પરમ પૂજ્ય દાદાશ્રી અને તેમના ધર્મપત્ની હીરાબાનું લગ્નજીવન સંપૂર્ણ શાંતિ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. તેઓના વર્તન અને વ્યવહાર રસાળ હતા. એટલા માટે કુટુંબીજનો અને મિત્રો તેઓની અરસપરસની એકતા અને પ્રેમને જોતા. દાખલા તરીકે, હીરાબા રોજ શાક લેવા બજારમાં જતા, ત્યારે પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછે કે ‘શું શાક લાવું ?’ અને દાદાશ્રી કહે, ‘જે ઠીક લાગે તે.’ આવી ગોઠવણીપૂર્વક બંને જવાબદારી પૂરી કરતા. દાદાશ્રીને પૂછવાનો આ ધર્મ, હીરાબાએ છેક સુધી ખૂબ ઈમાનદારીપૂર્વક નીભાવ્યો.
તેઓ દરેક વ્યવહાર સિન્સિયારિટીથી પૂરો કરતા. આ વ્યવહારમાં સંજોગો કે વ્યક્તિઓના કારણે કોઈ વધારો કે ઘટાડો થયો ન હતો. તેઓનો એકબીજા માટેનો પૂજ્યભાવ આખી જિંદગી સમજણપૂર્વકનો રહેલો. તેઓના વચ્ચેની વિનમ્રતા વિચારપૂર્વકની અને સમજણપૂર્વકની હતી.
ઉપરોક્ત જણાવેલ, પરમ પૂજ્ય દાદાશ્રીના આદર્શ જીવનનું ફક્ત એક ઉદાહરણ છે. એમના દ્વારા નીચે દર્શાવેલી ચાવીઓ વાપરીને, તમે પણ તમારું લગ્નજીવન સુખી કેવી રીતે કરવું તે જાણી શકશો.
એક સાચી મિત્રતામાં ક્યારેય ભેદ પડતો નથી. જેવી રીતે તમારા અને તમારા મિત્રની વચ્ચે કશું ન આવવા દો, એવી જ રીતે પતિ-પત્ની સાથેના વ્યવહાર પણ એવો આદર્શ હોવો જોઈએ. જો તમે તમારા મિત્રની કાળજી ના રાખો તો તમારી મિત્રતા લાંબી ન ટકે. પતિ-પત્નીને મિત્ર તરીકે ગણવામાં આવે છે. તેથી તેઓ બન્નેએ બે મિત્રોની જેમ તેમના ઘરને ચલાવવું જોઈએ. પતિ અને પત્ની વચ્ચેનાં વ્યવહારમાં શાંતિ હોવી જોઈએ. જો એ સંબંધમાં કોઈ દુઃખ હોય તો, એ એક આદર્શ પતિ-પત્નીનો સંબંધ ગણી શકાય નહિ. જો મિત્રો એકબીજાને દુઃખ ન થાય એવું ધ્યાન રાખતા હોય તો પતિ-પત્ની એ એવું ધ્યાન ન રાખવું જોઈએ ? પતિ-પત્ની વચ્ચેની મિત્રતા એ સર્વશ્રેષ્ઠ મિત્રતા છે.
જો તમારી પત્ની તમારાથી નારાજ થઇ જાય તો, થોડી ક્ષણોની રાહ જુઓ અને પછી તેમને કહો, “તમે મને કંઈપણ કહો એનો વાંધો નહિ અને તમે મારાથી ગમે તેટલું નારાજ હોવ એનો પણ વાંધો નહિ, પરંતુ તમારી ગેરહાજરીમાં અમને તમારી ઉણપ વર્તાય છે.” પત્નીને કહેવું કે તમને એનાથી જુદા પડવું ગમતું નથી. બસ આમ આગળ વધવું અને આ “ગુરુમંત્ર” કહેવો. (શબ્દો એવા જે પરિણામ આપે). સુખી લગ્નજીવન જીવવા માટે તમારી પત્ની સાથે પ્રેમ અને પ્રશંસાભર્યો વ્યવહાર કરવો આવશ્યક છે. આવું કરવામાં વાંધો શો છે ? ભલે તમે મોટા ભાગનો પ્રેમ તમારા સુધી સિમીત રાખો, પણ એમાંથી થોડો વ્યક્ત કરતી વખતે એમ કહેવું કે, તમને તેનાથી દૂર જવું નથી ગમતું.
કોઈ પણ જીવમાત્રને કિંચિતમાત્ર પણ દુઃખ ના હો એ અંતિમ દશાનું જ્ઞાન છે. પછી ભલે આપણો કાયમનો વિરોધ પક્ષી હોય પરંતુ તે પણ શાંત થઈ જાય અને કહે કે, “ આપણી વચ્ચે મતભેદ છે પણ, સાથે મને તમારી માટે આદર પણ એટલો જ છે.“ પ્રત્યેકનો મત સરખો નથી હોતો. દરેકની વિચારસરણી એકસરખી હોઈ શકે નહિ. ઘરમાં, તમારો વ્યવહાર સુમેળભર્યો હોવો જોઈએ. તમારી પત્નીને એવું લાગવું જોઈએ કે તમારા જેવા પતિ એમને ક્યારેય નહિ મળે અને તમને એવું લાગવું જોઈએ કે એમના જેવી પત્ની તમને ક્યારેય નહીં મળે, જયારે આવું થશે ત્યારે તમારુ લગ્ન જીવન સાર્થક ગણાશે.
જેમ નોકરીમાં તમારી જવાબદારીઓની ભેદરેખા નક્કી થયેલી હોય છે, તેમ લગ્નજીવનની જવાબદારીઓની ભેદરેખા પણ તમારી પાસે હોવી જોઈએ. એકવાર એ સ્પષ્ટ થઇ જાય કે કોના ડિપાર્ટમેન્ટમાં શું આવે છે, પછી તમારે બીજાના ડિપાર્ટમેન્ટમાં ડખલ ન કરવી જોઈએ. પુરુષે, સ્ત્રીના કામમાં અને સ્ત્રીએ, પુરુષના કામમાં ડખલ ન કરવી જોઈએ. બંન્નેએ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં જ રહેવું જોઈએ. તેમ છતાં, જો તમને લાગે કે તમારા પતિ/પત્ની તેની જવાબદારીઓને પહોંચી નથી વળતા, તો પછી ચોક્કસ તમારે એમને મદદરૂપ થવું જ જોઈએ. તો જ તમારું લગ્નજીવન સુખી થઈ શકશે.
તમારી પત્ની સિવાય બીજા કોઈની સાથે શારીરિક સંપર્ક કે સંબંધ ન હોવો જોઈએ. સૌથી વધારે જોખમ જો કંઈ હોય તો એ, એ છે કે બીજાના પતિ કે પત્ની પાસેથી સુખ લેવું. તમારી પોતાની પત્નીનો વાંધો નથી. ત્યારપછી જ કહી શકાશે કે તમે તમારી પત્નીને સિન્સિયર છો.
એકવાર એક પતિએ પરમ પૂજ્ય દાદાશ્રીને ફરિયાદ કરી કે, તેમની પત્ની, તેમના માતા-પિતા સાથે રહેવા પણ નથી ઈચ્છતી અને તેમને બોલાવવા પણ નથી ઈચ્છતી. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમનું અને તેમની પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું અને સંબંધો જળવાઈ રહે એવું માર્ગદર્શન આપ્યું. તેમણે એવી સલાહ આપી કે તેઓ, તેમની પત્નીના માતા પિતાને બોલાવી તેની કાળજીપૂર્વક સંભાળ રાખે. તમારી પત્ની સાથેના સંબંધમાં એવી રીતે સુમેળ સાધો કે તે સ્વ રીતે જ તમારા માતા-પિતાની સંભાળ રાખવાનું કહે.
જ્ઞાની પુરુષ, આપણને સહુને મતભેદના કારણે સંબંધો ન તૂટે એ માટેની ચાવી આપતા કહે છે કે, “આપણે સહુ એક સમાન છીએ, આપણા વચ્ચે કોઈ ભેદ નથી.” આ વાક્યને દરરોજ સવારે પાંચ વાર બોલવું, જેથી એક દિવસ એવો સમય આવશે, જયારે તમને કોઈ વ્યક્તિ સાથે કિંચિતમાત્ર પણ મતભેદ નહિ રહે.
નીચેના અવતરણો, પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા થયેલા સત્સંગોમાંથી છે.
1) દાદાશ્રી: મત જ નહીં રાખવો જોઈએ. વળી બન્નેએ શાદી કરી પછી મત જુદો કેવો ? બન્નેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે ?
પ્રશ્નકર્તા: રખાય નહીં, પણ રહે.
દાદાશ્રી: તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે ? નહીં તો શાદી નહોતી કરવી, શાદી કરી તો એક થઈ જાવ.
2) પ્રશ્નકર્તા: આવા મતભેદ બંધ કરવાનો શું રસ્તો બતાડો છો ?
દાદાશ્રી: આ તો હું રસ્તો એ બતાવું કે 'એડજસ્ટ એવરીવ્હેર' ! એ કહે કે, 'ખીચડી બનાવી છે.' તો આપણે 'એડજસ્ટ' થઈ જવું. અને તમે કહો કે 'ના, અત્યારે આપણે બહાર જવું છે.સત્સંગમાં જવું છે.' તો એમણે 'એડજસ્ટ' થઈ જવું જોઈએ. જે પહેલું બોલે, તેને આપણે એડજસ્ટ થઈ જવું.
ઘરેથી નીકળતા સમયે કલેશ ન થાય એની તકેદારી રાખવી અને તમારા કામકાજ સંબંધિત જે કલેશ તમને ઉપરી સાથે હોય, તેનું સમાધાન ઘરે પહોંચતા સુધી મનમાં જ લાવી નાખવું. તમારા કામકાજની સમસ્યાઓને કામકાજના સ્થળે જ રાખવા. ઘરમાં શાંત મને પ્રવેશ કરવો. ઘરમાં કોઈના નિમિત્તે કલેશ ના કરવા. જો તમે તમારા ઉપરી સાથે ઝઘડો કરો, તો એમાં બિચારા તમારા પતિ/પત્નીનો શો વાંક ?
જયારે તમને રજા હોય, તે દિવસે તમારા પરિવાર સાથે બહાર જવું. ઘરે સ્વાદિષ્ટ ભોજન બનાવી, એમની સાથે જમવાની હળવી પળોને માણી પછી તેમને બહાર ફરવા લઈ જવું. આ રીતે તમારા ખર્ચને સીમિત પણ રાખી શકો છો. ક્યારેક જો વધારે ખર્ચો કરવો પડે, તો તમેં બજેટ કરી શકો. આ બધાંનો નિર્ણય તમારે તમારા પતિ/પત્નીની સંમતિથી લો તો ઉત્તમ પરિણામ આવે.
દાદાશ્રી: ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, 'શું નામ ?' ત્યારે કહે છે, 'દાદાજી, મારું નામ મશરૂર.' મેં કહ્યું, 'આવ. અહીં બેસ પાસે, કેમ આવી તું ?'
તે આવી. પછી આવીને એનાં મનમાં ઠીક લાગ્યું, જરા જોતાંની સાથે જ ઠીક લાગ્યું, અંતર ઠર્યુ એનું કે ખુદાના આસિસ્ટન્ટ જેવા તો લાગે જ છે એ. એને લાગ્યું એટલે પછી બેઠી. પછી બીજી વાતો નીકળી.
પછી મેં કહ્યું, 'શું કરું છું તું ?' ત્યારે કહે, 'હું લેકચરર છું. ત્યારે મેં કહ્યું, 'શાદી-બાદી કરી કે નથી કરી ?' ત્યારે કહે, 'ના. શાદી કરી નથી, પણ વિવાહ થયેલા છે.' મેં કહ્યું, 'ક્યાં થયેલાં છે, મુંબઈમાં ?' ત્યારે કહે 'ના, પાકિસ્તાનમાં.' 'પણ હવે ક્યારે પૈણવાની છું ?' ત્યારે કહે, 'હવે છ મહિનામાં જ.' મેં કહ્યું, 'કોની જોડે ? ધણી કેવો ખોળી કાઢ્યો છે ?' ત્યારે કહે, 'લૉયર છે.'
પછી મેં કહ્યું કે, 'એ ધણી કરીને પછી તને કંઈ દુઃખ નહીં આપે ? અત્યારે તને કશું દુઃખ છે નહીં અને ધણી કરવા જઈશ ને ધણી દુઃખ આપશે તો ?' મેં કહ્યું, 'એની જોડે શાદી કર્યા પછી તારો પ્રોજેક્ટ શો છે ? એની જોડે શાદી થઈ પહેલાં તું પ્રોજેક્ટ તો કરી રાખે ને ? કે એની જોડે આવી રીતે વર્તવું ? કે ના કરી રાખે ? ત્યાં પૈણ્યા પછી કંઈ તે તૈયારી રાખી મેલી છે કશી ? પૈણ્યા પછી એ લૉયર જોડે મેળ કેમ પડશે કે નહીં તેની ?'
ત્યારે એ કહે છે, 'મેં બધી તૈયારી કરી રાખી છે, એ જરાક આમ બોલશે તો હું સામો આવો જવાબ આપીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો એક-એક બધા જવાબો મારી પાસે તૈયાર છે.'
આ જેટલી આ રશિયાએ તૈયારી કરી નાખી છે ને, એટલી જ તૈયારીઓ કરી રાખી છે. ફૂલ તૈયારીઓ બન્ને જણાએ. તે આ મતભેદ પાડવાની જ તૈયારીઓ કરી રાખી હતી. પેલો ઝઘડો કરે તે પહેલાં જ ફોડે ! જેમ આ અમેરિકાની સામે રશિયાએ બધી તૈયારી રાખી મેલી છે ને, એવી એણે તૈયારી રાખેલી કે એ પેલું આમ સળગાવે તો આપણે આમ સળગાવવાનું. એટલે જતાં પહેલાં જ હુલ્લડને ? એ આમ તીર છોડે. ત્યારે આપણે આ બાજુ છોડવાનું રડાર. એ આમનું છોડે ત્યારે આપણે આ બાજુ છોડવાનું. મેં કહ્યું, આ તો કોલ્ડ વૉર તેં ઊભી કરી. ક્યારે શમે એ ? કોલ્ડ વૉર બંધ થાય ખરી ? આ જુઓને થતી નથીને મોટા સામ્રાજ્યવાળાને રશિયા-અમેરિકાને ?
આ છોકરીઓ બધું એવું કરે, એ ગોઠવી રાખે બધું. આ છોકરાઓ તો બિચારા ભોળા ! છોકરાઓ એ ગોઠવે કરે નહીં અને તે ઘડીએ છે તે અવસ્થાનો માર ખાઈ જાય, ભોળા ખરાને ?
આ તમે જે કહો છો ને પ્રપંચ સામે તૈયારી શું કરી રાખવાની ? પણ પેલી બાઈએ તો તૈયારી બધી કરી રાખેલી, બૉમ્બાર્ડીંગ બધું જ. એ આમ બોલે તો એટેક, આમ બોલે તો એટેક. બધી જ તૈયારી રાખી મેલી છે, કહે છે ! પછી વચ્ચે એને મેં કહ્યું, 'આ કોણે શીખવાડ્યું છે તને ? કાઢી મેલશે ને ડાયવોર્સ લઈ લેશે અને પેલો આપી દેશે તલ્લાક !' તલ્લાક આપી દે કે ના દે ? મેં કહી દીધું કે આ રીતથી તો છ મહિનામાં તલ્લાક મળશે. તારે તલ્લાક લેવા છે ? આ રીત ખોટી છે. પછી મેં એને કહ્યું, તલ્લાક તને ના આપે, એટલા માટે તને શીખવાડું.
ત્યારે કહે છે, 'દાદાજી, એ ના કરું તો શું કરું ? નહીં તો એ તો દબાવી દે.' મેં કહ્યું, 'એ શું દબાવવાનો હતો ? લૉયર ભમરડો એ તને શું દબાવવાનો હતો ?'
પછી મેં કહ્યું, 'બેન, મારું કહેલું માનીશ ? તારે સુખી થવું છે કે દુઃખી થવું છે ? બાકી જે બઈઓ બધી તૈયારી કરીને તો એના ધણી પાસે ગયેલી, પણ છેવટે દુઃખી થયેલી. તું મારા કહ્યાથી જાને, બિલકુલેય કશી તૈયારી કર્યા વગર જા.' પછી એને સમજાવ્યું.
ઘરમાં રોજ કકળાટ થાય ત્યારે વકીલ કહેશે, 'મૂઈ બળી એના કરતાં બીજી લાવું.' એમાં પાછા ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા) છે આ ? પ્રેમના સોદા કરવાના છે ત્યાં આવું ? સોદા શાના કરવાના છે ?
પ્રશ્નકર્તા : પ્રેમના.
દાદાશ્રી : પ્રેમના. ભલે આસક્તિમાં હોય પણ કંઈક પ્રેમ જેવું છે ને કંઈક. એની ઉપર દ્વેષ તો નથી આવતો ને ? મેં કહ્યું, આવું ના કરાય. તું તો એમ ભણેલી એટલે આવી તૈયારીઓ કરી રાખું છું ? આ વૉર છે ? હિન્દુસ્તાન ને પાકિસ્તાનની વૉર છે આ કંઈ ? અને જગતમાં એ જ કરી રહ્યા છે બધા. આ છોડીઓ-બોડીઓ, છોકરાઓ બધાં એ જ, પછી એ બન્નેનું જીવન બગડે. પછી એને સમજણ પાડી બધી.
ધણી જોડે આવી રીતે વર્તન કરવું જોઈએ. આવી રીતે એટલે એ વાંકા થાય તો તું સીધી ચાલજે. એનું સમાધાન કરવું જોઈએ, ઉકેલ લાવવો જોઈએ. એની બાઝવાની તૈયારીમાં આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડે તો ય આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડ પાડ કરે તો ય કહેવું આપણે એક છીએ. કારણ કે આ બધી રીલેટીવ સગાઈઓ છે, એ ફાડી નાખે તો આપણે ફાડી નાખીએ તો છૂટી જાય કાલે સવારે. એટલે તલ્લાક આપી દેશે. ત્યારે કહે, 'મારે શું કરવાનું ?' મેં એને સમજણ પાડી, એનો મૂડ જોઈને ચાલવાનું, કહ્યું. એનો મૂડ જોજે અને અત્યારે મૂડમાં ના હોય, તો આપણે અંદર 'અલ્લાહ'નું નામ લીધા કરવું અને મૂડ ફરે, એટલે આપણે એની જોડે વાતચીત ચાલુ કરવી. એ મૂડમાં ના હોય અને તું સળી કરું, એટલે ભડકો થશે કંઈ.
એને નિર્દોષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ.
તે મશરૂરને મેં તો ભણાવી દીધી, એવી ભણાવી દીધી. મેં કહ્યું, કશું ય નહીં, એ આમનું તીર ઠોકે તો આપણે સ્થિરતા પકડીને 'દાદા, દાદા' કર્યા કરજે. ફરી આમનું ઠોકે તો સ્થિરતા પકડીને 'દાદા, દાદા' કરજે. તું ના એકું ય ફેંકીશ, કહ્યું ! મેં વળી વિધિ કરી આપી.
પછી પૂછયું કે, 'તારે ઘરમાં કોણ કોણ છે ?' ત્યારે કહે, 'મારે સાસુ છે.' 'સાસુ જોડે તું કેમનું એડજસ્ટમેન્ટ લઈશ ?' તો કહે, 'એ એની જોડે ય હું પહોંચી વળીશ, સાસુને.'
પણ પછી મેં એને સમજણ પાડીને. પછી કહે છે, 'હા, દાદાજી મને ગમ્યું આ બધી વાત.' 'ત્યારે તું આ પ્રમાણે કરજે તો તલ્લાક ના આપે, ને સાસુ જોડે રાગે પડે.' અને પછી એક સુખડની માળા લાવી હતી. તે માળા મને પહેરાવી. મેં કહ્યું, 'આ માળા તું લઈ જજે અને ત્યાં આગળ મૂકી રાખજે અને માળાના દર્શન કરીને પછી આ તારો વ્યવહાર ચલાવજે. ધણી જોડે તારો વ્યવહાર છે તે કરજે તો બહુ સુંદર ચાલશે.' તે માળા અત્યારે ય મૂકી રાખી છે.
એને ચારિત્રબળની વાત કરેલી. એ ધણી ગમ્મે તે બોલે, ગમ્મે એવું તને કરે, તો ય તે ઘડીએ તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે અને એનો પ્રભાવ પડશે એના ઉપર. લૉયર હોય તો ય. એ ગમે તેવું વઢે, તો તું દાદાનું નામ લેજે અને સ્થિર રહેજે ! મનમાં એમ થશે કે આ કેવી ! આ તો હારતી જ નથી. પછી એ હારે. એટલે પણ કર્યું એવું, છોકરી એવી હતી. દાદા જેવા શીખવાડનાર મળે તો પછી શું રહ્યું હવે ! નહીં તો એડજસ્ટમેન્ટ આવું હતું પહેલું, રશિયા ને અમેરિકા જેવું. તરત ત્યાં બટન દાબતાંની સાથે સળગે બધું, હડહડાટ. આ તો કંઈ માણસાઈ છે ? શેને માટે ડરો છો ? શેને માટે જીવન હોય ? સંજોગો જ એવા છે તે, હવે આ શું કરે તે ! સંજોગો એવા છે પાછા !
એને આ જીતવાની તૈયારી કરે છે ને, તે ચારિત્રબળ 'લૂઝ' થઈ જાય. અમે કોઈ જાતની તૈયારી ના કરીએ. બાકી ચારિત્રને વાપરવું, એને તમે તૈયારી કહો છો, પણ એનાથી તમારામાં જે ચારિત્રબળ છે એ 'લૂઝ' થઈ જાય છે અને જો ચારિત્રબળ ખલાસ થઈ જશે તો ત્યાં તારા ધણી આગળ તારી કિંમત જ નહીં રહે. એટલે એ બાઈને સારી સમજ પડી ગઈ. એટલે મને કહે છે કે 'હવે દાદાજી, હું કોઈ દહાડો ય હારીશ નહીં. આવી ગેરેન્ટી આપું છું.'
Reference: Book Name: મા-બાપ છોકરાનો વ્યવહાર (Page #80 - Paragraph #4 to #7, Entire Page #81 & #83 , Page 84 Paragraph#1)
૧) ઘરમાં તો વ્યવહાર સારો જ રાખવો જોઈએ ને ! પોતાના ખેતરનો છોડવો ના વટાય એ આપણે ખ્યાલ રાખીએ છીએ ને ?!
૨) ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.
વધુ વિગત જાણો પ્રસ્તુત પુસ્તક દ્વારા: ક્લેશ વિનાનું જીવન
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જયારે તમારા લગ્ન થાય છે ત્યારે તમે તમારા મનમાં આદર્શ લગ્નજીવનનું ચિત્રપટ્ટ દોરો છો, “મારુ લગ્નજીવન... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી ?
A. આજના યુગમાં લોકો પાસે પોતાના પતિ/પત્ની સાથે મતભેદ થાય તો તેનું સમાધાન લાવવાની ક્ષમતા ઘટી ગઈ છે. અને... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડે, એવી પરીસ્થિતિ ઉભી થઈ શકે કે, જયારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ ખુબ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી ફરિયાદ... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતે કે તમારા પતિ/પત્ની ને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો એ બાબત વિષે તમારે જાગૃત રહેવું જોઈએ.... Read More
Q. લગ્નવિચ્છેદ (છુટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છુટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છુટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એક વાર એવો વિચાર આવતો... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા પતિ/પત્ની ની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે ? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબ્બર
A. આપણે ઘણી વખત આપણા પતિ/પત્ની સાથેના વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી ઈચ્છા... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય છે કે, લોકોને મનમાં ઘણાં બધા પ્રશ્નો અને મૂંઝવણો ઉભી થાય કે પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવા આપણે મોટા થઈએ છીએ કે... Read More
subscribe your email for our latest news and events