુષ (સુમતિનાથ ભગવાનનો જીવ) જન્મશે. રાજા-રાણીએ પોતાનો પુત્ર પુરુષોમાં શ્રેષ્ઠ હોવાથી તેનું નામ “પુરુષસિંહ” રાખ્યું.

પુરુષસિંહ, યુવાન થતાં, તેમના ૮ કન્યાઓ સાથે વિવાહ કરાવ્યા. યુવાવસ્થામાં જ પુરુષસિંહને જબરજસ્ત વૈરાગ્ય આવ્યો. દીક્ષા લેતા પહેલાં મુનિ મહારાજે પુરુષસિંહને માતા-પિતા પાસેથી પરવાનગી લેવાનું કહ્યું. પુરુષસિંહે મુનિ મહારાજ પાસેથી વિષયોમાંથી છૂટવાનો રસ્તો માંગ્યો.

મુનિ મહારાજે સુંદર ઉપદેશ આપ્યો કે વિષયો એ જ આ સંસારનું મૂળ કારણ છે અને સંસારને વધારનારું છે. વિષય એક મોટામાં મોટું આવરણ છે; જાગૃતિમાં ન રહેવા દે. પૌદ્ગલિક સુખમાં પોતે રચ્યો છે; એમાં સુખ છે એવી માન્યતાને આધારે જ વિષય ઊભો રહેલો છે. શરૂઆતમાં આ અભિપ્રાય તોડવાની જરૂર છે કે ‘વિષયમાં સુખ છે’. આ હળાહળ કળિયુગમાં પુષ્કળ વિષયનું જ ચોગરદમ વાતાવરણ છે અને એના વિશે સાચી માહિતી ખબર નથી. ફક્ત સ્થૂળમાં હોય એને બ્રહ્મચર્ય નથી કહેવાતું પણ મન-વાણી-વર્તનથી વિષય સંબંધી એક પણ વિચાર ન આવે; ચિત્તમાં પણ ન આવે, એવી ઉપલબ્ધિ થાય ત્યારે ખરા અર્થમાં બ્રહ્મચર્યમાં આવ્યા કહેવાય. બધા પરિગ્રહો છૂટશે; પોતે એકત્વ ભાવનામાં આવશે; સંસારની જંજાળોને યથાર્થસ્વરૂપે સમજશે ત્યારે એનો ઉકેલ આવશે. વિષય આપણને ચોંટી રહેલો છે એનું મૂળ કારણ એ છે કે, ‘વિષયમાં સુખ છે’ એ અભિપ્રાય પડેલો છે. એ અભિપ્રાય બદલાવો જોઈએ. અભિપ્રાય બદલાય એટલે આ આપોઆપ છૂટી જાય એવું છે.

મુનિ મહારાજ પાસેથી બ્રહ્મચર્યનું મહત્ત્વ સમજાવાથી પુરુષસિંહને જબરજસ્ત તૃપ્તિ થઈ. ત્યાર પછી એમણે દીક્ષા લીધી અને સમજણથી બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યા. વીસ સ્થાનકોની આરાધના કરતાં કરતાં એમને તીર્થંકર ગોત્ર બંધાઈ ગયું.

પુરુષસિંહ સંયમનું જીવન પૂરું કરીને વૈજયંત વિમાનમાં દેવતા થયા. ત્યાં તેમણે લાખો વર્ષોનું આયુષ્ય વિતાવ્યું.

જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન

દેવલોકમાંથી પુરૂષસિંહના જીવે ભરતક્ષેત્રની વિનીતા નગરીમાં રાજા મેઘ અને રાણી મંગલાવતીને ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત તીર્થંકરરૂપે જન્મ લીધો.

મેઘ રાજા ખૂબ જ ન્યાયી અને પ્રજાવત્સલ હતા. તેઓ ખૂબ જ સુંદર રીતે તેઓ રાજ કરતા હતા. એક વખત, મેઘ રાજાના રાજદરબારમાં બે સ્ત્રીઓ એક બાળકને લઈને આવી. તે બે સ્ત્રીઓના પતિનું અવસાન થઈ ગયું હતું. એમાંથી એક સ્ત્રી તે બાળકની માતા હતી અને બીજી સ્ત્રી બાળકનું પાલન કરતી હતી. પતિના અવસાન બાદ રહી ગયેલા ધન-દોલત માટે તે બે સ્ત્રીઓ વચ્ચે ખૂબ જ ઝઘડા થયા.

Sumatinath

સાચી માતાએ પોતાનું બાળક આપી દેવા ખૂબ જ કાકલુદી કરી. અપરમાતાએ પણ કહ્યું કે તે બાળક પોતાનું હતું. આમાંથી સાચી માતા કોણ એ નિર્ણય રાજાએ કરવાનો હતો જે રાજા કરી શકતા નહોતા. રાજાએ આ વાત રાણીને કરી. રાણી મંગલાવતીએ તે બંને સ્ત્રીઓને કહ્યું કે, “આનો નિર્ણય મારા ગર્ભમાં તીર્થંકર ભગવાન બિરાજમાન છે તેઓ જ્યારે જન્મ લેશે, ત્યારે તમને બંનેને સાચો ન્યાય કરી આપશે. ત્યાં સુધી તમે થોભો.” આ સાંભળીને સાવકી મા ખૂબ રાજી થઈ ગઈ. પણ, સાચી માતા તૈયાર ન થઈ અને એણે કહ્યું કે, “ના, આટલો વખત તો હું મારા બાળક વિના નહીં રહી શકું; મારા બાળકનું શું થશે? એને કોણ સાચવશે? મારે અત્યારે જ ન્યાય જોઈએ છે. આ બાળક મારું છે અને તે મારી પાસે જ જોઈએ”. સાચી માતાની હૃદયની વેદના, તેના મુખના ભાવો અને અંદરનો પડઘો મંગલાવતી રાણીએ પારખી લીધો અને તે જ સાચી માતા હોવાનો નિર્ણય લીધો. આ રીતે, ગર્ભમાં રહેલા મતિ સુઝાડનાર ભગવાને માતાને ન્યાયનો અંદરથી જ બોધ આપ્યો. આ પ્રસંગ પરથી જન્મ પછી ભગવાનનું નામ ‘સુમતિનાથ’ રાખવામાં આવ્યું.

સુમતિનાથ ભગવાનના લગ્ન થયા; તેમનો રાજ્યાભિષેક થયો. ત્યારબાદ, દેવોની વિનંતીથી તેમણે દીક્ષા લીધી. દીક્ષાના ૨૦ વર્ષ બાદ તેમને કેવળજ્ઞાન થયું.

દેશના - એકત્વ ભાવના

કેવળજ્ઞાન થયા પછી સુમતિનાથ ભગવાને એકત્વ ભાવના ઉપર દેશના આપી. તેમણે સમજાવ્યું કે આ સંસારના સુખ-દુ:ખ, સારું-ખોટું, પાપ-પુણ્ય આ બધા દ્વંદ્વ છે. આ બધું કર્મને આધીન છે. એકવાર બાંધ્યા પછી ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. જેટલા સુખ-દુઃખ આપણને ભોગવવા પડે છે એ બધો આપણો જ હિસાબ છે. આપણે બાંધ્યા છે માટે આપણને ભોગવ્યા વગર ચાલે જ નહીં. એમાં કોઈ ભાગીદાર થાય નહીં. કોઈ ઓછું-વધતું પણ ન કરી શકે. આપણને સગાં-વ્હાલાં પોતાના લાગે; સુખ-દુઃખના સાથી લાગે, આવી જે માન્યતા છે તે તદ્દન ખોટી છે. જ્યારે વખત આવે ત્યારે ખબર પડે કે કોણ આપણા સુખ-દુઃખનો ભાગીદાર થાય છે.

નમિ રાજાની વાર્તા

એકત્વ ભાવના વિશે નમિ રાજાની ખૂબ જ સરસ વાર્તા છે. એક વખત, નમિ રાજાને આખા દેહમાં ખૂબ જ બળતરા અને અસહ્ય માથાનો દુખાવો થયો. તેમને આખા શરીરમાં ભયંકર વેદના થવા લાગી. ઇલાજ માટે બધી જાતના વૈદ્યો, હકીમો બધાને બોલાવ્યા; બધી જાતની સારવાર કરાવી; ખૂબ ધન-દોલત લૂંટાવ્યું પણ એમની વેદના શમી નહીં.

રાજાને ઠંડક મળે તે માટે વૈદ્યોએ ચંદનનો લેપ કરવા કહ્યું. લેપ તૈયાર કરવા બધી જ રાણીઓ ચંદનના લાકડા ઘસવા લાગી. રાણીઓના એકસાથે ચંદન ઘસવાથી કંકણોનો અવાજ રાજાને ઘોંઘાટ લાગ્યો; તેમની નિદ્રામાં ખલેલ પડી. રાજાએ રાણીઓને કંકણો કાઢી નાખવાનો આદેશ આપ્યો. રાણીઓએ સૌભાગ્યના ચિહ્ન તરીકે માત્ર એક કંકણ રાખી ધીમે-ધીમે બીજા કંકણો કાઢી નાખ્યાં. ત્યારબાદ, જ્યારે રાણીઓ ચંદન ઘસવા લાગી તો માત્ર એક કંકણ હોવાને લીધે અવાજ બંધ થઈ ગયો.

રાજાને આવરણ ખસી અંદર ઝબકારો થયો કે જ્યારે સામટા કંકણો હતાં ત્યારે ઘોંઘાટ થઈ ગયો અને એક જ કંકણ હતું ત્યારે શાંતિ થઈ ગઈ. આ ઉપરથી એમને એકત્વ ભાવના શરૂ થઈ ગઈ, “અનેક, અસંખ્ય, અનંત વસ્તુઓથી હું વીંટળાયેલો છું. એથી મને આ ભોગવટો છે. જ્યારે હું સંપૂર્ણપણે એકલો થઈ જઉં, તો કોઈ દુઃખ નથી; તો કોઈ ઘોંઘાટ નથી; પરમ શાંતિનો અનુભવ છે.” આ રીતે, ચિંતવના કરતાં કરતાં, “હું એકલો જ છું. એકલો જ આવ્યો છું; એકલો જ જવાનો છું. મારો સાથ આપનાર કોઈ નથી; મારું કોઈ સગું નથી. પત્નીઓ, પુત્રો, રાજવૈભવ કે સત્તા, કશું મને સાથ આપે એવું નથી” એવું એમને અંદરથી જબરજસ્ત એકત્વ ભાવનાનું જ્ઞાન પ્રગટ થયું.

કર્મના હિસાબથી બધા ભેગા થાય છે; કર્મ પૂરા થાય એટલે વિખરાઈ જાય છે. જે કર્મ બાંધીને આવ્યા છીએ એ ભોગવવા જ પડે. કર્મ સૂક્ષ્મમાં બાંધે છે અને સ્થૂળમાં ભોગવવાના આવે છે. આપણને કર્મ બાંધતી વખતે ખબર પડતી નથી કે મહીં શું બંધાઈ રહ્યું છે. એ અજાગૃતિને લીધે પોતે બેભાનપણામાં કર્મ બાંધી દે છે. અજાણતામાં બાંધેલા કર્મો પાંચ ઇન્દ્રિયોથી જાણી-સમજીને ભોગવવાના આવે છે. રાગ-દ્વેષથી કર્મ બંધાય છે અને વીતરાગ થવાથી મુક્ત થવાય છે.

શ્રી સુમતિનાથ ભગવાન - નિર્વાણ

sumatinath

શ્રી સુમતિનાથ ભગવાનની દેશનાથી અનેકોને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થયો. ભગવાનના ૧૦૦ ગણધરો, ૩,૨૦,૦૦૦ સાધુઓ, ૫,૩૦,૦૦૦ સાધ્વીઓ, ૧૩,૦૦૦ કેવળજ્ઞાનીઓ, ૨,૮૧,૦૦૦ શ્રાવકો અને ૫,૧૬,૦૦૦ શ્રાવિકાઓ હતા. નિરંતર કેવળજ્ઞાનમાં રહેતા સુમતિનાથ ભગવાન સમ્મેત શિખર પર્વત પરથી નિર્વાણ પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા.

×
Share on