અધ્યાત્મ અને ધર્મ વચ્ચે ચોક્કસપણે ખૂબ મોટો તફાવત છે.
આવો, તે બન્ને વચ્ચેનો તફાવત જોઇએ.
શાંતિ અને આનંદની શોધ વ્યક્તિ ધર્મથી કરે છે.
દરેક ધર્મ તેની રીતે, શું સારુ છે અને શું ખરાબ છે તેનું જ્ઞાન આપે છે. ધર્મ એક શ્રદ્ધા અથવા માન્યતા છે. તે આપણને ખરાબ વસ્તુ છોડવાનું અને સારું ગ્રહણ કરવાનું શીખવે છે, કારણ કે કુદરતનો નિયમ એવો છે કે જ્યારે વ્યક્તિ ખરાબ કર્મો કરે છે, ત્યારે તે પાપ કર્મો બાંધે છે જેના દ્વારા તે દુઃખ ભોગવે છે; અને જો તે સારા કામો કરે છે, તો તે પુણ્ય કર્મો બાંધે છે જે તેને સુખ આપે છે.
દુનિયામાં ઘણા ધર્મો અનુસરવામાં આવી રહ્યા છે જેમ કે, હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તિ ધર્મ વગેરે. વ્યક્તિના આધ્યાત્મિક વિકાસના આધારે, દરેક પોતાના માટેનો શ્રેષ્ઠ ધર્મ શોધે છે – જેમાં વ્યક્તિનો દ્રષ્ટિકોણ મળતો આવતો હોય છે, તે પ્રમાણે સ્વીકારે છે અને તેને જ સાચું માનવા લાગે છે અને એ રીતે તે ધર્મને વળગી રહે છે.
- ધર્મ એટલે કશું કરવાનો રસ્તો- તમારે ભગવાનની પૂજા કરવી પડે, તમારે ભગવાનના નામનો જાપ કરવો પડે, તમારે ક્રિયા-કાંડ કરવા પડે, તમારે પ્રાર્થનાઓ બોલવી પડે, તમારે પસ્તાવો કરવો પડે, તમારે ધ્યાન કરવું પડે, તમારે પત્ની અને બાળકોનો, ઘર અને સંપત્તિનો, ધન અને તમામ સાધનોનો ત્યાગ કરવો પડે અને તમારે ખૂબ જ આકરું તપ પણ કરવું પડે. સૈધ્ધાંતિક રીતે, ધર્મ સાથે સંકળાયેલી દરેક ક્રિયાઓ કરવામાં ખૂબ જ બોજો અને તણાવ રહેલો છે.
- જ્યારે કોઇ સંજોગોવશાત, વ્યક્તિ જે કરવા ઇચ્છે છે તે કરી શકતો નથી, તો તેમાં ખૂબ ભય અને વેદના રહેલી છે જે વ્યક્તિની અંદર તરત જ ઉત્પન્ન થાય છે અને તેને ખૂબ અશાંત બનાવી દે છે.
- સારા કર્મો કરવાથી, વ્યક્તિ પુણ્ય કર્મ બાંધે છે તેમાં કોઇ શંકા નથી, પરંતુ આ પુણ્ય કર્મોના ફળ ભોગવવા માટે, વ્યક્તિએ ફરી જન્મ લેવો પડે છે અને આ સંસારમાં આવવું પડે છે. જન્મ અને મરણની પરિસ્થિતિ જ ખૂબ દુ:ખદાયક છે અને વ્યક્તિએ પુણ્ય કર્મના ફળ ભોગવવા આ દુ:ખદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
- વધારામાં, પુણ્યકર્મના ફળ સામાન્ય રીતે સાંસારિક સુખોના સ્વરૂપમાં હોય છે, જે સ્વભાવથી જ ક્ષણિક છે. આવા વિનાશી સુખો જ્યારે તેના સમયનો અંત આવે છે ત્યારે ખૂબ જ દુ:ખ આપે છે.
- અને જ્યારે વ્યક્તિ આવા સુખો ભોગવી રહી હોય છે, ત્યારે પણ તે થોડો સમય જ સંતોષ અનુભવે છે; પરંતુ પછી તે વસ્તુથી ધરાઇ જાય છે અને બીજા સાધનોમાંથી સુખ ભોગવવા દોટ મૂકે છે. આ પ્રક્રિયા અનંત જન્મો સુધી ચાલ્યા જ કરે છે.