Related Questions

સેવા મા-બાપની કરવી કે ભગવાનની કરવી?

પ્રશ્નકર્તા: હું સમજવા માંગુ છું કે, શું વધારે મહત્વનું છે, ભગવાનની સેવા કે મા-બાપની સેવા?

દાદાશ્રી: મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખી કરે એ માણસો કાયમ કોઈ દહાડો દુઃખી હોતાં જ નથી.

એક ભાઈ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછ્યું કે, 'અહીં ક્યાંથી તમે?' ત્યારે તેમણે કહ્યું કે, 'હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.' ત્યારે મેં તેમને કહ્યું કે, 'તમારા મા-બાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે.' ત્યારે તેમણે કહ્યું કે, 'એમાં હું શું કરું? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.' આને ધર્મ કેમ કહેવાય? ધર્મ તો તેનું નામ કે મા-બાપને બોલાવે, ભાઈને બોલાવે, બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય?

તમારે મા-બાપ છે કે નથી?

પ્રશ્નકર્તા: મા છે.

દાદાશ્રી: હવે સેવા કરજો, બરાબર. ફરી ફરી લાભ નહીં મળે અને કોઈ માણસ કહેશે, 'હું દુઃખી છું' તો હું કહું કે તારા મા-બાપની સેવા કરને, સારી રીતે. તો સંસારના દુઃખ તને ન પડે. ભલે પૈસાવાળો ન થાય, પણ દુઃખ તો ન પડે. પછી ધર્મ હોવો જોઈએ. આનું નામ ધર્મ જ કેમ કહેવાય?

મેં ય બાની સેવા કરેલી. વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડ્યો, મૂઆ, આવાં તો કેટલાંય બાપુજી થયા. હવે શું કરીશું? ત્યારે કહે, જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે હોય તો તું એમની સેવા કર, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતા નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે? અને આ મા-બાપ તો દેખાય છે. 

×
Share on