Related Questions

પ્રેમસ્વરૂપ કેવી રીતે થવાય?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પ્રેમસ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે!” કારણ કે આ જગત પ્રેમથી જ સુધરે એમ છે. પ્રેમથી કહીએ એટલે વાત બગડે નહીં અને સહેજ દ્વેષથી કહીએ કે એ આખી વાત બગડી જાય. જે પ્રેમવાળા માણસ હોય એ કઠણ શબ્દો બોલે તો પણ સામાને ખોટું ના લાગે અને તેનું કલ્યાણ કરે.

love

પ્રેમસ્વરૂપ થવાની સુંદર ચાવીઓ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને અહીં આપે છે.

દાદાશ્રી : ખરી રીતે જગત જેમ છે તેમ એ જાણે, પછી અનુભવે તો એને પ્રેમસ્વરૂપ જ થાય. જગત જેમ છે તેમ શું છે? કે કોઈ જીવ કિંચિત્માત્ર દોષિત નથી, નિર્દોષ જ છે જીવમાત્ર. કોઈ દોષિત દેખાય છે તે ભ્રાંતિથી જ દેખાય છે. સારા દેખાય છે તેય ભ્રાંતિ અને દોષિત દેખાય છે તેય ભ્રાંતિ. બન્ને એટેચમેન્ટ-ડિટેચમેન્ટ છે. એટલે કોઈ દોષિત ખરેખર છે જ નહીં અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. એટલે જગત જોડે જ્યારે પ્રેમ થશે, જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. આ મારા-તારા એ ક્યાં સુધી લાગે છે? કે જ્યાં સુધી બીજાને જુદા ગણીએ છીએ હજી. એની જોડે ભેદ છે ત્યાં સુધી આ મારા લાગે છે તેથી. તે આ એટેચમેન્ટવાળાને મારા ગણીએ છીએ ને ડિટેચમેન્ટવાળાને છે તે પારકાં ગણીએ છીએ, એ પ્રેમસ્વરૂપ કોઈ સાથે રહે નહીં.

વ્યવહારમાં ક્યાંય દુઃખ પડે છે, ત્યારે જેના તરફથી દુઃખ આવ્યું હોય તે વ્યક્તિ દોષિત દેખાય છે. “મને જે દુઃખ પડ્યું એ સામાએ જ આપ્યું છે” એવું દૃષ્ટિમાં રહે છે, એટલે પ્રેમસ્વરૂપ થવાતું નથી. કોઈના તરફથી દુઃખ આવે ત્યારે મનથી પણ સ્પંદન ના જાય, અહંકારથી પણ સ્પંદન ઊભું ના થાય ત્યારે પ્રેમસ્વરૂપ થવાની શરૂઆત થાય.

વ્યવહારમાં કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય? તે વ્યક્તિ પ્રત્યે અત્યાર સુધી જે ભૂલો થઈ હોય તેની માફી માંગી લઈએ ત્યારે. “સામાનો એક પણ દોષ નથી થયો, પણ મને દોષિત દેખાય છે, એટલે મારો દોષ છે.” એવું સમજણમાં રહે તો પ્રેમસ્વરૂપ થવાય.

પ્રેમસ્વરૂપના પાઠ શીખવે દાદાશ્રી

"સામાનો ગોદો આપણને વાગી જાય તેનો વાંધો નથી. પણ આપણો ગોદો સામાને ના વાગે એ આપણે જોવાનું.
તો પ્રેમ સંપાદન થાય. બાકી, પ્રેમ સંપાદન કરવો હોય તો એમ ને એમ ના થાય."

- પરમ પૂજ્ય દાદા ભગવાન

કોઈ વ્યક્તિ સતત માનભેર રાખે ત્યાં તો એકતા અને પ્રેમ રહે. પણ કોઈ વ્યક્તિ આપણું હળહળતું અપમાન કરી નાખે, બધાની વચ્ચે ઊતારી પાડે તોય એના માટે સહેજ પણ દ્વેષ ઊભો ના થાય તો પ્રેમસ્વરૂપ થવાની શરૂઆત થાય. એટલું જ નહીં, થોડા વખત પછી એ વ્યક્તિ ફરીથી આપણી સામે આવે, તો પાછું એ અપમાન યાદ આવે અને દ્વેષ ઊભો થાય તો પણ તેનો પ્રેમ સંપાદન ના થાય. આ રીતે ધીમે ધીમે બધા જોડે શુદ્ધ પ્રેમસ્વરૂપ થવાનું છે.

શુદ્ધ પ્રેમસ્વરૂપ કઈ રીતે રહેવાય તેની પરમ પૂજ્ય દાદા ભગવાન છણાવટ કરે છે.

પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમસ્વરૂપ એટલે કેવી રીતે રહેવું?

દાદાશ્રી : કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ ઘટી જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. એવો પ્રેમનો પાઠ શીખવાનો છે, બસ. બીજું કશું શીખવાનું નથી. હું જે દેખાડું એ પ્રેમ હોવો જોઈએ. આ જિંદગી પૂરી થતાં સુધીમાં આવી જશે ને બધું? તે પ્રેમ શીખો હવે!

પ્રેમસ્વરૂપ થવાના સ્ટેપિંગમાં મૂળ પહેલા દ્વેષ ખલાસ થાય, એટલે કે વીતદ્વેષ થવાય. પછી રાગ પણ ખલાસ થાય ત્યારે વીતરાગ થવાય અને ત્યારે પ્રેમ સંપાદન થાય.

નજીકની વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખવાની રીત:

નજીકની વ્યક્તિ જેની સાથે આપણને વારેવારે ખીટપીટ થતી હોય તેની સાથે પ્રેમસ્વરૂપ થવું સૌથી અઘરું છે. કારણ કે નજીક રહેવાને કારણે વ્યક્તિઓ પ્રત્યે અનેક અભિપ્રાય બંધાઈ ગયા હોય છે. ત્યાં કઈ રીતે પ્રેમસ્વરૂપ થવું તેની અત્યંત સુંદર અને પ્રેક્ટિકલ ચાવીઓ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને આપે છે.

1) પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “કોઈ એને વઢે તો તું સામો થઈ જાઉં કે નહીં પેલાની? એ તારો આની ઉપર પ્રેમ કહેવાય.

વિસ્તારમાં સમજીએ તો, ઘરમાં, કુટુંબમાં, નોકરી-ધંધામાં કે સહાધ્યાયીઓમાં અમુક નજીકની વ્યક્તિઓ હોય કે જેમની સાથે આપણને રોજેરોજ ખીટપીટ થતી જ હોય. હવે એવી કોઈ નજીકની વ્યક્તિ આપણી સાથે હોય અને કોઈ ત્રીજી વ્યક્તિ એને વઢે, ત્યારે આપણે આપણી નજીકની વ્યક્તિનો પક્ષ લઈને એ ત્રીજી વ્યક્તિની સામે થઈએ તો એનો અર્થ એમ થાય કે આપણને નજીકની વ્યક્તિ માટે પ્રેમ છે.

આપણા બન્ને વચ્ચે ગમે તેટલી ખીટપીટ થતી હોય, છતાં આવા સમયે આપણે નજીકની વ્યક્તિનો પક્ષ લઈને સામાને વઢતા અટકાવીએ. કારણ કે આપણે નજીકની વ્યક્તિને પ્રેમથી જીતવા માંગીએ છીએ.

2) પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “એ તને વાંકું કહે તો તું જાણે કે આનો સ્વભાવ વાંકો છે, પણ મારે તો એની ઉપર ફક્ત પ્રેમ જ રાખવાનો છે.

ઉદાહરણ તરીકે, ક્યારેક એવું પણ બને કે નજીકની વ્યક્તિ આપણને ગમે તેમ બોલી નાખે, સંભળાવે, કે આપણું અપમાન કરે. ત્યારે પણ આપણને અંદર સમાધાન હાજર રહે કે “એનો સ્વભાવ એવો છે, પણ આફ્ટર ઓલ એ સારા માણસ છે.” તો એ રીતે આપણે નજીકની વ્યક્તિ સાથે પ્રેમ રાખી શકીએ.

ખરેખર તો રાગ અને દ્વેષના હિસાબથી બંધાયેલી વ્યક્તિઓ જ એકબીજાની નજીક આવે છે. હિસાબ જ્યારે ઉકલે છે, ત્યારે એકબીજાને દુઃખ અપાઈ જાય એવો વ્યવહાર બને છે. તે વખતે બહાર ગમે તે બને, પણ અંદરથી જુદાઈ થવા ના દઈએ, સાચવી લઈએ તો પ્રેમ ટકે.

સામો તંતીલું બોલે કે ટોન્ટ મારે, તો એની સામે આપણે પણ તંતીલું બોલીએ, સામો અપસેટ થાય અને આપણે પણ અપસેટ થઈએ, તો પ્રેમ સંપાદન ના થાય. પણ નજીકની વ્યક્તિના નેગેટિવ વર્તનની સામે આપણે પોઝિટિવ દૃષ્ટિ રાખીએ તો પ્રેમ જળવાઈ રહે. 

૩) છેલ્લે અત્યંત પ્રેક્ટિકલ ચાવી આપતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “અત્યારે તમે બન્ને મતભેદ કરીને નીકળ્યા અને કોઈ એનું અવળું તારી પાસે બોલવા માંડ્યા, તો આપણે ‘આના’ પક્ષનું બોલવા માંડવું. તે આ પક્ષમાં રહ્યા એ પ્રેમ.

આને એક પ્રેક્ટિકલ દાખલાથી સમજીએ. આપણે નજીકની વ્યક્તિ સાથે પ્રેમ જાળવવો છે, પણ બન્ને વચ્ચે ટકરામણ થયા જ કરતી હોય. આપણે રૂમ બંધ રાખીને ખીટપીટ થઈ હોય, પણ બહાર લોકોને સંભળાતું હોય. પછી આપણે બહાર નીકળીએ ત્યારે કોઈ ત્રીજી વ્યક્તિ આપણને આવીને કહે કે “એમણે તમારા ઉપર બહુ ગુસ્સો કર્યો ને? જેમ તેમ બોલતા હતા!” ત્યારે પણ આપણે નજીકની વ્યક્તિના પક્ષમાં બોલીએ કે “એ તો જરાક ઊંચા આવજે વાત થઈ, પણ અમારી વચ્ચે એવું કશું નથી. એ દિલના બહુ ભલા છે.”

એટલે જે વ્યક્તિ સાથે આપણને રોજ ડખા થયા જ કરતા હોય, સામી વ્યક્તિ આપણું અપમાન કરતી હોય ત્યાં પણ કોઈ ત્રીજી વ્યક્તિ એની નેગેટિવ વાત લઈને આવે, ત્યારે આપણે એ નેગેટિવમાં સહેજ પણ ભળીએ નહીં, ઊલટું એનું પોઝિટિવ કરી નાખીએ, તો નજીકની વ્યક્તિ સાથે પ્રેમસ્વરૂપ થવાય. ત્યારે આપણા વાણી-વર્તનથી જ નહીં, પણ મનથીય આપણને નેગેટિવ ના થાય, તો એનો પડઘો સામાને અવશ્ય પડે છે. જ્યારે જે હાજર નથી એવી વ્યક્તિ વિશે નેગેટિવ વાત કરીએ તો એ નેગેટિવ સ્પંદન વ્યક્તિને પહોંચે જ છે. પરિણામે ભેદ વધતો જાય છે. પ્રેમસ્વરૂપ થવું હોય તો એ ગેરહાજર વ્યક્તિ બાજુમાં ઊભા ઊભા સાંભળે છે એવી રીતે બોલવું જોઈએ.

નજીકની વ્યક્તિ આપણા પ્રત્યે પ્રેમ રાખે કે ના રાખે, પણ આપણે આવો પ્રેમ રાખવો છે. પ્રેમસ્વરૂપ થવાનો રસ્તો જ આ છે.

સર્વમાં અભેદભાવ તે જ પ્રેમસ્વરૂપ

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે જેટલો ભેદ જાય એટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. પ્રેમ હોય ત્યાં એકતા હોય. પ્રેમસ્વરૂપ થઈએ ત્યારે સામાને અભેદતા હોય. પોતાના ઘરના ચાર-પાંચ જણ પોતાનાં લાગે અને બહારના પારકાં લાગે એવો મારા-તારાનો ભેદ હોય ત્યાં પણ પ્રેમ હોય નહીં. વખતે સામી વ્યક્તિ ભેદ પાડે, કારણ કે એમની પાસે ભેદબુદ્ધિ છે. પણ આપણે એ વ્યક્તિ સાથે મનથી પણ જુદાઈ ન રહે ત્યારે પ્રેમસ્વરૂપ થવાય.

પ્રેમસ્વરૂપ એટલે શું? તે સમજાવતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “બધું અભેદભાવે જોવું, અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું. અભેદભાવ જ માનવો. ‘આ જુદાં છે’ એવીતેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમસ્વરૂપ. એક જ કુટુંબ હોય એવું લાગે.

સંપૂર્ણ ભેદ જાય ત્યારે સંપૂર્ણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. આ જ રીત છે. પ્રેમમૂર્તિ બની જાય તેમને બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. જ્યાં સુધી ‘આ અમારું ને આ તમારું.’ એવો ભેદ છે ત્યાં સુધી જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમમૂર્તિ થઈ જાય!

પ્રેમસ્વરૂપ થવાની અંતિમ ચાવી છે સૌને આત્મા રૂપે જોવાની. એ તત્ત્વદૃષ્ટિથી સામા જોડે અભેદભાવ રહે, નિર્દોષ દેખાય અને ત્યારે પ્રેમસ્વરૂપ થવાય. પણ એ તત્ત્વદૃષ્ટિ આત્મજ્ઞાન સહિતની હોવી જોઈએ, બુદ્ધિની ગોઠવણીથી નહીં.

જેમ બંગડીમાં આપણને ખ્યાલ રહે કે અંદર શુદ્ધ સોનું જ છે. તેવી જ રીતે તત્ત્વદૃષ્ટિમાં સામો ગમે તેમ કરે, પણ આત્મભાવે એમાં આત્મા જ દેખાય અને સામો સંપૂર્ણ નિર્દોષ દેખાય. આ રીતે, તત્ત્વદૃષ્ટિ પરિણામ પામીને અનુભવમાં આવે ત્યારે પ્રેમસ્વરૂપ થયા કહેવાય.

પ્રેમસ્વરૂપના રસ્તે આવતા સોપાન

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પ્રેમસ્વરૂપ ક્યારે થવાય? કાયદા-બાયદા ના ખોળો ત્યારે.” કોઈ મોડું આવે તો એમની ભૂલ કાઢવી કે “કેમ મોડા આવ્યા?” તો એ પ્રેમ ના કહેવાય. પ્રેમમાં રાગ-દ્વેષ કે આસક્તિ ના હોય. શુદ્ધ પ્રેમના બદલામાં પૈસાની, કીર્તિની, શિષ્યો વધારવાની કે કોઈ પ્રકારે વિષય-વિકારની માંગણી ના હોય. જ્યાં કંઈ પણ જોઈએ છે ત્યાં પ્રેમ નથી, આસક્તિ છે.

જગતના લોકોને શું જોઈએ છે? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે ભગવાન બે જગ્યાએ રહે છે. એક જ્યાં પ્રમાણિકપણું છે અને બીજું જ્યાં પ્રેમ છે. કારણ કે જ્યાં પ્રેમ છે, નિષ્ઠા છે, પવિત્રતા છે, ત્યાં જ ભગવાન છે.

પ્રેમ એ ખુદ પરમાત્મા છે. પ્રેમાત્મા થાય ત્યારે કદરૂપો માણસ પણ રૂપાળો લાગે. જ્યાં પ્રેમથી કામ લેવામાં આવતું હોય, જ્યાં લેવડદેવડ કે સોદાબાજી ના હોય, ત્યાં પ્રેમ હોય. જ્યાં પ્રેમ હોય ત્યાં ટ્રિક કે છેતરપીંડી ના હોય અને જ્યાં છેતરપીંડી હોય ત્યાં પ્રેમ ના હોય.

true love

પરમ પૂજ્ય દાદા ભગવાન એમ પણ કહે છે, “નિરાગ્રહીપણું જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી જગતનો પ્રેમ સંપાદન ના થાય. શુદ્ધ પ્રેમ નિરાગ્રહતાથી પ્રગટે છે અને શુદ્ધ પ્રેમ તે જ પરમેશ્વર છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આ દુનિયામાં કોઈ પણ માણસ સત્ય પ્રેમની શરૂઆત કરે તે ભગવાન થાય. સત્ય પ્રેમ નિર્ભેળ હોય. એ સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય. એવો નિર્ભેળ પ્રેમ એ ભગવાન બનાવે, સંપૂર્ણ બનાવે. રસ્તા તો બધા સહેલા છે, પણ એવું થવું મુશ્કેલ છે ને!

પરમ પૂજ્ય દાદાશ્રીએ કંડારેલા રાહ ઉપર ચાલીએ તો પ્રેમસ્વરૂપ થવાનો રસ્તો ખુલ્લો થાય છે. તેઓશ્રીએ રીત તો આખી ખુલ્લી કરી છે. હવે જરૂર છે બસ, એ દૃષ્ટિને પકડી રાખીને એ રસ્તા ઉપર ચાલવાની.

×
Share on