Related Questions

ગુરુનું અવળું બોલવામાં જોખમ શું છે?

આજના આ પાંચમા આરાના જીવો બધા છે તે કેવા છે ? પૂર્વ વિરાધક જીવો છે. એટલે ગુરુમાં જો પ્રકૃતિના દોષે કરીને ભૂલચૂક થઈ જાય તો અવળું દેખે ને લોક વિરાધના કરી નાખે. તો ગુરુ કર્યા પછી જો વિરાધના કરવાના હો, તમારી નબળાઈ જ ઊભી થવાની હોય તો ગુરુ કરશો નહીં. નહીં તો ભયંકર દોષ છે. ગુરુ કર્યા પછી વિરાધના ના કરશો. ગમે તેવા ગુરુ હોય તો ઠેઠ સુધી એની આરાધનામાં જ રહેજો. આરાધના ના થાય તો વિરાધના તો અવશ્ય ના કરશો. કારણ કે ગુરુની ભૂલ જોવી એ પાંચમી ઘાતી છે. તેથી તો એવું શીખવાડે છે કે, 'ભઈ, જો ગુરુ એ પાંચમી ઘાતી છે. એટલે ગુરુની જો ભૂલ દેખાઈ તો તું માર્યો ગયો જાણજે.'

એક માણસ આવેલો કહે છે મને ગુરુએ કહેલું કે, જતો રહે અહીંથી, હવે અહીં અમારી પાસે આવીશ નહીં. ત્યારથી મને ત્યાં જવાનું મન નથી થતું.

ત્યારે મેં એને સમજણ પાડી કે ના જાય તોય વાંધો નથી પણ છતાંય ગુરુની માફી માંગી લેજે ને ! માફી માગી લે એ અહીંથી, આ દુનિયાથી છૂટો થાય. મોંઢે તો માફી માગી લીધી. હવે મનથી માફી માગી લેવાની ને આ કાગળમાં જે લખી આપ્યું છે તે પ્રમાણે પ્રતિક્રમણ ઘેર કર્યા કરજો. તે પ્રતિક્રમણ વિધિ પછી લખી આપી.

તેં જે ગુરુ કર્યા છે, તેની નિંદામાં ના પડીશ. કારણ કે બીજું બધું ઉદયકર્મને આધીન છે. માણસ કશું કરી શકતો જ નથી. હવે વાંધો ના ઉઠાવવો તેય ગુનો છે ! પણ વાંધો વીતરાગતાથી ઊઠાવવાનો છે, આવું એની પર ધૂળ ઉડાડીને નહીં. 'આમ ના હોવું ઘટે' કહેવાય, પણ ઉપલક ! કારણ કે તે તો ઉદયકર્મનાં આધીન છે. હવે એનો દોષ કાઢીને શું કાઢવાનું ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : પછી ગુરુનો જે ઉપકાર છે એને માનવો જોઈએ. કારણ કે એણે તમને આ બાઉન્ડ્રીની બહાર કાઢ્યા, એ ઉપકાર ભૂલશો નહીં. જે ગુરુ આટલો ગુણ કર્યો હોય, એમના ગુણ કેમ કરીને ભૂલાય ? માટે એમને ત્યાં જવું જોઈએ. અને ગુરુ તો રાખવા ને એક ગુરુ કર્યા પછી તે ગુરુ માટે જરાય ભાવ બગાડવો ના જોઈએ. એટલું સાચવવું જોઈએ, બસ. 

×
Share on