દાદાશ્રી: કેટલા પ્રકારના દાન છે એવું જાણો છો તમે? ચાર પ્રકારના દાન છે. જો એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન.
પહેલા પ્રકારનું દાન છે તે અન્નદાન. આ દાનને માટે તો એવું કહ્યું છે કે ભઈ, અહીં કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય તે કહે, 'કંઈક મને આપો, હું ભૂખ્યો છું.' ત્યારે કહીએ, 'બેસી જા, અહીં જમવા. હું તને મૂકું.' એ આહારદાન. ત્યારે અક્કલવાળા શું કહે, આ તગડાને પણ અત્યારે ખવડાવશો પછી સાંજે તમે શી રીતે ખવડાવવાના હતા? ત્યારે ભગવાન કહે છે, તું આવું ડહાપણ ના કરીશ. આ ભાઈએ ખવડાવ્યું તો આજનો દહાડો તો એ જીવશે. કાલે પછી એને જીવવા માટે કોઈ મળી આવશે. પછી કાલનો વિચાર આપણે નહીં કરવાનો. તમારે બીજી ભાંજગડ નહીં કરવાની કે કાલે એ શું કરશે? એ તો કાલે એને મળી આવે પાછું. તમારે એમાં ચિંતા નહીં કરવાની કે કાયમ અપાય કે ના અપાય? તમારે ત્યાં આવ્યો એટલે તમે એને આપો, જે કંઈ અપાય તે. આજ તો જીવતો રહ્યો, બસ! પછી કાલે વળી એને બીજું કંઈ ઉદય હશે, તમારે ફિકર કરવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા: અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે?
દાદાશ્રી: અન્નદાન સારું ગણાય છે. પણ અન્નદાન કેટલું આપે? કંઈ કાયમને માટે આપે નહીં ને લોકો. એક ટંકેય ખવડાવે તો બહુ થઈ ગયું. બીજે ટંકે પાછું મળી રહેશે. પણ આજનો દિવસ, એક ટંકેય જીવતો રહ્યો ને! હવે એમાંય આ લોકો વધ્યું-ઘટ્યું આપે છે કે નવું બનાવીને આપે છે?
પ્રશ્નકર્તા: વધેલું હોય તે જ આપે. પોતાની જાન છોડાવે. વધી પડે એટલે હવે શું કરે?
દાદાશ્રી: છતાં એનો સદ્ઉપયોગ કરે છે, મારા ભઈ! પણ નવું બનાવીને આપે ત્યારે હું કહું કે કરેક્ટ છે. કંઈ વીતરાગોને ત્યાં કાયદા હશે ને કે ગપ્પેગપ્પ ચાલશે?
પ્રશ્નકર્તા: ના, ના, ગપ્પાં હોય?!
દાદાશ્રી: વીતરાગને ત્યાં ના ચાલે, બીજે બધે ચાલે...
અને બીજું ઔષધદાન. એ આહારદાનથી ઉત્તમ ગણાય. ઔષધદાનથી શું થાય? સાધારણ સ્થિતિનો માણસ હોય તે માંદો પડ્યો હોય ને દવાખાનામાં જાય એટલે ત્યાં આગળ કોઈ કહેશે કે, 'અરે, ડૉક્ટરે કહ્યું છે પણ દવા લાવવાના પચાસ રૂપિયા મારી પાસે નથી. એટલે દવા શી રીતે લાવું? ત્યારે આપણે કહીએ કે, 'આ પચાસ રૂપિયા દવાના અને દસ રૂપિયા બીજા. અગર તો ઔષધ આપણે મફત આપીએ ક્યાંકથી લાવીને. આપણે પૈસા ખર્ચીને ઔષધ લાવીને એને ફ્રી ઑફ કોસ્ટ (મફત) આપવું. તો એ ઔષધ કરે તો એ બિચારો કંઈ ચાર-છ વર્ષ જીવે. અન્નદાન કરતા ઔષધદાનથી વધારે ફાયદો છે. સમજાયું તમને? કયો ફાયદો વધારે? અન્નદાન સારું કે ઔષધદાન?
પ્રશ્નકર્તા: ઔષધદાન.
દાદાશ્રી: ઔષધદાનને આહારદાનથી વધારે કિંમતી ગણ્યું છે. કારણ કે એ બે મહિનાય જીવતો રાખે. માણસને વધુ ટાઈમ જરા જિવાડે. વેદનામાંથી થોડી ઘણી મુક્તિ કરે.
બાકી, અન્નદાન ને ઔષધદાન એ તો સહેજે આપણે ત્યાં બૈરાં-છોકરાં બધા કર્યા કરે. એ કંઈ બહુ કિંમતી દાન નથી, પણ કરવું જોઈએ. આવું કંઈ આપણને ભેગો થાય તો આપણે ત્યાં દુ:ખિયો માણસ આવ્યો, તેને જે તૈયાર હોય તે તરત આપી દેવું.
પછી એનાથી આગળ જ્ઞાનદાન કહ્યું. જ્ઞાનદાનમાં પુસ્તકો છપાવવાં, લોકોને સમજણ પાડી સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવાં એવું તેવું એ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય અગર તો મોક્ષે પણ જાય.
એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન ભગવાને કહેલું છે અને જ્યાં પૈસાની જરૂર નથી ત્યાં અભયદાનની વાત કહી છે. જ્યાં પૈસાની લે-દે છે, ત્યાં આગળ આ જ્ઞાનદાન કહ્યું છે અને સાધારણ સ્થિતિ, નરમ સ્થિતિના માણસોને ઔષધદાન ને આહારદાન બે કહ્યું છે.
પ્રશ્નકર્તા: પણ તે પૈસા વધ્યા હોય તો તેનું દાન તો કરેને?
દાદાશ્રી: દાન એ ઉત્તમ. જ્યાં દુઃખ હોય ત્યાં દુઃખ ઓછાં કરો અને બીજું સન્માર્ગે વાપરવા. લોકો સન્માર્ગે જાય એવું જ્ઞાનદાન કરો. આ દુનિયામાં ઊંચું જ્ઞાનદાન! તમે એક વાક્ય જાણો તો તમને કેટલો બધો લાભ થાય! હવે એ પુસ્તક લોકોના હાથમાં જાય તો કેટલો બધો લાભ થાય!
પ્રશ્નકર્તા: હવે બરાબર સમજાયું.
દાદાશ્રી: હા, એટલે આ જેની પાસે પૈસા વધારે હોય તેણે જ્ઞાનદાન મુખ્ય કરવું જોઈએ.
હવે એ જ્ઞાન કેવું હોવું જોઈએ? લોકોને હિતકારી થાય એવું જ્ઞાન હોવું જોઈએ. હા, બહારવટિયાની વાતો સાંભળવા માટે નથી. એ તો સ્લીપ થયા કરે. એ વાંચે તો આનંદ તો થાય એમાં પણ નીચે અધોગતિમાં જયા કરે.
અને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન.
પ્રશ્નકર્તા: અભયદાન જરા વધુ સમજાવો.
દાદાશ્રી: અભયદાન એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. એનો દાખલો આપું. હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં બાવીસ-પચ્ચીસ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બાર-સાડાબાર વાગેલા હોય. તે ચાલતો આવું એટલે પેલા બૂટ ખખડે. અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ. આપણે લીધે ચમક્યું ને?!
પ્રશ્નકર્તા: હા, એની ઊંઘમાં પણ વિક્ષેપ પડ્યોને?
દાદાશ્રી: હા, પાછું તે ચમક્યું ને, તે એનો સ્વભાવ ના છોડે. પછી કોઈ ફેરો ભસેય ખરું, સ્વભાવ પડેલો છે. એટલે એના કરતાં ઊંઘવા દઈએ તો શું ખોટું? તેમાં પોળવાળાને ના ભસે.
માટે અભયદાન, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવા ભાવ પહેલા રાખવા અને પછી એ પ્રયોગમાં આવે. ભાવ કર્યા હોય તો પ્રયોગમાં આવે. પણ ભાવ જ ના કર્યા હોય તો? એટલે આને મોટું દાન કહ્યું ભગવાને. એમાં પૈસાની કોઈ જરૂર નથી. ઊંચામાં ઊંચું દાન જ આ છે પણ એ માણસોનું ગજું નથી. લક્ષ્મીવાળા હોય તોય આવું કરી શકે નહીં. માટે લક્ષ્મીવાળાએ લક્ષ્મીથી પતાવી દેવું.
એટલે આ ચાર પ્રકાર સિવાય બીજું કોઈ પ્રકારનું દાન નથી એમ ભગવાને કહેલું છે. બીજા બધા તો દાનની વાત કરે છે એ બધી કલ્પનાઓ છે. આ ચાર પ્રકારનું જ દાન છે. આહારદાન, ઔષધદાન, પછી જ્ઞાનદાન અને અભયદાન. બનતાં સુધી અભયદાનની ભાવના મનમાં કરી રાખવી.
Book Name: દાન (Page #8 Paragraph #2,#3, Page #9,#10,#11 and Page #12 Paragraph #1,#2)
Q. દાન/ધર્માદાનાં ફાયદા શું છે?
A. પ્રશ્નકર્તા: આ દાન શા માટે કરવામાં આવે છે? દાદાશ્રી: એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે.... Read More
Q. દાન અને લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે?
A. પ્રશ્નકર્તા: તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી? દાદાશ્રી: લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે... Read More
A. પ્રશ્નકર્તા: સરપ્લસ કોને કહેવાય? દાદાશ્રી: સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય... Read More
Q. દાન કેવી રીતે આપવું? ધર્માદો કેવી રીતે આપવો?
A. પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી... Read More
A. એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની... Read More
A. પ્રશ્નકર્તા: આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છે ને? દાદાશ્રી: કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે.... Read More
Q. મંદિરમાં શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપણે મંદિરોમાં ગયા'તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને... Read More
Q. ગરીબોને શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની... Read More
Q. પૈસાનો સદુપયોગ કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા: પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી... Read More
Q. શું કાળા નાણાંને દાનમાં આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે? દાદાશ્રી : દાન કરે છતાં નર્કે જાય એવાય... Read More
subscribe your email for our latest news and events