તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ભગવાન વર્તમાન કાળચક્રના બારમા તીર્થંકર હતા અને તેમનું દેહપ્રમાણ ૭૦ ધનુષનું હતું.
શ્રી વાસુપૂજ્ય ભગવાનનું લાંછન મહિષ છે. કુમાર યક્ષદેવ અને ચંદ્રા યક્ષિણીદેવી તેમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.
તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ભગવાનનો પ્રથમ ભવ પુષ્કરવર દ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના મંગલાવતી વિજયમાં આવેલી રત્નસંચયા નગરીનાં પદ્મોત્તર રાજા તરીકેનો હતો. પદ્મોત્તર રાજા બહુ સારી રીતે રાજપાઠ કરતા હતા. સમય થતાં એમણે દીક્ષા ગ્રહણ કરી. ખૂબ ભક્તિ-આરાધના કરતાં એમને તીર્થંકર ગોત્ર બંધાયું. ઘણા વર્ષો સુધીનું આયુષ્ય પૂરું કરીને એમનો જન્મ દસમા દેવલોકમાં થયો.
દસમા દેવલોકમાંથી ચ્યવીને શ્રી વાસુપૂજ્ય ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની ચંપાનગરીમાં વસુપૂજ્ય રાજા અને જયા રાણીને ત્યાં થયો. બહુ સુંદર રીતે ભગવાનનો બાલ્યકાળ પસાર થયો.
યુવાવસ્થા આવતાં જ વાસુપૂજ્ય ભગવાનને એમના માતા-પિતાએ લગ્ન માટે વિનંતી કરી અને કહ્યું, ”દેશ-વિદેશના સારા સારા ખેચર રાજાઓની રાજકુંવરીઓના તમારા માટે માગા આવે છે. માટે હવે તમે લગ્નની મંજૂરી માટે ‘હા’ કહો.” પણ વાસુપૂજ્ય ભગવાન લગ્ન માટે તૈયાર થતા ન હતા. પછી માતા-પિતાએ એમને ખૂબ સમજાવ્યા કે પાછલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન પણ પરિણીત હતા અને એમને બે રાણીઓ પણ હતી. બીજા બધા તીર્થંકરોના પણ લગ્ન થયા હતા. માતા-પિતાની ભાવના હતી કે વાસુપૂજ્ય ભગવાન પણ લગ્ન કરે અને દીક્ષા લે. ભગવાનના માતા-પિતાએ પોતાની ભાવના વ્યક્ત કરતાં એમને કહ્યું, ”તમે રાજ્ય સંભાળો અને હવે અમે દીક્ષા લઈએ છીએ. ઉંમરના હિસાબે હવે દીક્ષા લઈને આત્મકલ્યાણ કરવાની અમારી ફરજ છે.” કોઈ પણ મોટા રાજાઓ હોય, ચક્રવર્તીઓ હોય, એમનો અંતિમ ધ્યેય રાજપાઠ પૂરો કરી, દીક્ષા લઈ, મોક્ષે જવાનો જ હોય છે. વાસુપૂજ્ય ભગવાને એમના માતા-પિતાને કહ્યું, ”કયા જન્મમાં મેં લગ્ન નથી કર્યા? કયા ભવમાં મેં ભોગ નથી ભોગવ્યા? કઈ યોનિમાંથી હું પસાર નથી થયો? એકેન્દ્રિયથી લઈને મનુષ્યભવમાં મેં અનંતવાર જન્મ લીધો છે! મને આ બધામાંથી અંતે શું મળ્યું? આ બધું મને સમૃતિમાં છે. બીજા તીર્થંકરોનું ભોગાવલી કર્મ બાકી હશે; અત્યારે લગ્ન માટે મારું ભોગાવલી કર્મ બાકી નથી; એ સંપૂર્ણ થઈ ગયું છે. માટે કઈ રીતે હું લગ્ન કરી શકું? મારા લગ્ન થવાના જ નથી. એટલું જ નહીં પણ ભવિષ્યમાં તીર્થંકર થનારા શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી મલ્લિનાથ ભગવાન પણ લગ્ન નથી કરવાના.”
વાસુપૂજ્ય ભગવાન લગ્ન માટે કોઈ રીતે તૈયાર થયા નહીં અને દીક્ષા લઈને એક જ મહિનામાં કેવળજ્ઞાન પામ્યા. તેમનો ધ્યેય સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થઈ મોક્ષે જવાનો હતો.
કેવળજ્ઞાન થયા બાદ શ્રી વાસુપૂજ્ય ભગવાનનું સમોવસરણ રચાયું અને તેમણે લોકોને ખૂબ સુંદર દેશના આપી. ભગવાનની દેશના સાંભળીને ઘણા લોકોનું જીવનપરિવર્તન થઈ ગયું. ખાસ કરીને દેશનામાં ભગવાને ધર્મ વિષય પર બહુ સુંદર વાતો કરી.
ધર્મ એટલે શું? ધર્મ ભાવનાનું સ્વરૂપ શું છે? મનુષ્ય જીવનમાં ઊંચું કુળ મળે, સંસ્કારી માતા-પિતા મળે અને આપણને સારા સંસ્કાર મળે ત્યારે આપણે ધર્મ પ્રાપ્ત કરી લેવા જેવો છે. સાધારણ ભાષામાં લોકો સવારે ઊઠીને પાઠ-પૂજા, દીવો-આરતી અને માળા કરે એટલે એમાં બધો ધર્મ આવી ગયો એમ સમજે છે; પણ બાકીના સમયમાં શું? બાકીના સમયમાં આપણે કેટલા બધા કર્મો બાંધીએ છીએ; એના પર આપણી જાગૃતિ જ નથી હોતી. આ મનુષ્ય ભવ મળ્યા પછી ધર્મની કેટલી બધી કિંમત છે! જે પણ સાચા ધર્મના રાહી હોય એને નિરંતર શાંતિ વર્તાતી હોય છે; એને અંતરશાંતિ કાયમ રહેતી હોય છે. સાચા ધર્મનું પરિણામ જ અંતરશાંતિ છે.
ધર્મની સાચી વ્યાખ્યા કઈ? પરિણામ પામે તે ધર્મ. આપણે ભલે ગમે તેટલો ધર્મ પાળતા હોઈએ પણ જો અંદર શાંતિ ન રહે, મહીં ચિંતા-ઉપાધિ-કલેશ-કષાય થતા હોય તો એને ધર્મ પાળ્યો ન કહેવાય. આમાં ક્યાંક આપણી ભૂલ થાય છે. એ ભૂલને શોધીને એમાંથી બહાર નીકળવાની જરૂર છે. સાચા ધર્મનું પરિણામ તો આવવું જ જોઈએ.
બીજી તાત્ત્વિક રીતે પણ ધર્મની સુંદર વ્યાખ્યા છે કે વસ્તુ સ્વ-ગુણધર્મમાં પરિણમે એનું નામ ધર્મ. દરેક વસ્તુ પોતાના ગુણધર્મો સહિત હોય છે. દરેક દ્રવ્ય એના ગુણધર્મો સહિત હોય છે, પણ જ્યાં સુધી એ ગુણધર્મમાં પોતે પ્રવર્તે નહીં ત્યાં સુધી એ વસ્તુ વસ્તુ ગણાતી નથી. દા.ત., જેમ સોનું સોનાના ગુણધર્મમાં હોય તો જ એને સોનું કહેવાય; પીળું હોય, ચળકતું હોય, વાળો એમ વાળી જાય એવું હોય, એને કાટ ન ચડે, એ કાળું ન પડે તો સમજાય કે આ સોનું છે. માટે કોઈ પણ વસ્તુ એના ગુણધર્મમાં પરિણમે તો એ ધર્મમાં આવી કહેવાય.
તીર્થંકરો ભગવંતોએ ધર્મના બે પ્રકાર દર્શાવ્યા છે:
નિશ્ચય ધર્મ એટલે આત્મધર્મ અને વ્યવહાર ધર્મ એટલે અનાત્મ ધર્મ. મન-વચન-કાયાને જે પણ સ્પર્શીને જાય એ બધું જ વ્યવહાર ધર્મમાં આવે છે. જ્યાં ક્રિયા, ભક્તિ, કર્મકાંડ અને નીતિ-નિયમો છે, એ બધું જ વ્યવહાર ધર્મમાં આવે છે. ઊંચામાં ઊંચો વ્યવહાર ધર્મ કયો? આપણા મન, વચન અને કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન થાઓ – એને જ અહિંસા પરમો ધર્મ કહેવાય છે. ‘કોઈને પણ દુઃખ ન હો’ એ ભાવમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવો અહિંસા પરમો ધર્મ આવે છે અને એ પહેલું મહાવ્રત છે. સાચા દિલથી સવારના પાંચ વાર બોલવું, ”મારા મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો.” આટલું જો અંદર થઈ ગયું તો આખો વ્યવહાર ધર્મ આપણી પાસે આવી ગયો કહેવાય.
આપણે પાઠ-પૂજા, સેવા, દેવદર્શન અને વ્યાખ્યાન-પ્રવચન સાંભળ્યા પછી પ્રતિક્રમણ કરીએ એ બધું ક્રિયામાં જાય છે. પ્રતિક્રમણ બે પ્રકારે છે: એક દ્રવ્ય પ્રતિક્રમણ અને એક ભાવ પ્રતિક્રમણ. તીર્થંકર ભગવંતોએ દરેક વસ્તુમાં બાહ્ય અને અંતર એમ બે જુદી રીત તારવી આપી છે. બાહ્ય ધર્મને વ્યવહાર ધર્મ કહ્યો છે અને નિશ્ચય ધર્મને આત્મધર્મ કહ્યો છે. વ્યવહાર ધર્મ આપણને અશુભમાંથી શુભમાં લઈ આવે છે અને પાપમાંથી છોડાવીને પુણ્ય બંધાવે છે. વ્યવહાર ધર્મમાં અહંકાર અને આત્માનું અજ્ઞાન હોય છે.
જ્યારે વ્યક્તિ આત્મધર્મમાં આવે છે, ત્યારે તમામ અજ્ઞાન દૂર થાય છે અને ભાન થાય છે કે “’હું’ આ દેહ, મન કે વાણી સ્વરૂપે નથી પણ ‘હું’ આત્મા સ્વરૂપે છું.”, અને આત્મા પોતાના ગુણધર્મમાં આવે છે. જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદીને જ્ઞાનીઓએ આત્મધર્મ કહ્યો છે; આ દશા ન આવે ત્યાં સુધી ખરો નિશ્ચય ધર્મ એટલે કે આત્મધર્મ પ્રાપ્ત થયો ન કહેવાય. વ્યવહાર ધર્મ તો આપણે અનંત અવતારોથી કરતા આવ્યા છીએ, પણ આત્મા જાણ્યા પછી જ આત્મધર્મમાં આવ્યો કહેવાય.
આત્મધર્મમાં આવવાથી તમામ દુઃખોથી મુક્તિની શરૂઆત થાય છે; એમ કરતાં કરતાં પછી આત્મા મોક્ષે જાય છે. આત્માને મોક્ષમાં પરમ આનંદની અનુભૂતિ અનંત કાળ સુધી રહે છે; ત્યાં આત્મા પોતાના સ્વભાવમાં જ રહે છે. આત્માનો સ્વાભાવિક ધર્મ શું? જ્ઞાન, દર્શન અને પરમાનંદ! કેવળજ્ઞાન સ્વરૂપ એ આત્માનો સાચો ગુણધર્મ છે.
વ્યવહાર ધર્મ એ પરસત્તામાં છે, સ્વસત્તામાં નથી. સ્વસત્તામાં તો પોતાનો સ્વધર્મ જ છે. સ્વ એટલે આત્મા. આત્માના ધર્મમાં આવીએ તેને સ્વધર્મ કહેવાય છે. એ સિવાય બીજા મન-વચન-કાયાના ધર્મો છે એને પરધર્મો કહેવાય છે.
આપણા લોકો આવું માને છે કે પોતે જે સંપ્રદાયમાં છે એ સ્વધર્મ અને એ સિવાયના બાકીના સંપ્રદાયોને પરધર્મ કહેવાય છે. આવી રીતે લોકો સ્વધર્મ અને પરધર્મનો ભેદ પાડે છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને સ્વધર્મની વાત કરી છે, પણ એમણે સ્વધર્મ પોતાના આત્મધર્મને કહ્યું છે, નહીં કે કોઈ સંપ્રદાય કે ધર્મને. દેહ માટે તો શ્રી કૃષ્ણ ભગવાને ચોખ્ખું કહ્યું છે, “આ દેહ તો વિનાશી છે; એક દિવસ આ દેહ બળી જવાનો છે. આત્મા અવિનાશી છે, અમર છે; એ આપણું ખરું સ્વરૂપ છે.” લોકોને ભગવાનની મૂળ વાત સમજાતી નથી અને વિવિધ વાડા-સંપ્રદાયો ઊભા થઈ જાય છે. જ્યાં સુધી આત્મા જાણ્યો નથી ત્યાં સુધી તે સ્વધર્મમાં આવ્યો જ નથી ત્યાં સુધી પોતે અનાત્મ વિભાગમાં છે.
અનાત્મ વિભાગમાં અંત:કરણ આવે છે; એને નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ:
શ્રી વાસુપૂજ્ય ભગવાને ધર્મ પર સુંદર દેશના આપી. ભગવાને લોકોને ધર્મમાં ખૂબ જ પ્રવૃત્ત કર્યા અને અધર્મમાંથી છોડાવ્યા. અધર્મને ખસેડવું અને ધર્મમાં આવવું એને ધર્માધર્મ કહેવાય છે; એનાથી પણ આગળ આત્મધર્મમાં આવે ત્યારે મોક્ષ તરફનો રસ્તો પકડાય છે. ભગવાનના દર્શનથી, ભગવાનની દેશનાથી લોકોને ધર્મનું સાચું સ્વરૂપ સમજાયું અને કરોડો જીવોએ મોક્ષ તરફ પ્રયાણ કર્યું. ત્યારે દ્વિપૃષ્ઠ વાસુદેવ જે પોતનપુરમાં પધાર્યા હતા, તેમને ભગવાનની દેશના સાંભળતાં જ સમકિત થયું. વાસુપૂજ્ય ભગવાનના સંઘમાં ૬૬ ગણધરો હતા. વાસુપૂજ્ય ભગવાન ૬૦૦ સાધુઓ સાથે ચંપાનગરીથી નિર્વાણ પામ્યા અને મોક્ષે ગયા.
subscribe your email for our latest news and events