Related Questions

સ્વજનની યાદમાં રડવું આવે તો શું કરવું?

death

નજીકની વ્યક્તિના મૃત્યુ પછી દુઃખ થાય તે સહજ છે. પણ જો સહેજ વિચારણા કરીએ તો સમજાય કે દુઃખી થવાથી કે રડારોળ કરવાથી મૃત્યુ પામેલ સ્વજન પાછા નથી ફરતા. એવા સમયે શું કરવું જેનાથી ઘરમાં પણ શાંતિ રહે અને સ્વજનના આત્માને પણ શાંતિ પહોંચે?

વ્યક્તિ યાદ આવવાનું તો બંધ નહીં થાય. એટલે જેટલી વખત તે યાદ આવે તેટલી વખત અત્યાર સુધી આપણાથી જે જે દુઃખ અપાઈ ગયું હોય તે બધાને યાદ કરીને એમની જ અંદર બેઠેલા ભગવાન પાસે માંફી માંગ્યા કરવાની અને પ્રાર્થના કરવાની કે તેઓ જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિને પામે.

રડવાથી દુઃખના વાઈબ્રેશન પહોંચે:

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આપણે અહીં દુઃખી થઈએ તો તેના સ્પંદન સ્વજનને પહોંચે છે, અને મરનાર વ્યક્તિનો આત્મા જ્યાં હોય ત્યાં તેને દુઃખ થાય છે. આવું થવાનું કારણ એકબીજા પ્રત્યેના રાગ-દ્વેષ અને મમતા છે.

મૃત્યુ પામેલી વ્યક્તિ સાથેના રાગ-દ્વેષ અને મમતાના તાર છૂટે તે માટે શું કરવું? દુઃખી થવાને બદલે પ્રાર્થના કરવી કે તેઓ જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિને પામો, ઊર્ધ્વગતિને પામો. આમ કરવાથી મરનાર વ્યક્તિના આત્માને સુખ શાંતિ પહોંચે છે. સ્વજનના મૃત્યુ સમયે ખૂબ સ્વસ્થતા પૂર્વક સ્વજનને યાદ કરીને પ્રાર્થના અને પ્રતિક્રમણ કરવા. પ્રતિક્રમણ એટલે મૃત્યુ પામનાર વ્યક્તિ સાથે આખી જિંદગી જે જે ભૂલો થઈ હોય તે યાદ કરીને દિલથી માફી માંગવી અને ફરી કોઈની પણ સાથે આવી ભૂલો ના થાય તેવો નિશ્ચય કરવો. તે વ્યક્તિ સાથે જે જે રાગ-દ્વેષ, મોહ, અભાવ, તિરસ્કાર થયા હોય એ બધાના પસ્તાવા લઈને ધોઈ નાખવા જોઈએ. જો આપણે આપણા તરફના રાગ-દ્વેષ-મોહ નહીં ધોઈએ તો આપણે આપણા જ પ્રિય સ્વજનની પ્રગતિમાં અંતરાય કર્યા કરીશું.

death prayer

જુઓ, સ્વજનના મૃત્યુ સમયે કરવાની પ્રાર્થના.

પ્રશ્નકર્તા : એટલે મરી ગયેલી વ્યક્તિ માટે પ્રતિક્રમણો કેવી રીતે કરવાનાં?

દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુધ્ધાત્માને સંભારવાના, ને પછી 'આવી ભૂલો કરેલી' તે યાદ કરવાની (આલોચના). તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં થાય એવો દ્ઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન).

દુઃખી થવાને બદલે કરવી કલ્યાણની ભાવના:

એક કાકાનો જુવાન દીકરો ગુજરી ગયો પછી તેના ફાધર સત્સંગમાં આવ્યા હતા. પરમ પૂજ્ય દાદા ભગવાને એ ભાઈને ઉપાય આપ્યો કે જયારે તેમને તેમના દીકરાની યાદ આવે ત્યારે એના આત્માનું કલ્યાણ થાવ એવું બોલવું. જે ભગવાનને માનતા હોઈએ તેમનું નામ લઈને, દીકરાના આત્માનું કલ્યાણ થાવ એવી ભાવના નિરંતર કર્યા કરવી.

તેઓશ્રીએ કહ્યું હતું કે, “આપણે એના જોડે નિરંતર રહ્યા, જોડે ખાધું-પીધું, તો આપણે એમનું કેમ કલ્યાણ થાવ એવી ભાવના ભાવીએ. આપણે પારકાં માટે સારી ભાવના ભાવીએ, તો આ તો આપણા પોતાના માણસને માટે તો શું ના કરીએ?” અને એ ભાઈને સમાધાન થયું. તેમની સાથેની વાતચીતના અમુક અંશ નીચે મુજબ છે.

આપણા હાથના ખેલ નથી આ અને એને બિચારાને ત્યાં દુઃખ થાય છે. આપણે અહીં દુઃખી થઈએ એની અસર એને ત્યાં પહોંચે છે. તે એનેય સુખી ના થવા દઈએ ને આપણેય સુખી ન થઈએ. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે, 'ગયા પછી ઉપાધિ ના કરશો.' તેથી આપણાં લોકોએ શું કર્યું કે ગરૂડ પુરાણ બેસાડો, ફલાણું બેસાડો, પૂજા કરો ને મનમાંથી ભૂલી જાવ.' તમે એવું કશું બેસાડ્યું હતું? તોય ભૂલી ગયા, નહીં?

પ્રશ્નકર્તા : પણ એ ભૂલાતું નથી. બાપ અને દીકરા વચ્ચે વ્યવહાર એવો હતો કે વ્યવસ્થિત ચાલતો હતો. એટલે એ ભૂલાય એવું નથી.

દાદાશ્રી : હા, ભૂલાય એવું નથી, પણ આપણે ન ભૂલીએ તો એનું આપણને દુઃખ થાય અને એને ત્યાં દુઃખ થાય. એવું આપણા મનમાં એને માટે દુઃખ કરવું એ આપણને બાપ તરીકે કામનું નહીં.

પ્રશ્નકર્તા : એને કઈ રીતે દુઃખ થાય?

દાદાશ્રી : આપણે અહીં દુઃખ કરીએ એની અસર ત્યાં પહોંચ્યા વગર રહે નહીં. આ જગતમાં તો બધું ફોનની પેઠ છે, ટેલિવિઝન જેવું છે આ જગત! અને આપણે અહીં ઉપાધિ કરીએ તો એ પાછો આવવાનો છે?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કોઈ રસ્તે આવવાનો નથી?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ઉપાધિ કરીએ તો એને પહોંચે છે અને એના નામ ઉપર આપણે ધર્મ-ભક્તિ કરીએ તોય એને આપણી ભાવના પહોંચે છે ને એને શાંતિ થાય છે. એને શાંતિ કરવાની વાત તમને કેમ લાગે છે? અને એને શાંતિ કરીએ એ તમારી ફરજ છેને? માટે એવું કંઈક કરોને કે એને સારું લાગે. એક દહાડો સ્કૂલનાં છોકરાંઓને જરા પેંડા ખવડાવીએ એવું કંઈક કરીએ.

રડવું આવે પોતાના મોહથી ને સ્વાર્થથી:

આપણે રસ્તામાં કોઈની અંતિમ યાત્રા જતી જોઈને સહાનુભૂતિ કે પ્રાર્થના થાય, પણ શું આપણને રડવું આવે છે? ના! કારણ કે એ વ્યક્તિને આપણે ઓળખતા જ નથી. અથવા ઓળખીએ છીએ તો પણ એમની સાથે નજીકનો સંબંધ નથી. પણ જો કોઈ અંગત વ્યક્તિનું મૃત્યુ થાય તો રડવું અવશ્ય આવે છે. મૃત્યુ તો મૃત્યુ જ છે. તો આ બે પરિસ્થિતિમાં શું ફરક છે? એક વ્યક્તિનું મૃત્યુ આપણને રડાવે છે જયારે બીજી વ્યક્તિનું મૃત્યુ રડાવતું નથી. વાસ્તવમાં વ્યક્તિ નહીં પણ આપણી મમતા અને મોહ આપણને રડાવે છે. જેટલો મોહ વધુ તેટલું રડવું વધારે આવે. આમ, વ્યક્તિ પ્રત્યેનો મોહ આંસુના માધ્યમથી બહાર નીકળી જાય છે.

બીજું, કોઈ કુટુંબીજન એવું વિચારીને નથી રડતાં કે, “મારા વગર એમને રોજ કોણ જમાડશે? એમને મારા હાથની ચા ભાવતી હતી, એ કોણ પીવડાવશે?” પણ “મારો આધાર જતો રહ્યો, હવે મારું શું થશે?” એ વિચારે રડે છે. જેમની કમાણીથી ઘર ચાલતું હોય એવા ઘરના વડીલ અચાનક ગુજરી જાય અને મિલકતમાં પાછળ કશું ના મૂકી જાય તો આર્થિક મુશ્કેલીના વિચારે રડવું આવે છે. જે વ્યક્તિ સાથે રાત-દિવસ રહેતા હોઈએ એમની વિદાય થતાં ઘરમાં એકલતા પોતાને કોરી ખાશે એ ભયથી રડે છે. મારા બાળકોને કોણ સાચવશે એ વિચારે રડે છે. ટૂંકમાં, સૂક્ષ્મમાં કોઈ સ્વાર્થ છે જે આપણને રડાવે છે. પણ જો વ્યક્તિ મૃત્યુ પામશે પછી બધી રીતે માનસિક, આર્થિક અને સામાજિક રીતે પૂર્વ તૈયારી કરી રાખી હોય તો એટલું રડવું નથી આવતું.

પૂજ્ય નીરુમા એક રસપ્રદ પ્રસંગનું વર્ણન કરે છે. એક ભાઈના માસા ગુજરી ગયાને મહિનો થઈ ગયો હતો, માસી પોક મૂકીને રડતા હતા. ભાઈએ બહુ સમજાવ્યું તોય માસીનું રડવાનું બંધ નહોતું થતું. ત્યારે પૂજ્ય નીરુમા માસીને મળ્યા અને સમજણ પાડી કે, “માસી મહિનો થઈ ગયો, હવે માસા તો બીજી બાજુ જન્મી ચૂક્યા હશે”. કારણ કે, જે સમયે આત્મા એક દેહ છોડે, તે જ સમયે ખેંચાઈને લાંબો થાય અને બીજા દેહમાં જ્યાં પિતાનું વીર્ય અને માતાનું રજ ભેગું થવાનો સંજોગ હોય ત્યાં પ્રવેશીને તરત જન્મ લઈ લે છે એટલે મૃત્યુ પામનાર વ્યક્તિ તરત ક્યાંક જન્મી ચૂક્યા હોય. પછી પૂજ્ય નીરુમાએ બેનને વેધક પ્રશ્ન પૂછ્યો કે, “ધારો કે, દસ-પંદર વર્ષ પછી તમે મરી ગયા, તો માસા તમારી રાહ જોઈને બેસી રહ્યા હશે કે બીજી માસી લઈને બેસી ગયા હશે?” કારણ કે ત્યારે માસી તેમનાથી દસ-પંદર વર્ષ નાના હશે. તરત જ માસીને ભાન થયું અને તેઓ એકદમ શાંત થઈ ગયા. પછી બોલ્યા કે “સાચી વાત છે, હવે નહીં રડું.” આમ સાચી સમજણથી પણ સ્વજનનું દુઃખ વિસરાઈ જાય છે.

સમય દરેક દર્દની દવા છે. જેમ જેમ સમય વીતે તેમ તેમ વ્યક્તિના જવાનું દુઃખ આપોઆપ વિસરાઈ જાય છે, ખાલીપો પૂરાઈ જાય છે. અમુક મહિના કે વર્ષો જતા જીવન એકદમ નોર્મલ થઈ જાય છે. પહેલા જે રીતે દિવસો ગાળતા હતા તેમ દિવસો અત્યારે પણ પસાર થવા લાગે છે.

સથવારો સ્મશાન સુધી જ!

પરમ પૂજ્ય દાદાશ્રી ખૂબ જ વ્યવહારિક દ્રષ્ટિથી સ્વજનના મૃત્યુ સમયની સ્થિતિનું યથાર્થ વર્ણન કરે છે, અને એવા પ્રશ્નો મૂકે છે જે સાંભળવામાં થોડા કઠિન લાગે, પણ આપણને ચોક્કસ વિચારતા કરી મૂકે છે. વધુ વિચારણા કરીએ તો જગતની હકીકત શું છે તે ખુલ્લી થાય છે.

ક્યારેય આપણે વિચાર્યું કે સૌથી પ્રિય સ્વજનના મૃત્યુ સમયે કુટુંબમાં “તમારા વગર મારાથી નહીં જીવાય!” એવું બોલનારા તો ઘણા હોય, પણ ખરેખર એમની પાછળ ચિતામાં કોઈ ઝંપલાવે છે? દેહને સ્મશાનમાં બાળીને બધાં ઘરે આવીને પછી બેસીને ચા-નાસ્તો નથી કરતા? વ્યક્તિના ગયા પછી ઘરનાં લોકો એમની ચિંતા કરીને રડે છે કે પોતાની ચિંતામાં વધારે રડે છે?

પરમ પૂજ્ય દાદા ભગવાન દુનિયાની આ વાસ્તવિકતાની સમજણ વ્યવહારિક દ્રષ્ટિકોણથી અહીં ખુલ્લી કરે છે.

દાદાશ્રી : આ ઓશીકું હોય છે, તે એનું ખોળિયું બદલાયા કરે પણ ઓશીકું તેનું તે જ. ખોળિયું ફાટી જાય ને બદલાયા કરે, એવું આ ખોળિયું પણ બદલાયા કરવાનું.

બાકી આ જગત બધું પોલમપોલ છે. છતાં વ્યવહારથી ના બોલે તો પેલાના મનમાં દુઃખ થાય, પણ સ્મશાનમાં જોડે જઈને ત્યાં ચિતામાં કોઈ પડ્યું નહીં. ઘરના બધાંય પાછાં આવે. બધા ડાહ્યાંડમરાં જેવાં છે, એની મા હોય તો એય રડતી રડતી પાછી આવે.

પ્રશ્નકર્તા : પાછું એના નામનું કૂટે કે કશું મૂકી ના ગયા અને બે લાખ રૂપિયા મૂકી ગયા હોય તો કશું બોલે નહીં.

દાદાશ્રી : હા, એવું. આ તો નથી મૂકી ગયો તેનું રડે છે કે, 'મરતો ગયો અને મારતો ગયો' એવું હઉ અંદર અંદર બોલે! 'કશું મેલ્યું નહીં ને અમને મારતો ગયો!' હવે પેલાએ ના મૂક્યું એમાં પેલી બઈનું નસીબ કાચું એટલે ના મૂક્યું, પણ પેલાને ગાળો ખાવાની લખેલી તે ગાળોય ખાધીને! આવડી આવડી ચપોડે!

અને આપણાં લોકો સ્મશાનમાં જતાં હશે, તે પાછાં નથી આવતાંને કે બધાંય પાછાં આવે? એટલે આ તો એક જાતનો ફજેતો છે! અને ના રડે તોય દુઃખ ને રડે તોય દુઃખ. બહુ રડે ત્યારે લોક કહેશે કે, 'લોકોને ત્યાં નથી મરી જતાં, તે આવું તમે રડ રડ કર્યા કરો છો? કેવા, મગજના ચક્કર છો કે શું?' અને ના રડે તો કહેશે કે, 'તમે પથરા જેવા છો, હ્રદય પથ્થર જેવું છે તમારું!' એટલે કઈ બાજુ ચાલવું તે જ મુશ્કેલી! બધું રીતસરનું હોય, એવું કહેશે.

ત્યાં આગળ સ્મશાનમાં બાળશેય ખરાં અને બાજુમાં હોટલમાં બેઠાં બેઠાં ચા-નાસ્તો કરશે, એવું નાસ્તા કરે છે કે લોકો?

પ્રશ્નકર્તા : નાસ્તો લઈને જ જાય છેને!

દાદાશ્રી : એમ! શું વાત કરો છો? એટલે આવું છે આ જગત તો બધું! આવા જગતમાં શી રીતે મેળ પડે?

'જજો-આવજો' એવું બાંધે ખરાં પણ માથે ના લે. તમે લો છો માથે હવે? માથે લો છો? વહુનું કે કોઈનુંય નહીં?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શું વાત કરો છો? અને એ તો હજુ તો વહુને સોડમાં ઘાલીને બેસાડ બેસાડ કરે છે. કહેશે, તારા વગર મને ગમતું નથી. અને સ્મશાનમાં કોઈ જોડે આવે નહીં. આવે કોઈ?

કલ્પાંત – કલ્પના અંત સુધી ભટકવાનું:

સ્વજનના મૃત્યુ સમયે ક્યારેક એવું પણ જોવા મળે છે કે કુટુંબીજનો ભારે કલ્પાંત કરી મૂકે છે. ઘણાં તો માથા પછાડે ને પરિણામે બેભાન પણ થઈ જાય છે. સમજી શકાય કે મૃત્યુ એ દુઃખદાયી ક્ષણ છે. પણ જેનો ઉપાય જ નથી, જે નિવારી શકાય તેમ નથી, જ્યાં ખરેખર હાથ-પગ વાળીને બેસી જવાની જગ્યા છે ત્યાં હાથ-પગ, માથાં પછાડીએ તો શું મળે?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ એક ફેરો કલ્પાંત કર્યું તો 'કલ્પ'ના અંત સુધી ભટકવાનું થઈ ગયું. એક આખા 'કલ્પ'ના અંત સુધી ભટકવાનું થયું આ!

એક કલ્પ એટલે આખા કાળચક્રનો અડધો ભાગ. કલ્પના અંત સુધી એટલે કે બીજા છ આરાં પાછું ભટકવું પડે. એટલે જેટલું બને તેટલું કલ્પાંત કર્યા વગર મૃત્યુના દુઃખને શમાવવું  જોઈએ.

ગયા એ ગયા, હવે હાજરને સંભાળો:

કોઈ વ્યક્તિ અમરફળ લઈને આવતું નથી. સ્વજનનું મૃત્યુ થાય ત્યારે એમની પાછળ દુઃખ અને વિષાદમાં રડ્યા કરીએ તો ખોટો ટાઈમ નકામો જાય છે. ઘરની જવાબદાર વ્યક્તિ તરીકે આવા સમયે આપણી ફરજ છે કે ઘરનાં બીજા લોકોને સાચવી લઈએ. જે ગયા એ ગયા, પણ જે હાજર છે, મા-બાપ, પતિ-પત્ની કે બાળકો, તેમને સંભાળી લેવા જોઈએ.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જીવતા હોય એને શાંતિ આપો. ગયું એ તો ગયું, એને સંભારવાનુંય છોડી દો. અહીં જીવતાં હોય, જેટલાં આશ્રિત હોય એને શાંતિ આપીએ, એટલી આપણી ફરજ. આ તો ગયેલાંને સંભારીએ અને આમને શાંતિ ના અપાય, એ કેવું? એટલે ફરજો ચૂકો છો બધી.”

×
Share on