શું તમે તમારું ભાગ્ય પસંદ કરી શકો છો? શું તમારી ક્રિયાઓ કે નિર્ણયો તમારું ભાગ્ય નક્કી કરે છે કે પછી એ બીજી રીતે છે?

હા, તમારું ભાગ્ય તમે જાતે બનાવો છો; તમે તમારું ભાગ્ય પસંદ કરો છો! આપણામાંથી ઘણા આ હકીકત ઓળખતા નથી અથવા એની અવગણના કરે છે, કારણ કે ભાગ્ય સીધું કર્મ સાથે સંકળાયેલું છે. કર્મ - એક એવો શબ્દ જે વિશે ઘણી વાર ગેરસમજ થાય છે. જે લોકો એવું માને છે કે મનુષ્ય પોતાનું ભાગ્ય પસંદ કરી શકે છે, તેઓ એવું પણ માને છે કે, વ્યક્તિના કર્મો જ તેનું ભાગ્ય નક્કી કરે છે. તેમને ખાતરી હોય છે કે સારા કર્મો સારી નિયતિ તરફ દોરી જાય છે, જ્યારે ખરાબ કર્મોથી ખરાબ નિયતિ બને છે. એમાંથી ઘણા લોકો કર્મોનો અર્થ મનુષ્યની ક્રિયાઓ એવો કરે છે.

choose your destiny

જો કે, ખરેખર તો કર્મો એ ક્રિયાઓ નથી પરંતુ ભાવો છે. વધુમાં, પ્રત્યેક કર્મના તબક્કાઓ હોય છે. ચાલો, એક દ્રષ્ટાંતથી સમજીએ કે જાણતા-અજાણતા તમે તમારી નિયતિ કઈ રીતે બનાવો છો.

કર્મ અને ભાગ્યના સંબંધને દ્રષ્ટાંત દ્વારા સમજીએ

ધારી લો કે, તમે દિવાળી કે ક્રિસમસ જેવા પ્રસંગે ઘરની નોકરાણીના બાળકને તમારો અડધો પિઝા આપી દીધો. હવે જોઈએ, આ ક્રિયાનું શું પરિણામ આવે છે અને આગળ શું બને છે:

  • અડધો પિઝા આપવાની ક્રિયા એ તમારા ગતભવના બાંધેલા કર્મનું ફળ છે.
  • ગતભવમાં તમે આવું કરવાના ભાવ કર્યા હતા. એ ભાવથી કર્મબીજ રોપાયું, જે આ ભવમાં ઉદયમાં આવ્યું.
  • દાન કરવાની આ સારી ક્રિયાને કારણે તમને નોકરાણી તરફથી આશીર્વાદ અને સન્માન મળશે અને બીજા જે કોઈને ખબર પડશે એમના તરફથી વખાણ પણ મળશે. આ કર્મફળ પરિણામ, એટલે કે દાન આપવાની ક્રિયાનું પરિણામ છે.

એટલે, દરેક કર્મની પાછળ કર્મબીજ, કર્મફળ અને કર્મફળ પરિણામ હોય છે. કોઈની નિ:સ્વાર્થ ભાવથી સેવા કરવાનો ભાવ એ શુભ કહેવાય અને જેથી એના પરિણામરૂપે સારું ભાગ્ય મળ્યું.

ખરેખર તો, કર્મફળ વખતે એક વળાંક આવે છે, જેનાથી નવું કર્મ બંધાય છે, જેના આધારે તમે તમારી નિયતિ પસંદ કરો છો!

નવા કર્મને બાંધનારા વળાંકને જાણો!

હવે, બાળકને પિઝા વહેંચતી વખતે ખરેખર તમને એ વહેંચવાનો ભાવ ન હોત તો શું? તમારા વિસ્તારમાં બીજી કોઈ પોષાય તેવી નોકરાણી ન હોવાથી તમે ફક્ત તમારી નોકરાણીને સાચવવા માટે આવું કર્યું હતું, તો શું? તમે મનમાં કહી શકો કે, “હું મારું ખાવાનું એને ક્યારેય વહેંચત નહીં, પણ આ વખતે મજબૂરીમાં આપવું પડ્યું!” જો તમારો આવો ભાવ હોત તો તમને પાપકર્મ બંધાય અને તમારી નિયતિ પણ એવી જ બનશે કે જેમાં તમે કોઈની સાથે ખાવાનું વહેંચી નહીં શકશો.

હવે, જ્યારે આ નિયતિ ઉદયમાં આવે, ત્યારે તમને ખાવાનું ન વહેંચી શકવા માટે ખૂબ જ ખરાબ લાગે. આ સમયે જો તમે એવો ભાવ કરો કે, “ખરેખર હું ખાવાનું બગાડવા કરતા કે વધારે પડતું ખાવા કરતા વહેંચવા માંગું છું”, તો આવતા ભવે તમે એવું કરી શકશો. નહીં તો, આવતા ભવમાં પણ ખાવાનું વહેંચવાના અંતરાય ચાલુ રહેશે.

જ્યારે કોઈ વ્યક્તિ બીજાના ભાવને જોઈ કે ઓળખી ન શકે, પરંતુ કુદરત જોઈ શકે છે! તમારો કોઈને ન આપવાનો ભાવ ચોક્કસપણે કુદરત સુધી પહોંચી જાય છે. ત્યારબાદ તમને કુદરતી રીતે તે ફળ પ્રાપ્ત થાય છે, જે નિયતિ છે.

ટૂંકમાં, આ ભાવ જ છે જે તમારી નિયતિનું ઘડતર કરે છે અને આવતા ભવની ક્રિયાઓ નક્કી કરે છે! ગતભવના ભાવો જ વર્તમાન ભવમાં ઈફેક્ટ રૂપે આવે છે. આમ, તમારો પોતાનો ભાવ જ તમને તમારી નિયતિ પસંદ કરાવડાવે છે.

તો, શું કોઈ શક્તિ મારી નિયતિને આકાર આપવામાં મદદ કરી શકે?

આ સારો સવાલ છે, પરંતુ તેનો જવાબ કર્મચક્રના ત્રણ તબક્કાઓમાં રહેલ છે. કર્મબીજના આધારે કર્મફળ અને કર્મફળ પરિણામ નક્કી થાય છે. એક વખત ભાવરૂપી કર્મબીજ રોપાઈ જાય પછી તે ફળ આપવા તૈયાર થાય છે, ત્યારે બધા સંજોગો કુદરતી રીતે ભેગા થાય છે અને નિર્ધારિત ક્રિયા થાય છે. કુદરત એ બીજુ કંઈ નહીં પણ સંજોગોનો સુમેળ છે.

પરમ પૂજ્ય દાદા ભગવાનના મતે, કર્મનું ફળ કુદરતી અને વૈજ્ઞાનિક રીતે જ આવે છે. દાખલા તરીકે, જ્યારે એક કાર્બનનો અણુ અને બે ઓક્સિજનના અણુઓ ભેગા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઈડ બને છે.

circumstances

વચ્ચે કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં; આ ગેસ ત્યારે જ બને જ્યારે કાર્બનનો અણુ, ઓક્સિજનના અણુઓ જેવા સંજોગો અને તેમનું ભેગા થવું બને. આવી જ રીતે, કર્મ પણ ઉદયમાં આવે છે; ત્યારે કોઈ સ્વતંત્ર કર્તા કે નિયમ બનાવનાર છે જ નહીં; એ વૈજ્ઞાનિક નિયમોથી ચાલે છે.

એટલે, સંજોગો કર્મફળ અને કર્મફળ પરિણામ આપવા માટે ભેગા થાય છે. તેના પર કોઈનું કંઈ નિયંત્રણ નથી અથવા કર્મફળ આપવાની સત્તા નથી. આ એવું છે કે જેમ, મનુષ્યને કે કોઈ પણ જીવને કેરી પકવવા અથવા તો કાંટાળા બાવળના વિકાસ પર કોઈ નિયંત્રણ નથી. તમે માત્ર સંજોગોનું નિરીક્ષણ કરી શકો છો. ટૂંકમાં, આમાં કોઈ વચેટિયું હોતું નથી.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જેમ આપણે બાવળિયા વાવીએ અને પછી એમાં આંબાની આશા રાખીએ તો ચાલે નહીં ને? જેવું વાવીએ એવું ફળ મળે. જેવાં જેવાં કર્મ કર્યાં છે એવું ફળ આપણે ભોગવવાનું છે.”
આનો અર્થ એમ થાય છે કે, ભગવાન કર્તા કે દાતા નથી. જગત કુદરતી સંજોગો ચલાવે છે.

તો, નિષ્કર્ષ શું છે?

હવે જ્યારે કર્મનું વિજ્ઞાન સમજાયું, તો તમારા નિયતિની પસંદગી તમારા હાથમાં છે. તમારા ભવિષ્યની નિયતિને સુધારવા માટે તમારે તમારા વર્તમાનના ભાવો શુદ્ધ રાખવા પડશે.

જો તમે ઈચ્છતા હો કે તમારું ભાગ્ય શાશ્વત સુખ સિવાય બીજું કંઈ ન હોય, તો આત્મજ્ઞાન એ જ રસ્તો છે. ટૂંકમાં, તમારું ભાગ્ય તમારા હાથમાં છે; ભાગ્ય એક પસંદગી છે!

×
Share on