મનુષ્યજીવનનો અંતિમ ધ્યેય તો કાયમ માટે સંસારનું બંધન તૂટે એ છે. આ સંસારનું બંધન આત્મજ્ઞાનથી જ તૂટે તેમ છે. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી મનુષ્યએ પરોપકારનો ધ્યેય રાખવો.
પરોપકાર એટલે આપણા મન, વચન, કાયા એટલે કે આપણા વિચારો, વાણી અને આપણું વર્તન પારકાં માટે વાપરવા.
જેમ એક આંબાનું ઝાડ હોય તો તે પોતાની કેટલી કેરીઓ ખાઈ જાય? એક પણ નહીં. ઊલટું આંબાની કેરીઓ, તેના પાંદડા, લાકડું, તેનો છાંયો એ બધું જ પારકાં માટે વપરાય છે; પરિણામે તે ઊર્ધ્વગતિ પામ્યા કરે છે. લીમડો ભલે કડવો હોય, પણ છતાં લોકો તેને વાવે છે, કારણ કે તે ઠંડક આપે છે. તેનો કડવો રસ ઔષધિ તરીકે હિતકારી છે. પણ આ બધાના બદલામાં કોઈ ઝાડ આપણી પાસેથી પૈસા કે બીજી ચીજ માંગતું નથી. એ તો ટાઢ-તડકો બધું વેઠીને એના ફળ પકવીને તૈયાર કરી આપણને આપે છે. એને પોતાને ફળ વાપરવાની કે ખાવાની કંઈ જ પડી નથી.
તેવી જ રીતે મનુષ્યનો દેહ મળ્યો છે, એ બીજા માટે વાપરીએ તો જીવન લેખે લાગશે. પોતાના સ્વાર્થ માટે જ વાપર્યા કરીએ તો એ મનુષ્ય ના કહેવાય. આ ઝાડનું ઉદાહરણ મનુષ્યને ઉપદેશ આપે છે કે તમે તમારાં ફળ બીજાને આપો, ‘ઓબ્લાઈઝિંગ નેચર’ રાખો, તો કુદરત તમને આપશે.
કુદરતનો નિયમ એવો છે કે જે પોતાના મન-વચન-કાયા બીજા માટે વાપરે છે એની પોતાની જરૂરિયાત આપોઆપ પૂરી થયા કરે છે. જેમ કે, ઝાડને ક્યારેય હવા, પાણી, પ્રકાશ કે ખોરાક માટે વિચારવું નથી પડતું. આપણે ક્યારેય ઝાડને ઈમોશનલ થતા જોયું, કે એક માઈલ દૂર નદી છે તો ત્યાં જઈને પાણી પી આવું? ના, ઝાડ તો જ્યાં ઊભું હોય ત્યાં એને બધું મળ્યા કરે છે.
પરોપકાર જ નહીં, પોતાના ઘરનાં લોકો માટે પણ મન-વચન-કાયા વાપરે તેને બધું મળી રહે. જેમ કે, કૂતરી એના બચ્ચાંને ખવડાવે, પીવડાવે અને સાચવે છે. એ બચ્ચાંની અંદર પણ ભગવાન રહેલા છે. એટલે કૂતરી એના બચ્ચાંની સેવા કરે છે એ પરોક્ષ રીતે ભગવાનની સેવા કરે છે. નિયમ છે કે બીજાની સેવા કરવામાં પોતાના મોહ, મમતા અને સ્વાર્થ ઘટે છે. કૂતરીને એના જીવનનિર્વાહ માટે બધું એની મેળે મળી રહે છે. એમાંય મનુષ્ય તો સામાની અંદર ભગવાન છે એમ ઓળખીને સેવા કરી શકે છે અને તેનું બહુ ઊંચું ફળ મળે છે.
જેમ જંગલમાં ઝાડ અને વેલ પરસ્પર સહજીવન ગાળે છે અને એકબીજાના વિકાસમાં મદદ કરે છે. તેમ પરસ્પર ઉપકાર કરવો, એકબીજાને પૂરક થવું, એકબીજાને સહાય કરવી તેના માટે જ જીવન છે. પણ મનુષ્યમાં બુદ્ધિ વિકાસ પામી છે. પરિણામે એકબીજા પ્રત્યેના રાગ-દ્વેષ અને ભેદ વધ્યા છે. મનુષ્યમાં પોતાના મોહ અને સ્વાર્થ માટે બધું વાપરવાની વૃત્તિઓ વધી છે. ખરેખર જીવનમાં પૈસાનું પ્રમાણ રાખવું જોઈએ અને કમાણીનો થોડો ભાગ પરોપકારમાં વાપરવો જોઈએ. ફક્ત પૈસા બીજાને માટે વાપરવાથી જ પરોપકાર થાય એવું નથી. પણ કોઈને બીજી રીતે મદદ કરીએ, એવા બે-ચાર વાક્યો કહીએ જેનાથી સામાની મુશ્કેલીમાં ઉકેલ આવી જાય, તો એ પણ પરોપકાર જ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પ્રમાણિકતા ને પરસ્પર ‘ઓબ્લાઈઝિંગ નેચર’. બસ, આટલાની જ જરૂર છે. પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લ્હાવો છે! આ જગતમાં બે પ્રકારનાને ચિંતા મટે, એક જ્ઞાની પુરુષ ને બીજા પરોપકારીને.” આત્મજ્ઞાન થાય તો સંસારમાં સઘળી ચિંતા મટે છે. પણ આત્મજ્ઞાન ના થયું હોય તેને પણ પરોપકાર કરવાથી, પોતાના મન-વચન-કાયા પારકાંને માટે વાપરવાથી બધા દુઃખ, ચિંતા, ઉપાધિ છૂટી જાય છે.
જીવનમાં કોઈ વસ્તુની ચિંતા કરવા જેવી હોય તો એ વાતની કે, આ મનુષ્ય અવતાર કઈ રીતે સફળ થાય? પણ આજકાલ મનુષ્યને લક્ષ્મીની ચિંતા, બાળકોની અને કુટુંબની ચિંતા કે તબિયતની ચિંતા વધુ થાય છે. કઈ રીતે વધારે પૈસા કમાઉં, કરી રીતે મારા માન અને પ્રતિષ્ઠા વધે, જીવનમાં સુખ સગવડો વધે, સંસારમાં સલામતી રહે એ બધી ચિંતાઓથી મનુષ્ય ઘેરાયેલો રહે છે. સંસારની ચિંતા, ઉપાધિ કરવાથી જે કર્મોના ફળ ભોગવવાના છે એમાં કોઈ ફેરફાર થતો નથી, ઊલટું અધોગતિના કર્મો બંધાય છે.
આ મનુષ્ય અવતાર એળે ના જાય, સફળ થાય તે માટે આપણું બધું પારકાં માટે વાપરવું જોઈએ. આપણે ભાવ રાખવો જોઈએ કે લોકો માટે વાપરવું છે અને એ ભાવ રૂપકમાં આવે તો વધારે સારું. જો કે, સંસારિક ચિંતાઓ અચાનક બંધ થઈ જાય અને રાતોરાત પરોપકાર શરૂ થઈ જાય એ આપણા હાથમાં નથી. પણ “મારે પરોપકારી થવું છે, મારી પાસે જે કંઈ છે એ પારકાં માટે વાપરવું છે.” એવો ભાવ કરવો એ આપણા હાથમાં છે. પરોપકારનો ધ્યેય સતત યાદ આવે તોય બહુ પુણ્ય બંધાય છે. તેમજ અત્યારે ભાવ કરીએ તેનું ફળ બહુ ઊંચું આવે, જીવનમાં કાયમ માટે સુખ અને શાંતિ થઈ જાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જેનાથી કંઈક આપણા ધ્યેય તરફ પહોંચી શકાય. આ ધ્યેય વગરનું જીવન, એનો અર્થ જ નથી. ડોલર આવે છે અને ખઈ-પીને મોજ કરીએ અને આખો દહાડો ચિંતા-વરીઝ કર્યા કરીએ, એ જીવનનો ધ્યેય કેમ કહેવાય? મનુષ્યપણું મળ્યું એ એળે જાય એનો શો અર્થ છે? એટલે મનુષ્યપણું મળ્યા પછી આપણા ધ્યેયને પહોંચવા માટે શું કરવું જોઈએ? સંસારના સુખો જોઈતા હોય, ભૌતિક સુખો, તો તમારી પાસે જે કંઈ હોય તે આપો લોકોને.”
સત્યુગમાં લોકો સામાને સુખ આપવાનો જ પ્રયોગ કરતા. તેમને આખો દિવસ “કોને મદદ કરું?” એવાં જ વિચારો આવતા. પણ આ કાળમાં મોટેભાગે લોકોને થતું હોય છે કે “હું બધું આપી દઈશ તો મારું જતું રહેશે.” એટલું જ નહીં, આજકાલ ભૌતિક સુખો મેળવવાના હેતુથી મનુષ્યએ દુરાચાર અને ભ્રષ્ટાચાર આદરવાના શરૂ કર્યા છે. ખાવા-પીવાની અને વાપરવાની વસ્તુઓમાં તેમજ દવાઓમાં ભેળસેળ શરૂ કરી છે. તેનાથી મનુષ્યજીવન સાર્થક થવાનું તો દૂર રહ્યું, ઊલટું મનુષ્યમાંથી જાનવરમાં જવાની તૈયારીઓ થઈ રહી છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “ધર્મની શરૂઆત જ ‘ઓબ્લાઈઝિંગ નેચર’થી (પરોપકારથી) થાય છે.” તેઓશ્રી કહે છે કે, “ધર્મ એટલે કંઈ ભગવાનની મૂર્તિઓ પાસે બેસી રહેવું, એનું નામ ધર્મ નથી. ધર્મ તો આપણે ધ્યેયને પહોચવું, એનું નામ ધર્મ છે. જોડે જોડે એકાગ્રતાને માટે આપણે કોઈ પણ સાધન કરીએ એ વાત જુદી વસ્તુ છે, પણ એકાગ્રતા આમાં (પરોપકારમાં) કરો તો બધું એકાગ્ર જ છે આમાં. ઓબ્લાઈઝિંગ નેચર રાખો, નક્કી કરો કે મારે ઓબ્લાઈઝ જ કરવા છે હવે, તો તમારામાં ફેરફાર થઈ જશે.”
જપ-તપ કે ક્રિયાઓ કરવી, માળાઓ ફેરવવી, મંદિરોમાં જવું એ બધું મનની શાંતિ માટે સારું જ છે. પણ એક બાજુ ધર્મની ક્રિયાઓ કરતા હોઈએ અને બીજી બાજુ ઘરમાં મા-બાપને દુઃખ આપતા હોઈએ, આપણાથી પતિ-પત્ની કે બાળકોને દુઃખ થતું હોય, તો એ સાચો ધર્મ નથી. જે મનની શાંતિ આપણે ધર્મની ક્રિયાઓ કરીને મેળવવા માંગીએ છીએ તે જ શાંતિ બીજાને મદદ કરવાથી, આપણી આસપાસના લોકોને દુઃખ નહીં આપવાથી આપોઆપ મળી જશે.
Q. જીવનમાં સુખી થવા શું કરવું?
A. જીવનમાં સુખ અને શાંતિ મેળવવાનો એકદમ સરળ ઉપાય છે, પારકાંના સુખનો વિચાર કરવો. પરમ પૂજ્ય દાદા ભગવાન... Read More
Q. બીજાને મદદ કરવાથી શું ફાયદો થાય?
A. પરોપકાર એટલે પોતે ખોટ ખાઈને પણ બીજાને આપી દેવું. પરોપકારનો ભાવ વર્ષો સુધી એકધારો ટકી રહે, સામેથી... Read More
A. પરોપકાર કરવા માટે પૈસાથી જ બીજાને મદદ કરવી એ જરૂરી નથી. આપણે પોતાની શારીરિક શક્તિથી, બુદ્ધિથી કે... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવા નથી. માટે મનુષ્યોની સેવા કરો.... Read More
Q. પરોપકાર સરખો: સારા કે ખરાબ લોકો માટે
A. પ્રશ્નકર્તા: દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે. દાદાશ્રી: ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો... Read More
Q. સેવા મા-બાપની કરવી કે ભગવાનની કરવી?
A. પ્રશ્નકર્તા: હું સમજવા માંગુ છું કે, શું વધારે મહત્વનું છે, ભગવાનની સેવા કે મા-બાપની... Read More
Q. મા-બાપની સેવા શા માટે કરવી?
A. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવી હોય તો તે મા-બાપની સેવા છે. હિંદુસ્તાનની સંસ્કૃતિમાં... Read More
Q. શું માનવસેવા મુક્તિ(મોક્ષ) સુધી લઈ જશે?
A. પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતા કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો. દાદાશ્રી: સમાજ... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે દુનિયામાં બે પ્રકારના ધર્મ છે. એક પ્રકારનો ધર્મ જેમાં જગતની સેવા છે,... Read More
subscribe your email for our latest news and events