સમાજમાં અનેક પ્રકારની લૌકિક માન્યતાઓ પ્રવર્તે છે કે મૃત્યુ પછી વ્યક્તિનો જીવ તેર દિવસ સુધી ભટકે છે. તેમને શાંતિ આપવા માટે અગિયારમા દિવસે પાણી પીવડાવવામાં આવે છે. તેમની સદગતિ થાય તે માટે બ્રાહ્મણોને દાન-પુણ્ય કરવાનો મહિમા છે. અમુક માન્યતા પ્રમાણે આત્મા અંગૂઠા જેટલો થઈને છાપરે બેસી રહે છે. એવું પણ કહેવાય છે કે જીવને વિશ્વાસ આવે કે પોતાના પ્રિયજનોને ઘરની વ્યક્તિઓ સંભાળી લેશે, પછી જ તે મુક્ત થાય છે. આ બધું કરવા પાછળનો હેતુ શો છે? શું ખરેખર જીવ તેર દિવસ ભટકે છે? બારમું અને તેરમું કરવું કે નહીં?
પરમ પૂજ્ય દાદા ભગવાન આ પ્રશ્નોનો અત્યંત સચોટ અને સ્પષ્ટ ખુલાસો આપે છે. સાચી વાત જાણવા ઉત્સુક જિજ્ઞાસુના પ્રશ્નના જવાબમાં તેઓશ્રીએ જેમ છે તેમ હકીકત ખુલ્લી કરી છે.
ખરેખર તો મૃત્યુ પછી આત્મા એક દેહમાંથી તે જ સમયે સીધો જ બીજી યોનિમાં જાય છે. જયારે મનુષ્યના છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે આત્મા શરીરમાંથી ખેંચાય છે. આત્મા ખેંચાઈને બીજા ગર્ભમાં પહોંચી જાય, પછી આ દેહ છોડે છે અને નવો જન્મ લે છે. જેમ સાપ તેના એક દરમાંથી બહાર નીકળતો હોય અને બીજા દરમાં અંદર પેસતો હોય તેમ, આ દેહમાંથી આત્મા એક બાજુ નીકળતો હોય અને બીજી બાજુ જન્મ લે છે.
ધારો કે, અમદાવાદમાં કોઈનો દેહ છૂટવાનો હોય અને વડોદરામાં જન્મ થવાનો હોય તો, આત્મા એક દેહ છોડ્યા વિના, જ્યાં જવાનો હોય એટલો ખેંચાય, લાંબો થઈ શકે. પિતાનું વીર્ય અને માતાનું રજ આ બંને ભેગા થવાનો ટાઈમિંગ થાય, ત્યારે ત્યાં યોનિમાં પ્રવેશે છે. જ્યાં સુધી નવું સ્થાન મળ્યું નથી ત્યાં સુધી જૂનું ઘણું કરીને છોડતો નથી. એના સ્થિતિસ્થાપક ગુણને લઈને લાંબો થઈને એક છેડો જૂના દેહમાં ને બીજો છેડો નવા કાર્ય શરીરમાં લઈ જાય છે પછી જ જૂનો દેહ છોડે છે.
મૃત્યુ વખતે તરત જ જીવ બીજો દેહ ધારણ કરી લે છે, એટલે જીવ ભટકે છે એ વાત સાચી નથી. પણ સમાજમાં આ માન્યતાઓનું સ્થાપન કરીને લૌકિક ક્રિયાઓ કરવા પાછળનો હેતુ સ્વજનના મૃત્યુ પછી પરિવારજનો શુભ ક્રિયાઓમાં સમય ગાળે તે માટેનો છે. પરમ પૂજ્ય દાદા ભગવાને ઘણીખરી લૌકિક માન્યતાઓ પાછળના હેતુને યથાર્થ રીતે સમજાવ્યા છે.
મૃત્યુ સમયે બધાને આ અનુભવ થયો છે કે ભલભલા મોહ ઊતરી જાય છે અને થોડા સમય માટે વૈરાગ્ય આવી જાય છે. કારણ કે, મૃત્યુ એક એવી ઘટના છે જેમાં દેહનું વિનાશીપણું સમજાય છે. જે દેહ માટે, દેહના સુખો અને દેહના સંબંધો માટે આખી જિંદગી રાગ-દ્વેષ, મોહ, કષાય કર્યાં એ દેહ એક દિવસ અહીં મૂકીને જતા રહેવાનું છે એ વાસ્તવિકતાનું ભાન મૃત્યુ જ આપણને કરાવે છે.
મૃત્યુ પછી ગરુડપુરાણ બેસાડવામાં આવે છે. તેમાં મૃત્યુ પછી જીવની ગતિનું વર્ણન છે. નર્કનું વર્ણન સાંભળીને સાંભળનારા મનુષ્યો જીવતાજીવ ખોટાં કર્મો કરતાં અટકી શકે છે અને તેમને સંસારની ભટકામણમાંથી છૂટવાની ભાવના થાય છે. સ્વજનના મૃત્યુ સમયે સહજ વૈરાગ્ય આવ્યો હોય ત્યારે ગીતાનો પાઠ કરવાથી લોકોની અધ્યાત્મ તરફની રુચિ વિકસે છે. પોતાના આત્માનો સાક્ષાત્કાર કરીને મોક્ષે જવાની ભાવના મજબૂત બને છે.
ઘણીવાર આ વૈરાગ્ય લાંબો સમય ટકે અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. જયારે મોટેભાગે આવો વૈરાગ્ય થોડા સમય ટકે અને પછી હતું તેવું ને તેવું જીવન થઈ જાય છે. પણ આ શાસ્ત્રોનું વાંચન કરવાનો હેતુ જીવનને સાચી દિશામાં વાળવા માટે હતો, જેમાંથી હેતુ વિસરાઈ ગયો છે અને ફક્ત ક્રિયાઓ રહી ગઈ છે. આજે લોકો દેખાદેખીથી અથવા સમાજના દબાણને લઈને આ ક્રિયાઓ કરે છે.
સ્વજનના મૃત્યુ પછી અમુક દિવસો સુધી શોક પાળવા અને ધાર્મિક ક્રિયાઓ ગોઠવવા પાછળ ચોક્કસ હેતુ હતો. પણ આજકાલ આ ક્રિયાઓ કરવા પાછળ સમાજનું લક્ષ, પોતાના સ્વજન માટેની સદ્ભાવના ઉપર ન રહેતા, પોતાની પ્રતિષ્ઠા વધારવા ઉપર વધારે રહે છે.
એટલે સમાજમાં વાહ વાહ માટે ક્રિયાઓ કરવી યોગ્ય નથી. પણ સાથે સાથે ખર્ચ બચાવવાના લોભથી ક્રિયાઓ ના કરીએ તે પણ યોગ્ય નથી. લોકોને જમાડવાનો અને દાન-પુણ્ય કરવાનો ખર્ચ પહોંચી ન વળાય તો દેવું કરીને પણ આ ક્રિયાઓ કરવી તે ફરજીયાત નથી. સ્વજનના આત્માને શાંતિ થાય અને ઘરના લોકોને સમતા રહે તે હેતુ જાળવીને પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરવો જોઈએ.
પરમ પૂજ્ય દાદાશ્રી લૌકિક ક્રિયાઓની આવશ્યકતાનો સુંદર ફોડ આપે છે.
પ્રશ્નકર્તા : આ મૃત્યુ પછી બારમું કરે છે, તેરમું કરે છે, વાસણો વહેંચે છે, જમણવાર કરે છે, એનું મહત્ત્વ કેટલું?
દાદાશ્રી : એ ફરજિયાત વસ્તુ નથી. એ તો પાછળ વાહ વાહ કરાવડાવવા માટે કરે છે. અને જો ખર્ચ ના કરે ને તો એ લોભી થયા કરે. બે હજાર રૂપિયા અપાવ્યા તો ખાય-પીવે નહીં ને બે હજારની પાછળ ઉમેર ઉમેર કર્યા કરે એટલે આવો ખર્ચો કરે એટલે પાછું મન ચોખ્ખું થઈ જાય ને લોભ ના વધે. પણ તે ફરજિયાત વસ્તુ નથી. પાસે હોય તો કરવું, ના હોય તો કંઈ નહીં.
પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય તો મૃત વ્યક્તિ પ્રત્યે આદર દર્શાવવા માટે માથે મુંડન કરવામાં આવે છે. તેની પાછળનું રસપ્રદ રહસ્ય પરમ પૂજ્ય દાદા ભગવાન અહીં ખુલ્લું કરે છે.
પ્રશ્નકર્તા : ઘરમાં કોઈ મરી જાય એની પાછળ માથું મુંડાવે, તે કંઈ કારણ હશે ને?
દાદાશ્રી : ગામવાળાને એના બાપા મરી ગયા છે એની શી રીતે ખબર પડે? એટલે આ માથું મુંડાવી નાખે, મૂછો કઢાવી નાખે એટલે લોક જાણે કે આ ભાઈને ઘેર કશુંક મરણું થયું છે. એટલે પછી ‘હેંડ મારી જોડે લગનમાં’ એવી તેવી વાતચીત ના કરે. આ તો હિન્દુસ્તાનના રિવાજ, કંઈ ને કંઈ આશય વગર તો હોય જ નહીંને! એણે માથે બોડાવેલું હોય, પછી કોઈ પૂછે કે, ‘તારા ફાધરની તબિયત કેમની છે?’ ના, કારણ કે માથું બોડાવેલું એટલે પછી સમજી જાય. કંઈક ઓળખવાનું સાધન તો જોઈએ કે ના જોઈએ?
Q. સ્વજનના અંતિમ સમયે શું સાચવવું?
A. કુટુંબમાં કે નજીકના કોઈ સ્વજન મોટી ઉંમરના હોય, અને એમનો અંતિમ કાળ નજીક આવ્યો હોય ત્યારે જેવું એક... Read More
Q. પ્રિય સ્વજનના મૃત્યુનું દુઃખ કઈ રીતે દૂર થાય?
A. પ્રિય સ્વજનના મૃત્યુની ઘટનાના સાક્ષી બનવું એ ખૂબ જ દુઃખદ અનુભવ છે. પણ જે બન્યું તેને ફેરવી શકાય... Read More
Q. સ્વજનની યાદમાં રડવું આવે તો શું કરવું?
A. નજીકની વ્યક્તિના મૃત્યુ પછી દુઃખ થાય તે સહજ છે. પણ જો સહેજ વિચારણા કરીએ તો સમજાય કે દુઃખી થવાથી... Read More
A. સામાન્ય રીતે જે ઘરમાં મૃત્યુ થયું હોય એ ઘરનું વાતાવરણ કેવું હોય? બધે જ ગમગીની અને શોકનો માહોલ હોય.... Read More
Q. પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરીએ છીએ?
A. श्रद्धया दीयते यत् तत् श्राद्धम् । (શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે.) શ્રાદ્ધ માટે પ્રવર્તતી... Read More
subscribe your email for our latest news and events