Related Questions

શિષ્ય કોને કહેવાય? શિષ્યમાં કયા કયા ગુણો હોવા જોઈએ?

પ્રશ્નકર્તા : તો ગુરુ કરતી વખતે શિષ્યમાં કેવાં ગુણ હોવા જોઈએ ?

દાદાશ્રી : અત્યારે શિષ્યમાં ગુણ ક્યાંથી સારા હોય ! અને તેય આ કળિયુગમાં ? બાકી, શિષ્ય તો કોને કહેવાય ? કે એના ગુરુ ગાંડા કાઢે તોય પણ શ્રદ્ધા ઊઠે નહીં, એનું નામ શિષ્ય કહેવાય ! ગુરુ ગાંડા કાઢે તોય આપણી શ્રદ્ધા ના ઊઠે, એ આપણા શિષ્ય તરીકેનાં ગુણ કહેવાય. એવું બને તમારે ?

guru

પ્રશ્નકર્તા : હજુ એવો પ્રસંગ ઉપસ્થિત નથી થયો.

દાદાશ્રી : એવું થાય તો શું કરો ?

હા, ગુરુ પર શ્રદ્ધા મૂકો તો આવી મૂકો, કે જે શ્રદ્ધા મૂક્યા પછી ઊઠાડવી ના પડે. નહીં તો શ્રદ્ધા મૂકવી નહીં પહેલેથી, એ શું ખોટું ?

આગલે દહાડે એમને લોક માનતા હતા, ને પછી ગુરુ ગાંડા કાઢે એટલે ગાળો દેવા માંડ્યા. આવડી આવડી ચોપડાવે. અલ્યા, ત્યારે તેમને માન્યા શું કરવા તેં ? અને જો માન્યા તો ચોપડવાની બંધ કર. અત્યાર સુધી પાણી પાઈ મોટું કર્યું એ જ ઝાડ તેં કાપ્યું. તારી શી દશા થશે ? ગુરુનું જે થવાનું હશે તે થશે, પણ તારી શી દશા થશે ?

પ્રશ્નકર્તા : આપણે મનમાં ગુરુ માટે ઊંચી કલ્પના કરી હોય છે ને, તે ખંડિત થઈ જાય છે એટલે આવું બને છે ?

દાદાશ્રી : કાં તો ગુરુ કરશો નહીં, ને કરો તો ગુરુ ગાંડા કાઢે તોય એમાં તમારી દ્રષ્ટિ ના બગડવી જોઈએ. 

×
Share on