શ્રી સુપાર્શ્વનાથ ભગવાન વર્તમાન કાળચક્રના સાતમા તીર્થંકર હતા.
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું લાંછન સ્વસ્તિક છે. માતંગ યક્ષદેવ અને શાંતા યક્ષિણીદેવી ભગવાનના શાસન દેવ-દેવી છે. ચાલો, સુપાર્શ્વનાથ ભગવાનના જન્મ પહેલાંના બે ભવો વિશે અને તેમનું તીર્થંકર તરીકેનું જીવનચરિત્ર વાંચીએ.
ઘાતકીખંડના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં તિલક વિજયની ક્ષેમપુરી નગરીમાં નંદિષેણ રાજા હતા. રાજા ખૂબ જ સેવાભાવી હતા. તેઓ દુઃખી અને દર્દીઓની ખૂબ સેવા કરતા હતા. તેમણે પોતાનું આખું જીવન સેવામાં અને પારકા માટે જ સમર્પિત કરેલું. એમને ખૂબ જ કરુણાભાવ હતો; દુઃખી અને દર્દીને જોઈને એમને કરુણા પ્રગટતી અને તેઓ જાતે સેવા માટે દોડી જતા. રાજા થઈને પણ તેઓ દીન, દુઃખી, ગરીબો, પીડિતો, દર્દીઓની જાતે સેવા કરતા હતા. લોકોને સુખ-શાંતિ આપવાની એમની ભાવના હતી. સેવાકાર્યના પરિણામે રાજાને તીર્થંકર ગોત્ર બંધાયું.
તેમણે રાજપાઠ ત્યજીને દીક્ષા લીધી. સેવા કરતા કરતા તેમનો દેહવિલય થયો. ત્યાર પછી, રાજાએ છઠ્ઠા દેવલોકમાં જન્મ લીધો.
છઠ્ઠા દેવલોકમાંથી ચ્યવીને નંદિષેણ રાજાના જીવે ભરતક્ષેત્રની વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીને ત્યાં તીર્થંકરરૂપે જન્મ લીધો. જ્યારે પ્રભુનું ચ્યવન થયું ત્યારે આખી દુનિયામાં શાંતિ થઈ ગઈ; નર્કમાં પણ શાંતિ છવાઈ ગઈ.
પ્રભુએ લગ્ન બાદ થોડા સમય સુધી રાજ ભોગવ્યું અને પછી દેવોની વિનંતીથી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ તેમને કેવળજ્ઞાન થયું. ત્યાર પછી, પ્રભુએ દેશના આપવાની શરૂઆત કરી. પ્રભુની દેશના સાંભળીને લોકોના જીવનમાં અમૂલ પરિવર્તન આવી જતું.
શ્રી સુપાર્શ્વનાથ ભગવાને અન્યત્વ ભાવના પર ખૂબ જ સુંદર દેશના આપી. આપણને જે મોહ-મૂર્છા લાગે છે, એમાં આપણે એકાકાર થઈ જઈએ છીએ; એમાં જ સાચું સુખ માનીએ છીએ; એને જ સર્વસ્વ માનીએ છીએ! દેહ, શૃંગાર, સુખ, વૈભવ, વિલાસ જે બધું આપણને મળે છે એમાં રચ્યાપચ્યા અને તન્મયાકારપણું રહે છે; એનાથી પોતે પોતાનો આત્મવૈભવ આખો ખોઈ નાખીએ છીએ.
બાહ્ય વૈભવમાં રાચતા જીવો પોતાના આત્માનો વૈભવ, જે મોક્ષવૈભવ છે, જે મોક્ષલક્ષ્મી છે, એ ચૂકી જાય છે. અને એ મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવા માટે જ્યારે આવા તીર્થંકરોની વાણી, જ્ઞાનીઓની વાણી આપણા હૃદયમાં સોંસરવી ઉતરી જાય, ત્યારે આપણા બધા આવરણો ભેદે અને પછી આપણને પણ પોતાના મોક્ષવૈભવનો, આત્મવૈભવનો અનુભવ થાય. અને એ સુખ પછી સંસારના બધા સુખ ફિક્કા લાગે. જેમ જલેબી ખાધા પછી ચા ફિક્કી લાગે, એની જેમ જ બહારના બધા સુખ ફિક્કા લાગે.
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને ૯૫ ગણધરો હતા. તેમના સંઘમાં લાખો સાધુ અને સાધ્વીઓ હતા. જગત કલ્યાણ કરવા ભગવાન ગામેગામ વિહાર કરતા હતા. ભગવાન સમ્મેત શિખરજી પર્વત પરથી નિર્વાણ પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા.
ભગવાન સુપાર્શ્વનાથનું જીવનચરિત્ર આપણને પણ મોક્ષમાર્ગે જવા માટે અને મન-વચન-કાયા પારકા માટે ઘસી નાખવા માટે ખૂબ ઊંચો ઉપદેશ આપે છે.
subscribe your email for our latest news and events