Related Questions

આમાં ભૂલ કોની ગુરુની કે શિષ્યની?

પ્રશ્નકર્તા : અત્યારે ગુરુઓ પૈસાની પાછળ જ હોય છે.

દાદાશ્રી : એ તો આ લોકોય એવા છે ને ? લાકડાં વાંકાં છે એટલે આ કરવતી વાંકી આવી છે. આ લાકડાંય સીધા નહીં ને ! લોક વાંકા ચાલે તેથી ગુરુ વાંકા મળે. લોકમાં શું વાંકાઈ છે ? 'મારે બાબાને ઘેર બાબો જોઈએ છે.' એટલે લોકો લાલચુ છે એટલે આ લોકો ચઢી બેઠા છે. અલ્યા, એ શું બાબાને ત્યાં બાબો આપવાનો હતો ? અને એ કંઈથી લાવવાનો હતો ? એ બાઈડી-છોકરાં વગરનો છે, એ કંઈથી લાવવાનો હતો ? કોઈ છોકરાંવાળાને કહે ને ! આ તો 'મારા બાબાને ઘેર બાબો થાય' એટલા હારું એને ગુરુ કરે. એટલે લોક લાલચુ છે ત્યાં સુધી આ ધુતારા ચઢી બેઠા છે. લાલચુ છે, તેથી ગુરુની પાછળ પડે છે. લાલચ આપણને ના હોય ત્યારે ગુરુ કરીએ તો સાચું !

guru

આ તો લૂગડાં બદલીને લોકોને ભમાવે છે અને લોક લાલચી એટલે ભમી જાય છે. લાલચી ના હોય તો કોઈ ના ભમે ! જેને કોઈ પ્રકારની લાલચ નથી, એને કંઈ ભમવાનો વારો આવે નહીં.

પ્રશ્નકર્તા : પણ આજ તો ગુરુ પાસે ભૌતિક સુખ માગે છે, મુક્તિ કોઈ માગતું નથી.

દાદાશ્રી : બધે ભૌતિકની વાતો જ છે ને ! મુક્તિની વાત જ નથી. આ તો 'મારા છોકરાને ઘેર છોકરો થાય, અગર તો મારો ધંધો બરાબર ચાલે, મારા છોકરાને નોકરી મળે, મને આમ આશિર્વાદ આપે, મારું ફલાણું કરે' એવી પાર વગરની લાલચો છે બધી. અલ્યા, ધર્મ માટે, મુક્તિ માટે આવ્યો છે કે આ જોઈએ છે બધું ?

આપણામાં કહેવત છે ને, 'ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનોં ખેલે દાવ.' એવું ના હોવું જોઈએ. શિષ્ય લાલચુ, એટલે ગુરુ એને કહેશે કે 'તુમ્હારા યે હો જાયેગા, હમારી કૃપા સે યે હો જાયેગા, યે હો જાયેગા.' તે લાલચ પેઠી એમાં ભલીવાર આવે નહીં. 

×
Share on