જીવનમાં સુખ અને શાંતિ મેળવવાનો એકદમ સરળ ઉપાય છે, પારકાંના સુખનો વિચાર કરવો. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ મન-વચન-કાયા પારકાંના સુખને માટે વાપરો તો પોતાને સંસારમાં કોઈ દહાડો સુખની કમી નહીં પડે.
છેવટે, મનુષ્ય આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરે તો જીવનમાં કાયમ માટે સનાતન સુખની પ્રાપ્તિ થાય છે. પણ જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર સાધ્ય નથી થતું ત્યાં સુધી સેવા અને પરોપકારના રસ્તે ચાલવાથી જીવનમાં સુખ અને શાંતિ સ્થપાય છે.
નિયમ એવો છે કે આપણે પોતાનું પારકાં માટે વાપરીએ તો આપણને આનંદ થાય. બહુ મોટા કામો નહીં, પણ સામાન્ય ક્રિયાઓ જેવી કે, પોતાને ગમતી વસ્તુ બીજાને આપી દેવી, પશુ-પક્ષીઓને ખાવાનું આપવું, ગરીબ કે ભૂખ્યા માણસને જમાડવું, વડીલોને નાની-મોટી સહાય કરવી, જરૂરિયાતવાળાને અનાજ કે ઔષધિ પૂરી પાડવી વગેરેથી પોતાની જ અંદર સુખ ઊભરાય છે. કારણ કે, દરેક જીવની અંદર ભગવાન રહેલા છે. કોઈનું દિલ ઠારીએ, ત્યારે તેની અંદરના ભગવાન આપણને આશીર્વાદ આપે છે. આપણે એક દાન આપ્યું હોય અને સામે હજાર દાનનું ફળ મળે છે, તેમ પરોપકારનું પણ અનેકગણું ફળ આપણને મળે છે.
બીજાને સુખ આપવાથી આપણને સુખનો અનુભવ થાય છે. તેનું કારણ અધ્યાત્મ વિજ્ઞાનમાં મળે છે. દરેકની અંદર આત્માની હાજરી છે અને આત્મા પોતે જ સુખનું ધામ છે, અનંત સુખનો કંદ છે. જ્યારે કોઈ જીવને સુખ આપીએ, ત્યારે આપણે પોતે પોતાના જ આત્માનું સુખ અનુભવીએ છીએ.
જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિનો સરળ ઉપાય અહીં પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી મળે છે.
પ્રશ્નકર્તા: માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી? કે કોઈને દાન આપવું? શું કરવું?
દાદાશ્રી: માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાંને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણાં કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું તે ઘડીએ તું બાંધું પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય.
પણ આ કળિયુગમાં પોતાનું પોતાના માટે જ વાપરવાની સંકુચિતતા, તેમજ આગળ વધીને બીજાનું પડાવી લેવાની વૃત્તિઓ વ્યાપી ગયા છે. બીજાનું મફતમાં પડાવી લે ત્યારે એટલા સમય માટે અંદર ગમે, કે “મને કંઈક મળ્યું.” પણ દુનિયામાં મફત નામની કોઈ વસ્તુ જ હોતી નથી. અણહક્કનું કંઈપણ પડાવી લઈએ એ કુદરતમાં જમા થાય છે, પછી વ્યાજ સાથે વાળવું પડે છે. ભલે થોડા સમય માટે સુખ મળ્યું એમ લાગે છે, પણ અંતે પોતાને જ ભારે દુઃખ પડે છે.
જ્યારે આખી દુનિયા ભેગું કરવામાં સુખ માને છે, ત્યારે આ સમજણ દુનિયાને મળવી જોઈએ કે પોતાની વ્હાલી વસ્તુ પારકાંને માટે વાપરો એ જ સુખી થવાનો સાચો રસ્તો છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “ધર્મની શરૂઆત જ ઓબ્લાઈઝીંગ નેચરથી થાય છે. બીજાને કંઈ પણ આપો ત્યારથી જ પોતાને આનંદ શરૂ થાય છે.
તેઓશ્રી કહે છે કે, “સંસારનું સ્વરૂપ કેવું છે? જગતના જીવમાત્રમાં ભગવાન રહેલા છે એટલે કોઈ પણ જીવને કંઈ પણ ત્રાસ આપશો, દુઃખ આપશો તો અધર્મ ઊભો થશે. કોઈ પણ જીવને સુખ આપશો તો ધર્મ ઊભો થશે. અધર્મનું ફળ તમારી ઈચ્છા વિરુદ્ધ છે ને ધર્મનું ફળ તમારી ઈચ્છા પ્રમાણે છે. ”
મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થાય ત્યારથી સાચા ધર્મની શરૂઆત થાય અને જેને પોતાના સુખની પડેલી જ ના હોય, પણ કેમ કરીને સામાની અડચણ દૂર થાય તે જ ભાવના રહ્યા કરે, ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય.
પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાની આખી જિંદગીનો એ જ ધ્યેય રાખ્યો હતો કે, મને જે ભેગો થયો તેને સુખ થવું જ જોઈએ. તેઓશ્રીએ આખી જિંદગી પોતાના સુખ માટે વિચાર સુદ્ધા નહોતો કર્યો. તેઓશ્રીના જીવનના અનેક પ્રસંગોમાં આ ભાવના છલકાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનનો નાનપણથી ઓબ્લાઈઝિંગ નેચર હતો. નાના હતા ત્યારે તેઓશ્રી નાનકડા ભાદરણ ગામમાં રહેતા. તેમના મોટાભાઈ વડોદરા રહેતા, એટલે પરમ પૂજ્ય દાદાશ્રીને ધંધાના કામ માટે વડોદરા આવવા જવાનું રહેતું. એ જમાનામાં ગામડેથી શહેરમાં જવું એટલું સરળ નહોતું. ગામડામાં અમુક વસ્તુઓ મળતી ના હોય અને લોકોએ વડોદરા શહેર જોયું પણ ના હોય. એટલે પરમ પૂજ્ય દાદાશ્રી જ્યારે પણ વડોદરા જાય ત્યારે આખા ગામમાં બધાને પૂછી આવે, કે “વડોદરા જાઉં છું, તમારે કંઈ કામ છે? કશું જોઈએ છે?” ત્યારે કોઈ મંગાવે કે “મારા માટે ધોતિયું લાવજે.” હવે પરમ પૂજ્ય દાદાશ્રી ધોતિયું લેવા ગયા હોય તો એ વખતના ધારો કે પચ્ચીસ રૂપિયાનું ધોતિયું આવતું હોય, તો તેઓશ્રી પચ્ચીસમાં ખરીદે. પછી જેણે મંગાવ્યું હોય એને ત્રેવીસ રૂપિયામાં આપે. બે રૂપિયા પોતાના ખિસ્સાના નાખે. કારણ કે, તેઓશ્રીને ભાવતાલ કરવાનું ના ફાવે. વળી જો કોઈ ગામમાં એમ કહે કે વડોદરામાં તો ત્રેવીસ રૂપિયાનું ધોતિયું મળે છે તો સામાને દુઃખ થાય કે બે રૂપિયાનું કમિશન લીધું. એના બદલે બે રૂપિયા ઓછા લે તો સામો સસ્તું મળ્યું એમ કરીને રાજી થઈ જાય. પરમ પૂજ્ય દાદાશ્રીની આવી ખાનદાની હતી કે પોતાના પૈસા ખર્ચીને પણ સામાને ખુશી આપે.
યુવાનવયે જ તેઓશ્રીએ એમના મિત્રોને કહી રાખ્યું હતું કે આ હાથ બધાને આપવા માટે બન્યા છે, લેવા માટે નહીં. એટલે કોઈને પણ અડધી રાત્રે જરૂર પડે તો મને કહેજો, હું તમને બધી મદદ કરીશ પણ હું તમારે ઘેર અડધી રાત્રે આવું તો તમે જરાય મનમાં ભય નહીં રાખતા કે આ કંઈક માંગવા આવ્યા હશે!
ધંધામાં પણ પરમ પૂજ્ય દાદાશ્રીને ક્યારેય વિચાર નહોતો આવતો કે કેમ કરીને વધારે પૈસા કમાઉં. ઉપરથી કેમ કરીને બીજાને મદદ કરું, કોઈના ધંધામાં કેમ કરીને વધારે પૈસા કમાવવાનો રસ્તો બતાડું, કેમ કરીને કોઈને નોકરી ના મળતી હોય તો નોકરીએ ચડાવી દઉં, ઓળખાણથી કંઈ કરાવી દઉં, એમાં જ આખો દિવસ વર્તતા.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે એમનો આ પરોપકારી સ્વભાવ નાનપણથી હતો, તે આત્મજ્ઞાન પ્રગટ કરવામાં બહુ મોટું નિમિત્ત બન્યો. એ જ બીજાને મદદ કરવાની ભાવના, એ જ ઓબ્લાઈઝિંગ નેચર પછી આખા જગત કલ્યાણની ભાવનામાં રૂપાંતરિત થઈ ગયો.
નિયમ છે કે બીજાને સુખ આપો તો સુખ મળશે અને દુઃખ આપશો તો દુઃખ મળશે. જો આપણે આસપાસના લોકોને દુઃખ આપતા હોઈએ તો બદલામાં સુખની આશા રાખી શકીએ નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ દુનિયાનો કાયદો એક જ વાક્યમાં સમજી જાવ, આ જગતના તમામ ધર્મોનો કે જે માણસને સુખ જોઈતાં હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે આપો. હવે કોઈ કહેશે કે સુખ લોકોને અમે કેવી રીતે આપીએ, અમારી પાસે પૈસા નથી. તો પૈસાથી અપાય છે એવું એકલું જ નથી, એની જોડે ઓબ્લાઈઝિંગ નેચર કરી શકાય, એનો ધક્કો ખઈ શકાય અને સલાહ આપી શકાય, બધી અનેક રીતે ઓબ્લાઈઝ કરી શકીએ એમ છે. ”
તેઓશ્રી કહે છે કે, મનુષ્યએ ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખવો. બીજાને સુખ આપવાથી પુણ્ય બંધાય. એટલું જ નહીં, સામો આપણું નુકસાન કરી ગયો હોય, ત્યારે એવી સમજણ રહે કે પૂર્વનો કંઈક હિસાબ હશે એ પૂરો થયો, પણ આજે મારે એને દુઃખ નથી આપવું, તો એનાથી પણ પુણ્ય બંધાય. બીજી બાજુ, જ્યારે કોઈ પણ જીવને દુઃખ અપાય, કે દુઃખ આપવાનો ભાવ પણ થાય તેનાથી અશુભ કર્મો બંધાય છે. આપણને જીવનમાં પુણ્યના આધારે સુખ અને પાપના આધારે દુઃખ પડે છે.
એટલે બીજાને સુખ ના આપીએ, બીજાની સેવા ના કરી શકીએ તો કંઈ નહીં, પણ કોઈને દુઃખ તો ન જ આપવું. ભાવમાં સો ટકા હોય કે કોઈને દુઃખ નથી આપવું છતાં અપાઈ જાય, તો કઈ રીતે તે ઘટાડી શકાય તેના પ્રયત્નોમાં રહેવું. આપણી જે કોઈ શક્તિ હોય તે પારકાંનું દુઃખ ઘટાડવામાં વાપરવું. આમ કરવાથી આપણને દુઃખ ઉત્પન્ન થવાનું કારણ નહીં રહે. સામી વ્યક્તિની મુશ્કેલીમાં તેને મદદ કરવાનો ભાવ હોય અને કેમ કરીને સામાને સુખ થાય એવી સાચા દિલની ભાવના હોય, તો કુદરતી રીતે આપણા નિમિત્તે સામાને સુખ મળે તેવા સંજોગ ઊભા થઈ જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે જીવનમાં શીખવા જેવું બીજું કશું જ નથી, બસ બીજાને સુખ આપવાનું શીખવા જેવું છે. તેઓશ્રી કહે છે કે આપણે સુખની દુકાન કાઢવી. કોઈ આપણને ગમે તેવું દુઃખ આપે તે જમા કરી દેવું, પણ આપણે દરેકને સુખ, સુખ અને સુખ જ આપવું.
સિદ્ધાંત એ છે કે આપણે બીજાનું દિલ ઠારીએ તો કુદરત આપણું દિલ ઠારશે, પણ સામાને દુઃખ આપીશું તો એનું મન છોલાઈ જશે, અહંકાર ભાંગી જશે તેના બદલામાં એ વેર વાળશે.
સામાન્ય રીતે લોકોને ચોખ્ખા દિલથી મદદ કરવામાં આપણને છેતરાઈ જવાની બીક લાગે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન તેનું સુંદર સમાધાન અહીં આપે છે.
પ્રશ્નકર્તા: દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે.
દાદાશ્રી: ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો હિસાબ હશે તે ચૂકતે થાય છે. પણ તમે અત્યારે ઠારો તો એનું ફળ તો આવશે જ, એની સો ટકા ગેરન્ટી લેખ હઉ કરી આપું. આ અમે આપેલું હશે તેથી અમારે અત્યારે સુખ આવે છે. મારો ધંધો જ એ છે કે સુખની દુકાન કાઢવી. આપણે દુઃખની દુકાન કાઢવી નહીં. સુખ કી દુકાન, પછી જેને જોઈતું હોય તે સુખ લઈ જાવ અને કોઈક દુઃખ આપવા આવે તો આપણે કહીએ કે ઓહોહો, હજુ બાકી છે મારું, લાવો, લાવો. એને આપણે બાજુએ મૂકી રાખીએ. એટલે દુઃખ આપવા આવે તો લઈ લઈએ. આપણો હિસાબ છે તો આપવા તો આવે ને? નહીં તો મને તો કોઈ દુઃખ આપવા આવતું નથી.
માટે સુખની દુકાન એવી કાઢો કે બસ, બધાને સુખ આપવું. દુઃખ કોઈને આપવું નહીં અને દુઃખ આપનારાને તો કોઈક દહાડો કોઈક ચાકુ મારી દે છે ને? એ રાહ જોઈને બેસી રહ્યો હોય. આ જે વેર વાળે છે ને, એ એમ ને એમ વેર નથી વાળતા, દુઃખનો બદલો લે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનનો નાનપણથી ઓબ્લાઈઝિંગ નેચર હતો અને પચ્ચીસ વર્ષે તેઓશ્રીના મિત્રો તેમને સુપરહ્યુમન કહેતા હતા. તેઓશ્રીની કોઈ વસ્તુ બીજાને ગમે તો તે વસ્તુ પ્રેમથી તરત આપી દેતા.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે જે સરખા ભાવે વ્યવહાર કરે, જેવું મળે તેવું આપે તેને હ્યુમન (મનુષ્ય) કહેવાય. એટલે કે, સુખ આપ્યું હોય તેને સુખ આપે અને દુઃખ આપ્યું હોય તેને દુઃખ આપે, એ મનુષ્યપણું કહેવાય. જે સામાનું સુખ લઈ લે, એ પાશવતામાં જાય છે. બીજાનું સુખ પડાવી લેવું, બીજાને છેતરવું, વિશ્વાસઘાત કરવો, એ બધું વાઈલ્ડનેસ (જંગલીપણું) કહેવાય. પણ જે પોતાનું સુખ બીજાને ભોગવવા આપી દે છે, દુઃખિયાનું દુઃખ દૂર કરે છે, તેને સુપરહ્યુમન (અતિમાનવ) કહેવાય છે અને તે દેવગતિમાં જાય છે. સામો ગમે તેટલી વખત અડચણ કરે, છેતરે, દુઃખ આપે તોય તેનું નુકસાન ના થાય તે રીતે એને મદદરૂપ થાય તે સુપરહ્યુમન સ્વભાવ છે. ખરી રીતે, પારકાંનું પડાવી લેવામાં આપણે પોતાનું જ મનુષ્યપણું ગુમાવીએ છીએ અને પારકાંને આપવામાં આપણે પોતાને જ સુપરહ્યુમન બનવા માટે મદદ કરીએ છીએ.
A. મનુષ્યજીવનનો અંતિમ ધ્યેય તો કાયમ માટે સંસારનું બંધન તૂટે એ છે. આ સંસારનું બંધન આત્મજ્ઞાનથી જ તૂટે... Read More
Q. બીજાને મદદ કરવાથી શું ફાયદો થાય?
A. પરોપકાર એટલે પોતે ખોટ ખાઈને પણ બીજાને આપી દેવું. પરોપકારનો ભાવ વર્ષો સુધી એકધારો ટકી રહે, સામેથી... Read More
A. પરોપકાર કરવા માટે પૈસાથી જ બીજાને મદદ કરવી એ જરૂરી નથી. આપણે પોતાની શારીરિક શક્તિથી, બુદ્ધિથી કે... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવા નથી. માટે મનુષ્યોની સેવા કરો.... Read More
Q. પરોપકાર સરખો: સારા કે ખરાબ લોકો માટે
A. પ્રશ્નકર્તા: દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે. દાદાશ્રી: ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો... Read More
Q. સેવા મા-બાપની કરવી કે ભગવાનની કરવી?
A. પ્રશ્નકર્તા: હું સમજવા માંગુ છું કે, શું વધારે મહત્વનું છે, ભગવાનની સેવા કે મા-બાપની... Read More
Q. મા-બાપની સેવા શા માટે કરવી?
A. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવી હોય તો તે મા-બાપની સેવા છે. હિંદુસ્તાનની સંસ્કૃતિમાં... Read More
Q. શું માનવસેવા મુક્તિ(મોક્ષ) સુધી લઈ જશે?
A. પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતા કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો. દાદાશ્રી: સમાજ... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે દુનિયામાં બે પ્રકારના ધર્મ છે. એક પ્રકારનો ધર્મ જેમાં જગતની સેવા છે,... Read More
subscribe your email for our latest news and events