Related Questions

લગ્નજીવનમાં પ્રેમ કઈ રીતે ટકે?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આખી દુનિયા જીતવાની નથી, ઘર જ જીતવાનું છે.” ઘરમાં સૌથી નાજુક સંબંધ પતિ-પત્નીનો હોય છે. બન્ને એકબીજા સાથે લાગણીના તંતુએ બંધાયેલા હોય છે. બેમાંથી એકને સહેજ પણ ઠેસ વાગે તો સંબંધ તૂટી શકે છે.

love-in-marriage

પતિ-પત્ની લગ્ન કરે ત્યારે એકબીજાને સુખી કરવાના આશયથી પરણે છે. પણ લગ્ન પછી એકબીજા પાસેથી સુખ મેળવવાની અપેક્ષા ઊભી થાય છે અને એ અપેક્ષા પૂરી ના થતાં ક્લેશ સર્જાય છે. સામસામે નભાવી લેવું એનું નામ લગ્નજીવન. પતિ અને પત્નીના પ્રાકૃતિક ભેદ હોવા છતાં બન્ને એકબીજાને જેમ છે તેમ સ્વીકારી શકે તો સંબંધ નભે. પતિ-પત્નીના સંબંધમાં દિવ્યતા ક્યારે આવે? જ્યારે બન્ને વચ્ચે શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુદ્ધ પ્રેમ એટલે જેમાં રાગ-દ્વેષ ના હોય. સામી વ્યક્તિ સારું કરે તો ઉછાળા ના આવે અને ખરાબ કરે તો તેમનો દોષ ના દેખાય.

પતિ-પત્નીએ એકબીજા સાથે પ્રેમથી કેવી રીતે વર્તવું, એ ભણાવતી કોલેજ નથી હોતી, જેમાં પરીક્ષા આપીએ, પાસ થઈએ, પછી આદર્શ પતિ કે પત્નીનું સર્ટિફિકેટ મળે. જો એવું હોય તો માની શકાય કે લગ્નજીવન જીવતા આવડશે. અહીં પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી એવી અનેક પ્રેક્ટિકલ ચાવીઓ મળે છે, જેમાં પતિ-પત્નીને રોજિંદા વ્યવહારમાં ઊભા થતા પ્રોબ્લેમ્સ સામે સોલ્યુશન મળે છે. જેના થકી પતિ-પત્નીના વ્યવહારના ગૂંચવાડામાં સહેજ દૃષ્ટિફેર થતાં, પ્રેમથી સુખી અને દિવ્ય લગ્નજીવન જીવી શકાય છે.

‘માય ફેમિલી’માં જીવવું પ્રેમથી

વન ફેમિલી કોને કહેવાય કે જ્યાં ‘મારું-તારું’ એવો ભેદ ના હોય, બધા એક હોય. વન ફેમિલીમાં મતભેદ ના હોય, અથડામણ ના હોય. પતિ અને પત્ની બન્નેને એકબીજાના પરિવાર માટે પણ એકતા જ હોય. જ્યાં ‘મારું-તારું’ હોય ત્યાં શાંતિ ના હોય.

પતિ-પત્નીમાં જુદાઈ ક્યારથી ઊભી થઈ જાય છે? જ્યારથી તેઓ એકબીજાની ભૂલ કાઢે ત્યારથી. જમવાનું સારું ના બન્યું તો પતિ કચકચ કરે, ગુસ્સો કરે અને કેટલાક તો થાળી ફેંકે. બીજી બાજુ પતિ આખો દિવસ કામ કરીને થાકીને ઘરે આવે ત્યારે પત્ની નોન-સ્ટોપ આખા દિવસની ફરિયાદો પતિને સંભળાવે અને શાંતિથી જમવા ના દે. પતિ-પત્નીને ‘હાઉ ટુ ઓર્ગેનાઈઝ ફેમિલી?’ એની કળા આવડવી જોઈએ. પતિએ થાળીમાં જે આવી પડે તે ખાઈ લેવું જોઈએ. પત્નીએ પણ ઘરે પતિને પ્રેમથી, શાંતિથી જમાડવા જોઈએ.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે ડેવલપ્ડ (વિકસિત) સમાજના મનુષ્યો દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ થતા હોય.

દાદાશ્રી : જીવન જીવવાનું સારું ક્યારે લાગે કે આખો દહાડો ઉપાધિ ના લાગે. શાંતિમાં જાય, ત્યારે જીવન જીવવાનું ગમે. આ તો ઘરમાં ડખાડખ થાય એટલે જીવન જીવવાનું શી રીતે ફાવે તે? આ તો પોષાય જ નહીં ને! ઘરમાં ડખાડખ હોય નહીં. પાડોશી જોડે થાય વખતે, બહારનાં જોડે થાય, પણ ઘરમાંય? ઘરમાં ફેમિલી તરીકે લાઈફ જીવવી જોઈએ. ફેમિલી લાઈફ કેવી હોય? ઘરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ ઊભરાતો હોય. આ તો ફેમિલી લાઈફ જ ક્યાં છે? દાળ ખારી થઈ તો કકળાટ કરી મેલે. ‘દાળ ખારી’ પાછું બોલે! અંડરડેવલપ્ડ (અર્ધ વિકસિત) પ્રજા! ડેવલપ્ડ કેવા હોય કે દાળ ખારી થઈ તો બાજુએ મૂકી દે અને બીજું બધું જમી લે. ના થાય એવું? દાળ બાજુએ મૂકીને બીજું જમાય નહીં? ધીસ ઈઝ ફેમિલી લાઈફ. બહાર ભાંજગડ કરોને! માય ફેમિલીનો અર્થ શું? કે અમારામાં ભાંજગડ નહીં કોઈ જાતની. એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાની ફેમિલીની અંદર એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એડજસ્ટ એવરીવ્હેર.

શરૂઆતમાં પતિ-પત્નીમાં એકતા હોય. પછી ધીમે ધીમે વિચારભેદ શરૂ થાય. વિચારભેદ સુધી વાંધો નથી આવતો, પણ એ વધીને મતભેદ અને અંતે મનભેદમાં પરિણમે ત્યારે સંબંધમાં તિરાડ પડે છે. દાખલા તરીકે, પત્નીએ નાનપણથી જોયું હોય કે એના ફાધર ઘરકામમાં મધરને મદદ કરતા, એટલે લગ્ન પછી પત્નીને અપેક્ષા ઊભી થાય કે મારા પતિએ પણ મને મદદ કરાવવી જોઈએ. જ્યારે પતિનો ઉછેર એવા કુટુંબમાં થયો હોય જ્યાં નાનપણથી ઘરનું ખાસ કામ ના કર્યું હોય. ત્યાં વિચારભેદ ઊભો થાય. પતિને પણ એવી અપેક્ષા હોય કે મારા મધરની જેમ, મારી પત્નીએ સામે બેસીને મને ગરમાગરમ રસોઈ જમાડવી જોઈએ. પણ આજકાલ પત્ની નોકરીને કારણે કે સંજોગોવશાત્ અપેક્ષા પૂરી ના કરી શકે એટલે વિચારભેદ ઊભો થાય. તેવા સમયે બેમાંથી એક વ્યક્તિએ એડજસ્ટ થઈ જવું જોઈએ. એ પણ સમજીને એડજસ્ટ થવું, સહન કરીને સ્પ્રિંગ નહીં દબાવવી. સમજી-વિચારીને કે વાતચીત કરીને પરિસ્થિતિને ઉકેલવી જેથી અંદર કોઈ પણ પ્રકારનો ડંખ ના રહે.

સાસુ-સસરા સાથે પણ ‘વન ફેમિલી’ની જેમ રહેવું જોઈએ. સામાન્ય રીતે પતિ કે પત્ની પોતાના મા-બાપ કે કુટુંબ માટે પૈસાથી કે શરીરથી ઘસાય તો બીજાને કચકચ ઊભી થાય છે. ત્યારે બેઉએ સમજવું જોઈએ કે દરેક માટે પોતાના મા-બાપ પૂજ્ય હોય. નાનપણથી માતા-પિતાની ફરજ બજાવવાના સંસ્કાર મળ્યા હોય. એટલે પોતાના કુટુંબમાં કોઈ મુશ્કેલી આવે તો મદદ કરવા દોડી જાય. ત્યારે ‘મારું-તારું’ એમ જુદાઈ રાખવાને બદલે પતિ-પત્નીએ એકબીજાને સહકાર આપવો જોઈએ અને કહેવું જોઈએ કે “કોઈ મુશ્કેલી હોય તો મને કહેવું.” આવો સહકાર બન્ને પક્ષે સરખા પ્રમાણમાં હોવો જોઈએ

પતિ અને પત્ની એકબીજાના લાઈફ પાર્ટનર કહેવાય, ત્યાં કેવી રીતે જુદાઈ હોય? પત્ની પત્નીનો ધર્મ ચૂકે કે પતિ પતિનો ધર્મ ચૂકે તો ક્લેશ અચૂક થાય. જ્યાં ક્લેશ, કકળાટ હોય ત્યાં ‘વન ફેમિલી’ ક્યાંથી હોય? પરિવારમાં ગમે તેવી આર્થિક, કૌટુંબિક કે શારીરિક મુશ્કેલીઓ આવે તોય વન ફેમિલીમાં એકબીજાને સાચવી લેવું જોઈએ. એક વ્યક્તિ ફાડે તો બીજાએ સાંધ સાંધ કરવું, જેથી સંબંધ નભે, નહીં તો તૂટી જાય. પતિ-પત્ની ઘરમાં એકબીજાને પૂરક થઈને, ફરિયાદ વગર જીવે તો લગ્નજીવન પ્રેમવાળું બને.

રાખીએ બન્નેના ડિપાર્ટમેન્ટ નોખા

પતિ અને પત્નીની જ્યારે એકબીજાના કામમાં ડખલ શરૂ થાય છે ત્યારથી ક્લેશ ઊભો થાય છે. એનું સુંદર સોલ્યુશન આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે પતિ-પત્નીએ એકબીજાના ડિપાર્ટમેન્ટ જુદા રાખવા. ધારો કે રસોડાની અને ઘરમાં આવતી વસ્તુઓની જવાબદારી પત્નીની હોય તો એમાં પતિએ “શું વસ્તુ આવી?”, “કેટલાની આવી?”, “મોંઘી કેમ આવી?”, “ખર્ચનો હિસાબ આપો.” એવો કકળાટ કે ઘાંટાઘાંટી ન કરવા. બીજી બાજુ પૈસાનું રોકાણ, ધંધામાં ઇન્વેસ્ટ કરવું, પ્રોપર્ટી લેવી વગેરેની જવાબદારી પતિની હોય તો તેમાં પત્નીએ “ક્યાં પૈસા આપ્યા?”, “ખોટ કેમ ગઈ?”, “રોકાણ કરતાં પહેલાં મને કેમ ના પૂછ્યું?” એમ માથું નહીં મારવું. સ્વાભાવિક રીતે ઘરના ખર્ચનું બજેટ નક્કી કરી નાખવું, પછી બન્નેને પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્રતા આપવી. આજકાલ પતિ-પત્ની બન્ને સરખું ભણેલા અને સરખું કમાતા હોય છે. એટલે સ્વાભાવિક રીતે એકબીજામાં ડખલ થઈ જાય છે. ત્યાં પણ જો એકબીજાની જવાબદારી વહેંચી લે તો ઘર્ષણ ઓછું થઈ શકે છે.

પતિ-પત્નીએ ડિપાર્ટમેન્ટ વહેંચી નાખવા, છતાં વ્યવહાર લાગણીવાળો રાખવો જોઈએ. કોઈ એકના ડિપાર્ટમેન્ટમાં મુશ્કેલી આવે ત્યારે બીજાએ પ્રેમથી સંભાળી લેવું જોઈએ. નહીં તો બેમાંથી એકને ડિપ્રેશન આવી જાય અને ખોટું પગલું ભરી બેસે.

શંકા અને પઝેસિવનેસ નહીં, પણ પ્રેમ

પતિ-પત્નીમાં સૌથી મોટી મુશ્કેલી ત્યારે સર્જાય છે, જ્યારે બીજાના પતિ કે પત્ની સાથે સરખામણી શરૂ થાય છે. પત્ની એવી સરખામણી કરે કે “ફલાણાનો પતિ કેટલું કમાય છે, એની પત્નીને કેટલું સાચવે છે, ફરવા લઈ જાય છે, બંગલો બાંધી આપે છે.” જ્યારે પતિ એવી સરખામણી કરે કે “ફલાણાની પત્ની કેટલું સરસ જમવાનું બનાવે છે, એનું ડ્રેસિંગ સરસ છે, બાળકોને કેટલું સરસ સાચવે છે” વગેરે. પતિ-પત્નીએ આવી કમ્પેરિઝન ક્યારેય ના કરાય. આમ કરવાથી સામાને બહુ દુઃખ પડે છે અને શંકા ઊભી થાય છે. ખરેખર સાચો પ્રેમ હોય ત્યાં બીજાના પતિ કે પત્ની ઉપર સહેજ પણ દૃષ્ટિ કે વિચાર ના બગાડાય.

પતિ-પત્ની એકબીજા ઉપર હક્ક જમાવે, એકબીજા માટે પઝેસિવ હોય તે પણ ક્લેશનું કારણ બને છે. જ્યાં પતિ-પત્નીમાં એકબીજા માટે અત્યંત રાગ હોય, આસક્તિ હોય, ત્યાં પઝેસિવનેસ ઊભી થાય છે. જેમ કે, પતિને ઘરમાં કોઈ બીજા માટે વધારે અટેચમેન્ટ હોય તો પત્નીને અસલામતીનો ભય ઊભો થાય છે કે મારામાંથી ઓછું થઈ જશે તો? એનાથી સહન નથી થતું. પરિણામે વાતે વાતે શંકા ઊભી થાય છે. બીજી બાજુ, પત્ની રાત્રે ઘરે મોડી આવે કે ફોન ઉપર કોઈની સાથે હસીને વાત કરે તો પતિને પણ પત્ની માટે શંકા ઊભી થાય છે. જાણતા-અજાણતા તેઓ સામાને બધા રાગના સંબંધોમાંથી કપાવે છે, પછી એ એમના મા-બાપ હોય, ભાઈ-બહેન હોય કે મિત્રો. છેવટે બેમાંથી એક ગૂંગળાય છે અને સંબંધ નભાવવાનું અઘરું થઈ પડે છે.

પતિને લગ્ન પહેલાં કોઈ છોકરી ગમતી હોય અને તે વાતની પત્નીને જાણ થાય તો તેને ઈર્ષ્યા થાય. એમાંય જો વર્તમાનમાં એ વ્યક્તિ પતિના સંપર્કમાં આવે તો પત્નીને ખૂબ બળતરા થાય. પત્ની પતિને વાતે વાતે ટોણાં મારે કે “હું તમારું બધું ચલાવી લઉં. તમને જે પેલી ગમતી હતી એ ના ચલાવે.” પછી પતિ ગમે તેટલા ખુલાસા આપે તો પણ પત્નીના ગળે ના ઊતરે. બીજી બાજુ, બાળક થાય ત્યારે પત્નીનું બધું ધ્યાન એના ઉછેર તરફ જતું રહે. ત્યારે “તને મારા માટે ટાઈમ જ નથી, મારું ધ્યાન નથી રાખતી” એમ કહીને પતિ પણ પત્નીને સંભળાવે. એકબીજા પ્રત્યેની વધુ પડતી આસક્તિમાંથી દ્વેષ થયા વગર રહે જ નહીં.

પતિ-પત્નીનું જીવન વિશ્વાસના પાયા ઉપર રચાયું છે. તેમાં એકબીજાના ચારિત્ર ઉપર શંકા કરવાથી લગ્નજીવનમાં તિરાડ પડી જાય છે. પતિ કે પત્નીના લગ્ન પહેલાંના સંબંધો જે પણ હોય, એક વખત અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા એટલે પાછલું બધું ભૂલી જઈને અત્યારે પ્રેમથી જીવવું જોઈએ. દરેક હસબન્ડ અને વાઈફ પોતાની પઝેસિવનેસ ઓળખે અને તેનાથી શું નુકસાન થાય છે એ વિચારે તો એમાંથી બહાર નીકળી શકે. જો સીધું ના ઓળખાય તો એકબીજા માટેની અપેક્ષાઓ અને આગ્રહો કયા છે એ ઓળખીને એમાંથી બહાર નીકળે તો પણ ધીમે ધીમે પ્રેમવાળો વ્યવહાર થઈ શકે.

આસક્તિથી વઢવાડ, કમ્પેનિયનશીપમાં પ્રેમ

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “સંસારમાં આ ઝઘડાને લીધે જ આસક્તિ થાય છે. આ સંસારમાં ઝઘડો તો આસક્તિનું વિટામિન છે. ઝઘડો ના હોય તો તો વીતરાગ થવાય.” તેઓશ્રી કહે છે કે હંમેશા આસક્તિનો પ્રેમ રિએક્શનરી છે. પતિ-પત્ની એકબીજા ઉપર ચિડાય એટલે થોડો વખત એકબીજાથી દૂર રહે. દૂર રહે એટલે પાછી આસક્તિ વધે, એટલે પતિ-પત્નીને લાગે કે પ્રેમ વધે છે. નજીક આવે અને પાછી આસક્તિમાંથી અથડામણ થાય. જ્યાં વધારે પડતી આસક્તિ હોય ત્યાં ડખા વધુ ચાલ્યા કરતા હોય. એ પ્રેમ નથી. પ્રેમ તો એનું નામ કહેવાય કે જેને પ્રેમ કરતા હોઈએ, તેનો આખી જિંદગીમાં એક દોષ ના જોવાય. પતિ-પત્નીમાં “તમે આવા છો, ને તમે તેવા છો!” એવું ચાલ્યા કરતું હોય તો એ પ્રેમ ન હોય. જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં.

પરમ પૂજ્ય દાદાશ્રી તારણ આપતા કહે છે, “જે ઘરમાં સ્ત્રી-પુરુષને અથડામણ ઓછી થાય ત્યાં આસક્તિ ઓછી છે એવું માની લેવું.” પતિ-પત્ની વચ્ચેની ખીટપીટને તેઓશ્રી નવીન નામ આપે છે જેનું વર્ણન સાંભળીને પતિ-પત્નીને પોતાની ભૂલ ઉપર સહજ હસવું આવે.

દાદાશ્રી : જે ઘરનાં બેઉ જણ સામસામી બહુ લડતાં હોય ને તો આપણે જાણીએ કે અહીંયાં આસક્તિ વધારે છે. એટલું સમજી જવાનું. એટલે પછી અમે નામ શું પાડીએ? ‘વઢે છે’ એવું ના કહીએ. તમાચા મારે સામાસામી, તોય અમે એને ‘વઢે છે’ એવું ના કહીએ. અમે એને પોપટમસ્તી કહીએ. પોપટ આમ ચાંચ મારે, પેલો આમ ચાંચ મારે, ત્યારે બીજો પોપટ આમ મારે. પણ છેવટે લોહી ના કાઢે. હા, એ પોપટમસ્તી! તમે નહીં જોયેલી પોપટમસ્તી?

હવે આવી સાચી વાત સાંભળીએ ત્યારે આપણને આપણી ભૂલો ઉપર ને આપણી મૂર્ખાઈ ઉપર હસવું આવે. સાચી વાત સાંભળે ત્યારે માણસને વૈરાગ આવે કે આપણે આવી ભૂલો કરી? અરે, ભૂલો જ નહીં, પણ માર હઉ બહુ ખાધા!

પતિ-પત્ની એકબીજા સાથે ફ્રેન્ડશીપ જેવો વ્યવહાર રાખે, તો આસક્તિ ઘટે છે. એકબીજાના હસબન્ડ-વાઈફ નહીં પણ કમ્પેનિયન તરીકે રહે તો ઝઘડા ઘટે છે અને પ્રેમ ટકે છે.

દાદાશ્રી : એટલે બેનોએ તમારે સમજવું કે જે ભૂલ ધણી સમજી શકતા હોય એ ભૂલ આપણે કાઢવી નહીં. જે ભૂલ બેનો સમજી શકતી હોય તે ધણીએ ભૂલ કાઢવી નહીં.

પ્રશ્નકર્તા : ઘણા પોતાની ભૂલ સમજતા હોય, છતાં સુધરે નહીં તો?

દાદાશ્રી : એ કહેવાથી સુધરે નહીં. કહેવાથી તો અવળો થાય ઊલટો. એ તો કો’ક ફેરો જ્યારે વિચારવા ગયો હોય ત્યારે આપણે કહીએ કે આ ભૂલ કેવી રીતે સુધરે? સામાસામી વાતચીતો કરો, આમ ફ્રેન્ડશીપની પેઠ. વાઈફ જોડે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ. ના રાખવી જોઈએ? બીજા જોડે ફ્રેન્ડશીપ રાખો છો. ફ્રેન્ડની જોડે આવું કકળાટ કર્યા કરો છો રોજરોજ? એની ભૂલ ડિરેક્ટ દેખાડ દેખાડ કરાવતા હશો? ના! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. અને આ તો પૈણેલી ક્યાં જતી રહેવાની છે? આવું આપણને શોભે નહીં. જીવન એવું બનાવો કે બગીચા જેવું. ઘરમાં મતભેદ ના હોય, કશું ના હોય, એવું ઘર આમ બગીચા જેવું લાગે. ને ઘરમાં જરાય ડખલ ના થવા દઈએ કોઈને. સહેજેય નાના છોકરાની ભૂલ એ જો જાણતો હોય તો ના દેખાડાય. ના જાણતો હોય તે જ ભૂલ દેખાડાય. તમને કેમ લાગે છે?

પ્રશ્નકર્તા : બરાબર છે, સાચી વાત છે.

દાદાશ્રી : જાણીજોઈને ભૂલો દેખાડાતી હશે. જે એ જાણે છે એને શા માટે દેખાડવાનું. તને દેખાડે છે, બહુ દેખાડે છે કે....?

આ તો એને ગોદા મારીએ છીએ અને આપણું ધણીપણું બજાવીએ છીએ! વહુને સાચવતા આવડી નહીં અને ધણી આવ્યા! વહુને સાચવી ક્યારે કહેવાય કે વહુના મનમાં સહેજેય પ્રેમ ખૂટે નહીં. આ તો ગોદો મારે એટલે પ્રેમ તૂટે અને કહેશે કો’ક દહાડો મારી ભૂલ થાય તો એ બૂમાબૂમ કરે છે, કહેશે. ભૂલ થાય કે ના થાય માણસની? પણ આપણા લોકોને જાણીજોઈને આવી ધણીપણાની ટેવ પડેલી છે, ધણી થવાની ઇચ્છા છે અંદરખાનેથી તે, ભૂલ કેમ કરીને કાઢવી તે! હવે આજથી તમને સમજાશે એ વાત?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ તો ખોટું ગાંડપણ હતું ધણીપણું થવાનું. એટલે ધણીપણું ના બજાવવું જોઈએ. ધણીપણું તો એનું નામ કહેવાય કે સામો પ્રતિકાર ના થાય, ત્યારે જાણવું કે ધણીપણું છે. આ તો તરત પ્રતિકાર!

ક્લેશ, ઝઘડા ઘટે તો પ્રેમ વધે

ove-in-marriage

પતિ-પત્નીના સંબંધોમાં નાની નાની વાતમાં મતભેદ સર્જાય છે. વ્યૂ પોઈન્ટનો ડિફરન્સ થવાથી વાતે વાતે ખીટપીટ, રોકટોક અને ઝઘડા થાય છે. પોતે સાચા છે એવા આગ્રહને પરિણામે બન્ને એકબીજાને વણમાંગી સલાહ આપે છે, પછી સામો સ્વીકારે કે ના સ્વીકારે. ઘણી વખત સલાહ સાચી હોય તો પણ પૂર્વગ્રહને કારણે બેઉ એકબીજાની વાત કાને ધરતા નથી.

પતિ આમ ઓફિસમાં મોટી પોસ્ટ ઉપર હોય, પણ ઘરમાં પત્નીને એવું જ હોય કે, પતિને કશી ખબર જ નથી પડતી! પતિ જરાક પોતાના ધાર્યા પ્રમાણે ના કરે તો પત્ની રિસાઈને મોઢું ફૂલાવીને બેસી જાય. ઘણી પત્નીઓ તો પિયર જતી રહે અને પતિ એને માનભેર બોલાવે તો પાછી આવે. પોતાના ધાર્યા પ્રમાણે થઈ જાય, એટલે પછી પત્ની પતિને દબડાવે. દરેક વાતમાં પત્નીનો પતિ ઉપર કંટ્રોલ હોય. શરૂઆતમાં પતિ પણ ભોળવાઈને પત્નીની હામાં હા કરે. પણ પાછળથી પત્નીના ચલણથી પતિ ગૂંગળાઈ જાય. છેવટે બન્નેમાં પ્રેમ ઘટે અને ક્લેશ, કકળાટ વધે.

પતિ પણ ઘણીવાર પત્નીના અહંકારને ઘા વાગે તેવા આગ્રહભર્યા અને સત્તાવાહી અવાજે વાત કરે. નાના નાના ઝઘડા જ્યારે મોટું સ્વરૂપ લઈ લે ત્યારે કેટલાક પતિ તેમની પત્ની ઉપર હાથ પણ ઉઠાવી દે. ખાનદાની પુરુષ ક્યારેય હાથ ના ઉગામે. એનાથી પત્નીની માનસિકતા બહુ ડિસ્ટર્બ થઈ જાય છે. પતિ તરફથી પત્નીને તરછોડ વાગે ત્યારે તેના મનમાં ઊંડો ઘા પડે છે, જે રુઝાતો નથી. ઘણી પત્નીઓની સ્થિતિ ખીલે બાંધેલી ગાય જેવી થઈ જાય છે. બાળકોના ભવિષ્યની ચિંતા અને સમાજના ડરથી એ બંધાઈ રહે છે. આધુનિક યુગમાં જે સ્ત્રીઓ પગભર હોય છે, તે આ બધું સહન કરવાને બદલે છૂટી પડે છે.

આમ, ક્લેશ અને ઝઘડા વધે એટલે પ્રેમથી શરૂ થયેલું લગ્નજીવન ખેદાનમેદાન થઈ જાય. બન્ને કોડથી એકબીજાને પરણ્યા હોય, પછી એકબીજાથી ભારે તરછોડ વાગે એટલે વિશ્વાસ તૂટી જાય. એક છત નીચે રહેવા છતાં પ્રેમ અને અભેદતા પાછા ના આવે.

લૌકિક જગતમાં એવી માન્યતા છે કે ઘરમાં વાસણ હોય તો ખખડે જ. પતિ-પત્નીમાં જેમ ઝઘડા થાય તેમ પ્રેમ વધે. પરમ પૂજ્ય દાદા ભગવાન આ માન્યતાથી વિરુદ્ધ સાચી સમજણ આપે છે.

દાદાશ્રી : મતભેદ થાય છે કે નહીં વહુ જોડે? ‘વાઈફ’ જોડે મતભેદ?

પ્રશ્નકર્તા : એ મતભેદ વગર તો હસબંડ-વાઈફ કહેવાય નહીં ને?

દાદાશ્રી : હેં એમ? એવું છે, એવો કાયદો હશે? ચોપડીમાં એવો કાયદો લખ્યો હશે કે મતભેદ પડે તો જ હસબંડ એન્ડ વાઈફ કહેવાય? ઓછા-વધતા મતભેદ થાય ખરા કે નહીં?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી હસબંડ એન્ડ વાઈફ ઓછું થતું જાય, નહીં?

પ્રશ્નકર્તા : પ્રેમ વધતો જાય.

દાદાશ્રી : પ્રેમ વધતો જાય તેમ મતભેદ ઓછા થતા જાય, નહીં?

પ્રશ્નકર્તા : જેટલા મતભેદ વધતા જાય, જેટલા ઝઘડા વધતાં જાય. એટલો પ્રેમ વધતો જાય.

દાદાશ્રી : હા. એ પ્રેમ નથી વધતો, એ આસક્તિ વધે છે. પ્રેમ તો જગતે જોયો જ નથી. ક્યારેય પણ પ્રેમ શબ્દ જોયો જ નથી જગતે. આ તો આસક્તિઓ છે બધી. પ્રેમનું સ્વરૂપ જ જુદી જાતનું છે. આ તમે મારી જોડે વાત કરી રહ્યા છો ને, આ અત્યારે તમે પ્રેમ જોઈ શકો છો, તમે મને ટૈડકાવો તોય તમારી ઉપર પ્રેમ રાખીશ. ત્યારે તમને લાગશે કે ઓહોહો! પ્રેમસ્વરૂપ આવા હોય છે. વાત સાંભળવામાં ફાયદો ખરો કશો આ?

પ્રશ્નકર્તા : પૂરેપૂરો ફાયદો છે.

દાદાશ્રી : હા, ચેતી જજે. નહીં તો મૂરખ બની ગયા જાણવું. અને પ્રેમ હોતો હશે? તમારામાં છે પ્રેમ, તે એનામાં હોય? આપણામાં પ્રેમ હોય તો સામાનામાં હોય. આપણામાં પ્રેમ નથી અને સામાનો પ્રેમ ખોળીએ આપણે કે ‘તમારામાં પ્રેમ નથી દેખાતો?’ મૂઆ પ્રેમ ખોળું છું? એ પ્રેમી ન્હોય! આ તો પ્રેમ ખોળે છે? ચેતી જા. અત્યારે પ્રેમ હોતો હશે? જે જેના લાગમાં આવે તેને ભોગવે, લૂંટબાજી કરે છે.

પ્રેમપૂર્વક લગ્નજીવન જીવવા માટે પતિ-પત્નીએ મતભેદ અને ઝઘડા ઘટે તેવું લક્ષ રાખવું. એકબીજા પાસેથી પ્રેમ મેળવવાની આશા રાખવાને બદલે પોતે પ્રેમસ્વરૂપ થવાનો ધ્યેય રાખવો. પતિ-પત્નીએ એકબીજા માટે અને એકબીજાના વ્યૂ પોઈન્ટ માટે આદર કેળવવો. પતિ-પત્ની એકબીજાને રિસ્પેક્ટ આપશે તો બાળકો પણ તેમને જોઈને શીખશે. શાસ્ત્રોમાં કહેવાયું છે, “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા.” સ્ત્રી આદ્યશક્તિ કહેવાય, પ્રકૃતિની દેવી કહેવાય. બહાર માતાજીની પૂજા કરીએ છીએ, તેમ ઘરમાં સ્ત્રીને પણ આદર આપવો. પત્ની ઘર ચલાવે છે, પતિના મા-બાપને પ્રેમથી રાખે છે, માંદા-સાજા હોય ત્યારે સાચવે છે, તો પતિએ પણ પત્નીને સાચવવી. બીજી બાજુ બહારની દુનિયામાં મોટા-મોટા કામો કરી શકતા પુરુષને ઘરમાં પત્ની નાની-નાની વાતમાં ઉતારી પાડે છે, પછી એ કાર ડ્રાઈવિંગ હોય, કપડાની પસંદગી હોય કે ઘરના કામો. તેનાથી પતિનો અહંકાર પણ દુભાય છે. એટલે પત્નીએ પણ પતિને આદરથી બોલાવવા.

લગ્નજીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ તેને જોવાનો અભિગમ બદલાય અને તેનો સાચી સમજણથી ઉકેલ આવે, તો મૂળભૂત સંસ્કારો ફરીથી સ્થપાય અને લગ્નજીવન દિવ્ય બને.

પ્રકૃતિને ઓળખીને કરીએ પ્રેમવાળો વ્યવહાર

“અતિ પરિચયાત અવજ્ઞા!” એટલે કે, જ્યાં ખૂબ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. પતિ-પત્ની દિવસ-રાત એકબીજાની સાથે એક ઘરમાં રહે એટલે એકબીજાની પ્રકૃતિના અવગુણ નજીકથી ઓળખે છે. પછી એકબીજાથી કંટાળે છે. પણ ખરેખર બન્ને એકબીજાની પ્રકૃતિને ઓળખીને કામ લે તો રાગ-દ્વેષ વગર વ્યવહાર ઉકેલી શકે.

સામાન્ય રીતે પત્નીઓને શોપિંગ કરવું ખૂબ ગમે જ્યારે પતિને ના ગમે. પત્નીઓની ફરિયાદ હોય કે પતિ શોપિંગમાં આવે તો રસ જ ન લે, આવે જ નહીં અથવા આવે તો મોઢું બગાડે અને ખૂણામાં બેસી રહે. પતિને બહાર ફરવાનો શોખ હોય અને પત્નીને ન હોય તો પતિને પણ ફરિયાદ રહે, કે પત્નીને ઘરમાં જ રહેવું ગમે છે, ક્યાંય બહાર આવે જ નહીં. એવા સમયે બન્ને થોડું જતું કરીને સામાને ગમતું હોય એમાં સહભાગી થાય તો સામાનું મન સચવાય.

બેમાંથી એકની પ્રકૃતિ માની હોય તો એમને એપ્રિશિએટ કરીએ, વાતે વાતે ઊતારી ના પાડીએ તો વ્યવહારમાં ક્લેશ થતો અટકે. જો એકની પ્રકૃતિમાં લોભ વધારે હોય, તો એમને વસ્તુનો બગાડ થતાં અંદર કચકચ થાય. ત્યારે એવી સમજણ ગોઠવાય કે બગાડથી પાંચસો-હજાર રૂપિયાનું નુકસાન થશે પણ કકળાટ કરવાથી લાખ રૂપિયા જેટલું નુકસાન થાય, તો ક્લેશ અટકી જાય. એકની પ્રકૃતિ રઘવાટવાળી હોય અને બીજાની શાંત હોય, ત્યારે બહાર જવામાં મોડું થાય તોય કચકચ થાય. ત્યાં ધીમી પ્રકૃતિને નિર્ધારિત કરતા વહેલો સમય આપીએ તો ક્લેશ ટળી શકે. સ્ત્રીઓની નોંધ લેવાની પ્રકૃતિ હોય. એટલે પત્નીને ક્યાંક દુઃખ પડ્યું હોય તો એ બોલે કે “મારા કાળજે ઘા પડ્યો છે, એ હું આખી જિંદગી યાદ રાખીશ!” ત્યારે પતિએ વળતો ડામ ન મારવો, પણ પાછા વાળી લેવું અને માફી માંગવી કે “સોરી, દુઃખ ના લગાડીશ.” તો પત્નીનું પણ ટાઢું પડશે.

આમ બન્ને એકબીજાની પ્રકૃતિ ઓળખી તે પ્રમાણે એડજસ્ટ થાય તો વ્યવહાર સુંદર બને. પણ પતિ-પત્ની એકબીજાની પ્રકૃતિને ઓળખે ક્યારે? તેની સુંદર ચાવી પરમ પૂજ્ય દાદા ભગવાન અહીં આપે છે.

પ્રશ્નકર્તા : એ સમજાવો કે કઈ રીતે ઓળખવું? ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પતિએ પત્નીને પ્રેમથી કેવી રીતે ઓળખવી, એ સમજાવો.

દાદાશ્રી : ઓળખાય ક્યારે? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ. જેમ આપણે રમવા બેસીને સામાસામી ચોકઠાં, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે? અમે સરખાપણાનો દાવ આપીએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે આપો? પ્રેક્ટિકલી કેવી રીતે આપો?

દાદાશ્રી : મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું-હવળું બોલે તોય પણ સરખાં હોય એવી રીતે એટલે પ્રેશર ના લાવીએ.

એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની.

બરાબરીનો દાવ આપવો એટલે કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે સામા ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર ના લાદવું, સામાને બોલવા દેવું, પોતાનું ધાર્યું ના કરવું તો સામાની પ્રકૃતિ ઓળખાય અને એ પણ ખીલે. પણ એક વ્યક્તિ જો પોતાના ધાર્યા પ્રમાણે બીજાને ચલાવે તો સામો પોતાના મનને દબાવી દબાવીને રહે અને છેવટે સ્પ્રિંગની જેમ ઊછળે.

નિ:સ્વાર્થ સમર્પણ ત્યાં પ્રેમ

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “જાતને ‘સેફસાઈડ’ રાખે નહીં ને જાતને હોમી દે, એ પ્રેમ ખરો. એ તો અત્યારે મુશ્કેલ છે વાત.” પતિ-પત્નીના સંબંધમાં પોતાની સેફસાઈડ જોવાની ના હોય. “આમાં મારું કેટલું?”, “મારો શું ફાયદો?” એવો સ્વાર્થ કે ઘાટ ના હોય. પોતે સામાને સમર્પણ થયા તોય એના બદલામાં સામો કેટલી લાગણી રાખે છે તેની મૂલવણી ના હોય. પ્રેમના સંબંધમાં તો ગમે તેટલી મુશ્કેલી આવે, દુઃખ પડે, અડચણ આવે, તોય તપ કર્યા કરે, એડજસ્ટમેન્ટ લીધા જ કરે. ત્યાં પોતાની સેફસાઈડનો વિચાર જ ના હોય. ઊલટું સામા માટે ઘસાઈ જવાની તૈયારી હોય. પોતાની જાતનો વિચાર જ ના હોય એવી રીતે સર્વસ્વ પોતાની જાતને હોમી દે. એકબીજા માટે એવી સિન્સિયારીટી હોય તો કુદરત પણ એને બહુ ઊંચું ફળ આપે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પતિ-પત્નીની સિન્સિયારીટી એટલી બધી હોવી જોઈએ કે સામો ગમે તેવો વિશ્વાસઘાત કરે તોય પ્રેમ ના તૂટે. આવો પ્રેમ સંસારમાં મળવો મુશ્કેલ છે.

દાદાશ્રી : સામાથી કલમો ગમે એટલી ભાંગે, બધા સામસામી જે આપેલા વચન-પ્રોમિસ ગમે એટલાં તોડે પણ છતાંય સિન્સિયારિટી જાય નહીં. સિન્સિયારિટી એકલી વર્તનમાં જ નહીં પણ આંખમાંથી પણ ના જવી જોઈએ. ત્યારે જાણવું કે અહીં પ્રેમ છે. માટે એવો પ્રેમ ખોળજો. આ પ્રેમ માનશો નહીં. આ બહાર જે ચાલુ છે, એ બજારું પ્રેમ - આસક્તિ છે.

પતિ-પત્ની એકબીજાનો સ્વાર્થ સધાય ત્યાં સુધી પ્રેમથી જોડે રહે અને સ્વાર્થ ના સધાય તો છૂટા પડે, તો એને પ્રેમ કહેવાય જ કેમ? લગ્નની એનિવર્સરીએ હીરાનો સેટ લાવી આપે તો પત્ની ખુશ ખુશ થઈ જાય. પતિને ભાવતું ભાવતું બનાવીને જમાડે તો પતિય ખુશ ખુશ થઈ જાય. પછી પતિ એનિવર્સરી ભૂલી જાય, કે પત્નીની રસોઈમાં બરકત ના હોય તો એ જ પ્રેમ તૂટી જાય. સ્વાર્થથી આસક્તિ ઉત્પન્ન થાય. એટલે જ્યાં ઉછાળા આવે, કે બેસી જાય એ પ્રેમ નથી. પ્રેમ એકધારો વહેતો હોય.

પતિ-પત્નીના પ્રેમમાં સમર્પણ કેવું હોય તેની સુંદર સમજણ આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન અહીં આપે છે.

દાદાશ્રી : પ્રેમ તો પહેલાં બધો હતો કે ધણી પરદેશ ગયો હોય ને, તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઈ સાંભરે જ નહીં. આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે! આને પ્રેમ કેમ કહેવાય? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ! જે ગલન છે તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય!

પ્રેમ એટલે લગની લાગે તે. અને તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે, કોઈ વખત આબાદીમાં જાય, તો કોઈ વખત બરબાદીમાં જાય. પ્રેમ બહુ ઊભરાય તે પાછો બેસી જાય. જે ઊભરાય છે તે આસક્તિ છે. માટે જ્યાં ઊભરાય તેનાથી દૂર રહેવું. લગની તો આંતરિક હોવી જોઈએ. બહારનું ખોખું બગડી જાય, કહોવાઈ જાય તોય પ્રેમ એટલો ને એટલો જ રહે.

પતિ-પત્ની એકબીજા પાસેથી હૂંફ અને આશ્વાસનની અપેક્ષાએ લગ્ન કરીને એકબીજાને સમર્પિત થાય છે. પણ લગ્ન પછી ચિત્ર કંઈક જુદું જ હોય છે, જેનો ચિતાર આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન અહીં આપે છે.

દાદાશ્રી : આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે, પછી વઢતી નહીં હોય? વઢે ખરી? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય. એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય.

આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રીસાઈને બેઠી હોય, ત્યારે બળ્યો તારો પ્રેમ! નાખ ગટરમાં અહીંથી. મોઢું ચઢાવીને ફરતાં હોય, તેના પ્રેમને શું કરવાનો? તમને કેમ લાગે છે?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : ક્યારેય પણ મોઢું ના બગાડે એવો પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ અમારી પાસે મળે.

જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં રિસામણાં-મનામણાં તો ના હોય, લાગણીઓના ઉછાળા પણ ના હોય. છતાં વ્યવહાર રસાળ અને સંતુલનવાળો હોય. પરમ પૂજ્ય દાદા ભગવાન આ વાત સમજાવતા કહે છે, “ઘરમાં આપણે બધાની જોડે વધઘટ વગરનો પ્રેમ રાખવો. પણ એમને શું કહેવું કે ‘તમારા વગર અમને ગમતું નથી.’ વ્યવહારથી તો બોલવું પડે ને! પણ પ્રેમ તો વધઘટ વગરનો રાખવો.” આ ગુહ્ય વાત જો સમજાય તો પતિ-પત્નીનું જીવન ખરેખર દિવ્ય બની જાય.

છેડાછેડી બાંધી, પછી છૂટા ન પડે એ પ્રેમ

ove-in-marriage

આજકાલ પતિ-પત્નીમાં સહેજ આંટી પડે, બેમાંથી એકને વાંકું પડે અને ડિવોર્સ સુધી વાત જઈને ઊભી રહે છે. એટલું જ નહીં, વાંકું પડવાના કારણો પણ નજીવા હોય છે. નજીકથી જોઈએ તો પોતાના મોહ, અપેક્ષા, આગ્રહ અને અભિપ્રાય ડિવોર્સના મુખ્ય કારણો બની રહે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, કે જ્યાં નાની વાતમાં ડિવોર્સ થઈ જાય ત્યાં પ્રેમ ક્યાંથી હોય?

પ્રશ્નકર્તા : માણસ પ્રેમ વગર જીવી શકે ખરો?

દાદાશ્રી : જેની જોડે પ્રેમ કર્યો એણે લીધો ડાઈવોર્સ, તો પછી શી રીતે જીવે એ? કેમ બોલ્યા નહીં? તમારે બોલવું જોઈએ ને?

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય તો જીવી શકે. જો મોહ થતો હોય તો ન જીવી શકે.

દાદાશ્રી : ખરું કહ્યું આ. આપણે પ્રેમ કરીએ ત્યારે એ ડાઈવોર્સ લે, તો બળ્યો એ પ્રેમ! એને પ્રેમ કહેવાય કેમ કરીને? આપણો પ્રેમ ક્યારેય ના તૂટે એવો હોવો જોઈએ, ગમે તે થાય તોય પ્રેમ ના તૂટે. એટલે સાચો પ્રેમ હોય તો જીવી શકે.

પ્રશ્નકર્તા : ફક્ત મોહ હોય તો ન જીવી શકે.

દાદાશ્રી : મોહવાળો પ્રેમ તો નકામો ને બધો. ત્યારે આવા પ્રેમમાં ના ફસાશો. વ્યાખ્યાવાળો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર માણસ જીવી શકે નહીં એ વાત સાચી છે પણ પ્રેમ વ્યાખ્યાવાળો હોવો જોઈએ.

એટલે પ્રેમની વ્યાખ્યા તમને સમજણ પડી? એવો પ્રેમ ખોળો. હવે આવો પ્રેમ ના ખોળશો કે કાલે સવારે એ ‘ડાઈવોર્સ’ લઈ લે. આમનાં શાં ઠેકાણાં?

પતિ-પત્ની બેઉ એકબીજાના પોઝિટિવ શોધીને રહે તો સંબંધ નભે. પરમ પૂજ્ય દાદા ભગવાન એક સુંદર ઉદાહરણ દ્વારા તેની સમજણ અહીં આપે છે.

દાદાશ્રી : હિન્દુસ્તાનમાં કઈ ફેમિલીમાં ઝઘડા નથી, ઘરમાં? તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે. છૂટાછેડા લેવાની તૈયારીઓ જ ચાલતી હોય. કેટલાય માણસોને આવું! શું થાય તે પણ? છૂટકો જ નહીં ને! અણસમજણથી બધું છૂટું થઈ જાય અને પોતાનું ઝાલેલું છોડે નહીં અને બધી વાત અણસમજણની હોય. એમાં પછી હું સમજણ પાડું ત્યારે કહેશે, ના. ત્યારે તો એવું નથી, એવું નથી.

પ્રશ્નકર્તા : આમેય ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય.

દાદાશ્રી : એવું છૂટાછેડા જેવું જ.

પ્રશ્નકર્તા : તમે બધાને ભેગા કરી આપ્યા.

દાદાશ્રી : એક અવતાર નભે કે ના નભે? ઉકેલ લાવોને જ્યાં ત્યાંથી. એક અવતાર માથે પડ્યા તો માથે પડેલાની જોડે ઉકેલ ના લાવવો જોઈએ?

આપણા સંસ્કાર છે આ તો. લડતા લડતા એંસી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી તેરમાને દા’ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતો ને, તે કાકીને કહે છે, એંસી વર્ષના કાકીને, ‘માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.’ ‘તોય પણ આવા ધણી ફરી નહીં મળે’, એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને....

પ્રશ્નકર્તા : સારા હતા.

દાદાશ્રી : એટલે આવા ધણી ફરી નહીં મળે એવી શોધખોળ કરતાં આવડે. ત્યારે કેટલી શોધખોળ બધી હશે? ખબર ના પડે ભઈ, અંદરખાને કેવા હતા તે! આ તો બધી પ્રકૃતિ આ. ચીડાય છે એ બધું. પણ આ આપણા હિન્દુસ્તાનના સંસ્કાર! કે માજી શું કહે છે? પાડી નાખ્યા એ વાત જુદી હતી, પણ મને એવા ધણી નહીં મળે! આ હિન્દુસ્તાનનું આર્ય નારીત્વ!

ગમે તેવી મુશ્કેલી આવે તો લગ્નજીવન નભાવી લેવું જોઈએ એ આપણા સંસ્કાર છે. છતાં, કેટલીક પરિસ્થિતિમાં જ્યાં ઘરમાં વ્યસનમાં પૈસા વેડફવા, મારઝૂડ કરવી વગેરે થતા હોય, ખાવાની મુશ્કેલી હોય અને બધા પ્રયત્નો કર્યા પછી પણ સુધારો શક્ય ના હોય, તો નાછૂટકે છૂટા થઈ શકાય. પણ સાવ નાની નાની વાતોમાં ડિવોર્સ લેવાનો નિર્ણય લેતા પહેલાં વિચાર આવવો જોઈએ કે ડિવોર્સ પછીના જીવનમાં પ્રેમ મળશે જ એની શું ખાતરી? ફરીથી પરણ્યા તો ત્યાં મુશ્કેલીઓ નહીં ઊભી થાય? ફક્ત વિચારો મળતા ના આવે તો છૂટા થવાની જરૂર નથી. એના કરતા જે લગ્નજીવન શરૂ થયું છે એને પૂરું કરવું જોઈએ.

પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે છૂટાછેડા લેવાની તૈયારી સાથે અનેક દંપતીઓ આવતા. તેઓશ્રીની એ લોકો માટે ભાવના હતી કે “જીવન જીવતાં શીખો, સુખી થાવ બધાં, છોકરા સારા થાય, છોકરાઓને સંસ્કાર સારા પડે.” પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી સાચી સમજણ પ્રાપ્ત થતા જ અનેક લોકોનું ભાંગતું ઘર સંધાઈ જતું. લગ્નજીવન પ્રેમવાળું અને સુખી થઈ જતું.

×
Share on