• question-circle
  • quote-line-wt

પરોપકાર – માનવ જીવનનો ધ્યેય

સેવા-પરોપકારને જીવનનો ધ્યેય બનાવીને જીવન જીવીએ તો મનુષ્યપણાની સાર્થકતા થઈ કહેવાય! સંસારમાં પરોપકાર એટલે પૈસાનું દાન આપવું, મોટી હોસ્પિટલો કે સ્કૂલો બંધાવવી, સમાજસેવા કરવી એવું મનાય છે. પણ પરોપકારનો સાચો અર્થ છે પોતાના મન, વાણી અને વર્તન પારકાં માટે ખર્ચી નાખવા. દરેક પરોપકારી જીવ જે પારકાં માટે જીવે છે, તેમને ક્યારેય દુઃખ પડતું નથી. ઊલટું પોતાનું આંતરિક સુખ જ વધ્યા કરે છે.

પરોપકારમાં ગરીબોને મદદ કરવી, બીમાર વ્યક્તિની સંભાળ લેવી, માતા-પિતા, વડીલો અને ગુરુની સેવા કરવી એ બધું સમાઈ જાય છે. ઉપરાંત, આપણી આવડત, ક્ષમતા, બુદ્ધિમતા બીજાને મદદ કરવામાં વાપરવા, મુશ્કેલીમાં સાચી સલાહ આપવી તે પણ પરોપકાર છે. પરોપકાર એટલે મોટાં મોટાં કામો કરવા એવું જ નથી. પાડોશીને કંઈક જોઈતું હોય તો ધક્કો ખાવો, ખરીદી કરવા જઈએ તો બીજાને જોઈતી વસ્તુ લઈ આવવી, પગપાળા જતી વ્યક્તિને વાહનમાં લિફ્ટ આપવી, કુટુંબને ઘરકામમાં મદદ કરવી જેવા નાનાં નાનાં પગલાંથી પણ પરોપકારની શરૂઆત થાય છે. બીજાને સુખ ન આપી શકીએ તો કંઈ નહીં, પણ કોઈ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ના પડે તેવી રીતે જીવન જીવવું એ પણ મોટો ઉપકાર છે.

પરોપકાર પાછળ હેતુનું ખૂબ મહત્ત્વ છે. માન, કીર્તિ કે લક્ષ્મીની અપેક્ષાથી નહીં પણ ચોખ્ખી ભાવનાથી કરેલો પરોપકાર પુણ્ય બંધાવે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે જે પારકાં માટે વિચારે છે તેને પોતાના માટે વિચારવાની જરૂર રહેતી નથી, કુદરત તેનું બધું સંભાળી લે છે. મા-બાપની જે સંતાનો સેવા કરે, તેમને જીવનમાં ક્યારેય અડચણો ન આવે, બધી જરૂરિયાત મળી આવે અને આત્મસાક્ષાત્કારી ગુરુની સેવા કરે એ તો મોક્ષે જાય!

પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાની આખી જિંદગીનો એ જ ધ્યેય રાખ્યો હતો કે મને ભેગો થયો તેને સુખ થવું જ જોઈએ. પોતાના સુખને માટે વિચાર સુદ્ધાં નહોતો કર્યો. બસ, સામાને શી અડચણ છે અને તે કઈ રીતે દૂર થાય એ જ ભાવના તેઓશ્રીએ નિરંતર ભાવી હતી. પરમ પૂજ્ય દાદા ભગવાનની એ ભાવના અંતે કારુણ્યતામાં રૂપાંતર પામી અને તેના ફળરૂપે અદ્‌ભુત અધ્યાત્મ વિજ્ઞાન પ્રગટ થયું!

અહીં આપણને સેવા-પરોપકારનો ધ્યેય જીવનમાં શા માટે રાખવો અને તે કઈ રીતે સિદ્ધ કરી શકાય, તેની સાચી સમજણ સરળ ભાષામાં, સચોટ દૃષ્ટાંતો દ્વારા પ્રાપ્ત થાય છે.

મનુષ્ય જીવનનો સાર

મનુષ્ય જીવનનો સાર શું? મનુષ્ય જીવનનો ધ્યેય શું હોવો જોઈએ? આત્મ સાક્ષાત્કાર પામવું અથવા પારકાના સુખ માટે જીવન જીવવું. વધુ વિગત જાણવા માટે નિહાળો આ વિડિયો...

play
previous
next

Top Questions & Answers

  1. Q. મનુષ્યજીવનનો ધ્યેય શું છે?

    A. મનુષ્યજીવનનો અંતિમ ધ્યેય તો કાયમ માટે સંસારનું બંધન તૂટે એ છે. આ સંસારનું બંધન આત્મજ્ઞાનથી જ તૂટે... Read More

  2. Q. જીવનમાં સુખી થવા શું કરવું?

    A. જીવનમાં સુખ અને શાંતિ મેળવવાનો એકદમ સરળ ઉપાય છે, પારકાંના સુખનો વિચાર કરવો. પરમ પૂજ્ય દાદા ભગવાન... Read More

  3. Q. બીજાને મદદ કરવાથી શું ફાયદો થાય?

    A. પરોપકાર એટલે પોતે ખોટ ખાઈને પણ બીજાને આપી દેવું. પરોપકારનો ભાવ વર્ષો સુધી એકધારો ટકી રહે, સામેથી... Read More

  4. Q. બીજાને મદદ કઈ રીતે કરવી?

    A. પરોપકાર કરવા માટે પૈસાથી જ બીજાને મદદ કરવી એ જરૂરી નથી. આપણે પોતાની શારીરિક શક્તિથી, બુદ્ધિથી કે... Read More

  5. Q. વડીલોની સેવા કઈ રીતે કરવી?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવા નથી. માટે મનુષ્યોની સેવા કરો.... Read More

  6. Q. પરોપકાર સરખો: સારા કે ખરાબ લોકો માટે

    A. પ્રશ્નકર્તા: દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે. દાદાશ્રી: ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો... Read More

  7. Q. સેવા મા-બાપની કરવી કે ભગવાનની કરવી?

    A. પ્રશ્નકર્તા: હું સમજવા માંગુ છું કે, શું વધારે મહત્વનું છે, ભગવાનની સેવા કે મા-બાપની... Read More

  8. Q. મા-બાપની સેવા શા માટે કરવી?

    A. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવી હોય તો તે મા-બાપની સેવા છે. હિંદુસ્તાનની સંસ્કૃતિમાં... Read More

  9. Q. શું માનવસેવા મુક્તિ(મોક્ષ) સુધી લઈ જશે?

    A. પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતા કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો. દાદાશ્રી: સમાજ... Read More

  10. Q. "પોતાની સેવા" એટલે શું?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે દુનિયામાં બે પ્રકારના ધર્મ છે. એક પ્રકારનો ધર્મ જેમાં જગતની સેવા છે,... Read More

Spiritual Quotes

  1. બીજાને કંઈ પણ આપો ત્યારથી જ પોતાને આનંદ શરૂ થાય છે.
  2.  મનુષ્યજીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકાં માટે વાપરો.
  3. જે માણસને સુખ જોઈતાં હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો.
  4. તમારાં જે ફળ ઉત્પન્ન થાય - દૈહિક ફળ, માનસિક ફળ, વાચિક ફળ, 'ફ્રી ઓફ કોસ્ટ' લોકોને આપ્યા કરો તો તમને તમારી દરેક વસ્તુ મળી આવશે. તમારી જીવન જરૂરિયાતમાં કિંચિત્માત્ર અડચણ નહીં પડે.
  5. મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય.
  6. અને સેવા ના થાય, તો કોઈને દુઃખ ના થાય એવું જોવું પડે. ભલેને નુકસાન કરી ગયો હોય. કારણ કે એ પૂર્વનો કંઈક હિસાબ હશે. પણ આપણે એને દુઃખ ના થાય એવું કરવું જોઈએ.
  7. મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડોય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને આત્મસાક્ષાત્કારી ગુરૂની સેવા કરે એ મોક્ષે જાય !
  8. બાકી સેવા તો એનું નામ કે તું કામ કરતો હોય તે મને ખબરેય ના પડે. એને સેવા કહેવાય. મૂંગી સેવા હોય. ખબર પડે, એને સેવા ના કહેવાય.
  9. સમાજસેવા તો અનેક પ્રકારની હોય છે. જે સમાજસેવામાં, જેમાં કિંચિત્માત્ર 'સમાજસેવક છું' એવું ભાન ના રહેને એ સમાજસેવા સાચી.
  10. 'રિલેટિવ ધર્મો' છે એ સંસાર માર્ગ છે, સમાજસેવાનો માર્ગ છે. મોક્ષનો માર્ગ સમાજસેવાથી પર છે, સ્વ રમણતાનો છે.

Related Books

×
Share on