Related Questions

સદ્‍ગુરુ કોને કહેવાય?

પ્રશ્નકર્તા : હવે સદગુરુ કોને કહેવો ?

guru

દાદાશ્રી : એવું છે ને, સદગુરુ કોને કહેવો એ બહુ મોટી મુશ્કેલી છે. સદગુરુ કોને કહેવાય છે, શાસ્ત્રીય ભાષામાં ? કે સત્ એટલે આત્મા, એ જેને પ્રાપ્ત થયો છે એવા ગુરુ, એ સદગુરુ !

એટલે સદગુરુ એ તો આત્મજ્ઞાની જ કહેવાય, આત્માનો અનુભવ થયેલો હોય એમને. બધા ગુરુઓને આત્મજ્ઞાન ના હોય. એટલે જે નિરંતર સત્માં જ રહે છે, અવિનાશી તત્ત્વમાં રહે છે એ સદગુરુ ! એટલે સદગુરુ એ તો જ્ઞાની પુરુષ હોય.

પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર કહી ગયા છે કે પ્રત્યક્ષ સદગુરુ વિના મોક્ષ થાય જ નહીં.

દાદાશ્રી : હા, ત્યાર વગર મોક્ષ થાય જ નહીં. અને સદગુરુ કેવા હોવા જોઈએ ? કષાયરહિત હોવા જોઈએ, જેમનામાં કષાય જ ના હોય. આપણે મારીએ, ગાળો ભાંડીએ, તોય કષાય ના કરે. એકલા કષાય રહિત જ નહીં, પણ બુદ્ધિ ખલાસ થઈ જવી જોઈએ. બુદ્ધિ ના હોવી જોઈએ. આ બુદ્ધિશાળીઓ પાસે આપણે મોક્ષ લેવા જઈએ, તો મોક્ષ એનો જ થયેલો નથી તો તમારો કેમ થાય ? એટલે ધોલ મારે તોય અસર નહીં, ગાળો ભાંડે તોય અસર નહીં, માર મારે તોય અસર નહીં, જેલમાં ઘાલે તોય અસર નહીં. દ્વંદ્વથી પર હોય. દ્વંદ્વ સમજ્યા તમે ? નફો-ખોટ, સુખ-દુઃખ, દયા-નિર્દયતા. એક હોય ત્યારે બીજું હોય જ, એનું નામ દ્વંદ્વ ! એટલે જે ગુરુ દ્વંદ્વાતીત હોય, તેને સદગુરુ કહેવાય.

આ કાળમાં સદગુરુ હોય નહીં. કો'ક જગ્યાએ, કોઈ ફેરો હોય. બાકી સદગુરુ હોય જ નહીં ને ! એટલે આ લોકો ગુરુને જ ઊંધી રીતે સદગુરુ માની બેઠાં છે. તેને લીધે આ બધું ફસાયેલું છે તે ! નહીં તો સદગુરુ મળ્યા પછી ચિંતા થતી હશે ?

પ્રશ્નકર્તા : દરેક લોકો પોતાના ગુરુને સદગુરુ લઈ મંડ્યા છે, એ શું છે ?

દાદાશ્રી : આપણા હિન્દુસ્તાનમાં બધા ધર્મોવાળા પોતપોતાના ગુરુને સદગુરુ જ કહે છે. કોઈ એકલા ગુરુ નથી કહેતા. પણ એનો અર્થ લૌકિક ભાષામાં છે. સંસારમાં જે બહુ ઊંચા ચારિત્રવાળા ગુરુ હોય, એને આપણા લોકો સદગુરુ કહે છે. પણ ખરેખર એ સદગુરુ ના કહેવાય. એને પ્રકૃતિના ગુણો બહુ ઊંચા હોય, ખાવા-પીવામાં સમતા રહે, વ્યવહારમાં સમતા હોય, વ્યવહારમાં ચારિત્રગુણ બહુ ઊંચા હોય, પણ એને આત્મા પ્રાપ્ત થયેલો ના હોય. એ સદગુરુ ના કહેવાય.

એવું છે ને, ગુરુ બે પ્રકારના. એક ગાઈડ રૂપી ગુરુ હોય. ગાઈડ એટલે એને આપણે ફોલો કરવાનું હોય. એ આગળ આગળ ચાલે મોનિટરની પેઠ. એને ગુરુ કહેવાય. મોનિટર એટલે તમે સમજ્યા ? જેને આપણે ફોલો કર્યા કરીએ. ત્રણ રસ્તા આવ્યા હોય તો એ ડીસાઈડ કરે કે 'ભાઈ, આ રસ્તે નહીં. પેલે રસ્તે ચાલો.' એટલે આપણે એ રસ્તે ચાલીએ. એને ફોલો કરવાનું હોય. પણ એ આપણી આગળ જ હોય. બીજે કશે આઘાપાછા ના હોય અને બીજા સદગુરુ ! સદગુરુ એટલે આપણને આ જગતના સર્વ દુઃખોથી મુક્તિ અપાવડાવે. કારણ કે એ પોતે મુક્ત થયેલા હોય ! એ આપણને એના ફોલોઅર્સ તરીકે ના રાખે. અને ગુરુને તો ફોલો કર્યા કરવું પડે આપણે. એના વિશ્વાસે ચાલવાનું. ત્યાં આપણું ડહાપણ નહીં વાપરવું અને ગુરુને સિન્સીયર રહેવું. જેટલાં સિન્સીયર હોય એટલી શાંતિ રહે.

ગુરુ તો આપણે અહીંથી સ્કૂલમાં ભણવા જઈએ છીએ ને, ત્યારથી ગુરુની શરુઆત થાય છે, તે ઠેઠ અધ્યાત્મના બારા સુધી ગુરુ લઈ જાય છે. પણ અધ્યાત્મની અંદર પેસવા દેતું નથી. કારણ કે ગુરુ જ અધ્યાત્મ ખોળતા હોય. અધ્યાત્મ એટલે શું ? આત્માની સન્મુખ થવું તે. સદગુરુ તો આપણને આત્માની સન્મુખ બનાવે.

એટલે આ ગુરુ અને સદગુરુમાં ફેર !  

×
Share on