હા, ભાગ્ય છે; એ સાચે છે! ભાગ્ય કેવી રીતે હોય છે, એ જાણવા માટે વાસ્તવિક જીવનના અમુક ઉદાહરણોને સમજીએ, શરૂઆત ‘તમારા’થી જ કરીએ!
વાસ્તવિક જીવનના અમુક ઉદાહરણોનું વિશ્લેષણ
તમે ક્યારેય ધાર્યું ના હોય કે વિચાર્યું પણ ના હોય એવા વિપરીત કે પ્રતિકૂળ, અણધાર્યા સંજોગોનો અનુભવ તો કર્યો જ હશે. ઘણીવાર, આવા સંજોગો તમને ખૂબ લાચારી અને નિરાશાનો અનુભવ કરાવે છે, જેના કારણે તમને સમાધાન શોધવું અઘરું થઈ જાય છે. આવા વખતે તમે વારંવાર ભગવાનને પૂછ્યું પણ હશે, “હું જ કેમ? મેં તો કોઈનું કંઈ બગાડ્યું નથી. તો પછી મારે આવો મુશ્કેલ, કપરો સમય કેમ આવ્યો?” નથી પૂછ્યું?
ચાલો, આપણે ભગવાન શ્રીરામનું ઉદાહરણ જોઈએ. જ્યોતિષીઓની ભવિષ્યવાણી મુજબ તેઓ અયોધ્યાના રાજા બનવાના હતા. તેમ છતાં, તેમના લગ્ન પછી તરત જ એમને ચૌદ વર્ષનો વનવાસ થયો. આ વિશે ભગવાન શ્રીરામને ક્યારેય અંદાજો પણ નહીં હોય કે એમણે કલ્પ્યું પણ નહીં હોય.
બીજું ઉદાહરણ ઈસુ ખ્રિસ્તનું છે. તેઓ લોકોના દુ:ખો અને મુશ્કેલીઓ દૂર કરવાના શ્રેષ્ઠ માર્ગ પર ચાલી રહ્યા હતા. તેમ છતાં, એમને ખૂબ અપમાનજનક રીતે ક્રોસ પર ચડાવી દેવામાં આવ્યા હતા, જેના વિશે ઈસુ ખ્રિસ્ત કે એમના અનુયાયીઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.
તો, આ બધા વાસ્તવિક જીવનના ઉદાહરણોમાં શું સમાનતા છે? એ બધાના જીવનમાં જે કંઈ પણ થયું એ એમના વિચાર્યાથી કે અપેક્ષાથી તદ્દન જુદું હતું. તો, હવે પ્રશ્ન થાય કે આવું કેમ થાય છે? એનો જવાબ છે નિયતિ. નિયતિ કેવી રીતે છે અથવા તો એ કેવી રીતે વાસ્તવિક છે, એ જાણવા માટે ચાલો સમજીએ કે, નિયતિ શું છે અને તે કેવી રીતે ઉદયમાં આવે છે.
ભાગ્ય એટલે શું? ભાગ્ય ક્યારે સાકાર થાય છે?
અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે,“ગયા અવતારે જે કર્મ કરેલાં, તે યોજના રૂપે હતા. એટલે કાગળ ઉપર લખેલી યોજના. હવે એ રૂપક રૂપે અત્યારે આવે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે એ પ્રારબ્ધ કહેવાય. કેટલા કાળે પાકે, તે પચાસ, પોણોસો, સો વર્ષે પાકવા આવે, તો ફળ આપવા સન્મુખ થાય. એટલે ગયા અવતારે કર્મ બાંધ્યા, તે કેટલે વર્ષે પાકે ત્યારે અહીં ફળ આપે અને એ ફળ આપતી વખતે જગતના લોકો શું કહે કે આમણે કર્મ બાંધ્યું.”
તેઓ આગળ સમજાવે છે કે,“જગતના લોકોને શું લાગે ‘હં...અ... જો, હોટલમાં બહુ ખાતો હતો ને તે મરડો થઈ ગયો.’ હોટલોમાં ખાતો હતો એ કર્મ બાંધ્યાં, તેથી આ મરડો થઈ ગયો કહેશે. ત્યારે જ્ઞાનીઓ શું કહે, એ હોટલમાં શા માટે ખાતો હતો ? એ કોણે શીખવાડ્યું એને હોટલમાં ખાવાનું? કેવી રીતે બન્યું? સંજોગો ઊભા થઈ ગયા. પહેલાં જે યોજના કરેલી, તે આ યોજના આવી એટલે એ હોટલમાં ગયો. એ જવાના સંજોગો બધા ભેગા થઈ જાય. એટલે હવે છૂટવું હોય તો છૂટાય નહીં. એના મનમાં એમ થાય કે સાલું આવું કેમ થતું હશે? તે અહીંના ભ્રાંતિવાળાને એમ લાગે કે આ કામ કર્યું એટલે આ થયું. ભ્રાંતિવાળા એવું સમજે કે અહીં કર્મ બાંધે છે ને અહીં ભોગવે. એવું સમજે. પણ આ શોધખોળ નહીં કરેલી કે એને નથી જવું તોય શી રીતે જાય છે? એને શી રીતે નથી જવું છતાં એ કયા કાયદાથી જાય છે, તે હિસાબ છે.”
અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાનીની હાજરીમાં કર્મફળના ક્રમ વિશે થયેલા વાસ્તવિક પ્રશ્નોત્તરી સત્સંગનો ભાગ નીચે મુજબ છે:
પ્રશ્નકર્તા: કયા ઓર્ડરમાં કર્મોનું ફળ આવે છે? જેવા ઓર્ડરમાં એ એનું બંધાયું હોય, એવા જ ઓર્ડરમાં એનું ફળ આવે?
દાદાશ્રી: ના, એવું નહીં.
પ્રશ્નકર્તા: હં, તો કેવું છે એ જરા સમજાવો.
દાદાશ્રી: ના, એવું નહીં. એ બધા એના સ્વભાવ પ્રમાણે બધું ગોઠવાઈ જાય કે દિવસે ભોગવવાના કર્મો, આ રાત્રે ભોગવવાના કર્મો, આ બધાં... એમ ગોઠવાઈ જાય. આ છે તે દુઃખમાં ભોગવવાનાં કર્મો, આ સુખમાં ભોગવવાના કર્મ, એ ગોઠવાઈ જાય. એ બધું ગોઠવણી થઈ જાય એની.
પ્રશ્નકર્તા: એ ગોઠવણી કયા આધાર પર થાય?
દાદાશ્રી: સ્વભાવના આધારે. આપણે બધા ભેગા થાય, તો બધા સ્વભાવને મળતા આવતા હોય તો જ ભેગા થાય. નહીં તો થાય નહીં.
ભાગ્ય કોણ ચલાવે છે?
ના, આ બ્રહ્માંડમાં એવું કોઈ નથી જે નિયતિને ઉદયમાં લાવી શકે અથવા આપણા કર્મોનું ફળ આપી શકે. કર્મનો નિયમ એવો છે કે તમારા કર્મોનું ફળ કુદરતી રીતે આપોઆપ જ મળે. તો હવે પ્રશ્ન એ થાય છે કે, “કર્મનો નિયમ કોણે બનાવ્યો?”
ખરેખર, કોઈએ નહીં! જ્યારે 2H અને O ભેગા થાય, ત્યારે પાણી આપોઆપ બની જાય છે; એમાં વચ્ચે કોઈ કર્તા નથી. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે આ કર્મનો નિયમ છે. તેઓ આગળ જણાવે છે કે કર્મના નિયમો કોઈ બનાવતું નથી; તે વિજ્ઞાનના નિયમો પર આધારિત છે.
ભાગ્ય કઈ રીતે ફળ આપે છે?
જ્યારે કોઈ પણ ઘટના બનવાની હોય ત્યારે નિયતિ એ તો ઘણા બધા પરિબળોમાંનું એક પરિબળ છે. એમાં કાળ, ક્ષેત્ર અને પુરુષાર્થ જેવા પરિબળો પણ ભાગ ભજવે છે.
આ બધામાંથી, પુરુષાર્થ આપણા હાથમાં છે. તમારે શક્ય હોય તેટલા બધા જ પ્રયત્નો કરવા અને પછી જે થાય એને નિયતિ કહેવાય. કારણ કે નિયતિ પહેલેથી જાણી શકાતી નથી. એનો સીધો અર્થ એ થાય છે કે જે-તે ઘટના કોઈક સમયે તો થવાની જ છે. છતાં, ઘટના અને કાળ બંને અણધાર્યા છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “’નિશ્ચિત છે’ એવું નોધારું ના બોલાય. ‘અનિશ્ચિત છે’ એવું નોધારુંય ના બોલાય. જોખમદારી છે, ગુનો થાય. નિશ્ચિત-અનિશ્ચિતની વચ્ચે એ છે. બધી જ કાળજી રાખ્યા પછી ગજવું કપાય જાય અને સમજે ‘નિયતિ છે’, તે યથાર્થ છે.”
મારા ભાગ્ય માટે જવાબદાર કોણ છે?
ખરેખર, તમે પોતે જ! બીજું કોઈ નહીં! મનુષ્યનું આ જીવન એ બીજું કંઈ નહીં પણ પૂર્વભવના કર્મોનું પરિણામ જ છે. આમાં વિચારોથી માંડીને વર્તન સુધીનું બધું જ આવી જાય છે. કર્મો ક્રિયાઓના આધારે નહીં, પણ ભાવના આધારે બંધાય છે. માટે તમારા ભાવ જ તમારા ભાગ્યનું કારણ બને છે, જે કોઈ બીજું તમારા માટે કરી ના શકે. આ રીતે તમે તમારી નિયતિ નક્કી કરો છો. એટલે હા, ભાગ્ય ખરેખર હોય છે!