Related Questions

અપમાનનો સામનો કેવીરીતે કરવો?

પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ?

દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે ? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડમાં કોઈ જન્મ્યો જ નથી કે જે તમારામાં ક્શું ડખલ કરી શક્યો હોય. કોઈનામાં કોઈ ડખલ કરી શકે એમ છે જ નહીં. તો આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે, એ તમારે માટે નિમિત્ત છે. પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને એ નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે.

એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકાં ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું ક્શું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?

દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો એવો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે.

હવે એ આપણી ભૂલ છે, માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ, એને સદ્બુદ્ધિ આપજો. એટલું જ કહેવું. કારણ કે એ નિમિત્ત છે.

અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો, ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં. 

×
Share on