હા, ભાગ્ય બદલી શકાય છે પણ એમાં ખાસ પ્રયત્નની જરૂર પડે છે! કોઈ ચોક્કસપણે કે ખાતરીપૂર્વક એવું કહી ના શકે કે એના ભાગ્યમાં શું છે, પરંતુ એનું પરિણામ કેવું આવે છે એ જાણી શકે. એ પરિણામ અનેક સંજોગોના ભેગા થવાથી આવે છે, જેમાં તમારા દ્વારા થતો પુરુષાર્થ પણ સમાયેલો છે. ભાગ્ય કેવી રીતે બદલી શકાય તે જાણવા માટે ભાગ્ય કેવી રીતે ઉદયમાં આવે છે એ વિગતવાર સમજીએ.
ઘણા લોકો એમ વિચારે છે કે જ્યારે જીવનમાં શું થવાનું છે એ પહેલેથી જ નક્કી છે, તો પછી પ્રયત્ન શા માટે કરવા જોઈએ અથવા તો એમાં પોતાની ભૂમિકા શું છે? આખરે તો જે થવાનું છે એ થઈને જ રહેશે! વાસ્તવિકતામાં, ભાગ્ય તો ચોક્કસ પરિણામ અથવા ઘટના તરફ દોરી જનારા કારણોમાંનું ફક્ત એક કારણ છે; આ સિવાય કાળ, ક્ષેત્ર, કુદરત અને પોતાનો પુરુષાર્થ જેવા બીજા ઘણા કારણો છે.
એ સાચું છે કે આ જીવનમાં ઉદયમાં આવનારી નિયતિને કોઈ બદલી ના શકે. તેમ છતાં, બે ખાસ ચાવીઓ છે જેનાથી આ શક્ય થઈ શકે છે. એ બે ખાસ ચાવીઓ કઈ છે એ જાણવા આગળ વાંચો અને આવનારી નિયતિમાં તમારી શું ભૂમિકા છે એ પણ જાણો!
પરિબળોની પરસ્પર ક્રિયા સમજવા માટે એક પ્રયોગ
ધ્યેય: વ્યક્તિના પ્રયત્નોની જરૂરિયાતને ઓળખવું
સાધનસામગ્રી: તમારા હાથમાં રહેલો મનગમતો માટીનો કલાત્મક ખાલી મગ
ધારણા: નાજુક કપ અચાનક તમારા હાથમાંથી છટકી જાય છે.
રીત: હવે, કાં તો તમે રાહ જોઈ શકો છો અને મગ કેવી રીતે હાથમાંથી પડે છે એ જોઈ શકો છો કાં તો તમે એને બચાવવાનો પ્રયત્ન કરીને એને નીચે પડીને તૂટતો અટકાવી શકો છો. એક સમજદાર વ્યક્તિ તરીકે તમે કપને પકડવાનો પ્રયત્ન કરશો, બરાબર ને? હાથમાંથી છટકી રહેલા કપને પકડવા માટે તમે જે કાર્ય કર્યું એને તમારો પુરુષાર્થ છે. ઊભા રહીને જોવાની અને રાહ જોવાની ક્રિયા શક્ય નથી, કારણ કે કોઈ પણ વ્યક્તિ એવું ન જ કરે, ખાસ કરીને જ્યારે કપ મનગમતો હોય!
પરિણામ: તમે પ્રયત્ન કર્યો છતાં પણ પરિણામ (કપની નિયતિ) શું છે એની તમને ખબર નથી. કપ નીચે પડીને તૂટી શકે છે અથવા તો તમે એને નીચે પડીને ટુકડા થવાથી બચાવી પણ શકો છો. એટલે પરિણામ પોઝિટિવ હોઈ શકે છે અથવા નેગેટિવ.
તારણ: આ ઉદાહરણ પરથી એટલું સ્પષ્ટ છે કે, જ્યાં સુધી કપ ટેબલ કે જમીન જેવી કોઈ સપાટી પર પછડાતો નથી, ત્યાં સુધી તમે એને બચાવવાનો પ્રયત્ન કરી શકો છો. પરિણામ (કપની નિયતિ) શું હશે એનો વિચાર કર્યા સિવાય તમે એને બચાવવા માટે પ્રયત્ન કરો છો. આપણે હંમેશા પોઝિટિવ પરિણામ આવશે એમ માનીને પ્રયત્ન કરવો જોઈએ.
વાસ્તવિક જીવનમાં પ્રયોગ: મનુષ્યનું જીવન પણ આવું જ છે. જે થવાનું છે એ તો થવાનું જ છે, પણ જ્યારે તમને ખબર નથી કે શું થવાનું છે, ત્યારે તમારે છેક સુધી પ્રયત્ન કરવો જોઈએ. યાદ રાખો કે, શું થવાનું છે એને આકાર આપનારા નિમિત્તોમાંના એક નિમિત્ત તમે પણ છો.
જે થવાનું છે એ બધું પહેલેથી નક્કી જ છે, એમ બહાનું કાઢીને પોતાની ભૂમિકા ના ભજવવી અને ખાલી બેસી રહેવું એ મૂર્ખામી છે.
વાસ્તવિક જીવનના રોલ મોડેલ ઉદાહરણો
- જો આલ્બર્ટ આઈનસ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત અને E=mc2 સમીકરણની શોધ માટે પ્રયત્નો ના કર્યો હોત તો શું થાત?
- જો થોમસ એડીસને લાઈટની શોધ કરવા માટે પ્રયત્ન ના કર્યો હોત તો?
- ચાર્લ્સ બેબેજે કમ્પ્યૂટર શોધવાનો પ્રયાસ ના કર્યો હોત તો?
- આર્યભટ્ટે ‘શૂન્ય’ શોધવાનો પ્રયત્ન ના કર્યો હોત તો?
- જો મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોની ચુંગલમાંથી ભારતને આઝાદ કરાવવાની ઝુંબેશ ના ઉપાડી હોત તો?
- શાશ્વત સુખ કેવી રીતે મેળવવું એના વિશે આધ્યાત્મિક ગુરુઓએ ઉપદેશ ના આપ્યો હોત તો?
- જો બધા જ મહાન લોકોએ બધું ભાગ્ય પર છોડી દીધું હોત અને આવી અપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત ના કરી હોત તો?
- આનાથી પણ વધારે, જીવન ચલાવવા માટે નસીબમાં જેટલા પૈસા આવવાના હશે એમ વિચારીને તમે પૈસા કમાવાનો પ્રયત્ન જ ના કર્યો હોત તો?
આ બધા વાસ્તવિક જીવનના ઉદાહરણો પરથી સમજી શકાય છે કે, દરેક મનુષ્યએ પ્રયત્નો તો કરવા જ પડે છે. એના વિના ધાર્યું ફળ મેળવી શકાય નહીં. આ અનુભવ પોતાની નિયતિ બદલવા માટે પાયાનું પહેલું પગથિયું છે.
કર્મોના ઉદય વખતે તમારી ભૂમિકા
હવે જ્યારે નિયતિ પહેલેથી નક્કી હોવા છતાં પણ આપણે ભૂમિકા ભજવવાની જ છે, તો ચાલો સમજીએ આપણી ભૂમિકા વિશે. જ્યારે ગયા ભવના કર્મો ઉદયમાં આવે છે, ત્યારે આપણે બે પ્રકારની ભૂમિકાઓ ભજવવાની હોય છે:
સ્થૂળ ભૂમિકાઓ
- દ્રઢ સંકલ્પશક્તિ સાથે પોઝિટિવ રહીને ધ્યેયલક્ષી કામ કરવું
- જે પરિણામ આવે એ સ્વીકારવું અને જો પરિણામ અનુકૂળ ન હો હોય તો તે સાનુકૂળ ન થાય ત્યાં સુધી ફરીથી સિન્સિયરલી પ્રયત્નો કરવા (એમ સમજવું કે જે કંઈ પણ થયું છે એ ગયા ભવના કર્મોનું ફળ છે, વ્યક્તિઓ અને સંજોગો ફક્ત નિમિત્ત છે)
સૂક્ષ્મ ભૂમિકાઓ
- સારા ભાવ કરવા (જેનાથી આવતા ભવની નિયતિ સુધરે)
- અનુકૂળ સંજોગો માટે પ્રાર્થના કરવી (જેનાથી ઉદયમાં આવનારું ભાગ્ય બદલાય કે એની નેગેટિવ અસરો બદલાય)
- દ્રઢ નિશ્ચય કરવો (જેનાથી ભાગ્ય બદલાય)
સ્થૂળ ભૂમિકાની પોઝિટિવ અસરો
- કોઈ પણ પરિસ્થિતિનો પોઝિટિવ અભિગમ અને દ્રઢ મનોબળથી સામનો કરવો
- ક્યારેય પણ નિરાશ ના થવું કે હાર ના માનવી કે નેગેટિવ અભિગમ ના રાખવો (“હું કરી શકીશ!” એવો પોઝિટિવ અભિગમ રાખવો)
- જરૂરી અનુકૂળ સંજોગો ભેગા કરવામાં કુદરત તરત સહાય કરે જ છે (તેમ છતાં ક્યારેક એમાં સમય લાગી શકે), કારણ કે જેઓ પોઝિટિવ છે અને પોતાના ધ્યેયને સિન્સિયર રહે છે, એની કુદરત સહાય કરે જ છે
- સંતોષપૂર્ણ જીવન જીવવું
- પ્રતિબદ્ધતા અને આશાવાદ જેવા સદ્ગુણો કેળવવા
સૂક્ષ્મ ભૂમિકાની પોઝિટિવ અસરો
સૂક્ષ્મ ભૂમિકાની એકમાત્ર અને સૌથી મોટી પોઝિટિવ અસર છે: સારી નિયતિ! સારા ભાવ રાખવા, નિ:સ્વાર્થભાવે સતત પ્રાર્થના કરવી અને અડગ નિશ્ચયથી ઈચ્છિત નિયતિના કારણો સેવાય છે. આમ તો, આ ત્રણેય ભૂમિકા ભવિષ્યમાં અનુકૂળ ભાગ્ય ઘડાવામાં મદદરૂપ થાય જ છે, પણ છેલ્લી બંને ભૂમિકાઓમાં ઉદયમાં આવનારી નિયતિને બદલવાની શક્તિ છે. આ માહિતી સાથે આપણે જીવનની નિયતિ બદલવાનો બીજો તબક્કો પાર કર્યો છે.
સારી ભાવના ભાવવા માટેની બે રીતો
રીત ૧
પોતાની ઈચ્છા પ્રમાણેનું નસીબ મેળવવા માટે રોજ સવારે પાંચ વખત બોલવું, "પ્રાપ્ત મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુ:ખ ન હો.” આ ભાવનાથી આવતા ભવના સુખી અને શાંતિમય ભવિષ્યના કારણો સેવાય છે. કોઈ પણ પ્રયત્ન નકામો નથી જતો. એનું ફળ ચોક્કસ મળે જ છે, કારણ કે એ પ્રયત્ન પાછળ પોઝિટિવ ભાવના રહેલી છે. યાદ રાખો કે આ ભાવ એ કારણ છે અને નિયતિ એ પરિણામ છે.
રીત ૨
અક્રમ વિજ્ઞાનના પ્રણેતા પરમ પૂજ્ય દાદા ભગવાન મુજબ, જો તમને તમારા ધ્યેય સુધી પહોંચવામાં નકારાત્મક કે અનિચ્છનીય પરિણામનો સામનો કરવો પડે, તો તમારે એની માફી માંગવી જોઈએ (પ્રતિક્રમણ) અને દ્રઢ નિશ્ચયને વળગી રહેવું જોઈએ.
નેગેટિવ પરિણામ આવવાનું કારણ એ છે કે તમે પોતે જ તમારા પોઝિટિવ અથવા ધારેલા પરિણામમાં નેગેટિવિટી લાવીને આંતર્યા છે. ઉદાહરણ તરીકે, તમે ડૉક્ટર બનવા માટે ખૂબ મહેનત કરી હોય (પોઝિટિવ પ્રયત્ન), પણ તમે ન બની શકતા હો, આનો મતલબ એ છે કે તમે બીજા કોઈને ડૉક્ટર બનતા અટકાવવાના નિમિત્ત બનીને અંતરાય પાડ્યા હતા (કદાચ ગયા ભવમાં). સાથે સાથે, જો તમે સફળ ન થવા માટે બીજા પર દોષારોપણ કરતા રહેશો, તો એનાથી પણ ખરાબ કર્મ અને પરિણામે પ્રતિકૂળ ભાગ્ય ઘડાશે.
હવે, જો તમે ભૂતકાળમાં કરેલી ભૂલોના અને નેગેટિવ પરિણામ વખતે બીજાને દોષિત જોવાના (એમને ચોક્કસપણે દુ:ખ થયું હોય) હૃદયથી પ્રતિક્રમણ કરો તો તમારા પહેલાંના અંતરાય કર્મો અને અત્યારના ખરાબ કર્મો (દોષિત જોયા બદલના) ખરી પડે છે. પ્રતિક્રમણ એ મનમાં થતી ત્રણ તબક્કાની સૂક્ષ્મ ક્રિયા છે: ભૂતકાળમાં થયેલા ખરાબ ભાવ કે કાર્યનો સ્વીકાર કરવો, માફી માંગવી અને ફરીથી એ ભૂલ નહીં કરવાનો સંકલ્પ (દ્રઢ નિશ્ચય) કરવો. શુદ્ધ ભાવના ભાવવા માટેનો આ એક રસ્તો છે.
બે ભાગ સમજવા જેવા છે:
- ડૉકટર ના બની શકવાની નિયતિ
- ડૉકટર બનવા માટેનો દ્રઢ નિશ્ચય
આ ભવના નક્કી કરેલા ધ્યેય પ્રમાણે પરિણામ (ભાગ્ય કે ગયા ભવના કર્મોનું ફળ) આવે કે ના પણ આવે. નિયતિ એ આજના ધ્યેય કરતા અલગ છે. તેથી નસીબમાં શું હશે એની પર નિર્ભર થયા વિના તમે આ ભવમાં નક્કી કરેલો ધ્યેય સિદ્ધ કરી શકો છો. આના માટે તમારે ગમે તે સંજોગોમાં ક્યારેય ડગે નહીં એવો દ્રઢ નિશ્ચય કરવો પડશે અને સિન્સિયરલી બનતા પ્રયત્નો કરવા પડશે જેથી નિયતિ બદલાઈ શકે.
શું નિશ્ચય અને પ્રાર્થના ભાગ્યને બદલી શકે?
હા! જ્યારે ઘણા લોકો એવું માને છે કે ભાગ્ય બદલવું કે એનાથી બચવું અશક્ય છે, સત્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ ભાગ્યને આકાર આપતા અન્ય પરિબળો ગમે તેટલા શક્તિશાળી હોય તે ગણકાર્યા વગર દરરોજ પ્રાર્થના તથા મજબૂત, દ્રઢ નિશ્ચયથી પ્રતિકૂળ ભાગ્યથી બચી શકે છે.
અક્રમ વિજ્ઞાનના પ્રણેતા, પરમ પૂજ્ય દાદા ભગવાન મુજબ, જ્યારે આજની નિયતિ તમારી ઈચ્છા મુજબની ના હોય ત્યારે તમારું ધારેલી નિયતિ પ્રાપ્ત કરવાનો દ્રઢ નિશ્ચય અને તે મેળવવા માટેની પ્રાર્થના તમારી ઈચ્છા મુજબની નિયતિ મેળવવામાં મદદ કરે છે. ભાગ્ય બદલવા માટે તેઓ નીચે મુજબ માર્ગ બતાવે છે:
- દ્રઢ નિશ્ચય કરો કે “મારે આ કરવું જ છે.”
- નિશ્ચયને વળગી રહો, ભલે ગમે એવા પ્રતિકૂળ સંજોગો આવે તો પણ જરાય ડગવું નહીં.
- એના પ્રત્યે સિન્સિયર રહો, એ પ્રાપ્ત કરવા માટેના જરૂરી પ્રયત્ન કરતા રહો.
પરમ પૂજ્ય દાદા ભગવાનના કહ્યા અનુસાર, દ્રઢ નિશ્ચયથી ધારેલું પરિણામ મેળવવા માટેની જબરજસ્ત શક્તિઓ પ્રાપ્ત થાય છે. પછી કુદરત પણ જરૂરિયાતના સંજોગો ભેગા કરવામાં મદદ કરે છે. માટે, એકવાર નિશ્ચય કર્યા પછી એને સિન્સિયરલી વળગી રહેવું અને અધવચ્ચેથી પાછા ના ફરવું. માટે, એવો પાક્કો નિશ્ચય કરો કે કોઈ તમને રોકી ન શકે.
નિશ્ચય ઉપરાંત પ્રાર્થના પણ આ જીવનનું ભાગ્ય બદલી શકે છે. જો કે, એ માત્ર પ્રાર્થના જ નહીં પરંતુ, પરમાત્માને સાચા હૃદયથી કરેલી પ્રાર્થના હોવી જોઈએ. જેટલી અંદરની શુદ્ધતા વધારે હશે, એટલી પ્રાર્થના વધારે શક્તિશાળી અને અસરકારક હશે! ચાલો જાણીએ, પ્રાર્થનાથી ભાગ્ય બદલી શકાય છે એ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન શું કહે છે:
પ્રશ્નકર્તા: પેલું (કર્મ) બદલાય? તો નિયતિ બદલાઈ જાય?
દાદાશ્રી: અત્યારે ઉનાળો હોય તોય વરસાદ વરસાવે.
પ્રશ્નકર્તા: આ તો પેલું કો’ક કર્મના બંધનથી બંધાયેલું હોય, એને આપણે મુક્તિ કેવી રીતે અપાવી શકાય?
દાદાશ્રી: જેટલો ચોખ્ખો અંદર, એટલી અસર થાય ને!
પ્રશ્નકર્તા: આપણે કોઈ પણ દર્દ હોય કે કશું પણ ભોગવતા હોય એટલે કર્મનું ફળ કંઈ પણ ભોગવતા હોય, તો આપણે એના માટે સાચા હૃદયથી પ્રાર્થના કરતા હોઈએ તો એ એનું ફળ એને મળે? બદલી શકાય?
દાદાશ્રી: ભગવાન પ્રત્યેની ભાવના છે ને! બધા કાયદાને છેટે મૂકે, નિયતિના કાયદાને છેટે મૂકી દે.
આ રીતે, અત્યંત શુદ્ધ હૃદયની પ્રાર્થનાથી તમે તમારી નિયતિ બદલી શકો છો!
નિષ્કર્ષ
ભલે પૂર્વભવના કર્મો આ ભવની નિયતિ નક્કી કરે છે, તેમ છતાં તમારે આજે મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. આ ભૂમિકા છે શક્ય એટલા દરેક પોઝિટિવ પ્રયત્ન કરવાની, જેમાં નિશ્ચય અને પ્રાર્થનાનો પણ સમાવેશ થાય છે! દ્રઢ નિશ્ચય અને પ્રાર્થનાથી ભાગ્ય બદલાઈ શકે છે.