Related Questions

"પોતાની સેવા" એટલે શું?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે દુનિયામાં બે પ્રકારના ધર્મ છે. એક પ્રકારનો ધર્મ જેમાં જગતની સેવા છે, જેમાં જગતના લોકો ઉપર ઉપકાર થાય છે. જ્યારે બીજા પ્રકારનો ધર્મ જેમાં પોતાની (સ્વની-આત્માની) સેવા છે.

પોતે પોતાની સેવા કરવી એટલે શું? કષાય એટલે કે, ક્રોધ-માન-માયા-લોભ રહિત જીવન જીવવું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “જે પોતાની સેવા કરે છે એ જગતની સેવા કર્યા કરતાંય વધારે છે.”

પોતાની સેવાના લક્ષણો

પોતાની સેવા કરનારો કોઈને પણ દુઃખ ના દે, એ પહેલામાં પહેલું લક્ષણ છે. જેમાં જૂઠું ના બોલવું, ચોરી ના કરવી, હિંસા ના કરવી એ બધું આવી જાય છે. ઉપરાંત, પરિગ્રહ એટલે પૈસા કે અન્ય વસ્તુઓ ભેગા ન કરવા અને બ્રહ્મચર્યનું પાલન કરવું, વિષય વિકારથી પણ કોઈને દુઃખ ના આપવું, એ સર્વ પોતાની સેવામાં સમાય છે. ટૂંકમાં પાંચ મહાવ્રતને (અચૌર્ય, અહિંસા, અપરિગ્રહ, સત્ય, બ્રહ્મચર્ય) અનુસરીને જીવન જીવવું એ પોતે પોતાની સેવા કર્યા બરાબર છે.

જે પોતાની સેવા કરે છે, તેમાં બીજાનું પડાવી લેવું, બીજાને છેતરવા, બીજાને નીચા પાડવા, અપમાન કરવું એ બધું ના હોય. એટલું જ નહીં, જે પોતાની સેવા કરે છે, તેમને જગતના તમામ લોકો દુઃખ આપતા હોય, છતાં પોતે કોઈને સહેજ પણ દુઃખ ના આપે. બહારથી તો દુઃખ ના આપે પણ અંદર “તારું ખરાબ થજો.” એવા કોઈ અવળા ભાવ પણ ના કરે. ઊલટું, જે દુઃખ આપી જાય એના માટે પણ “તમારું સારું થજો, ભલું થજો.” એવો સવળો ભાવ કરે.

એટલે પોતાની સેવા કરવા માટે સૌથી પહેલા નક્કી કરવું કે “મારે કોઈને દુઃખ નથી આપવું.” નક્કી કર્યા પછી પણ દુઃખ અપાઈ જાય તો વિગતવાર પૃથ્થકરણ કરવું કે, “કઈ કઈ રીતે બીજાને દુઃખ અપાય છે?” જેટલી વાર કોઈને દુઃખ થાય એવા વિચાર, વાણી કે વર્તન થઈ જાય ત્યારે સાચા દિલથી પસ્તાવો કરવો અને ફરીથી કોઈને દુઃખ ના અપાય તેવો નિશ્ચય કરવો. સામો દુઃખ આપી જાય ત્યારે “એ દુઃખ આપે છે, એટલે હું એને દુઃખ આપું એમાં શું ખોટું છે?” એવી રીતે રક્ષણ ના કરવું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, સવારમાં ઊઠીને પાંચ વખત પોતે જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમની પાસે શક્તિઓ માંગવી કે “મારા મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન હો.”

પોતાની ઓળખાણ પછી પોતાની સેવા

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જો જાત ઉપર ઉપકાર કરે તો એનું કલ્યાણ થઈ જાય, પણ એને માટે પોતાની જાત (પોતાના આત્માને) જાણવી પડે, ત્યાં સુધી લોકો ઉપર ઉપકાર કરવાના, પણ એનું ભૌતિક ફળ મળ્યા કરશે. આપણી જાતને જાણવા માટે ‘આપણે કોણ છીએ’ એ જાણવું પડે.”

ખરેખર પોતાની સાચી ઓળખ પ્રાપ્ત કર્યા પછી પોતાના ઉપર ઉપકાર થાય. પોતે કોણ છે એ જાણી લે, પછી “હું આત્મા છું” એ શ્રદ્ધા રાખીને બીજા આત્માને દુઃખ ના પહોંચે એ સમજણથી સેવા થાય છે. 

પોતે આત્માને ઓળખી, આત્મા સ્વરૂપે રહે છે, તેને પછી બીજાના આત્મા સાથે જુદાઈ નથી રહેતી. બીજાના આત્માને ભગવાન રૂપે જોઈને બધો વ્યવહાર થાય છે. જેમને દરેક જીવમાં ભગવાન છે, એવી સમજણ રહે છે, તેમના થકી કષાયથી કે વિષય-વિકારથી કોઈને દુઃખ નથી થતું. 

×
Share on