તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાન વર્તમાન કાળચક્રના તેરમા તીર્થંકર હતા. એમનું દેહપ્રમાણ ૬૦ ધનુષનું હતું અને કાયા કંચનવર્ણી હતી.
શ્રી વિમલનાથ ભગવાનનું લાંછન વરાહ છે. ષણ્મુખ યક્ષદેવ અને વિદિતા યક્ષિણીદેવી તેમના શાસન દેવ અને શાસન દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.
ઘાતકીખંડ દ્વીપમાં, પ્રાગવિદેહ ક્ષેત્રના ભરત વિજયમાં આવેલી મહાપુરી નગરીમાં પદ્મસેન રાજા ખૂબ જ સારી રીતે રાજ કરતા હતા. ઘણા વર્ષો રાજ કર્યા પછી સંસાર અસાર લાગતાં મોક્ષપ્રાપ્તિ અર્થે એમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ખૂબ જ ઉત્કૃષ્ટ ભાવનાથી અરિહંત ભગવાનની ભક્તિ કરતાં કરતાં એમને તીર્થંકર ગોત્ર બંધાયું. ભક્તિ કરતાં કરતાં એમનો દેહવિલય થયો અને પછી તેઓ દેવલોકમાં દેવતા તરીકે જન્મ્યા.
દેવલોકમાં લાંબુ આયુષ્ય પૂરું કર્યા પછી પદ્મસેન રાજાનો જન્મ ભરતક્ષેત્રના કાંપિલ્યપુર નગરમાં કૃતવર્મા રાજા અને શ્યામા રાણીને ત્યાં થયો. ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતા એકદમ નિર્મળ એટલે કે ‘વિ-મલ’ થઈ ગયાં; એટલે ભગવાનનું નામ ‘વિમલનાથ’ રાખવામાં આવ્યું.
બાલ્યકાળ પસાર કર્યા પછી યૌવનકાળમાં પિતાની ઈચ્છા પૂરી કરવા તથા પોતાનું ભોગાવલી કર્મ પૂરું કરવા પ્રભુએ લગ્ન કર્યા. તેમણે ખૂબ લાંબા કાળ સુધી સુંદર રીતે રાજ ચલાવ્યું. પછી સમય પાકતા તેમણે દીક્ષા લીધી અને પછી એમને બે જ વર્ષના ટૂંકા ગાળામાં કેવળજ્ઞાન થયું.
કેવળજ્ઞાન થયા પછી દેવોએ સમવોસરણની રચના કરી અને એ રચનામાં બિરાજીને શ્રી વિમલનાથ ભગવાન દેશના આપવા લાગ્યા. ભગવાને બોધિદુર્લભ ભાવના, કે જેને સમ્યક્ત્વ પ્રાપ્તિ અને બોધિરત્ન પ્રાપ્તિ પણ કહેવાય છે, એના પર બહુ જ સુંદર દેશના આપી.
અનંતકાળથી આપણો જે જીવ છે એ ૮૪ લાખ યોનિમાંથી અનેકવાર પસાર થઈ ગયો છે. મનુષ્ય તરીકે પણ અનંતવાર આવી ગયો છે અને તેમ છતાં પણ એને આ જન્મ-મરણના ચક્કરમાંથી છુટકારો નથી મળતો. એનું મૂળ કારણ શું? શા માટે આપણે બધાએ ભટક ભટક કરવું પડે છે? આ ભટકામણમાં કેટલી બધી યાતનાઓ ભોગવવી પડે છે! આ મનુષ્ય ભવમાં જ આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી અત્યાર સુધી કેટલો બધો ભોગવટો હોય છે. આ પાંચમાં આરામાં, કળિકાળમાં સુખ તો બહુ જ ઓછું, જરાક જ મળે; મહદ્અંશે દુઃખ, દુઃખ ને દુઃખ જ હોય છે. કળિયુગમાં દુઃખ અપાર, સુખ જરાક! એટલે પરમ પૂજ્ય દાદા ભગવાને તો ચોખ્ખું કહ્યું છે કે કળિયુગમાં સુખ એટલે બે દુઃખ વચ્ચેનો જે અંતરાલનો કાળ છે એટલા જ ભાગમાં સુખ લાગે. બાકી તો દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. આ મનુષ્યનું દુઃખ આપણે યાદ કરીએ તો આટલું છે, તો પછી જાનવરોમાં અને નર્કગતિમાં તો એટલા ભોગવટા, કીડા-મંકોડા, જીવ-જંતુઓ, ઝાડ-પાન, ભૂખ-તરસ, બધાની વેદના. આ બધામાં આ જીવ કેમ ફસાયો છે?
પોતે પરમાત્મા છે, પરમાનંદ સ્વરૂપી છે. નિરંતર પરમાનંદ સ્વભાવ જ છે જેનો, એ સ્વભાવનો અનુભવ નથી થયો અને જ્યાં નર્યું દુઃખ, દુઃખ ને દુઃખ છે એ પુદ્ગલ તત્ત્વ, તેમાં જ પોતે રચ્યો રહ્યો છે. એટલે આ પુદ્ગલમાં જરાક પેઠો એટલે નર્યું દુઃખ ને દુઃખ જ છે. આ અજ્ઞાન માન્યતાઓને ‘અહમ્’ કહેવામાં આવે છે. અહંકાર આ દુઃખ ભોગવે છે; એ કર્તા પણ થાય છે અને ભોક્તા પણ થાય છે. અહંકાર જ્યારે જાય ત્યારે સર્વ દુઃખોનો નાશ થાય અને ત્યાર પછી જ આત્માનો અનુભવ થાય. આ અનુભવ નિરંતર એને આત્મસુખમાં જ રાખે.
અહંકારની બિલીફ બદલાય છે ત્યાં ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આ જે જડ પરમાણુ બની આજુબાજુ પડેલા છે, તેમાં એ તન્મયાકાર થતો જાય છે. પરમાણુનો તો સ્વભાવ સક્રિય જ છે; એની ક્રિયા થયા જ કરે છે અને આત્મા પોતે અક્રિય છે, જ્ઞાતા-દ્રષ્ટા છે, પરમાનંદી છે. પણ એ અનુભવ ખોઈ બેસે છે અને આ સક્રિયતામાં એ પોતે જડમાં એકાકાર થઈ જાય છે. હવે, જડમાં એકાકાર થયો; જડતત્ત્વમાં તો આનંદનો ગુણ છે જ નહીં તો પછી આનંદ ક્યાંથી મળે? એમાં તો આ જ બધું છે, સુખ-દુઃખ, સારું-ખોટું; બધું ભેળસેળિયું છે. એટલે પછી જ્યાં એને ગમતું આવે ત્યાં એને થોડું સુખ લાગે અને ના ગમતું આવે ત્યાં એટલું દુઃખ આવે. ગમતા-ના ગમતામાંથી રાગ-દ્વેષ થયા જ કરે છે – એને જ મિથ્યાત્વ કહ્યું છે. અન્યમાં પોતે તન્મયાકાર થઈને તેને ‘હું’ જ છું અને ‘મારું’ જ છે એમ માને છે – એનું નામ મિથ્યાત્વ, મિથ્યાદર્શન!
સમ્યક્ દર્શન એટલે પોતાના સાચા, રિયલ દર્શન. પોતાની દૃષ્ટિ નિરંતર આત્મા તરફ રહે ત્યારે એને સમ્યક્ દૃષ્ટિ થઈ કહેવાય. સહેજ, એક ક્ષણ પણ થઈ તો એને ઉપશમ સમકિત તો કહ્યું જ છે. જ્યારે એની દૃષ્ટિ બદલાય છે; એક જ ક્ષણ જો એની દૃષ્ટિ “હું આત્મા છું” કરીને આત્મામાં સ્થિર થઈ અને પછી ભલેને જતી રહી તો પણ એને જ્ઞાનીઓ સમ્યક્ દર્શન થઈ ગયું કહે છે; ‘બોધ બીજ’ પામ્યો. એ દૃષ્ટિ પછી ભલેને બહાર ફરતી હોય તો પણ કેટલાય કાળ પછી પાછી અંદર આવીને મોક્ષે તો લઈ જ જવાની છે; એટલે એને ઉપશમ સમકિત કહ્યું છે.
સમકિત એટલે સમ્યક્ દર્શન. સમકિત ત્રણ પ્રકારના છે:
શાસ્ત્રમાં તો કહ્યું છે કે ગાયના શીંગડા પર રાઈનો દાણો જેટલી વાર ટકે, એટલી વાર જ જો એની દૃષ્ટિમાં “હું આત્મા છું” એવું આવે તો એને ઉપશમ સમકિત થઈ ગયું કહેવાય. આટલો જ સમય પછી એથી વધારે રહે એને ક્ષયોપશમ પ્રવૃત્તિઓ થઈ કહેવાય. એની દૃષ્ટિ આખી ક્ષયોપશમ સમકિતની થઈ જાય. એમાં પછી અમુક પ્રકૃતિ ક્ષય કરવાની રહે છે અને અમુક ક્ષય થઈ ગઈ હોય છે. બધી જ પ્રકૃતિ ક્ષય થઈ જાય ત્યારે ક્ષાયક કહેવાય છે.
આ બધી પ્રકૃતિમાં, ચાર કષાયો – ક્રોધ-માન-માયા-લોભ અને ત્રણ પ્રકારની મોહનીય – મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, આ સાત પ્રકૃતિ ખલાસ થાય છે ત્યાર પછી એને અંદરથી ક્ષાયક સમકિત થાય છે. ક્ષાયક ભાવ, નિરંતર આત્મસ્વભાવમાં જ રહે પછી એને પુદ્ગલ ભાવ ઊભો ના થાય. અહમ્નું તન્મયાકારપણું ક્યાંય પણ પુદ્ગલ પ્રક્રિયામાં એક સેકન્ડ પણ સ્થિર ના થાય; એ સીધું આત્મામાં જ આવી જાય; એક સેકન્ડ આવે, જુએ, જાણે અને પૂરું થઈ જાય. ક્ષાયક સમકિત એટલે બારમા ગુણ સ્થાનકમાં આવી ગયો કહેવાય; પછી એનો મોક્ષ હાથવેંત છે. ટૂંક સમયમાં જ પછી એનો મોક્ષ થઈ જાય.
સમ્યક્ દર્શનનું બહુ જ મહત્ત્વ છે. જરાક પણ જો દૃષ્ટિ આત્મામાં આવી તો કામ થઈ જાય. એટલે તમામ જ્ઞાનીઓ, તમામ તીર્થંકરોએ આ બોધિરત્ન જ બધાને આપવા માટે માથાકૂટ કરેલી. બોધિરત્ન એટલે સમ્યક્ત્વ, સમ્યક્ દૃષ્ટિ, સમકિત! બધા જુદા જુદા એના શબ્દપ્રયોગો છે, પણ મૂળ એક આત્મદૃષ્ટિ ખુલવાની વાત છે.
અત્યાર સુધી આ ચામડાની આંખથી જોઈએ છીએ; વિનાશી વસ્તુને જ આપણે કાયમી માનીએ છીએ. ટેમ્પરરીને જ પરમેનન્ટ માનીએ છીએ ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ કહેવાય છે, મિથ્યાત્વ કહેવાય છે. અને પરમેનન્ટ વસ્તુને પરમેનન્ટ જાણે અને ટેમ્પરરીને ટેમ્પરરી જાણે ત્યારથી એની દૃષ્ટિ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થઈ કહેવાય; સમકિત થયું કહેવાય. આ પ્રાપ્તિ કરવાનું બહુ જ દુર્લભ છે. અનંતકાળ ભટક્યા છીએ પણ આટલી દૃષ્ટિ જ નથી બદલાઈ. તીર્થંકરોએ ખાલી દૃષ્ટિ બદલવાની વાત કરી છે; ત્યાર પછી, તમારો મોક્ષનો માર્ગ ચાલુ થશે. ત્યાં સુધી ગમે તેટલું આપણે તપ કરીએ, ત્યાગ કરીએ, જપ કરીએ, ઉપવાસ કરીએ, ધ્યાન કરીએ, ગમે તે કરીએ પણ જ્યાં સુધી આ દૃષ્ટિ નહીં બદલાઈ હોય ત્યાં સુધી પાછું સંસાર પરિભ્રમણનું ચક્કર તો ચાલુ ને ચાલુ જ રહેશે. પુણ્ય બંધાશે, પાછું ભોગવવા આવવું પડશે, પાછું નવું પાપ ને પુણ્ય બાંધતાં, છોડતાં-બાંધતાં અનંતકાળ વહી ગયો, પણ આ એક દૃષ્ટિ જ નથી બદલાઈ. જ્ઞાનીઓને મન આ દૃષ્ટિની બહુ જ કિંમત છે; એટલી બધી કિંમત છે કે જેની આગળ ચક્રવર્તીઓના રાજપાટની પણ કોઈ જ કિંમત નથી.
અહંકાર કેવો છે? એટલો ભયંકર છે કે આપણને અનંતકાળથી રખડાવે છે અને જ્યાં સુધી આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સૂક્ષ્મતમ અહંકારનું આવરણ ખસે નહીં ત્યાં સુધી આત્માનું ફૂલ લાઈટ બહાર નથી આવતું. સાધારણ ખસે તો છે તો દૃષ્ટિ બદલાય છે. સાધારણ એટલે મૂળ તો દૃષ્ટિ બદલાવી જ જોઈએ. દેહાધ્યાસ એટલે કે દેહને “હું છું” માને છે એને બદલે “હું આત્મા છું” અને આત્મા શું છે, કેવો છે, એ દૃષ્ટિમાં આવવું જોઈએ. શબ્દથી નહીં, અનુભવથી! એ દૃષ્ટિમાં આવે ત્યારે એને સમ્યક્ દર્શન થયું કહેવાય છે અને એ સમ્યક્ દર્શન થયાં પછી ત્યાંથી એનો મોક્ષનો સિક્કો વાગે જ, મોક્ષે જવાનો જ! ઉપશમ સમકિત હોય તો પણ વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ સુધી રખડીને પણ છેવટે મોક્ષે જવાનો.
શ્રી વિમલનાથ પ્રભુની દેશના સાંભળીને લાખો લોકોએ દીક્ષા લીધી. એમને ૫૭ ગણધરો હતા. એમના જ વખતમાં ત્રીજા વાસુદેવ સ્વયંભૂ થયા હતા કે જે ભગવાનના બોધથી સમકિત પામ્યા તથા બળદેવ ભદ્રએ પણ તે જ ભવે દીક્ષા પછી મોક્ષ પ્રાપ્ત કર્યો.
શ્રી વિમલનાથ ભગવાન પોતાના બધા કર્મો ક્ષય કરીને કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
subscribe your email for our latest news and events