પરમ પૂજ્ય દાદા ભગવાનની દૃષ્ટિએ મોહ અને આસક્તિ એ પ્રેમ નથી. તેઓશ્રી આપણને લૌકિક માન્યતાથી વિરુદ્ધ સમજણ આપીને પ્રેમ અને મોહ વચ્ચેનો ભેદ સમજાવે છે.
પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ આ બન્નેની ભેદરેખા શું છે?
દાદાશ્રી : આ ફૂદું છે ને, આ ફૂદું દીવાની પાછળ પડી અને યાહોમ થઈ જાય ને? એ પોતાની જિંદગી ખલાસ કરી નાખે છે, એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, એ મોહ ના હોય. મોહ એટલે ‘યુઝલેસ’ જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાંની પેઠ ફરે અને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય, એમાં તો આખી જિંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલિક સુખ ખોળે એવું નહીં ને!
એટલે આ બધા મોહ જ છે ને! મોહ એટલે ઉઘાડા દગા-ફટકા. મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ દગા નીકળેલા.
સ્વાર્થ સધાય ત્યાં પ્રેમ અને ના સધાય ત્યાં દ્વેષ, એ પ્રેમ નથી. પ્રેમમાં વિષય, મોહ, આસક્તિ કે સ્વાર્થ ના હોય. જેમ કે, આપણે જે વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ, એના જન્મદિવસ કે એનિવર્સરી ઉપર ગિફ્ટ આપવાનું ભૂલાઈ ગયું તો ઝઘડો થઈ જાય અને જોઈતી ગિફ્ટ લઈને આપીએ તો પ્રેમ ઊભરાય! જ્યાં બદલામાં કશું પણ મેળવવાની અપેક્ષા છે એ પ્રેમ નહીં પણ સોદાબાજી છે.
આપણે કોઈ પ્રત્યે પ્રેમ કે લાગણી રાખીએ તેની હદ હોવી જોઈએ. સામા પાસેથી કોઈ અપેક્ષા ના રાખવી જોઈએ. જેના માટે આપણને પ્રેમ હોય, લાગણી હોય તેના માટે અપેક્ષા જન્મે છે. પછી એ અપેક્ષા પૂરી ના થતાં ભોગવટા અને ફ્રસ્ટ્રેશન આવે છે. દુઃખી થવાય છે. અને સામાને દુઃખ આપી દેવાય છે. આ પ્રેમ નથી પણ મોહ છે. મોહ એટલે આસક્તિ અને આસક્તિનું ફળ કકળાટ. આસક્તિ હોય ત્યાં ઝઘડા થયા વગર રહે જ નહીં. પ્રેમ હોય ત્યાં અપેક્ષા ન હોય, સામાના દોષ ન જોવાય, દુઃખ ના અપાય. સામો ગમે એટલું અપમાન કરે તો ઘટે નહીં અને માન આપે તો વધી ના જાય, એ પ્રેમ છે.
સરખા પરમાણુ હોય તો શરૂઆતમાં એકતા લાગે. એકબીજાના વિચારો, પસંદગી બધું મળતું આવે એટલે પ્રેમ લાગે. પણ થોડો વખત સાથે પસાર કરે પછી મતભેદ, એકબીજાની ભૂલો કાઢવી, એકબીજાને બદલવા કે સુધારવાના પ્રયત્નો થવા, આર્ગ્યુમેન્ટ, ક્લેશ વગેરે ઊભા થયા વગર ના રહે. પ્રેમમાં ગમે તેટલી ભૂલ હોય તો નભાવી લે.
જેમ થર્મોમીટરને ઝાટકો આપીએ અને પારો ઊતરી જાય. રૂપિયાના સિક્કાને ખખડાવીએ તો તેનો રણકાર પરથી સિક્કો સાચો કે ખોટો ખબર પડી જાય. તેવી જ રીતે અહીં પરમ પૂજ્ય દાદાશ્રી પ્રેમના ટેસ્ટીંગનું પ્રેક્ટિકલ થર્મોમીટર આપે છે.
પ્રશ્નકર્તા : પણ આ મોહ છે ને આ પ્રેમ છે એવું સામાન્ય જનને કેવી રીતે ખબર પડે? એક વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને કઈ રીતે ખબર પડે?
દાદાશ્રી : એ તો ટૈડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચિડાઈ જાય એટલે જાણીએ ને કે આ યુઝલેસ છે! પછી દશા શું થાય? એના કરતાં પહેલેથી ખખડાવીએ. રૂપિયો ખખડાવી જોઈએ, કલદાર છે કે બહેરો છે એ તરત ખબર પડી જાય ને? કંઈ બહાનું ખોળી કાઢી અને ખખડાવીએ. અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો! સ્વાર્થના માટે હઉ કોઈ પ્રેમ દેખાડે. પણ એક દહાડો ખખડાવી જોઈએ તો ખબર પડે કે આ સાચો પ્રેમ છે કે નહીં?
પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય?
દાદાશ્રી : એ ખખડાવે તોય શાંત રહીને પોતે એને નુકસાન ન થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે, સાવ બદમાશ હોય ને તો એય ત્યાં ગળી જાય.
પ્રેમ તો એવો હોય કે વ્યક્તિ દૂર હોય અને લાંબો સમય મળવાનું ના થાય તો પણ એમાં જ ચિત્ત રહે, કોઈ બીજું યાદ પણ ના આવે. જ્યારે આજકાલ તો સંબંધોમાં સામી વ્યક્તિ સહેજ આઘીપાછી થઈ કે બીજાના લફરામાં પડે. આને પ્રેમ કઈ રીતે કહેવાય? પ્રેમમાં તો અર્પણતા હોય. જેની સાથે લગની લાગે એ આખો દિવસ યાદ આવ્યા કરે. લગની આંતરિક હોય. બહારનું રૂપ બગડી જાય, કહોવાઈ જાય, તોય પ્રેમ એટલો ને એટલો જ રહે. જે હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરતા હોય, એ જ હાથ સહેજ દઝાયો હોય અને પાટાપીંડી કરવાનું આવે તો અડવાનું તો દૂર, એને જુએ પણ નહીં. જ્યાં પ્રેમ છે ત્યાં ઘૃણા નથી ને જ્યાં ઘૃણા છે ત્યાં પ્રેમ નથી.
વધુ પડતી આસક્તિ જ્યાં હોય તેમાંથી વેર બંધાય છે. દુનિયામાં એવી કેટલીય ઘટના બને છે, જેમાં ખૂબ નજીકની વ્યક્તિ જેના ઉપર પ્રેમ હોય તે જ વેર વસૂલે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને અહીં સમજાવે છે કે વેરના બીજ આસક્તિમાંથી જ પડે છે.
દાદાશ્રી : એટલે જગતે બધું જ જોયું હતું પણ પ્રેમ જોયો નહોતો અને જગત જેને પ્રેમ કહે છે એ તો આસક્તિ છે. આસક્તિમાંથી આ ડખા ઊભા થાય છે બધા. અને લોક સમજે છે કે પ્રેમથી આ જગત ઊભું રહ્યું છે. પણ પ્રેમથી આ જગત ઊભું નથી રહ્યું, વેરથી ઊભું રહ્યું છે. પ્રેમનું ફાઉન્ડેશન જ નથી. આ વેરના ફાઉન્ડેશન પર ઊભું રહ્યું છે, ફાઉન્ડેશન જ વેરનાં છે.
જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે અત્યંત આસક્તિ હોય, પછી એને પ્રેમમાં તરછોડ વાગે, ત્યારે આસક્તિ અત્યંત દ્વેષમાં પરિણમે છે અને સામો વેરનો હિસાબ બાંધે છે. આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ કે લગ્નના ચાર વર્ષ પછી પતિ-પત્ની છૂટા પડે, કોર્ટમાં કેસ થાય, પત્ની બાળકને લઈને જતી રહે, પ્રોપર્ટીમાં ભાગ માંગે અને પતિએ આખી જિંદગી ભરણપોષણના પૈસા આપવા પડે. આવી અનેક રીતે વેરના હિસાબો પૂરા થાય છે.
આપણે એકબીજા પ્રત્યેના આકર્ષણને પ્રેમ માની બેસીએ છીએ. પણ પરમ પૂજ્ય દાદા ભગવાન આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને કહે છે કે આકર્ષણ એ પ્રેમ નથી.
જેમ સોલર પેનલના ફોટો સેલને સૂર્યના કિરણ અડે અને ઊર્જા (ઈલેક્ટ્રીસીટી) ઉત્પન્ન થાય, જેમ લોખંડની ટાંકણી લોહચુંબકથી આકર્ષાય, તેમ મનુષ્યમાં પણ મળતાં પરમાણુ આવે ત્યાં આકર્ષણ થાય. ગમે તેવું લોખંડ હોય તોય એ તાંબા કે પિત્તળને નથી ખેંચતું, ફક્ત લોખંડને ખેંચે છે. તેવી જ રીતે આપણને પણ અમુક વ્યક્તિઓ પ્રત્યે જ ખેંચાણ થાય છે, દરેક માટે નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “મળતાં પરમાણુ આવે ત્યાં આ દેહ ખેંચાઈ જાય. નહીં તો આપણી ઇચ્છા ના હોય તોય દેહ કેમ કરીને ખેંચાય? આ દેહ ખેંચાઈ જાય, એને આ જગતનાં લોકો કહે, ‘મને આની પર બહુ રાગ છે.’ આપણે પૂછીએ, ‘અલ્યા, તારી ઇચ્છા ખેંચાવાની છે?’ તો એ કહેશે, ‘ના, મારી ઇચ્છા નથી, તોય ખેંચાઈ જવાય છે.’ તો પછી આ રાગ નથી. આ તો આકર્ષણનો ગુણ છે.”
અને નિયમ એવો છે કે જ્યાં આકર્ષણ હોય ત્યાં વિકર્ષણ થાય જ. જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “વ્યવહારમાં અભેદતા રહે, તેનું પણ કારણ હોય છે. એ તો પરમાણુ અને આસક્તિના ગુણો છે, પણ તેમાં કઈ ક્ષણે શું થશે તે કહેવાય નહીં. જ્યાં સુધી પરમાણુ મળતાં આવે ત્યાં સુધી આકર્ષણ રહે, તેથી અભેદતા રહે. અને પરમાણુ મળતાં ના આવે તો વિકર્ષણ થાય અને વેર થાય.”
શરૂઆતમાં મળતા પરમાણુ આવે એટલે બધા એક જ લાગે. એટલે રાગથી એકબીજા સાથે અટેચ થાય. પણ પછી કાળક્રમે પરમાણુ બદલાય. એટલે રાગમાંથી પછી દ્વેષ થાય અને છૂટા પડે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે હસબન્ડ-વાઈફ અમુક વર્ષો સાથે રહે અને બધું સરસ જાય. પછી ધીમે ધીમે વિખવાદ શરૂ થાય. રાગમાંથી દ્વેષ થાય અને ઝઘડે. એટલે આકર્ષણ એ આસક્તિ છે પ્રેમ નથી.
જેમ થર્મોમીટરનો પારો શરીરનું તાપમાન 97 બતાવે તો બીલો નોર્મલ કહેવાય અને 99 બતાવે તો અબોવ નોર્મલ કહેવાય. 98 નોર્મલ કહેવાય. એથી ઉપર જાય તો તાવ આવ્યો કહેવાય. તે જ રીતે પ્રેમ માટે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આસક્તિ તો એબવ નોર્મલ અને બીલો નોર્મલ પણ હોઈ શકે. પ્રેમ નોર્માલિટીમાં હોય, એકસરખો જ હોય, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જ નહીં.”
A. કબીર સાહેબે કહ્યું છે કે, “પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત... Read More
Q. કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું એટલે શું?
A. તરુણો ટીનેજમાં આવે એટલે એમનામાં થતા શારીરિક ફેરફાર, વધુ પડતો સોશિયલ મીડિયાનો પ્રભાવ, સ્કૂલ કે... Read More
Q. લગ્નજીવનમાં પ્રેમ કઈ રીતે ટકે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આખી દુનિયા જીતવાની નથી, ઘર જ જીતવાનું છે.” ઘરમાં સૌથી નાજુક સંબંધ... Read More
Q. બાળકો પ્રત્યે પ્રેમથી કેવી રીતે વર્તવું?
A. વ્યવહારમાં બાળકો ફક્ત પ્રેમથી જ વશ થઈ શકે, ત્યાં બીજા બધા હથિયાર અંતે નકામા નીવડે. મા-બાપને એમ જ... Read More
Q. પરમાત્મ પ્રેમ એટલે શું? આવો પ્રેમ ક્યાં મળે?
A. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ, એ જ પરમાત્મા છે!!! - પરમ પૂજ્ય દાદા ભગવાન શુદ્ધ પ્રેમ એ જ... Read More
Q. પ્રેમસ્વરૂપ કેવી રીતે થવાય?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પ્રેમસ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે!” કારણ કે આ જગત પ્રેમથી જ સુધરે... Read More
subscribe your email for our latest news and events