પ્રશ્નકર્તા : ખરેખર ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે કે આ અનાત્મ વિભાગમાં થઈ રહ્યું છે.
દાદાશ્રી : એ જ આત્મા. એના બદલે આ તો હતાશામાં ટાઢાંટપ થઈ જાય છે. એવું છે ને, ડિપ્રેશન આવે ત્યારે આપણે તેને એલિવેટ કરવાની જરૂર છે. બીજું શું કરવાનું હોય? રોજ રોજ એલિવેટ કરવાની જરૂર નથી. જ્યારે ડિપ્રેશન આવે ત્યારે જ કહેવાની જરૂર છે કે ‘હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનું ધામ છું.’
જ્યાં ક્યારેય પણ ડિપ્રેશન ના થાય એ જગ્યા આપણી. એ જ અનંત સુખની જગ્યા છે. જો તમે આ બોલશો તો ઝડપથી પોતાના સ્થાન પર પહોંચી જશો.
- ડિપ્રેશન આવે તે ઘડીએ 'આ મારું સ્વરૂપ ન્હોય', 'હું શુદ્ધાત્મા છું, આ ડિપ્રેશનને જાણું છું', તે જુદું છે એવું નક્કી થઈ જાય, તો થઈ ગયું કલ્યાણ. જાગૃતિને જ સાચવ સાચવ કરવાની, એને જ પોષ પોષ કરો, એ જ શુદ્ધાત્મા છે.
પ્રશ્નકર્તા : અને ખરેખર પોતે જાણકાર જ હોય છે ને ? ડિપ્રેશન ક્યારે આવ્યું, કેટલું આવ્યું, ગયા વખત કરતાં આ વખતે ઓછું છે કે વધારે છે?
દાદાશ્રી : હા, બધું જાણે.
પ્રશ્નકર્તા : જેમ ડિપ્રેશનનાં જાણકાર તરીકે રહેવાનું છે તેવી રીતે એલીવેશન વખતે પણ જાણકાર તરીકે રહે તો ડિપ્રેશન આવે એવો વખત જ ના આવે ને ?
દાદાશ્રી : જો પોતાનાં માટે કંઇક સારું સાંભળે તે ઘડીએ માનથી ટાઈટ થયો હોય એટલે ‘આત્મા’ જાણી જાય કે છાતી કાઢી. એલીવેટ થયું છે માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં.