અમદાવાદની સીમા પાસે, અડાલજમાં ( અમદાવાદ – કલોલ હાઇવે પર ) અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીની પ્રેરણા મુજબ એક ભવ્ય નિષ્પક્ષપાતી ત્રિમંદિર તૈયાર થયું છે.
આ ત્રિમંદિર, ભવ્ય બે મજલાની ઈમારત છે, જેમાં ભોયતળીયે એક ‘જાયજેન્ટીક’ હોલ છે અને ઉપરના માળે મંદિર છે. ૧૦૮ ફૂટ ઊંચાઈ વાળા મધ્યશિખર સાથે અને બારીક કોતરણીવાળા ગુલાબી પથ્થરોની બાંધણીથી એ જોવાલાયક બન્યું છે.
મંદિરનો મુખ્ય હોલ ૧૦,૦૦૦ ચો.ફૂટ અને પોડિયમ ૨૦,૦૦૦ ચો.ફૂટના છે. મધ્યના ભાગમાં ૧૩ ફૂટ ઊંચાઈના ભગવાન શ્રી સીમંધર સ્વામી અને તેમના શાસનદેવ ચાન્દ્રાયણ યક્ષદેવ અને શાસનદેવી પાંચાંગુલી યક્ષિણીદેવીની મૂર્તિઓ મુકવામાં આવી છે.
ત્યાં બીજા તીર્થંકરો, શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી અજીતનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર ભગવાન, સાથે શાસનદેવીઓ શ્રી ચકેશ્વરી દેવી અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ પણ છે. ત્રિમંદિરના ડાબીબાજુના ગભારામાં શિવલિંગ, પાર્વતી દેવી, હનુમાનજી અને ગણપતિજી છે જયારે જમણી બાજુના ગભારામાં શ્રી યોગેશ્વર કૃષ્ણ ભગવાન, શ્રી તિરુપતિ બાલાજી, શ્રી શ્રીનાથજી, શ્રી ભદ્રકાળી માતાજી અને શ્રી અંબા માતાજી છે. મંદિરના બે અંતિમ છેડાઓ પર શ્રી પદ્મનાભ સ્વામી પ્રભુ ( આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર ) અને સંત શિરોમણી શ્રી સાંઈબાબાની મૂર્તિઓ છે.
ત્રિમંદિરમાં મ્યુઝિયમ અને નાનું થીયેટર પણ છે જે પરમ પૂજ્ય દાદાશ્રીના જીવન/જ્ઞાનની ઝાંખી કરાવે છે.
અડાલજ ઉપરાંત રાજકોટ, ભૂજ અને ગોધરામાં પણ ભવ્ય ત્રિમંદિરો આવેલા છે અને મુંબઈ ખાતે બંધાઈ રહ્યું છે. તે ઉપરાંત મધ્યમ કક્ષાના ત્રિમંદીરો ચલામલી, ભાદરણ, વાસણા અને બીજી ઘણી જગ્યાએ આવેલા છે.
પવિત્ર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૫ થી ૨૯ ડીસેમ્બર ૨૦૦૨ દરમ્યાન ઉજવાયો. હજારો મહાત્માઓ/મુમુક્ષુઓની હાજરીમાં પૂજ્ય નીરુમાએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરી હતી.
subscribe your email for our latest news and events