Related Questions

પરમ પૂજ્ય દાદા ભગવાનના વાસ્તવિક જીવનમાં જુદા જુદા પ્રકારે લીધેલા એડજસ્ટમેન્ટના પ્રસંગો

જ્યારે આપણે કોઈને જુદી જુદી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થતાં જોઈએ કે સાંભળીએ તો તે આપણને આપણા જીવનમાં કેવી રીતે એડજસ્ટ થવું તે વિઝન ખુલ્લું કરે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન એમનાં જીવનપંથ પર સામે આવતા દરેક સંજોગોમાં ક્યારેય પણ ફરિયાદ કર્યા વિના એડજસ્ટ થયા છે. તો ચાલો આપણે વાંચીએ એમનાં અનુભવો એમનાં જ શબ્દોમાં અને તેમની જુદી જુદી પ્રકારની એડજસ્ટમેન્ટની રીતોને આપણા જીવનમાં આત્મસાત કરીએ.  

પરમ પૂજ્ય દાદા ભગવાનનાં જમવામાં એડજસ્ટમેન્ટ

  • એક ફેરો કઢી સારી હતી, પણ જરાક મીઠું વધારે પડેલું. એટલે પછી મને લાગ્યું કે આ તો મીઠું વધારે પડ્યું છે, પણ જરાક ખાવી તો પડશે જ ને ! એટલે પછી હીરાબા અંદર ગયા ત્યાર હોરું મેં પાણી રેડી દીધું જરા. તે એમણે જોઈ લીધું. એ કહે છે, 'આ શું કર્યું ?' મેં કહ્યું, 'તમે પાણી સ્ટવ ઉપર રાખીને રેડો અને હું પાણી અહીં નીચે રેડું.' ત્યારે કહે, 'પણ ઉપર રેડીને અમે ઉકાળી આપીએ.' મેં કહ્યું, 'મારે માટે બધું ઉકાળેલું જ છે.' મારે કામ સાથે કામ છે ને ! adjust
  • જે ભાણામાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તો ય અમે મહીંથી બે ચીજ ખાઈ લઈએ. ના ખાઈએ તો બે જણની જોડે ઝઘડા થાય. એક તો, જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય અને બીજું, ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે, 'મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું.' હવે એને આપણે માન ના આપવું જોઈએ ? અમને તો ના ભાવતું આપી જાય તો ય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેને તમે ખોડ કાઢી તો પહેલું આમાં સુખ ઘટે કે વધે ? જેનાથી સુખ ઘટે એવો વેપાર ન જ કરાય ને ? મને તો ઘણાં ફેર ના ભાવતું શાક હોય તો ખઈ લઉં ને પાછો કહું કે આજનું શાક તો બહુ સરસ છે.
  • અરે, ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોય ને, તો ય અમે બોલ્યા નથી. ત્યારે લોક કહે છે કે, 'આવું કરશો ને, તો ઘરમાં બધું બગડી જશે.' મેં કહ્યું કે, 'તમે કાલે જોજો ને !' તે પછી બીજે દહાડે કહે કે, 'કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે કશું કહ્યું નહીં અમને ?' મેં કહ્યું કે, 'મારે કહેવાની શી જરૂર ? તમને ખબર પડશે ને ! તમે ના પીતા હોય તો મારે કહેવાની જરૂર પડે. તમે પીવો છો ને, પછી મારે કહેવાની જરૂર શી ?'

પરમ પૂજ્ય દાદા ભગવાને સંસારિક જીવનમાં લીધેલા વ્યવહારિક એડજસ્ટમેન્ટ

  • મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધાં જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ ય જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને 'તું ખોટો છે' એવું ના કહીએ. કારણ કે એનો એ 'વ્યુ પોઈન્ટ' છે. ત્યારે લોક એને 'નાલાયક' કહીને ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી ? 'સાવ જુઠ્ઠો કેસ જિતાડી આપીશ' એમ કહે, તે એ ઠગારા ના કહેવાય ? ચોરને લુચ્ચો કહે ને આ તદ્દન જુઠ્ઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય ? છતાં એનું ય ચાલે છે ને ? કોઈને ય અમે ખોટો ના કહીએ. એ એના 'વ્યુ પોઈન્ટ'થી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે, તેનું ફળ તને શું આવશે.
  • અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા, આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય કે ચિઠ્ઠીમાંય સહી કશું ના હોય ને ! તે પછી એને વર્ષ-દોઢ વર્ષ થયું હશે. મનેય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, ‘જો તમારે હવે છૂટ થઈ હોય તો મારા પાંચસો રૂપિયા લીધેલા તે મોકલી આપજો.’ ત્યારે એ કહે છે કે, ‘શેના પાંચસો ?’ મેં કહ્યું કે, ‘તમે મારી પાસેથી લઈ ગયા હતા ને તે.’ ત્યારે એ કહે કે, ‘તમે મને ક્યાં ધીરેલા ? તમને રૂપિયા તો મેં ધીરેલા એ તમે ભૂલી ગયા છો ?’ ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, ‘હા, મને યાદ કરવા દો.’ થોડીવાર આમતેમ વિચાર કરીને મેં કહ્યું કે, ‘હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.’ પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં આવીને ચોંટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો ? આવા બનેલા દાખલાઓ છે !

પ્રશ્નકર્તા: આપે બીજા પાંચસો રૂપિયા પાછા કેમ આપ્યા ?

દાદાશ્રી: ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા.

પરમ પૂજ્ય દાદા ભગવાનનાં બીજા એડજ્સ્ટમેન્ટસ

  • એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ. નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, 'આજે દાદાને નહાતાં બહુ વાર લાગી.' તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અમે કોઈને ય 'આ લાવો ને તે લાવો' એમ ના કહીએ. એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માઈનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઈનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઈનસ કરવાનું. અમે તો અમારા ડહાપણને ય જો કોઈ ગાંડપણ કહે, તો અમે કહીએ, 'હા, બરાબર છે.' તે માઈનસ તુર્ત કરી નાખીએ.
  • આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે 'આ ચાદર મેલી છે' પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિય જ્ઞાન અગવડ દેખાડે.
  • હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં બાવીસ-પચ્ચીસ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બાર-સાડાબાર વાગેલા હોય. તે ચાલતો આવું એટલે પેલા બૂટ ખખડે. અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં  મારો પ્રયોગ. આપણે લીધે ચમક્યુંને ?!

×
Share on