મારા ભાગ્યમાં શું છે એ હું કેવી રીતે જાણી શકું? શું મને એવું કંઈક પ્રાપ્ત થઈ શકે જે મારા ભાગ્યમાં ન હોય?

પોતાના ભાગ્યમાં શું છે એ જાણવા માટે લોકો જુદી જુદી રીતો કે ટેકનિક અપનાવે છે, જેવા કે, અંકશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ભવિષ્યવાણી, મનોશાસ્ત્ર, ઓનલાઈન વ્યક્તિત્વ અને સ્વભાવ ઓળખવાની ક્વિઝ વગેરે. જ્યારે તાર્કિક મગજ સંજોગોને સાચા માનવામાં નિષ્ફળ નીવડે છે, ત્યારે વ્યક્તિ આધ્યાત્મિક સાધનોનો માર્ગ અપનાવે છે.

જ્યારે આપણને અપેક્ષાઓ પ્રમાણે પરિણામ ના મળે, ભવિષ્ય જાણવા માટેની ઉત્સુકતા હોય કે પછી પોતાની નિયતિ વિશે જાણવાની ઈચ્છા હોય, ત્યારે આપણામાંથી ઘણા બધા લોકો આ બધામાં માને છે. જો કે, તમે ગમે તે માર્ગ પસંદ કરો, પણ શું ખરેખર એનાથી તમને તમારી નિયતિની ચોક્કસ જાણકારી મળે છે ખરી? ઉપરના કોઈ પણ માધ્યમ દ્વારા તમને એવું જાણવા મળ્યું છે કે, “હા, આટલા મહિનાઓ પછી કે આટલા વર્ષો પછી આ ચોક્કસ ઘટના બનવાની જ છે, આમાંથી છૂટવાનો કે આને નકારવાનો કોઈ રસ્તો નથી!” આમાંનું કોઈ પણ માધ્યમ તમને ભવિષ્યના અનુમાનની ખાતરી આપી જ ના શકે, બરાબર ને?

ચાલો, અમુક પ્રસંગોને ચકાસી જોઈએ!

ભાગ્યને ઓળખવા માટેના આધ્યાત્મિક માધ્યમોનું વિશ્લેષણ

destiny

પ્રસંગ ૧: ધારો કે, એક જ્યોતિષે તમને કહ્યું હોય કે તમારામાં નાની ઉંમરમાં જ એક શ્રીમંત એન્જિનિયર બનવાની ઘણી શક્યતા છે. તમે પણ એ જ બનવા માંગતા હતા. આવી ભવિષ્યવાણી સાંભળીને, એ વખતે તમારા આનંદનો કોઈ પાર જ ના રહ્યો હોય. તમે ભણવામાં ખૂબ મહેનત કરી અને જરૂરી ડીગ્રી અને આવડત મેળવી. તેમ છતાં, અત્યારે દસ વર્ષના અનુભવ પછી પણ તમારે વધારે કલાકો સુધી અને ઓછા પગારમાં કામ કરવું પડે છે. આ કદાચ ચાલી રહેલી આર્થિક કટોકટીને કારણે છે.

પ્રસંગ ૨: બીજો એક પ્રસંગ લઈએ. કોઈ જ્યોતિષે તમારા કોઈ મિત્ર માટે એવી ભવિષ્યવાણી કરી હોય કે, ત્રીસ વર્ષની ઉંમરે એના લગ્ન કોઈક પ્રતિષ્ઠિત કુટુંબમાં થશે અને બત્રીસ વર્ષે એમના ત્યાં બાળકનો જન્મ થશે અને તેઓ સુખી લગ્નજીવન જીવશે. આ સાંભળીને તમારા મિત્રને ખૂબ આનંદ થયો હોય. તેમ છતાં, આધ્યાત્મિક રુચિને કારણે તમારા મિત્ર બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ નિર્ણય લે અને પ્રામાણિકતા સાથે એ મુજબ આખું જીવન પસાર કરે. આનું કારણ કદાચ એમના જીવનમાં જ્ઞાનના વળાંકને કારણે છે.

પ્રસંગ 3: હવે બીજો એક પ્રસંગ લઈએ, જેમાં જ્યોતિષે ૨૦૧૯માં એવું ભાખ્યું હોય કે, તમારે ધંધાના કારણે વારંવાર વિદેશ પર જવાનું થશે અને બે વર્ષમાં જ તમારી પાસે અકલ્પનીય સંપત્તિ હશે. તમે અત્યંત ઉત્સાહિત હતા! એ જ્યોતિષની સલાહ પ્રમાણે તમે અનુરૂપ ગ્રહની વીંટી પહેરવાની પણ શરૂ કરી દીધી. પરંતુ, કોવિડના કારણે તમે માત્ર એક જ વાર વિદેશ જઈ શક્યા અને કોઈ જ લાભ ના થયો.

પ્રસંગ 4: ધારો કે, અંકશાસ્ત્રીએ તાજેતરમાં જ તમારા માટે એવી આગાહી કરી હોય કે થોડા મહિનાઓ પછી તમને તમારી કારકિર્દીમાં નિષ્ફળતા મળવાની શક્યતાઓ છે. આનાથી તમને ચોક્કસ આઘાત લાગે અને એના કારણે તમને આ સાંભળતાની સાથે જ સંભવિત હતાશા શરૂ થઈ જાય.

ભલે ભવિષ્ય માટે કારકિર્દીમાં નિષ્ફળતા મળે કે ના પણ મળે પરંતુ, તમને તો અત્યારથી જ એનું દુઃખ શરૂ થઈ ગયું! અહીં, અનિશ્ચિત ભવિષ્યની જાણકારીએ આજના વર્તમાનને જરૂર દુઃખદાયી બનાવી દીધું! આ ચારેય પ્રસંગોમાં તમને પૈસા ખર્ચવા છતાં પણ ધારેલો ફાયદો ના થયો; આ તો વધારાનું દુઃખ છે, નથી?

અનુમાન

ટૂંકમાં, પોતાનું ભવિષ્ય જાણવાના આ બધા સાધનો ફક્ત આગાહીઓ કે ધારણાઓ કરે; એ સાચી પડે કે ના પણ પડે. તે ફક્ત એટલું જ કહે છે કે શું થવાની સંભાવના છે; તે એવું ક્યારેય નહીં કહે કે, નિશ્ચિત દિવસે, સમયે કે સ્થળે આવી ઘટના બનશે જ. આંકડાઓ, ક્રિસ્ટલ બોલ અને ગ્રહો, એ બધા સાધનો સાધારણ, અતિ સંભવિત આગાહીઓ દર્શાવનારા માત્ર માધ્યમો છે. એ કોઈ પણ ઘટનાની ચોક્કસ વિગતો અને ખાતરી આપી શકે એવી શક્યતાઓ ઓછી હોય છે.

વળી, જ્યોતિષ અને કુંડલીથી થતી ભવિષ્યવાણી એક વખતે માત્ર કોઈ એક કે બે વ્યક્તિ પૂરતી નહીં, પણ ઘણા બધા લોકોને લાગુ પડે એવી હોય છે. પરંતુ, કોઈ એને પોતાના માટે જ કહેવાયું છે એમ માની બેસે છે. તેથી ચોક્કસ વર્ગમાંના અમુક લોકો માટે એ ભવિષ્યવાણી સાચી પડી જાય છે.

જો કે, આનો અર્થ એ નથી કે આ સાધનો ખોટા છે. ફક્ત આટલું જ છે કે “તમારી નિયતિમાં શું છે?” એ પ્રશ્નનો ચોક્કસ જવાબ એ બધા આપી શકે એમ નથી.

આગળનો રસ્તો...

હવે, તમને કદાચ એવો વિચાર આવે કે, “જીવનમાં મારી નિયતિ શું છે એ જાણવા માટેનો કોઈ ચોક્કસ રસ્તો છે? આ શક્ય છે ખરું?” આનો જવાબ નિયતિ કેવી રીતે કામ કરે છે તેમાં રહેલો છે. ચાલો, આગળ વાંચીએ...

ભાગ્ય કેવી રીતે કામ કરે છે એ જાણવાના સૂક્ષ્મ પાસાં

ભાગ્ય કેવી રીતે ઉદયમાં આવે છે એ જાણતા પહેલાં, ભાગ્ય શું છે એ જાણવું અગત્યનું છે. અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક જ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, ગયા ભવના કર્મો યોજનારૂપે હોય છે, જે આ ભવમાં રૂપકમાં આવે છે. આ રૂપકમાં આવે છે તેને પ્રારબ્ધ (નસીબ, નિયતિ) કહેવામાં આવે છે.

destiny

માટે, આપણા પોતાના જ કર્મો આપણી નિયતિ નક્કી કરે છે. જે કંઈ પણ થાય છે એ કૉઝ અને ઈફેક્ટના સિદ્ધાંત પર કામ કરે છે! ગયા ભવમાં ભાવ કરવાથી કારણો સેવાય છે અને એના પરિણામ સ્વરૂપે આ ભવમાં કર્મનું ફળ આવે છે. જ્યાં સુધી પરિણામ ઉદયમાં ના આવે ત્યાં સુધી કેવી ઘટના ઘટશે અથવા તમારા નિયતિમાં શું થવાનું છે એ ખાતરીપૂર્વક કહી શકાય નહીં.

વધુમાં, ઘણા બધા સંજોગો, જેવા કે, કાળ, ક્ષેત્ર, ભાવ, પુરુષાર્થ અને ભાગ્ય, એકસાથે ભેગા થવાથી આપણા કર્મોનું ફળ મળે છે. આમાંથી પુરુષાર્થ સિવાય બીજો એક પણ સંજોગ આપણા હાથમાં નથી.

તારણ/જવાબ: આમ, મારું ભાગ્ય શું છે, એનો ચોક્કસ જવાબ શોધવું શક્ય નથી. તેમ છતાં, સંભાવનાઓ વિશે જાણવું શક્ય છે.

સાર: તમારી નિયતિમાં શું છે એની રાહ જોવામાં અથવા જાણવામાં તમારો સમય અને પૈસા વેડફશો નહીં. કારણ કે તમને કંઈ મળશે નહીં. એના કરતા ઊંચા લક્ષ્ય માટેની સ્પષ્ટ દૃષ્ટિ કેળવો અને તે પ્રમાણે જીવવાનો સંકલ્પ રાખો, એ સાર્થક કરવા માટે તમારાથી શક્ય હોય એટલા બધા જ પ્રયત્નો કરો. પછી, જે પરિણામ આવે એ તમારી નિયતિ. ગમે તેવા સંજોગો હોય કે કર્મોના ઉદય હોય તેમ છતાં પણ તમે પ્રયત્ન કરી શકો છો. હા, નિયતિમાં શું છે એ ખબર ના હોય કે પહેલેથી નક્કી હોય, તો પણ તમારે એક ભૂમિકા નિભાવવાની છે. આ ઉપરાંત, શું તમે જાણો છો કે તમારું ભાગ્ય બદલવું શક્ય છે?

×
Share on