Related Questions

બીજાને મદદ કરવાથી શું ફાયદો થાય?

પરોપકાર એટલે પોતે ખોટ ખાઈને પણ બીજાને આપી દેવું. પરોપકારનો ભાવ વર્ષો સુધી એકધારો ટકી રહે, સામેથી ગમે તેવી મુશ્કેલી આવે તો પણ ભાવમાં ફેરફાર ના થાય તો તેનું બહુ ઊંચું ફળ મળે.

પરોપકારીને કોઈ અડચણ ન આવે

અધ્યાત્મ વિજ્ઞાન શું કહે છે, કે તમારા મન-વચન-કાયા પરોપકાર માટે વાપરો તો તમને દરેક ચીજ મળી રહેશે. જે કોઈ પણ પ્રકારના પરોપકાર માટે પોતાનું જીવન ખર્ચી નાખશે તેને જીવનમાં કોઈ અડચણ નહીં આવે. અડચણ એટલે કોઈ પણ પ્રકારના માનસિક દુઃખો, શારીરિક દુઃખો નહીં આવે, પૈસાની તકલીફ નહીં પડે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “તમારા માટે કંઈ જ કરશો નહીં. લોકો માટે જ કરજો તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.

પોતાના ફેમીલી માટે તો સહુ કોઈ ફરજિયાત મદદ કરે, પણ પારકાંની મદદ કરે તેનું બહુ મોટું ફળ આવે છે. સેવા અને પરોપકાર કરનાર વ્યક્તિ અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો અને પરિસ્થિતિ આવે, તો પણ હાથ ધરેલું કાર્ય પૂરું કરે છે. આમ કરવાથી પોતાની જ પ્રકૃતિની કચાશો દૂર થાય છે.

વળી પારકાં માટે વાપર્યું એટલે પોતાના આત્માના ખાતે જ જમા થાય છે. કોઈ પણ બદલાની અપેક્ષા વગર સામાના આત્માને શાંતિ થાય તેવું કાર્ય કર્યું તેનાથી પોતાના જ આત્માને શાંતિ મળે છે.

પરોપકારથી પુણ્ય બંધાય

મનુષ્ય જેટલું પોતાનું જીવન પારકાંને માટે વાપરે એટલું પુણ્ય કમાય અને ઊર્ધ્વગતિને પામતો જાય. જ્યાં સુધી જીવન-મરણના ફેરામાંથી કાયમી મુક્તિ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે.

આપણે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે, એ આપણે જ નક્કી કરવાનું છે. જેને પાપરૂપી દુશ્મન જોઈતો હોય તે “આગળનો ભવ કોણે જોયો છે? અત્યારે મજા કરો.” એવો અભિગમ રાખીને ખોટા કર્મો કરશે. જેમ કે, કોઈના પૈસા પડાવીને પાછા ન આપવા, ખોટા કામ કરીને ભાગી જવું વગેરે. એનાથી એવું લાગે કે હમણાં તો આપણે મજા કરી લીધી! પણ એનાથી પાપકર્મ બંધાય છે જેનું ફળ આપણે જ ભોગવવું પડે છે. બીજી બાજુ, જેને પુણ્યરૂપી મિત્ર જોઈતો હોય તેણે ઝાડ પાસેથી શીખવું. જેમ કોઈ ઝાડ પોતાના ફળો ખાઈ જતા નથી, પોતાના ફૂલો ભોગવતા નથી, તે જ રીતે મનુષ્યએ પોતાનું સઘળું બીજા માટે વાપરવું.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આપણે કેરી ખાધી એ આંબાના ઝાડનું શું ગયું? અને આપણને શું મળ્યું? આપણે કેરી ખાધી એટલે આપણને આનંદ થયો. એનાથી આપણી વૃત્તિઓ જે બદલાઈ, તેનાથી આપણે સો રૂપિયા જેટલું આધ્યાત્મિકમાં કમાઈએ. હવે કેરી ખાધી એટલે તેમાંથી પાંચ ટકા આંબાને તમારામાંથી જાય અને પંચાણું ટકા તમારે ભાગે રહે. એટલે એ લોકો આપણા ભાગમાંથી પાંચ ટકા પડાવે ને એ બિચારા ઊંચી ગતિમાં આવે અને આપણી અધોગતિ થતી નથી, આપણે પણ વધીએ. એટલે આ ઝાડો કહે છે કે અમારું બધું ભોગવો, દરેક જાતનાં ફળ-ફૂલ ભોગવો.

જીવનમાં પુણ્ય કમાવાનો સરળ રસ્તો છે પરોપકારનો. બહુ વધારે નહીં તો આપણી પાસે જે છે એના પાંચ ટકા બીજાને આપવાથી શરૂઆત કરીએ. આપણી કમાણીના પાંચ ટકા સાચી જગ્યાએ દાન ધર્માદામાં આપીએ અથવા ગરીબોને જમાડીએ, બાળકોને ભણાવીએ, શાળા કે દવાખાનામાં દાન આપીએ. જેમ ખેતરમાં એક દાણો નાખ્યો એના હજાર દાણા ઊગી નીકળે તેમ શુભ કર્મો કરીએ તો બદલામાં અનેકગણું પુણ્ય મળે છે.

આપણી પાસે હોય એટલું બીજાને મદદ કરવા આપીએ, તો જીવન આપોઆપ સાત્ત્વિક અને સરળ બનતું જશે.

પરોપકારથી અંતે પોતાને જ ફાયદો થાય

પરોપકાર કરવાથી અંતે પોતાને જ લાભ થાય છે એવી દૃષ્ટિ તો વિકાસ પામે તો પરોપકાર કરવો સરળ બની જાય. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “તમે તમારાં ફળ પારકાંને આપી દો. તમને તમારા ફળ મળ્યા કરશે. તમારાં જે ફળ ઉત્પન્ન થાય - દૈહિક ફળ, માનસિક ફળ, વાચિક ફળ, ‘ફ્રી ઓફ કોસ્ટ’ લોકોને આપ્યા કરો તો તમને તમારી દરેક વસ્તુ મળી આવશે. તમારી જીવન જરૂરિયાતમાં કિંચિત્‌માત્ર અડચણ નહીં પડે અને જ્યારે એ ફળ તમે તમારી મેળે ખાઈ જશો તો અડચણ આવી મળશે.”

આપણે આ મનુષ્યજીવન જે મળ્યું છે તે જો પરોપકાર માટે જશે તો આપણને કોઈ ખોટ, કોઈ જાતની મુશ્કેલી નહીં આવે. પરોપકાર માટે જીવન ખર્ચી નાખનારની જે જે ઈચ્છાઓ છે તે બધી જ પૂરી થશે. જ્યારે પારકાંનો વિચાર કર્યા વગર જીવન જીવીશું, તો ગમે તેટલી કૂદાકૂદ કરવા છતાં આપણી એક પણ ઈચ્છા પૂરી નહીં થાય. લોકોના પૈસાની ગેરનીતિથી લૂંટબાજી કરીને ગમે તેટલી ભૌતિક સુખ સગવડોવાળી જિંદગી હશે, પણ એ રાત્રે ઊંઘ જ નહીં આવવા દે, જ્યારે પારકાં માટે જેના મન-વચન-કાયા વપરાય છે તે નિરાંતે સૂઈ જશે.

જે પરોપકાર કરે તેનો અહંકાર પણ નોર્મલ રહે છે. જ્યારે સંકુચિતતામાં અહંકાર વધી ગયો હોય. બુદ્ધિ એટલી વધી હોય કેવી રીતે સામાને કઈ રીતે છેતરીને લાભ ઉઠાવી લેવો તે આવડે. એ અહંકાર પછી બે પગમાંથી ચાર પગમાં, એટલે કે અધોગતિમાં લઈ જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, હંમેશાં કોઈની પર ઉપકાર કર્યો હોય, કોઈને ફાયદો કર્યો હોય, કોઈકને માટે જીવ્યા હોઈએ, એટલો આપણને લાભ થાય. પરોપકારનું ફળ ભૌતિક લાભ મળે. જે મનુષ્ય માનવ સેવામાં કે સમાજ સેવામાં પોતાના સમય અને શક્તિ ખર્ચે છે તેને પણ બદલામાં શાંતિપૂર્ણ જીવન મળે છે. સારી ભાવનાથી કરેલા કોઈ પણ કાર્યનું ફળ સુખ અને શાંતિ મળે છે.

દરેક જીવની અંદર ભગવાન રહેલા છે. ભગવાન કહે છે કે, “જે બીજાનું સંભાળે છે, તેનું હું સંભાળી લઉં છું અને જે પોતાનું જ સંભાળે છે, તેને હું તેના ઉપર છોડી દઉં છું.”

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે ને ત્યારે તમને અજાયબી લાગશે. તેઓશ્રી નાનપણથી જ કેમ કરીને સામાની અડચણ દૂર થાય એ ભાવનામાં જ નિરંતર રહેતા. એના ફળ સ્વરૂપે તેમનામાં અલૌકિક કારુણ્યતા પ્રગટી અને અદ્‌ભુત અધ્યાત્મ વિજ્ઞાન પ્રગટ થયું!

ગુરુ અને જ્ઞાનીની સેવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય

સંસારમાં અશુભમાંથી શુભમાં જવા માટે પ્રત્યક્ષ ગુરુનું ખૂબ મહત્ત્વ છે. ગુરુની સેવામાં પોતે સેવકભાવે મન, વચન અને કાયા વાપરવાથી આપણી ઘણી નબળાઈઓ દૂર થાય છે, પોતાની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તેમાંય આત્મજ્ઞાની ગુરુ હોય તો તેમની સેવા કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્તિના અંતરાયો તૂટે છે અને મોક્ષપ્રાપ્તિ સુલભ થાય છે. આત્મસાક્ષાત્કારી ગુરુ હોય તો તેમની સેવા કરવાથી ઊંચે ચડાય છે. સેવા સાચા ગુરુની કરવી જોઈએ, જેમનામાં લક્ષ્મી કે વિષય-વિકાર સંબંધિત મલિનતા ન હોય.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ દુનિયામાં ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો જ નથી. ફાધર, મધર અને ગુરુનો! આપણને જેમણે રસ્તો ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી.”

જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “’અમારી’ કોઈ સેવા કરે તો અમારે માથે એની જવાબદારી આવી પડે અને અમારે એને મોક્ષે લઈ જ જવો પડે.”

×
Share on