Related Questions

ગુરુ અને જ્ઞાની પુરુષ એ બે વચ્ચે શું તફાવત છે?

પ્રશ્નકર્તા : ગુરુ અને જ્ઞાની પુરુષ એ બેનો તફાવત સમજાવો.

દાદાશ્રી : જ્ઞાની પુરુષ અને ગુરુમાં તો બહુ ફેર ! હંમેશાં ગુરુ સંસારને માટે જ કરવામાં આવે છે. મુક્તિ માટે તો જ્ઞાની પુરુષ સિવાય મુક્તિ જ નથી. ગુરુ તો આપણને સંસારમાં આગળ લઈ જાય ને પોતે જેવા છે એવા આપણને બનાવી દે. એથી આગળનું ના આપી શકે. અને મુક્તિ તો જ્ઞાની પુરુષ આપે. માટે વ્યવહારમાં ગુરુની જરૂર છે અને નિશ્ચયમાં જ્ઞાની પુરુષની જરૂર છે. બન્નેની જરૂર છે.

guru

ગુરુ તો શું કરતા જાય ? પોતે આગળ ભણતા જાય અને પાછળવાળાને ભણાવતા જાય. ને હું તો જ્ઞાની પુરુષ છું, ભણવું-ભણાવવું એ મારો ધંધો ન્હોય. હું તો, તમારે મોક્ષ જોઈતો હોય તો બધો ઊકેલ લાવી આપું, દ્રષ્ટિ ફેરવી આપું. અમે તો, જે સુખ અમે પામ્યા છીએ તે સુખ એને પમાડીએ અને ખસી જઈએ.

ગુરુ જ્ઞાન આપે અને જ્ઞાની પુરુષ વિજ્ઞાન આપે. જ્ઞાન સંસારમાં પુણ્યૈ બંધાવે, રસ્તો બતાવડાવે બધો. વિજ્ઞાન મોક્ષે લઈ જાય. ગુરુ તો એક જાતના માસ્તરો કહેવાય. પોતે કંઈક નિયમ લીધેલા હોય અને વાણી સારી હોય તો સામાને નિયમમાં લાવી નાખે. બીજું કશું ધોળે નહીં. પણ તેથી સંસારમાં એ માણસ સુખી થાય. કારણ કે એ નિયમમાં આવ્યો એટલે. અને જ્ઞાની પુરુષ તો મોક્ષે લઈ જાય. કારણ કે મોક્ષનું લાયસન્સ એમની પાસે છે.

સાંસારિક ગુરુ હોય તેનો વાંધો નથી. સાંસારિક ગુરુ તો રાખવા જ જોઈએ, કે જેને આપણે ફોલો થઈએ. પણ જ્ઞાની, એ તો ગુરુ ના કહેવાય. જ્ઞાની તો પરમાત્મા કહેવાય, દેહધારીરૂપે પરમાત્મા ! કારણ કે દેહના માલિક ના હોય એ પોતે. દેહના માલિક ના હોય, મનના માલિક ના હોય, વાણીના માલિક ના હોય.

ગુરુને તો જ્ઞાની પુરુષની પાસે જવું પડે. કારણ કે ગુરુની અંદર ક્રોધ-માન-માયા-લોભની નબળાઈઓ હોય, અહંકાર ને મમતા હોય. આપણે કશુંક (ચીજવસ્તુ) આપીએ તો એ ધીમે રહીને મહીં મૂકાવડાવે. અહંકાર ને મમતા, જ્યાં જુઓ ત્યાં હોય જ ! પણ લોકોને ગુરુઓનીય જરૂર ખરીને ! 

×
Share on