Related Questions

ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?

બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું અથવા બાળકને કઈ રીતે ઉછેરવું એ એક પેરેન્‍ટિંગ કળા છે. બાળકને સંસ્કારી કઈ રીતે બનાવવું તે જાણવા માટે તમારે કેટલીક હકારાત્મક પેરેન્‍ટિંગ વાતો જાણવી જરૂરી છે. શું તમે જાણો છો કે બાળકો જે કંઇ પણ તમારામાં જૂએ છે તે જ શીખે છે? તમારૂં નિરીક્ષણ કરીને જ બાળકો શીખે છે. તમે જે કંઇ કરશો, તેની તેઓ નકલ કરશે. તેથી જો તમે સારા સંસ્કારી માણસ બનશો, તો તેઓ પણ બનશે. આ ખૂબ મહત્વની બાળ-ઉછેરની ચાવી છે.

Parent Child

જો તમે શાકાહારી છો, તમે દારૂ નથી પીતા અને તમે તમારા પત્ની સાથે આદર સહિત વર્તન કરો છો, તો તમારા બાળકો પણ તમારા આવા ગુણોની નોંધ લેશે. તેઓ એવી નોંધ લેશે કે, કેવા બીજાના માતા-પિતા ઝઘડે છે, જ્યારે તેઓના માતા-પિતા તેવું નથી કરતા. તેઓ આવું માત્ર સાદા નિરિક્ષણથી જ શીખશે.

જો તમે એવું સમજો છો કે કઇ રીતે ગુલાબના છોડની માવજત કરવી જોઇએ, તો પછી તે ખરેખર ખૂબ સુંદર રીતે ખીલી ઊઠશે. અને જો તમને આવી સમજણ નહિ હોય તો પછી, તમે મહિના સુધી તો છોડને પાણી પાવાનું જ ભૂલી જશો, અને તેથી તે સૂકાઇ જશે. તેથી, માતા-પિતાએ બાળકને ઉછેરવા માટેની કળા શીખી જ લેવી જોઇએ.

પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા વર્ણવેલા સર્ટિફાઇડ માતા-પિતાના ગુણોને જાણવા માટે નીચે વાંચો, જો કઈ રીતે બાળકને શિસ્તબધ્ધ બનાવવું તે જાણવું હોય તો આ ગુણો અતિ મહત્વના છે :-

  • સર્ટિફાઇડ માતા-પિતા બનવા માટે, ઘણા બધા ગુણોની જરૂર છે. તે ખૂબ મોટી જવાબદારી છે. જો માતા –પિતા એવી વાણી બોલે કે જે બાળકના હ્રદયને સ્પર્શી જાય તો, પછી તેઓ સર્ટીફાઇડ પિતા અથવા માતા ગણાય છે.
  • માતા- પિતા ખૂબ પ્રભાવશાળી હોવા જોઇએ. જો માતા પિતા બાળક ઉપર ગુસ્સે ન થાય તો પછી, તે બાળક માતા પિતા કરશે તેવું જ ખરેખર કરશે. 
  • બાળકો તેમના પોતાના જ કર્મોના હિસાબો લાવેલ હોય છે, પરંતુ તેની ઉપર પણ, તેઓ તેમની આસપાસ જે થતું હોય તેનું નિરીક્ષણ કરીને ખરેખર વધુ સજ્જ થતા હોય છે. કેટલીક વસ્તુઓ બહારથી સારી દેખાતી હોય છે, પરંતુ જો તેની પાસે ખોટી સમજણ હશે, તો તેને મનમાં થશે, ‘ આ આવા શા માટે છે?’ તેને એવું સમજાવવું જોઇએ કે, ‘ સમસ્યા પોતાની અંદર જ છે.’ માતા-પિતાએ ક્રોધ-માન-માયા-લોભ એ બધું સદંતર બંધ કરી દેવું જોઇએ કારણ કે તેઓના નૈતિક અને સંસ્કારી ગુણોને જોઇને, બાળકો પણ તેની નકલ કરશે.
  • માતા-પિતામાં જે મહત્વનો એક ગુણ હોવો જોઇએ તે એ છે કે તેમની નબળાઇઓ કોઇને પણ જણાઇ ન આવે ખાસ કરીને તેમના બાળકોને – તેની ખાતરી રાખવી જોઇએ. જો આ બધી નબળાઇઓ ઊભી થાય તો પણ માત્ર તેમને જ અસર થવી જોઇએ. બીજા કોઇને નહિ, બાળકને પણ મુશ્કેલી ન થવી જોઇએ. આ રીતે તમારે જીવવું જોઇએ. બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું તેની આ એક અસરકારક ચાવી છે.

શારિરીક કે વાચિક દુર્વ્યવહારોથી આ દુનિયામાં કોઇને પણ સુધારી શકાતા નથી. જ્યારે તમે ઉદાહરણ ઊભુ કરો છો ત્યારે તેઓમાં સુધારો આવે છે. સાચા વ્યવહારનું બીજ વાવીએ તો તેમને ફાયદો થાય છે.

અહીં બાળકને શિસ્તબધ્ધ રીતે અને સારી ટેવો વાળા કઇ રીતે ઉછેરવા તેની કેટલીક પોઝિટિવ પેરેન્‍ટિંગ ટિપ્સ આપેલ છે

  • બાળકોને તેમનું કામ કરવા માટે સમજાવવાની જરૂર છે.
  • ક્યારેક ક્યારેક સાચી સમજણ આપતી સાવચેતીપૂર્વકની વાતો બાળકને પાછુ વાળે છે.
  • કુંટુંબમાં દરેકની સાથે યોગ્ય વાતો કરો. જ્યારે બાળક નાનું હોય ત્યારે તેને નાનું નાનું કામ સોંપો અને તેના સારા વર્તનની પ્રશંસા કરો. અને તેની ખરાબ આદતો પર ધ્યાન ન આપો. જે કંઇ પણ સારી આદતો તમે બાળકમાં રોપવા ઇચ્છો છો, તેના માટે હકારાત્મ અભિગમ અપનાવો – તે આદત માટે બાળકે લીધેલ નાના પગલાની પણ પ્રશંસા કરો અને તે માટે બાળકે કશું પણ ખોટું કર્યું હોય તેને જરા પણ યાદ ન અપાવો. ધીરજ રાખો કારણ કે તેમાં થોડો સમય લાગશે.
  • જ્યારે બાળકોને ખીજાવામાં આવે છે, ત્યારે તેઓ સત્ય કહેતા નથી અને વસ્તુઓને છુપાવવાનું શીખે છે. આ રીતે જગતમાં કપટ ઊભુ થાય છે. આ જગતમાં કોઇને ખીજાવાની જરૂર નથી. જો તમારો છોકરો મૂવી જોઇને ઘરે આવે છે અને તમે તેને ન જોવા માટેનું કહેશો, તો ફરી વખત એ મૂવી જોવાનું વિચારશે ત્યારે કશું ખોટું બહાનું બતાવશે. જો માતા ખૂબ જ કડક હશે તો બાળક બીજા સાથે કઈ રીતે વાતચીત કરવી તે શીખશે નહિ.
  • જો તમે બાળકોને મારવાનું ચાલુ રાખશો, તો પછી તેઓ બહાર રક્ષણ શોધશે. કિશોરાવસ્થામાં આવતા ‘બોયફ્રેન્‍ડ’ કે ‘ગર્લફ્રેન્‍ડ’ શોધશે, તેવું એનું પરિણામ આવશે. તેઓને મનમાં એવું થવું જોઇએ કે , ‘હું ક્યારે ઘરે જઉં જેથી મારા પિતા સાથે બેસી શકું?’ એટલો બધો પ્રેમ હોવો જોઇએ. તેના બદલે આપણે માર્યા કરીશું, તો તેઓને પ્રેમ અનુભવાશે નહિ અને બીજી દિશામાં દોરવાઇ જશે. મારવાથી કે શિક્ષા કરવાથી કાયમી શિસ્ત કેળવી શકાય નહિ, પ્રેમ જ માત્ર એવી સરળ અને વ્યવહારુ ચાવી છે જે બાળકને કઈ રીતે શિસ્તબધ્ધ બનાવવું તે શીખવે છે.
  • ઘૃણામાં છૂપાયેલો પ્રેમ અંતે તો નિષ્ફળ જ જાય છે: જો તમારો પુત્ર દારૂ પીને આવે અને તમને દુ:ખ પહોંચાડે તો તમે કહેવા લાગશો, “ આ છોકરો મને ખૂબ દુ:ખ પહોંચાડે છે.” પરંતુ આ જ તમારી ભૂલ છે. (છોકરો તો તેના કર્મોના હિસાબો પૂરા કરે છે.) તેથી, તમારા ભાવ અને અભિગમ બગાડ્યા વિના શાંતિથી સહન કરો. તેના માથે પ્રેમથી હાથ ફેરવો અને તેને કહો, “બેટા, આવું ન થવું જોઇએ.” તેને પ્રેમથી સમજાવો; તેના પ્રત્યે કોઇ નફરત ન દર્શાવો. તમે ખરેખર તો તેને નફરત કરવા લાગો છો, કારણ કે તમે માનો છો કે, ‘તે ખરાબ છે.’ પરંતુ જો તમે ઘૃણા ત્યાગી દેશો અને પછી પ્રયત્ન કરશો, તો કામ થશે.
  • બાળકો સાથે બાળકની જેમ વાતચીત કરો. જો તમે વડીલની જેમ વર્તન કરશો, તો તે તમારાથી ડરશે. તમારે તેઓને સમજાવીને તેમની ભૂલો બતાવવી જોઇએ. તમારાથી તેઓને ડરવા માટેનું કોઇ કારણ ન હોવું જોઇએ. તમારે શુધ્ધ પ્રેમ સ્વરૂપ બનવું જોઇએ.
  • ભય માત્ર આંખોથી જ હોવો જોઇએ, હાથ દ્વારા નહિ. તેથી જ્યારે તેઓ કોઇ ભૂલ કરે છે અને ત્યારે તેને મારવાને બદલે જો તમે તેને દરરોજ જેવો પ્રેમ કરતા હોવ તે આપવાનો બંધ કરી દો તો તેઓ સહજ રીતે જ અંદરથી સમજી જશે. તેઓને ખ્યાલ આવશે કે તેમને શિક્ષા કરવામાં આવી રહી છે અને તેઓ સચેત થઈ જશે.
  • મુશ્કેલ સમસ્યાઓ સમભાવ અને કરૂણાથી ઉકેલવી જોઇએ.

એક માણસ હતો, જે દરરોજ મોડી રાતે ઘરે આવતો. તે રાતે બહાર જે કંઇ કરતો હતો તેનું વર્ણન કરવા જેવું નથી. તે માણસને ખીજાવામાં આવે કે ઘરની બહાર મૂકી આવવામાં આવે તો સમગ્ર કુટુંબને નુકસાન થાય તેમ છે. જ્યારે તેનો મોટો ભાઇ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને મારી નાખવાની તે ધમકી આપે છે. તેનું કુટુંબ મારી પાસે સલાહ લેવા આવ્યું. મેં તેઓને કહ્યું કે તમારે કોઇએ તેને કંઇ પણ કહેવું ન જોઇએ, નહિ તો તેનું અવળું પરિણામ આવશે. વધારામાં, જો તેઓ તેને ઘરની બહાર મૂકી આવશે, તો તો એ ગૂંડો બની જશે. મેં તેઓને કહ્યું કે તેના પર ધ્યાન આપ્યા વિના તેને ઘરમાં આવવા દો અને તે જે કરે તે કરવા દો. તેના પ્રત્યે કિંચિંતમાત્ર રાગ કે દ્વેષ ન થવા દો. તમારે બધાએ તેના પ્રત્યે સમભાવ અને કરૂણા રાખવાની. ત્રણ અથવા ચાર વર્ષ પછી,તે માણસ સારો વ્યક્તિ બની ગયો. આજે તે પરિવારની અમૂલ્ય સંપત્તિ સમાન છે. માટે, સમભાવ અને કરૂણા અત્યંત આવશ્યક છે જ્યારે બાળકને શિસ્તબધ્ધ બનાવવાની બાબત હોય ત્યારે.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on