શંકા કોને કહેવી? કોઈ વ્યક્તિ કે વાત ઉપર વિશ્વાસ ના આવે તે શંકા નથી. પણ જે શંકા રાત્રે સૂવા ના દે, જેનાથી કુટુંબ વેરણ-છેરણ થઈ જાય તે શંકા છે. જીવનમાં ખાસ નજીકના સંબંધોમાં શંકા ઊભી થતી હોય છે. સામાન્ય રીતે પતિ કોઈ બીજી બહેન સાથે હસી હસીને વાતો કરતો હોય તો પત્નીના મનમાં શંકા પેસી જાય. તેવી જ રીતે પત્ની કોઈ સાથે હસીને વાતો કરતી હોય તો પતિના મનમાં શંકા પેસી જાય. પછી બંને એકબીજાને મહેણાં-ટોણાં મારીને કે આક્ષેપો આપીને દુઃખ આપે. છોકરી કૉલેજથી મોડી આવે તો શંકા પેસે કે ક્યાં ગઈ હશે?
જેના પ્રત્યે અત્યંત મોહ હોય ત્યાં સૌથી વધારે શંકા પડે છે, એ પણ કોઈ કારણ વગર. આજકાલ જ્યાં સંબંધોમાં એકબીજા પ્રત્યેની વફાદારી ઘટી છે, લગ્નેતર સંબંધો વ્યાપક બન્યા છે, યુવાનોમાં લગ્ન પહેલા ડેટિંગનું ચલણ વધ્યું છે, તેવા આ કળિયુગના વાતાવરણમાં વિશ્વાસ ન રહે એવું બને. તેમાંય “આજકાલ કોઈનો ભરોસો ન કરાય, નજર તો રાખવી જ પડે!” એ પ્રકારની લોકસંજ્ઞા બળતામાં ઘી હોમે છે.
એકાદ દિવસ શંકાની નજરે જુએ એવું નહીં, પણ રોજેરોજ આશંકા થયા કરે છે, જેનો કોઈ અંત નથી હોતો. આગળ વધીને મનમાં જાતજાતની કુશંકાઓ ઊભી થાય, પછી એવું ખરેખર બન્યું હોય કે ન પણ બન્યું હોય. શંકા કરીને મનુષ્ય પોતે તો દુઃખી થાય છે અને આજુબાજુવાળાને પણ દુઃખી કરે છે. એટલે બને એટલી સાવધાની રાખવી અને સમજણથી કામ લેવું, પણ શંકા તો ન જ કરવી.
અહીં આપણને પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી શંકા ક્યાં-ક્યાં અને કેમ થાય છે? એનાથી શું નુકસાન થાય છે? શંકા ઉપજાવે એવા સંજોગોમાં કઈ સાવધાની રાખવી એ સર્વની પ્રેક્ટિકલ સમજણ મળે છે.
શંકાના સ્થાનકો :
પતિ-પત્નીમાં શંકા
સૌથી વધારે શંકા પતિ-પત્નીમાં થાય છે. જો પતિના ફોનમાં ભૂલથી કોઈ અજાણ્યા નંબરથી અજુગતો મેસેજ આવી જાય, તો પત્નીને શંકા પડે કે હસબન્ડનું કોઈ લફરું તો નથી ને? આજકાલ આવા સ્પામ મેસેજ આવ્યા કરતા હોય, તેમાં ભાઈને ખબર પણ ના હોય કે કોણ આવા મેસેજ મોકલે છે. પણ પત્નીના જોવામાં આવે કે તોફાન શરૂ! પત્ની રોજ પતિનો ફોન ચેક કર્યા કરે અને વારેવારે તપાસ કરે કે પતિને ફોનમાં કોણ મેસેજ કરે છે, કોની સાથે વાતો કરે છે, કોને મેસેજ મોકલે છે. ઓફિસેથી આવતા પતિને મોડું કેમ થાય છે? પતિનું કોઈ બીજું લફરું તો નથી ને? પતિના કોઈ આડા સંબંધો ન હોય તો પણ પત્નીના મગજમાં શંકાનો કીડો એક વખત પેસે પછી જાય નહીં. પતિ ગમે તેટલું સમજાવે તોય પત્ની સ્વીકારે નહીં. વાત એટલી વણસી જાય કે છેવટે ડિવોર્સની નોબત આવીને ઊભી રહે.
તેવી જ રીતે, પતિને પણ પત્ની માટે શંકા પડે. પત્ની કોઈ બીજા પુરુષ સાથે ફોન ઉપર વાત કરે તો પતિને શંકા જાય કે કોની સાથે વાત કરે છે? કોનો અવાજ છે, કોઈ બીજો પુરુષ તો નથી ને? રાત્રે પત્ની બાજુમાં ન સૂતી હોય તો તપાસ કરવા જાય કે ક્યાં ગઈ? પત્ની ઘરની બહાર જાય ને મોડી આવે તો શંકા થાય. પતિ પત્નીની જાસૂસી કરવા લાગે કે ઘરની બહાર ક્યાં જાય છે, ક્યારે આવે છે, કોને મળે છે. પછી વાસ્તવિકતામાં કંઈ હોય કે ન હોય, પણ એ શંકા પોતાને જ ભરખી જાય. ભૂલેચૂકે પત્નીને કોઈ બીજા પુરુષ સાથે વાતો કરતા જોઈ લીધી, તો આવી બન્યું! ઘણીવાર તો પતિને ખુન્નસ ચડે કે પત્નીએ એની સાથે દગો કર્યો અને એને મારી નાખવા સુધીના વિચારો આવી જાય. હકીકતમાં બીજો પુરુષ પત્નીનો ભૂતકાળનો મિત્ર, કે સાથે કામ કરનાર હોઈ શકે. પતિનો રોષ જોઈને પત્ની ગમે તેટલી માફી માંગે, કોઈ દોષ ન હોય છતાં ફરીથી કોઈ પુરુષ સાથે વાત નહીં કરવાનો વાયદો કરે, તો પણ પતિના મનમાંથી શંકાનો કીડો આખી જિંદગી ન જાય.
મા-બાપને બાળકો ઉપર શંકા
જે વસ્તુ અત્યંત પ્રિય હોય તેના ઉપર શંકા થાય. બાળકો માટે મા-બાપને ખૂબ મોહ અને પઝેસિવનેસ હોય એટલે શંકા કર કર કરે. આજકાલ છોકરા-છોકરીઓ ટીનેજમાં આવે, કૉલેજમાં જાય ત્યાં જ મા-બાપને ચિંતા થઈ જાય કે, “શું કરે છે? કોની જોડે વાતો કરે છે?” એમનો ફોન વાગે તોય, “સામે કોઈ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તો નથી ને?” એવી શંકા રહ્યા કરે. છોકરીઓ મોટી થાય અને પિતાના મનમાં સંશય થયા જ કરે કે “હવે છોકરીઓ ઉંમરલાયક થઈ, શું કરતી હશે? ક્યાં જતી હશે? એ કોને ફ્રેન્ડ્સ બનાવે છે?” પછી એ શંકા એને મારી નાખે!
મા-બાપને જો બાળકો ઉપર શંકા પડી પછી એકબીજા પરનો વિશ્વાસ ઊડી જાય અને પ્રેમ જેવી વસ્તુ જ ના રહે. મા-બાપ ગુસ્સામાં ઈમોશનલ થઈને ગમે-તેમ બોલી નાખે પછી બાળકોનું મન તૂટી જાય અને તેઓ વધારે બગડી જાય. પોતાને શંકાનું ભૂત વળગ્યું તે આખી રાત છોડે નહીં, મહિનાઓ સુધી ચાલ્યા જ કરે. અંતે મા-બાપ તો દુઃખી થાય જ અને બાળકો પણ કંટાળે.
પરિસ્થિતિમાં શંકા
કેટલીક પરિસ્થિતિમાં આપણને શંકા ઊભી થતી હોય છે. જેમ કે, કોઈને પૈસા આપ્યા હોય તો એ પાછા આપશે કે નહીં આપે? પૈસા ઉપર અત્યંત પ્રેમ હોય તો ધંધામાં ભાગીદાર ઉપર શંકા પડ્યા કરે કે એ પૈસા લઈ લેતો હશે તો? આપણાથી જ કોઈ કિંમતી દાગીનો ભૂલમાં ક્યાંક મૂકાઈ ગયો હોય, એ મળે નહીં ત્યારે ઘરમાં નોકરો ઉપર શંકા કરીએ કે ચોરી તો નહીં ગયા હોય ને? પરિણામે આપણને ચેન ના પડે, એ શંકા છે.
બહાર ગાડીમાં ફરવા ગયા હોઈએ તો શંકા થાય કે એક્સિડન્ટ થઈ જશે તો? ક્યાંક જતા હોઈએ અને શંકા પડે કે કોઈ મારો સામાન ચોરી જશે તો? આ બધી જ શંકાઓ આપણને હેરાન કરી મૂકે છે.
કેટલીક પરિસ્થિતિમાં આપણને લાગે કે શંકા કરવું જરૂરી છે, પણ તે ખરેખર શંકા નથી. જેમ કે, વૈજ્ઞાનિકો પોતાની શોધખોળ ઉપર શંકા કરીને આગળ બીજી શોધ કરે તે શંકા નથી પણ જિજ્ઞાસા છે.
શંકાના કારણો :
અત્યંત મોહ અને માલિકીભાવ
શંકાનું કારણ છે અત્યંત મોહ અને રાગ. પતિને પત્ની માટે અત્યંત મોહ હોય તો પત્નીની નાની-નાની હિલચાલ પર શંકા જાય. તેમજ પત્નીને પણ પતિ માટે અત્યંત મોહ અને માલિકીભાવ હોય કે “મારો પતિ મારો જ રહેવો જોઈએ!” એટલે શંકા જાય. હકીકતમાં કશું ન હોય તોય એકબીજાને આક્ષેપ આપ્યા કરે. પાડોશીમાં રહેતા પતિ-પત્ની કોઈ બીજા સાથે લફરું કરે તો પોતાને શંકા પડે છે? ના. એનો અર્થ એવો થયો કે જે વ્યક્તિ માટે અત્યંત મોહ હોય, જેના ઉપર ખૂબ પઝેસિવનેસ હોય, ત્યાં જ શંકા પડે છે. આવી શંકા ભૂતની જેમ વળગે છે જે આખી રાત સૂવા નથી દેતી.
વિપરીત બુદ્ધિ
શંકાનું મૂળ છે વિપરીત બુદ્ધિ, જેને વ્યભિચારીણી બુદ્ધિ કહી છે. બુદ્ધિ જ ઊંધું બતાવે, સૌથી પહેલો વહેમ ઊભો કરે અને અનર્થ શંકાઓ ઉત્પન્ન કરે. જેમની પાસે જરૂરિયાત પૂરતી જ બુદ્ધિ છે, તેવા લોકોને શંકા પજવતી નથી. બહુ બુદ્ધિશાળી હોય તેને જ શંકા બહુ હેરાન કરે. ધારો કે, કોઈ બુદ્ધિશાળી માણસને ચાર દીકરીઓ હોય, તે મોટી થઈને યુવાનવયે ઘરની બહાર જાય તો તેને ચોગરદમના વિચારો ફરી વળે કે, “ક્યાં જતી હશે? કોને મળતી હશે? કેમ મોડું થયું?” અને પોતે ગૂંચવાયા કરે. કાંઈ બન્યું હોય કે ના બન્યું હોય, પણ શંકાથી પોતે માર્યો જાય. જ્યારે જેની પાસે જરૂરિયાત જેટલી જ બુદ્ધિ હોય તેને ચાર દીકરીઓ હોય છતાં કોઈ શંકાના વિચાર ન આવે. એટલે શંકા એ વધુ પડતી બુદ્ધિનો ડખો છે.
શંકાથી નુકસાન :
ઘણાને એમ થતું હોય કે “ભાઈ, વાત સાચી હોય તો શંકા તો કરવી પડે ને!” પણ શંકા કરવાથી એક વાળ જેટલી પણ મદદ થતી નથી, ઊલટું અનેકગણું નુકસાન થાય છે. શંકાથી દસ ટકા ફાયદો થતો હોય અને નેવું ટકા નુકસાન થતું હોય તોય એ ચલાવી લેવાય, પણ હકીકતમાં શંકાથી તસુભાર ફાયદો નથી અને પાર વગરનું નુકસાન છે.
શંકા એ વિનાશનું કારણ છે. શંકા પડે તો એનો અંત ના આવે, માણસ ખલાસ થઈ જાય. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ દુનિયામાં શંકાશીલ અને મરેલો, બે સરખાં જ છે.” એક મિનિટથી વધારે શંકા થાય તે ઝેર પીને આપઘાત કર્યા બરાબર છે.
શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે, “સંશયાત્મા વિનશ્યતિ” એટલે કે, જે માણસને વ્યવહારમાં જ્યાં ને ત્યાં શંકા પડે, પત્નીમાં, પિતામાં, માતામાં, ભાઈમાં, એ માણસ જીવે જ શી રીતે?
શંકાથી માણસનું વજન વધે નહીં પણ ઘટે. જીવતું મડદું જ જોઈ લો. કોઈપણ સ્થિતિમાં શંકા રાખવાથી જે સ્થિતિ બનવાની છે તે કંઈ અટકતી નથી, પણ ઊલટું શંકાનો રોગ પેસી જાય છે જે જીવતેજીવ માનસિક અને શારીરિક રીતે ખલાસ કરી નાખે છે.
વ્યક્તિ ઉપર શંકા થાય ત્યારે બે વસ્તુ થાય. એક તો આપણને દુઃખ થાય. અને બીજું, સામી વ્યક્તિ ઉપર શંકા કરી એ બદલનો ગુનો લાગુ થાય. એક વાર જો શંકાનો વેલો વધ્યો કે એ જંપીને નહીં બેસવા દે. શંકાએ તો મોટામોટા રાજાઓને, ચક્રવર્તીઓને મારી નાખ્યા.
જગતમાં મોટામાં મોટો રોગ હોય તો શંકા! બધા પ્રકારના તાપ, સંતાપ, પરિતાપ, ઉત્તાપ, એ શંકાથી ઊભા થયા છે. શંકા એ પ્રત્યક્ષ દુઃખ છે! શંકામાં ઊંડા ઊતરીએ તો મરણતુલ્ય દુઃખ થાય. શંકાનું પરિણામ તો પોતાને એકલાંને જ ભોગવવાનું, સામાનું જે થવાનું હોય તે થાય. શંકા એટલે પોતે ખાડો ખોદીને એમાં પોતે જ ઊંડાં ઊતરવું. પછી એમાંથી ફરી બહાર નીકળાય નહીં.
શંકા એ ભૂત જેવી છે, વળગી જાય. શંકા કરતાં ડાકણ વળગી હોય તે સારી, તે ભૂવો ઉતારી આપે. પણ શંકા વળગેલી જાય નહીં. એકવાર શંકા પેઠા પછી કોઈ દિવસ ન નીકળે, એટલે શંકા પેસવા જ ના દેવી જોઈએ.
શંકાથી જ ભય ઉત્પન્ન થાય છે અને ભયમાંથી શંકા ઊભી થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, શંકાથી જ આ જગત સડી રહ્યું છે, પડી રહ્યું છે. શંકા આવે એટલે કુદરત જ પોતાને માર આપે. બીજા કોઈએ માર આપવો નહીં પડે.
શંકા એ ભયંકર દુઃખદાયી છે અને તેનાથી નવી જાતનો સંસાર ઊભો થાય છે. જેમ બાવળિયાનું બીજ વાવીએ તો બાવળિયો એકલો જ ઊગે અને વડનું બીજ વાવીએ તો વડ એકલો જ ઊગે. પણ શંકા નામનું બીજ એવું છે કે એનાથી સત્તરસો જાતની વનસ્પતિ ઊભી થઈ જાય ને આખું જંગલ થઈ જાય. એક બાજુ કકળાટ ચાલુ રહે છે અને બીજી બાજુ શંકા પડે એટલે વ્યક્તિ માટે ભાવ બગડતા અનેક ભયંકર કર્મ બંધાય છે. શંકા તો માણસને અધોગતિમાં લઈ જાય.
એટલું જ નહીં, શંકા એટલે દૂધપાકમાં શેર મીઠું નાખવા જેવું છે, એનાથી દૂધપાક ફાટી જ જાય. કોઈ વ્યક્તિને શંકાની નજરે જોયા કરીએ તો બીજા દિવસે એનું મન આપણાથી જુદું પડી જાય. શંકા એક વાર પેસે પછી એનો અંત ના આવે.
શંકા વગર કામનું સામાને દોષિત દેખાડે. એમાંય કોઈ સજ્જન વ્યક્તિ ઉપર શંકા કરીએ તો આપણું અનેકગણું નુકસાન થઈ જાય.
કોઈનાં ચારિત્ર્ય સંબંધી શંકા ના કરાય, તેનું બહુ મોટું જોખમ છે, કારણ કે એ ખોટું નીકળી શકે છે. સતી હોય તેને જો વેશ્યા કહીએ તો તેનો ભયંકર ગુનો બંધાય છે, જેનું ફળ કેટલાય અવતાર સુધી ભોગવ્યા કરવું પડે.
શંકાના ઉપાયો :
શંકા શમે સાચી સમજણથી
સાચી સમજણ પડે તો શંકા દૂર થાય છે અને પોતે સુખી થાય છે. ઉદાહરણ તરીકે, કોઈ ભાઈએ ભૂતની વાત સાંભળી હોય કે ફલાણા ભાઈને ભૂત વળગ્યું છે. પછી એમના પત્ની પિયરે જાય અને પોતે રૂમમાં એકલા સૂતા હોય ત્યારે રસોડામાં કંઈક ખખડવાનો અવાજ આવે. એટલે પેલી વાત હાજર થઈ જાય અને વહેમ પડે કે ભૂત આવ્યું હશે! એટલામાં કોઈ મિત્ર આવીને ભાઈને ઉઠાડે ને ભાઈને ડરેલા જોઈને તપાસ કરે કે રસોડામાં શું છે? તો ખબર પડે કે મોટો ઉંદર પેસી ગયો હતો, એણે પ્યાલો પાડ્યો એ ખખડ્યો હતો. હવે જે જ્ઞાન બેઠું હતું તેનું વિરોધી જ્ઞાન પેસે ત્યારે વહેમ દૂર થાય.
જ્ઞાન પ્રકાશ થતાં શંકા જાય
જ્ઞાનનો પ્રકાશ થતાં શંકા દૂર થાય છે. ધારો કે, આપણે અંધારામાં બે ચમકતી લાઈટ જોઈએ તો શંકા પડે કે “શું હશે? ભૂત હશે તો?” પછી આખી રાત ફફડાટ રહે ને ઊંઘ ઊડી જાય! અજવાળું થતા જ ખબર પડે કે એ તો બિલાડી બેઠી હતી, એની ચમકતી આંખો હતી, તો શંકા ઊડી જાય. જેમ કોઈ રૂમમાં અંધારામાં આપણે વીજળીના ચમકારામાં સાપ પેઠેલો દીઠો, પણ એ નીકળ્યો કે નહીં એ ના જોઈએ ત્યાં સુધી આપણને ઊંઘ ના આવે. જ્યારે એ જ રૂમમાં બીજા લોકો નસકોરાં બોલાવીને ઊંઘતા હોય. એટલે સાપ પેસી ગયાનું જ્ઞાન થયું હતું, પછી સાપ ભલે નીકળી ગયો હોય, પણ એના નીકળી ગયાનું જ્ઞાન ના થયું તો મનમાં શંકા રહે ને ઊંઘ ના આવે. એટલે શંકા દૂર થવા સાચું જ્ઞાન થવું જરૂરી છે.
ભૂતકાળ ભૂલવાથી શંકા ન થાય
ઘણીવાર પતિ-પત્નીમાં ભૂતકાળની ભૂલોને યાદ કરીને એકબીજા પ્રત્યે શંકા રહેતી હોય છે. હવે ભૂતકાળ એટલે વહેતા પાણીમાં એક વખત વસ્તુ નીકળી ગઈ એના જેવું. પછી એ વસ્તુ પાછી આવે ખરી? ન આવે. પણ એને યાદ કરી કરીને પોતાનું બગાડીએ છીએ. જે કંઈ થઈ ગયું હોય તેને “ફર્ગેટ એન્ડ ફર્ગીવ” એટલે ભૂલી જવું ને માફ કરી દેવું. ભૂલો બધાની થતી હોય, કોઈની ભૂલ બહાર પડેલી હોય ને કોઈની ઢાંકેલી હોય. લોકો જેની ભૂલ ઉઘાડી પડે એને ગુનેગાર ઠરાવે અને ઉઘાડી ન પડે તે શાહુકાર થઈને ફરે. એના કરતા જીવનમાંથી શંકા કાઢી નાખવી, પ્રેમથી એકબીજા સાથે રહેવું. બાળકોને સારા સંસ્કાર આપવા.
શંકાને ઊગતાં જ ડામવી
શંકા ઊભી જ ના થવા દેવી, એને જન્મતાં જ મારવી. વ્યક્તિ ઉપર શંકા થાય ત્યારે પોતાને અને સામાને ખૂબ દુઃખ થાય છે, એટલે આપણે બધી સાવચેતી અને સાવધાની રાખીએ, પણ શંકા ઊભી ન થવા દેવી. શંકા હંમેશા ૧૦૦% ખોટી જ હોય, સાચી ન હોય, એમ કરીને બાજુએ મૂકી દેવી. નજરે જોયેલું ખોટું ઠરી શકે તો પછી અધૂરામાં શંકા ક્યાં કરવી?
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ગમે તે બાબત હોય ને, નજરે જોયેલી વાત હોય ને, તોય શંકા નહીં. જાણી રાખવી, જાણવું ખરું. જાણવામાં પાપ નથી અને આંખે જોયેલુંય ખોટું પડે છે. કેટલાંય દાખલા એવાં મારે બનેલા. આ આંખે જોઉં છતાંય ખોટું નીકળે. એવા મારે દાખલા ‘એકઝેક્ટ’ અનુભવમાં આવેલા. તો બીજી વસ્તુ તો કઈ સાચી માનવી આપણે? એટલે દેખીએ તોય શંકા ના કરવી. જાણી રાખવું. આ અમારી શોધખોળ બહુ ઊંડી છે.”
બાળકોને પ્રેમથી વાળવા
યુવાન દીકરા-દીકરીઓ કૉલેજમાં ભણવા જાય ત્યારે પણ શંકા પેસે કે “શું કરતા હશે? ક્યાં જતા હશે?”. એ જ્યાં જાય ત્યાં એમની પાછળ પાછળ ફરીએ. તેવું અમુક દિવસો થાય. પણ કાયમ શું કરવાનું? એ આપણને અશાંતિ કરાવે. માટે, બધી સાવધાની રાખવી પણ શંકા ન કરવી. અત્યારે જમાનો એવો છે કે, છોકરાઓ બીજી છોકરીઓને, છોકરીઓ બીજા છોકરાઓને મિત્ર બનાવે, ફરવા જાય, તો શંકા કરવાથી એમાં ફેરફાર થઈ જવાનો નથી. આપણાથી એ લોકોને ઘરમાં બેસાડી પણ ન રખાય. એટલે જમાના પ્રમાણે વર્તવું પડે. એના કરતા વિશ્વાસ રાખવાનો. બાળકો સાથે મિત્રતા કેળવવી, એ લોકો ઘરે આવે ત્યારે એમની સાથે બેસવું, સાથે નાસ્તો કરવો, એમને આનંદ થાય એવી સરસ વાતો કરવી તો એમને પ્રેમ લાગશે. મા-બાપ ઉપરછલ્લો પ્રેમ રાખે, એટલે સંતાનો પછી ઘરની બહાર પ્રેમ ખોળે છે. બહુ ત્યારે સંતાનોને સમજણ આપીને મોકલવાના કે, “આપણે ખાનદાન, કુળવાન કુટુંબના કહેવાઈએ એટલે ચેતીને ચાલવાનું. ખોટા કામોમાં ફસાવું નહીં.”
ઘણી વખત દીકરીને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને એ મોડેથી રાત્રે ઘરે આવે તો મા-બાપ ગુસ્સામાં ઘરમાંથી કાઢી મૂકે છે. ત્યારે વિચાર આવવો જોઈએ કે, “મોડી રાત્રે એ ક્યાં જશે? કોનો આશરો લેશે?” એક નુકસાન તો એ કરીને આવી, વળી પાછું એને ઘરમાંથી કાઢી મૂકીએ તો બીજું નુકસાન થશે. એના કરતા શાંતિથી એને ઘરમાં સૂવા દેવી પછી બીજા દિવસે સમજણ પાડવી કે, “બેટા, ઘરે ટાઈમસર આવજે, મને બહુ દુઃખ થાય છે. આટલું મોડું ન કરીશ. આપણે ખાનદાન કુટુંબના, આપણને આવું ન શોભે.” પણ રાત્રે મોડી ઘરે આવે તો, “કોની જોડે ફરતી હશે? શું કરતી હશે?” એમ શંકા કરવાનો અર્થ નથી.
સાવચેતી રાખવી, શંકા નહીં
ઘરમાં કોઈ પુરુષ આપણી સગી બેન સાથે વાતો કરતો હોય તો પણ શંકા ન કરવી. તે સમયે આપણે, “બેન, અહીં આવ. મને જરા જમવાનું આપ ને!” કહીને બંનેને છૂટા પાડી શકાય, પણ શંકા તો ક્યારેય ન જ કરાય. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે વિચારો આવે એટલા કરવા જોઈએ, પણ શંકા ન કરવી જોઈએ. બહુ વિચારે તો માણસ થાકે અને વિચારોનો અંત આવે. પણ શંકા આમથી પેસે, તેમથી પેસે, પણ એ ના થાકે. શંકા કરવાથી પહેલા પોતાનું જ બગડે છે, પછી સામાનું બગડે છે.
કોઈ વ્યક્તિને આપણે દસ લાખ રૂપિયા ધીર્યાં હોય, દર મહિને એનું વ્યાજ પણ આવતું હોય, તોય આપણને સાંભળવામાં આવે કે એ વ્યક્તિને પચ્ચીસ-ત્રીસ લાખની ખોટ ગઈ છે તો આપણને શંકા પડે કે, “દસ લાખ રૂપિયા પાછા આવશે કે નહીં?” એ શંકાનો અંત ના આવે અને દિવસ-રાત ખૂંચ્યા કરે. મૂડી માટે શંકા થાય પણ ભૂલી જાય કે વ્યાજ તો મોકલ્યું છે! મશીનમાં કપડા ધોવા નાખ્યા હોય, એમાં સોનાની ચેઈન જતી રહી હોય, પછી એ ન મળે તો કામવાળી બેન ઉપર શંકા પડે કે એણે ચોરી હશે તો? પછી એને આક્ષેપ આપીએ જેનાથી કકળાટ થાય, એને દુઃખ થાય અને એ મનમાં વેર બાંધે એ જુદું. પછી આપણા જ કપડામાંથી ચેઈન મળે ત્યારે પસ્તાવો થાય. એના કરતા કિંમતી વસ્તુ સાચવીને મૂકીએ, સાવચેતીના ઉપાયો કરવા પણ શંકા તો ન જ કરવી. “હવે શું થશે?” એ શંકા પડી કહેવાય.
શંકાના પશ્ચાત્તાપ લેવા
વ્યક્તિ ઉપર શંકા થઈ જાય, એના માટે અવળા વિચારો આવે ત્યારે જે ઇષ્ટદેવ કે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમની સાક્ષીએ, સામી વ્યક્તિની અંદરના આત્માને યાદ કરીને તેમની માફી માંગવી. જેમ જેમ પસ્તાવા લેતા જઈએ કે, “આ શંકા થાય છે એ ખોટી છે, હું એની દિલથી માફી માંગું છું, ફરી શંકા નહીં જ કરું.” તો એમ કરતા કરતા એ ઓછી થશે, નહીં તો શંકા પોતાને અંદરથી કોરી ખાશે.
બીજી બાજુ, નજીકની વ્યક્તિ આપણા ઉપર શંકા કરતી હોય, એમાંય ચારિત્રને લગતી, તો આપણે તપાસ કરવી કે આપણે કંઈ ખોટું તો નથી કર્યું ને? જો ખોટું કર્યું હોય તો સુધારી દેવું અને ન કર્યું હોય તો ઘરની વ્યક્તિને આપણા ઉપર વિશ્વાસ આવે એવા પગલાં લેવા, પણ અસરમાં ન આવવું.
પરિસ્થિતિનો ઉકેલ લાવવો
જે પરિસ્થિતિમાં શંકા ઊભી થાય ત્યાં તે પરિસ્થિતિનું નિરાકરણ લાવવું, ઉપાય કરવો. કોઈ ઉપાય ન મળે તો મનને બીજી બાજુ પોઝિટિવમાં વાળી દેવું, પણ શંકા તો ન જ કરવી.
જેમ કે, આપણે ઘરડાં મા-બાપથી દૂર રહેતા હોઈએ અને અચાનક રાત્રે એમનો ફોન આવે તો આપણને થાય કે “એમને કંઈક થઈ ગયું હશે તો?” એ શંકા આપણને કશી હેલ્પ કરતી નથી, ઊલટું દુઃખ અને ભય ઊભા કરે છે. શંકા કરીને જીવ બાળવાથી કંઈ આપણે એમને બચાવી શકવાના નથી. એના કરતા શંકા ઊભી થાય કે તરત પ્રાર્થના કરવી કે, “એમના આત્માને શાંતિ થાઓ.” એટલે શંકા ઊભી થવાની થાય ત્યાં આપણું ધ્યાન ફેરવી નાખવું.
આપણે કારમાં જવા નીકળ્યા અને ડ્રાઈવર શંકા કરે કે, “કારનો એક્સિડન્ટ થઈ જશે તો?” તો કારમાં બધાનું મન બગડી જાય અને ભય પેસી જાય. એટલે શંકાશીલ માણસોનો સંગત ના રાખવી. દરિયાકિનારે ઊભા હોઈએ અને સાંભળેલી વાત યાદ આવી કે મોજું આવ્યું ને માણસ તણાઈ ગયો, તો આજે શંકા થાય કે, “મોજું આવશે ને તણાઈ જઈશ તો!” પછી પોતે ભયભીત થઈને ફર્યા કરે, જ્યારે વાસ્તવિકતામાં તો એવું કશું બનવાનું જ નથી. એટલે શંકા કરવી એ મૂર્ખાઈ છે. એમ સમજીને વિચારોને ફેરવી નાખવા.
શંકા સામે શૂરવીરતા દાખવવી
પગપાળા જાત્રાએ જવા સંઘ નીકળે અને પછી શંકા પડે કે, “વરસાદ પડશે ને પાછું પહોંચાશે નહીં તો? એના કરતા અહીંથી પાછા ફરો!” આમ કોઈપણ કામમાં શંકા પડે પછી એમાં ભલીવાર ન આવે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “એટલે જે કામ કરવું એમાં શંકા નહીં, ને શંકા આવે તે કરવું નહીં. ‘મારાથી આ કામ થશે કે નહીં થાય’ એવી શંકા પડે ત્યાંથી જ કામ થાય નહીં. શંકા રહે છે એ બુદ્ધિનું તોફાન છે.”
શંકા સામે શૂરવીરતા દાખવવાની ચાવી આપતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “જેને શંકા પડે છે ને, તેને બધી ભાંજગડ ઊભી થાય છે. કર્મ રાજાનો નિયમ એવો છે કે જેને શંકા પડે, તેને ત્યાં એ પધારે! અને જે ગાંઠે નહીં, તેને ત્યાં તો એ ઊભા જ ના રહે. માટે મન મજબૂત રાખવું જોઈએ.”