Related Questions

સ્વજનના અંતિમ સમયે શું સાચવવું?

dying loved one

કુટુંબમાં કે નજીકના કોઈ સ્વજન મોટી ઉંમરના હોય, અને એમનો અંતિમ કાળ નજીક આવ્યો હોય ત્યારે જેવું એક બાળક સાથે કરીએ તેવું ખૂબ પ્રેમથી એમની સાથે ડિલિંગ કરવું જોઈએ. કારણ કે, ઘડપણ અને બાળપણ બેઉ સરખા જ છે. નાનું એક-દોઢ વર્ષનું બાળક હોય એને આપણે કેટલું સાચવીએ! એવી રીતે વડીલોને એમના અંતિમ સમયે સાચવવા જોઈએ. નાનું છ-બાર મહિનાનું બાળક ઝાડા-ઉલ્ટી કરી નાખે, હાથ-પગ મારે, હાથમાં દૂધની બાટલી હોય એને લાત મારે ને ફૂટી જાય તોય આપણે ગુસ્સે થતા નથી. ત્યાં આપણને સમજાય છે કે, “કશું નહીં, બાળક છે. એને સમજણ નથી પડતી.” તે જ રીતે મોટી ઉંમરની વ્યક્તિ તેના અંતિમ સમયે નાના બાળકની જેમ જીદ કરે, માને નહીં તો આપણે એમના ઉપર જરાય અકળાવું ન જોઈએ. તેઓ ભાવતી વસ્તુ ખાવાની માંગણી કરે તો “શું ખા ખા કરો છો, તબિયત સાચવો!” એવું કહીને ગુસ્સે બિલકુલ ના થવું જોઈએ. ઊલટું, એમને ભાવે એવું અને તબિયત માટે હિતકારી હોય એવું પ્રેમથી બનાવીને જમાડવા જોઈએ.

એમને સાચવવાનું મહત્ત્વ એટલા માટે છે કે જેથી અંતિમ સમયે એમની અંદરની પરિણતિ ના બગડે. એટલે એમને જરાય દુઃખ, અભાવ કે દ્વેષ ઊભો ના થાય, ઊલટું એ આનંદમાં રહે એવું કર્યા કરવું જોઈએ. એવી સરસ સેવા કરીએ કે જેથી તેમનો અંતકાળ સુધરે, અને પરિણામે આવતો ભવ સુધરે!

સ્વજનના મૃત્યુ સમયે આજુબાજુનાં સગાંસંબંધીઓનું કેવું વર્તન હોય છે તેનું એક્ઝેક્ટ વર્ણન કરીને પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને સાચી સમજણ આપે છે.

સ્વજનની અંતિમ કાળે સાચવણી!

dying loved one

પ્રશ્નકર્તા : કોઈ સ્વજનનો અંતકાળ નજીક આવ્યો હોય તો તેના તરફ આજુબાજુનાં સગાંસંબંધીઓનું વર્તન કેવું હોવું જોઈએ?

દાદાશ્રી : જેનો અંતકાળ નજીક આવ્યો હોય, એમને તો બહુ સાચવવા જોઈએ. એમના બોલે બોલ સાચવવા પડે. એમને 'બેક' ના મરાવવું જોઈએ. બધાએ એમને ખુશ રાખવા અને એ અવળું બોલે તોય તમારે 'એક્સેપ્ટ' કરવું કે, 'તમારું ખરું છે!' એ કહેશે, 'દૂધ લાવો' તો તરત દૂધ લાવી આપીએ. ત્યારે એ કહેશે, 'આ તો પાણીવાળું છે, બીજું લાવી આપો!' તો તરત બીજું દૂધ ગરમ કરી લઈ આવીએ. પછી કહીએ કે, 'આ ચોખ્ખું-સારું છે.' પણ એમને અનુકૂળ આવે એવું કરવું જોઈએ, એવું બધું બોલવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે એમાં સાચા-ખોટાની ભાંજગડ નથી કરવાની?

દાદાશ્રી : આ ખરું-ખોટું તો દુનિયામાં હોતું જ નથી. એમને ગમ્યું એટલે બસ, એવી રીતે બધું કર્યા કરીએ. એમને અનુકૂળ આવે એવી રીતે વર્તવું. એ નાના બાબા જોડે આપણે કેવી રીતે વર્તીએ છીએ? બાબો કાચનો પ્યાલો ફોડી નાખે તો આપણે એને વઢીએ? બે વર્ષનો બાબો હોય, તેને કશું કહીએ કે કેમ ફોડી નાખ્યો કે એવું તેવું? બાબા જોડે વર્તન કરીએ એવી રીતે, એમની જોડે વર્તન કરવું.

આ તો મરી ગયા પછી એના ઉપર પાછાં ફૂલો ચઢાવે. અલ્યા, મરી ગયા પછી શાનાં ફૂલો ચઢાવે છે? અલ્યા, એ જીવતો છે ત્યારે ફૂલો ચઢાવોને! કારણ કે મહીં ભગવાન છે, મહીં આત્મા બેઠેલો છે! પણ જીવતાં તો કોઈ દિવસ ફૂલો નથી ચઢાવતાં ને? આનું નામ દુષમકાળ! હિતાહિતનું ભાન કે પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે, એનું ભાન જ મનુષ્યને ખલાસ થઈ જાય, એનું નામ દુષમકાળ!

મોટી ઉંમરના વડીલોનો દેહ ભલે ઘરડો થયો હોય, બીમાર હોય કે રોગથી સડી ગયો હોય, પણ એમની અંદર તો જીવતા ભગવાન બિરાજે છે! વડીલોની સેવા થાય એ ભગવાનની સેવા થયા બરાબર છે. પ્રેમથી, ભાવ બગાડ્યા વગર તેમની અંતિમ સમયે કાળજી રાખીએ તો તેમના જબરજસ્ત આશીર્વાદ ઊતરે છે. આખી જિંદગીમાં સેવા, પૂજા, દાન કરીએ એના કરતા પણ ઊંચું ફળ વડીલોની અંતકાળે સેવા કરવાથી મળે છે.

છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે:

જેનું મૃત્યુ નજીક હોય તે વ્યક્તિ અનેક પ્રકારની મૂંઝવણ અનુભવે છે. મરણ પથારી ઉપર તેમનો તરફડાટ કે વિહ્વળ પરિસ્થિતિ જોતાં જ હૃદય પીગળી જાય છે. આવા સમયે વ્યક્તિના સ્વજનો શું કરતાં હોય? વ્યક્તિના મૃત્યુની અંતિમ ઘડીઓ ગણાતી હોય ત્યારે આજુબાજુ ભેગા થઈ જાય, દોડધામ કરી મૂકે અથવા મોટે મોટેથી રડવા લાગે. આવું કરવાથી વ્યક્તિના દુઃખમાં વધારો થાય છે. જીવનભર જે વ્યક્તિએ આપણને સાચવ્યા, આપણી સાથે રહ્યા, હવે એમના અંતિમ સમયે આપણે એમને સાચવી લેવા જોઈએ. તેમની પાસે બેસીને રડારડ કરવાને બદલે તેમને આ દર્દમાં સમતા રહે, હિંમત રહે તેવી વાતો કરવી જોઈએ, અને શાંતિનું વાતાવરણ ઊભું કરવું જોઈએ.

વ્યક્તિ કોમામાં હોય ત્યારે:

કોઈ વ્યક્તિ કોમામાં હોય ત્યારે ભલે તેમનો દેહ નિષ્ક્રિય થઈ ગયેલો લાગે પણ અંદર આત્મા હાજર હોય છે. એમને બહારના વાતાવરણના સ્પંદનો પહોંચે છે. એમાંય વ્યક્તિએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અને કોમામાં જ્ઞાનદશામાં હોય તો દેહ અને આત્મા જુદો છે તેવું કોમામાં પણ હાજર રહી શકે છે.

આત્મજ્ઞાન પામેલી વ્યક્તિની કોમામાં કેવી પરિસ્થતિ હોય તેનું વર્ણન કરતો આ એક પ્રસંગ છે. એક બેન વર્ષોથી પરમ પૂજ્ય દાદા ભગવાનના જ્ઞાન અને ભક્તિમાં લીન રહેતા હતા. મોટી ઉંમરે તેઓ બીમાર થયા. જયારે તેઓ હોસ્પિટલમાં આઈ.સી.યુમાં હતા, ત્યારે તેમના દીકરાએ પૂજ્ય નીરુમાને ત્યાં બોલાવ્યા. બેન તો કોમામાં સૂતા હતા. પૂજ્ય નીરુમા ડૉક્ટરનું ભણ્યા હતા, એટલે મોનિટરમાં દેહના લક્ષણો જોઈને જ તેમને ખ્યાલ આવી ગયો કે બેન પાસે બહુ સમય નથી રહ્યો. એ બેનની દીકરીએ પૂજ્ય નીરુમાને વિનંતી કરી કે “નીરુમા, મમ્મીની વિધિ કરાવો એટલે એમની ગતિ સારી થાય.” પૂજ્ય નીરુમાએ પરમ પૂજ્ય દાદા ભગવાન અને વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીનો ફોટો બેનના કપાળે મૂકીને કહ્યું કે “બોલો, હું શુદ્ધાત્મા છું.” અને અચાનક એ બેન કોમામાં હતા તોય મોટે મોટેથી નૉન-સ્ટૉપ બોલવા લાગ્યા કે “હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું...” અને મોનિટરમાં શરીરના બધા લક્ષણો પણ નોર્મલ દેખાવા લાગ્યા. પછી પૂજ્ય નીરુમાએ એ બેનને પૂછ્યું, “ક્યાં જવું છે?” તો બેન બોલ્યા, “સીમંધર સ્વામી પાસે.” આમ કોમામાં પેશન્ટ બંધ આંખે જવાબ આપે છે એ જોઈને હોસ્પિટલના ડૉક્ટર અને નર્સ બધા અચરજ પામી ગયા અને બધાને કહેવા લાગ્યા કે “મિરેકલ થઈ ગયો!” પણ પછી નીરુમાએ ફોડ પાડ્યો કે “આ મિરેકલ નથી. આત્મદશામાં આવું જ હોય. દેહ કોમામાં છે પણ આત્મા કોમામાં નથી.” પછી પૂજ્ય નીરુમાએ બેનની દીકરીને કહ્યું કે “એમના કાનમાં ધીમેથી ‘હું શુદ્ધાત્મા છું’ બોલ્યા કરજે.” અને પોતે ધીમેથી બહાર નીકળવા ગયા. પૂજ્ય નીરુમા દરવાજા પાસે પહોંચ્યા એવા બેન કોમામાં જ બોલ્યા, “જય સચ્ચિદાનંદ!” પછી એ બેનનું સમાધિ મરણ થયું.

આત્માનું જ્ઞાન હોય તો મૃત્યુ પણ એક મહોત્સવ બની જાય છે! દેહ બેભાન થઈ ગયો હોય, તોય પોતે સંપૂર્ણ ભાનમાં હોય. દેહને વેદના હોય પણ પોતાને વેદનાની અસર ના હોય. આવા સમયે નજીકના સ્વજનો વ્યક્તિના આત્માને પુષ્ટિ આપે તેવી વિધિ, પ્રાર્થના કરે તો તે જરૂર પહોંચે છે.

કર્મના હિસાબો સમજી સમતામાં રહેવું:

ઘણી વાર કુટુંબમાં નાના બાળકને જન્મના થોડા સમયમાં જ જીવલેણ બીમારી લાગુ પડે છે. ચાર-છ મહિનાના કુમળા બાળકને હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લેતા જોઈએ, બાળકના મા-બાપને અસહ્ય દુઃખમાં ડૂબેલા જોઈએ તો પ્રશ્ન થાય કે આ ફૂલ જેવા બાળકે કોઈનું શું બગાડ્યું છે કે એને આવું સહન કરવું પડયું? પણ કર્મનો સિદ્ધાંત સમજાય, કે પોતાને જે ભોગવવું પડે છે એ પોતાના કર્મોના જ હિસાબે છે, તો અંદર સમાધાન રહે.

બાળક હોય, યુવાન હોય કે વૃદ્દ, મૃત્યુ સમયે કોઈના કર્મમાં આપણે ફેરફાર ન કરી શકીએ. પણ કર્મનું ફળ ભોગવતી વખતે તેમના માટે પ્રાર્થના ચોક્કસ કરી શકીએ કે મૃત્યુ પામનાર વ્યક્તિ અને તેના કુટુંબીઓને સમતા રહે.

ઈચ્છા-મૃત્યુ (દયા-મૃત્યુ કે મર્સી કિલિંગ) કરવું કે નહીં?

dying loved one

નજીકનું સ્વજન જયારે રોગથી પીડાતું હોય ત્યારે આપણાથી એમનું દુઃખ જોવાય નહીં, સહન ન થાય. ત્યારે એવા વિચાર આવી જાય છે કે એ રીબાય એના કરતાં ઈન્જેક્શન આપીને કાયમ માટે એમને રાહત આપી દઈએ. પણ પરમ પૂજ્ય દાદા ભગવાન નીચેના પ્રશ્નોત્તરી સત્સંગમાં આવા ‘મર્સી કિલિંગ’ સામે ભારે ચેતવણી આપે છે, અને તે માનવતાની વિરુદ્ધ છે એવું કહે છે.

પ્રશ્નકર્તા : જે રીબાતો હોય તેને રીબાવા દઈએ અને એને મારી નાખીએ તો પછી એનો આવતો ભવ રીબાવાનું બાકી રહે એ વાત બરોબર નથી લાગતી. એ રીબાતો હોય તો એનો અંત લાવવો જ જોઈએ, એમાં શું ખોટું?

દાદાશ્રી : એવો કોઈને અધિકાર જ નથી. આપણે દવા કરવાનો અધિકાર છે, સેવા કરવાનો અધિકાર છે પણ કોઈને મારવાનો અધિકાર જ નથી.

પ્રશ્નકર્તા : તો એમાં આપણું શું ભલું થયું?

દાદાશ્રી : તો મારવાથી શું ભલું થયું? તમે એ રીબાતાને મારી નાખોને તો તમારું મનુષ્યપણું જતું રહે અને એ રીત માનવતાના સિધ્ધાંતની બહાર છે, માનવતાની વિરુદ્ધ છે.

×
Share on