Related Questions

બીજાને મદદ કઈ રીતે કરવી?

પરોપકાર કરવા માટે પૈસાથી જ બીજાને મદદ કરવી એ જરૂરી નથી. આપણે પોતાની શારીરિક શક્તિથી, બુદ્ધિથી કે સારો વ્યવહાર કરીને પણ લોકોને મદદ કરી શકીએ. જેમ કે, કોઈને કંઈ કામ હોય તો એમના માટે ધક્કો ખાઈ શકીએ. કોઈ તકલીફમાં હોય તો એમની સાથે બે સારા શબ્દો બોલીએ, કોઈને જરૂર હોય તો એમના માટે વસ્તુ ખરીદી લાવીએ. કોઈ ગરીબને જૂનાં કપડાં આપી શકીએ કે બે જોડી કપડાં સિવડાવી આપીએ. કોઈ મુશ્કેલીમાં હોય તો તેમને જરૂરી સલાહ સૂચન આપી શકીએ, કે “આવું કરજો” અથવા “આવું ના કરશો”. કોઈને વણમાંગી સલાહ ના આપીએ, પણ સામાનું દુઃખ મટી જાય એટલા પૂરતી સમજણ આપી શકાય.

આપણી પાસે બુદ્ધિ હોય તો તેનાથી પણ સામાને મદદ કરી શકાય. પહેલાંના જમાનામાં ગામમાં કોઈ તકરાર થઈ હોય, તો જે બુદ્ધિશાળી લોકો હતા, તે સામસામે સમજણ પાડીને ઝઘડાનું નિવારણ લાવી આપતા. એટલું જ નહીં, બંનેને પોતાના ઘરે જમાડીને ખુશ કરીને મોકલતાં અને આ બધું કરવાના બદલામાં કોઈ કિંમત નહોતા લેતા. પહેલાં વૈદ્ય હતા તે બીમારીનો ઉપચાર કરી આપતા અને લોકો જે આપી જાય તે લઈ લેતા. પણ આજે જે પ્રકારની આવડત હોય, જે વ્યવસાયનું જ્ઞાન હોય તેનો ઉપયોગ પૈસા કમાવા માટે જ થઈ ગયો છે. એમાં કશું ખોટું નથી અને અત્યારે પૈસા ના લઈએ તો ઘર ના ચાલે. એટલે પૈસા લેવા પણ અંદર ખ્યાલમાં રાખવાનું કે વધારાના પૈસા દાનમાં આપવા છે અને આપણી આવડતનો ઉપયોગ કરીને કોઈને મુશ્કેલીમાં મદદ થાય તેવું લક્ષ રાખવું.

ગરીબોને પૈસા આપીને મદદ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ. સીધા પૈસા આપવાને બદલે તેમની ગરીબી ઓછી થાય, ગરીબ લોકો પગભર થાય, તેમનું જીવન સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. રોકડા દાનમાં આપીએ પછી એ રકમ અવળા માર્ગે વ્યસનમાં કે જુગારમાં વેડફાઈ જાય તો ત્યાં મદદનો બીજો રસ્તો શોધવો જોઈએ.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે ક્રિયા મહત્ત્વની નથી, આપણો ભાવ અગત્યનો છે. બહારના સંજોગો સાથ આપે કે ન આપે એ આપણા હાથની વાત નથી. પણ મનમાં ભાવ રાખવો કે કેમ કરીને મદદ થાય એ આપણો સ્વતંત્ર ભાગ છે.

દાદાશ્રી:બહારથી ઓછું થાય તો વાંધો નહીં, પણ અંદરનો ભાવ તો હોવો જ જોઈએ આપણો કે મારી પાસે પૈસા છે, તો મારે કોઈના દુઃખને ઓછું કરવું છે. અક્કલ હોય તો મારે અક્કલથી કોઈને સમજણ પાડીને પણ એનું દુઃખ ઓછું કરવું છે. જે પોતાને સિલ્લક હોય તે હેલ્પ કરવાની, નહીં તો ઓબ્લાઈઝિંગ નેચર તો રાખવો જ. ઓબ્લાઈઝિંગ નેચર એટલે શું? પારકાંનું કરવા માટેનો સ્વભાવ!

ઓબ્લાઈઝિંગ નેચર હોય તો કેવો સરસ સ્વભાવ હોય! કંઈ પૈસા આપી દેવા એ ઓબ્લાઈઝિંગ નેચર નથી. પૈસા તો આપણી પાસે હોય કે નાય હોય. પણ આપણી ઈચ્છા, એવી ભાવના હોય કે આને કેમ કરીને હેલ્પ કરું! આપણે ઘેર કો’ક આવ્યો હોય, તેને કંઈ કેમ કરીને હેલ્પ કરું, એવી ભાવના હોવી જોઈએ. પૈસા આપવા કે ના આપવા એ તમારી શક્તિ મુજબ છે.

પૈસાથી જ કંઈ ‘ઓબ્લાઈઝ’ કરાય છે એવું નથી, એ તો આપનારની શક્તિ પર આધાર રાખે છે. ખાલી મનમાં ભાવ રાખવાના કે કેમ કરીને ‘ઓબ્લાઈઝ’ કરું, એટલું જ રહ્યા કરે તેટલું જ જોવાનું.”

પરોપકારની શરૂઆત ઘરથી!

લોકસેવા અને પરોપકાર કરવા નીકળી પડેલા દરેક વ્યક્તિએ પોતાના ઘરને પહેલાં સાચવવું, પછી બહારના લોકોને મદદ કરવી. લોકોને અને સમાજને મદદ કરવા દોડી જઈએ અને ઘરની જવાબદારીઓ ચૂકાઈ જાય, પરિણામે ક્લેશ અને કંકાસ વધે તેવું ન કરવું. આખા ગામનું ભલું કરતા હોઈએ, પણ ઘરના જ લોકો ભૂખ્યા હોય તો એવા પરોપકારનો અર્થ નથી. પણ ઘરમાં બધા રાજી હોય અને સામેથી કહે કે “જાઓ, સમાજનું કામ કરો” એવો વ્યવહાર રાખવો જોઈએ. ઘરનું બધું જ સાચવીને બહારના લોકોને મદદ કરવા જઈએ અને પછી પણ ઘરની વ્યક્તિઓ વાંધો ઉઠાવે ત્યારે પ્રેમથી તેમને તમારો દૃષ્ટિકોણ અને હેતુ સમજાવવા જોઈએ.

પરોપકારની શરૂઆત ઘરથી કરવી. ઘરમાં રોફ મારતા હોઈએ, બીજાને તકલીફ પડે, દુઃખ પડે એવું વર્તન હોય અને બહાર પરોપકાર કરીએ એ પણ યોગ્ય નથી. ખાસ કરીને બાળકો અને યુવાનો બહાર સ્વયંસેવક તરીકે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા દોડી જતા હોય, પણ ઘરમાં પોતાના જ નાના-મોટા કામ ન સંભાળતા હોય તો તે પરોપકારની સાચી રીત નથી.

સારા-ખરાબ માટે, પરોપકાર સરખો રાખવો

જેમ આંબાનું ઝાડ એના ફળો નથી ખાતું, ગુલાબનો છોડ એના ફૂલો નથી ભોગવતું, લીમડો એનો છાંયો પોતે નથી વાપરતો તે જ રીતે મનુષ્યના મન-વચન-કાયા પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરોપકાર માટે વપરાય તો ઉત્તમ છે. પણ મનુષ્યમાં બુદ્ધિ વિકામ પામી છે, એટલે સામા ઉપર ઉપકાર કરતી વખતે સારા-ખરાબનો ભેદ રહે છે.

ઝાડ એના ફળ, ફૂલ આપતી વખતે નથી જોતું કે એની પાસે આવેલો માણસ લુચ્ચો છે કે સંત છે. એ બધાને સમાન ભાવે જ મદદ કરે છે. તેવી જ રીતે આપણે પણ સામી વ્યક્તિ સારી છે કે ખરાબ એ જોવું નહીં. સામો આપણા ઉપકારનો બદલો અપકારથી આપે તો પણ એને મદદ કરવામાં પાછું ન પડાય એ પરોપકારની સાચી રીત છે. ત્યારે “હું આટલી બધી મદદ કરું છું, તોય મને જરૂર વખતે મદદ ના કરી, ઊલટો મને અડચણમાં મૂક્યો” એવી ફરિયાદ ન કરવી.

કોઈ આંબાને પથ્થર મારે, કુહાડી મારે તોય તે કેરીનું ફળ આપે છે. તેવી રીતે ગમે તેવા આક્ષેપ આવે, અપમાન કે અવગણના થાય તો પણ પરોપકારનો સ્વભાવ ના છોડે તો તે જીવની ઊર્ધ્વગતિ થાય છે. ટૂંકમાં, પરોપકાર કરનાર સામાની સમજણ નથી જોતા. પણ મને ભેગો થયો તેને સુખ થવું જોઈએ તેવી ભાવના સેવે છે.

સેવા, પરોપકાર પાછળ ચોખ્ખી દાનત રાખવી

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “સેવા તો એનું નામ કે તું કામ કરતો હોય તે મને ખબરેય ના પડે. એને સેવા કહેવાય. મૂંગી સેવા હોય. ખબર પડે, એને સેવા ના કહેવાય.”

સાચી પરોપકારની ભાવનામાં દાનત ચોખ્ખી હોવી જોઈએ. તેની પાછળ ખ્યાતિ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ કશાની અપેક્ષા ના હોવી જોઈએ. ઘણી વખત લોકસેવા કે સમાજસેવા કરવા પાછળ અંદરખાને માન મેળવવાનો, સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારવાનો કે કીર્તિનો લોભ હોય છે. સાચી જનસેવા કરનાર વ્યક્તિને કોઈ પ્રકારનો પરિગ્રહ ના હોય, કશું ભેગું કરવાની વૃત્તિ ના હોય. એક તરફ માન અને કીર્તિની અપેક્ષા રાખીએ અને બીજી બાજુ પરોપકાર કરીએ, એ બંને શી રીતે બની શકે? જેને કીર્તિની અપેક્ષા નથી અને જે ચોખ્ખી દાનતથી લોકોને મદદ કર્યા કરે છે, બદલામાં કોઈ અપેક્ષા નથી, તેની ખ્યાતિ આપોઆપ સંસારમાં થયા કરે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “લોકસેવા તો હૃદયની હોવી જોઈએ, હૃદયપૂર્વકનું હોય તો બધે પહોંચે. લોકસેવા અને પ્રખ્યાતિ બે ભેગી થાયને તો મુશ્કેલીમાં મૂકી દે, માણસને. ખ્યાતિ વગરની લોકસેવા હોય ત્યારે સાચું. ખ્યાતિ તો થાય જ જાણે કે, પણ ખ્યાતિની ઈચ્છારહિત થાય એવું હોવું જોઈએ.”

જે પરોપકારના કાર્યોના કેન્દ્રમાં “હું જ કરું છું.”, “મારું માન કઈ રીતે વધે?”, “મને કઈ રીતે સુખ મળે?”, “મારું ધાર્યું થવું જોઈએ.”, “મારી સગવડ સચવાવી જોઈએ.” આવી કોઈ પણ પ્રકારની સ્વાર્થી દાનત હોય તે પોતાને જ નુકસાન કરનાર છે. પોતાને કે પોતાના કુટુંબને લાભ મળે એવી સંકુચિતતા ન રાખતાં, કઈ રીતે પારકાંને મદદ થાય એવી ભાવના સાથે પરોપકાર કરવો જોઈએ.

પરોપકારમાં અહંકાર ન કરવો

નરસિંહ મહેતાએ લખ્યું છે કે, સાચો વૈષ્ણવજન તો એને કહેવાય જે “પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે!”

બીજા ઉપર પરોપકાર કર્યા પછી પોતાનું વર્તન રોફવાળું થઈ જવું, જે વ્યક્તિ ઉપર ઉપકાર કર્યો હોય તેના ઉપર આપણા સત્તા અને અધિકાર સ્થાપિત કરવા, “હું લોકોને મદદ કરું છું” એવું અભિમાન કરવું વગેરે ખરા પરોપકારના લક્ષણો નથી. આમ કરવાથી તો પરોપકારની ચોખ્ખી ભાવના ડહોળાઈ જાય છે.

પરોપકારના કાર્યોમાં કે કંઈક સારું કાર્ય કર્યું હોય તેમાં અહંકાર ના આવવો જોઈએ. છતાં, અહંકાર આવી જાય એ સ્વાભાવિક છે. ત્યારે તેનો ઉપાય કરવો. સારા કાર્યનો અહંકાર આવે તો આપણને જ્યારે ખ્યાલ આવે ત્યારે જે કોઈ ઇષ્ટદેવ કે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમને કહેવું કે, “હે ભગવાન, મારે અહંકાર નથી કરવો, તોય થઈ જાય છે, તે માફ કરજો!”

પરોપકાર પાછળનો હેતુ સાચવવો

દરેક ક્રિયા પાછળ હેતુ હોય છે. આપણી પાસે જે કોઈ આવડત હોય, વિદ્યા હોય તેનો હેતુ લોકોને મદદ થાય તે માટે રાખવો. જેમ કે, ડોક્ટરનું ભણ્યા હોઈએ તો લોકોને બીમારીમાં મદદ થાય તેનો હેતુ રાખવો. વકીલાતનું ભણ્યા હોઈએ તો લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો હેતુ હોવો જોઈએ. શિક્ષક હોય તો બાળકોને ભણતર સાથે સંસ્કાર આપવાનો હેતુ રાખવો જોઈએ. પણ આજકાલ દરેકનો હેતુ કેમ કરીને વધુ પૈસા કમાઈ શકાય તેવો જ થઈ ગયો છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કાર્ય પાછળના હેતુનું મહત્ત્વ સમજાવે છે કે, જ્યારે મુખ્ય હેતુ પૈસા કમાવાનો હોય છે ત્યાં ખોટ જાય છે અને જ્યાં મુખ્ય હેતુ લોકોને મદદ કરવાનો હોય છે ત્યાં પૈસા આપોઆપ આવી પડે છે.

દાદાશ્રી: દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે! એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે, એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્યતા પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એવો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કયું? લક્ષ્મી! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને પ્રોડક્શન ના માનશો. જગત આખાએ લક્ષ્મીને જ પ્રોડક્શન કરી એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી.

એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એમાં બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્ટમાં જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મીનું કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો, ‘નિરંતર સેવાભાવ’, તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે.

આ કાળમાં હેતુ વિસરાઈ જાય છે. ડોક્ટરનું ભણવા ખૂબ ડોનેશન આપ્યું હોય, તો પછી એને વસૂલ કરવા પેશન્ટ પાસેથી પૈસા કમાવાની દાનત જાગે છે. ગરીબ દર્દીનો ગમે તેમ ઇલાજ થાય અને પૈસાવાળો દર્દી હોય તો વધારે ધ્યાન રાખે એવો ભેદ ઊભો થાય છે. દરેક વ્યવસાયમાં એવી વૃત્તિઓ ઊભી થાય છે.

નોકરી કે ધંધા જે કંઈ કરતા હોઈએ એમાં પૈસા કમાવાને મુખ્ય હેતુ તરીકે રાખીશું, તો આપણને જ પૈસાના જ અંતરાયો પડશે. પૈસા કમાવા માટે દુરાચાર કે ભ્રષ્ટાચાર આચરીશું, તો આવતે ભવ નોકરીના પણ ઠેકાણા નહીં પડે એવા કર્મો બંધાશે. માટે, એકબીજા સાથે સ્પર્ધામાં ઊતરીને દેખાદેખીથી અનીતિ, અપ્રમાણિકતા આચરવાને બદલે, પોતાના જીવનનો ચોક્કસ હેતુ નક્કી કરીને તેને વળગી રહેવું જોઈએ.

પરોપકારના રસ્તે અડચણો સામે અડગ રહેવું

પરોપકારના માર્ગે ચાલતા અડચણો આવી શકે છે. આપણે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય તેના બદલામાં સામો અપકાર કરી શકે છે. તે વખતે પરોપકાર ઉપર આપણી શ્રદ્ધા અવિચલ રાખવી. આપણે એકાદ વખત બીજાને મદદ કરવા ગયા હોઈએ અને સામો વળતું દુઃખ આપે તો “ધરમ કરતાં ધાડ પડી!” કહીને બીજી વખત મદદ કરવાનું બંધ રાખીએ એવું ન કરવું જોઈએ. પોતે સારું કરવા જતાં સામેથી મુશ્કેલી આવે તો પરોપકારમાંથી શ્રદ્ધા ઉઠાવી ન લેવી.

પરોપકાર ઉપરથી શ્રદ્ધા ઊઠે ત્યારે, “હું આપી દઈશ તો મારું જતું રહેશે?” એવા ભય ઊભા થાય છે. પૈસા કમાવાની અને કીર્તિની લાલચથી બીજા માટે વાપરતા ખચકાટ ઊભો થાય છે. એટલું જ નહીં, વધુ મેળવવાની લાલચ અને દેખાદેખીથી પ્રેરાઈને ભ્રષ્ટાચાર, અનીતિ કે અપ્રમાણિકતા આચરવાની શરૂ થાય છે. ત્યારે લક્ષમાં એ રાખવું કે આમ કરવાથી આવતા ભવે રોટલી ખાવાના પણ વાંધા આવશે. અત્યારે નીતિ પ્રમાણિકતા રાખીને પારકાંને મદદ કરીશું તો આ ભવમાં પણ શાંતિ રહેશે અને આવતા ભવે પણ પુણ્ય બંધાશે. પણ ભેળસેળ કરીને આ અને આવતા બંને ભવની જોખમદારી માથે આવશે.

આપણે જીવન પારકાં માટે વાપરવું છે એમ નક્કી કર્યા પછી રસ્તામાં આંતરિક કે બાહ્ય અડચણો આવે તો સમજવું કે પાછલું અવળું કર્યું હતું તેનું અવળું ફળ હમણાં આવે છે. જેમ ખેતરમાં પહેલાં બાજરો વાવ્યો હોય તો આજે બાજરો લણવો પડે. પણ આજે ઘઉંના દાણા નાખીશું તો ભવિષ્યમાં ઘઉં ઊગશે. અત્યારે સાચા હૃદયથી પરોપકાર કરીશું તો તેનું ફળ ભવિષ્યમાં આવશે જ. આ જ ગુહ્ય વિજ્ઞાન છે.

×
Share on