Related Questions

અથડામણના પરિણામો શું છે?

જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઇએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં ઉતરવાનું ટાળીએ.

અથડામણના ગેરલાભો

  • જ્યારે તમે અથડામણમાં આવો છો ત્યારે તમારો આખો દિવસ બગડે છે.
  • જ્યારે તમે અથડાવ છો, ત્યારે સમાધાન તમારી નજર સમક્ષ હોવા છતાં તમને એ દેખાતું નથી. ક્રોધ-માન-માયા-લોભ આપણી સામે શું રહેલું છે તે જોઇ શકવાની ક્ષમતા ન હોવાના કારણે ઉદભવે છે અને તેનાથી ગેરસમજણો, મતભેદો, દલીલો, અસભ્ય વર્તન અને નિરાશાનો જ્ન્મ થાય છે.
  • ઘર્ષણથી તમારી શક્તિઓ હણાય જાય છે.
  • જ્યારે તમે કોઇ સાથે અથડાવ છો, ત્યારે તે વ્યક્તિ સાથે તમારા અભિપ્રાયોમાં ભિન્નતા હોવાના કારણે તે વ્યક્તિ સાથે ભેદ પડવાનું શરૂ થઇ જાય છે.
  • લોકો તમને મળવાનું ટાળે છે અને તમારી ગણતરી પાગલમાં કરે છે.
  • તમારા મિત્રો અને પરિવાર સાથે અથડામણ થવાથી તમારો અરસપરસનો પ્રેમ ઘટે છે.
  • અથડાવાથી માત્ર તમને એકલાને જ દુ:ખ નથી થતું, સામી વ્યક્તિને પણ થાય છે. જેવી રીતે બે ગાડીઓ અથડાય તો બન્ને બાજુ ઇજા થાય છે તેવી રીતે.
  • સામી વ્યક્તિ તમારા પર ચીડાય છે અને તમને દુ:ખ પહોંચાડ્યા વિના તમને છોડતી નથી.
  • તમારું મન અને બુધ્ધિ જ નહિ પરંતુ આખું અંત:કરણ તેનાથી પ્રભાવિત થઇ જાય છે અને તેની અસર તમારા શરીર પર પણ આવે છે. અથડામણના કારણે ઘણી મુશ્કેલીઓ આવે છે.
  • જો તમે તમારા સ્વાર્થ માટે અથડામણથી બીજાને દુ:ખ પહોંચાડો છો તો તમને પણ તે ક્ષણે ખૂબ દુ:ખ થવાનું જ છે.
  • કોઇ સાથે અથડાવાથી તમે તમારી કોમનસેન્‍સ (સૂઝ) ગુમાવો છો.
  • તમે સામી વ્યક્તિને દુ:ખ પહોંચાડો છો ત્યારે આડકતરી રીતે તમે ભગવાનને જ દુ:ખ આપો છો. કોઇ જીવંત સાથે અથડાવું એ ખૂબ ભયંકર ગુનો છે કારણ કે તેમની અંદર ભગવાન રહેલા હોય છે.

    avoid clashes

  • જો સામી વ્યક્તિ કોઇ ભૂલ કરે તો તેની કોઇ કિંમત નથી, પરંતુ જો તમે કોઇ સાથે અથડામણમાં આવો છો તો તેના ભયંકર પરિણામો આવે છે. જ્યાં અથડામણો થાય છે ત્યાં ભગવાનનો વાસ હોતો નથી.
  • જો આપણે કોઇની સાથે ક્રૂરતાથી અથડામણમાં આવીએ છીએ અને એકબીજા સાથે ખૂબ ઘર્ષણમાં આવી જઇએ, તો આપણે પછીના (આવતા) જ્ન્મમાં મનુષ્યને બદલે પ્રાણી તરીકે જન્મીએ છીએ. ત્યાં જીવન જીવવું સહેલું નથી, જીવન ખૂબ દુ:ખ અને પીડાથી ભરેલું હોય છે. તમારે આ ખૂબ સારી રીતે સમજવું જોઇએ અને અથડામણ ટાળવી જોઇએ. નહિ તો તમે તમારી આ જીંદગી તો બગાડો છો સાથોસાથ આવતો ભવ પણ બરબાદ કરો છો. વ્યક્તિ કે જે આ ભવ બગાડે છે તે ચોક્ક્સ રીતે પછીનો ભવ બગાડે છે! જો આ ભવ સુધરશે તો જ પછીનો ભવ પણ સુધરશે! જો તમે આ ભવમાં સમસ્યાઓ ઉત્પન્ન નહિ કરો તો પછીના ભવમાં પણ તમને કોઇ સમસ્યાઓ નહિ આવે. પરંતુ જો તમે અહી સમસ્યાઓ ઊભી કરશો, તો તેઓ આવતા જ્ન્મમાં પણ તમારો પીછો નહિ છોડે.
  • કોઇ પણ જીવ પ્રત્યે એક નાનકડો પણ ખરાબ વિચાર ખૂબ નુકસાનકારક નિવડે છે, તેનાથી ખૂબ દુ:ખદાયી કર્મોના હિસાબ બંધાય છે.
  • જો તમે કોઇ સાથે “એડજસ્ટ” થઇ શકતા નથી તો તમે પાગલ થઇ જશો. વારંવાર કોઇને હેરાનગતિ કરવાથી પાગલપણું આવે છે.
  • અથડામણ ટાળો. અથડામણ એ સંસારિક જીવનનો અને આ સમસરણ માર્ગનો મૂળભૂત પાયો છે. ભગવાને અથડામણને વેરનું મૂળભૂત કારણ કહ્યું છે. અથડામણના પરિણામે દરેક જીવ, સામી વ્યક્તિ સાથે વેર બાંધે છે. જો એકબીજા સાથેની વાતચીત મતભેદ સુધી પહોંચી જાય તો પછી વેર બંધાય છે. અને તેના પરિણામે આવતા જન્મમાં દુ:ખ ભોગવવા પડે છે.
  • ઘર્ષણમાં આવવાથી આપણે ઘણા અંતરાયો ઊભા કરીએ છીએ, જેનાથી આપણે મોક્ષથી દૂર થતા જઇએ છીએ.

અથડામણ ટાળવાના લાભો

  • જ્યારે તમે કોઇ સાથેની અથડામણ ટાળો છો ત્યારે તમે કોઇનું મન ન દુભાય તેની કાળજી લો છો. આમ કરવાથી તમારા પોતાના ક્રોધ-માન-માયા-લોભ નાશ પામે છે. તેના પરિણામે તમે તમારી જાતને સુધારો છો.
  • તમને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
  • અથડામણ ટાળવાથી તમારું જીવન સુખમય ચાલે છે.
  • તમે લાંબા ગાળા સુધી સારા સંબંધોને સાચવી શકો છો.
  • જયારે તમે બીજા સાથે અથડામણ ટાળો છો, ત્યારે તમે તેઓને ખુશ રાખો છો પરિણામે કુદરત પણ તમારા જીવન વિકાસમાં મદદરૂપ થવા તમારા પક્ષમાં રહે છે.
  • જો તમે એક દિવસ પણ અથડામણ ટાળો છો તો તેનાથી જબરદસ્ત શક્તિ ઉત્પન્ન થાય છે. જેનાથી તમને કોઇ પણ સારા અથવા ખરાબની અસર તમારા પર થતી નથી. આ શક્તિના કારણે ક્રોધ-માન-માયા-લોભ ઊભા થતા નથી. કોઇ વ્યક્તિ ગમે તે રીતે અથડામણ ઊભી કરે તો તમે આ શક્તિના કારણે અથડામણ ટાળી શકો છો.
  • અથડામણમાં તમે કોઇ પ્રતિક્રિયા દર્શાવો નહિ તો તમે આધ્યાત્મિક્તાની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો અને સાથે તમારો સંસાર વ્યવહાર પણ ઊંચો આવે છે.
  • અથડામણના અભાવને કારણે તમે સ્થિર, વિચારશીલ, શાંત મગજના બનો છો અને તેનાથી તમારી સૂઝ વિકસે છે. જો કોઇ તમારી સાથે અથડામણમાં આવે છે પરંતુ તમે અથડાતા નથી તો તમારી સુઝનો વિકાસ થાય છે અને જે વ્યક્તિ અથડામણ ટાળવાના નિશ્ચય સાથે આગળ વધે છે, તેનાથી તેનું ડહાપણ વધે છે.

જો તમે ફ્ક્ત આટલું જ ગ્રહણ કરો કે ‘ક્યારેય પણ કોઇ સાથે અથડામણમાં આવવું નથી’ તો તમારી શક્તિઓનો સંગ્રહ કરી શકો છો, જેમાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. તેથી સામી વ્યક્તિ તરફથી ઘર્ષણ આવે તો તમને નુકસાન થશે નહિ. ટૂંકમાં, તે શક્તિ વ્યક્તિની અંદર જ રહે છે. તેનાથી જબરદસ્ત આંતરિક શક્તિઓ અને સૂઝ ખીલે છે, જે આગળનો સાચો રસ્તો બતાવે છે. 

×
Share on