Related Questions

અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?

અથડામણ શું છે એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિ વિશે વિચારીએ:

  • “ધારો કે તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને કોઇ નાનો ખાડો રસ્તામાં વચ્ચે આવે છે તો તમે તેને ફરીને જશો કે તેમાં પડશો?” ખરેખર તમારો જવાબ એ જ હશે કે “ જો તેમાં હું પડી જાવ તો તો મને ઇજા થાય તેથી હું તેને ફરીને જ જાવ ને!”
  • “જો કોઇ આખલો તમારી તરફ આવી રહ્યો છે તો તમે ત્યાંથી ખસી જશો કે જાણી જોઇને તેની સામે જશો?” તમે કહેશો “ જો હું તેની સામે જાવ તો તો મને ઇજા થાય, તેથી હું સહજતાથી બાજુમાં ખસી જઇશ.”
  • “અને જો તમારી સામે મોટો સાપ આવે કે રસ્તામાં મોટો પથ્થર પડ્યો હોય તો? ” તમારો જવાબ હશે, “ હું એમને પણ ફરીને જઇશ.”

ઉપરની તમામ પરિસ્થિતિઓમાં શા માટે તમારે જ ખસવું પડે છે?

તમારો જવાબ હશે, “મારા સારા માટે જ. જો હું અથડાઇશ, તો મને ઇજા થશે.”

આમ, જ્યારે તમે એવું કંઇ બોલો છો, કરો છો અથવા વિચારો છો કે જે તમને મુશ્કેલીમાં મુકી દે છે તે અથડામણ છે. આવા સમયે જો તમે જાતે સમજીને ખસી જતા નથી તો તે અથડામણ કહેવાય છે.  

રાજા પણ જ્યારે સાંકડી શેરીમાંથી પસાર થતો હોય અને કોઇ આખલો સામે આવે તો તેમને પણ ખસી જવું પડે છે. શું તે આખલાને એવું કહી શકે કે , “મારા રસ્તા પરથી ખસી જા, હું તો રાજા છું!” આવી અનિવાર્યપણે ઇજા થવાના પ્રસંગોમાં તો રાજાઓના રાજા – મહારાજાઓએ પણ આખલાના માર્ગમાંથી ખસી જવું પડે છે કારણ કે તેનો હેતુ આખલા સાથે અથડાવાનો હોતો નથી તેમજ પોતાને જરા પણ ઇજા ન થાય તે જ ધ્યેય હોય છે. 

આ દુનિયામાં કેટલાક લોકો પથ્થર જેવા છે, કેટલાક લોકો આખલા જેવા છે, કેટલાક સાપ જેવા, તો કેટલાક થાંભલા જેવા છે અને કેટલાક મનુષ્ય જેવા છે. એમા હવે તું અથડામણમાં ના આવીશ. એ રસ્તો કરજે. 

આપણો ધ્યેય અંધકારમાં પ્રકાશ સ્વરૂપ બનવાનો હોવો જોઇએ. પ્રકાશ ક્યાંય પણ અથડાયા વિના ગમે તે સ્થળે જઇ શકે છે, પરંતુ લાકડીનો સ્વભાવ તેને જ્યાં લઇ જઈએ ત્યાં અથડાયા કરે એવો હોય છે. 

અથડામણના પ્રકારો 

avoid clashes

અથડામણ/કલેશના ત્રણ પ્રકાર છે: 

  • શારિરીક 
  • શાબ્દિક (વાણીથી) 
  • માનસિક  

શારિરીક અથડામણો : 

શારિરીક અથડામણોમાં પોતાનું ધાર્યું કરવા શારિરીક ક્રિયાઓનો ઉપયોગ થાય છે. તે હાથાપાઇ - મારામારી - ધોલ મારવા વગેરે સ્વરૂપે હોય છે. 

શાબ્દિક (વાણીથી) અથડામણો : 

જયારે તમે અપશબ્દોનો ઉપયોગ કરો છો, દલીલો, સામાનું અપમાન કરવું, સામને દુઃખ પહોંચે એમ નકારાત્મક (નેગેટીવ) બોલવું, ફરિયાદો કરવી, બીજાની ભૂલો દર્શાવવી, વ્યક્તિની પીઠ પાછળ બોલવું (નિંદા કરવી), જયારે કોઈ આપણો દોષ (ભૂલ) બતાવે ત્યારે, આ સર્વે માધ્યમો દ્વારા શાબ્દિક (વાણીથી) અથડામણ થઇ કેહવાય. 

માનસિક અથડામણો:  

માનસિક અથડામણો એટલે અંદરને અંદર ગૂંગળામણ થવી, ચંચળતા થવી, ચિંતાઓ થવી, અંદર બળતરા થવી વગેરે. જ્યારે તમે સામાનો દ્રષ્ટિકોણ સમજવા ઇચ્છતા નથી અથવા સામાને હલકા સમજો છો તે બધી માનસિક અથડામણો છે. માનસિક અથડામણો બહાર કોઇને દેખાતી નથી પરંતુ તે વ્યક્તિની અંદર જ થતી હોય છે. જ્યારે આપણે કોઇને જોઇએ છીએ અને તેના તરફ આપણને નકારાત્મક (નેગેટીવ) ભાવ પેદા થાય છે ત્યારે માનસિક અથડામણો થાય છે. આપણે તે વ્યક્તિ માટે ખરાબ અભિપ્રાય રાખ્યા હોવાના કારણે આપણને તેના માટે અભાવ પેદા થાય છે અને તેના કારણે તે વ્યક્તિ માટે નેગેટિવ સ્પંદનો ઊભા થાય છે. 

×
Share on